ભારતીય નાગરિકતા અધિનિયમ - જોગવાઈઓ, સુધારો અને વિવાદ

22 April, 2019 09:50 AM IST  |  | બંધારણના બારણેથી - મિતેષ સોલંકી બંધારણના નિષ્ણાત

ભારતીય નાગરિકતા અધિનિયમ - જોગવાઈઓ, સુધારો અને વિવાદ

પ્રતીકાત્મક તસવીર

નાગરિકતા મારી દૃષ્ટિએ ભારતરતથી પણ વિશેષ દરજ્જો ધરાવે છે, કારણ કે નાગરિકતા એટલે દેશ દ્વારા આપવામાં આવતી રાષ્ટ્રીય ઓળખ. જો કોઈ વ્યક્તિની નાગરિકતા છીનવી લેવામાં આવે તો વ્યક્તિ દેશના નાગરિક તરીકેના કોઈ પણ લાભ લઈ શકે નહીં, જેમ કે વ્યક્તિનો જન્મનો દાખલો ન બને, આધાર કાર્ડ ન બને, રૅશનિંગ કાર્ડમાં નામ જોવા ન મળે, મતદારપત્ર ન બને, ચૂંટણી ન લડી શકે, મત ન આપી શકે, સરકારી નોકરી ન મેળવી શકે વગેરે વગેરે. ટૂંકમાં કહીએ તો, જો નાગરિકતા ન હોય તો વ્યક્તિ દેશની ધરતી પર હરતા-ફરતા એક જૈવિક બોજથી વિશેષ કશું નથી.

બંધારણના ભાગ-બેમાં (આર્ટિકલ-પાંચથી ૧૧) નાગરિકતા અંગે જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ હાલમાં નાગરિકતા મેળવવા માટે ભારતીય નાગરિકતા અધિનિયમ-૧૯૫૫ની જોગવાઈઓનું પાલન કરવું જરૂરી છે. શું છે આ અધિનિયમ અને હાલમાં એ શા માટે ચર્ચામાં છે? ઉપરોક્ત અધિનિયમમાં ભારતીય નાગરિકતા મેળવવાના પાંચ વિકલ્પ આપવામાં આવ્યા છે : (૧) જન્મ દ્વારા (૨) વંશ દ્વારા (૩) નોંધણી દ્વારા (૪) દેશીકરણ દ્વારા અને (૫) પ્રદેશ ઉમેરવાથી.

નાગરિકતા અધિનિયમમાં સુધારો કરવા અંગેનું એક બિલ ૨૦૧૬ની ૧૯ જુલાઈએ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ ૨૦૧૬ની ૧૨ ઑગસ્ટે સંયુક્ત સંસદીય સમિતિને સોંપવામાં આવ્યું હતું. ૨૦૧૯ની ૭ જાન્યુઆરીએ સમિતિએ પોતાનો અહેવાલ સંસદને સોંપ્યો. સંસદીય સમિતિનો અહેવાલ રજૂ થયા બાદ ઉપરોક્ત બિલ લોકસભામાંથી પસાર પણ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ રાજ્યસભા દ્વારા આ બિલ પસાર કરવામાં ન આવતાં એ રદ થઈ ગયું.

બિલ કઈ બાબતનું હતું?

સરકાર દ્વારા પ્રસ્તાવિત બિલ અંતર્ગત ૨૦૧૪ની ૩૧ ડિસેમ્બર પહેલાં અફઘાનિસ્તાન, બાંગલાદેશ અને પાકિસ્તાનથી ગેરકાયદેસર રીતે ભારતમાં આવેલા હિન્દુ, સિખ, પારસી, જૈન, બૌદ્ધ અને ખ્રિસ્તી (શરણાર્થી) લોકોને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી. ઉપરોક્ત જાતિના લોકો દર્શાવેલા ત્રણ દેશમાં લઘુમતી ઉત્પીડનનો શિકાર હોવાથી તેમને ભારતીય નાગરિકતા આપવી જોઈએ એવો સરકારનો દૃષ્ટિકોણ હતો.

શા માટે આ બિલ ચર્ચામાં છે?

બંધારણીય રીતે સમાનતાના અધિકાર અંતર્ગત ભારતના તેમ જ વિદેશી નાગરિકો સાથે રાજ્ય સમાન રીતે વર્તન કરશે એની બાંયધરી આપવામાં આવી છે. ખાસ કરીને આર્ટિકલ-૧૫ સ્પક્ટ કરે છે કે રાજ્ય ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા જન્મસ્થળના આધારે વ્યક્તિ સાથે ભેદભાવ કરશે નહીં. વાજબી ધ્યેયને પામવા માટે તાર્કિક અને વ્યાજબી રીતે સકારાત્મક વર્ગીકરણ કરી શકે છે, પરંતુ અહીં તો વર્ગીકરણ માત્ર ધર્મના આધારે કરવામાં આવી રહ્યું છે જે ક્યાંક ને ક્યાંક બંધારણની પાયાની દાર્શનિકતા-બિનસાંપ્રદાયિકતાનો ભંગ કરે છે.

આ સુધારા અંતર્ગત ઉપર દર્શાવેલ ૬ ધાર્મિક લઘુમતીને અફઘાનિસ્તાન, બાંગલાદેશ અને પાકિસ્તાનથી બિનકાયદેસર રીતે આવ્યા હોવા છતાં ભારતીય નાગરિકતા મળશે, પરંતુ મુસ્લિમ તેમ જ અન્ય જાતિ (જેમ કે યહૂદી, શિયા, અહમદિયા) અને નાસ્તિક લોકોને ભારતીય નાગરિકતા મળી શકશે નહીં.

આ બિલનો ખાસ કરીને આસામ રાજ્ય દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જ્યાં તાજેતરમાં એનઆરસી (નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન) અંતર્ગત લગભગ ૪૦ લાખ લોકોને નાગરિકતા ન આપવામાં આવી. વાચકમિત્રો જાણતા જ હશે કે થોડા સમય પહેલાં રોહિંગ્યા મુસ્લિમોને જરૂરી પુરાવા કે દસ્તાવેજના અભાવે ભારતીય નાગરિકતા આપવામાં નહોતી આવી. વિવાદનું મુખ્ય કારણ અહીં જોવા મળે છે, કારણ કે એક તરફ એનઆરસી અંતર્ગત જરૂરી દસ્તાવેજના આધારે જ નાગરિકતા આપવાની વાત છે (ધર્મના આધારે નહીં), જ્યારે સરકારના પ્રસ્તાવિત બિલ અંતર્ગત માત્ર ધર્મના આધારે નાગરિકતા આપવાની વાત છે જે એકબીજા માટે વિરોધાભાસી છે.

વળી પ્રસ્તાવિત બિલ ૨૦૧૪ની ૩૧ ડિસેમ્બર પહેલાં ભારતમાં શરણાર્થી તરીકે વસતા (દર્શાવેલ ૬ જાતિઓ) લોકોને નાગરિકતા આપવાને મંજૂરી આપે છે અને ૧૯૮૫માં થયેલી આસામ સંધિ અંતર્ગત ૧૯૭૧ની ૨૪ માર્ચ પછી આસામમાં વસવાટ કરતા લોકોને ગેરકાયદે ઘોષિત કર્યા છે. જો કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત બિલ પસાર થઈ જાય તો એનઆરસી માટે થયેલી સંધિનો પણ ભંગ થાય છે. આસામમાં ગેરકાયદે રહેતા લોકોના ૬ કૅમ્પ છે જેમાં હિન્દુ અને મુસ્લિમ જાતિના પણ કૅમ્પ છે. જો આ સુધારો પસાર થઈ જાય તો ગેરકાયદે રીતે વસતા હિન્દુઓને પણ નાગરિકતા મળી જાય.

ઉપરોક્ત તમામ મુદ્દાઓના અંતે જોઈએ તો આસામ (તથા અન્ય ઉત્તર-પૂવર્‍નાં રાજ્યો)માં જનસંખ્યામાં ખૂબ મોટો વધારો થાય અને પરિણામે રાજ્યને મળેલાં કુદરતી સંસાધનો પર ભારણ તેમ જ વપરાશ વધી જાય તેમ જ સ્થાનિક કે મૂળ વતનીઓની બહારથી પ્રવેશેલા લોકો સાથે રોજગારી, આર્થિક તક અને સંસાધનોના અધિકાર બાબતે સ્પર્ધા વધી જાય.

સરકારનો પક્ષ શું છે?

સરકારના મત મુજબ ઉપર દર્શાવેલ ૬ જાતિઓ અફઘાનિસ્તાન, બંગલા દેશ અને પાકિસ્તાનમાં લઘુમતીમાં આવે છે તથા ત્યાં તેમની સાથે દુવ્ર્યવહાર થતો હોવાથી ભારતીય નાગરિકતા આપવા ઇચ્છે છે જેથી તેમને ન્યાય મળે, પરંતુ સરકારના પ્રસ્તાવમાં પાડોશી દેશોમાં રહેતા અહમદિયા અને શિયા સંપ્રદાય જેઓ પણ લઘુમતીમાં આવે છે ત્યાં તેમનું પણ ઉત્પીડન થઈ રહ્યું છે એનો કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી એથી સરકાર સમાનતાનો જે દાવો કરે છે એ ક્યાંક શંકાના ઘેરામાં આવી જાય છે.

આ ઉપરાંત માત્ર અફઘાનિસ્તાન, બંગલા દેશ અને પાકિસ્તાનમાંથી આવેલા શરણાર્થીઓને જ કેમ નાગરિકતા આપવાની વાત કરે છે? જો સમાનતાની જ વાત હોય તો મ્યાનમારના રોહિંગ્યા મુસ્લિમો પણ લઘુમતી ઉત્પીડનનો શિકાર બન્યા છે તો તેમને કેમ આ સુધારામાં સમાવવામાં નથી આવ્યા? એથી ક્યાંક ને ક્યાંક સરકાર ચોક્કસ સમુદાય કે જાતિને નાગરિકતા નથી આપવા ઇચ્છતી એવો એક ભાવ જોવા મળે છે.

અન્ય કેટલીક બાબતો પણ વિવાદમાં જોવા મળે છે, જેમ કે મૂળ નાગરિકતા અધિનિયમ પ્રમાણે શરણાર્થી વ્યક્તિ ભારતમાં ૧૧ વર્ષથી રહેતી હોય તો તેને ભારતીય નાગરિકતા મળી શકે, પરંતુ નવા સુધારા અંતર્ગત સમયમર્યાદા ઘટાડીને ૬ વર્ષનો વસવાટ કરી દેવાની જોગવાઈ કરવામાં આવી છે એના પરિણામે ગેરકાયદે રીતે રહેતા ઘણા મોટા વર્ગને નાગરિકતા મેળવવી સહેલી થઈ પડશે. અહીં સમયમર્યાદા ઘટાડવી એ એકમાત્ર મુદ્દો જ નથી, પરંતુ શરણાર્થી પાસે જો જરૂરી પુરાવા કે દસ્તાવેજ નહીં હોય તો પણ તેમને ભારતીય નાગરિકતા આપવાની રજૂઆત સુધારામાં કરવામાં આવી છે. જ્યારે મૂળ કાયદામાં જો વ્યક્તિ પાસે જરૂરી દસ્તાવેજ ન હોય તેને ગેરકાયદે શરણાર્થી ગણવામાં આવે છે.

આ પણ વાંચોઃ કૉલમ : દેશદ્રોહ કે રાજદ્રોહ... નક્કી કેવી રીતે થાય?

ટૂંકમાં ઉપરોક્ત બિલને રાજ્યસભામાં અટકાવી દેવા પાછળના મુખ્ય તર્કમાં સમાનતાના અધિકારનો ભંગ, ધર્મ આધારિત નાગરિકતા આપીને બિનસાંપ્રદાયિકતાના પાયાના લક્ષણનો ભંગ, માત્ર અફઘાનિસ્૦તાન, બંગલા દેશ અને પાકિસ્તાનમાંથી જ આવેલા શરણાર્થીને નાગરિકતા આપવાની જોગવાઈ અને અન્ય પાડોશી રાષ્ટ્રો જ્યાં લઘુમતી ઉત્પીડનનો શિકાર બનતા લોકોને અવગણવા (જેમ કે રોહિંગ્યા મુસ્લિમો) તેમ જ એનઆરસીની શરતો કે જોગવાઈઓ સાથે જોવા મળતું કાયદાકીય ઘર્ષણ વગેરે કહી શકાય.

મિનીકટ : ડ્રાફ્ટ એનસીઆરમાં જેમના નામનો સમાવેશ નથી થયો એવા આસામના લોકોને સુપ્રીમ ર્કોટે આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાનનો અધિકાર આપવા વિશે આદેશ આપ્યો છે.

columnists