નવરાત્રી પ્રેરણા: નિરાધાર અને ઓળખ વગરના લોકોનો આધાર અને સરનામું છે આ મહિલા

04 October, 2022 02:09 PM IST  |  Ahmedabad | Nirali Kalani

નિરાધાર લોકોનો આધાર બની વિચરતા સમુદાયના લોકોને આશરો અને શિક્ષણ આપવા માટે મિત્તલ પટેલ છેલ્લા 17 વર્ષથી કામ કરી રહ્યાં છે. મિત્તલ પટેલ વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્થા હેઠળ અનેક સામાજીક કાર્યો કરી રહ્યાં છે.

વિચરતા સમુદાયની શક્તિ છે મિત્તલ પટેલ

નવરાત્રીનો તહેવાર એટલે મા આદ્યાશક્તિની આરાધના કરવાનો અવસર, નવરાત્રી એટલે આસ્થાનું પ્રતિક, નવરાત્રી એટલે અંધકારનો અંત અને પ્રકાશનો પ્રારંભ, નવરાત્રી એટલે સાહસ, શક્તિ અને પ્રેરણાની ગાથા, મા આદ્યાશક્તિના તહેવારનો આરંભ થઈ ચૂક્યો છે અને આજે છેલ્લું એટલે કે નવમું નોરતું છે. આ પાવન અવસર પર આપણે જાણીશું દેવી સમાન એવી મહિલાઓની ગાથા જેમણે સાહસ, શક્તિ અને પ્રેરણા બની જીંદગીને એક અવસર બનાવ્યો છે. આ મહિલાઓનું સાહસ અને હિમત આપણને ખરા અર્થમાં મહિલાઓની શક્તિથી અવગત કરાવે છે. તો ચાલે જાણીએ આ મહિલાઓની કહાની જે સાહસ શક્તિ અને પ્રેરણા છે બની... 

આજે આપણે વાત કરીશું એવા મહિલાની, જે વિચરતા સમુદાયના લોકોની ઓળખ અને સરનામાં માટે લડે છે. નિરાધાર લોકોનો આધાર બની વિચરતા સમુદાયના લોકોને આશરો અને શિક્ષણ આપવા માટે તેઓ છેલ્લા 17 વર્ષથી કામ કરી રહ્યાં છે. મિત્તલ પટેલ વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્થા હેઠળ અનેક સામાજીક કાર્યો કરી રહ્યાં છે. આ સમુદાયના લોકોને ઓળખ આપવી, આશરો આપવો, શિક્ષણ આપવું અને માનવ અધિકાર આપવો એ મિત્તલ પટેલની સંસ્થાનો મુખ્ય હેતુ છે. ઉલ્લેખનીય છે કે વર્ષ  2017માં મિત્તલ પટેલને નારી શક્તિ પુરસ્કારથી નવાજવામાં આવ્યાં હતા. 

સમાજ સેવિકા મિત્તલ પટેલ

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં મિતલ પટેલે જણાવ્યું કે, `વિચરતી જાતિ પર હું સ્ટડી કરતી હતી તે દરમિયાન તેમના સંપર્કમાં આવી હતી. મારા અભ્યાસ માટે હું તમામ લોકોને મળતી હતી અને તેમની સ્થિતિ વિશે જાણતી હતી. એની પાછળનો મારો આશય એ હતો કે તેમની આર્થિક અને સામાજીક સ્થિતિ જાણીને તેમની સમસ્યાઓને સરકાર સમક્ષ રજૂ કરવી. આ દરમિયાન મને સૌથી મોટી એમની સમસ્યા એ જાણવા મળી કે  તેમની પાસે ઓળખ નથી, સરનામું નથી, બાળકો માટે શિક્ષણનો વિકલ્પ નથી અને રોજગારીની તકો નથી. સમુદાયના લોકોની આવી અનેક મુશ્કેલીઓ જાણી હું હચમચી ગઈ, અને મને થયું કે આ સમુદાયના લોકો માટે મારે કંઈક કરવું જ જોઈએ. આ બાબતને ધ્યાને રાથી સમુદાયના લોકોની મદદ માટે વિચરતા સમુદાય સમર્થન મંચ (VSSM)નામે સંસ્થાની સ્થાપના કરી. ` 

કહેવાય છે ને કે જેનું કોઈ નથી હોતું એનો ભગવાન હોય છે. વિચરતી સમુદાયના લોકોને તો જાણે ભગવાનના આર્શિવાદ ફળી ગયા. સૌપ્રથમ મિત્તલ પટેલે આ તમામ લોકોને ઓળખ આપવા ઝુંબેશ ઉપાડી. તેમને વોટર આઈડી કાર્ડ અપાવવા માટે કમર કસી. જેમાં તેણીને જે તે ગુજરાતના મુખ્ય નિવાર્ચન અધિકારી વિનોદ બબ્બરે ખુબ જ સહકાર આપ્યો. પરંતુ થયું એવું કે કોઈ પંચાયત આ સમુદાયના ઓળખના પુરાવા નહોતી આપતી, જેને કારણે વોટર આઈડી કાર્ડની પ્રક્રિયામાં વિલંબ આવી રહ્યો હતો. આ જાણી મિત્તલ પટેલે બિન નોંધાયેલી તેમની સંસ્થા VSSM અંતર્ગત તમામ લોકોના ઓળખના પુરાવા આપ્યા. આમ વિચરતા સમુદાયના લોકોને વોટર આઈડી કાર્ડ એટલે કે પોતાની એક ઓળખ મળી. જો કે, બાદમાં વર્ષ 2010માં VSSM સંસ્થાની નોંધણી કરાવવામાં આવી હતી. 

લોકોની સમસ્યા સાંભળી નિરાકરણ લાવતા મિત્તલ પટેલ

VSSM સંસ્થા હેઠળ ગરીબ અને વિચરતા સમુદાય માટે અનેક કાર્યો કરવામાં આવે છે. માનવ અધિકારને પ્રાથમિકતા આપી આ સમુદાયના લોકો પણ સરકારની યોજનાઓના લાભ માટે લાયક બને તે સંસ્થાનો મહત્વનો ઉદ્દેશ છે. VSSMના સહયોગથી લાખો લોકોને વોટર આઈડી કાર્ડ અને રાશનકાર્ડ મળ્યા છે. હજારો લોકોને રહેવા માટે ઘરની વ્યવસ્થા કરી આપી છે. તેમજ તે લોકો રોજગારીની તક ઉભી કરી શકે તે માટે લોન આપે છે. અંદાજીત 6 હજારથી વધુ પરિવારોને લોન આપી પગભર થવામાં VSSMનો અમુલ્ય ફાળો રહ્યો છે. આ ઉપરાંત વીએસએસએમ બાળકો શિક્ષણ મેળવી શકે તેવા આશય સાથે  હોસ્ટેલ ચલાવે છે. સાથે સાથે એવા વૃદ્ધ દંપતીઓ જે કામ કરવામાં અસક્ષમ છે અને નિરાધાર છે તેમને રાશન આપવાનું કામ આ સંસ્થા કરે છે. 

વિચરતા સમુદાય અંગે વધુ અવગત કરાવતાં મિત્તલ પટેલે કહ્યું કે " આ સમુદાયના લોકોની મુખ્ય બે સમસ્યા છે, એક તો આર્થિક અને બીજી શૈક્ષણિક. અત્યાર સુધી તેઓ પોતાના પરંપરાગત વ્યવસાયને આધારે જ જીવતાં હતાં. તો બીજી બાજુ ધંધા માટે સતત ફરતાં રહેતા હોવાથી તેમની પાસે શિક્ષણની તકો નહોતી." અસંખ્ય એવા લોકો છે જેનું જીવનસ્તર ઉંચુ આવ્યું છે, જેનું કારણ છે મિત્તલ પટેલ. હજારો પરિવાર એવા છે જે પગભર થઈ ગયા અને તેમની ગાડી પાટા પર ચઢી ગઈ છે. તેમની હોસ્ટેલમાં અભ્યાસ કરનારા યુવકો નોકરી કરી સારી જીવનશૈલી સાથે જીવી રહ્યાં છે. 

મિત્તલ પટેલ અસંખ્ય નિરાધાર લોકોનો આધાર તો છે જ પરંતુ અનેક લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત પણ છે. અંતમા તેમણે જણાવ્યું કે `સામાજીક કાર્યમાં ઘણવાર નિષ્ફળતા અને નિરાશા મળે છે, તમારે સતત લોકોના દુ:ખની વચ્ચે રહી પોતાની જાતને ટકાવી રાખીને તેમની મદદ માટે પગલાં માંડવાના હોય છે. હું પણ આ તબક્કામાંથી પસાર થઈ છું, ત્યારે આ સમુદાયના લોકો જ મારી પ્રેરણા અને હિંમત બનીને ઉભરી આવ્યાં છે.`

 

nirali kalani ahmedabad navratri gujarat news