હારી નહીં એટલે જીતી ગઈ

25 January, 2022 05:15 PM IST  |  Mumbai | Varsha Chitaliya

માત્ર દસમું ભણેલાં બોરીવલીનાં સિંગલ મધર રાજેશ્રી દાવડાએ બગીચાની બહાર હેલ્ધી જૂસ અને સૂપ વેચીને બે દીકરીઓને એમબીએ સુધી ભણાવી. કપરા સમયનો હિંમતભેર સામનો કરનારી આ મહિલાની દાસ્તાન પ્રેરણાદાયી છે

હારી નહીં એટલે જીતી ગઈ

બોરીવલી​સ્થિત વીર સાવરકર ગાર્ડનની બહાર સવારે સાત વાગ્યે હેલ્ધી ડ્રિન્ક્સ પીવા માટે ફિટનેસપ્રેમીઓની ભીડ જોવા મળે છે. છેલ્લાં ૧૬ વર્ષથી બગીચાની બહાર ટેબલ ગોઠવી વિવિધ પ્રકારનાં જૂસ અને સૂપનું વેચાણ કરતાં રાજેશ્રી દાવડાની આ રોજીરોટી છે. બે કલાકના બિઝનેસના પ્રિપેરેશન માટે આખો દિવસ દોડાદોડી કરીને તેઓ થાકી જાય છે તેમ છતાં ચહેરા પર સદાય મુસ્કાન જોવા મળે. શરૂઆતથી જ દરેક પરિસ્થિતિનો હિંમતભેર સામનો કરવાનો દૃઢ નિશ્ચય કરનારાં આ મહિલા પોતે માત્ર દસમા ધોરણ સુધી ભણ્યાં છે, પરંતુ જૂસ અને સૂપ વેચીને તેમણે દીકરીઓને ખૂબ ભણાવી છે. સમાજમાં સ્ત્રીસશક્તિકરણનો ઉત્કૃષ્ટ દાખલો બેસાડનારાં ૫૬ વર્ષનાં રાજેશ્રીબહેનને જૂસ વેચવાની ફરજ કેમ પડી, કેવા પડકારો આવ્યા તેમ જ એનો સામનો કઈ રીતે કર્યો એની પ્રેરણાદાયી દાસ્તાન અહીં રજૂ કરી છે. 
જૂસનો બિઝનેસ કેમ?
ભુલાઈ ગયેલી વાતોને ફરી યાદ કરતાં રાજેશ્રીબહેન કહે છે, ‘બન્ને દીકરીઓની ઉંમર નાની હતી ને અમારું લગ્નજીવન ભાંગી ગયું. પિયરપક્ષનો ટેકો મળ્યો પણ ભરણપોષણ અને દીકરીઓના એજ્યુકેશન માટે કંઈક તો કરવું જ પડેને! વધુ ભણેલી નહીં એટલે ખુરશી પર બેસીને કરી શકાય એવી નોકરી મને કોણ આપે? શું કરવું એની મગજમાં મથામણ ચાલતી હતી. મારાં મમ્મીને કુદરતી ચિકિત્સા પર ખૂબ ભરોસો હતો. ઘરમાં કોઈ બીમાર પડે ત્યારે જુદા-જુદા ઓસડિયાંના પ્રયોગથી મટાડી દેતાં. નાનપણથી હેલ્ધી ફૂડનું આકર્ષણ હતું તેથી તેમના માર્ગદર્શનમાં નાનકડો બિઝનેસ શરૂ કર્યો. ૧૬ વર્ષથી વીર સાવરકર ગાર્ડનની બહાર પંચરત્ન, આમળા, અદરક-હલદી વગેરે જૂસ તેમ જ ટમેટો-કૅરટ, દૂધી-ટમેટો, કૅરટ-બીટ, મિક્સ વેજિટેબલ સૂપ, સૅલડ તેમ જ ડાયટ નાસ્તો બનાવીને સેલ કરું છું. જોકે બિઝનેસની શરૂઆત કાંદિવલીના લક્ષ્મીનારાયણ મંદિરની બહાર જૂસના વેચાણથી કરી હતી.’
પડકારોનો સામનો
‘સિંગલ મધર’ આ શબ્દ સાથે જીવવું એ જ સૌથી મોટો પડકાર છે એવો જવાબ આપતાં તેઓ કહે છે, ‘પડકારો ગણવા બેસું તો સાંજ પડી જાય. એ વખતે અમે કાંદિવલીમાં રહેતાં હતાં. લક્ષ્મીનારાયણ મંદિરની બહાર ટેબલ નાખીને ઊભી રહેતી. દર્શન કરવા આવતા ભક્તોને નૅચરલ ડ્રિન્ક્સમાં રસ પડ્યો નહીં. ધંધો જામ્યો નહીં તેથી આર્થિક ખેંચ પડવા લાગી. પછી થયું કે એવી જગ્યાએ ઊભી રહું જ્યાં લોકો જૂસ પીવાના ફાયદાઓ સમજી શકે. ત્યારથી આ જગ્યા ફિક્સ થઈ ગઈ. જોકે મને અહીંથી તગેડી નાખવાની ઘણી કોશિશ કરવામાં આવી હતી. મહિલાને શું ખબર પડે એવું માની કેટલાક ઉપદ્રવીઓએ હેરાનગતિ શરૂ કરી. મને ધમકાવતાં કહ્યું કે તમે બોરીવલી વૉર્ડમાં નથી રહેતાં તેથી અહીં બિઝનેસ ન કરી શકો. મેં દલીલ કરી કે પાલઘરમાં રહેતી વ્યક્તિ મુંબઈ નોકરી કરવા આવી શકે તો કાંદિવલીની મહિલા બોરીવલીના ગાર્ડનની બહાર જૂસ કેમ ન વેચી શકે? હિંમતથી સામનો કર્યો ત્યારે તેઓ નરમ પડ્યા. વર્ષો થયાં કોઈ તકલીફ નડી નથી.’
દીકરીઓના એજ્યુકેશન માટે પણ ઘણી અડચણો આવી એવી માહિતી શૅર કરતાં રાજેશ્રીબહેન કહે છે, ‘શિક્ષણના અભાવે મારે સખત મહેનત-મજૂરી કરવી પડી. મનમાં ગાંઠ વાળી રાખી હતી કે દીકરીઓને અંગ્રેજી માધ્યમમાં ભણાવવી છે. તેઓ ઑફિસની અંદર ખુરશીમાં બેસીને કામ કરશે. સ્કૂલની ફીસ માંડ ભરી શકતી હતી એમાં ટ્યુશન ક્યાંથી પરવડે? બન્નેને હોમવર્ક કરાવવા મેં અંગ્રેજીમાંથી ગુજરાતી ભાષાંતર કરેલાં પુસ્તકો વસાવ્યાં. ઘરના અને બહારના કામની સાથે પુસ્તકો વાંચીને તેમને સાતમા ધોરણ સુધી ભણાવી. આનાથી વધુ જાતે ભણાવવાની ક્ષમતા ન હોવાથી આગળના ભણતર માટે ક્લાસિસમાં મોકલવી પડી. હપ્તે-હપ્તે ફી ભરીને એમબીએની ડિગ્રી અપાવી. આવા તો અનેક કિસ્સાઓ છે. જીવનમાં ક્યારેય હાર ન માની એટલે જીતી ગઈ.’
જીવન ચલને કા નામ
આજે તેમની બન્ને દીકરીઓ પગભર થઈ ગઈ છે. આટલી બધી હાડમારી કરવાની તેઓ મમ્મીને ના પાડે છે, પરંતુ રાજેશ્રીબહેન માનતાં નથી. હસતાં-હસતાં તેઓ કહે છે, ‘દીકરીઓ પરણીને સાસરે ચાલી જશે. અત્યાર સુધી તેઓ બધી રીતે સપોર્ટ કરતી રહી છે અને આગળ પણ કરશે તોય જીવનમાં પ્રવૃત્તિ અને આવક ચાલુ રાખવાં છે. સૂપ અને જૂસ બનાવવા સવારે ચાર વાગ્યે ઊઠી જાઉં છું. શાકભાજી, ફ્રૂટ્સ અને અન્ય ચીજવસ્તુ લેવા બજારમાં જાઉં. આખો દિવસ એમાં જાય. હાથમાં ઘણીબધી બરણીઓ જોઈને રિક્ષાવાળા ના પાડી દે છે તેથી સેકન્ડહૅન્ડ કાર લઈ ડ્રાઇવિંગ શીખી. જીવનમાં ક્યારેય સાઇકલ પણ નહોતી ચલાવી ને હવે કાર અને સ્કૂટર ચલાવું છું. થોડા સમયથી બોરીવલી રહેવા આવી ગયાં છીએ. જૂસના બિઝનેસની સાથે હાલમાં ક્લાઉડ કિચન સ્ટાર્ટ કર્યું છે. મારી ઇચ્છા બિઝનેસને વધુને વધુ વિસ્તારવાની છે. નજીકના ભવિષ્યમાં શૉપ લઈને હેલ્ધી ફૂડ સેન્ટર ખોલવું છે.’

રાજેશ્રીબહેનની સ્ટોરી અનેક લોકોને સ્પર્શી ગઈ છે. ફૂડ બ્લૉગરો તેમના વિડિયો ઉતારવા આવે છે. કૉલેજ સ્ટુડન્ટ્સના ગ્રુપે તેમના બિઝનેસ પર પ્રોજેક્ટ્સ બનાવ્યા છે. હેલ્ધી અને નૅચરલ ફૂડમાં નવા એક્સપરિમેન્ટ તેઓ કરતાં રહે છે અને બગીચામાં આવતા લોકોને એના ફાયદાઓ પણ સમજાવે છે.

અનેક પડકારોનો સામનો કરીને રાજેશ્રીબહેને સ્ત્રીસશક્તિકરણનો ઉત્કૃષ્ટ દાખલો બેસાડ્યો છે.

columnists Varsha Chitaliya