મૉન્સૂન અને મુંબઈ : સડકો પર ભરાતું પાણી કોની દેન, કોનું પાપ અને કોની બલિહારી?

18 June, 2022 10:30 AM IST  |  Mumbai | Manoj Joshi

આગળ કહ્યું એમ, આ વિષય પર ખરેખર તપાસ સોંપવાનો આદેશ આપવાની જરૂર છે. દરેક વખતે એકનાં એક કારણ હોય એવું ક્યારેય બને જ નહીં અને સરકાર ક્યારેય એ સ્તરે નીંભર હોતી નથી.

તસવીર સૌજન્ય મિડ-ડે

મૉન્સૂન હોય અને મુંબઈમાં પાણી ન ભરાય એવું કઈ રીતે બની શકે, એવી કલ્પના પણ કેવી રીતે કરી શકાય? પાણી, મૉન્સૂન અને મુંબઈ વચ્ચે તો ઘનિષ્ઠ સંબંધ છે અને આ સંબંધના દાવે તો આજે પણ મુંબઈકર પોતાની તમામ હાડમારી વચ્ચે પણ એકધારો કામ કરતો અને ભાગતો રહે છે, પણ પ્રશ્ન એ છે કે મૉન્સૂન દરમ્યાન મુંબઈમાં પાણી શું કામ ભરાય છે અને આ પ્રશ્નનો અંત કેમ નથી આવતો? આ ખરેખર તપાસનો મુદ્દો છે અને એની તપાસ થવી જ જોઈએ. જો હાઇટાઇડનો દિવસ હોય તો સમજાય કે દરિયો પાણી લેવાને બદલે પાણી ફેંકવાનું કામ કરે અને શહેર જાણે નદીની વચ્ચે હોય એવું વાતાવરણ ઊભું થાય, પણ હાઇટાઇડ ન હોય અને દરિયો પાણી સમાવતો હોય તો પણ કેવી રીતે આ શહેરમાં પાણી ભરાય છે. આગળ કહ્યું એમ, આ વિષય પર ખરેખર તપાસ સોંપવાનો આદેશ આપવાની જરૂર છે. દરેક વખતે એકનાં એક કારણ હોય એવું ક્યારેય બને જ નહીં અને સરકાર ક્યારેય એ સ્તરે નીંભર હોતી નથી. મત માટે પણ કામ કરવું જરૂરી હોય છે અને અહીં તો, મુંબઈમાં તો સરકારે ઍક્ટિવ થઈને કામ કર્યું પણ છે, યોજનાઓ પણ જાહેર થઈ હતી અને એ યોજના મુજબ કામ શરૂ કરવાની જાહેરાતો પણ થઈ હતી, છતાં પ્રશ્ન અકબંધ રહ્યો છે, યથાવત્ રહ્યો છે, કારણ શું?
શું વેધર ડિપાર્ટમેન્ટને ગણકારવામાં નથી આવતો? જો એવું હોય તો એને માટે તમારે ફરિયાદ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટને કરવાની રહે, પાણી ભરાવાની જે સમસ્યા છે એ સમસ્યાને અને વેધર ડિપાર્ટમેન્ટને કોઈ નિસબત નથી. પાણી ભરાય છે અને એ સ્તરે પાણી આ શહેરમાં ભરાય છે કે તમારું દિમાગ કામ ન કરે. વિલે પાર્લે અને જુહુ તો મુંબઈના પૉશ એરિયામાં લેખાય છે. બાંદરા અને ખાર પણ એવા જ વિસ્તાર છે અને આ વિસ્તારમાં પણ પાણી ભરાતું રહે છે. મધ્યમવર્ગીય એવી ફરિયાદ કરતા રહે છે કે પૉશ વિસ્તારમાં તકલીફ નથી હોતી, પણ આ વિસ્તારો એવી જ તકલીફ ભોગવે છે જે તકલીફ નાના અને મધ્યમવર્ગના વિસ્તારોમાં દેખાય છે. કારણ શું? છેલ્લાં દસ વર્ષમાં ચાર યોજનાઓ એવી જાહેર કરવામાં આવી જેને અમલમાં મૂકીને મુંબઈને આ બ્લૉકેજ વૉટરની તકલીફમાંથી બહાર કાઢવાનું હતું. એ યોજના માટે ફાળવવામાં આવેલી રકમ પણ હજારો-કરોડમાં હતી અને એ રકમમાંથી મોટા ભાગની રકમનો ખર્ચ પણ સરકારી ચોપડે દેખાડવામાં આવ્યો છે અને એમ છતાં આ પ્રશ્ન અત્યારે પણ હયાત છે, કહોને આ પ્રશ્ન હવે વિકરાળ બન્યો છે તો અને આ વિકરાળ પ્રશ્ન સામે એક નાનકડો પ્રશ્ન એ જન્મે કે શું કામ, ક્યાં ગયા ફાળવવામાં આવેલા એ રૂપિયા અને ક્યાં ગઈ એ સુવિધા? બહાનાંઓ સિવાય બીજી કોઈ વાત નથી અને હકીકત તો એ જ છે કે આ જ વારસો આપણને મળ્યો છે. કૉન્ગ્રેસ અને રાષ્ટ્રવાદી શરદ પવારની કૉન્ગ્રેસના રાજમાં ચમકતી-ચળકતી મુંબઈની સામે આપણને ભીંજાયેલી, નીતરતી અને એકધારી ઓગળતી મુંબઈ મળી છે. મેટ્રોનું કામ ધમધોકાર ચાલે છે અને ચાલી રહેલા એ કામ વચ્ચે વરસતું આકાશ તકલીફ આપવાનું કામ કરી રહ્યું છે. વરસાદ જરૂરી છે, પણ એ વરસાદ સાથે આવતી તકલીફ માનવસર્જિત છે, અધિકારી દ્વારા નિર્મિત છે અને એ જરાય આવશ્યક નથી, એ પણ એટલું જ સાચું છે.

columnists manoj joshi