Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ભારતીય બનવાના ફાયદા

ભારતીય બનવાના ફાયદા

30 December, 2018 02:24 PM IST |
રમેશ ઓઝા

ભારતીય બનવાના ફાયદા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નો નૉન્સેન્સ 

ભારતીય બનશો તો દેશ વહાલો લાગશે, ભેદભાવ વિના દેશની પ્રજા વહાલી લાગશે, નિસબત વિકસશે, પ્રશ્નો થશે, પોતાની જાતે જવાબ શોધશો, જેમને જવાબ આપવા જોઈએ તેમની પાસે જવાબ માગશો. આમ કરશો તો ઉપેક્ષાથી બચશો અને ઇલાજનો લાભ પણ મળશે. ભારતીય બનવામાં ફાયદા જ ફાયદા છે, નુકસાન જરા પણ નથી.



ખેડૂતોને આપવામાં આવતી કે આપવી જોઈતી કર્જમાફી વિશે દેશમાં ચર્ચા ચાલી રહી છે. આખું જગત કૃષિસંકટ અનુભવી રહ્યું છે અને ભારત એમાં અગ્રેસર છે. ભારત એમાં અગ્રેસર શા માટે છે એની ચર્ચા આગળ આવશે. આમ તો ખેડૂતોના અવાજની ઉપેક્ષા થઈ શકી હોત, છેલ્લાં અનેક વર્ષોથી કરવામાં પણ આવી રહી છે; પરંતુ હવે થઈ શકે એમ નથી. છેલ્લાં ચાર વરસથી જોવા મળી રહ્યું છે કે ખેડૂતો હિન્દુ, મરાઠા, કણબી, જાટ, પાટીદાર બનવા માગતા નથી; પરંતુ ખેડૂત તરીકે રસ્તા પર ઊતરી રહ્યા છે.


ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અંગ્રેજોના વારાની છે અને અંગ્રેજો આપણને એ વારસો આપતા ગયા છે. ભારતની પ્રજાને ઓળખોમાં વહેંચીને બને તો લડાવી મારવી અને એ શક્ય ન હોય તો કમસે કમ સંગઠિત થવા ન દેવી એ ફાવતી અને ભાવતી રમત છે. ગાંધીજી ભારતના ઇતિહાસના પહેલા ભારતીય હતા જેમણે હિન્દુ, મુસલમાન, ગુજરાતી, બ્રાહ્મણ, દલિત, સ્ત્રી, પુરુષ, આર્ય, દ્રવિડ, આદિવાસી વગેરેમાંથી ભારતીય પેદા કર્યો હતો. ગાંધીજીએ ભારતીય પેદા કરી આપ્યો એટલે અંગ્રેજોએ ભારતમાંથી ઉચાળા ભરવા પડ્યા હતા. ગાંધીજી અંગ્રેજોના દુશ્મન હતા, કારણ કે તેમણે હિન્દુ કે મુસલમાનને ભારતીય બનાવ્યો અને ગાંધીજી આપણા પણ દુશ્મન છે, કારણ કે ગાંધીજી આપણે જે કંઈ છીએ એ રહેવા દેતા નથી.

આમ ખેડૂતો જો કણબી, મરાઠા, પાટીદાર, જાટ કે હિન્દુ તરીકે વિભાજિત રહ્યા હોત તો તેમને કર્જમાફી આપવામાં તો ન આવી હોત; તેમના વિશે ચર્ચા પણ ન થતી હોત. બન્યું એવું કે નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી ખેડૂત ખેડૂત બનવા લાગ્યો. તેને સમજાઈ ગયું કે શાસકો મૂડીવાદીઓના ખિસ્સામાં છે અને અત્યારના શાસકો તો સમૂળગા તેમના જ છે. ચૂંટણીપ્રચાર વખતે ખેતી વિશે અઢળક વાતો કરનારા વડા પ્રધાન ખેતીની અવસ્થા વિશે એક શબ્દ ન બોલે એ તેમણે જોઈ લીધું. શરૂઆતમાં અમુક રાજ્યોમાં કેટલાંક ખેડૂત સંગઠનોએ આંદોલન કર્યાં, કોઈ પ્રતિસાદ નહીં. એ પછી કેટલાંક રાજ્યોમાં ખેડૂત-સંગઠનોએ ભેળાં મળીને આંદોલનો કર્યાં, કોઈ પ્રતિસાદ નહીં. ખેડૂતોએ રાજ્યોની રાજધાનીઓમાં જઈને પ્રભાવી આંદોલનો કર્યાં, કોઈ પ્રતિસાદ નહીં. ખેડૂતોનાં એકસો કરતાં વધુ સંગઠનોએ દિલ્હી જઈને આંદોલનો કર્યાં, કોઈ પ્રતિભાવ નહીં. કેન્દ્રના કૃષિપ્રધાન કોણ છે એ જાણવા દરેક વખતે ગૂગલનો આશરો લેવો પડે એવી સ્થિતિ છે. ખેડૂતોએ ગુજરાત અને કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીમાં નારાજગી પ્રગટ કરી એ પછી પણ સરિયામ ઉપેક્ષા.


ભરોસો એવો હતો કે આ ખેડૂત નામના વ્યવસાયી પ્રાણીને હિન્દુ બનાવીશું અને તેની અંદરના હિન્દુ ભૂતને ધુણાવીશું એટલે કામ થઈ જશે. આ ઉપરાંત પાટીદાર, મરાઠા, કણબી જેવાં નાનાં ભૂતોને પણ જગાડીશું. ભારતમાં દરેક સમાજની પોતીકી, નાનકડી અને મીઠડી ઓળખ પ્રબળ છે એટલે ચિંતા કરવાની જરૂર નથી. ગાંધી ક્યાં રોજ પાકે છે અને જો કોઈ પાકે તો નાથુરામની ત્રણ ગોળી તો હાથવગી છે જ.

ગણતરી તો એકદમ પાકી હતી, પરંતુ ખેડૂત સામે હવે અસ્તિત્વનું સંકટ પેદા થઈ ગયું છે. દીકરા પાસે રોજગાર નથી. દીકરા કે દીકરીને વરાવવા હોય તો ગામડામાં કોઈ દીકરી આપતું નથી કે ગામડાની દીકરી લેતું નથી. દાખલા તરીકે શહેરી હિન્દુ પાટીદાર પોતાની જ જ્ઞાતિના ગ્રામીણ હિન્દુ પાટીદારને પોતાનાથી દૂર રાખે છે. તો પછી મહાન હિન્દુ ધર્મ, હિન્દુ એકતા અને મહાન દેશભક્તિ ગયાં ક્યાં? ભક્તો પૂછી જુએ પોતાની જાતને, તમારા સમાજમાં આવું બની રહ્યું છે કે નહીં? ખેડૂતને ખેતપેદાશના ભાવ મળતા નથી. પોતાના ખેતરમાંથી નીકળેલી ડુંગળી જથ્થાબંધ બજારોમાં ફરતી-ફરતી શહેરી ગ્રાહકના ભાણામાં જાય છે ત્યારે એ શું ભાવે પહોંચે છે એની તેને જાણ છે. વચ્ચે સરેરાશ ૯૦ ટકા નફો કોનાં ખિસ્સાંમાં ગયો એની પણ તેને જાણ છે. ટૂંકમાં, અવદશા ઉઘાડી છે.

જથ્થાબંધ બજારમાં ડુંગળીનો વ્યવસાય કરનારો તેમની જ જ્ઞાતિનો છે. APMC નાતીલો ચલાવે છે. નાતીલા નેતાનું એક કુટુંબ મુંબઈ, અમદાવાદ કે રાજકોટમાં રહે છે. નાતીલો નેતા પોતાના જ્ઞાતિબંધુ ખેડૂતને પાટીદાર કે હિન્દુ હોવાની ઓળખના ઘેનના ઘૂંટડા પીવડાવે છે. આ બધું ત્યાં સુધી ચાલ્યું જ્યાં સુધી ખેડૂત સામે અસ્તિત્વનું સંકટ હજી દૂર હતું. હવે બાપ સામે રોજગારી વિનાનો દીકરો રખડે છે અને કદાચ હતાશ થઈને મવાલીગીરી કરે છે. હવે દીકરા સામે બાપ આત્મહત્યા કરે છે. હવે મા-બાપ સામે દીકરી મોટી થઈ રહી છે અને હાથ પીળા નથી થતા. હવે પરસાળમાં અનાજ સડે છે અને ભાવ નથી મળતા. આવા અસ્તિત્વના સંકટ વખતે કોઈ ભગવો ઝંડો લઈને આવે અને પરાણે ગર્વ સે કહો હિન્દુ હૈ એમ બોલાવડાવે કે જય સરદાર બોલાવડાવે ત્યારે ચંપલે-ચંપલે મારવાનું મન થાય કે નહીં?

તો હવે જ્યારે ખેડૂતો સામે અસ્તિત્વનું સંકટ પેદા થઈ ગયું છે ત્યારે ખેડૂત બીજું બધું ભૂલીને ખેડૂત બની રહ્યો છે. છેલ્લાં ચાર વરસથી ખેડૂત ખેડૂત તરીકે રસ્તા પર ઊતરી રહ્યો છે અને હવે તો ખેડૂત ખેડૂત તરીકે મત પણ આપવા લાગ્યો છે. ૧૯૨૦ પછી અંગ્રેજોને જે અનુભવ થયો હતો એ અત્યારે ભારતીય શાસકોને થઈ રહ્યો છે, પછી પક્ષ ગમે એ હોય. આવી જ માનસિકતા યુવાનોના માનસમાં પણ વિકસી રહી છે. પ્રચંડ હતાશા તેમને ગ્રસી રહી છે અને હવે તેઓ નિરાશાઓની વચ્ચે પોતાને બેરોજગાર નવજુવાન ભારતીય તરીકે જોઈ રહ્યા છે. પહેલાં તેણે હિન્દુ બનીને નસીબ અજમાવ્યું હતું અને હાથ કશું લાગ્યું નહીં. એ પછી તેણે પાટીદાર અને મરાઠા તરીકે નસીબ અજમાવવાનો પ્રયાસ કરી જોયો હતો (પાટીદાર, મરાઠા, બહુજન સમાજ અને દલિતોના વિરાટ મોરચા યાદ હશે) અને એમાંય હાથ કશું લાગ્યું નહોતું. હવે દિવસના અંતે તેને સમજાઈ ગયું છે કે તે માત્ર ને માત્ર બેરોજગાર-લાંબી જિંદગી જીવવાની બાકી છે એવો નવજુવાન-ભારતીય છે. ફરી એક વાર સમજી લો; બેરોજગાર, નવજુવાન, ભારતીય. છેલ્લી ચૂંટણીઓ એમ બતાવે છે કે યુવાનો પણ હવે બેરોજગાર નવજુવાન ભારતીય તરીકે મત આપી રહ્યા છે.

એક તો સંકટ વધતાં-વધતાં નાક સુધી પહોંચી ગયું અને ત્યારે જ નસીબજોગે નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા. નરેન્દ્ર મોદી હૅપી ગો લકી વડા પ્રધાન છે. તેમને કોઈ પ્રશ્નો સમજાતા નથી. સમજાવી શકે એવા તેમની પાસે માણસો પણ નથી. ખરું જોતાં સમજવાની કોઈ દરકાર પણ નથી. થોડી ઇવેન્ટો કરીશું, થોડા પોરસ ચડે એવા જુમલા ફેંકીશું, થોડી વિરોધીઓને ગાળો દઈશું, થોડાં સામાજિક વિભાજનો અને ધ્રુવીકરણ કરીશું, થોડાક આરતી ઉતારનારાઓને ખરીદી લઈશું અને પછી બે કે ત્રણ મુદત લહેર કરીશું! આ હતું ગુજરાત મૉડલ જે હવે રાષ્ટ્રીય મૉડલ છે. કમાલનો નિયતિનો ખેલ હતો નહીં! આર્થિક અને કૃષિસંકટ જોઈને વિશ્વપ્રસિદ્ધ અર્થશાસ્ત્રી જવાબના અભાવમાં મૂંગા થઈ ગયા હતા ત્યારે નરેન્દ્ર મોદીએ દાવો કર્યો હતો કે મારી પાસે જવાબ છે. મારી પાસે આ ધરતી પરના બધા પ્રશ્નોના જવાબ છે. જોઈ આવો મારા ગુજરાત મૉડલને. હૈ કી નહીં? સામે હા, હા, હા કરનારી એક ફોજ હતી.

નરેન્દ્ર મોદી વડા પ્રધાન તો બની ગયા, પણ પેલા વિકટ પ્રfનનું શું કરવું જે જોઈને વિશ્વપ્રસિદ્ધ અર્થશાસ્ત્રી પણ ચૂપ થઈ ગયા હતા? નરેન્દ્ર મોદીએ ક્ષણભર માટે આ એક પ્રfનન પોતાની જાતને પૂછી જોવો જોઈતો હતો કે એવું તે શું હતું કે ડૉ. મનમોહન સિંહ ઉકેલના અભાવમાં બાઘા થઈ ગયા હતા. જ્યારે બાહોશ માણસ હથિયાર હેઠાં મૂકી દે ત્યારે સંકટનું સ્વરૂપ કેવું હશે એવો એક પ્રfન મનમાં થવો જોઈતો હતો. નરેન્દ્ર મોદીને પોતાના પર ભરોસો હતો અને આર્થિક અને વિશેષરૂપે કૃષિસંકટ તરફ ધ્યાન નહોતું આપ્યું. હવે જ્યારે પ્રfનને હાથ લગાડવામાં ન આવ્યો તેમ જ આડુંઅવળું ધ્યાન દોરવાની તરકીબ પણ નિષ્ફળ નીવડી અને આ બાજુ ખેડૂત હવે ખેડૂત તરીકે વર્તી રહ્યો છે ત્યારે ટેન્શન વધી ગયું છે. અધૂરામાં પૂરું, હવે દિવસો પણ ઓછા બચ્યા છે.

આ બાજુ કૉન્ગ્રેસ તક જોઈને ફરી ઊભી થવા મરણિયા પ્રયાસ કરી રહી છે. કૉન્ગ્રેસે યુવાનોને યુવાન તરીકે અને ખેડૂતોને ખેડૂત તરીકે સંબોધવાનું શરૂ કરી દીધું છે. કૉન્ગ્રેસે રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીમાં કર્જમાફીનાં વચનો આપ્યાં હતાં અને હવે એનો અમલ પણ કર્યો છે. હવે કેન્દ્ર સરકાર પણ ખેડૂતને હિન્દુ બનાવવાની જગ્યાએ ખેડૂત તરીકે સ્વીકારીને એના પગમાં પડવાની તૈયારી કરી રહી છે. આવતા અઠવાડિયે કોઈ મોટી જાહેરાત કરવામાં આવશે.

એમ માનવામાં આવે છે કે કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય સ્તરે કર્જમાફી આપવાનું વિચારી રહી છે. કદાચ બીજી કોઈ રાહતો પણ જાહેર કરે. BJP શાસિત રાજ્યો કોઈ ને કોઈ પ્રકારની રાહતો ખેડૂતોને આપી રહ્યાં છે. ખેડૂતો વિરોધ કરતા હોય એવી યોજનાઓ અટકાવી દેવામાં આવી છે. નાના વેપારીઓને પણ GSTમાં રાહતો આપવા માંડી છે, કારણ કે તેઓ પણ જ્ઞાતિ અને ધર્મની ઓળખ છોડીને વેપારી તરીકે મત આપવા લાગ્યા છે. મધ્ય પ્રદેશમાં GSTનો ગઢ ગણાતા ઇન્દોર શહેરમાં BJPનો પરાજય થયો પછી આંખ ઊઘડી ગઈ છે. ગણીગાંઠી ચીજોને છોડીને બાકીની બધી જ ચીજોને ૨૮ ટકાના સ્લૅબમાંથી હટાવી દેવામાં આવી છે. મૂળ UPAની GSTની સ્કીમમાં ૨૮ ટકાનો સ્લૅબ જ નહોતો. આ તો થોડું અનોખાપણું બતાવવાનો દંડ છે. જો ચૂપચાપ UPAની સ્કીમને એમ ને એમ લાગુ કરી હોત તો નાક ન કપાયું હોત અને મત ન ગુમાવવા પડ્યા હોત.

જોઈ ભારતીય બનવાની કમાલ? વેપારી હિન્દુ મટીને વેપારી બન્યો અને સરકાર નરમ પડી ગઈ. ખેડૂત હિન્દુ, મરાઠા કે પાટીદારની ઓળખ બાજુએ મૂકીને ખેડૂત બની ગયો કે તરત સરકાર કૂણી પડી ગઈ. શાસકોને કૂણા પાડવા હોય અને શાસનના મોરચે સ્થિર રાખવા હોય તો ભારતીય બનીને મત આપો. જ્યાં સુધી વહેંચાયેલા રહેશો અને આપસમાં લડતા રહેશો ત્યાં સુધી શાસકો પોતાનાં ખિસ્સાં જરૂર ભરશે, પોતાનાં સગાંઓને પણ ઠેકાણે પાડશે; પરંતુ તમારું કલ્યાણ નહીં કરે. તેમને ઊભા પગે રાખવા હોય તો હિન્દુ, મરાઠા કે પાટીદારની જગ્યાએ ભારતીય નાગરિક બનો, એ રીતે જ વર્તો પછી જુઓ શાસકો કેવા રેવાળ દોડે છે.

દરેક ટૂંકી ઓળખ કચરાના ડબ્બામાં ફગાવીને સવાલ કરો કે કર્જમાફી એ કૃષિસંકટનો ઈલાજ છે? હા, રાહત જરૂર આપશે, પણ ઉપાય નથી. તો પછી ઉપાય શો છે? આના કરતાં પણ વધારે મહત્વનો પ્રfન એ છે કે કૃષિસંકટનાં કારણો શું છે અને ભારત કેમ એમાં અગ્રેસર છે? ભારતીય બનશો તો દેશ વહાલો લાગશે, ભેદભાવ વિના દેશની પ્રજા વહાલી લાગશે, નિસબત વિકસશે, પ્રશ્નો થશે, પોતાની જાતે જવાબ શોધશો, જેમને જવાબ આપવા

જોઈએ તેમની પાસે જવાબ માગશો. આમ કરશો તો ઉપેક્ષાથી બચશો અને ઇલાજનો લાભ પણ મળશે. ભારતીય બનવામાં ફાયદા જ ફાયદા છે, નુકસાન જરા પણ નથી. કોઈ નુકસાન હોય તો બતાવો.

Whatsapp-channel Whatsapp-channel

30 December, 2018 02:24 PM IST | | રમેશ ઓઝા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK