પહેલી સલામ મારા તિરંગાને અને બીજી સલામ દેશવાસીઓ માટે જોખમ લેનારાને

15 August, 2020 05:57 PM IST  |  | Manoj Joshi

પહેલી સલામ મારા તિરંગાને અને બીજી સલામ દેશવાસીઓ માટે જોખમ લેનારાને

પ્રતીકાત્મક તસવીર

આઝાદીના આજના આ પર્વ સાથે આપણે વધુ એક વર્ષ મોટા થયા. મોટા થયા અને એટલા જ સમજદાર પણ થયા. આ સમજદારીની સાથે એવા સૌને આજે યાદ કરવા જોઈએ જેમણે આપણને વાણીસ્વાતંત્ર્ય ભોગવવા માટે આઝાદી આપી. ઇચ્છા પડી એ વર્તન કરવાની ક્ષમતા આપી અને લોકભોગ્ય જીવન જીવવાની પણ સક્ષમતા આપી. આપણી પાસે આઝાદી સાથે જોડાયેલાં અનેક નામો છે, પણ એ અનેક નામોની પાછળ અનેક લોકો એવા પણ છે જેઓ હંમેશાં ગુમનામ રહ્યા છે. બ્રિટિશરોની લાઠી પણ તેમણે ખાધી છે તો લાઠી ખાનારાઓમાંથી કેટલાક એવા પણ છે જેમને આંદામાન ધકેલી દેવામાં આવ્યા અને આંદામાન પછી તેમનો કોઈ પત્તો ક્યારેય લાગ્યો જ નહીં. એવા પણ અનેક સેનાનીઓ છે જેમને તેમનાં સગાંસંબંધીઓની હાજરીમાં જ ગોળી મારવામાં આવી હતી. અનેક એવા છે જેમને ફાંસીની સજા આપવામાં આવી અને એ સજા ભોગવતી વખતે પણ તેમના ચહેરા પર ભારત માટે કંઈક કરવાની ખુશી ઝળકતી હતી. અંતિમ ઇચ્છા પૂછવામાં આવતી ત્યારે એ નરબંકા જે ઇચ્છા વ્યક્ત કરતાં એમાં પણ તેમને માર પડતો,

‘એક વખત બ્રિટિશ ઝંડાની જગ્યાએ તિરંગો લહેરાવવો છે...’

અનેક નામી હસ્તીઓએ પોતાનું જીવન દેશ માટે કુરબાન કર્યું તો હજારો-લાખો એવા નરબંકાઓ પણ હતા જેમની કોઈ ઓળખ હતી નહીં અને એ પછી પણ તેમણે નિઃસ્વાર્થભાવે દેશ માટે પોતાનો જીવ દાવ પર લગાવ્યો. આજની આ સલામી એ સૌને જેમણે આઝાદીની માત્ર કલ્પના કરી અને એ કલ્પના વચ્ચે જ પોતાનું મોત પણ જોઈ લીધું. આજની આ આઝાદી તેમના સૌના નામે જેમણે દેશને સ્વતંત્રતા જોઈએ એવો વિચાર વહેતો કર્યો અને વહેતો થયેલો એ વિચાર સ્વીકારીને પોતાનું તન, મન અને ધન સર્વસ્વ દેશ માટે ન્યોછાવર કરી દીધું. આજની સલામી એમને સૌને જેમણે આઝાદી માટે લડવા નીકળેલા પોતાના પરિવારના સભ્યોને રોકવાની કોશિશ કર્યા વિના હસતા મોઢે ‘વિજયી ભવઃ’ના આશીર્વાદ આપીને તેમને દેશ કાજે રવાના કર્યા. આજની સલામી એ માતા-પિતાને જેમણે પોતાના દીકરાઓના મૃતદેહને સ્વીકારતી વખતે પણ આંખમાં આંસુ લઈ આવવાને બદલે ચહેરા પર ખુશીને અકબંધ રાખી હતી, આસમાન ફાટી જાય એવા બુલંદ અવાજ સાથે નારો લગાવ્યો હતો, ‘ભારત માતા કી જય...’

આજની સલામી એ સૌને જેમના કામની ક્યારેય કોઈએ કદર કરી નહીં અને જેમના બલિદાનને ક્યારેય કોઈએ નોંધી નહીં. આઝાદીના સેનાનીઓને પણ આ વાત લાગુ પડે અને આજના આ મહામારીના કપરા સમયે પણ જેમણે કોઈની સામે જોયા વિના દેશ અને દેશવાસીઓ માટે જોખમ ઉઠાવવાનું કામ કર્યું એ કોરોના-વૉરિયર્સને પણ લાગુ પડે. અનેક કોરોના-વૉરિયર્સ એવા છે જેમની નોંધ આપણે લીધી નથી. ડૉક્ટર અને પોલીસની વાહવાહી વચ્ચે ક્યાંક ને ક્યાંક સફાઈ-કામદારો ઢંકાઈ ગયા, આજની આ સલામી તેમને પણ. નોંધાયા વિનાના આ તમામ વૉરિયર્સને ઈશ્વર સુખી રાખે, શ્રેષ્ઠ સ્વાસ્થ્ય આપે અને સર્વોચ્ચ સમૃદ્ધિ આપે એવી હજાર હાથવાળાને અભ્યર્થના.

‘ભારત માતા કી જય...’

columnists manoj joshi independence day india