બાપુજી બન્યા કૂલ ડૅડી

27 June, 2022 07:21 PM IST  |  Mumbai | Varsha Chitaliya

સ્ત્રીસશક્તીકરણને કારણે ઘરની અંદર પુરુષોનું વર્ચસ ઓછું થતાં તેમના સ્વભાવમાં નરમાશ આવી છે એવું એક અભ્યાસ કહે છે ત્યારે પુરુષોની બદલાયેલી ઇમેજનાં કારણોની ખણખોદ કરીએ

બાપુજી બન્યા કૂલ ડૅડી

એક સમયે જેમની ઉપસ્થિતિમાં ઘરના બધા સભ્યોએ શિસ્ત જાળવવી પડે એવો રુઆબ ધરાવતા પિતાનું સ્થાન હવે નરમ દિલ પપ્પાએ લઈ લીધું છે. સ્ત્રીસશક્તીકરણને કારણે ઘરની અંદર પુરુષોનું વર્ચસ ઓછું થતાં તેમના સ્વભાવમાં નરમાશ આવી છે એવું એક અભ્યાસ કહે છે ત્યારે પુરુષોની બદલાયેલી ઇમેજનાં કારણોની ખણખોદ કરીએ

અમે તો બાના હાથનું ભોજન અને બાપુજીના હાથનો માર ખાઈને મોટા થયા છીએ. પિતાજીનો આવવાનો સમય થાય એટલે અમે તોફાન-મસ્તી બંધ કરી ચોપડા લઈ ખૂણામાં ભરાઈને બેસી જતા અને આજનાં સંતાનો ડૅડનો આવવાનો ટાઇમ થાય એટલે ઠેકડા મારે. ફાધર્સ ડેએ સોશ્યલ મીડિયા પર આવા ઘણા રમૂજી જોક્સ ફરતા હતા. એક સમયે બાપુજી, પિતાશ્રી, બાપા એટલે ઘરનું સૌથી સિરિયસ પાત્ર. તેમની ઉપસ્થિતિમાં ઘરના દરેક સભ્યે શિસ્ત જાળવવી પડે એવો રુઆબ. જોકે સમયની સાથે પુરુષની દબંગ પર્સનાલિટીમાં પરિવર્તન આવ્યું. રિંગ માસ્ટર જેવા લાગતા બાપુજીનું સ્થાન કૂલ ડૅડીએ લઈ લીધું. સ્ત્રીસશક્તીકરણ અને આર્થિક સ્વતંત્રતાને કારણે ઘરની અંદર પુરુષોનું વર્ચસ ઓછું થતાં તેમના સ્વભાવમાં નરમાશ આવી છે એવું એક રિસર્ચ કહે છે ત્યારે પુરુષોની બદલાયેલી ઇમેજ વિશે વાત કરીએ.
દૃષ્ટિકોણ બદલો
પપ્પાની અથવા પુરુષની સામાજિક છબિ બદલાઈ છે એ વાત સાચી, પરંતુ ઘરમાં વર્ચસ ઘટતાં સ્વભાવ કૂણો પડ્યો એવું માની લેવું ખોટું છે એવી વાત કરતાં સાઇકોથેરપિસ્ટ ઍન્ડ વેલનેસ કોચ દીપાલી પંડ્યા પરમાર કહે છે, ‘સામાજિક માહોલને લીધે એક સમયે પુરુષોના મગજ પર પરિવારની આર્થિક સલામતીનો ભાર રહેતો. ચિંતા અને ડિપ્રેશનને કારણે કદાચ તેનું વહેલું મૃત્યુ થાય ત્યારે પત્નીએ બહારની દુનિયા જોઈ જ ન હોય તો શું કરે? સ્ત્રી પગભર થતાં પુરુષનું સ્ટ્રેસ-લેવલ ઘટ્યું છે. સહિયારા નિર્ણયો અને આર્થિક ટેકાથી માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે. સ્ત્રીઓ શિક્ષિત બનતાં તેમની નિર્ણયશક્તિ ખીલી છે. એજ્યુકેશન અને અવેરનેસ વધતાં પુરુષો પણ પત્નીને સમાન અધિકારો આપવા લાગ્યા છે. ઉપરોક્ત અભ્યાસને જુદા દૃષ્ટિકોણથી જોશો તો તમને એમાં પૉઝિટિવ બાબતો દેખાશે.’
બૅરિયર બ્રેક થયાં
પતિ અને પિતાની ભૂમિકામાં પુરુષની ઇમેજ બદલાઈ છે એવું નથી. દરેક રોલમાં તે ઓપન-અપ થવા લાગ્યો છે એમ જણાવતાં દીપાલી કહે છે, ‘કોઈ પણ રિલેશનશિપમાં ઇમોશનલ અટૅચમેન્ટ ખૂબ જરૂરી હોય છે. પહેલાં બાપુજીના આંખની શરમ, ધાક અને સામાજિક નજરિયાને લીધે સંતાનો સાથેના તેમના ઉષ્માભર્યા સંબંધો હતા તોય જોવા ન મળ્યા. પપ્પાને સૉરી કે મમ્મીને આઇ લવ યુ કહેવામાં આપણને પણ સંકોચ થતો. ધીમે-ધીમે આ બધાં બૅરિયર બ્રેક થતાં ગયાં. મર્દ કો દર્દ નહીં હોતાવાળી સ્ટિરિયોટાઇપ માનસિકતા બદલાઈ. ધીસ ઇઝ ગુડ ચેન્જ. સ્ત્રી-પુરુષ સમાનતા માટે આપણે વર્ષો સુધી અનેક પ્રયાસો કર્યા છે. સ્ત્રી પુરુષસમવોડી બની આર્થિક રીતે પગભર થઈ શકે તો પુરુષને પણ રડવાનો, સંવેદના અને લાગણીઓ વ્યક્ત કરવાનો હક મળવો જોઈએ. એને જ સાચી જેન્ડર ઇક્વાલિટી કહેવાય.’
 
બૅલૅન્સ્ડ વ્યક્તિત્વ

પુરુષોમાં જોવા મળી રહેલી નરમાશ વિશે આગળ વાત કરતાં તેઓ કહે છે, ‘દરેક મનુષ્યમાં સ્ત્રી અને પુરુષ બન્ને પ્રકારનાં તત્ત્વો કુદરતી રીતે હોય છે. સ્ત્રીમાં સ્ત્રીત્વ વધુ અને પુરુષમાં પૌરુષત્વ વધુ એ સ્વાભાવિક છે, પણ જે તત્ત્વ ઓછું છે એનું મહત્ત્વ નકારી ન શકાય. શ્રીકૃષ્ણ ભગવાન પુરુષ હતા અને તેમનામાં સ્ત્રીસહજ લચક પણ હતી. તેઓ ફેમિનાઇન અને મેસ્ક્યુલાઇનનું બૅલૅન્સ્ડ વ્યક્તિત્વ ધરાવતા હતા તેથી જ આપણને પ્રિય છે. પુરુષ કથક ડાન્સરનો દાખલો લઈ લો. તેનામાં પૌરુષત્વની સાથે નરમાશ અને લચીલાપણું દેખાશે. આજના પુરુષમાં આ કમ્પેશન આવ્યું છે. હકીકતમાં પુરુષ નબળો નથી પડ્યો, જે રિજિડ (રૂઢિચુસ્ત માનસિકતા) હતી એ દૂર થઈ છે. પુરુષ એક્સપ્રેસિવ બનતાં પરસ્પરના સંબંધો વધુ મજબૂત બન્યા છે. અત્યારે મોટા ભાગનાં યુવાન સંતાનોના પપ્પામાં તમને સૉફ્ટનેસ દેખાશે, કારણ કે તેમણે નાનપણમાં ફૅમિલીની અંદર જે ગૅપ જોયો છે એ નથી જોઈતો. એજ્યુકેશન, અવેરનેસ અને એક્સપોઝર વધતાં પુરુષને મોકળાશ મળી છે. પપ્પા સાથે સંતાનોનું કમ્ફર્ટ લેવલ વધ્યું એનું બીજું કારણ છે ન્યુક્લિયર ફૅમિલી. અત્યારે હસબન્ડ-વાઇફ બન્ને વર્કિંગ હોય છે. ઘરની જવાબદારી વહેંચાઈ જતાં સંતાનો પપ્પા સાથે કમ્ફર્ટ ફીલ કરતાં થયાં. જુદાં-જુદાં કારણોસર એક સમયના કડક બાપુજીનું સ્થાન કૂલ ડૅડીએ લઈ લીધું એ આવકાર્ય છે.’

આૅટોક્રસીમાંથી ડેમોક્રસી

ગાર્મેન્ટ્સનો બિઝનેસ ધરાવતા કાંદિવલીના હિરેન ચોટાઈ પુરુષોની બદલાયેલી સામાજિક છબિ વિશે વાત કરતાં કહે છે, ‘યંગ એજમાં મને પપ્પાની બીક લાગતી. તેઓ ઘરમાં આવે ત્યારે તોફાન-મસ્તી બંધ કરીને છાનામાના બેસી જતા. કોઈ વસ્તુ જોઈતી હોય તો પપ્પાની પરમિશન લેવી પડતી. પપ્પા પાછા તેમના બાપુજીથી એટલે કે મારા દાદાજીથી ડરતા. પહેલાંના સમયના પુરુષો અનુશાસનમાં માનતા. હવે ફ્રીડમ અને એક્સપ્રેશનનો જમાનો છે. મારાં સંતાનો માટે હું કૂલ ડૅડી છું. જોકે એનો અર્થ એ નથી કે અત્યારના પુરુષો ઘરમાં ડિસિપ્લિન નથી ઇચ્છતા. સંતાનોની દરેક વર્તણૂક પર તેમની નજર હોય જ છે. નવા જમાનાના પપ્પા એવું વિચારે છે કે નાનપણમાં જે વસ્તુથી અમે વંચિત રહ્યા એ અમારાં સંતાનો ભોગવે. અગાઉ એજ્યુકેશનનું મહત્ત્વ ઓછું હતું, જ્યારે નવી જનરેશન પોતાના નિર્ણયો લઈ શકે એટલી સ્માર્ટ હોવાથી ઘણી બાબતોમાં પપ્પાએ ચેન્જ થવું પડ્યું છે. આપણા નિર્ણયો સંતાનોના માથે થોપવા જઈએ તો તેઓ લૉજિકલ જવાબ માગે છે. ગ્લોબલ એક્સપોઝર, એજ્યુકેશન, ઇક્વાલિટી, અવેરનેસ જેવાં અનેક કારણોસર ઘરની અંદર સ્ત્રી અને બાળકોના મતનું વજન વધ્યું છે. પુરુષ પપ્પા અને પતિ મટીને ફ્રેન્ડ બની જતાં હૅપી ફૅમિલીની પરિભાષા બદલાઈ ગઈ. પુરુષના બદલાયેલા સ્વભાવ અને વિચારસરણીને લીધે એક સમયની ઑટોક્રૅટિક ફૅમિલી ધીમે-ધીમે ડેમોક્રૅટિક બની એને હું સકારાત્મક દૃષ્ટિકોણથી જોઉં છું.’

હળવાશથી જીવતા શીખ્યા

સ્ત્રીસશક્તીકરણ અને આર્થિક સ્વતંત્રતાને કારણે પુરુષોનું વર્ચસ ઘટી ગયું અથવા તેઓ કૂણા પડ્યા એવું ધારી લેવું યોગ્ય નથી. મસ્જિદ બંદરમાં ચૉકલેટની દુકાન ધરાવતા અને મીરા રોડમાં રહેતા હિતેશ પોબારી આવો મત વ્યક્ત કરતાં કહે છે, ‘નાનપણમાં સ્કૂલમાંથી મારી ફરિયાદ આવી હોય તો મમ્મી સાચવી લેતી. પપ્પાની હાજરીમાં તોફાન ન કરી શકાય એવો માહોલ હતો. જોકે મારી ચાર વર્ષની દીકરી મસ્તી કરી શકે છે. પ્રવાહ સાથે દરેક વ્યક્તિએ ચાલવું પડે છે. મિડલએજના પુરુષો જ નહીં, એક સમયના શિસ્તપ્રિય બાપુજી પણ બદલાયા છે. મારા પપ્પામાં આ તફાવત દેખાય છે. એક સમયે તેમનો નિર્ણય બધાએ માનવો પડતો. આજે તેઓ કહે છે કે સંતાનો રાજી એમાં હું રાજી. પપ્પા કે પુરુષનો સ્વભાવ કડક હોય એવી સામાજિક માન્યતા શરૂઆતથી જ ખોટી છે. પુરુષ પહેલાં પણ સંવેદનશીલ હતો અને આજે પણ છે. જૂની રૂઢિચુસ્ત પરંપરાઓને કારણે અગાઉ તે મનમાં ગૂંગળાયા કરતો. ચિંતા વ્યક્ત કરવાની તેને આઝાદી નહોતી. હવે તેને હળવાશથી જીવતાં આવડી ગયું છે. પુરુષની બદલાયેલી સોશ્યલ ઇમેજને લીધે તેઓ પોતાનાં ઇમોશન્સ એક્સપ્રેસ કરી શકે છે. મારા પપ્પા પોતાની ચિંતા વ્યક્ત નહોતા કરી શક્યા, પણ હું મારી વાઇફ સામે હળવો થઈ શકું છું.’

 અગાઉ બાપુજીના આંખની શરમ, ધાક અને સામાજિક નજરિયાને લીધે સંતાનો સાથેના તેમના ઉષ્માભર્યા સંબંધો હતા તોય જોવા ન મળ્યા. પપ્પાને સૉરી કે મમ્મીને આઇ લવ યુ કહેવામાં આપણને પણ સંકોચ થતો. ધીમે-ધીમે બૅરિયર બ્રેક થતાં ગયાં. પુરુષો એક્સપ્રેસિવ બનતાં ફૅમિલી બૉન્ડિંગ વધ્યું. - દીપાલી પંડ્યા પરમાર

columnists Varsha Chitaliya