કૉલમ: પારિવારિક બિઝનેસમાં પ્રોફેશનલિઝમનું મહત્વ

05 May, 2019 01:36 PM IST  |  મુંબઈ | મની-પ્લાન્ટ - મુકેશ દેઢિયા

કૉલમ: પારિવારિક બિઝનેસમાં પ્રોફેશનલિઝમનું મહત્વ

ભારતમાં પારિવારિક માલિકીના બિઝનેસની પરંપરા પ્રાચીન સમયથી ચાલતી આવી છે. ખરું પૂછો તો, આ પ્રકારના બિઝનેસનો આપણા દેશમાં સમૃદ્ધ વારસો છે. સમય અને સંજોગો અનુસાર તેમાં પરિવર્તનો આવતાં ગયાં છે, પરંતુ આજે પણ ૯૦ ટકા કરતાં વધુ વેપાર-વાણિજ્ય પારિવારિક બિઝનેસ પાસે છે અને તેઓ તેને સંભાળતા આવ્યા છે.

પારિવારિક મૂલ્યો પરિવારની ગતિશીલતા, તેની ઓળખ, તેની સંસ્કૃતિ અને વારસો દર્શાવી આપે છે. પરિવારમાં બધા સાથે મળીને કેટલાંક મૂલ્યોનું જતન કરતા હોય છે. તેમાં વેપારનાં જોખમો, રોકાણ તથા વારસાની વહેંચણી જેવા અનેક મહત્વપૂર્ણ નિર્ણયો ભેગા મળીને લેવામાં આવતા હોય છે. કુટુંબના દરેક સભ્યનું તેમાં મહત્વ હોય છે અને નિર્ણયમાં હિસ્સો હોય છે.

આજે પણ પારિવારિક બિઝનેસનું મૂલ્ય અને મહત્વ તથા તેમાં રહેલી સંભાવનાઓ ઘણા મોટા પ્રમાણમાં છે, પરંતુ વખત જતાં તેમાં ઘસારો લાગી રહ્યો હોવાનું દેખાય છે.

૭૦ ટકા કરતાં વધુ બિઝનેસ બીજી પેઢી સુધી આગળ વધી શકતા નથી. બાકીના ૩૦ ટકામાંથી ફક્ત ૧૨ ટકા બિઝનેસ ત્રીજી પેઢી સુધી આગળ વધે છે.

એ ૧૨ ટકામાંથી ફક્ત ૪ ટકા બિઝનેસ ચોથી પેઢી સુધી વધી શકે છે. આવું કેમ? આટલું સક્ષમ માળખું કેમ લાંબું ટકી શકતું નથી? બિઝનેસને લગતું વાતાવરણ સાનુકૂળ હોવા છતાં અને વિકાસની પૂરતી તકો હોવા છતાં અનેક મર્યાદાઓ નડે છે. વ્યવહાર-વર્તનની એ મર્યાદાઓ હોય છે. જે બિઝનેસના વડીલ આગેવાનો સહકાર કરવા તૈયાર હોવા છતાં તેમને એ મર્યાદાઓ નડતી હોય છે.

પારિવારિક બિઝનેસને પારિવારિક વારસો બનાવવા માટે દૂરદૃષ્ટિ, આયોજન અને તૈયારીઓની જરૂર હોય છે. દરેક ફૅમિલી બિઝનેસના પોતપોતાના વિશેષ પ્રશ્નો હોય છે તથા વારસાની સોંપણી કરવા માટેના કેટલાક વ્યૂહ બધાને લાગુ પડે એવા હોય છે. અહીં આપણે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓની ચર્ચા કરીએ:

પ્રોફેશનલિઝમ:

પરિવારોમાં તો લાગણીઓના જ સંબંધો હોય એ દેખીતી વાત છે, પરંતુ બિઝનેસમાં આર્થિક બાબતોને મહત્વ આપવાનું હોય છે. આથી જ પારિવારિક બિઝનેસમાં લાગણીઓની સાથે સાથે આર્થિક બાબતોનું પણ ધ્યાન રાખવું પડતું હોય છે. આથી તેમને સંભાળવાનું ઘણું નાજુક બની જાય છે.

પરિવારના મોભી ઘણી વાર જેને પારિવારિક વારસો માની લેતા હોય છે એ ખરેખર તો પોતાનો અંગત વારસો હોય છે. આવા સંજોગોમાં મોભી જતા રહે ત્યારે બિઝનેસ પણ પડી ભાંગે છે. આવા બિઝનેસને વારસો કહેવાય કે લાયેબિલિટી કહેવાય? પરિવાર સંચાલિત બિઝનેસમાં ઘણી વાર આન્ત્રપ્રેન્યોરશિપ અને વહીવટ વચ્ચેના તફાવતને પરિવારના લોકો સમજી શકતા નથી.

બિઝનેસ પ્રારંભિક અવસ્થામાં હોય ત્યારે માલિકનો જુસ્સો, તેની શક્તિ અને બિઝનેસને આગળ વધારવા માટેનું તેનું ઝનૂન ઘણો મોટો ભાગ ભજવે છે, પરંતુ બિઝનેસ વિકસી ગયા બાદ પરિવારોએ તેને વધુ આગળ વધારવા માટે વહીવટ એટલે કે મૅનેજમેન્ટનો ખયાલ રાખવો જરૂરી બને છે.

સામાન્ય રીતે સ્થાપકો પોતાના વફાદારોની મદદથી બિઝનેસનું સંચાલન કરતા હોય છે. એ સંબંધો ઘણી વાર બાળપણથી બંધાયેલા હોય છે. સ્થાપકના કહ્યા પ્રમાણે ચાલતી પેઢીઓમાં તેમનું નિયંત્રણ અને તેમની પકડ ટકાવી રાખવાનું મુશ્કેલ બની જાય છે. નવી પેઢી બિઝનેસમાં આવે ત્યારે પ્રોફેશનલિઝમ અનિવાર્ય જરૂરિયાત બની જાય છે.

અનેક પેઢીઓથી ચાલતા આવેલા અમુક બિઝનેસમાં પ્રોફેશનલિઝમનો ઉપયોગ થઈ શકે એવી સ્થિતિ નિર્માણ કરવાનું મુશ્કેલ બની જાય છે.

આ પણ વાંચો : શું હંમેશાં સારું પરિણામ લાવવાનું શક્ય હોય છે?

પ્રોફેશનલ્સનો ઉપયોગ કરવાનું આવે ત્યારે તેમને તેમની જવાબદારી સ્પક્ટરૂપે સમજાવવી જરૂરી બને છે. તેની સાથે જ તેમના પ્લાનનો અમલ કરવા માટે તેમને પૂરતી મોકળાશ અને સ્વતંત્રતા આપવી આવશ્યક હોય છે.

પ્રોફેશનલ મૅનેજમેન્ટ ટીમ વિકસાવવાથી કૉર્પોરેટ સુવહીવટ મજબૂત બને છે, કાર્યપ્રણાલીઓ સુધરે છે, નિર્ણયો તટસ્થપણે લઈ શકાય છે અને ટેક્નિકલ કૌશલ્યનો ઉપયોગ કરવાનું શક્ય બને છે તથા નવસર્જનને સ્થાન મળે છે.

આવતા વખતે આપણે પારિવારિક બિઝનેસમાં સંવાદ, સુવહીવટ તથા અનુગામીની વરણીના મુદ્દાઓની ચર્ચા કરીશું.

columnists