નો ડાયટ, નો જિમ ને વજન ઉતાર્યું ૨૭ કિલો

24 January, 2022 12:29 PM IST  |  Mumbai | Ruchita Shah

૬૪માંથી ૧૧૬ કિલો થઈ ગયેલા ૪૧ વર્ષના રિતેશ મહેતાનું ખાધા પછીનું શુગર-લેવલ ૫૭૮ આવ્યું અને એ પછી તેમણે માત્ર વૉકિંગ અને ખાવાપીવાની આદતોમાં થોડા બદલાવથી ૯ મહિનામાં જે પરિણામ મેળવ્યું એ ભલભલાને આળસ છોડવા મજબૂર કરે એવું છે

નો ડાયટ, નો જિમ ને વજન ઉતાર્યું ૨૭ કિલો

એક મલ્ટિ નૅશનલ કંપનીમાં હાયર પોઝિશન પર કામ કરતા ૪૧ વર્ષના રિતેશ મહેતાનું અત્યારે ઍવરેજ વજન ૭૫ કિલોની આસપાસ છે. આટલું જ વજન તેઓ વીસેક વર્ષના હતા ત્યારે હતું. પછી ટ્રાવેલિંગ વધ્યું, બહારનું ખાવાનું વધ્યું અને સાથે વજન પણ વધ્યું. વીસેક વર્ષની ઉંમરે લગભગ ૬૫ કિલોની આસપાસ રહેનારું તેમનું વજન વધતાં-વધતાં ૧૧૫ કિલો સુધી પહોંચી ગયું હતું. જોકે તેમની સતર્કતા અને દૃઢ ઇચ્છાશક્તિ સાથેની મહેનત કેવો રંગ લાવી છે એના વિશે આગળ જાણીએ... 
ખાઈ-પીને જલસા | યસ, બસ આ જ મંત્ર હતો રિતેશભાઈનો અને એમાં ને એમાં વજનનો કાંટો સતત ઉપર ને ઉપર જતો ગયો. ઇનિશ્યલ દિવસોની વાત કરતાં રિતેશભાઈ કહે છે, ‘એ સમયગાળો એવો હતો કે ખાવાનું સુખ એ જ જીવનનું સૌથી મહત્ત્વપૂર્ણ સુખ છે એવું હું માનતો હતો. હું કોલ્ડ ડ્રિન્ક્સનો જબરો શોખીન હતો. અમુક કોલ્ડ ડ્રિન્ક્સ તો એવા ભાવે કે દિવસમાં અડધો લિટરની એક બૉટલ તો ક્યાંય પિવાઈ જાય અને જો હોટેલમાં જમવા ગયા હોઈએ તો એક જ સીટિંગમાં લગભગ એકાદ લિટર સૉફ્ટ ડ્રિન્ક પેટમાં ગટકાવી દીધું હોય. એમાં જ ૧૦ વર્ષમાં મારું વજન લગભગ ૪૦ કિલો જેટલું વધી ગયું. એ સમયે મને એનાથી કોઈ ફરક નહોતો પડી રહ્યો. ફરક પડ્યો ૨૦૨૧ના એપ્રિલ મહિનામાં જ્યારે મારા ડાયાબિટીઝના રિપોર્ટ થયા. ફાસ્ટિંગ રિપોર્ટ આવ્યો ૩૩૦ અને ખાધા પછીનો રિપોર્ટ હતો ૫૭૮. ઍવરેજનો રિપોર્ટ ૧૩.૫ હતો, જે ડાયાબિટીઝ પેશન્ટનો હોય એના કરતાં ડબલ. આ ઘટના પછી હું જાગ્યો એમ કહું તો ચાલે. હું મારા ઘરમાં ઓન્લી અર્નિંગ મેમ્બર છું અને મારે જીવનભર દવાઓને પરવશ થવું પડે એ મને ચાલશે નહીં એટલું મનમાં નક્કી હતું. ડૉક્ટર પાસે ગયો અને તેમને પૂછ્યું કે શું કરું. તેમણે વૉકિંગની સલાહ આપી અને પછી મેં જાતે જ ડાયટમાં બહુ નાના ચેન્જ કર્યા અને ધીમે-ધીમે એમાં વધુ ને વધુ બહેતર બનતો ગયો. પરિણામ આજે તમારી સામે છે.’
જોરદાર બદલાવ | કાંદિવલીના રિતેશભાઈની કમર ૪૪માંથી ૩૪ની થઈ ગઈ છે. તેમણે આખેઆખું વૉર્ડરોબ બદલવાની ફરજ પડી છે. આવું કઈ રીતે શક્ય બન્યું એ વિશે તેઓ કહે છે, ‘પ્રામાણિકતાથી કહું તો મેં કંઈ બહુ મોટા બદલાવ નથી કર્યા. માત્ર ચાલવાનું શરૂ કર્યું છે. મારા જ બિલ્ડિંગના કમ્પાઉન્ડની ફરતે એક રાઉન્ડ મારું તો ૧૦૦ મીટરનું ડિસ્ટન્સ થાય. શરૂઆત ૧૦ રાઉન્ડથી કરી. ધીમે-ધીમે એને વધારતો ગયો. આજે રોજ ૧૨૫ રાઉન્ડ મારું છું. સૉફ્ટ ડ્રિન્ક્સ કમ્પ્લિટલી બંધ કરી દીધાં છે. લિમિટમાં ખાઉં છું. બધું જ ખાઉં છું, પણ મર્યાદામાં રહીને. જન્ક ફૂડ ઓછું ખાઉં છું પહેલાંની તુલનાએ. ખાધા પછી પાણી નથી પીતો એવા માઇનર ચેન્જિસ કર્યા છે. વૉકિંગની સાથે હવે રનિંગ પણ શરૂ કર્યું છે. મેં શરીરને ધીમે-ધીમે કેળવ્યું છે અને પછી એમાં નવા-નવા પડકાર ઉમેરતો ગયો છું. મારા ફ્રેન્ડ્સ અને ઓળખીતા બધા જ મને હવે જુએ તો આશ્ચર્યમાં મુકાઈ જાય છે. તેમને ડબલ નવાઈ ત્યારે લાગે છે જ્યારે હું કહું છું કે મેં કોઈ ડાયટ-પ્લાન ફૉલો નથી કર્યો કે હું એકેય જિમમાં ક્યારેય ગયો નથી. માત્ર વૉકિંગ અને ખાવામાં થોડો વધુ સભાન અને નિયમિત રહેવાની આદત મને અહીં સુધી લાવી છે. મારું ડાયાબિટીઝ આ બધું શરૂ કર્યાના પહેલા જ મહિને નૉર્મલ રેન્જમાં આવી ગયું હતું. અફકોર્સ એ સમયે દવા ચાલુ હતી અને આજે પણ ચાલુ છે. જોકે મારી દવાનો ડોઝ પણ અડધો થઈ ગયો છે. મારો ટાર્ગેટ છે ડાયાબિટીઝને રિવર્સ કરવાનો. મનને માર્યા વિના પણ ખાવા પર કન્ટ્રોલ રહી શકે એ મારા જેવો ફૂડી માણસ કહેતો હોય ત્યારે તો તમારે માનવું જ પડે. હું જૂસ, આઇસક્રીમ, મીઠાઈ બધું જ ખાઉં છું, પણ પ્રમાણભાન સાથે. દવા અને ખાવાનો સમય નિયમિત છે મારો. ઊંઘ પહેલાં કરતાં બેટર છે. એનર્જી-લેવલ પણ સારું થઈ ગયું છે. આખો દિવસ કામ કર્યા પછી પણ ફ્રેશ હોઉં છું એ કદાચ મારી સૌથી મોટી ઉપ્લબ્ધિ મને લાગે છે.’
હવે બસ કરો | મજાની વાત એ છે કે રિતેશભાઈની ફૅમિલી હવે તેમને આ બધું બંધ કરવાનું કહેતી રહે છે, પણ તેમનું લક્ષ્ય હવે તેમનું સ્વાસ્થ્ય છે. તેઓ કહે છે, ‘હવે વજન ઘટે એવી સંભાવના ઓછી છે મારા પક્ષે, પરંતુ જે વજન ઘટ્યું છે એને મેઇન્ટેન રાખવું જરૂરી છે અને સાથે જ હેલ્ધી રહેવું એટલે શું એનો સ્વાદ પણ ચાખી લીધો છે. હું એને જાળવી રાખવા માટે હજીયે મારું વૉકિંગ કન્ટિન્યુ કરું છું. તમારા શરીરને જેવી અમુક બાબતની આદત પડતી જશે એવું જ એ અમુક બાબતો પર રીઍક્ટ કરવાનું છોડી દેશે. એ ન જોઈતું હોય તો તમારા રૂટીનમાં થોડા-થોડા સમયે નવી ચૅલેન્જ ઉમેરતા જાઓ તો પરિણામ દેખાશે. બીજું, તમારી ઇચ્છાશક્તિ જ્યારે દૃઢ હોય ત્યારે બધું જ શક્ય છે એવું હું નહીં પણ મારી સાથે રહેનારા મારા મિત્રો પણ હવે કહેવા માંડ્યા છે. કહેવાય છે કે કૅન્સર કાઢી શકો, પણ ડાયાબિટીઝ ન કાઢી શકો. જોકે આ વાસ્તવિકતા નથી એ તમે હવે ડાયાબિટીઝના ઘણા રિવર્સલ કેસમાં જોયું હશે. બિલીવ ઇન યૉર સેલ્ફ.’

કોઈ ડાયટ-પ્લાન ફૉલો કર્યા વિના, એક પણ દિવસ જિમમાં ગયા વિના માત્ર વૉકિંગ અને ખાવામાં સભાનતા કેળવીને રિતેશે વજન ઉતાર્યું છે.

columnists ruchita shah