મ્યુઝિક મારો ઑક્સિજન

09 May, 2022 12:34 PM IST  |  Mumbai | Ruchita Shah

કોઈ પણ મ્યુઝિક લવર જેના પ્રેમમાં પડી જાય એવા અનોખા વ્યક્તિત્વ સાથે આજે વાતો કરીએ

કુશલભાઈના દોઢેક લાખ ગીતોના સંગ્રહમાંથી કયું ગીત કઈ રેકૉર્ડમાં છે એ તેમના માઇન્ડમાં સ્ટોર થયેલું છે.

સાઉથ મુંબઈમાં રહેતા બિઝનેસમૅન કુશલ ગોપાલકાનું સંગીત પ્રત્યેનું સમર્પણ તેમણે નાનકડા ગૅરેજમાં બનાવેલા મ્યુઝિકલ સ્ટુડિયોને જોઈને સમજી શકશો. લગભગ દોઢેક લાખ જેટલાં જૂનાં ગીતોનું કલેક્શન, અલભ્ય રેકૉર્ડ્સ, ગ્રામોફોન, કૅસેટ્સ અને રેકૉર્ડ પ્લેયરનું વિન્ટેજ કલેક્શન તેમની પાસે છે. કોઈ પણ મ્યુઝિક લવર જેના પ્રેમમાં પડી જાય એવા અનોખા વ્યક્તિત્વ સાથે આજે વાતો કરીએ

એક રવિવારે ઝૂમ પર સંગીતપ્રેમીઓનો વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમનું નામ હતું ‘આળસુઓનું ઇન્વિટેશન.’ હા, બિલકુલ આવું જ લખેલું ઇન્વિટેશન કાર્ડ મ્યુઝિક પ્રેમી મિત્રોમાં જ્યારે વહેતું થયું ત્યારે લોકોને અજંપો હતો કે શું હશે આ કાર્યક્રમમાં. આશ્ચર્ય વચ્ચે હિન્દી મ્યુઝિકની દુનિયામાં શ્રેષ્ઠ હાસ્ય, વિનોદ કરાવનારાઓની રચનાઓની અદ્ભુત પેશકશ થઈ અને લોકો હસી-હસીને બેવડ વળી ગયા હતા. લૉકડાઉનમાં આ રીતે જુદી-જુદી થીમને પકડીને સંગીતરસિકોના સેંકડો મેળાવડા યોજાઈ ચૂક્યા છે. હા, પણ કંઈ કોરોના સાથે જ શરૂ થયેલો આ સિલસિલો નથી. છેલ્લાં લગભગ ચાલીસ વર્ષથી સાઉથ મુંબઈમાં રહેતા મ્યુઝિકોલૉજિસ્ટ, રિસર્ચર અને સૌથી ઉપર મ્યુઝિકને જ પોતાનો શ્વાસ માનતા કુશલ ગોપાલકાના જીવનમાં સંગીત એટલે સર્વસ્વ. જૂનાં વિસરાયેલાં ગીતોની રમઝટ મહિને એકાદ વાર તેમને ત્યાં યોજાય છે. ઘણા સંગીતકારોના ઇન્ટરવ્યુ પણ તેમણે કર્યા છે અને લેજન્ડરી કક્ષાના સંગીતકારો, ગાયકોને આમંત્રિત કરીને બાકાયદા ઑડિટોરિયમમાં પ્રોગ્રામો યોજ્યા છે. તેમણે મ્યુઝિકલ પિકનિક પણ યોજી છે જેમાં કોઈ અગ્રણી ગાયક પણ જોડાયેલા હોય અને આખો દિવસ સંગીતનાં વિવિધ સેશન યોજાય. તેઓ પોતાના શોખને કારણે એલપી રેકૉર્ડ્સ પ્રોડ્યુસ પણ કરે છે. મ્યુઝિકનો આવો જલસો કરનારા અને કરાવનારા કુશલભાઈ આમ તો બિઝનેસમૅન છે. જોકે કેમિકલનો બિઝનેસ આર્થિક જરૂરિયાતો પૂરી કરવા પૂરતો પણ એ સિવાયના બાકીના બધા જ સમયમાં સંગીત અને સંગીતને લગતી વાતો સિવાય બીજું કંઈ નહીં.
શરૂ કેમ થયું?
નાનપણમાં મમ્મી પાસે હાલરડાં ખૂબ સાંભળ્યાં છે. ત્યારે એ સાંભળવા ગમતાં પણ પાંચ વર્ષની ઉંમરે ગાર્ડનમાં રમતાં-રમતાં અમુક ગીતો સાંભળ્યાં અને અચાનક તેમના જીવનને એક નવી દિશા મળી ગઈ. કુશલભાઈ કહે છે, ‘આ કોણ ગાય છે, શું ગાય છે એની મને ત્યારે ખબર નહોતી પડી પરંતુ આ જે વાગી રહ્યું છે એ મારા મનને ખૂબ ગમી રહ્યું છે. મારી અંદર કંઈક બહુ જ હકારાત્મક બદલાવો એનાથી આવી રહ્યા છે એવો અહેસાસ મને ત્યારે થયો હતો. એ શું છે અને શું કામ છે એ સવાલનો જવાબ તો આજે પણ હું શોધી રહ્યો છું પણ આ રીતે સંગીત મારા જીવનમાં ઉમેરાયું. અમારા ઘરમાં પહેલેથી જ બધાં જ લેટેસ્ટ ગૅજેટ્સનો દબદબો રહ્યો છે. એ સમયનાં મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ મારા ઘરમાં મેં જોયાં હતાં. ઘરમાં લોકો સંગીતના શોખીન હતા પરંતુ મારો શોખ તો જુદા જ લેવલનો હતો. બેશક, ત્યારે કારકિર્દીમાં સંગીત ન આવી જાય એનું મારા પેરન્ટ્સે ખૂબ ધ્યાન રાખ્યું અને મને પહેલેથી જ ધંધામાં સેટ કરી દીધો. જોકે એ પછી વચ્ચે-વચ્ચે સમય કાઢીને સંગીત સમજવાનું, એની શોધખોળ કરવાનું, દરેક પ્રકારનું મ્યુઝિક એક્સપ્લોર કરવાનું શરૂ કર્યું. ધીમે-ધીમે હું એમાં એટલો ઊંડો ઊતરતો ગયો કે ખબર જ ન પડી.’
જાણે કે એન્સાઇક્લોપીડિયા
કુશલભાઈ પાસે તમે કોઈ પણ જમાનાનું ફલાણું ગીત સાંભળવું છે એમ કહો એટલે તમને મિનિટના છઠ્ઠા ભાગમાં એ ગીત કોનું છે, ક્યાં છે એ કહી દે અને સંભળાવી પણ દે. સંગીત અને સંગીતકારોને લગતી વાતો જાણે તેમના લોહીમાં વહે છે. તેમની પાસે તમે કલ્પી ન શકો એવા આર્ટિસ્ટોનાં ગીતોનું કલેક્શન છે. લગભગ દોઢેક લાખ ગીતોમાંથી કયું ગીત કઈ રેકૉર્ડમાં છે એ તેમના માઇન્ડમાં સ્ટોર થયેલું છે. તેમના આ શોખને તેમણે પોતાના જેવા લાઇકમાઇન્ડેડ લોકો સાથે વહેંચ્યો પણ છે. એમાં જ લગભગ પંદરેક લોકોનું ગ્રુપ ગીતોની મહેફિલ યોજે. બધા ભેગા થાય તેમના સ્ટુડિયોમાં અને બેસ્ટ ક્વૉલિટીનાં ઇન્સ્ટ્રુમેન્ટ પર જાતજાતનાં ગીતોને સાંભળતાં- સાંભળતાં સંગીતના રસમાં તરબોળ થાય. એટલે જ તેઓ પોતાની આ મહેફિલને સત્સંગ કહે છે. પોતાની રીતે જુદી-જુદી રીતે સંગીતની તાલીમ લેનારા કુશલભાઈ ઉમેરે છે, ‘પારુલ ઘોષ, કે. એલ. સૈગલ, લતાજી, રફીસાહબ જેવા મેઇનસ્ટ્રીમ સિનેમાના સિંગર્સ ઉપરાંત ઝોહરાબાઈ આગરાવાલી, ગૌહરજાન, મલ્કાજાન ઑફ આગરા વગેરે નૉન-ફિલ્મી કલાકારોનાં ગીતો મને પ્રિય છે. અમુક ગીતો એવાં છે જે બહુ જગ્યાએ ઉપલબ્ધ નથી. આવાં ઘણાં ગીતોનું કલેક્શન છે તો અમે બધા મિત્રો સાથે મળીને સાંભળીએ. ઘણાં ગીતોની શોધ કરી, સંશોધન કર્યું. એ સમયે જે કલેક્શન થયું એ મારી પાસે છે. એ પછી મેં ગીતો પાછળ ભાગવાનું બંધ કરીને મ્યુઝિકને માણવાનું શરૂ કર્યું.’
મ્યુઝિક પ્રત્યેનો ઊંડો શોખ છે એટલું જ તેમને એનું જ્ઞાન પણ છે. ઘણા પીએચડી સ્કૉલર્સ અને રિસર્ચરો પણ તેમના કલેક્શનનો અને તેમના નૉલેજનો લાભ લેતા હોય છે. આજે જ્યારે બધાં જ ગીતો ડિજિટાઇઝ થઈ ગયાં છે ત્યારે કુશલભાઈએ પણ અલભ્ય સંગીતને ડિજિટાઇઝ કરવાનું કામ હાથ ધર્યું છે. પરંતુ તેઓ કહે છે, ‘અંગત રીતે મને અત્યારના મૉડર્ન ઇન્સ્ટ્રુમેન્ટમાં નહીં પણ જૂના રેકૉર્ડ પ્લેયર્સમાં જ સાંભળવાની મજા આવતી હોય છે. હાથમાં રેકૉર્ડ ઉપાડું ત્યારે એક જુદા જ પ્રકારનો કરન્ટ હાથમાં લાગતો હોય એવો રોમાંચ અનુભવાતો હોય છે. સંગીતે મને ખૂબ આપ્યું છે અને સતત આપ્યા જ કરે છે.’

 કુશલભાઈના દોઢેક લાખ ગીતોના સંગ્રહમાંથી કયું ગીત કઈ રેકૉર્ડમાં છે એ તેમના માઇન્ડમાં સ્ટોર થયેલું છે.

તેમનો સ્ટુડિયો એક અજાયબી

કુશલ ગોપાલકા જે અપાર્ટમેન્ટમાં રહે છે ત્યાં તેમની પાસે ગૅરેજ પેટે એક જગ્યા છે અને એ ગૅરેજમાં જ તેમણે પોતાનો મ્યુઝિક સ્ટુડિયો બનાવ્યો છે. સાઉન્ડપ્રૂફ આ સ્ટુડિયોમાં ટ્યુબલાઇટથી લઈને, કબાટના હૅન્ડલ, ઘડિયાળ, પાણીની ટ્રે સુધ્ધાંમાં પણ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરીને તેમણે ભરપૂર ક્રીએટિવિટી વાપરી છે. ટ્યુબલાઇટ માટે તેમણે ખંજરી અને ગિટારને યુઝ કર્યાં છે. દરવાજાના હેન્ડલ માટે તેમણે ગ્રામોફોનના જ એક હિસ્સાનો ઉપયોગ કર્યો છે. કબાટને તેમણે અનેક મ્યુઝિશ્યનની ડિસ્ક પૅટર્નના મૅગ્નેટ સ્ટિકરથી ઢાંકી દીધો છે. લગભગ દોઢેક વર્ષ તેમને સ્ટુડિયોની ડિઝાઇન તૈયાર કરવામાં લાગ્યો હતો. તેમના ગૅરેજ-કમ-સ્ટુડિયો-કમ-મ્યુઝિયમમાં તમને રેકૉર્ડ પ્લેયરનું વિન્ટેજ કલેક્શન જોવા મળશે. યસ, એટલે કે સંગીત રેકૉર્ડ કરી શકાય અને એ ડિસ્કને સાંભળી શકાય એવું ૧૮૭૭માં થૉમસ એડિસને બનાવેલા પહેલા મશીન પછી એમાં ઉત્ક્રાંતિ થતાં-થતાં કેવા-કેવા ડેવલપમેન્ટ આવ્યાં એની આખી સિરીઝ તેમની હિસ્ટરી વૉલ પર જોવા મળશે. ગ્રામોફોન, ડિસ્ક, મ્યુઝિક કૅસેટ્સની દુનિયાના તબક્કાવાર થયેલાં ડેવલપમેન્ટ જોવાં એક લહાવો છે. મ્યુઝિકને લગતાં લગભગ હજારથી વધુ પુસ્તકોની લાઇબ્રેરી પણ છે આ નાનકડા ગૅરેજમાં. મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટને તેઓ દેવીદેવતાની ઉપમા આપે છે. સંગીત માટે તેઓ તન, મન, ધનથી સંપૂર્ણ સમર્પિત છે.

columnists ruchita shah