બાલિકા બધૂ : આજે પણ ‘બડે અચ્છે લગતે હૈં’

23 July, 2022 11:48 AM IST  |  Mumbai | Raj Goswami

શક્તિ સામંતના આગ્રહથી અને તેમની શક્તિ ફિલ્મ્સના બૅનર હેઠળ ‘બાલિકા બધૂ’નું હિન્દીમાં નિર્દેશન કરવા માટે તરુણ મજમુદાર તૈયાર થયા

`બાલિકા બધૂ`નો સીન

શક્તિ સામંતના આગ્રહથી અને તેમની શક્તિ ફિલ્મ્સના બૅનર હેઠળ ‘બાલિકા બધૂ’નું હિન્દીમાં નિર્દેશન કરવા માટે તરુણ મજમુદાર તૈયાર થયા. એમાં મુખ્ય ભૂમિકામાં તેમણે રજની શર્મા અને સચિન પિળગાંવકરને રોક્યાં. મૌસમીએ હિન્દીમાં ભૂમિકા કેમ ન કરી અને રજની શર્માને આ ભૂમિકા કેવી રીતે મળી એનો કોઈ ઉલ્લેખ મળતો નથી, પરંતુ એક વાત નિશ્ચિત છે કે બાલિકા બધૂ તરીકે રજની મૌસમીના તોલે આવે એવી નહોતી

ચાર જુલાઈએ ૯૧ વર્ષની વયે કલકત્તામાં અવસાન પામેલા તરુણ મજમુદારનું નામ તમને યાદ ન હોય તે સંભવ છે, પરંતુ ૧૯૭૬માં આવેલી ‘બાલિકા બધૂ’ ઘણા ચાહકોને યાદ હશે. જેમણે એ ફિલ્મ ન જોઈ હોય તો પણ લાજવાબ કિશોરકુમારના હોનહાર દીકરા અમિતકુમારનું ગીત, ‘બડે અચ્છે લગતે હૈં...ક્યા? યે ધરતી...યે નદિયા... યે રૈના...ઔર? તુમ...’ યાદ હશે જ.  ૪૫ વર્ષ પછી આજે પણ એ ગીત એટલું લોકપ્રિય છે કે અમિતકુમારનો કોઈ પણ કાર્યક્રમ એને ગાયા વગર અધૂરો રહે છે. અમિતકુમારનું એ પહેલું હિટ ગીત હતું. કિશોરકુમારના પડછાયામાંથી બહાર આવવા માટે આ ગીત આશીર્વાદરૂપ બન્યું હતું. 

એક સમાચારપત્રને ઇન્ટરવ્યુમાં અમિતકુમાર કહે છે, ’૭૬માં ફિલ્મ લાગી ત્યારે આ ગીત તરત હિટ થયું નહોતું. એ વરસોવરસ જાણીતું થયું. ખાસ તો એકતા કપૂરે તેની ટીવી સિરિયલનું નામ એ ગીત પરથી રાખ્યું એ પછી. આજે હું દુનિયાના કોઈ પણ ખૂણે જાઉં, મારે આર. ડી. બર્મનની આ ધૂન સાથે કાર્યક્રમ શરૂ કરવો પડે છે.’

આ ફિલ્મ અને આ ગીત હિન્દી સિનેમાના ચાહકોને આપવાનું શ્રેય તરુણ મજમુદારને જાય છે. તેમણે હિન્દી ભાષામાં માત્ર બે જ ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું; ’૭૬માં ‘બાલિકા બધૂ’ અને ૧૯૬૯માં ‘રાહગીર’. બંગાળીમાં તેમણે ૩૫ ફિલ્મો બનાવી હતી. બિમલ રૉયની પરંપરાના તરુણ મજમુદારને ચાર રાષ્ટ્રીય પુરસ્કાર, સાત બેન્ગાલ ફિલ્મ અસોસિએશન અવૉર્ડ્સ, પાંચ ફિલ્મફેર અવૉર્ડ્સ અને એક આનંદલોક અવૉર્ડ આપવામાં આવ્યા હતા. ૧૯૯૦માં ભારત સરકારે તેમને પદ્મશ્રી પુરસ્કારથી નવાજ્યા હતા.

‘બાલિકા બધૂ’ અને ‘રાહગીર’ બન્ને તેમની બંગાળી ફિલ્મોની હિન્દી રીમેક હતી. એમાં ‘બાલિકા બધૂ‘ તો બંગાળીમાં બ્લૉકબસ્ટર સાબિત થઈ હતી. પાછળથી હિન્દી ફિલ્મોમાં મોટું નામ કમાનાર મૌસમી ચૅટરજીની એ પહેલી ફિલ્મ હતી. ત્યારે તે પાંચમા ધોરણમાં ભણતી હતી અને ‘બાલિકા બધૂ’માં બાળ વહુની ભૂમિકામાં તે રાતોરાત સ્ટાર બની ગઈ હતી. યોગાનુયોગ કેવો કે ફિલ્મના સંગીતકાર હેમંતકુમારના દીકરા જયંત મુખરજીનું માગું આવ્યું અને ૧૫ વર્ષની વયે તેનાં લગ્ન થઈ ગયાં. મૌસમીએ પાછળથી મજાકમાં કહ્યું હતું કે એ ઉંમરે તેને હિરોઇન બનવા કરતાં બાલિકા બધૂ બનવાના ઓરતા હતા!

મજમુદારની પહેલી હિન્દી ફિલ્મ ‘રાહગીર’માં બાળ કલાકાર નીતુ સિંહના ડબલ રોલથી યાદગાર બનેલી ‘દો કલિયાં’નો હિરો વિશ્વજીત અને મજમુદારની પત્ની તેમ જ બંગાળી સુપરસ્ટાર સંધ્યા રૉય મુખ્ય ભૂમિકામાં હતા. વિશ્વજીત આમ બહુ સામાન્ય ઍક્ટર હતો, પણ ‘રાહગીર’માં જીવનના અર્થની તલાશ કરતા એક નવજવાનના પાત્રમાં તે ઘણો વિશ્વસનીય અને યાદગાર હતો. 
ફિલ્મ પિટાઈ ગઈ. એમાં મજમુદારે હિન્દી ફિલ્મો તરફ જોવાનું માંડી વાળ્યું. એમાં તેમનું  નહીં, હિન્દી સિનેમાનું નુકસાન થયું. બંગાળે હિન્દી ફિલ્મોને એક-એકથી ચડે તેવા નિર્દેશકો આપ્યા છે. જેમ કે ‘દો બીઘા ઝમીન’ અને ‘મધુમતી’વાળા બિમલ રૉય, ‘પાથેર પાંચાલી’ અને ‘શતરંજ કે ખિલાડી’વાળા સત્યજિત રે, ‘ખામોશી’ અને ‘સફર’વાળા અસિત સેન, ‘આરાધના’ અને ‘અમરપ્રેમ’વાળા શક્તિ સામંત, ‘ભુવન શોમ’ અને ‘ખંડહર’વાળા મૃણાલ સેન અને ‘આનંદ’ અને ‘અભિમાન’વાળા હૃષીકેશ મુખરજી વગેરે.

તરુણ મજમુદાર એ ગજાના ફિલ્મ સર્જક હતા, પરંતુ હિન્દીમાં ‘રાહગીર’નો ધબડકો થયો એટલે તેમણે મોટા ઑડિયન્સની લાલચ જતી કરીને તેમની બંગાળી હોમ-પિચ પર જ રમવાનું ચાલુ રાખ્યું. એ વખતે બૉલીવુડમાં તરુણ મજમુદારના હમવતન શક્તિ સામંત સફળ નિર્દેશક તરીકે સ્થાપિત થઈ ચૂક્યા હતા.

સિત્તેરના દાયકામાં શક્તિદાએ જબરદસ્ત હિટ ફિલ્મો આપી હતી. જેમ કે ‘આરાધના’, ‘કટી પતંગ’, ‘અમર પ્રેમ’, ‘અજનબી’ અને ‘મેહબૂબા’. આ શક્તિદાની જ ફિલ્મ ‘અનુરાગ’થી મૌસમી ચૅટરજીએ હિન્દી સિનેમામાં પદાર્પણ કર્યું હતું. બંગાળીમાં પહેલી ફિલ્મ ‘બાલિકા બધૂ’ હિટ અને હિન્દીમાં પહેલી ફિલ્મ ‘અનુરાગ’ પણ સુપર હિટ. શક્તિ સામંતે બંગાળી ‘બાલિકા બધૂ’ની હિન્દી રીમેકના હકો ખરીદ્યા હતા, પણ તેમની એક શરત હતી કે હિન્દીમાં પણ તરુણ મજમુદારે નિર્દેશન કરવાનું.

ફિલ્મની વાર્તા બાળવિવાહ પર હતી. એ પહેલાં કોઈએ બાળવિવાહ પર ફિલ્મ બનાવી નહોતી. બિમલ કૌર નામના એક બંગાળી લેખકે ‘બાલિકા બધૂ‘ના નામથી એક નવલકથા લખી હતી. તરુણ મજમુદારે એના પરથી ફિલ્મ બનાવી હતી. એમાં બ્રિટિશ રાજ વખતના બંગાળના એક ગામડામાં અમલ અને રજની નામનાં બે બાળકોના વિવાહની વાત હતી. એ બન્ને કેવી રીતે મોટાં થાય છે અને કેવી રીતે સ્વાતંત્ર્ય માટેની લડાઈ તેમના જીવનને પ્રભાવિત કરે છે એ એનો મુખ્ય વિષય હતો. 

શક્તિ સામંતના આગ્રહથી અને તેમની શક્તિ ફિલ્મ્સના બૅનર હેઠળ ‘બાલિકા બધૂ’નું હિન્દીમાં નિર્દેશન કરવા માટે તરુણ મજમુદાર તૈયાર થયા. એમાં મુખ્ય ભૂમિકામાં તેમણે રજની શર્મા અને સચિન પિળગાંવકરને રોક્યાં. મૌસમીએ હિન્દીમાં ભૂમિકા કેમ ન કરી અને રજની શર્માને આ ભૂમિકા કેવી રીતે મળી એનો કોઈ ઉલ્લેખ મળતો નથી, પરંતુ એક વાત નિશ્ચિત છે કે બાલિકા બધૂ તરીકે રજની મૌસમીના તોલે આવે એવી નહોતી. મિ. નટવરલાલ, સરગમ, સત્તે પે સત્તા, પ્રેમગીત અને અવતાર જેવી લોકપ્રિય ફિલ્મોમાં દેખા દીધા બાદ આ રજની શર્મા અંગત જીવનમાં ઠરીઠામ થઈ ગઈ હતી. 

પત્રકાર સુભાષ ઝાને મૌસમીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘જુઓ, રીમેક એ રીમેક છે અને ઓરિજિનલ એ ઓરિજિનલ છે. રીમેક એટલી સારી તો ન જ બને. મેં જ્યારે બાલિકા બધૂ કરી હતી ત્યારે બધાએ કહ્યું હતું કે હું એ ભૂમિકા કરવા માટે જ જન્મી છું. બીજું, બાળ વધૂનો વિષય એકદમ તાજો હતો અને તરુણ મજમુદારે જ્યારે બાલિકા બધૂ બનાવી ત્યારે એવું કશું લોકોએ પહેલાં જોયું નહોતું. રીમેકમાં એ તાજગી અને મૌલિકતા નહોતી. ઍક્ટરો સારાં હતાં. હિન્દીમાં આમ કશું ખરાબ નહોતું, પણ લોકોને ખાલી બડે અચ્છે લગતે હૈં ગીત જ યાદ રહ્યું.’

અમિતકુમારનું અ ડેબ્યુ ગીત નહોતું, પણ એ એટલું બધું હિટ થઈ ગયું કે ચાહકોને અગાઉનાં ગીતો યાદ ન રહ્યાં. તેનું પહેલું ગીત હૉરર-સ્પેશ્યલિસ્ટ રામસે બ્રધર્સની ‘દરવાજા’ ફિલ્મમાં ‘હોશ મેં હૂં કહાં‘ ગીત હતું, જે ’૭૮માં રિલીઝ થઈ હતી. રાજેશ ખન્નાની બીજી એક ફિલ્મમાં પણ તેણે ગાયું હતું, પણ એ ફિલ્મ ડબ્બામાં જ પડી રહી. 

અમિતને પાપા કિશોરના નકશે કદમ પર ચાલવું છે એવી બધાને ખબર હતી. અમિત ત્યારે કલકત્તામાં સંગીતના કાર્યક્રમ કરતો હતો અને પાપાનાં ગીતો ગાતો હતો. અમિત મુંબઈના મ્યુઝિક સ્ટુડિયોમાં આંટાફેરા પણ મારતો હતો. ’૭૧માં અમિતકુમાર મુંબઈ આવ્યો હતો. બૉલીવુડમાં ત્યારે કિશોરકુમારની ‘આરાધના’ પછી બીજી ઇનિંગ શરૂ થઈ હતી. એક દિવસ કિશોર અને મન્ના ડેનું ‘ખલીફા‘ ફિલ્મ માટે આર. ડી. બર્મન સાથે રેકૉર્ડિંગ હતું. 

પત્રકાર રોશ્મિલા ભટ્ટાચાર્ય સાથેના એક ઇન્ટરવ્યુમાં અમિત કહે છે, ‘ત્યાં તેના બાબા અને મન્ના ડે રિહર્સલ કરી રહ્યા હતા. પંચમ એક ખૂણામાં ચૂપચાપ બેઠા હતા. અચાનક તે મારી પાસે આવ્યા અને કહ્યું કે કશુંક સંભળાવ. હું નર્વસ થઈ ગયો અને મેં બીતાં-બીતાં બાબાનું ઝુમરુ ગીત ગાયું.’ સચિન દેવ બર્મન અને મન્ના ડેની હાજરી જોઈને અમિતનાં હાજાં ગગડી ગયાં હતાં.
પિતા-પુત્ર પાછા ફરતા હતા ત્યારે રસ્તામાં પાપા કિશોરકુમારે અમિતને ખખડાવ્યો. ‘તેં ગોલ્ડન ચાન્સ ગુમાવ્યો. તારું ગાવાનું બકવાસ હતું.’ અમિતને ખોટું લાગી ગયું અને કહ્યું, ‘હું નર્વસ હતો. ગાવાનું જાય ભાડમાં. હું તો કલકત્તા પાછો જાઉં છું.’ અમિતની આવી મહત્ત્વાકાંક્ષા જોઈને પાપા ઔર ભડક્યા. 

નસીબજોગે કિશોરકુમારના સાનંદાશ્ચર્ય વચ્ચે એ જ સાંજે આરડીનો ફોન આવ્યો કે અમિતને સવારે રેકૉર્ડિંગ રૂમ પર મોકલજો. કિશોરે પૂછ્યું, એ ત્યાં શું કરવાનો છે? પંચમે કહ્યું કે શક્તિ સામંતની એક ફિલ્મ છે અને એમાં નવા અવાજની જરૂર છે. આ સાંભળીને કિશોરે મજાકમાં કહ્યું, ‘મૈં કિસ ખેત કી મૂલી હૂં? હું છું પછી મારો છોકરો શું કામ જોઈએ છીએ?’

પંચમે સમજાવ્યું કે તેને એવો અવાજ જોઈએ છે જે ૧૭ વર્ષના છોકરાનો હોય એવો લાગે. એ ગીત આનંદ બક્ષીએ લખેલું ‘બડે અચ્છે લગતે હૈં’ હતું. અમિત કહે છે, ‘અમે પંચમના ઘરે રિહર્સલ કર્યું. પછી તે મને તેમની બ્લુ ફિયાટ કારમાં ફિલ્મ સેન્ટર લઈ ગયા. ત્યાં શક્તિ સામંત, તરુણ મજમુદાર અને અન્ય વાદ્યકારો બેઠા હતા. પંચમદાએ મને સૌમ્ય ભાષામાં કહ્યું કે તારા પિતાજીની નકલ ન કરતો. તેમને અમિતકુમાર જોઈતો હતો, કિશોરકુમાર નહીં. તેમણે ‘ઓ માઝી રે, જઈયો પિયા કે દેસ’ લાઇન જાતે ગાઈ અને એ રીતે બડે અચ્છે લગતે હૈં રેકૉર્ડ થયું.’

‘બાલિકા બધૂ’નું કામ ચાલતું હતું એ અરસામાં જ કિશોરકુમારે પોતાના નિર્માણ અને નિર્દેશનમાં ‘શાબાશ ડૅડી’ નામની ફિલ્મ શરૂ કરી હતી. એમાં તત્કાલીન પત્ની યોગિતા બાલી અને અમિતકુમાર પણ હતાં. એના સેટ્સ પર અમિત કુમાર બડે અચ્છે લગતે હૈં ગાતો રહેતો હતો. ફિલ્મ રિલીઝ થઈ એ પછી કિશોરકુમારનો દક્ષિણ આફ્રિકામાં સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. એમાં અમિતકુમારે પણ ભાગ લીધો હતો. ત્યાં આ ગીત જબરદસ્ત હિટ થયું હતું. અમિતકુમાર અચાનક ફેમસ થઈ ગયો હતો અને એ વખતના મોટા ભાગના ટોચના સંગીતકારો અમિત પાસે ગીત ગવડાવવા પડાપડી કરતા હતા.

અમિતકુમાર કહે છે, ‘આ ગીતે મને કિશોર‍કુમારના પુત્રથી અલગ ઓળખ આપી. એનું પૂરું શ્રેય પંચમને જાય છે.’ એ પછી અમિતને કુમાર ગૌરવની ‘લવ-સ્ટોરી’ ફિલ્મનાં ગીતો ગાયાં અને દેશી ભાષામાં કહીએ તો તેની નિકલ પડી.

‘બાલિકા બધૂ‘થી સચિન પિળગાંવકરને પણ ખ્યાતિ મળી. સચિન ત્યારે મરાઠી ફિલ્મોમાં સ્થાપિત ઍક્ટર હતો. ‘બાલિકા બધૂ‘માં એક ભલા-ભોળા અને સદાચારી કિશોરની ભૂમિકામાં લોકોએ તેને બહુ પસંદ કર્યો હતો. બદનસીબે સચિન એવી જ ભૂમિકાઓમાં ફિટ થઈ ગયો. ‘બાલિકા બધૂ‘ વખતે નિર્માતા શક્તિ સામંતનો દીકરો આશિમ કૉલેજમાં હતો. એ કહે છે કે ‘બાલિકા બધૂ‘માં અમલની ભૂમિકા માટે અનિલ કપૂરની સ્ક્રીન ટેસ્ટ પણ લેવાઈ હતી. અનિલ એના માટે ધોતી-કુરતો પહેરીને આવ્યો હતો.

શક્તિદા ઇચ્છતા હતા કે અનિલ આ ભૂમિકા કરે, પરંતુ તરુણ મજમુદારે સચિન પર જ પસંદગી ઉતારી. સચિન અને રજનીની જોડી સાચે જ જામી હતી, પણ ખરી કમાલ તો ‘બડે અચ્છે લગતે હૈં... ક્યા? યે ધરતી...યે નદિયા... યે રૈના...ઔર? તુમ...’ની હતી.

‘હું સેટ પરથી ભાગી જતી હતી’

‘હું પાંચમા ધોરણમાં હતી ત્યારે (બંગાળી) ‘બાલિકા બધૂ’માં કામ કર્યું હતું. દસમામાં આવી ત્યારે મારાં લગ્ન થઈ ગયાં હતાં. હું સુખી ઘરમાં પેદા થઈ હતી. ફિલ્મો માટે હું ગંભીર નહોતી. મજા-મસ્તી માટે કરતી હતી. મારા દાદા જજ હતા. મારા પિતા આર્મીમાં હતા. મારી સ્કૂલ પાસે તરુણ મજમુદારનું ઘર અને સ્ટુડિયો હતાં. તેમની પત્ની સંધ્યા રૉયે મારા પિતાને ‘બાલિકા બધૂ’ માટે મનાવ્યા હતા. તેમણે મારા પિતાને એક હજાર રૂપિયા આપ્યા હતા. પિતાએ કહ્યું હતું, પૈસા તમારી પાસે રાખો, છોકરીને પટાવવા કામ આવશે. સેટ પર હું બધાને એટલા હેરાન કરતી હતી કે મજમુદારે અકળાઈને કહ્યું હતું કે મારે આ ફિલ્મ નથી બનાવવી, બધી નેગેટિવ્સ સળગાવી દઈશ. સંધ્યા રૉય ન હોત તો ફિલ્મ ન બની હોત. મને મેકઅપ કરવાનો બહુ કંટાળો આવતો હતો. મને તંગ બ્લાઉઝ અને સાડી પહેરાવતાં હતાં. બે વાર હું સેટ પરથી ભાગી ગઈ હતી. મારું મૂળ નામ ઇન્દ્રા હતું, પણ મારી મોટી બહેને આ ફિલ્મ બનતી હતી ત્યારે મૌસમી રાખ્યું હતું.’ : મૌસમી ચૅટરજી

columnists raj goswami