મધર ઇન્ડિયાથી મૉમ સુધી: ફિલ્મોની માતાઓ

08 May, 2021 04:22 PM IST  |  Mumbai | Raj Goswami

મધર્સ ડે સ્પેશ્યલ: એક રીતે ‘મૉમ’ની દેવકી મેહબૂબ ખાનની રાધાનો જ આધુનિક વિસ્તાર છે, પણ તેની પૃષ્ઠભૂમિ શહેરી પરિવાર છે. બન્ને પાત્રો સ્ત્રી તરીકે તેમની ઇજ્જત માટે સંઘર્ષ કરે છે. ‘મધર ઇન્ડિયા’માં રાધા ગ્રામ્યમાતા છે તો ‘મૉમ’માં દેવકી દુર્ગા છે

શ્રીદેવી

હિન્દી સિનેમાનો ઇતિહાસ પારિવારિક મનોરંજનનો રહ્યો છે એટલે એની કહાનીઓમાં માતાનું કિરદાર અહમ રહ્યું છે. માતાઓ અલગ-અલગ સ્વરૂપમાં આવતી રહી છે. બહુ શરૂઆતની ફિલ્મોમાં માતા ઉદાર, સમર્પિત અને પરિવારમાં પડદા પાછળ હતી; કારણ કે સમાજનાં મૂલ્યો પરંપરાગત રૂઢિચુસ્ત હતાં. પછી સમાજ થોડો વિકસ્યો એટલે એવી માતાઓ આવી જે દીકરાઓને લાડપ્યારમાં બગાડી નાખતી હોય. ભારતમાં ટેલિવિઝનના આગમનના ટાણે વહુઓને પજવતી ક્રૂર માતાઓનો દોર આવ્યો. એ પછી તાજેતરના સમયમાં સિંગલ મધરનો દોર આવ્યો, કારણ કે સમાજ વધુને વધુ ઇન્ડિવિડ્યુઅલ બનતો જાય છે.

ફિલ્મોની કહાની કેવી રીતે જોડાયેલી રહે છે એમાં માતાની ભૂમિકા મહત્ત્વની રહી છે. ચાહે તે મંદિરમાં પૂજા કરતી મા હોય કે સીવણકામ કરતી મા હોય, ચાહે ચૂલો ફૂંકતી મા હોય કે ઑફિસમાં કામ કરતી મા હોય, હિન્દી સિનેમાની માતાઓના કિરદારમાં જે પ્રગતિ થઈ છે એ વાસ્તવમાં ભારતીય સમાજ અને પારિવારિક વ્યવસ્થાની પ્રગતિનું ચિત્ર છે. ઍટ લીસ્ટ, હિન્દી સિનેમામાં એવી પાંચ ફિલ્મો આવી ગઈ છે જેમાં માતાઓના કિરદારને સીમાચિહ્નરૂપે પેશ કરવામાં આવ્યા હતા (નીચે એ ફિલ્મોને એના રિલીઝ વર્ષ પ્રમાણે મૂકવામાં આવી છે).

ઔરત (૧૯૪૦)

મૂળ બીલીમોરાના ગુજરાતી મુસ્લિમ ફિલ્મ નિર્દેશક મેહબૂબ ખાનની ‘ઔરત’ પહેલી ક્રાંતિકારી હિન્દી ફિલ્મ છે જેમાં માતાના કિરદારને કેન્દ્રમાં મૂકવામાં આવ્યો હતો. આ ફિલ્મ નૅશનલ સ્ટુડિયો માટે બનાવવામાં આવી હતી. નોબેલ વિજેતા અમેરિકન લેખક પર્લ એસ. બકે ‘ગુડ અર્થ’ નવલકથા લખી હતી જેમાં ચીનના એક પાયમાલ ખેડૂત અને એની દયાળુ પત્નીની કહાની હતી. બન્ને જમીન પ્રત્યેના ભક્તિભાવના પગલે આબાદ થાય છે. ૧૯૩૨માં આ નવલકથાને પુલીત્ઝર પારિતોષિક મળ્યું હતું. ‘ઔરત’ની પૃષ્ઠભૂમિ કૃષિ હતી, પણ મેહબૂબ ખાને એમાં એક સ્ત્રીના સંઘર્ષને આગળ ધર્યો હતો.

ગુજરાતી લેખક બાબુભાઈ મહેતાએ એની વાર્તા લખી હતી અને વજાહત મિર્ઝાએ સંવાદ લખ્યા હતા. ‘ઔરત’માં નાયિકાનું નામ રાધા જ હતું અને તેનો કિરદાર સરદાર અખ્તરે નિભાવ્યો હતો. પાછળથી આ સરદાર સાથે જ મહેબૂબ ખાને લગ્ન કર્યાં હતાં. ‘ઔરત’માં રાધાને તેનો પતિ શામુ (ગોવિંદાના પિતા અરુણ) છોડી દે છે અને રાધા તેના નાના દીકરા રામુ (સુરેન્દ્ર)ને દુકાળમાં ગુમાવે છે. બીજો વંઠેલ દીકરો બિરજુ (લાલા યાકુબ) શાહુકારનું ખૂન કરીને તેની છોકરીને ભગાડી જાય છે. રાધાને શાહુકાર સુખીલાલા (કનૈયાલાલ) તો નડે જ છે, પણ કુદરત તેનો ન્યાય કરે છે.

જ્યારે વરસાદ આવે છે ત્યારે સુખીલાલાનું ઘર પડી જાય છે, જમીન ફરી ઊગે છે અને એ રીતે રાધા તેના દેવામાંથી મુક્ત થાય છે.

મધર ઇન્ડિયા (૧૯૫૭)

૧૭ વર્ષ પછી મેહબૂબ ખાને સ્વતંત્ર કંપની મેહબૂબ પ્રોડક્શનની સ્થાપના કરી ત્યારે તેમણે ‘ઔરત’ની જ રીમેક કરીને સિનેમાપ્રેમીઓને એક શાનદાર ફિલ્મ અને યાદગાર માનો કિરદાર આપ્યો. ‘ઔરત’માં જે કંઈ કચાશ રહી ગઈ હતી એનું તેમણે ‘મધર ઇન્ડિયા’માં સાટું વાળી દીધું. એમાં બધાં જ પાત્રો ‘ઔરત’નાં હતાં; રાધા (નર્ગિસ), શામુ (રાજકુમાર), બિરજુ (સુનીલ દત્ત), રામુ (રાજેન્દ્રકુમાર), સુખીલાલા (કનૈયાલાલ) ‘મધર ઇન્ડિયા’માં ‘ઔરત’નો સ્કેલ મોટો થઈ ગયો. રાધા સાથે લગ્ન કરવા માટે શામુની માએ સુખીલાલા પાસેથી કરજ લીધું હોય છે. રાધાને જ્યારે ખબર પડે છે તો જવાબદારી ઉપાડી લે છે. તે ખુદ ખેતરમાં કામ કરે છે, હળ જોતરે છે, એક બળદ મરી જાય છે ત્યારે પોતાની ખૂંધે ધોંસરી મૂકે છે. રાધા અહીં ઔરત મટીને ભારત માતા અને ધરતી માતા બની જાય છે.

મધર ઇન્ડિયા ભારતની લાખો માતાઓનું પ્રતિનિધિત્વ કરે છે એનું કારણ રાધાની દ્વિધામાં છે : સુખીલાલાને વશ થયા વગર આદર્શ પત્ની તરીકે સુહાગની રક્ષા કરવી કે આદર્શ મા બનીને ભૂખ્યાં છોકરાંને કાજે બાંધછોડ કરવી? તેની બીજી દુવિધા છે માતા તરીકે દીકરા (બિરજુ)નું રક્ષણ કરવું કે આદર્શ સ્ત્રી બનીને ગામની ઇજ્જત બચાવવી? ફિલ્મમાં રોમૅન્ટિક પત્ની અને ઘરની મોભી માતા વચ્ચે ધર્મસંકટ છે. એમાં સ્ત્રી ક્યાંય નથી. એ અર્થમાં રાધાનું જીવન માતૃત્વની ગાથા છે. એટલે એનું નામ મધર ઇન્ડિયા છે, વુમન ઇન્ડિયા નહીં.

દીવાર (૧૯૭૫)

‘ઔરત’ અને ‘મધર ઇન્ડિયા’ની મા ખેતરમાં કામ કરતી હતી. ‘દીવાર’માં તે શહેરમાં આવી ગઈ અને કન્સ્ટ્રક્શન કંપનીમાં તગારાં ઊંચકવા લાગી.

બન્ને અન્યાયનો ભોગ બની હતી. બન્નેની દીકરા ન્યાયની આગવી વ્યાખ્યા છે. બન્ને તેના અપરાધી દીકરાઓને જાતે જ સજા આપે છે. રાધાએ કહ્યું હતું, ‘મૈં એક ઔરત હૂં, બેટા દે સકતી હૂં, લાજ નહીં દે સકતી.’ ‘દીવાર’ની સુમિત્રા દેવીએ પોલીસ ઇન્સ્પેક્ટર દીકરાના હાથમાં રિવૉલ્વર આપતાં કહ્યું હતું, ‘ગોલી ચલાતે વક્ત તેરે હાથ ન કાંપેં.’

નિરુપા રૉયે ‘દીવાર’ ફિલ્મમાં પિતા વગરના બે દીકરાઓ મોટા કરતી માતાની ભૂમિકા અદા કરી હતી એ હિન્દી સિનેમાના ઇતિહાસમાં યાદગાર છે. આ પહેલી ફિલ્મ હતી જેમાં દર્શકો માતાના નૈતિક વ્યવહારના માધ્યમથી દીકરાની અનૈતિકતા પ્રત્યે સહાનુભૂતિ અનુભવતા હતા. એક ઇન્ટરવ્યુમાં નિરુપા રૉયે કહ્યું હતું, ‘દર્શકો મા-દીકરા તરીકે અમને પસંદ કરતા હતા. મને પણ એવું લાગતું હતું જાણે હું તેની (અમિતાભની) મા છું. અમે બહુ ફિલ્મો સાથે કરી હતી એટલે એવો ભાવ પેદા થયો હતો.’

ત્રિશૂલ (૧૯૭૮)

રાધા અને સુમિત્રાથી વિપરીત, ‘ત્રિશૂલ’ની શાંતિ (વહીદા રહેમાન) સિંગલ મધર હતી અને તેને એની શરમ પણ નહોતી. શાંતિ લગ્ન કર્યા વગર તેના પુત્રને એક સાહસિક યુવાન તરીકે મોટો કરે છે. એ સલીમ-જાવેદની કહાનીઓમાં શક્તિશાળી સ્ત્રીઓની પરંપરાનું જ એક પાત્ર હતું. વહીદા રહેમાન ફિલ્મ વિવેચક નસરીન મુન્ની કબીરને એક પુસ્તકમાં કહે છે કે ‘એક દિવસ એક દુકાનમાં એક સ્ત્રી મારી પાસે આવી અને બોલી કે તમને યાદ છે તમે ‘ત્રિશૂલ’માં શાંતિની ભૂમિકા કરી હતી? મારું જીવન પણ એના જેવું જ છે. હું કોઈના પ્રેમમાં હતી અને તેણે મને તરછોડી દીધી હતી, પછી મેં મારી રીતે બાળકને મોટું કરવાનું નક્કી કર્યું હતું. મેં ‘ત્રિશૂલ’ જોઈ તો મને થયું કે તમે જો આ કરી શકતાં હો તો હું પણ કરી શકું.’

સાહિર લુધિયાનવીએ શાંતિ તેના પુત્ર માટે કેવું જીવન ઇચ્છે છે એ માટે ગીતમાં લખ્યું હતું;

મેં તુઝે રહેમ કે સાયે ના પાલને દૂંગી

ઝિંદગાની કી કડી ધૂપ મેં ચલા ને દૂંગી

ટેક તપ તપ કે તું ફૌલાદ બને,

માં કી ઔલાદ બને

‘ત્રિશૂલ’ પહેલી ફિલ્મ છે જેમાં લગ્ન વગર જન્મેલો પુત્ર પોતાને નાજાયઝ નથી ગણતો. ફિલ્મના અંતે વિજય જ્યારે તેના પિતા આર. કે. ગુપ્તાને પૈસેટકે બરબાદ કરી નાખે છે અને પોતે એક સફળ બિઝનેસમૅન બની જાય છે ત્યારે પિતા સામે બધા દસ્તાવેજને ફેંકતાં તે કહે છે, “ઔર આપ, મિસ્ટર આર. કે. ગુપ્તા, આપ મેરે નાજાયઝ બાપ હૈ. મેરી માં કો આપ સે ચાહે ઝિલ્લત ઔર બેઇજ્જતી કે સિવા કુછ ના મિલા હો લેકિન મૈં અપની મા, ઉસ શાંતિ કી તરફ સે આપ કી સારી દૌલત વાપસ લૌટા રહા હૂં. આજ આપ કે પાસ આપ કી સારી દૌલત સહી, સબ કુછ સહી લેકિન મૈંને આપ સે ઝ્યાદા ગરીબ આજ તક નહીં દેખા.’

હિન્દી ફિલ્મોના દર્શકોએ ‘નાજાયઝ બાપ’ શબ્દ ક્યારેય સાંભળ્યો નહોતો.

ઇંગ્લિશ વિંગ્લિશ (૨૦૧૨)

શ્રીદેવીની કમબૅક ફિલ્મ ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ એક એવી મા વિશે હતી જે ઉચ્ચ મધ્યમ વર્ગના પરિવારમાં અંગ્રેજીના અભાવમાં લઘુતાગ્રંથિથી પીડાય છે, પણ પારિવારિક ફરજો નિભાવવાની સાથે તે ખુદનો વિકાસ કરે છે જેથી આત્મવિશ્વાસ સાથે પતિ અને સંતાનો સાથે ઊભી રહી શકે. રાધા, સુમિત્રા અને શાંતિનો સંઘર્ષ સામાજિક વ્યવસ્થા સામે હતો. ‘ઇંગ્લિશ વિંગ્લિશ’માં એ સંઘર્ષ ભાવનાત્મક અને માનસિક થઈ ગયો હતો.

ભારતની કરોડો માતાઓની જેમ, ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ની શશી અતિસંવેદનશીલ અને ખિન્ન છે અને સાથે જ નિઃસ્વાર્થી અને દૃઢ છે. તેને પ્રામાણિક લાગણીઓ સાથેના આદરની તલાશ છે અને તે તેનું આંતરિક કૌવત અને સચ્ચાઈ ગુમાવ્યા વગર એને મેળવે છે. શશી એવી લાખો સ્ત્રીઓનું પ્રતીક છે જે માતૃભાષાની સ્કૂલમાં ભણી હતી, જેને કૉલેજ કરવાનો કંટાળો આવતો હતો અને પછી પરણીને ઠરીઠામ થઈ ગઈ હતી.

૨૦૧૭માં શ્રીદેવીએ દીકરી સાથે અન્યાયનો બદલો લેતી માતાની ભૂમિકાવાળી ‘મૉમ’ ફિલ્મ કરી હતી. એક રીતે ‘મૉમ’ની દેવકી  મેહબૂબ ખાનની રાધાનો જ આધુનિક વિસ્તાર છે, પણ તેની પૃષ્ઠભૂમિ શહેરી પરિવાર છે. બન્ને પાત્રો સ્ત્રી તરીકે તેમની ઇજ્જત માટે સંઘર્ષ કરે છે. ‘મધર ઇન્ડિયા’માં રાધા ગ્રામ્યમાતા છે તો ‘મૉમ’માં દેવકી દુર્ગા છે!

દુનિયાભરની માતાઓ અસલમાં આવી જ ભૂમિકાઓ કરતી રહે છેને!

columnists raj goswami