30 September, 2025 01:36 PM IST | Mumbai | Heena Patel
મુંબઈ સેન્ટ્રલમાં રહેતો જોશી પરિવાર આજે પણ પોતાના વડવાઓની પરંપરાને એ જ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે નિભાવી રહ્યો છે
મુંબઈ સેન્ટ્રલમાં રહેતા જોશી પરિવારના ઘરે ૧૨૫ વર્ષથી માતાજીની સ્થાપના થાય છે. નવરાત્રિના દિવસો દરમ્યાન તેમના ઘરે એકદમ ધાર્મિક માહોલ હોય છે. પરિવારના બધા સભ્યો કડક નિયમોનું પાલન કરીને માતાજીની સેવા અને આરાધના કરે છે. આ વિશે માહિતી આપતાં ૬૩ વર્ષનાં ફાલ્ગુની જોશી કહે છે, ‘અમે વીસનગરા નાગર બ્રાહ્મણ છીએ. ઘરે માતાજીની છબિ અને ગરબાની સ્થાપના કરીને જવારા વાવવાની અમારા નાગરોની પરંપરા છે. નવરાત્રિના દિવસોમાં માતાજીની આરતીની સાથે જવારામાં પાણી છાંટવામાં આવે છે. આ દરમ્યાન જવારા ઊગીને લીલાછમ થઈ જાય છે, જેને માતાજીની કૃપાનું પ્રતીક માનવામાં આવે છે. મારાં સાસુનાં વડસાસુના સમયથી અમારા ઘરે આ રીતે માતાજીની સ્થાપના થાય છે. હું માતાજીનો ગરબો પણ જાતે શણગારું છું. આટલાં વર્ષોમાં એવું ક્યારેય નથી થયું કે ઘરે માતાજીની સ્થાપના ન થઈ હોય. આ વર્ષે અમે બે સ્થાપના કરી છે. ગયા વર્ષે મારાં સાસુ ગુજરી જતાં માતાજીની સ્થાપના કરી શક્યા નહોતા.’
નવરાત્રિના દિવસો દરમ્યાન કેવો માહોલ હોય છે એ જણાવતાં ફાલ્ગુની જોશી કહે છે, ‘નવરાત્રિની ઉજવણી અમે આખો પરિવાર સાથે મળીને કરીએ છીએ. મારા જેઠ વિપુલભાઈ અને જેઠાણી અમિતાભાભી આમ તો પુણેમાં રહે છે, પણ નવરાત્રિમાં તેઓ મુંબઈ આવે છે. અમે સાથે મળીને ઘરે માતાજીની સેવા અને આરાધના કરીએ છીએ. નવરાત્રિના દિવસો દરમ્યાન આકરા નિયમો પાળવાના હોય છે. ઘરના બધા જ સભ્યો નવરાત્રિમાં ફરાળી ઉપવાસ કરે છે. વહેલી સવારે હું અને મારાં જેઠાણી માથાબોળ સ્નાન કરી, રેશમી કપડાં પહેરીને માતાજીનું નૈવેદ્ય તૈયાર કરીએ છીએ. સવારે માતાજીની આરતી કર્યા વગર પરિવારનો કોઈ સભ્ય મોઢામાં ચા પણ નથી મૂકતો. અમે બીજાના ઘરનું પાણી પણ નથી પીતા. દરરોજ સવારે ફૂલોથી માતાજીનો શણગાર કરીએ છીએ. મારો દીકરો સવારે દાદર માર્કેટમાં જઈને ૬-૭ કિલો તાજાં ફૂલ લઈ આવે છે. અમારામાં કહેવાય છે કે સાંજે ભૂખ ન હોય તો પણ મોઢું એઠું કરી લેવું જોઈએ, કારણ કે કોઈ બાળક ભૂખ્યું સૂએ એ માતાજીને ન ગમે. એટલે અમે સવાર-સાંજ બે વાર ફરજિયાત ફરાળ તો કરીએ જ. રાત્રે અમે બધા જમીન પર જ સૂઈ જઈએ છીએ. એમ કહેવાય છે કે માતાજીની સ્થાપના જમીન પર કરી છે તો તમે કેમ બેડ પર સૂઈ શકો? અમારા ઘરે અષ્ટમીનો હવન પણ હોય છે. નોમના દિવસે અમે ગેટવે ઑફ ઇન્ડિયા જઈએ અને ત્યાંથી બોટ કરીને મધદરિયામાં જઈને જવારા પધરાવીએ છીએ. માતાજીનો ગરબો અમે ગામદેવી માતાજીના મંદિરમાં મૂકીએ છીએ. અગાઉ તો અમારી જ્ઞાતિમાં ૧૦૦ જેટલાં ઘરોમાં માતાજીની સ્થાપના થતી હતી, પણ કડક નિયમો પાળવાનું લોકોને વધારે ફાવતું નથી એટલે આ રીતની નવરાત્રિની ઉજવણી ૩-૪ ઘર સુધી સીમિત રહી ગઈ છે.’