દેશમાં ગાંડાઓની સંખ્યા કેટલી? તમને ગૂગલમાં આનો જવાબ નથી મળવાનો

17 April, 2024 07:46 AM IST  |  Mumbai | Jayesh Chitalia

મોબાઇલ એક ખતરનાક માનસિક રોગ બની ગયો છે એની સમાજને ખબર પડે કે સમજાય એ પહેલાં એ મહારોગ બની ગયો છે.

પ્રતીકાત્મક તસવીર

એક વાર બાદશાહ અકબરે બિરબલને પૂછયું હતું કે આપણા રાજ્યમાં કાગડા કેટલા છે અને બિરબલે એનો તરત જવાબ શું અને કયા આધારે આપ્યો હતો એ બચ્ચા-બચ્ચા જાનતા હૈ. 
બસ આજ આધાર લઈને અમારે કહેવું છે કે આપણા દેશમાં અંદાજિત ૮૦ કરોડ  જેટલા લોકો પાસે મોબાઇલ ફોન છે. એમાંથી  ૬૦ કરોડ લોકો ગાંડા થઈ ગયા છે અથવા થઈ રહ્યા છે. તમે કહેશો આ ૬૦ કરોડના આંકડાનો આધાર શું? તો બસ, બિરબલના જવાબને યાદ કરી લો. જો એ ગાંડા ૬૦ કરોડથી વધુ નીકળે તો એટલા વધી ગયા સમજવા અને ઓછા નીકળે તો એટલા ડાહ્યા થઈ ગયા સમજવા.

દિવસ અને રાતનો મહત્તમ સમય મોબાઇલ પર વિતાવતા લોકો માટે આ હળવી મજાક કહો તો મજાક અને ચેતવણી કહો તો ચેતવણી સમજો. બહુ નજીકના ભવિષ્યમાં મોબાઇલના ઍડિક્શનમાંથી છોડાવવાનાં ​ક્લિનિક શરૂ થવાની શક્યતા સતત વધી રહી છે. સાઇકૉલૉજિસ્ટ પાસે આવા કેસો હવે પછી વધતા રહેવાના છે, કારણ કે મોબાઇલ નામનું રમકડું નાના-મોટા (બાળકો, યુવાનો, વરિષ્ઠ નાગરિકો) દરેક માટે વ્યસન બની ગયું છે. એના દ્વારા વાતો કરવી, સમાચારો, વિડિયો જોવા કે ફિલ્મો અથવા બીજું આડુંઅવળું જોવું એ એટલું બધું સહજ થઈ ગયું છે કે આમ ન કરે તો દરેકને દિવસ જાણે ખાલી-ખાલી ગયો હોવાનું લાગે છે. 

સોશ્યલ મીડિયાનાં તમામ માધ્યમોએ (નામ આપવાની જરૂર નથી) માણસોને ઘેરીને લિટરલી હિપ્નોટાઇઝ કરી લીધા છે. મોબાઇલ એક ખતરનાક માનસિક રોગ બની ગયો છે એની સમાજને ખબર પડે કે સમજાય એ પહેલાં એ મહારોગ બની ગયો છે. માણસ જેને જોયા વગર રહી જ ન શકે એવી રીતે એમાં કન્ટેન્ટ્સનું આક્રમણ ઠલવાઈ રહ્યું છે. માણસે મોબાઇલ પોતાના ઉપયોગ માટે લીધો અને હવે મોબાઇલ મારફત માણસોનો ઉપયોગ કરવાની એક જબરદસ્ત રમત ગ્લોબલ સ્તરે ચાલી રહી છે અને સતત વધતી રહી છે. અલબત્ત, મોબાઇલની ખરી ઉપયોગિતા સામે સવાલ ન ઉઠાવવો જોઈએ, પરંતુ એનો ઉપયોગ કરતાં દુરુપયોગ ચરમસીમાએ પહોંચી ગયો છે. 

દુનિયા મેરી મુઠ્ઠી મેંનો સંદેશ આપતા મોબાઇલે માણસને પોતાની મુઠ્ઠીમાં કરી લીધો છે. હવે દરેક જણ વિચારે કે તેઓ પોતે કઈ યાદીમાં છે, ગાંડાની કે ડાહ્યાની? 

columnists life and style