મુંબઈની સોસાયટીઓમાં કેવી ઉજવણી થઈ હતી નવરાત્રિની?

03 October, 2025 12:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બોરીવલી અને કાંદિવલીની આ સોસાયટીઓની નવરાત્રી જોઈ લો

આ સોસાયટીઓની નવરાત્રી જોઈ લો

ફન-ફેર, સેલ્ફી બૂથ, ફૂડ સાથે નવરાત્રિ સેલિબ્રેશન - ક્લોવર ગ્રોવ સોસાયટી, બોરીવલી

બોરીવલીમાં આવેલી ક્લોવર ગ્રોવ સોસાયટીમાં આ વર્ષે નવરાત્રિની ઉજવણીનું ૧૪મું વર્ષ હતું. સોસાયટી નવરાત્રિની ખાસિયત જણાવતાં ધરણ સંઘવી કહે છે, ‘વીક-એન્ડમાં અમે ખાસ ફન ઍન્ડ ફેરનું આયોજન કર્યું હતું જેમાં મૅરી ગો રાઉન્ડ, જાયન્ટ વ્હીલ, ટૅટૂ આર્ટિસ્ટવાળાઓને બોલાવ્યા હતા. નવરાત્રિમાં બધા સરસ રેડી થતા હોય તો એ લોકો તેમના ફોટોગ્રાફ્સ ક્લિક કરી શકે એ માટે ખાસ ફોટો બૂથ બનાવ્યું હતું. એવી જ રીતે સોસાયટીમાં દસેદસ દિવસ રાત્રે જમણવાર થયો હતો અને દરરોજ નવો કેટરર હતો. સાઉથ ઇન્ડિયન મેનુ હોય તો એમાં માસ્ટરી ધરાવતા અથવા નૉર્થ ઇન્ડિયન મેનુ હોય તો એ માટે ફેમસ કેટરરને અમે બુક કરીએ. અમારે ત્યાં આઠમની મહાઆરતી અને થાળી ડેકોરેશનની હરીફાઈ હતી. એ દિવસે બધા પોતાના ઘરેથી આરતીની થાળી ડેકોરેટ કરીને આવ્યા હતા અને સમૂહમાં માતાજીની આરતી કરી હતી. સાથે જ જેની આરતીની થાળી સૌથી બેસ્ટ હતી તેમને ગિફ્ટ પણ આપવામાં આવી હતી.’

આઠમના મહાછપ્પનભોગ-મહાઆરતી થાય - ગૌરવ પરિવાર સોસાયટી, કાંદિવલી

કાંદિવલીમાં આવેલી ગૌરવ પરિવાર સોસાયટીમાં ૧૯૯૯થી નવરાત્રિનું ધામધૂમથી આયોજન થાય છે. એ વિશે માહિતી આપતાં ધરણેન્દ્ર શાહ (જીભાઈ) કહે છે, ‘અમારે ત્યાં નવરાત્રિમાં આઠમના દિવસે મહાછપ્પન ભોગ હતો. સોસાયટીની મહિલાઓ જ ઘરેથી પકવાન બનાવીને લાવી હતી જે માતાજીને ધરાવવામાં આવ્યાં હતાં. સાથે જ મહાઆરતીનું પણ આયોજન હતું જેમાં સોસાયટીમાં અંધારું કર્યા બાદ બધાએ હાથમાં દીવો લઈને માતાજીની સમૂહ આરતી કરી હતી. દશેરાના દિવસે સવારે ગોરણીઓને જમાડવાનો કાર્યક્રમ હતો. નવરાત્રિમાં અમારે ત્યાં નેતા-અભિનેતા ડે, રેટ્રો ડે, ટ્રેડિશનલ ડે ઊજવાય છે જેમાં લોકો થીમ પ્રમાણે તૈયાર થઈને સાથે ગરબા રમે છે એટલું જ નહીં, રમવાની સાથે દરરોજ રાત્રે જમવાનો પ્રોગ્રામ પણ સોસાયટીમાં હોય છે.’

દરરોજ DJ-ડિનરની લહાણી – ભૂમિ ટાવર્સ, સાંતાક્રુઝ

સાંતાક્રુઝમાં આવેલી ભૂમિ ટાવર્સ સોસાયટીમાં છેલ્લાં ૧૫ વર્ષથી નવરાત્રિની ઉજવણી ખૂબ જ ધામધૂમથી થાય છે. આ વિશે માહિતી આપતાં જિજ્ઞા કારિયા કહે છે, ‘અમારી સોસાયટીમાં દરરોજ DJ પર ગરબા રમાયા હતા. સોસાયટીના નાનાથી લઈને મોટા બધા જ લોકો નવરાત્રિના કલર પ્રમાણે તૈયાર થઈને નીચે ગ્રાઉન્ડ પર રમવા માટે ભેગા થાય છે એટલું જ નહીં, રોજેરોજ ડિનરની પણ વ્યવસ્થા હોય છે જેમાં પીત્ઝા, પાસ્તા, નૂડલ્સ બધી જ એકથી એક આઇટમ્સ હોય અને સાથે મીઠાઈ તો હોય જ. અમારે ત્યાં નવરાત્રિનું એટલું સરસ આયોજન થાય છે કે બહારના ગેસ્ટ પણ સોસાયટીમાં પાસ લઈને રમવા-જમવા માટે આવે છે. એ સિવાય નોમના દિવસે અમારે ત્યાં સ્પેશ્યલ ડાન્સ પર્ફોર્મન્સિસ પણ હોય છે જેમાં બધા જ સહભાગીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે. નવરાત્રિના દિવસોમાં અમારી સોસાયટી એક પરિવારની જેમ ભેગી મળીને ઉત્સવની ઉજવણી કરે છે.’

પાર્કિંગ સ્પેસમાં જ સાદાઈથી નવરાત્રિની ઉજવણી - શક્તિનિવાસ સોસાયટી, ઘાટકોપર

ઘાટકોપરમાં આવેલી શક્તિનિવાસ સોસાયટીમાં છેલ્લાં દસ વર્ષથી સાદાઈથી પણ આનંદપૂર્વક નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. આ વિશે માહિતી આપતાં વિશાલ સંઘવી કહે છે, ‘સોસાયટીમાં અમારી પાસે મોટું કમ્પાઉન્ડ નથી એટલે અમે પાર્કિંગની નાની જગ્યામાં જ નવરાત્રિની ઉજવણી કરીએ છીએ. માતાજીની આરતી બાદ દરરોજ સોસાયટીના લોકો સ્પીકર પર ગુજરાતી ગરબા વગાડીને રમે છે. એ પછી નાસ્તાનો પ્રોગ્રામ હોય છે. વચ્ચે એક દિવસ અમે કુંવારિકાઓની આરતી રાખેલી જેમાં સોસાયટીનાં નાનાં બાળકોએ સમૂહમાં માતાજીની આરતી કરેલી અને અમે તેમને ગિફ્ટ આપી હતી. એક દિવસ સુહાગણોની આરતીનું પણ આયોજન થયેલું. નવરાત્રિમાં અમે સોસાયટીના સભ્યો એક પરિવાર બનીને ઉજવણી કરીએ છીએ.’

હાથમાં દીવા લઈ ગરબા રમી દીપ રાત્રિ ઊજવી - હાઇલૅન્ડ હાર્મની, કાંદિવલી

કાંદિવલીમાં આવેલી હાઇલૅન્ડ હાર્મનીમાં આ વર્ષે નવરાત્રિની ઉજવણીનું ૨૫મું વર્ષ હતું. આ વિશે માહિતી આપતાં હિમેશ લાખાણી કહે છે, ‘અમે નવરાત્રિના અવસરે ઝટપટ ક્વિઝ, આરતીની થાળી-ડેકોરેશનની પ્રતિસ્પર્ધા, હાઉસી વગેરે જેવી ઍક્ટિવિટીનું આયોજન કર્યું હતું. એ સિવાય એક દિવસ સોસાયટીનાં નાનાં બાળકો જેમને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતાં આવડે એ બધાંએ મળીને બૅન્ડનું પ્રદર્શન કર્યું હતું. એક દિવસ દીપ રાત્રિ રાખી હતી જેમાં સોસાયટીમાં અંધારું કરીને બધાએ હાથમાં દીવા લઈને ગરબા કર્યા હતા. એ સિવાય એક દિવસ ટ્રેડિશનલ ડે પણ રાખેલો જેમાં બધા પારંપરિક કપડાંમાં તૈયાર થઈને ગરબા રમ્યા હતા અને સારું રમનારને ઇનામો પણ આપવામાં આવ્યાં હતાં. અમારે ત્યાં દરરોજ રાત્રે જમણવારની પણ વ્યવસ્થા હતી. 

navratri Garba gujaratis of mumbai gujarati community news photos mumbai columnists