કૉંગ્રેસ બેઠી થઈ ચૂકી છે, રાહુલનો ઉદય થઈ ચૂક્યો છે

06 January, 2019 11:17 AM IST  |  | Ramesh OZa

કૉંગ્રેસ બેઠી થઈ ચૂકી છે, રાહુલનો ઉદય થઈ ચૂક્યો છે

રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી

નો નૉન્સેન્સ 

૨૦૧૩માં ૧૬મી લોકસભાની ચૂંટણી માટે પ્રચાર શરૂ થયો ત્યારે એક વાતની શંકા હતી અને ત્રણ વાતની ખાતરી હતી.

શંકા એ હતી કે નરેન્દ્ર મોદી પૂરી તાકાત લગાવ્યા પછી પણ કદાચ ભાજપને બહુમતી નહીં અપાવી શકે. શંકા હોવાનું પહેલું કારણ એ હતું કે ભાજપ હિન્દુત્વવાદી પક્ષ છે એટલે એને ઉદારમતવાદી હિન્દુઓના અને લઘુમતી કોમના મત નહીં મળે. બીજું કારણ એ હતું કે દેશનાં કેટલાંક રાજ્યોમાં ભાજપ અને કૉંગ્રેસ સિવાયના બીજા પ્રાદેશિક પક્ષો મજબૂત છે એટલે ભાજપને ઉત્તર પ્રદેશ અને બિહાર જેવાં કેટલાંક રાજ્યોમાં જોઈએ એટલી બેઠકો નહીં મળે. શંકા પાછળનું ત્રીજું કારણ એ હતું કે દક્ષિણ ભારતમાં અને પૂવર્‍ ભારતમાં ભાજપ ખાસ કોઈ પ્રભાવ નથી ધરાવતી એટલે ભાજપએ ઉત્તર અને પશ્ચિમ ભારતની અંદાજે સવાત્રણસો બેઠકોમાંથી ૨૭૨ બેઠકો મેળવવાની છે અને એ ભગીરથ કામ છે. ભાજપના વિરોધીઓ અને રાજકીય સમીક્ષકોની વાત છોડો, ખુદ ભાજપના સિનિયર મોસ્ટ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ ભાજપએ બિહારમાં નીતીશકુમાર સાથેનું ગઠબંધન તોડી નાખ્યું ત્યારે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં લેખ લખીને આવો મત વ્યક્ત કર્યો હતો.

જે ત્રણ ખાતરી હતી એમાંની પહેલી ખાતરી એ કે લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસનો કારમો પરાજય થવાનો છે. ૧૦૦ની આસપાસ બેઠકો મળશે એમ ત્યારે ધારવામાં આવતું હતું. બીજી ખાતરી એ વાતની હતી કે રાહુલ ગાંધીમાં રાજકીય નેતૃત્વ કરવા જેટલી પરિપક્વતા નથી, આવડત પણ નથી અને એનાથી પણ વધારે તેઓ સાતત્યપૂવર્‍ક રાજકારણ કરી શકતા નથી. ભારતીય રાજકારણમાં પાર્ટટાઇમ રાજકારણ થતું નથી. પક્ષનો નેતા ચોવીસ કલાકનો રાજકારણી હોય છે અને ચોવીસ કલાક ઉપલબ્ધ હોવો જોઈએ. ચિંતન-મનન કરવા માટેની છુટ્ટી (સેબેટિકલ લીવ) ભારતીય રાજકારણીના નસીબમાં નથી હોતી. ટૂંકમાં, રાહુલ ગાંધી નથી ભારતીય સમાજના સ્વરૂપને ઓળખતા કે નથી ભારતીય રાજકારણના સ્વભાવને ઓળખતા. આ સ્થિતિમાં રાહુલ ગાંધી કૉંગ્રેસ માટે બોજારૂપ છે.

ત્રીજી ખાતરી એ વાતની હતી કે જો નરેન્દ્ર મોદી વડા પ્રધાન બનશે (અને તેઓ બને એમ લાગતું જ હતું) તો તેઓ ઓછામાં ઓછી બે મુદત માટે અને કદાચ ત્રણ મુદત માટે સત્તા ભોગવશે. કોઈ તેમને ઉક્ષખેડી નહીં શકે. ભાજપ પહેલી મુદત કરતાં બીજી મુદત માટે વધુ બેઠકો મેળવશે એની પણ ખાતરી હતી. આ વરસો કૉંગ્રેસ માટે વસમાં નીવડવાનાં છે અને એમાં કદાચ કૉંગ્રેસ વિભાજિત થઈને ખતમ થઈ જાય એવું પણ લાગતું હતું. આવી ખાતરી હોવાનું કારણ એ હતું કે નરેન્દ્ર મોદીને વિરોધના વાવાઝોડા સામે બચી નીકળતાં અને સત્તાને પોતાના હાથમાં મજબૂતપણે કેન્દ્રિત કરતાં આવડે છે. આ આવડત અસાધારણ છે.

આજે પાંચ વરસ પછી ત્રણેત્રણ ખાતરીઓ ઉપરતળે થઈ ગઈ છે. કૉંગ્રેસ ત્રણ વરસની જગ્યાએ પાંચ વરસમાં બેઠી થતી નજરે પડી રહી છે. રાહુલ ગાંધીમાં કમાલનું પરિવર્તન જોવા મળી રહ્યું છે અને નરેન્દ્ર મોદીના હાથમાંથી પરિસ્થિતિ સરકી રહી છે. તેઓ બીજી વાર વડા પ્રધાન બનશે કે નહીં એ વિશે પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમની બધી તરકીબો નિષ્ફળ નીવડી રહી છે. આને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પ્લાન બી અમલમાં મૂકી દીધો છે અને નીતિન ગડકરીને આગળ કરવામાં આવી રહ્યા છે.

આવું કેમ બન્યું? કોણે આવી સ્થિતિ પેદા કરી? પરિસ્થિતિએ, રાહુલ ગાંધીએ કે ખુદ નરેન્દ્ર મોદીએ? થોડા ગમા-અણગમાને બાજુએ રાખીને આ વિશે વિચારવું જોઈએ. આમ પણ આપણી ઇચ્છા મુજબ બધું થતું નથી.

મારી સમજ મુજબ પહેલી ભૂલ નરેન્દ્ર મોદીએ કરી છે. એ ભૂલ ભારતને વિસ્તારિત ગુજરાત સમજી બેસવાની હતી. ગુજરાત મૉડલ આબેહૂબ ભારતમાં ન ચાલ્યું. શું હતું ગુજરાત મૉડલ? શું એનાં લક્ષણો હતાં? ઇવેન્ટોને વિકાસના પર્યાય તરીકે રજૂ કરવાનું. રોજ નિતનવા ખેલ પાડતા રહીશું તો લોકોને એમ લાગશે કે દેશમાં અત્યાર સુધી જોવા નથી મળ્યું એવું કંઈક નવું થઈ રહ્યું છે. એની સાથે વિરોધ પક્ષોને કચડી નાખવાના, સંસદનો ઓછામાં ઓછો સામનો કરવાનો, કૉમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ, સીબીઆઈ અને બીજી બંધારણીય સંસ્થાઓને મુઠ્ઠીમાં રાખવાની, સાચી-ખોટી સિદ્ધિઓની ખૂબ પ્રસિદ્ધિ કરવાની, મીડિયાને કબજામાં રાખવાનાં, પ્રજાને આંચકો આપે એવા નિર્ણયો લેવાના, વિરોધ પક્ષના નેતાઓનું મૉરલ તૂટી જાય એટલી હદે નીચે ઊતરીને ટીકા કરવાની વગેરે. ગુજરાત મૉડલ વિકાસશીલ શાસનનું મૉડલ નહોતું, તરકીબી શાસનનું મૉડલ હતું. નરેન્દ્ર મોદી અને અમિત શાહે એમ માની લીધું હતું કે ગુજરાતનું તરકીબી મૉડલ રાષ્ટ્રીય મૉડલ બનાવી શકાશે અને ગાડું ગબડશે.

નરેન્દ્ર મોદીએ બીજી ભૂલ ભારતીય પ્રજામાં જે પ્રચંડ હતાશા વ્યાપ્ત હતી એની ઉપેક્ષા કરવાની કરી હતી. તેમની ગણતરી એવી હતી કે તેઓ હતાશાની અંદર આશા જગાડવાની ક્ષમતા ધરાવે છે એટલું જ નહીં, એ આશા ટકાવી રાખવાની પણ ક્ષમતા ધરાવે છે. એ વાતમાં કોઈ શંકા નથી કે ૨૦૧૩-’૧૪માં નરેન્દ્ર મોદી ભારતની પ્રજામાં આશા જન્માવી શક્યા હતા. હકીકતમાં એને કારણે તો તેમણે આ લખનાર જેવા રાજકીય સમીક્ષકોને અને ખુદ લાલ કૃષ્ણ અડવાણીને ખોટા સાબિત કર્યા હતા. હતાશાની વચ્ચે આશા પેદા કરવી એ બહુ મોટી સિદ્ધિ છે. આવું ૧૯૧૫માં ભારત આવ્યા પછી ગાંધીજી કરી શક્યા હતા. એ સમયે મેં આશા જન્માવવાની ક્ષમતાની બાબતે નરેન્દ્ર મોદીની તુલના ગાંધીજી સાથે કરી ત્યારે મારા એક વડીલ મિત્રે ટકોર પણ કરી હતી કે ગાંધીજી અને નરેન્દ્ર મોદી એક ત્રાજવે?

નરેન્દ્ર મોદીએ ત્યારે આશા તો પેદા કરી, પરંતુ હતાશાનું સ્વરૂપ અને એનાં મૂળિયાં ક્યાં સુધી ફેલાયેલાં છે અને કેટલાં ઊંડાં છે એ સમજવાની તસ્દી નહોતી લીધી. કોઈ સમાજશાસ્ત્રીની મદદ લીધી હોત તો તે નરેન્દ્રભાઈને સમજાવત કે હતાશા એ રોકડી વાસ્તવિકતા છે અને આશા એ પોસ્ટ-ડેટેડ ચેક છે. દિવસ ઊગે અને કવરાવનારી રોકડી વાસ્તવિકતાથી બચી શકાતું નથી. આશાની વાટ માણસ ક્યાં સુધી જુએ? બીજું, ૨૦૧૧ પછી ભારતીય સમાજમાં જે હતાશા પેદા થઈ હતી એ સાધારણ નહોતી. અણ્ણા હઝારે જેવા નાસમજ અને બાબા રામદેવ કે શ્રી શ્રી રવિશંકર જેવા અંગત એજન્ડા ધરાવનારાઓની પ્રજાએ આંગળી પકડી હતી. માણસ જ્યારે તણખલાનો સહારો લે ત્યારે સમજી જવું જોઈએ કે સંકટ કેવું મોટું છે. ડૉ. મનમોહન સિંહનો વિરોધી પણ તેમની બુદ્ધિપ્રતિભા, તેમની આવડત, તેમની પ્રામાણિકતા અને તેમના સરોકાર વિશે શંકા નહીં કરે. આવો માણસ જ્યારે હતપ્રભ થઈ ગયો હોય અને બીજી બાજુ ઉપાયના અભાવમાં પ્રજા અણ્ણા હઝારે અને બાવાઓની આંગળી પણ પકડી લેતી હોય ત્યારે એ હતાશાને ગંભીરતાથી લેવાની જરૂર હતી.

પ્રજાને હતાશાનો ઉપાય જોઈતો હતો અને નરેન્દ્ર મોદી આશા, વધુ આશા અને હજી વધુ આશા પેદા કરતા જતા હતા. ક્યાં સુધી આ ચાલે? ઊજળી કાલ ક્યારેય આવે જ નહીં અને દરેક દિવસ આશાના નવા પડીકા સાથે ઊગે તો પ્રજા ક્યાં સુધી ધીરજ જાળવે? માત્ર ભારતીય પ્રજા સામે નહીં, સંકટ જાગતિક છે. એ જટિલ છે અને વિકટ પણ છે. એ વ્યાપક છે અને એનાં મૂળિયાં ઊંડાં છે. ૨૦૧૭ પછી નરેન્દ્ર મોદીના સમર્થકોને પણ સમજાઈ ગયું હતું કે પ્રજાને સંકટ સામે ઝઝૂમનારા વડા પ્રધાન જોઈએ છે; ઇવેન્ટ બહાદુર, રોજ આશાના નવા-નવા જુમલા ફેંકનારા, કંઈક અનોખું કરવાનો દેખાડો કરતા વડા પ્રધાન નહીં જે નોટબંધી જેવો તઘલખી નિર્ણય પણ લે. ટૂંકમાં, નરેન્દ્ર મોદીએ સંકટને ગંભીરતાથી સમજવાની કોશિશ કરી હોત તો આજે તેમની સામે અનિશ્ચિતતાનાં જે વાદળો ઘેરાયાં છે એ ન ઘેરાયાં હોત. તેમણે ગુજરાતના તરકીબી મૉડલ પર ભરોસો રાખ્યો, સંકટ તેમ જ સંકટજન્ય હતાશાની ઉપેક્ષા કરી અને ઉપરથી રોજ નવી આશાના ફુગ્ગા ચગાવતા રહ્યા એ તેમની આજની અવસ્થાનું કારણ છે. આને કારણે ૨૦૧૪માં નરેન્દ્ર મોદીની બીજી અને કદાચ ત્રીજી મુદત પણ નિãત લાગતી હતી એ આજે અનિશ્ચિત બની ગઈ છે.

રાહુલ ગાંધી શેને કારણે ઊભા થયા? ૨૦૧૪ના રાહુલ ગાંધીમાં અને આજના રાહુલ ગાંધીમાં જમીન-આસમાનનો ફરક છે. માણસ આટલી હદે બદલાઈ શકે? ૨૦૧૪ના કૉંગ્રેસના કારમા પરાજય પછી અને એ પછી રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીમાં થયેલા કૉંગ્રેસના ઉપરાઉપરીના પરાજય પછી એક નેતા તરીકે રાહુલ ગાંધીના નામનું નાહી નાખવામાં આવ્યું હતું. ખાસ કરીને ૨૦૧૭ના માર્ચ મહિનામાં ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બે-તૃતીયાંશ બહુમતી મળી અને કૉંગ્રેસને તેમ જ કૉંગ્રેસ સાથે ચૂંટણી-સમજૂતી કરનાર સમાજવાદી પાર્ટીને અનુક્રમે સાત અને ૪૭ બેઠકો મળી ત્યારે કહેવામાં આવતું હતું કે પપ્પુ સાથે હાથ મેળવવાને કારણે અખિલેશ યાદવનાં બારે વહાણ ડૂબી ગયાં છે.

આ રાહુલ ગાંધી ગજબના આત્મવિશ્વાસ સાથે નરેન્દ્ર મોદીની સામે ઊભા રહી ગયા છે. ‘ઇન્ડિયા ટુડે’ નામના પ્રતિષ્ઠિત સામયિકે ‘ધ ધવૉલ્યુશન ઑફ રાહુલ ગાંધી’ નામની કવરસ્ટોરી કરી છે જેમાં રાહુલના ઉદય અને વિકાસની કારણમીમાંસા આપી છે. રાહુલ ગાંધીનો ઉદય મુખ્યત્વે નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ભાજપએ કરી આપ્યો છે. તેમને એટલી હદે કચડી નાખવામાં આવ્યા હતા અને એટલી હદે તેમનું મૉરલ તોડવામાં આવ્યું હતું કે રાહુલ માટે બે જ વિકલ્પ બચ્યા હતા. કાં તો રાજકારણને રામ-રામ કરવા અથવા વળતો હુમલો કરવો. રાહુલે હાર કબૂલી નહીં. કૉંગ્રેસમાં અસંતોષ પેદા થયો નહીં કે વિભાજન થયું નહીં. આ બાજુ નરેન્દ્ર મોદી નક્કર કંઈ આપી શક્યા નહીં અને ઉપરથી નોટબંધી તેમ જ ઉતાવળા ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સને કારણે અસંતોષ વધ્યો. એ સમયે નરેન્દ્ર મોદી અને ભાજપએ રાહુલ વિશેનો અભિગમ બદલવો જોઈતો હતો, કૂણા પડવું જોઈતું હતું.

એની જગ્યાએ તેઓ રાહુલ પરનું આક્રમણ હજી નીચલા સ્તરે લઈ ગયા હતા. મહાભારતના અભિમન્યુ અને કૌરવો જેવો સીન નજરે પડવા લાગ્યો. રાહુલ ગાંધીએ આમ છતાં રાજકારણને રામ-રામ કર્યા નહીં, લડતા રહ્યા, ખૂબ પ્રવાસ કરતા રહ્યા અને અકળાયા વિના કે વિવેક ગુમાવ્યા વિના વિઘ્નોનો સામનો કરતા રહ્યા ત્યારે લોકોને લાગવા માંડ્યું કે રાહુલ ગાંધી સાથે જે થઈ રહ્યું છે એ અસભ્ય અન્યાય છે; પણ આ છોકરો સભ્યતા છોડતો નથી. આજ સુધી એક પણ એલફેલ શબ્દ તેમણે ઉચાર્યો નથી. આનો અર્થ એવો નથી કે લોકોએ રાહુલ ગાંધીને મોટા ગજાના નેતા તરીકે સ્વીકારી લીધા છે કે વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે જોવા માંડ્યા છે. આનો અર્થ એટલો જ લોકો નરેન્દ્ર મોદીને ઓળખી ગયા છે. નરેન્દ્ર મોદી વિકાસના મોરચે વિરાટ નથી અને માણસાઈના મોરચે વામન છે. આ બાજુ રાહુલ ગાંધી પાસે ધીરજ જાળવીને ટકી રહેવા સિવાય કોઈ માર્ગ નહોતો. તે ટકી રહ્યા અને નરેન્દ્ર મોદી તેમ જ ભાજપના અન્ય નેતાઓના પ્રતાપે ઊભા થઈ ગયા. એટલું તો રાહુલ ગાંધીના દુશ્મનો પણ સ્વીકારશે કે જે સંજોગોમાંથી રાહુલ પસાર થયા છે એ અસાધારણ હતા. ભલભલો માણસ તૂટી જાય. તે તૂટ્યા નહીં અને ઊભા થયા એ કોઈ કરિશ્મા છે.

આ પણ વાંચોઃ ભારતીય બનવાના ફાયદા

તો ૨૦૧૪માં ત્રણ ખાતરી હતી : કૉંગ્રેસ ખતમ થઈ જશે, રાહુલ ગાંધી કૉંગ્રેસ પર બોજ છે અને ક્યારેય ઊભા નહીં થઈ શકે અને નરેન્દ્ર મોદીને બે અને કદાચ ત્રણ મુદત સુધી કોઈ હલાવી નહીં શકે. એ ત્રણેય ખાતરી ખતમ થઈ ગઈ છે. કૉંગ્રેસ બેઠી થઈ ચૂકી છે, રાહુલનો ઉદય થઈ ચૂક્યો છે અને નરેન્દ્ર મોદીનો સૂર્ય મધ્યાહ્નેથી ખસી ચૂક્યો છે. મુખ્યત્વે આનું શ્રેય નરેન્દ્ર મોદી અને ભાજપને જાય છે.

columnists rahul gandhi narendra modi