✕

જ્યાં ભક્તોની મનોકામના પૂરી થાય, એવા મુંબઈના એકમાત્ર બુટભવાની માતાના મંદિરે જઈએ

17 October, 2026 03:48 PM IST  |  Mumbai | Sejal Patel

જે માતાજીની સામે અંગ્રેજો પણ નમ્યા હતા એવાં અરણેજનાં બુટભવાની માતાનું મુંબઈનું એકમાત્ર સ્થાનક છે વિલે પાર્લેમાં. દાદાભાઈ રોડ પર આવેલા ૬૪ કુળોનાં આ કુળદેવીના મંદિરે નવરાત્રિની અનોખી રોનક જોવા મળે છે.

નવરાત્રિ દરમ્યાન બુટભવાની માના મંદિરની રોનક.

જે માતાજીની સામે અંગ્રેજો પણ નમ્યા હતા એવાં અરણેજનાં બુટભવાની માતાનું મુંબઈનું એકમાત્ર સ્થાનક છે વિલે પાર્લેમાં. દાદાભાઈ રોડ પર આવેલા ૬૪ કુળોનાં આ કુળદેવીના મંદિરે નવરાત્રિની અનોખી રોનક જોવા મળે છે. નવલી નવરાત્રિ ચાલી રહી છે ત્યારે હિંગળાજ માતાનાં દીકરી અને બહુચરાજી અને બલાડ માતાનાં બહેન ગણાતાં આ માતાજીના મૂળ સ્થાનકથી લઈને મુંબઈના મંદિરની માનસયાત્રાએ જઈએ

વાત અંગ્રેજોના જમાનાની છે. રેલવેલાઇનનો વિકાસ થઈ રહ્યો હતો ત્યારે ભાવનગરથી બોટાદ અને ધંધુકા થઈને અમદાવાદ જવા માટેની રેલવેલાઇનનું કામ ચાલી રહ્યું હતું ત્યારે હડાળા પાસે આવેલા અરણેજ ગામ પાસે એન્જિનિયરોને રોજ ચિત્રવિચિત્ર અનુભવો થઈ રહ્યા હતા. એન્જિનિયરો ટ્રૅક નાખવાનું કામ પૂરું કરતા અને બીજા દિવસે બધું વેરવિખેર થઈ જતું. વારંવાર આવું બનતાં અંગ્રેજો અને એન્જિનિયરો કંટાળ્યા. સ્થાનિક બ્રાહ્મણોએ કહ્યું કે અરણેજની જમીન પવિત્ર છે અને બુટભવાની માતાનું પ્રાગટ્યસ્થાન છે એટલે માતાજીને મનાવી લો તો કામ આગળ વધશે. શરૂઆતમાં તો અંગ્રેજ અધિકારીઓએ હસવામાં વાત ઉડાડી દીધી, પણ ખરેખર જ કામ અટકી પડતાં આખરે તેઓ પહોંચ્યા અરણેજ ગામે આવેલા બુટભવાની માતાના મંદિરે. માતાજીને નારિયેળ, સવા રૂપિયો અને ચૂંદડી ચડાવીને બાધા લીધી કે જો રેલવેલાઇન સરળતાથી પૂરી થાય તો આ પરંપરા હંમેશાં ચાલુ રાખીશું. 
કહેવાય છે કે અંગ્રેજોના આ સમર્પણ પછી ખરેખર રેલવેલાઇનનું કામ વિનાવિઘ્ને પાર પડી ગયું. ત્યારથી આજ સુધી રોજ સવારે અરણેજ ગામના સીમાડેથી પસાર થતી પહેલી ટ્રેન ઊભી રહે છે અને હૉર્ન મારીને નારિયેળ અર્પણ કરીને જ આગળ વધે છે. 
અમદાવાદ પાસેના ધોળકા તાલુકામાં બગોદરાથી ૧૦ કિલોમીટરના અંતરે અરણેજ ગામમાં બુટભવાની માતાનું મંદિર લગભગ ૫૦૦ વર્ષ જૂનું છે. આ જ મંદિરમાંથી જ્યોત લાવીને એની અખંડ સ્થાપના થઈ છે વિલે પાર્લેમાં. ૨૦ વર્ષથી વધુ સમયથી મંદિરની સેવા સાથે સંકળાયેલા ઉમંગ દેસાઈ કહે છે, ‘મુંબઈના રહેવાસી ધિલ્લોન તુરખિયા બુટભવાની માતાના પરમભક્ત હતા. તેઓ નિયમિત અરણેજ દર્શન કરવા જતા. એક વાર તેમને સપનામાં માતાજી આવ્યાં અને આદેશ આપ્યો કે મુંબઈથી આવતા ભક્તો માટે ત્યાં જ એક મંદિરનું નિર્માણ કરો. ધિલ્લોનભાઈએ અરણેજમાં જેવી માની મૂર્તિ છે એવી જ મૂર્તિ ત્યાં બનાવડાવી અને ૧૯૯૪ની ૯ મેએ મુંબઈમાં તેમની સ્થાપના થઈ. વૈશાખ સુદ આઠમે પાલખીમાં બેસાડીને માતાજીની પધરામણી થઈ. માની પ્રાણપ્રતિષ્ઠા થઈ ત્યારે ૫૧ બ્રાહ્મણોએ ૩ દિવસ સપ્તચંડી હવન કર્યો હતો અને એક મહિના સુધી અખંડ નવચંડી પાઠ કરવામાં આવ્યા હતા. એ વખતે અરણેજથી જે અખંડ દીવો લાવવામાં આવેલો એ જ દીવો આજે પણ મંદિરના ગભારામાં અવિરત પ્રજ્વલિત છે.’
વિલે પાર્લે-વેસ્ટમાં દાદાભાઈ રોડ પર ઊંચાં બિલ્ડિંગોની વચ્ચે આ મંદિર આવેલું છે. એમાં પ્રવેશતાં જ આસપાસના ટ્રાફિકનો ઘોંઘાટ બંધ થઈ જાય છે. એમાં ખુલ્લું ચોગાન છે અને ચોમેરની દીવાલો વારલી પેઇન્ટિંગથી સજેલી છે. જમણી તરફ મંદિર છે. વચ્ચોવચ મા બુટભવાનીનાં બેસણાં છે. માની જમણી તરફ શ્રી સિદ્ધિવિનાયક ગણેશજી અને ડાબી તરફ બટુક ભૈરવજી છે. મંદિરની સ્થાપના કરનાર ધિલ્લોનભાઈ દેવલોક થયા એ પછી આ મંદિર નવીના ભરત શેટ્ટી અને મંદિરના સેવક પરિવાર દ્વારા સંભાળવામાં આવે છે. નવીનાબહેન સાઉથ ઇન્ડિયન હોવા છતાં માતાજીમાં પરમ શ્રદ્ધા ધરાવે છે અને ખૂબ ભાવ અને વિધિવિધાન સાથે માની સેવા કરે છે. 

૬૪ કુળનાં કુળદેવી 
બુટભવાની માતાનું મુંબઈમાં આ એકમાત્ર મંદિર છે. મંદિરના પૂજારી ભગવતીશંકર વ્યાસ મહારાજ કહે છે, ‘જૈન, બ્રાહ્મણ, વાણિયા, પટેલ સમાજના લગભગ ૬૪ કુળોનાં તેઓ કુળદેવી છે. મૂળ સ્થાન અરણેજનું ધામ છે, પણ જે લોકો ત્યાં નથી જઈ શકતા એવા મુંબઈગરાઓ માટે આ મંદિરનું બહુ માહાત્મ્ય છે. આ માતાજી માનતાનાં દેવી છે. મેં જોયું છે કે ભક્તો અહીં આવીને દિલની ઇચ્છા રજૂ કરી જાય. પૂરા સમર્પણભાવ સાથે જે લોકો કામના કરે છે તેમની મનોકામના અચૂક પૂરી થાય છે.’
મંદિરમાં માતાજીની પ્રતિમાની સામે જ એક વૃક્ષ છે. એ વૃક્ષની ડાળીઓ પર ભક્તો માનતા રાખે ત્યારે કોઈ રમકડું બાંધીને જાય છે. તેમની માનતા પૂરી થાય એટલે પોતાનું એ રમકડું છોડાવીને પ્રસાદરૂપે સાથે લઈ જાય. 

મંદિરના નિત્ય કાર્યક્રમો 
છેલ્લાં લગભગ ૨૦ વર્ષથી વધુ સમયથી આ મંદિરમાં ભગવતીશંકર વ્યાસ મહારાજ પૂજાપાઠ સંભાળે છે. તેઓ કહે છે, ‘સામાન્ય રીતે રોજ સવારે ૮ વાગ્યે અને રાતે ૮ વાગ્યે માતાજીની આરતી થાય. આદ્યા શક્તિની આરતી, વિશ્વંભરી સ્તુતિ થાય. દર પૂનમ અને અમાસે રાતે ૧૦ વાગ્યે પણ આરતી થાય. હાલમાં નવરાત્રિ ચાલે છે ત્યારે રોજ રાતે ૧૦ વાગ્યે આરતી થાય. રાતે બાળકો અને બહેનો ગરબા પણ રમે.’
નવરાત્રિમાં તો બુટભવાની માતાના મંદિરમાં ભક્તોની સારીએવી ભીડ રહે છે. અમે જ્યારે દર્શન કરવા ગયા ત્યારે છેક વિરાર, બૅન્ગલોર અને પુણેથી માનાં દર્શન કરવા આવેલા ભક્તો જોવા મળ્યા હતા.

હવન, ધુળેટી અને માતાની ચૌકી 
આ નવરાત્રિએ આઠમના દિવસે હવન પણ થશે. આ ઉપરાંતની પ્રવૃત્તિઓ વિશે ઉમંગ દેસાઈ કહે છે, ‘શરદ નવરાત્રિમાં રોજ રાતે ઢોલ અને મંજિરા પર ગરબા રમાય છે અને આઠમના દિવસે નવચંડી હવન થાય. આ નવરાત્રિમાં પંચાંગ મુજબ નવેનવ દિવસ માતાજીનો વિશેષ રંગો સાથે શણગાર થાય. ચૈત્ર નવરાત્રિમાં નવેનવ દિવસ માતાની ચૌકી થાય. એ વખતે વૈષ્ણોદેવીમાં જેમ માતાના જયકારા બોલાવાય એવું જ ભક્તિમય દૃશ્ય નિર્માણ થાય. માતાજીના ઉત્સવમાં ધુળેટી બહુ જ ધૂમધામથી રમાય. માતાજીને પણ ગુલાલથી રંગપંચમી રમાડાય. દિવાળીના દિવસોમાં માતાજીનો વિશિષ્ટ શણગાર થાય. કાળી ચૌદશે માતાજીને કાળાં વસ્ત્રો અને બટુક ભૈરવને લીંબુનો હાર પહેરાવીને ચોમેર દીવડાઓથી શણગાર કરવામાં આવે. ગભારામાં અંધારું હોય ત્યારે માનું સ્વરૂપ અનોખું લાગે.’

બુટભવાની માતાની પ્રાગટ્યકથા
બુટભવાની માતાજી ચૈત્ર સુદ પૂનમે ચારણકુળમાં પ્રગટ થયેલાં હોવાનું મનાય છે. હળવદથી આશરે ૧૫ કિલોમીટર દૂર આવેલું સાપકડા ગામ બુટભવાની માનું પ્રાગટ્યસ્થાન મનાય છે. સૌરાષ્ટ્રના ગીર પંથકના બાપલદેથા દેવ અને તેમનાં પત્ની દેવળબા હિંગળાજ માતાજીના પરમભક્ત હતાં. બાપલદેથા દેવે હિંગળાજ માતાને અરજ કરી કે તમે દીકરી થઈને મારા ઘરે પધારો. માએ એ વખતે તો હસી કાઢ્યું પણ સાથે ભક્તની પરીક્ષા પણ કરી. માતાજીએ ગાયનું સ્વરૂપ ધારણ કર્યું અને સિંહ એના પર આક્રમણ કરતો હોય એવું દૃશ્ય ઊભું કર્યું. બાપલદેથા ગાયની રક્ષા કાજે પોતાના પ્રાણની પરવા કર્યા વિના સિંહની સામે પડી ગયા. હિંગળાજ માતા પ્રસન્ન થયાં અને બાપલદેથાને આશીર્વાદ આપ્યા કે તમારા ઘરે જગદંબા અવતાર ભવાનીનો જન્મ થશે. બાપલદેવે પૂછ્યું કે મા, મને કેમ ખબર પડશે કે તમે પધાર્યાં? ત્યારે હિંગળાજ માતાએ કહ્યું, જ્યારે તારા ઘરે જન્મેલી દીકરીનાં બન્ને કાનની બૂટ પહેલેથી જ વીંધાયેલી હોય ત્યારે સમજી લેજે કે હું પોતે અવતાર ધારણ કરીને આવી છું. કાનની બૂટ જન્મથી જ વીંધાયેલી હોવાથી જગદંબાનું આ સ્વરૂપ બુટભવાની માતા તરીકે પ્રસિદ્ધ થયું. 

columnists sejal patel navratri lifestyle news life and style travel