23 October, 2026 02:39 PM IST | Mumbai | Darshini Vashi
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
તાજેતરમાં એક પરિવારને પ્રતિષ્ઠિત ઑનલાઇન ટ્રાવેલ-બુકિંગ પ્લૅટફૉર્મ પર કાશ્મીરમાં હોટેલ બુક કરાવવાનો કડવો અનુભવ થયો હતો. પરિવાર જ્યારે બુકિંગમાં દર્શાવેલા લોકેશન પર પહોંચ્યો ત્યારે ત્યાં હોટેલનું અસ્તિત્વ જ જોવા મળ્યું નહોતું. પરિણામે કડકડતી ઠંડીમાં નાનાં બાળકો સાથે પરિવારને પોતાની ગાડીમાં આખી રાત વિતાવવાની ફરજ પડી હતી. ઑનલાઇન હોટેલ-બુકિંગ દરમ્યાન ખોટી માહિતી, બોગસ પ્રૉપર્ટી અથવા બુકિંગ કર્યા બાદ હોટેલ ઉપલબ્ધ ન હોવા જેવા અનુભવો માત્ર હમણાં જ સામે નથી આવ્યા; ભૂતકાળમાં પણ આવા કેસ થઈ ચૂક્યા છે જેને લીધે ઘણા લોકોને હજારો રૂપિયાનો ચાંદલો લાગી ચૂક્યો છે.
ઑનલાઇન બુકિંગ-પ્લૅટફૉર્મના માધ્યમથી થતા બુકિંગને પગલે માત્ર ફૅમિલી જ નહીં, આખું બિલ્ડિંગ ફ્રૉડ જેવી પરિસ્થિતિનો શિકાર બની ચૂક્યું છે એ વિશે જણાવતાં બોરીવલીમાં રહેતાં વર્ષા દેસાઈ કહે છે, ‘થોડાં વર્ષ પહેલાંની વાત હશે. ચોમાસાની સીઝન હતી અને સરસ વાતાવરણ જામ્યું હતું એટલે બોરીવલી-વેસ્ટમાં આવેલા અમારા બિલ્ડિંગના સભ્યોએ નક્કી કર્યું કે આવી સીઝનમાં ભંડારદરા જવું જોઈએ. એટલે અમે ઑનલાઇન પ્લૅટફૉર્મ મારફત એક રિસૉર્ટ બુક કર્યો. સ્ક્રીન પર તો રિસૉર્ટના ખૂબ જ સરસ ફોટો અને ઍટ્રૅક્ટિવ ફૅસિલિટીનો ઉલ્લેખ કર્યો હતો એટલે અમે એને બુક કર્યો. જોકે હકીકતમાં અમે જ્યારે એ રિસૉર્ટમાં પહોંચ્યા તો જોયું કે આ રિસૉર્ટને તો વન સ્ટાર પણ ન અપાય. રૂમ તો દૂરની વાત, રિસૉર્ટ કોઈ ઝૂંપડા જેવો દેખાતો હતો. સ્વિમિંગ-પૂલને બદલે પાણીનાં ખાબોચિયાં દેખાતાં હતાં. અમે તો જોઈને શૉક જ થઈ ગયા. અમે બહુ ભડક્યા, પણ હવે કરીએ તો પણ શું? અમારી આખી ટ્રિપની મજા જ બગડી ગઈ હતી. આવી રીતે મારી ફૅમિલીને કાશ્મીરમાં પણ કડવો અનુભવ થયો હતો. થોડાં વર્ષ પહેલાં અમે કાશ્મીર ગયા હતા. ત્યાં અમે હોટેલ બુક કરાવી હતી એ હકીકતમાં અન્ડર-કન્સ્ટ્રક્શન હતી. અમે બે ફૅમિલી હતી, સાથે બાળકો હતાં અને કાશ્મીર જેવા સંવેદનશીલ વિસ્તારમાં એ પણ દસ-બાર વર્ષ પહેલાં હોટેલ માટે જાતે આમતેમ ફરવું ઘણું જોખમી હતું. આમ છતાં અમે બાળકો માટે થઈને ફર્યા અને છેલ્લે જે મળી એ હોટેલ બુક કરીને રહ્યા. એ દિવસો આજે પણ મને બરાબર યાદ છે.’
કાંદિવલીમાં રહેતાં વૈશાલી રાવલ કહે છે, ‘ટોચના ઑનલાઇન ટ્રાવેલ-બુકિંગ પ્લૅટફૉર્મ પર હોટેલ બુક કરવાને લીધે અમારે જે પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો એ અમે હજી પણ ભૂલી શક્યા નથી. વાત આશરે દસેક વર્ષ પહેલાંની છે. હું ફૅમિલી સાથે બૅન્ગલોર, મૈસૂર, ઊટી, કુર્ગ, કોડાઈકનાલ ગઈ હતી. અમે ત્યાંની લોકલ ટ્રાવેલ કંપની દ્વારા કૅબ બુક કરી હતી જે આખી ટૂર દરમ્યાન અમારી સાથે રહી હતી. એ બધું તો બરોબર હતું, પરંતુ હોટેલ અમે ઑનલાઇન ટ્રાવેલ-બુકિંગના પ્લૅટફૉર્મ પર બુક કરી હતી. અમે જેવા ઊટી પહોંચ્યા અને અમારી બુક કરેલી હોટેલના ડેસ્ટિનેશન પર આવ્યા તો અમને ત્યાં કહેવામાં આવ્યું કે આ હોટેલમાં તમારા નામે કોઈ રૂમ બુક કરવામાં આવી નથી. અમે વિચારમાં પડી ગયા. અજાણ્યા શહેરમાં નાનાં બાળકો સાથે અમે ટેન્શનમાં આવી ગયા કે હવે શું કરીશું. પછી ઑનલાઇન કંપનીના માણસને ફોન કરીને અમે પૂછ્યું કે આ શું છે, અમે તો પૈસા આપી દીધા છે તો પછી બુકિંગ કેમ નથી થયું? પહેલાં તો તેમણે વાત સાંભળી નહીં અને વાત ફેરવવા લાગ્યા. આખરે કલાકની જહેમત બાદ તેમણે અમને બીજી એક હોટેલમાં રૂમ કરી આપી જે ઘણી દૂર હતી. પછી ત્યાં અમે ગયા અને આખો દિવસ એમાં જ બગડી ગયો. પછી અમે કોડાઈકનાલ ગયા તો ત્યાં પણ એવું જ થયું. ત્યાં પણ જે હોટેલમાં રૂમ બુક કરી હતી ત્યાં બુકિંગ થયું જ નહોતું અને ફરી અમને બીજી હોટેલ આપવામાં આવી. ત્યાં જે હોટેલ આપવામાં આવી એ એવી હતી કે જાણે તમે કોઈ સસ્તી ધર્મશાળામાં રહેતા હો. બેઝમેન્ટમાં રૂમ આપી હતી. અંધારું હતું અને ત્યાંની રૂમમાં વાંદા, ગરોળી, મચ્છર બધું જ હતું. અમારી પાસે બીજો કોઈ વિકલ્પ જ નહોતો એટલે અમે માંડ એક રાત ત્યાં વિતાવી. આમ અમારી આખી ટ્રિપ બગડી હતી. ત્યાર પછી અમે લોકોએ કાન પકડ્યા કે ક્યારેય આ પ્લૅટફૉર્મ પરથી બુકિંગ કરવું નહીં, ભલે પછી તેઓ તમને ફ્રીમાં બુકિંગ આપતા કેમ ન હોય. અમારી સાથે જ નહીં, ઘણા લોકો સાથે આ પ્રકારનું ફ્રૉડ થાય છે, પરંતુ લોકો એની જાહેરમાં ચર્ચા કરતાં અચકાય છે એટલે બધી વાત બહાર આવતી નથી.’
૪ વર્ષ પહેલાં મોટી રકમનું ઑનલાઇન પેમેન્ટ કર્યું હતું જે આજ સુધી રીફન્ડ મળ્યું નથી એમ જણાવતાં બોરીવલીનાં રાગિણી દેસાઈ કહે છે, ‘૪ વર્ષ પહેલાં અમે મિત્રો સાથે નૉર્થ ઈસ્ટમાં ફરવા જવાનો પ્લાન કર્યો હતો. અમે સિનિયર સિટિઝન છીએ. અમારા સમાજના એક ભાઈએ મને એક વ્યક્તિ સાથે કૉન્ટૅક્ટ કરી આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ નૉર્થ ઈસ્ટમાં ટૂર ઑર્ગેનાઇઝ કરે છે. અમે તે ભાઈને મળ્યા હતા. તેમની મીઠી-મીઠી વાતમાં અમે એવા આવી ગયા કે તેમણે અમને એક પ્લૅટફૉર્મ પર ઍડ્વાન્સ પેમેન્ટ કરવા કહ્યું જેથી ટિકિટ બુક થઈ શકે અને અમે કરી પણ દીધું. તેઓ સિનિયર સિટિઝન હતા અને સમાજની એક વ્યક્તિએ અમને તેમનો કૉન્ટૅક્ટ કરી આપ્યો હતો એટલે અમને થયું કે આ ભાઈ ભલા હશે એટલે અમે બહુ તપાસ પણ ન કરી. અમે ઑનલાઇન અમુક રકમ ભરી દીધી હતી જેનો આંકડો પણ મોટો હતો. જોકે આગલા દિવસ સુધી અમારી ટિકિટ જ ન આવી. કંટાળીને અમે તે ભાઈના ઘરે જ પહોંચી ગયા. ત્યારે તેમણે કહ્યું કે મને કંઈ ખબર નથી, મેં તો તમને પ્રૉપર પ્લૅટફૉર્મ પર જ પેમેન્ટ કરવા કહ્યું હતું, જોઈએ તો તમે મારું અકાઉન્ટ ચેક કરો. અમે પોલીસની ધમકી આપી એટલે તેના ઘરના લોકો અમને આજીજી કરવા લાગ્યા કે અમે કંઈ ખોટું નથી કર્યું, જોઈએ તો તમે તમારી રીતે ચેક કરી લો. ભગવાન જ જાણે કે અમારા પૈસા ઑનલાઇન પ્લૅટફૉર્મ પર ડૂબી ગયા કે પછી તે ભાઈ અને આ પ્લૅટફૉર્મ વચ્ચે સાંઠગાંઠ હતી. ૪ વર્ષ સુધી અમે ઘણી રીતે ટ્રાય કરી, પણ ઑનલાઇન પ્લૅટફૉર્મ પરથી અમારા પૈસા પાછા મેળવી શક્યા નથી.’