કમાન્ડર નાણાવટીના કેસમાં બૉમ્બે હાઈ કોર્ટનો ચુકાદો તો આવ્યો, પણ...

06 September, 2025 01:50 PM IST  |  Mumbai | Deepak Mehta

આ હાઈ કોર્ટના પહેલવહેલા છ જજનાં નામ પણ આ જ ઢંઢેરામાં આમેજ કરવામાં આવ્યાં હતાં. હાલનું મકાન ૧૮૭૮ના નવેમ્બરમાં બંધાઈ રહ્યા પછી બૉમ્બે હાઈ કોર્ટ એ મકાનમાં ખસેડાઈ હતી.

જસ્ટિસ શેલત

તારીખ: ૧૪ ઑગસ્ટ, ૧૮૬૨. સ્થળ: બૉમ્બે બ્રાન્ચ ઑફ ધ રૉયલ એશિયાટિક સોસાયટીનો હૉલ. સમય: બપોરના ૪. ઘટના: બૉમ્બે હાઈ કોર્ટની સ્થાપના.

ના, બૉમ્બે, મદ્રાસ અને કલકત્તા હાઈ કોર્ટ કોઈ કાયદા દ્વારા નથી સ્થપાઈ પણ રાણી વિક્ટોરિયાના ઢંઢેરાને પ્રતાપે સ્થપાઈ હતી. બૉમ્બે હાઈ કોર્ટની સ્થાપના કરતા ઢંઢેરા પર રાણી વિક્ટોરિયાએ ૧૮૬૨ના જૂનની ૨૩ના સોમવારે સહીસિક્કા કર્યા હતા અને બીજા દિવસના સરકારી ગૅઝેટમાં એ ઢંઢેરો પ્રગટ થયો હતો. આ હાઈ કોર્ટના પહેલવહેલા છ જજનાં નામ પણ આ જ ઢંઢેરામાં આમેજ કરવામાં આવ્યાં હતાં. હાલનું મકાન ૧૮૭૮ના નવેમ્બરમાં બંધાઈ રહ્યા પછી બૉમ્બે હાઈ કોર્ટ એ મકાનમાં ખસેડાઈ હતી.

જ્યુરીનો બહુમતી નિર્ણય જજ મહેતાએ સ્વીકાર્યો નહીં, એ perverse હોવાનું જણાવ્યું અને કેસ ‘રેફરન્સ’ માટે બૉમ્બે હાઈ કોર્ટને મોકલી આપ્યો. જસ્ટિસ શેલત અને જસ્ટિસ નાયકની ડિવિઝન બેન્ચ આગળ ‘રેફરન્સ’ની સુનાવણી શરૂ થઈ. સાધારણ રીતે આવા ‘રેફરન્સ’ના કેસનો નિવેડો આવતાં બહુ દિવસ ન લાગે કારણ કે જ્યુરી અને જજ બેમાંથી કોણ સાચું એટલું જ નક્કી કરવાનું હોય. પણ આ કેસ બૉમ્બે હાઈ કોર્ટમાં શરૂ થયો ત્યારે જ બન્ને પક્ષના વકીલોએ આગ્રહપૂર્વક જણાવ્યું કે આ કેસ વિશે કેટલીક બાબતોની વિગતવાર રજૂઆત કરવાનું અમને અનિવાર્ય જણાય છે. એટલે તેમની વિનંતી બન્ને ન્યાયાધીશોએ સ્વીકારી અને લાગતાવળગતા વકીલોને પોતપોતાની વાત રજૂ કરવાની મંજૂરી આપી. એટલે કેસની સુનાવણી લંબાઈ.

બૉમ્બે હાઈ કોર્ટની સ્થાપના કરતો બ્રિટનની રાણીનો ઢંઢેરો 

અગાઉ સેશન્સ કોર્ટમાં હાજર રહેલા લોકોએ અવારનવાર ધાંધલ-ધમાલ કરી હતી એ હકીકતને ધ્યાનમાં રાખીને પહેલેથી જ સુનાવણી વખતે માત્ર કેસ માટે જરૂરી હોય તેટલા જ લોકોને હાજર રહેવા દેવામાં આવ્યા. બન્ને પક્ષના વકીલોએ એક-એક સાક્ષીની જુબાની, રજૂ થયેલા પુરાવાઓ, વગેરેનું જે પીંજણ કર્યું એમાં આપણને ઝાઝી ગતાગમ ન પડે. એટલે જઈએ સીધા જજમેન્ટના દિવસે બૉમ્બે હાઈ કોર્ટમાં. હા, પોતાની વાત પૂરી કરતાં પહેલાં કમાન્ડર નાણાવટીના (બચાવ પક્ષના) વકીલ એ. એસ. આર. ચારીએ કમાન્ડરને બચાવવા છેલ્લો પાસો નાખ્યો હતો. બન્ને ન્યાયાધીશોને તેમણે કહ્યું: ‘અગર જો આપને એમ લાગે જ કે જ્યુરીના માનવંતા સભ્યોના નિર્ણયમાં ફેરબદલ કરવાની જરૂર છે તો પણ હું આપનું એ હકીકત પ્રત્યે જરૂર ધ્યાન દોરીશ કે જ્યુરીના સભ્યો અને જસ્ટિસ મહેતા વચ્ચે બીજી બાબતો વિશે મતભેદ છે છતાં એક બાબતમાં જ્યુરીના આઠ સભ્યો અને જજ મહેતા સહમત થાય છે. અને એ એક બાબત તે એ કે કમાન્ડર કાવસ નાણાવટી ઇન્ડિયન પીનલ કોડની કલમ ૩૦૨ હેઠળ ખૂનના ગુનેગાર ઠરતા નથી.’ આમ કહેવા પાછળનો ચારીનો હેતુ એ હતો કે કમાન્ડર નાણાવટી ગુનેગાર ઠરે તો પણ તેમને ફાંસીની સજા ન થાય.

જોકે આ કેસમાં આજ સુધી બનતું આવ્યું છે એમ કેટલુંક અણધાર્યું બને એ માટે હાજર રહેલા બધા તૈયાર હતા અને આપણે પણ તૈયાર રહેવાનું. અદાલતનું કામકાજ શરૂ થયું ત્યારે જસ્ટિસ શેલતે જાહેર કર્યું કે મારા સાથી જસ્ટિસ નાયક અને હું અમારા ચુકાદા અલગ-અલગ જાહેર કરીશું. અને એ સાથે જ બન્ને પક્ષકારોની, તેમના વકીલોની, કોર્ટમાં હાજર રહેલા થોડા લોકોની અને આ ખબર ફરી વળતાં લોકોની આતુરતા આસમાને જઈ પહોંચી. કારણ કે બે ચુકાદા અલગ-અલગ રજૂ થાય એનો સીધો અર્થ એ કે બન્ને ન્યાયાધીશમાં મતભેદ છે. નહીંતર સામાન્ય રીતે સિનિયર જજ બન્નેનો સંયુક્ત ચુકાદો જાહેર કરે.

જસ્ટિસ શેલતને પોતાનો ચુકાદો જાહેર કરતાં પૂરા ત્રણ દિવસ લાગ્યા. તેમણે કહ્યું: નીચલી અદાલતમાં રજૂ થયેલા પુરાવા જોતાં અને સાક્ષીઓની જુબાનીની દખલ લેતાં એટલું તો નક્કી થાય છે કે આરોપી કમાન્ડર નાણાવટીની જિંદગી, તેની કારકિર્દી ધૂળમાં મળી જાય એવું મરનાર પ્રેમ આહુજાનું વર્તન હતું. આવે વખતે કોઈ પણ માણસ હતાશ થઈ જાય, તેને પારાવાર ગુસ્સો આવે તો એ સમજી શકાય એમ છે. આમ કરવા બદલ મરનાર આહુજાને પાઠ ભણાવવાની અદમ્ય ઇચ્છા થાય તો એમાં કશું અસ્વાભાવિક નથી. તેમની જગ્યાએ બીજી કોઈ વ્યક્તિ હોત તો તેને પણ આવી અદમ્ય ઇચ્છા થઈ હોત.

પણ કોઈના પણ બૂરા કામનો બદલો બીજા બૂરા કામ વડે લેવામાં આવે તો એને આપણા દેશનો કાયદો મંજૂરી આપતો નથી. ગમેતેવી અસહ્ય પરિસ્થિતિમાં પણ કાયદાની અવગણના કરી શકાય નહીં. બન્ને પક્ષ તરફથી અહીં જે રજૂઆત થઈ છે એને સાંભળ્યા પછી મારો નિર્ણય એ છે કે આરોપી કમાન્ડર નાણાવટી ઇન્ડિયન પીનલ કોડની કલમ ૩૦૨ (ખૂન) હેઠળ ગુનેગાર હોવાનું સાબિત થાય છે અને એટલે હું તેમને માટે આજીવન કારાવાસની સજા જાહેર કરું છું.

આ જાહેરાત પછી જસ્ટિસ નાયકે જાહેર કર્યું કે મારો ચુકાદો હું આવતી કાલે જાહેર કરીશ. હવે? દેખીતું છે કે બન્ને જજમાં નિર્ણય માટે એકમતી નથી. એટલે ખટલો સુપ્રીમ કોર્ટમાં જશે કે બન્ને જજે કોઈક વચલો રસ્તો વિચારી રાખ્યો હશે? જેમને અદાલતમાં હાજર રહેવાની છૂટ હતી તે બધા બીજા દિવસે રોજ કરતાં વહેલા આવીને બેસી ગયા હતા. ક્યારે અગિયાર વાગે અને ક્યારે નામદાર ન્યાયાધીશો કોર્ટ રૂમની પાછળ આવેલા બારણામાંથી દાખલ થાય! બધાની નજર મંડાઈ હતી એ બારણા તરફ. પક્ષીનું પીછું ખરે તો એનો અવાજ પણ સંભળાય એવી શાંતિ કોર્ટમાં. બહાર પણ લોકોનાં ટોળાં મોટાં ને મોટાં થતાં જતાં હતાં પણ કડક પોલીસ- બંદોબસ્તને કારણે લોકો શાંત હતા.

બરાબર અગિયાર વાગ્યે બન્ને જજસાહેબો કોર્ટ રૂમમાં દાખલ થયા અને જસ્ટિસ નાઈકે પોતાનો ચુકાદો આપવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે અસાધારણ ઉશ્કેરણીના સંજોગોમાં આરોપીથી આ કામ થઈ ગયું એવો બચાવ સ્વીકારી શકાય એમ નથી, કારણ કે આવી દેખીતી ઉશ્કેરણી મરનાર પ્રેમ આહુજા દ્વારા થઈ હોવાનું બચાવ પક્ષ સાબિત કરી શક્યો નથી. ફરિયાદ પક્ષ અને સરકારી વકીલ તરફથી જે રજૂઆત થઈ હતી એના આધારે સ્પષ્ટપણે એમ જણાય છે કે આરોપી કમાન્ડર નાણાવટીએ જે કાંઈ કર્યું એ સમજી-બૂઝીને, પૂરા હોશહવાસમાં રહીને, અગાઉથી કરેલા આયોજનપૂર્વક કર્યું હતું. મરનાર આહુજાના બેડરૂમમાં ભરી રિવૉલ્વર સાથે આરોપી કમાન્ડર નાણાવટી દાખલ થયા એ આહુજાને મારી નાખવાના ઇરાદા સાથે. તો બીજી બાજુ બન્ને વચ્ચે ઝપાઝપી થઈ અને એ દરમ્યાન અકસ્માત રિવૉલ્વરમાંથી ગોળીઓ છૂટી ગઈ એવી બચાવ પક્ષની રજૂઆત પણ સ્વીકારી શકાય એમ નથી કારણ કે એક તો જો ઝપાઝપી થઈ હોય તો મરનાર આહુજાએ કમરે વીંટાળેલો ટુવાલ જેમનો તેમ રહી શકે નહીં. બીજું, બનાવ પછી મરનાર આહુજાનાં ચશ્માં પૂરેપૂરી સાબૂત હાલતમાં તેના બાથરૂમની ફર્શ પરથી મળી આવ્યાં હતાં. જો ઝપાઝપી થઈ હોય તો આમ બનવું શક્ય નથી. જો ઝપાઝપી થઈ હોય તો આરોપીના શરીર પર ક્યાંય ઉઝરડા પણ ન હોય, તેનાં કપડાં પર લોહીનો એકાદ ડાઘ પણ ન હોય એમ બનવું સંભવિત નથી જણાતું. એટલે મરનાર આહુજાનું મોત એક અકસ્માત હતો એવો બચાવ સ્વીકારી શકાય એમ નથી. ટ્રાયલ કોર્ટના જજ મહેતા અને જ્યુરીના બહુમતી સભ્યો વચ્ચે એક બાબતે સહમતી છે કે કમાન્ડર નાણાવટીએ ઇન્ડિયન પીનલ કોડની કલમ ૩૦૨ (ખૂન) હેઠળ ગુનો કર્યો નથી, પણ તેમની આવી સહમતી હાઈ કોર્ટ માટે બંધનકર્તા નથી. નીચલી અદાલતમાં થયેલી સમગ્ર કાર્યવાહીને નજરમાં રાખીને હાઈ કોર્ટે પોતાનો નિર્ણય લેવાનો અને જાહેર કરવાનો રહે છે. જજ નાઈકે નીચલી અદાલતના જજ મહેતાની કેટલીક ઊણપો કે ક્ષતિઓ બતાવી હતી.

શુક્રવાર, ૧૧ માર્ચ, ૧૯૬૦ : જસ્ટિસ શેલતે બન્ને જજનો સંયુક્ત ચુકાદો જાહેર કરતાં કહ્યું: જ્યુરીનો ચુકાદો ‘perverse’ હતો એવી જજ મહેતાની વાત સાથે હું સહમત થાઉં છું. કારણ કે આ ચુકાદો અદાલતમાં રજૂ થયેલાં જુબાનીઓ અને પુરાવાઓથી વિરુદ્ધનો હતો. આરોપી નાણાવટીએ ખૂનનો ગુનો કર્યો નહોતો પણ તેમણે ખૂન નહીં એવા સદોષ મનુષ્યવધનો ગુનો કર્યો હતો એ વાત સાથે અમે સહમત થઈ શકતા નથી. આ અદાલત જેમ નીચલી અદાલતની જ્યુરીના નિર્ણય સાથે સહમત થવા બંધાયેલી નથી એમ એ અદાલતના જજના નિર્ણય સાથે સહમત થવા પણ બંધાયેલી નથી. ઇન્ડિયન પીનલ કોડની કલમ ૩૦૨ (ખૂન) હેઠળ આરોપી કમાન્ડર નાણાવટીને આ અદાલત દ્વારા ગુનેગાર ઠરાવવામાં આવે છે અને એ ગુના સબબ તેમને સખત મજૂરી સાથેની આજીવન (એટલે કે ૧૪ વર્ષ) કારાવાસની સજા ફરમાવવામાં આવે છે.

આ ચુકાદો જાહેર થયો ત્યારે બૉમ્બે હાઈ કોર્ટમાં જુદા-જુદા પક્ષો તરફથી જે વકીલો હાજર હતા તેમાંનાં થોડાંક નામ: વાય. વી. ચંદ્રચૂડ, વી. એચ. ગુમાસ્તે, સી. એમ. ત્રિવેદી, રામ જેઠમલાણી, એ. એસ. આર. ચારી, બૅરિસ્ટર રજની પટેલ, એસ. આર. મોકાશી. છેલ્લે બૉમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ શેલતે જાહેર કર્યું : અમારા આ ચુકાદાના અનુસંધાનમાં આરોપી કમાન્ડર કાવસ નાણાવટીનો કબજો નેવલ પોલીસની કસ્ટડીમાંથી લઈને તેમને આર્થર રોડ ખાતેની પોલીસ-કસ્ટડીમાં તાકીદે તબદીલ કરવાનો હું લાગતા-વળગતા બૉમ્બે પોલીસના અધિકારીઓને આદેશ આપું છું અને એ માટે જરૂરી વૉરન્ટ જારી કરું છું.

બોમ્બે હાઈ કોર્ટની સુનાવણી દરમ્યાન ક્યારેય કમાન્ડર નાણાવટીને અદાલતમાં હાજર કરવામાં આવ્યા નહોતા એટલે બૉમ્બે હાઈ કોર્ટનો ફેંસલો જાહેર થયો ત્યારે તેઓ નેવલ પોલીસની કસ્ટડીમાં હતા. બૉમ્બે હાઈ કોર્ટનો હુકમ થતાં તરત જ બૉમ્બે પોલીસે નાણાવટીને તાબામાં લેવાની તૈયારી ચીલઝડપે કરી લીધી. બે કલાકમાં બૉમ્બે પોલીસની ટીમ બૉમ્બે હાઈ કોર્ટના વૉરન્ટ સાથે આઇ.એન.એસ. કુન્જાલી (નેવલ પોલીસની જેલ)ને બારણે પહોંચી ગઈ. અને અદાલતનો હુકમ તથા વૉરન્ટ બતાવી કમાન્ડર નાણાવટીને પોતાના તાબામાં સોંપવા નેવલ પોલીસને તાકીદ કરી. ત્યારે એના જવાબમાં નેવલ પોલીસના અધિકારીઓએ કમાન્ડર નાણાવટીની સોંપણી કરવાને બદલે બૉમ્બે પોલીસના હાથમાં એક કાગળ મૂક્યો. અને એ કાગળ વાંચ્યા પછી બૉમ્બે પોલીસની ટીમ ખાલી હાથે અને વીલા મોઢે પાછી ફરી.

પણ કેમ? એ કાગળમાં એવું તે શું લખ્યું હતું? કોણે લખ્યું હતું?

જવાબ આવતા અઠવાડિયે.

bombay high court murder case crime news mumbai crime news mumbai police news mumbai mumbai news columnists gujarati mid day deepak mehta