મોરબી હોનારત : ઍક્ટ ઑફ ગૉડ નહીં, ઍક્ટ ઑફ ફ્રૉડ

06 November, 2022 12:14 PM IST  |  Mumbai | Raj Goswami

છેલ્લા બે દાયકા (૨૦૦૧થી ૨૦૧૯)માં નાના-મોટા પુલ તૂટવાથી કુલ ૪૬૦ લોકોનાં મોત થયાં છે. એમાં આ મોરબીનો આંકડો (૧૩૫) ઉમેરીએ તો એ સંખ્યા ૫૯૫ થાય છે. આ બધી ઘટનાઓમાં અલગ-અલગ કારણો હતાં, પણ એમાં એક સામ્ય પુલોની કમજોરી હતું.

ફાઇલ તસવીર

જૂના પુલો તૂટે એ તો સમજમાં આવે, પણ નવા કે નિર્માણાધીન પુલો તૂટે એમાં માનવીય બેદરકારી જ કારણભૂત હોય, અને એનું એકમાત્ર કારણ ભ્રષ્ટાચાર જ હોય

પુલોના નિર્માણમાં ભ્રષ્ટાચાર થાય છે. બસ, એના વિશે કશું થતું નથી. થાય છે તો ખાલી ભાષણબાજી. આવી કોઈ દુર્ઘટના બને ત્યારે એટલા પૂરતી ઍક્શન લેવાય છે પણ સમાચારોની શાહી સુકાઈ જાય, પછી બધું રાબેતા મુજબ થઈ જાય છે. 

૨૦૧૮માં, વારાણસીમાં એક ફ્લાયઓવર તૂટી પડ્યો એમાં ૧૮ લોકોનાં મોત થયાં હતાં. એ વખતે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે યુપી સ્ટેટ બ્રિજ કૉર્પોરેશનના ભૂતપૂર્વ મૅનેજિંગ ડિરેક્ટર રાજન મિત્તલ સહિત છ લોકો સામે પગલાં ભરવાનો આદેશ કર્યો હતો. 

ભારતમાં પુલોના નિર્માણમાં બેદરકારી દાખવવામાં આવે છે એ વાત નવી નથી. એમાં ખૂબ ભ્રષ્ટાચાર થતો હોય છે એ વાત પણ નવી નથી. દરેક સરકારોએ આ બાબતમાં ઉદાસીનતા સેવી છે (અથવા એની મિલીભગત છે) એ પણ એટલી જ જાણીતી વાત છે. મોરબીના ઝૂલતા પુલની હોનારત, આપણી સિસ્ટમની ખામીનું પરિણામ છે. જે દેશમાં માણસના જીવનની કિંમત ન હોય, જ્યાં દંગાઓ કે દુર્ઘટનાઓમાં માણસોનું મરી જવું કર્મોનું ફળ કે ઈશ્વર-ઇચ્છા ગણાતું હોય, ત્યાં સિસ્ટમ નબળી અને ભ્રષ્ટ હોય એમાં નવાઈ નથી.

દરેક દુર્ઘટનાઓમાં બંને છે એમ, મોરબીની ઘટનામાં પણ છીંડે ચઢ્યો તેને ચોર માનીને ‘ન્યાય’ તોળી લીધાનો સંતોષ લઈ લેવામાં આવશે, પરંતુ આ હોનારત દેશમાં કેવું પોલંપોલ ચાલે છે એની લેટેસ્ટ સાબિતી છે અને એ છેલ્લી પણ નહીં હોય.

ભારતમાં, ૧૯૭૭થી ૨૦૧૭ સુધીના સમયગાળામાં ૨૧૩૦ પુલો તૂટી પડ્યાની ઘટનાઓ બની છે. એમાં ગરનાળાં કે ફુટબ્રિજની તો વાત જ નથી. આ બધા પુલો કાં તો એના નિર્ધારિત ઉદેશ્યમાં નિષ્ફળ ગયા છે અથવા નિર્માણની વિવિધ અવસ્થાઓમાં તૂટી પડ્યા છે. દેશની સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ચીફ સાયન્ટિસ્ટ ડૉ. રાજીવ ગર્ગનો અભ્યાસ કહે છે કે દેશમાં પુલ તૂટી પડવાનાં મુખ્ય કારણોમાં પ્રાકૃતિક દુર્ઘટના (૮૦ ટકા), પૂર (૫૦ ટકા), ધરતીકંપ (૨૬ ટકા), ઘસારો (૧૦ ટકા), વધુપડતો ભાર (૪ ટકા), ડિઝાઇન (૪ ટકા) અને માનવીય ભૂલ (૩ ટકા) છે. ડૉ. ગર્ગ નોંધે છે કે ભારતમાં પુલ નિષ્ફળ જવાની સરેરાશ ઉંમર ૩૪.૫ વર્ષની છે, જે ઘણી ઓછી કહેવાય. અમેરિકામાં એ ઉંમર 52 વર્ષની છે. વિડંબના એ છે કે આટલા મોટા દેશમાં આ પ્રકારનો અભ્યાસ એકમાત્ર ડો. રાજીવ ગર્ગના નામે જ બોલે છે.

છેલ્લા ચાર દાયકામાં બનેલી પુલ તૂટવાની ઘટનામાં કુલ કેટલા લોકોનાં મોત થયાં એના પણ કોઈ અધિકૃત આંકડા નથી, પરંતુ મીડિયાના અહેવાલોને આધાર માનીએ, તો છેલ્લા બે દાયકા (૨૦૦૧થી ૨૦૧૯)માં નાના-મોટા પુલ તૂટવાથી કુલ ૪૬૦ લોકોનાં મોત થયાં છે. એમાં આ મોરબીનો આંકડો (૧૩૫) ઉમેરીએ તો એ સંખ્યા ૫૯૫ થાય છે. આ બધી ઘટનાઓમાં અલગ-અલગ કારણો હતાં, પણ એમાં એક સામ્યતા પુલોની કમજોરીની હતી. જૂનાં પુલો તૂટે એ તો સમજમાં આવે, પણ નવા કે નિર્માણાધીન પુલો તૂટે એમાં માનવીય બેદરકારી જ કારણભૂત હોય, અને એનું એકમાત્ર કારણ ભ્રષ્ટાચાર જ હોય.

એવું નથી કે આ કોઈને ખબર નથી, પણ કોઈ બોલતું નથી અથવા બોલે છે તો સિલેક્ટિવ બોલે છે. યાદ છે, ૨૦૧૬માં કલકત્તામાં ફ્લાયઓવર તૂટી પડ્યો અને એમાં ૨૭ લોકોનાં મોત થયાં ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું હતું? તેમણે મમતા બૅનરજીની સરકારને નિશાન બનાવતાં કહ્યું હતું કે, ‘આ દૈવી કૃત્ય એટલા માટે છે કે આ હોનારત ચૂંટણીટાણે ઘટી છે, જેથી લોકોને એ ખબર પડે કે તેમની પર કેવી સરકારનું શાસન છે. ઈશ્વરે એ સંદેશો આપ્યો છે કે આજે આ પુલ પડ્યો છે, કાલે એ પૂરા બંગાળને ખતમ કરી દેશે. તમારા માટે ઈશ્વરનો સંદેશો બંગાળને બચાવવાનો છે.’ આ હોનારત ઍક્ટ ઑફ ગૉડ નહીં, ઍક્ટ ઑફ ફ્રૉડ છે, એમ વડા પ્રધાને કહ્યું હતું.

જે સામાન્ય માણસને ખબર છે એ વડા પ્રધાનને પણ ખબર છે; પુલોના નિર્માણમાં ભ્રષ્ટાચાર થાય છે. બસ, એના વિશે કશું થતું નથી. થાય છે તો ખાલી ભાષણબાજી. આવી કોઈ દુર્ઘટના બને ત્યારે તેટલા પૂરતાં ઍક્શન લેવાય છે, પણ સમાચારોની શાહી સુકાઈ જાય, પછી બધું રાબેતા મુજબ થઈ જાય છે. ગમે તેની સરકાર હોય, ભારતમાં અમુક બાબતો ક્યારેય બદલાતી નથી, એનું કારણ એ છે કે આપણે બદલાવનો દેખાડો કરીએ છીએ, પણ પાયામાં આપણને માનવજીવની કિંમત નથી.

પશ્ચિમના દેશો આટલો વિકાસ કરી શક્યા છે એનું કારણ ઈશ્વરની મહેરબાની નથી. એનું કારણ ત્યાં માનવીય જીવનનું ઘણું મૂલ્ય છે. સ્વાસ્થ્ય હોય કે શિક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે ન્યાયિક વ્યવસ્થા, ત્યાં દરેક સિસ્ટમના હૈયે પ્રત્યેક જીવનું મહત્ત્વ છે. એવું નથી કે ત્યાં ભ્રષ્ટાચાર નથી થતો. થાય છે અને ગણો મોટો થાય છે, પરંતુ એ આમ લોકોના જીવના ભોગે નથી થતો. નાગરિકોના જાન-માલની રક્ષા ત્યાંની સરકારો માટે પહેલી પ્રાથમિકતા હોય છે અને લોકો સરકાર પાસે એનો જવાબ માગી શકે છે. માત્ર ભારત જેવા થર્ડ વર્લ્ડના દેશોમાં જ ભયાનકમાં ભયાનક દુર્ઘટનાઓમાં સરકારોના પેટનું પાણી નથી હાલતું.

ભારતમાં રોડ-રસ્તા અને પુલનું નિર્માણ દરેક સ્તરે દૂઝણી ગાય જેવું છે. એકદમ પાયાની કહેવાય એવી આ જરૂરિયાતોમાં પણ છ પ્રકારના લોકો તેમનાં નાણાકીય હિતો સાધતા હોય છે; રાજકારણીઓ, બાંધકામ વિભાગ, પ્રોજેક્ટના ઇજનેરો, રોડ જ્યાં બંધાતો હોય ત્યાંના સ્થાનિક લોકો, બાંધકામ કરનારી કંપની અને તેના કર્મચારીઓ.

આપણા શહેરમાં આપણે રોડની જે દશા જોઈએ છીએ એના માટે આ છ લોકો જવાબદાર છે, કારણ કે રોડ બનાવવાના વિચારથી શરૂ કરીને એને પૂરો કરવાની પ્રક્રિયા સુધી અલગ-અલગ સ્તરે સંડોવાયેલા લોકો આ કામને ‘માથાનો દુઃખાવો’ ગણે છે અને ‘ગમે-તેમ’ કરીને એ પતે અને જાન છૂટે એની રાહ જોતા હોય છે. ઉપરથી નીચે સુધીની આવી માનસિકતામાં આપણને, સારો કે ખરાબ, રોડ કે પુલ મળે છે એ જ એક મોટો ચમત્કાર છે.

ગયા એપ્રિલ મહિનામાં બિહારમાં ગંગા પરનો નિર્માણાધીન પુલ તૂટી પડ્યો ત્યારે રોડ પરિવહન અને ટ્રાન્સપોર્ટપ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે, ‘આપણી પાસે એવી વ્યવસ્થા નથી જે પુલની આયુમર્યાદા કે ટકાઉપણું નક્કી કરી શકે. આપણે અત્યાર સુધી આ ક્ષમતા હાંસલ કરી શક્યા નથી.’ આ બતાવે છે કે આટલાં વર્ષોમાં આપણે કેટલું દુર્લક્ષ્ય સેવ્યું છે અને કેવી રીતે બેજવાબદાર સિસ્ટમ પેદા થઈ છે. બિહારની એ જ હોનારત બાબતે ગડકરીએ તેમના સચિવને પૂછ્યું, તો બાબુએ જવાબ આપ્યો હતો કે જોરથી પવન અને ઘેરું ધુમ્મસ આવ્યું એટલે પુલ તૂટી ગયો. પ્રધાનજીએ બાબુને કહ્યું હતું, ‘તમે આઇએસએસ ઑફિસર છો છતાં આવી વાતો કરો છો? પવનથી પુલ તૂટતો હોય?’

ખાટલે મોટી ખોડ એ છે કે રોડ-રસ્તા અને પુલમાં રાજકારણીઓના જ રસ અને હેતુ વધુ હોય છે એટલે તેમાં પ્રોફેશનલ ક્ષમતા વિકસી શકી નથી. પશ્ચિમમાં તમે રાજકારણીઓને પુલોના ઉદ્ઘાટન કરતા જોયા છે?

૨૦૧૮માં, વારાણસીમાં એક ફ્લાયઓવર તૂટી પડ્યો એમાં 18 લોકોનાં મોત થયાં હતાં. એ વખતે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે યુપી સ્ટેટ બ્રિજ કૉર્પોરેશનના ભૂતપૂર્વ મૅનેજિંગ ડિરેક્ટર રાજન મિત્તલ સહિત છ લોકો સામે પગલાં ભરવાનો આદેશ કર્યો હતો. ૨૦૧૬માં, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે પીડબ્લ્યુડી વિભાગનો હવાલો સંભાળ્યો હતો, ત્યારે તેમણે આ જ મિત્તલને પાણીચું પકડાવી દીધું હતું. કેમ? કારણ કે તેઓ અખિલેશના કાકા અને વિરોધી શિવપાલ યાદવના ‘ખાસ’ મનાતા હતા. શિવપાલને પણ ત્યારે પ્રધાનમંડળમાંથી પડતા મૂકવામાં આવ્યા હતા. ૨૦૧૭માં, ભાજપ સત્તામાં આવ્યો, ત્યારે મિત્તલની એમડી તરીકે વાપસી થઈ હતી. આ વખતે તેઓ પીડબ્લ્યુડીપ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યના ‘ખાસ’ હતા.

મોરબી હોનારતમાં જે નીચલા સ્તરના લોકોને પકડવામાં આવ્યા હતા, એમાં આ બ્રિજનું સંચાલન કરતી ‘ઓરેવા’ કંપનીના એક મૅનેજરે સ્થાનિક કોર્ટમાં નિવેદન આપ્યું હતું કે કંપનીએ તો ખૂબ કામ કર્યું હતું, પણ આ દુર્ઘટના ઈશ્વરની ઇચ્છા હશે એટલે બની હશે.

વધતાઓછા અંશે, દેશનાં તમામ પાટનગરોમાં આવી જ રીતે ‘ઈશ્વર’ની ઇચ્છાઓ પ્રમાણે થાય છે. આને જ ભગવાનના ભરોસે જીવવાનું કહે છે.

લાસ્ટ લાઇન
‘સત્તા માણસને ભ્રષ્ટ નથી બનાવતી; મૂર્ખાઓ જ્યારે સત્તામાં આવે ત્યારે સત્તા ભ્રષ્ટ થાય છે.’- જ્યૉર્જ બર્નાર્ડ શૉ, ઇંગ્લિશ નાટ્યકાર

columnists raj goswami