મારો રાષ્ટ્રધ્વજ એટલે મારી આન, બાન અને શાન

07 August, 2022 05:42 PM IST  |  Mumbai | Ruchita Shah

‘હર ઘર તિરંગા’ કૅમ્પેનથી દેશદાઝના જુવાળ વચ્ચે ૧૩થી ૧૫ ઑગસ્ટે દેશનો પ્રત્યેક નાગરિક પોતાના ઘરે તિરંગો લહેરાવે અને એકતાના અનોખા સંદેશને આત્મસાત્ કરે એ આશયથી તિરંગા ઉપલબ્ધ કરવાના પ્રયાસો કેન્દ્ર અને રાજ્ય સરકારના સ્તર પર શરૂ થઈ ગયા છે

બિઝનેસમૅન રાકેશ બક્ષી ૩૬૫ દિવસ તિરંગાનો બૅજ કપડાં પર લગાવે છે.

 ‘હર ઘર તિરંગા’ કૅમ્પેનથી દેશદાઝના જુવાળ વચ્ચે ૧૩થી ૧૫ ઑગસ્ટે દેશનો પ્રત્યેક નાગરિક પોતાના ઘરે તિરંગો લહેરાવે અને એકતાના અનોખા સંદેશને આત્મસાત્ કરે એ આશયથી તિરંગા ઉપલબ્ધ કરવાના પ્રયાસો કેન્દ્ર અને રાજ્ય સરકારના સ્તર પર શરૂ થઈ ગયા છે ત્યારે આપણા રાષ્ટ્રધ્વજ માટે પારાવાર પ્રેમ અને આદર ધરાવતાં કેટલાંક અનોખાં વ્યક્તિત્વો સાથે આજે રૂબરૂ થઈએ અને સાથે ‌તિરંગાને જન-જન સુધી પહોંચાડવાની પહેલની દિશામાં ખાસ શું ચાલી રહ્યું છે એ પણ જાણીએ

મેરઠની બધી જ સરકારી ઇમારતોની છતને તિરંગાના રંગથી રંગવાની જાહેરાત ઉત્તર પ્રદેશની સરકારે કરી છે. માત્ર યુપી જ નહીં; મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, ગોવા, દિલ્હી, આસામ, છત્તીસગઢ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, ગોવા, જમ્મુ-કાશ્મીર જેવાં લગભગ બધાં રાજ્યો દ્વારા બહુ જ જલદ રીતે તિરંગાને દેશના ખૂણેખૂણામાં પ્રત્યેક ના‌ગરિકના ઘર સુધી પહોંચાડવાના સ્થાનિક પ્રશાસનો, સામાજિક સંસ્થાઓ અને ભારતીય જનતા પાર્ટીનાં સંગઠનો દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે. ઠેર-ઠેર તિરંગા રૅલી નીકળી રહી છે અને લોકોને આ ત્રણ દિવસ પોતાના ઘરમાં તિરંગો લહેરાવવાની અપીલ થઈ રહી છે. દેશની લગભગ દોઢ લાખ કરતાં વધુ પોસ્ટ-ઑફિસોમાં તિરંગો અવેલેબલ હશે તો સાથે પોસ્ટ-ઑફિસના ઈ-પોર્ટલ પર પણ ૨૫ રૂપિયામાં તિરંગો ઑનલાઇન વેચાવાનો પહેલી ઑગસ્ટથી શરૂ થઈ ગયો છે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આ વર્ષે પહેલી વાર દેશમાં આટલા વિશાળ પાયે તિરંગાનું પ્રોડક્શન થયું છે. કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત લગભગ વીસ કરોડ ઘરોમાં ૧૩થી ૧૫ ઑગસ્ટ દરમ્યાન તિરંગો લહેરાવાશે અને સામૂહિક સ્તરે દેશભક્તિનો અનોખો માહોલ તૈયાર કરવામાં આવશે. ‌કરોડો તિરંગાની ડિમાન્ડને પહોંચી વળવા પહેલી વાર ૨૦૦૨ના ફ્લૅગ-કોડમાં ફેરફાર કરીને ખાદી ઉપરાંત સિલ્ક, કૉટન, પૉલિએસ્ટર, ઊન જેવા કાપડમાં પણ તિરંગો બનાવી શકાશે એવી જાહેરાત સરકારે કરી છે ત્યારથી તિરંગાનું પ્રોડક્શન કલ્પનાતીત સ્તરે શરૂ થયું છે. ‘હર ઘર તિરંગા’ નામની કલ્ચરલ મિનિસ્ટ્રીએ વેબસાઇટ લૉન્ચ કરીને વર્ચ્યુઅલી પણ લોકો પોતાના લોકેશન પર તિરંગો લહેરાવી શકે એવી વ્યવસ્થા ઊભી કરી છે. એક અનોખો લોકજુવાળ અને ભારતના પ્રત્યેક નાગરિકના હૃદયમાં દેશપ્રેમની ચિનગારી જગાડી શકે એ સ્તર પર ‘હર ઘર તિરંગા’ કૅમ્પેનને પ્રમોટ કરવામાં આવી રહ્યું છે ત્યારે તિરંગા કૅમ્પેનમાં મહત્ત્વપૂર્ણ કામ કરી રહેલા અને તિરંગા સાથે અનન્ય નાતો ધરાવતા કેટલાક ખાસ લોકો સાથે થયેલી વાતચીત અહીં પ્રસ્તુત છે.

યુદ્ધના ધોરણે કામ

‘હર ઘર તિરંગા’ કૅમ્પેન માટે સરકારે ખાદી ઉપરાંતના મટીરિયલની પરમિશન આપી એને કારણે કૉન્ગ્રેસના નેતા અજોયકુમારે થોડાક સમય પહેલાં કરેલી એક પ્રેસ-કૉન્ફરન્સના ‘હર ઘર ચીન કા ઝંડા’ના નારા સાથે એનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જોકે ભારતના જ અઢળક મૅન્યુફૅક્ચરર છે જેઓ યુદ્ધના ધોરણે તિરંગા મેકિંગનું કામ કરી રહ્યા છે. એમાંના એક છે દિલ્હીના અબ્દુલ ગફર અન્સારી ઝંડેવાલા. તેઓ ફ્લૅગઅંકલ તરીકે વધુ જાણીતા છે. છેલ્લાં ૬૦ વર્ષથી તિરંગનું મૅન્યુફૅક્ચરિંગ કરતા આ અંકલ અત્યારે રોજના દોઢ લાખ ઝંડા બનાવે છે. ૧૬૦૦ લોકોની તેમની ટીમ છે. આ ફ્લૅગઅંકલ કહે છે, ‘૬૦ વર્ષ પહેલાં જ્યારે શરૂઆત કરી ત્યારે અમે પણ હૅન્ડમેડ ખાદીના જ રાષ્ટ્રધ્વજ બનાવતા હતા. દરઅસલ મારા પિતાજીનું ટેલરિંગનું કામ હતું. માંડ-માંડ ગુજારો ચાલતો. એક વાર કૉન્ગ્રેસ પાર્ટીના કોઈક પ્રોગ્રામ માટે અમને પાર્ટીનો કોઈ ઝંડો બનાવવાનો ઑર્ડર મળ્યો. એ પછી તિરંગા બનાવવાનું શરૂ કર્યું. આ મારું સૌભાગ્ય જ કહો કે આટલાં વર્ષોથી રાષ્ટ્રધ્વજ બનાવીને રાષ્ટ્રની સેવા કરવાની તક મળી છે. આ વખતે મશીનરી વસાવીને પૉલિએસ્ટરના કપડા સાથે ખૂબ જોરદાર કામ ચાલી રહ્યું છે. ગુજરાતથી કપડું આવે છે. ડાઇંગ અને પ્રિન્ટિંગનું કામ અમે પોતે જ કરીએ છીએ. ટોટલ ૧૬૦૦ લોકો કામ કરે છે. ડિમાન્ડને કારણે કાચા માલની કિંમત વધી છે અને એની કમી પણ છે. અત્યારે અમે વીસ બાય ત્રીસ ઇંચના દોઢ લાખ ફ્લૅગ બનાવીએ છીએ. જો રૉ મટીરિયલ પૂરતા પ્રમાણમાં મળે તો રોજના બે લાખ ઝંડા બનાવી શકવાની ક્ષમતા છે. બીજું એ પણ છે કે રાષ્ટ્રધ્વજ હોવાના નાતે અમારે થોડીક વિશેષ તકેદારી રાખવી પડતી હોય છે. બહુ જ ઇજ્જતથી એ બનાવીએ છીએ. પગ ન લાગે, એને ગડી પ્રૉપરલી કરી શકાય, એને જમીનનો સ્પર્શ ન થાય વગેરે-વગરે. એને કારણે પણ પ્રોડક્શનનું કામ ધીમું પડી જાય છે. લગભગ એક કરોડ રાષ્ટ્રધ્વજના ઑર્ડરની સામે અમે ૮૦ લાખ ધ્વજ અત્યાર સુધીમાં બનાવી ચૂક્યા છીએ. મારી આખી જિંદગીમાં રાષ્ટ્રધ્વજની આવી‌ ડિમાન્ડ નથી જોઈ.’
અબ્દુલભાઈને આખા દેશના ખૂણે-ખૂણેથી ઝંડા માટેના ઑર્ડર આવી રહ્યા છે. રોજના ૫૦૦ ફોનમાંથી માત્ર સો કૉલ જ તેઓ અટેન્ડ કરી શકે છે અને એ મુજબનું જ પ્રોડક્શન કરી શકે છે. મજાની વાત એ છે કે દર ૧૫ ઑગસ્ટ અને ૨૬ જાન્યુઆરીએ અબ્દુલભાઈના ઘરે આઝાદીના પર્વનું બહુ જ મોટું સેલિબ્રેશન હોય છે. એ વિશે તેઓ કહે છે, ‘હમારે ઘર આતશબાજી ઔર દાવત હોતી હૈ. સારે રિશ્તેદાર જૈસે ઘર મેં શાદી હો વૈસે સજધજ કે પહૂંચ જાતે હૈં.’

‘હર ઘર તિરંગા’નો કાશ્મીરમાં પણ જોરદાર માહોલ છે. જમ્મુના ડોડા જિલ્લાના બીજેપી અધ્યક્ષ રમણીક મનહાસ કહે છે, ‘અમારો આ વિસ્તાર પણ મિલિટન્ટ પ્રોન એરિયા ગણાય છે અને અહીં હું જે ગામમાં છું ત્યાં ૭૦ ટકા મુસ્લિમોની વસતિ છે. એ પછી પણ અમે કુપવાડા, અનંતનાગ, શ્રીનગર જેવા ચાર-પાંચ વિસ્તારોમાં તિરંગા રૅલી કાઢી હતી અને તુલનાત્મક રીતે લોકોનો ખૂબ સારો રિસ્પૉન્સ મળ્યો છે એમ કહી શકાય. હિન્દુઓ તો એક્સાઇટેડ છે જ, પણ મુસ્લિમ સમુદાયના પણ ઘણા લોકો આ વખતે આ કૅમ્પેનમાં સામેલ થવાના છે જેની અમને ખુશી છે. શ્રીનગરમાં પણ તિરંગાનું સારા પ્રમાણમાં પ્રોડક્શન શરૂ કર્યું છે. દરેક શૉપ, હૉસ્પિટલ, સરકારી કાર્યાલયો, સ્કૂલ્સમાં તો અમે તિરંગો લહેરાવીશું જ; પણ સાથે ઘરે-ઘરે જઈને પણ અમે લોકોને આ દિવસે દેશના રાષ્ટ્રધ્વજને લહેરાવવાની અપીલ કરી રહ્યા છીએ. અહીં અમે એવો દોર જોયો છે જેમાં ૧૪ અને ૧૫ ઑગસ્ટના દિવસે અચૂક આતંકી હુમલા થતા અને લાશો બિછાતી. એની તુલનાએ આજે સ્થિતિ ઘણી અન્ડર-કન્ટ્રોલ જણાઈ રહી છે. કદાચ કંઈક આડુંઅવળું થયું તો એ માટે પણ અમે તૈયાર છીએ.’

મુંબઈમાં શું હાલચાલ છે?

મુંબઈ મહાનગરપાલિકાએ પણ ‘હર ઘર તિરંગા’ કૅમ્પેનની દિશામાં જોરશોરથી કામ શરૂ કરી દીધું છે. લગભગ પાંચેક લાખ ઝંડાનું બીએમસીના વિવિધ વૉર્ડમાં વિતરણ કરવામાં આવશે. જનરલ ઍડ્મિનિસ્ટ્રેશન વિભાગના જૉઇન્ટ કમિશનર મિલિંદ સાવંત કહે છે, ‘૧૩ ઑગસ્ટથી ૧૫ ઑગસ્ટ દરમ્યાન દરેક ઘરમાં વીસ બાય ત્રીસ ઇંચની સાઇઝના ઝંડા પહોંચી જાય એ માટે હેલ્થ વર્કર, કન્ઝર્વેશન વર્કર, વૉટર સપ્લાય વિભાગના કર્મચારીઓ વગેરેને કામે લગાવ્યા છે. રૅલી, બૅનર્સ, પોસ્ટર, સોસાયટીના મેમ્બરોની મીટિંગો કરીને અને એની સાથે જ હિન્દી, મરાઠી અને ઇંગ્લિશ ભાષામાં મુંબઈમાં વિવિધ ઠેકાણે લગભગ ૬૦૦ હોર્ડિંગ્સ પર મેસેજ ફ્લોટ કરીને આ દિશામાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરી રહ્યા છીએ. એની સાથે અમે અમુક વિડિયો અને ઑડિયો ક્લિપ્સના મેસેજ દ્વારા વિવિધ મૉલ, ફિલ્મ-થિયેટર્સ, એફએમ રેડિયો, લોકલ કેબલ ચૅનલ પર મેસેજ સ્પ્રેડ કર્યો છે. દરેક વૉર્ડમાં એક નોડલ ઑફિસર નિયુક્ત કર્યો છે જે તે વૉર્ડના લોકલ એમએલએ, કૉર્પોરેટર અને સામાજિક કાર્યકરો સાથે મળીને પોતાના વિસ્તારમાં આ કૅમ્પેન ચલાવશે.’

આ જ‌ દિશામાં મુંબઈ બીજેપી યુવા મોરચાના પ્રેસિડન્ટ ‌તિજેન્દ્ર સિંહ તિવાના કહે છે, ‘મુંબઈ બીજેપી દ્વારા લગભગ પચ્ચીસ લાખ તિરંગાનું ડિસ્ટ્રિબ્યુશન થવાનું છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને શ્રીનગર એમ ત્રણ ઠેકાણેથી તિરંગા સપ્લાય થવાના છે. મુંબઈમાં બીજેપીના લગભગ ૯૯૮૭ બૂથ છે. દરેક બૂથની બહાર અને વિવિધ સોસાયટીઓમાં જઈ-જઈને અમારા કાર્યકર્તાઓ દસ, અગિયાર અને બાર તારીખે લોકોમાં તિરંગાનું નિ:શુલ્ક ડિસ્ટ્રિબ્યુશન કરશે અને સાથે જ તિરંગાની જાળવણી કેમ કરવી અને દર વર્ષે એનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ લોકોને કહેશે. અત્યારે અમારા કાર્યકર્તાઓમાં અલગ જ ઉત્સાહ છે. મેં મારા જીવનમાં ૧૫ ઑગસ્ટનો આવો ઉત્સાહ નથી જોયો. મુંબઈમાં ૯૯ ટકા ઘરોમાં તો આ વર્ષે સોએ સો ટકા તમને ‌તિરંગો લહેરાતો જોવા મળશે. નવ તારીખે અમે ઑગસ્ટ ક્રાન્તિ દિવસ નિમિત્તે ઑગસ્ટ મેદાનથી જ ૧૦૦૦ કાર્યકરો સાથે ‘હર ઘર તિરંગા’ કૅમ્પેન માટે અવેરનેસ લાવવા બાઇકરૅલી પણ કાઢવાના છીએ.’

તિરંગા કે લિએ કુછ ભી કરેગા

મોદીજીએ તો આ વર્ષે દેશમાં ‘હર ઘર તિરંગા’ કૅમ્પેન લૉન્ચ કર્યું છે, પણ એ પહેલાં જ મુંબઈના પવઈ વિસ્તારના બિઝનેસમૅન રાકેશ બક્ષીએ ૨૦૧૯માં પોતાના બિલ્ડિંગના દરેક ઘરમાં બાલ્કનીમાં તિરંગાને લહેરાવ્યો હતો. તિરંગા પ્રત્યે અઢળક પ્રેમ અને સન્માન ધરાવતા ફાર્માસ્યુટિકલ કંપનીના માલિકે ડીકે ફ્લૅગ ફાઉન્ડેશન શરૂ કર્યું છે જે અંતર્ગત મુંબઈની ઘણી આઇકૉનિક જગ્યાએ રેકૉર્ડબ્રેક હાઇટ પર તેમણે રાષ્ટ્રધ્વજ ઇન્સ્ટૉલ કર્યા છે. પિતા આર્મીમાં હતા એટલે નૅશનલિઝમના સંસ્કારો તો તેમને ગળથૂથીમાં મળ્યા છે. તિરંગા પ્રત્યે પોતાના ખેંચાણ પ્રત્યે રાકેશ બક્ષી કહે છે, ‘મુંબઈમાં મૉન્યુમેન્ટ ફ્લૅગ લગાવીને લોકોમાં દેશ પ્રત્યેનું સન્માન જગાડવાનું અને દેશ માટે પ્રાણોની આહુતિ આપનારા શહીદોને યાદ કરવાનું આ બહુ મહત્ત્વપૂર્ણ સિમ્બૉલ છે. અત્યારે આપણા વડા પ્રધાને જે કૅમ્પેન હાથ ધર્યું છે એના માટે હું કહી નથી શકતો કે હું કેટલો ખુશ છું. એ ક્ષણના રોમાંચને હું અત્યારે પણ અનુભવી શકું છું. હું પોતે આર્મી સ્કૂલમાં ભણ્યો છું. જ્યારે સુપ્રીમ કોર્ટે પરમિશન આપી અને તિરંગો કૉમન મૅનની નજીક આવ્યો ત્યાર પછી એવો એક પણ દિવસ નથી કે મેં મારા કપડા પર તિરંગાનો બૅજ નથી લગાવ્યો. હા, ૩૬૫ દિવસ હું અને મારી ઑફિસના તમામ એમ્પ્લૉઈ કપડા પર તિરંગાનો બૅજ લગાડીને જ આવતા હોઈ છીએ.’

૨૦૧૫માં પહેલી વાર રાકેશ બક્ષીએ સો ફુટનો તિરંગો અંબરનાથમાં લગાવ્યો. એ પછી ભારતમાં પહેલી વાર ગવર્નર હાઉસમાં ૧૫૦ ફુટનો તિરંગો લગાવ્યો. એ પછી મુંબઈ યુનિવર્સિટી, હઝ હાઉસમાં પણ હાઇએસ્ટ હાઇટ સાથે તિરંગો લહેરાવ્યો છે. રાકેશભાઈએ અત્યાર સુધીમાં લતા મંગેશકર, અમિતાભ બચ્ચન, મુકેશ અંબાણી જેવી અનેક જાણીતી વ્યક્તિઓને તિરંગાના બૅજ ગિફ્ટમાં આપ્યા છે. તિરંગો ફાટી જાય તો શું કરવું, નીચે પડેલો મળે તો શું કરવું, તિરંગાનો કલર ઝાંખો પડી જાય તો શું કરવું જેવી બાબતોનાં લેક્ચર્સ આપવા માટે સ્કૂલ અને કૉલેજોમાં રાકેશ બક્ષી જતા હોય છે.

રિટાયર્ડ મેજર જનરલ જી. ડી. બક્ષી શું કહે છે?

જબરદસ્ત દેશદાઝ ધરાવતા, પોતાના બેબાક ઓપિનિયન માટે જાણીતા અને કારગિલ વૉરમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરનારા રિટાયર્ડ આર્મી ઑફિસર મેજર જનરલ જી. ડી. બક્ષી કહે છે, ‘એક ફૌજી માટે તિરંગો એટલે દેશની આન-બાન-શાન એમ બધું જ છે. જ્યાં સુધી એક પણ જવાનના તનમાં શ્વાસ ચાલતા હશે ત્યાં સુધી આપણા દેશના ધ્વજને કોઈ માટીસરસો ન કરી શકે એ જુનૂન આર્મીના જવાનોમાં ભરવામાં આવતું. રાષ્ટ્રધ્વજની રક્ષા માટે દુશ્મનની ગોળી પોતાની છાતીમાં લેવા તૈયાર થઈ જતો હોય છે જવાન. અત્યારે પણ દેશની ચેતનાને જગાડવા, દેશદાઝની ભાવના દેશના કરોડો લોકોમાં જગાડવા માટે રાષ્ટ્રધ્વજને સામૂહિક ફરકાવવો એ બહુ મોટું પગલું છે. એક ધ્યેય માટે જાતપાતના ભેદ ભૂલીને જો બધા આ કૅમ્પેનમાં ભેગા થતા હોય તો આનાથી બહેતર કંઈ જ નથી.’

ખાદીના તિરંગાનું ભવિષ્ય અધ્ધર?

આ વર્ષે પહેલી વાર ખાદીના તિરંગાને બદલે પૉલિએસ્ટરના‌ તિરંગા ચાલશે એવી જાહેરાત થઈ છે ત્યારથી ખાદીના તિરંગા બનાવનારાઓમાં અસંતોષની લાગણી જન્મી છે. પૉલિએસ્ટરના ઝંડા મશીનથી ઓછા સમયમાં બને છે અને એ કિંમતની દૃષ્ટિએ પણ ઘણા કિફાયતી છે ત્યારે ખાદીના ઝંડા આવનારા સમયમાં ભૂતકાળ બની જશે એવો ભય દેશભરના ખાદી ગ્રામોદ્યોગના ઝંડામેકર્સને સતાવી રહ્યો છે. જોકે સરકાર દ્વારા સરકારી સંસ્થાઓ અને ઇમારતો પર તો માત્ર ખાદીના જ ઝંડા લહેરાવાશે એવી બાંયધરી અપાઈ છે એ પછી પણ માસ લેવલ પર આવનારા સમયમાં ખાદીની ડિમાન્ડ ઘટશે એવું ખાદી ગ્રામોદ્યોગના કર્તાહર્તાઓને લાગે છે. કર્ણાટક ખાદી ગ્રામોદ્યોગ સંયુક્ત સંઘના સેક્રેટરી શિવાનંદ મઠપટ્ટી કહે છે, ‘દર વર્ષની જેમ જ આ વર્ષે પણ અમને ઑર્ડર મળ્યો છે. લગભગ દોઢ કરોડ રાષ્ટ્રધ્વજ અત્યાર સુધીમાં અમે બનાવી લીધા છે. કુલ નવ સાઇઝના ઝંડા અમે બનાવીએ છીએ. ખાદી સાથે રાષ્ટ્રધ્વજનો બહુ જ પુરાણો નાતો છે. મહાત્મા ગાંધીએ વિઝન સાથે ખાદીના રાષ્ટ્રધ્વજનો આગ્રહ રાખ્યો હતો જેમાં દેશભરના ઘણા લોકોની રોજગારી સમાયેલી છે. અત્યારે અમારી સાથે ગામડાંની લગભગ બારસો બહેનો આ કામમાં જોડાયેલી છે. આ વર્ષે ભલે અમને ઑર્ડરમાં કોઈ ફેરફાર નથી નોંધાયો, પણ મશીનના સસ્તા કપડાથી બનતી સસ્તી પ્રોડક્ટની સામે અમારે આવનારાં વર્ષોમાં ટકવું અઘરું પડવાનું જ છે. અત્યારે અમારી કારમાં રાખી શકાય એવા વીવીઆઇપી ઝંડાઓની કિંમત પણ ૨૧૦ રૂપિયા છે ત્યારે એનાથી મોટા ઝંડા પૉલિએસ્ટરના ત્રીસથી પચાસ રૂપિયામાં મળી રહ્યા હોય તો દેખીતી રીતે ખાદીના ઝંડાની ડિમાન્ડ પણ ઘટશે અને સાથે ઝંડાનું અવમૂલ્યન વધશે, કારણ કે સામાન્ય રીતે સસ્તી મળતી વસ્તુઓની લોકો ખાસ સંભાળ નથી રાખતા હોતા.’

તિરંગાની ગરિમાને જાળવજો ખાસ

‘પ્રિવેન્શન ઑફ ઇન્સલ્ટ ટુ નૅશનલ ઓનર ઍક્ટ-૧૯૭૧’ અંતર્ગત આપણાં રાષ્ટ્રીય ચિહનોનું કોઈ પણ વ્યક્તિ જો અપમાન કરે તો તેને ફાઇન અથવા તો ત્રણ વર્ષની જેલ થઈ શકે છે. સ્વતંત્રતા દિવસ પછી તિરંગાને કઈ રીતે રાખવો એની પણ સરકારે ગાઇડલાઇન બહાર પાડી છે. તિરંગાને હૉરિઝૅન્ટલી એટલે કે સીધો રાખો અને કેસરી અને લીલાશવાળા ભાગની આડી પટ્ટી વાળો 
એવી રીતે કે જેમાં બન્ને રંગ સહજ રીતે દેખાય. બન્ને સાઇડથી પણ ઝંડાને સહેજ વાળી દો એ રીતે કે એમાં અશોક ચક્ર સંપૂર્ણ દેખાય. હવે એ રીતે ગડી કરેલા તિરંગાને કોઈ સેફ જગ્યાએ અથવા કબાટમાં મૂકી દો.

આટલા નિયમો યાદ રાખજો
 જો કોઈ પ્રાઇવેટ જગ્યાએ રાષ્ટ્રધ્વજ રાખવો હોય તો એ બિલ્ડિંગમાં દરરોજ ધ્વજ લહેરાવવો જોઈએ. એના માટે સૂર્યોદયથી સૂર્યાસ્તનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. જોકે નિયમોમાં થયેલા ફેરફાર મુજબ હવે રાતના સમયે પણ રાષ્ટ્રધ્વજ લહેરાઈ શકે છે. રાષ્ટ્રીય શોક જાહેર થયો હોય એવા સમયે રાષ્ટ્રધ્વજને અડધી કાઠી પર લઈ લેવો એ પણ એક નિયમ છે.
 રાષ્ટ્રધ્વજ એ કંઈ સાદું કપડું નથી કે એને સૂકવવા મૂક્યું હોય એ રીતે એક જ ઝાટકે ઉતારી લેવાય. બ્યૂગલ, ઢોલ કે શંખનાદ જેવા આદરણીય સ્તર સાથે રાષ્ટ્રધ્વજને નીચે લાવવાનો હોય છે. એની ઝડપમાં પણ આદર વર્તાવો જોઈએ.
 રાષ્ટ્રધ્વજમાં કેસરી કલર સૌથી ઉપર આવશે અને લીલો રંગ નીચેના ભાગમાં આવશે. આ બાબતમાં કોઈ ભૂલ થવી ન જોઈએ.
 દિશાની દૃષ્ટિએ જો રાષ્ટ્રધ્વજ લગાવવાનો આવે તો કેસરી રંગ પૂર્વ દિશામાં રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે.
 ઘણી વખત સ્પીચ આપનારના ટેબલ પર રાષ્ટ્રધ્વજ રાખવામાં આવે છે. જો એવું કરવાનું હોય તો એ સમયે રાષ્ટ્રધ્વજ સ્પીચ આપનાર વ્યક્તિની જમણી બાજુએ રાખવાનો રહે છે.
 જો વાહનમાં ક્યાંક રાષ્ટ્રધ્વજ વાપરવો હોય તો એ વાપરી શકાય છે, પણ ભૂલવું નહીં કે રાષ્ટ્રધ્વજ કાર કે બાઇકની બરાબર સેન્ટરમાં જ રહેવો જોઈએ. વાંકો વળી ગયેલો કે તૂટવાની અણી પર આવીને અટકી ગયેલો રાષ્ટ્રધ્વજ દેશનું અપમાન છે અને એ માટે પૂરતાં કાનૂની પગલાં લઈ શકાય છે.
 હવામાં લહેરાતા રાષ્ટ્રધ્વજને પણ કોઈ જાતનું ડૅમેજ ન થયું હોય એ સાવચેતી રાખવી. વરસાદ અને તોફાનના સમયે રાષ્ટ્રધ્વજને લહેરાતો રાખી નથી શકાતો. એ સમયે રાષ્ટ્રધ્વજ ઉતારી લેવો એવું સંવિધાન કહે છે. રાષ્ટ્રધ્વજ પાણીમાં પલળવો ન જોઈએ. એને જમીન પર પડતો પણ મૂકી ન શકાય.
 કોઈ પણ પ્રકારના જાહેર સમારંભમાં જો રાષ્ટ્રધ્વજ રાખવામાં આવ્યો હોય તો એ રાષ્ટ્રધ્વજ સૌથી આગળના ભાગમાં હોવો જોઈએ. માણસ, વ્યક્તિ કે કોઈ અન્ય ચીજવસ્તુની પાછળ રાષ્ટ્રધ્વજ રાખવો એ ગુનો છે.
 જો પરેડ દરમ્યાન કે એ પ્રકારના માહોલ વચ્ચે રાષ્ટ્રધ્વજ લઈને ચાલવાનું હોય તો રાષ્ટ્રધ્વજ જમણી બાજુએ રહેવો જોઈએ. એ પરેડમાં અન્ય ધ્વજ પણ હોય તો એવા સમયે રાષ્ટ્રધ્વજ સેન્ટરમાં એટલે કે મધ્યમાં હોવો જોઈએ.
 રાષ્ટ્રધ્વજથી ઉપર એક પણ પ્રકારનો ધ્વજ ન હોવો જોઈએ. યાદ રહે કે મંદિર, દેરાસર કે મસ્જિદને પણ આ જ વાત લાગુ પડે છે. જો ધર્મનાં આ સ્થળો પર રાષ્ટ્રધ્વજ રાખવો હોય તો એ સ્થળના ધ્વજથી ઉપર રાષ્ટ્રધ્વજ રાખવાનો રહે છે. રાષ્ટ્રધ્વજના સ્તર પર પણ બીજો કોઈ ધ્વજ રહી ન શકે.
 રાષ્ટ્રધ્વજ કોઈ ડેકોરેશન મટીરિયલ નથી. રાષ્ટ્રધ્વજનો એ પ્રકારનો ઉપયોગ એ ગુનો છે.
 કોઈ જાતના ટેબલ, સ્પીકર કે પછી અન્ય કોઈ ચીજને ઢાંકવા માટે રાષ્ટ્રધ્વજનો ઉપયોગ થઈ ન શકે. ભૂલવું નહીં કે એ કંઈ ટેબલ-ક્લોથ નથી, રાષ્ટ્રધ્વજ છે.

columnists ruchita shah