પોતાની જાતને ખુશ રાખવી એ સ્વાર્થ નહીં પણ તમારી જવાબદારી છે

18 April, 2024 12:27 PM IST  |  Mumbai | Ruchita Shah

સ્પેશ્યલ ચાઇલ્ડનાં મમ્મી અને પારિવારિક જવાબદારીઓ સાથે ફરવાના શોખને જીવંત રાખીને ૨૩ દેશોમાં ફરી ચૂકેલાં મૌશમી કાપડિયા કહે છે...

ગયા વર્ષે પોતાનો બર્થ-ડે મૌશમીએ સેલિબ્રેટ કર્યો હતો દુનિયાના આ હાઈએસ્ટ મોટરેબલ પાસ પર.

‘તું તો કેવી મા છે, સાવ આવી રીતે છોકરાંને એકલાં મૂકીને જાય છે. તારો જીવ કેવી રીતે ચાલે છે? તું જોજે એક વાર, જે રીતે તું રહે છે એ જોતાં તો તારાં છોકરાં તારાં નહીં રહે.’ કેટલાક સંબંધીઓ અને મિત્રો પાસેથી આવાં મહેણાં મલાડમાં રહેતાં ૪૫ વર્ષનાં મૌશમી કાપડિયાએ ભરપૂર સાંભળ્યાં છે. બે સંતાનો અને સાસુ-સસરા મુંબઈમાં રહેતાં અને હસબન્ડ દુબઈમાં. મોટો દીકરો સ્પેશ્યલ ચાઇલ્ડ એટલે તેને સતત કૅરની જરૂર રહે એવી અવસ્થામાં માતા તરીકે પોતાના ટ્રાવેલિંગના પૅશનને જીવવા એક સ્ત્રી ઘરની બહાર નીકળે છે એ વાત જ સમાજ માટે એક બહુ મોટા કલંક જેવી હતી. દસેક વર્ષ પહેલાં આવાં મહેણાં મારનારા લોકોની પરવા કર્યા વિના મૌશમી અટક્યાં નહીં અને પોતાના પૅશનને જીવતાં રહ્યાં અને આજે વાસ્તવિકતા એ છે કે મૌશમીનાં બન્ને બાળકો તેમને ખૂબ પ્રેમ કરે છે, પોતાની મમ્મી ઍડ્વેન્ચર ટ્રિપ માટે જાય છે એનો તેમને ગર્વ છે અને તેમના માટે તેમને ભારોભાર આદર પણ છે. લોકો માટે આ ચમત્કાર છે અને પહેલાં તેમને કલંકિત કરી રહેલા એ જ લોકો ‘મૌશમી, તું તો બહુ લકી છે’ એવું કહીને ફરી એક વાર તેમની હિંમત અને સંઘર્ષનું અવમૂલ્યન કરી રહ્યા છે. 

ત્રણ વર્ષના ડિપ્રેશનમાંથી બહાર આવીને જીવનને એક નવા ઉત્સાહ સાથે જીવવાની શરૂઆત કરનારી અને પ્રવાસો થકી સતત જાતને ઇવૉલ્વ કરી રહેલી આ મહિલા પાસેથી શીખીએ એટલું ઓછું છે

હજી બે દિવસ પહેલાં જ હસબન્ડ સાથે જપાનની ટ્રિપ પરથી પાછાં ફરેલાં મૌશમી કાપડિયા એટલે ટ્રેકર, સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર, હાર્ડકોર ટ્રાવેલર, ઑન્ટ્રપ્રનર અને સૌથી મહત્ત્વનું એટલે હૅપી મધર. સમાજનાં અસંતુલિત ધારાધોરણોમાં સંતુલન લાવીને જીવવાનો મૌશમીએ જ્યારે નિર્ણય કર્યો ત્યારે તેમને ખબર હતી કે પોતે શું કરી રહ્યાં છે. જેમ માતા તરીકે સંતાનો માટે, પુત્રવધૂ તરીકે સાસુ-સસરા માટે, પત્ની તરીકે પતિ માટે તેમની જવાબદારીઓ હતી એમ એક વ્યક્તિ તરીકે પોતાની જાતને ખુશ રાખવાની જવાબદારી પણ તેમની જ છે એ વાત તેમને સમયસર સમજાઈ ગઈ અને એટલે જીવનમાં પેઇન, ડિપ્રેશન, હતાશા, નિરાશા, સુસાઇડલ વિચારોના અનેક ઉતારચડાવો જોયા પછી તેમણે બધાની સાથે પોતાની કૅર અને કદર કરવાનું શરૂ કર્યું. ફરવાનો, ટ્રેકિંગનો, બાઇકિંગનો શોખ પૂરો કર્યો અને એને કારણે જે સભરતા તેમનામાં આવી એ સભરતાએ તેમની આસપાસના તમામ લોકોને પ્રેમ, ખુશીઓથી અને સ્વાવલંબનથી ભરી દીધા. 

દુનિયાના ૨૩ દેશોમાં અને ભારતનાં ૨૫ રાજ્યોમાં મૌશમી છેલ્લાં આઠેક વર્ષમાં ફરી ચૂક્યાં છે. ક્યાંક તેમણે પોતાના હસબન્ડ સાથે લક્ઝરી ટૂર કરી છે, ક્યારેક ફૅમિલી સાથે પ્રવાસો કર્યા છે, ક્યારેક સાવ એકલાં બાઇક-ટૂર પર નીકળ્યાં છે તો પોતાના સ્પેશ્યલ ચાઇલ્ડની સુપર સ્પેશ્યલ મધર બનીને દીકરા સાથે પ્રવાસ કર્યો છે. 

કપરા દિવસો હતા એ
અરેન્જ્ડ મૅરેજ પછી હસબન્ડની જૉબને કારણે દુબઈ સેટલ થયેલાં મૂળ વડોદરાનાં મૌશમીનો મોટો દીકરો ત્રણ વર્ષનો હતો ત્યારે તેમણે તેની મેડિકલ ટ્રીટમેન્ટના કારણે મુંબઈ આવવું પડ્યું. રિજિડ સ્પાઇન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની બીમારી વેદાંશને છે એવી અમને ખબર પડી અને સાથે એ સમજાયું કે એનો કોઈ ઇલાજ પણ નથી અને હું ચક્કર ખાઈને ઢળી પડી હતી એમ જણાવતાં પોતાના નાનકડા દીકરાને વેન્ટિલેટર પર રાખ્યો એ ક્ષણને યાદ કરતાં મૌશમી આગળ કહે છે, ‘એ સમયે મને ખૂબ થતું કે આટલા નાના બાળકે કોઈનું બગાડ્યું હશે? ભગવાને મારા જ દીકરા સાથે આવું શું કામ કર્યું? એવું તે શું પાપ મેં કર્યું કે મારા દીકરાને આવી તકલીફ આપી? મારા મનમાં બહુ જ હર્ટ, ગુસ્સો અને ગ્લાનિ હતાં. તેની હેલ્થ બગડી રહી હતી અને એ સમયે દુબઈમાં એવી કોઈ સગવડ નહોતી જેમાં તેને તાત્કાલિક ઇમર્જન્સી ટ્રીટમેન્ટ આપી શકીએ. મેં હસબન્ડથી દૂર મુંબઈ રહેવાનો નિર્ણય કર્યો. ત્રણેક વર્ષનો હશે વેદાંશ જ્યારે હું અહીં આવી. આજથી ૧૭ વર્ષ પહેલાંની વાત છે. ધીમે-ધીમે વેદાંશ મોટો થઈ રહ્યો હતો. એ દરમ્યાન બીજા દીકરાનો જન્મ થયો. જવાબદારીઓ વધતી ગઈ પણ અંદરથી હું સાવ ખાલી, એકલી અને સતત ઇરિટેટેડ હતી. મને ક્યાંક ભાગી જવાનું મન થતું જ્યાંથી હું પાછી જ ન આવું. હું ઊઠું જ નહીં એવી રીતે સૂઈ જવાનું મન થતું. મારી અંદરની એકલતા, ગુસ્સો મને ખાઈ રહ્યાં હોય એવું લાગતું. હું કેમ મારા દીકરા માટે કંઈ કરી નથી શકતી એ લાચારી મને નડતી, કનડતી અને અંદરોઅંદર ગૂંગળામણ આપતી. ગુસ્સામાં દરવાજા પછાડતી, વસ્તુઓ ફેંકતી. હું શું કરી રહી છું એ જ મને નહોતું સમજાતું. મને યાદ છે કે એક વાર મારા નાના દીકરાએ કોઈક મસ્તી કરી અને તેને મેં લાફો માર્યો. એ પછી હું બે દિવસ રડી. મારાથી કેમ મારા દીકરા પર હાથ ઉપાડાય એ ગિલ્ટથી બહાર નહોતી આવી શકતી. મારી બેસ્ટ ફ્રેન્ડને જ્યારે મારી આ સ્થિતિની ખબર પડી એટલે તે મને સીધી સાઇકિયાટ્રિસ્ટ પાસે લઈ ગઈ. ધીમે-ધીમે તેમના કહેવાથી મેં વૉકિંગ શરૂ કર્યું. રનિંગ અને ઝુમ્બા ક્લાસ શરૂ કર્યા અને મારી મનની સ્થિતિ બદલાવાનું શરૂ થયું.’

ત્રણ વર્ષના ડિપ્રેશનના ફેઝમાંથી બહાર આવેલાં મૌશમી માટે એ ટર્નિંગ પૉઇન્ટ હતો. જીવન પ્રત્યેનો તેમનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો હતો અને તેમણે પોતાને મનગમતી પ્રવૃત્તિ કરવાનું શરૂ કરવા સૌથી પહેલાં એક બાઇક ખરીદી અને તે બાળકો સૂઈ ગયાં હોય ત્યારે નાઇટ-બાઇકિંગ માટે જવા માંડ્યાં.

મૌશમી કાપડિયા તેનાં સાસુ-સસરા, હસબન્ડ અને બન્ને દીકરા સાથે. 

પહેલી બાઇક-ટ્રિપ
૨૦૧૭માં બાઇક પર લદાખ જવાનું નક્કી કર્યું ત્યારે ઘરના અને બહારના એમ બધાએ જ મૌશમીનો વિરોધ કર્યો હતો. તે કહે છે, ‘દેખીતી રીતે જ ઘરમાં એક ચિંતા એ હતી કે રોડ-ટ્રિપ પર એકલાં જવું સુરક્ષિત નથી તો બીજી ચિંતા એ પણ હતી કે વેદાંશ મારા વગર કેવી રીતે રહેશે. મારા માટે પણ નિર્ણય અઘરો હતો. પણ જો એ નિર્ણય સહેજ જાત સાથે કઠોર થઈને ન લીધો હોત તો આજે જે કરી રહી છું અને આજે જ્યાં છું ત્યાં ન હોત. એ ટ્રિપ દરમ્યાન જ્યારે-જ્યારે ઘરેથી ફોન આવતો ત્યારે મારો હાથ ફોન ઉપાડતી વખતે રીતસર ધ્રૂજતો કે બધા સારા સમાચાર હશેને, વેદાંશ તો બરાબર હશેને. પણ એ વખતે બસ, મન મક્કમ કર્યું હતું અને ધીમે-ધીમે એ પણ સમજાઈ ગયું કે જે આજે છે એ જ સાથે છે. અઘટિત તો ક્યાંય પણ, ક્યારેય પણ ઘટી શકે છે એટલે એ ભય સાથે તમે જીવી ન શકો. ધીમે-ધીમે મારો કૉન્ફિડન્સ વધતો ગયો. બીજું તમને કહું કે ટ્રાવેલ ગમવું અને એને એક પૅશનની જેમ જીવતું રાખવું એ બન્નેમાં ફરક છે. ટ્રાવેલ તમને ખૂબ શીખવે છે. તમે અડૅપ્ટિવ બનો એટલે કે જે સંજોગો હોય એમાં ચલાવી લેવાની, સ્વીકારવાની વૃત્તિ કેળવાતી જાય. ટ્રાવેલ સતત તમારી ઑનગોઇંગ સ્કૂલ જેવું હોય છે. આગળ કહ્યું એમ મેં દરેક પ્રકારનું ટ્રાવેલ કર્યું છે એટલે અગવડોની પણ મને આદત પડી ગઈ છે. એ જ કારણ છે કે શાવરમાંથી પાણી આવતું હોય કે ટૉઇલેટ માટે કમોડ મળે તો એ પણ તમને લક્ઝરી લાગે. તમને મળેલી સુવિધાઓની ટ્રાવેલિંગના અનુભવ પછી તમે કદર કરતા થઈ જાઓ છો. તમારા આગ્રહ ઓછા થઈ જાય છે.’  

પહેલી ટ્રિપ પતે એ પહેલાં મૌશમીની નેક્સ્ટ ટ્રિપનું બુકિંગ થઈ ગયું હોય છે. અત્યાર સુધીમાં ત્રણ વાર કાશ્મીર જઈ ચૂકેલાં મૌશમી આવતા મહિને ચોથી વાર કાશ્મીર જઈ રહ્યાં છે. વર્ષમાં છથી સાત ટ્રિપ હોય. સામાન્ય રીતે મૌશમી દસ-પંદર દિવસથી લાંબી ટ્રિપ અરેન્જ નથી કરતાં, કારણ કે એનાથી વધુ ઘર-પરિવારથી દૂર રહેવું તેમને નથી ગમતું. 

દીકરા વેદાંશ સાથે મૌશમી.

તું તો બહુ લકી છે
આજે મૌશમીને હરતાં-ફરતાં અને લાઇફને એન્જૉય કરતાં જોઈને ઘણા લોકો તેમને નસીબદાર કહીને પોતાની પરિસ્થિતિઓને કોસતા હોય છે. એના જવાબમાં તે કહે છે, ‘૧૮ વર્ષ પહેલાં હું પણ ફ્રસ્ટ્રેટેડ, દુખી, ગુસ્સાવાળી હતી, જીવનથી ત્રસ્ત હતી. કોઈને ને કોઈને બ્લેમ કરવા માટે તત્પર હતી. જ્યારે હવે હું સેટલ્ડ, શાંત અને સંતુલિત છું. મારી ઊર્જા મારે ક્યાં નાખવી એની મને ખબર છે અને મારે શું કરવું, શેના માટે ગ્રેટફુલ થવું એ મને ખબર છે. આ બધું જ મને ટ્રાવેલિંગે શીખવ્યું છે. તકલીફો મેં પણ જોઈ છે અને અપમાનો મેં પણ સહ્યાં છે પણ મેં એમાંથી બહાર આવવાનો નિર્ણય લીધો. મને લક કોઈ વારસામાં નથી મળ્યું, પણ મેં લકને ઘડ્યું છે. યાદ રાખજો કે કોઈ વસ્તુ માણસ કે પરિસ્થિતિને બ્લેમ કરવાથી બદલાતી નથી. જેટલું જલદી સ્વીકારશો એટલા જલદી પરિસ્થિતિને ટૅકલ કેમ કરવી એ શીખી જશો. મારો દીકરો જીવશે ત્યાં સુધી આવો જ રહેશે એ સત્ય સ્વીકારવું મારા માટે અઘરું હતું, પણ જે દિવસથી એ સ્વીકાર્યું ત્યારથી મારા માટે એ સ્પેશ્યલ ચાઇલ્ડ નથી રહ્યો પણ હું તેની સ્પેશ્યલ મધર છું. મેં એ સ્વીકારી લીધું કે મારે એને સાજો નથી કરવાનો, કારણ કે એ સાજો નહીં થાય. તે આવો જ રહેશે. મારી બહેને બહુ જ સારી વસ્તુ મને એક વાર કહેલી કે એ વેદાંશ જ્યાં સુધી આપણી પાસે છે ત્યાં સુધી આપણો છે. આજે વેદાંશ ૨૦ વર્ષનો છે. અમુક બાબતોમાં તેણે કૅરટેકર પર નિર્ભર રહેવું પડે છે, પણ બાકી દરરોજ શૉપ પર જાય છે. અમારા ફૅમિલીનું આઇસક્રીમ પાર્લર છે ત્યાં દરરોજ જઈને વેદાંશ બેસે છે. મારા બન્ને દીકરાઓ સ્વાવલંબી થઈ ગયા છે અને તેઓ આત્મવિશ્વાસથી સભર છે. વેદાંશ પણ પોતાની તકલીફો માટે રડતો નથી પણ એને સ્વીકારીને હવે કેમ બેસ્ટ જીવી શકાય એ માટે સક્રિય થઈ ગયો છે. બન્ને સંતાનો મને મોટિવેટ કરે એટલાં સમજદાર છે. મારાં સાસુ-સસરાનો મને જોરદાર સપોર્ટ રહ્યો છે.’

હસબન્ડ સાથે કરેલી લેટેસ્ટ જપાન ટૂર સમયની તસવીર.

સર્વગુણ સંપન્નનો આગ્રહ 
આપણે ત્યાં ‘મા’ શબ્દને એટલો ગ્લૉરિફાય કરવામાં આવ્યો છે કે માતા એટલે બાંધછોડ કરીને સતત પોતાનાં મન અને ઇચ્છાઓને મારતી રહે ત્યારે જ આદર્શ બને એવું નથી એમ જણાવીને મૌશમી કાપડિયા કહે છે, ‘સોલો ટ્રિપમાં સંતાનોને ઘરે મૂકીને ગઈ ત્યારે માતા તરીકે મેં કંઈક ઓછું કર્યું છે એવું મને નથી લાગ્યું. સંતાનોને સ્વાવલંબી બનાવવા તેમને એકલાં મૂકવાં પડે. તેમને એ કન્સેપ્ટ પણ શીખવાડવો પડે કે મમ્માને પણ શોખ હોય, તેમનાં પણ સપનાંઓ હોય એ તેમને પૂરાં કરવાનો હક છે. મેં મારા બન્ને દીકરાઓને સમય આપ્યો જ છે પણ સાથે પોતાની જાત માટે પણ સમય ફાળવ્યો છે. મારા સંતાનનું મારાથી વધારે કોઈ ધ્યાન નહીં રાખી શકે એવું વિચારીને તમે તેને ક્યારેય છૂટો જ નહીં મૂકો અથવા એ આગ્રહને કારણે તમે ક્યારેય તમારા માટે સમય જ નહીં ફાળવો અને એમાં જ અટવાયેલા રહેશો તો અંદરને અંદર તમે ગંધાઈ જશો. મધર જ હૅપી ન હોય તો તેનાં બાળકો કેવી રીતે હૅપી હોવાનાં? સર્વગુણ સંપન્ન બનવાના આગ્રહ છોડી દો અને ઇમ્પર્ફેક્શનમાં રહેલી બ્યુટીને સ્વીકારી લો. તમારા વગર દુનિયા નહીં અટકે એ વાસ્તવિકતા જીવનનું પરમ સત્ય છે એટલે તમે ઘરની બહાર હશો તો પણ તમારાં બાળકો ખાવાના સમયે જમી જ લેશે અને સૂવાના સમયે સૂઈ જ જશે. હું દરેકને કહું છું કે પોતાનું ધ્યાન રાખવું, પોતાના માટે સમય ફાળવવો અને પોતાની ગમતી પ્રવૃત્તિ કરવી એ જરાય સ્વાર્થી હોવું એવું નથી. સમાજે એવી ધારણા બાંધી દીધી છે. પોતે ખુશ રહેતી સ્ત્રી સ્વાર્થી અને બીજાની ખુશી માટે ત્યાગ કરતી સ્ત્રી મહાન. આજના સમયે સૅક્રિફાઇસિંગ મધરની નહીં પણ હૅપી મધરની સૌથી વધુ જરૂર છે. પોતાના માટે પણ જીવો એવું મારું કહેવું છે. માત્ર પોતાના જ માટે જીવો એવું હું નથી કહેતી. મધરલી ગિલ્ટમાંથી બહાર આવીને તમારે ક્યાંક ‘સ્વ’ અને ‘સર્વ’ વચ્ચે સંતુલનની શોધવાની જરૂર છે.’

અચીવમેન્ટ ઘણીબધી
૨૦૧૭માં બાઇક લઈને સીધાં જ લદ્દાખ જનારાં મૌશમી કાપડિયાએ કિલિમાંજરોનો ટ્રેક અને એવરેસ્ટ બેઝ કૅમ્પ બે વાર કર્યો છે. ૨૦૨૧માં નવરાત્રિના નવ દિવસમાં મુંબઈ ટુ મુંબઈ ગોલ્ડન ક્વૉડ્રિલૅટરલ તરીકે જાણીતા છ હજાર કિલોમીટરના નૅશનલ હાઇવે પર કરેલી સોલો બાઇક ટ્રિપ બદલ તેમનું નામ ઇન્ડિયા બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સમાં આવી ચૂક્યું છે. ગોલ્ડન ક્વૉડ્રિલૅટરલ એટલે દેશનાં ચાર મેજર મેટ્રોપૉલિટન શહેરોને કનેક્ટ કરતાં હાઇવેઝનું નેટવર્ક. આ ચાર શહેરો છે મુંબઈ (વેસ્ટ), ચેન્નઈ (સાઉથ), કલકત્તા (ઈસ્ટ) અને દિલ્હી (નૉર્થ). આ શહેરોને જોડતા હાઇવેઝ એક ચતુષ્કોણ  સરજે છે એટલે કે નેટવર્કને ગોલ્ડન ક્વૉડ્રિલૅટરલ કહેવાય છે. ઇન્ડિયન આર્મીએ યોજેલા લદાખ રાઇડિંગ માટે આખા ભારતમાંથી સિલેક્ટ થયેલી ૨૫ મહિલાઓમાં મૌશમીનું નામ પણ સામેલ હતું. ૧૯,૦૨૪ ફીટની ઊંચાઈ પર આવેલા દુનિયાના હાઇએસ્ટ મોટરેબલ રોડ ઉમલિંગ લા પર બાઇક ચલાવીને મૌશમીએ ગયા વર્ષે પોતાનો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો.

columnists life and style