શું આપણને ખબર છે? પરમાત્મા રોજ આપણને એક પડીકી આપે છે

14 December, 2025 05:03 PM IST  |  Mumbai | Jayesh Chitalia

‘આલે મિત્રો, કેવી મજાની અજાયબ વાત. આજે ૪ ડિસેમ્બરે મેં અધધધ તોંતેર વરહ પૂરાં કર્યાં હોં. છેને ઈશ્વરકૃપા? જિંદગીની આ રખડપાટમાં કેટલીયે વાર પરભુ હામે દેખાય હોં. દરેક ટાણે કૃપાની નાનકડી પડીકી આપે ને હસતાં-હસતાં પૂછે, હે ગગા, તારે દોસ્તારુ ને ભાઈબંધ ખરા?

પ્રતીકાત્મક તસવીર

જન્મદિવસ એટલે સ્વજનો-પ્રિયજનો પાસેથી શુભેચ્છા મેળવવાનો અને એનો આનંદ માણીને આભાર માનવાનો દિવસ. અલબત્ત, આ દિવસ ઈશ્વરનો વિશેષ આભાર માનવાનો દિવસ પણ ખરો. આમ તો ઈશ્વરનો આભાર રોજેરોજ માનવાનો હોય જેનો દરેકનો અંદાજ જુદો-જુદો હોઈ શકે. તાજેતરમાં મિત્ર કીર્તિ શાહે તમામ મિત્રોને સામે ચાલીને પોતાના જન્મદિવસની યાદ કરાવતો એક વિચારપ્રેરક મેસેજ નિરાળી શૈલીમાં મોકલીને ઈશ્વરને યાદ કરવાનો નોખો પ્રયોગ કર્યો, જેને ટૂંકમાં તેમના જ શબ્દોમાં જોઈએ... 
‘આલે મિત્રો, કેવી મજાની અજાયબ વાત. આજે ૪ ડિસેમ્બરે મેં અધધધ તોંતેર વરહ પૂરાં કર્યાં હોં. છેને ઈશ્વરકૃપા? જિંદગીની આ રખડપાટમાં કેટલીયે વાર પરભુ હામે દેખાય હોં. દરેક ટાણે કૃપાની નાનકડી પડીકી આપે ને હસતાં-હસતાં પૂછે, હે ગગા, તારે દોસ્તારુ ને ભાઈબંધ ખરા? હું ઝટ દઈને ડોકું ધુણાવી હા ભણી દઉં. લે, તમે હંધાય મળીને હારાં કરમ કરો છો? હજી કામ કરવાં છે? તો લે આ પડીકી, કાલ હવારે હંધાય ભેરુને યાદ કરીને પી લેજે. હવે આવતે વરહે પાછા મળશું. ત્યાં લગણ મૌજ કર. હું તારા દોસ્તારોમાં એકતાર છું. એમાં જ મળીશ.’
આમાં સૌથી અદ્ભુત અને આકર્ષક શબ્દ છે પડીકી. આ પડીકી ઈશ્વર દરેકને આપે છે. એમાં દવા અને દુઆ બન્ને હોય છે, પણ પડીકી લઈને સાચવવાનું અને એનો સદુપયોગ કરવાનું દરેકને સૂઝતું નથી. કહે છે કે પરમાત્મા આપણને રોજ એક પડીકીની જેમ નવોનક્કોર દિવસ ભેટમાં આપે છે જેને રોજ રાત્રે પાછો લઈને ફરી બીજો નવો દિવસ આપે છે. આમ તે વરસો સુધી રોજ નવો દિવસ આપતો રહે છે. આપણે એનું શું કરીએ છીએ એ આપણામાંથી કેટલા લોકો વિચારી-સમજી શકે છે?
 ઈશ્વર આપણને અનેક સ્વરૂપે પડીકી આપતો રહે છે જેમાં પરિવાર, મિત્રો, સગાંસંબંધી, પાડોશીઓ ઉપરાંત ક્યારેક સાવ અજાણ્યાઓનો પણ સમાવેશ થાય છે. આ પડીકીના અનેક અર્થ અને સ્વરૂપ હોઈ શકે. દવાની પડીકી હોય નાની, પણ એમાં ગંભીર રોગોનો ઇલાજ કરવાની શક્તિ હોય છે. ઈશ્વરની પડીકી કૃષ્ણએ અર્જુનને યુદ્ધભૂમિ પર આપેલી ભગવદ્ગીતા સ્વરૂપે હોય, સુદામાને કંઈ પણ કીધા વિના આપેલી અદ્ભુત ભેટ અને નરસિંહ મહેતા માટે ભરેલી હૂંડી સમાન પણ હોય. કોઈ પડીકી કડવી હોય તો પણ એ કૃપાની જ હોય. એટલે જ કહેવાય છે કે તે જે કરે એ સારા માટે જ કરે છે. પરમે આપણને આપેલી પડીકી પોતે જ સમજીને સદુપયોગમાં લેવી પડે. પરમાત્માની પ્રત્યેક પડીકીને પ્રણામ અને સ્વીકાર કરીને માણવામાં જ જીવનની સાર્થકતા હોઈ શકે. બાય ધ વે, જન્મદિવસ રોજ હોય છે. દરેક સવાર નવા દિવસની પડીકી સમાન આપણામાં ઉદય પામે છે.

jayesh chitalia columnists sunday mid day gujarati mid day lifestyle news