પુરુષોનો પરમાત્માપ્રેમ

18 October, 2021 10:27 AM IST  |  Mumbai | Ruchita Shah

અફકોર્સ કોવિડમાં એને પણ બ્રેક લાગી હતી. જોકે પ્રશ્ન એ છે કે શ્રદ્ધાનું કયું બળ તેમને દર મહિને દૂર સુધી ત્યાં ખેંચી જાય છે અને ત્યાં પહોંચ્યા પછી આસ્થાના કયા સ્તર પર તેઓ હોય છે એ જાણીએ

પુરુષોનો પરમાત્માપ્રેમ

આવતી કાલે શરદ પૂનમ છે એ નિમિત્તે અમે કેટલાક એવા પુરુષો સાથે વાત કરી જેઓ ખાસ પૂનમ ભરવા માટે વિશેષ દેવસ્થાનકે જાય છે. અફકોર્સ કોવિડમાં એને પણ બ્રેક લાગી હતી. જોકે પ્રશ્ન એ છે કે શ્રદ્ધાનું કયું બળ તેમને દર મહિને દૂર સુધી ત્યાં ખેંચી જાય છે અને ત્યાં પહોંચ્યા પછી આસ્થાના કયા સ્તર પર તેઓ હોય છે એ જાણીએ

આસ્થા, શ્રદ્ધા, ભક્તિ, કરુણા જેવી ક્વૉલિટીઝ સ્ત્રૈણ ગણાઈ છે. દેખીતી રીતે જ મહિલાઓમાં એ વિશેષ જોવા મળે, પરંતુ પુરુષો પણ એનાથી પર નથી. નરસિંહ મહેતાથી લઈને તુકારામ જેવા અઢળક સંતો આપણે ત્યાં થઈ ગયા જેઓ ભક્તિરસમાં તરબોળ હતા. જોકે સામાન્ય પુરુષો, પરિવાર ધરાવતા અને સહજ જીવન જીવતા પુરુષો પણ આ જ રીતે મનોમન ભક્તિમય હોય ખરા? તેમની શ્રદ્ધા એવી પાવરફુલ હોઈ શકે કે તેઓ સેંકડો કિલોમીટરનો પ્રવાસ ખેડીને પણ વિશેષ દિવસે પોતાના માનીતા દેવને જુહારવા પહોંચી જાય? કયું તત્ત્વ છે જે તેમને પોતાનાં બધાં જ કામ પેન્ડિંગ મુકાવીને આ દિશા તરફ અગ્રેસર કરે છે એ જાણીએ દર મહિને પૂનમ ભરવા માટે મુંબઈથી બહાર જતા પુરુષો પાસેથી જ. 
શ્રદ્ધાનો વિષય
પહેલી યાત્રા વાઇફ સાથે અને પછી નિયમિત મિત્રો સાથે યાત્રા શરૂ કરનારો કાંદિવલીનો સાગર દેઢિયા છેલ્લાં પાંચ વર્ષથી નિયમિત પૂનમ ભરવા શંખેશ્વર જાય છે. તે કહે છે, ‘કોવિડમાં બંધને કારણે ન જવાયું તો લિટરલી એની ખોટ મનમાં લાગતી હતી. વાઇફ સાથે ગયો ત્યારે અનાયાસ જ પૂનમ હતી, પણ એવો વિશેષ અનુભવ થયો ત્યારે કે પછી તો દર પૂનમે જવા માંડ્યો અને મિત્રો પણ મળી ગયા. હવે આ યાત્રા ક્યારેય અટકવાની નથી. સેલ્ફ કૉન્ફિડન્સ, ઇન્ટરનલ વિલપાવર આનાથી મારામાં ડેવલપ થયા છે એમાં કોઈ શંકા નથી.’
આ વાતને શૅરબજારનું કામ કરતા મયૂર શાહ વધારે સારી રીતે સમજાવી શકશે, કારણ કે તેઓ તો છેલ્લાં ૨૮ વર્ષથી શંખેશ્વર જાય છે. તેઓ કહે છે, ‘ઘાટકોપરના મિત્ર પંકજભાઈને કારણે હું આમાં જોડાયો. શું કામ શરૂ કરી યાત્રા એ પણ હવે તો યાદ નથી. બસ, મજા આવે છે એટલું કહી શકાય. દાદાની કૃપા છે અને શ્રદ્ધા હોય ત્યાં બુદ્ધિની કોઈ જરૂર નથી.’
અપેક્ષા નથી કોઈ
દર મહિને રાજુલામાં પોતાનાં કુળદેવી શ્રી શંખેશ્વરી દેવીનાં દર્શને જવાનો ક્રમ ગાર્મેન્ટ્સના બિઝનેસ સાથે સંકળાયેલા અલ્પેશ મહેતાએ કોવિડ પહેલાં ક્યારેય તોડ્યો નહોતો. કોવિડ પછી પણ ટ્રેનો અને મંદિર ખૂલ્યા પછી તેમણે પોતાના રૂટીનને શરૂ કરી દીધું છે. તેઓ કહે છે, ‘આજ સુધી કોઈ માનતા મેં રાખી નથી. બસ, માતાજી પ્રત્યેની શ્રદ્ધા મને ત્યાં સુધી ખેંચી જાય છે. હું તો એ જ કહીશ કે આ શ્રદ્ધાનો વિષય છે. તમે જો ખરેખર ભાવપૂર્વક ત્યાં જાઓ છો અને એ વાઇબ્રેશન્સમાં રહો છો તો તમારામાં પરિવર્તન સૂક્ષ્મ સ્તરે થતું જ હોય છે. જોકે ભૌતિક દૃષ્ટિએ પણ માગ્યા વિના મા તમને ઘણું આપી દે છે. સ્વાર્થ સાથે હું ભગવાનને ભજવામાં નથી માનતો. માનતા વિના હું જાઉં છું અને છતાં પણ અત્યારે એમ કહી શકું કે મા શંખેશ્વરીના મારા પર ચારેય હાથ છે. કોવિડ પહેલાં મારા ફાધર એક્સપાયર થયા હતા ત્યારે સૂતક લાગતું હોવાથી નહોતો જઈ શક્યો. બાકી નિયમિત રહી છે મારી યાત્રા. ક્યાંક લાંબા પ્રવાસ પર હોઉં તો પણ પૂનમે હું ત્યાં પહોંચી જાઉં એ પ્રકારનું જ આયોજન કરતો હોઉં છું.’
 
 
મહુડી માટેની શ્રદ્ધા
પ્લાસ્ટિકના બિઝનેસ સાથે સંકળાયેલા પ્રશાંત ગાંધી પોતે વૈષ્ણવ છે, પરંતુ એ પછીયે છેલ્લાં પાંચ વર્ષથી મહુડીના શ્રી ઘંટાકર્ણ મહાવીરનાં દર્શનાર્થે જાય છે. તેઓ કહે છે, ‘હું વૈષ્ણવ છું, પરંતુ મારા બધા જ વેપારી મિત્રો લગભગ જૈન છે. ક્રાઇસિસનો મારો સમય હતો ત્યારે તેમણે જ મને મહુડી આવવા માટે એક વાર સજેસ્ટ કર્યું હતું. ત્યાં ગયા પછી ખરેખર મને મારામાં અને મારી આસપાસના સંજોગોમાં બદલાવ દેખાવા માંડ્યો. પછી તો છેલ્લાં પાંચ વર્ષથી ક્યારેય બ્રેક નથી મારી. આજે રાતે સાડાઅગિયાર વાગ્યાની ટિકિટ આવી ગઈ છે મારી. કાલે દર્શન કરીને રાત સુધીમાં પાછો પણ આવી જઈશ. મહિનામાં એક જ દિવસનો પ્રશ્ન હોય છે, પરંતુ ક્યારેક અમુક ખાસ દિવસોમાં આ એક દિવસ પણ વિશેષ ડિમાન્ડિંગ બની જાય છે. જેમ કે હોળી, બળેવમાં હું ત્યાં જ હોઉં એટલે સેમ ડે સેલિબ્રેશન ન થાય. ક્યારેક બર્થ-ડે પણ મિસ થાય. જેવું મંદિર ખૂલ્યું અને ટ્રેનો બંધ હતી તો અમે કાર લઈને પણ પૂનમ ભરવા ગયા છીએ.’
બગદાણા પ્રત્યે લગાવ
 

મલાડમાં રહેતા ૬૭ વર્ષના હસમુખ ગોરડિયા છેલ્લાં લગભગ ચાલીસ વર્ષથી બગદાણા જાય છે. ગુરુપૂર્ણિમા, ગુરુની ધરતી પરથી વિદાયનો દિવસ અને હનુમાન જયંતી આ ત્રણ દિવસ તેઓ અચૂક બગદાણા જતા. જોકે હવે તેમણે નિયમિત પૂનમ ભરવાનું શરૂ કર્યું છે. હસમુખભાઈ કહે છે, ‘જ્યારે તમે ગુરુના સંસર્ગમાં જાઓ, મન સાફ રાખીને જાઓ અને એમાં પણ ભાવપૂર્વક જાઓ ત્યારે તેમની કૃપા તમને પણ નિર્મળ કરી જ દેતી હોય છે એમાં શંકાને સ્થાન નથી. બગદાણામાં જઈને જે હકારાત્મકતા અને જીવન જીવવાનો આનંદ મળ્યો છે એનું હું વર્ણન કરી શકું એમ નથી.’

વડતાલની વાત

સ્વામીનારાયણ ભગવાનની હયાતીનો અહેસાસ જ્યાં થયા વિના ન રહે એવું સ્થળ એટલે વડતાલ. હિતેશ ચાવડા છેલ્લાં પચીસ વર્ષથી દર પૂનમે વડતાલ જાય. તેઓ કહે છે, ‘કોરોનાના ગાળામાં પણ પૂનમના દિવસે મનથી તો હું ત્યાં પહોંચી જ જતો હતો. માન્યું કે ભગવાનને તો તમે જે દિવસે ભજો એ તમારા થઈ જાય. મારા એક મિત્ર તરુણ દવે પણ નિયમિત પૂનમ ભરતા. એ સમયે હું આર્થિક રીતે સહેજ નબળા સમયમાંથી પસાર થઈ રહ્યો હતો. આ તરુણભાઈનું ગ્રુપ પૂનમ ભરવા જતું અને તેમણે મને પણ સજેસ્ટ કર્યું. બાર પૂનમની ધારણાથી મેં શરૂ કરેલું, પણ પછી તો એ યાત્રા ક્યારેય અટકી જ નહીં. ધર્મ, ઈશ્વર એ બધામાં ગજબની ઊર્જા છે અને એનો સંસર્ગ તમને પણ ઊર્જામય બનાવે છે. દરેક સંજોગોમાં હું અહીં ગયો છું. બસ કોવિડ સિવાય.’

columnists ruchita shah