વૃદ્ધાશ્રમ : જરૂરિયાત ન હોય એવા આ આશ્રમની આવશ્યકતા કોણે અને શું કામ ઊભી કરી છે?

13 May, 2022 10:03 AM IST  |  Mumbai | Manoj Joshi

વડીલો બકબક કર્યા કરે, કચકચ કરે, ટોક્યા કરે કે પછી સતત કહ્યા કરે, પણ આપણે તેમની વાત સાંભળવા, માનવા કે તેમની વાતને કાન આપવા રાજી નથી થતા. શરમની વાત છે કે આ આપણું કલ્ચર બની ગયું છે.

પ્રતીકાત્મક તસવીર

સૌથી પહેલાં એક નાનકડી સ્પષ્ટતા કરવાની કે મુસ્લિમ કમ્યુનિટીની આ એક વાત મને બહુ ગમે છે. તેમની પાસે વૃદ્ધાશ્રમ નથી, યતિમખાનાં છે. અનાથ થઈ ગયેલાં બાળકોને સાચવી રાખવા માટે આ બનાવવામાં આવ્યું છે, પણ વૃદ્ધાશ્રમને એ સમાજમાં કોઈ સ્થાન મળ્યું નથી અને એવું લાગતું પણ નથી કે એને મુસ્લિમ સમાજમાં પણ ક્યાંય સ્થાન મળે. વડીલ ઘરની ઓથ છે અને એ ઓથ મેળવવા માટે તમારે શરણાગતિ સ્વીકારેલી રાખવાની હોય. આપણે ત્યાં મૉડર્નાઇઝેશનના નામે હવે વડીલપણું રહ્યું નથી. વડીલો બકબક કર્યા કરે, કચકચ કરે, ટોક્યા કરે કે પછી સતત કહ્યા કરે, પણ આપણે તેમની વાત સાંભળવા, માનવા કે તેમની વાતને કાન આપવા રાજી નથી થતા. શરમની વાત છે કે આ આપણું કલ્ચર બની ગયું છે.
વૃદ્ધાશ્રમને હિન્દુ સંસ્કૃતિમાં ક્યાંય સ્થાન આપવામાં નથી આવ્યું. અનેક પ્રયાસો કર્યા જેથી જાણવા મળે કે એનું અસ્તિત્વ ક્યારથી અમલમાં આવ્યું, એ જાણવા મળે, પણ નિરર્થક પ્રયાસ પુરવાર થયો. મારુ અંગત માનવું છે કે વૃદ્ધાશ્રમ એ કદાચ વાનપ્રસ્થાશ્રમનું વરવું સ્વરૂપ હોઈ શકે છે. વાનપ્રસ્થાશ્રમ ઇચ્છા સાથે લેવામાં આવતી અવસ્થા હતી, જ્યારે વૃદ્ધાશ્રમ એ અનિચ્છા સાથે જીવનમાં પ્રવેશતી અવસ્થા છે. વૃદ્ધાશ્રમથી કેવી રીતે સમાજને દૂર રાખવો એ જોવાની જવાબદારી સમાજના વડીલોની છે. માન્યું કે કોઈના જીવનમાં બહુ મોટો ખાલીપો આવી ગયો હોય. પરિવારમાં કોઈ રહ્યું ન હોય અને સાવ એકલા પડી જવાયું હોય ત્યારે આ જ વૃદ્ધાશ્રમ આશીર્વાદરૂપ બની જાય છે, પણ જેને ઘરમાં રાખવાની તૈયારી નથી હોતી એવા માવતર માટે આ વૃદ્ધાશ્રમ ખરેખર પીડાદાયી છે. આવાં માબાપને એક વખત મળવા જશો તો તમને પણ વાસ્તવિકતા સમજાશે અને તમને પણ તેમની આંખોમાં વેદના દેખાશે.
સંતાનોની વાતો માનીને આખી જિંદગી એની પાછળ ખર્ચી નાખનારાં માબાપે કલ્પના પણ ન કરી હોય કે તેમણે પોતાનો પાછળનો સમય આ રીતે એકાંતમાં કાઢવો પડશે, એકલતા વચ્ચે પસાર કરવો પડશે. જે સમયે દીકરાનો, પુત્રવધૂનો કે પછી પૌત્ર-પૌત્રીઓનો હાથ હાથમાં હશે એવી ધારણા રાખવામાં આવતી હોય એ સમયે વૃદ્ધાશ્રમની મેટ્રન અને વૃદ્ધાશ્રમના કર્કશ થઈ ગયેલી આયાની રાડો સાંભળવી પડશે. બહુ ખરાબ અનુભવ છે આ. આવો અનુભવ ભૂલથી પણ કોઈના નસીબમાં લખાયેલો ન હોય એવી પ્રાર્થના કરતાં મારે આજે એ તમામ દીકરા-દીકરીઓને કહેવું છે કે જીવનમાં થોડું ઓછું કમાશો તો ચાલશે, પરંતુ ભૂલથી પણ માબાપને એવો અનુભવ ન કરાવતા કે હવે તમને તેમનામાં કોઈ રસ નથી રહ્યો. આજે પણ હું જ્યારે મારા બાપુજીનો ફોટો જોઉં ત્યારે મને એ આંખોમાં ચમકારો જોવા મળે છે. એ ચમકારામાં ક્યાંક ને ક્યાંક પિતા આશીર્વાદ આપતા હોવાનો ભાવ તો છે જ. આ ભાવ તેમને ખુશી આપતો હશે એવું ધારી લઉં અને મને તાકાત મળે છે એ વાત તમે માની લો. આ તાકાત પાછલી જિંદગીમાં બહુ ઉપયોગી બનશે, તમારા હિતમાં રહેશે એટલે એને ક્યારેય ગુમાવતા નહીં. જો આજે બાપુજી માટે ટાઇમ હશે તો જ આવતી કાલે તમારાં સંતાનોને તેના બાપુજી માટે ટાઇમ હશે, અન્યથા તે તો એ જ જુએ છે જે તમે તેને દેખાડો છો. આજની તમારી તોછડાઈ તેઓ તમને આવતી કાલે તમારા મોઢા પર મૂકવાનાં છે એટલે બહેતર છે કે એ જ કરવું જે સામે આવે એવું ઇચ્છી રહ્યા હો.

columnists manoj joshi