કૉન્ગ્રેસના ખરતા કાંગરા ભૂલો અને ભવિષ્ય

19 July, 2020 10:22 PM IST  |  Mumbai | Raj Goswami

કૉન્ગ્રેસના ખરતા કાંગરા ભૂલો અને ભવિષ્ય

કૉન્ગ્રેસમાં શિસ્તનું પુસ્તક ઊંધું થઈ ગયું છે અને યુવા નેતાઓ તેમની ઉતાવળમાં એના લીરેલીરા ઉડાડી રહ્યા છે. આ બધું અધ્યક્ષ સોનિયા અને રાહુલની નજર સામે થઈ રહ્યું છે. બન્ને વિવશતા સાથે પક્ષને વિસર્જનના ખાડામાં ઊતરતો જોઈ રહ્યાં છે. શિસ્તની જે ઈંટો કૉન્ગ્રેસની આ ઐતિહાસિક ઇમારતમાંથી ઉખેડવામાં આવી રહી છે એની જવાબદારી ટોચની નેતાગીરીના માથે છે. નહીં તો યુવા નેતાઓની એવી કેવી હિંમત કે દેશની આ સૌથી જૂની પાર્ટીનો એક કાંકરો પણ હલાવી શકે

આધુનિક ભારતનું સર્જન કરનાર કૉન્ગ્રેસનું વિસર્જન જોવા જેવું છે. લોકસભામાં સતત પરાજયોનો સામનો કરનાર એક સદી જૂની આ પાર્ટીના ભાગે બચેલાં રાજ્યો પણ હાલકડોલક છે. પહેલાં મધ્ય પ્રદેશ ગયું અને હવે રાજસ્થાનમાં ઘમસાણ મચ્યું છે. મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન એકથી વધુ વખત બોલી ચૂક્યા છે કે બીજેપી સરકારને અસ્થિર કરવા મરણિયા પ્રયાસ કરી રહી છે.

નરેન્દ્ર મોદી ૨૦૧૪માં સરકારમાં આવ્યા હતા ત્યારે તેમણે ‘કૉન્ગ્રેસ મુક્ત ભારત’નો નારો આપ્યો હતો. મોદી સરકાર એ નારો સફળ કરવામાં એટલી કામિયાબ તો ન થઈ, પરંતુ તેમનું કામ ખુદ કૉન્ગ્રેસનું મોવડીમંડળ આસાન કરી રહ્યું છે. થોડા પાછળના ભૂતકાળમાં જઈને જુઓ તો ‘મોદીત્વ’થી રંગાયેલા ભારતમાં કેવી રીતે ગોઠવાવું એની ગડમથલમાં પડેલા કૉન્ગ્રેસના ‘વડીલો’ ગોવા, મણિપુર, અરુણાચલ પ્રદેશ થઈને કર્ણાટક, ગુજરાત અને મધ્ય પ્રદેશથી હાથ ધોઈ બેઠા છે. અમિત-અજિતની વહેલી સવારની ‘પાવર-ગેમ’માં મહારાષ્ટ્ર ‘બાલ-બાલ’ બચ્યું, અને હજી દેવેન્દ્ર ફડણવીસ મોં ફાડીને બેઠા જ છે, ત્યાં રાજસ્થાનમાં અશોક ગેહલોટ સચિન પાઇલટના હાથે ‘ચિત્ત’ થવાની કગાર પર આવી ગયા છે.

બીજેપી પણ ઇચ્છે છે કે વિરોધ પક્ષ એટલે કે કૉન્ગ્રેસ કોઈ રીતે મજબૂત સ્થિતિમાં ન રહે, જેથી તેમને કેન્દ્રમાં સરકાર ચલાવવામાં આસાની રહે. કોઈને એવો પ્રશ્ન થાય કે કૉન્ગ્રેસની હાલત આટલી ખરાબ છે અને ચૂંટણીઓ પર ચૂંટણીઓ હારે છે તો બીજેપીને ‘મરેલા મડદા’માં શું રસ હોય? એનું સૌથી મોટું અને એકમાત્ર કારણ એ છે કે પૂરા દેશમાં એકમાત્ર કૉન્ગ્રેસ જ છે, જે ક્યારેય બીજેપી સાથે કોઈ પણ મુદ્દે સમજૂતી નહીં કરે. બીજા તમામ વિરોધ પક્ષો સામ-દામ-દંડ કે ભેદનો દંડો ખાઈને બીજેપીને વખતોવખત વહાલા થતા રહેશે, કારણ કે એ તમામનો ‘હિસાબ-કિતાબ’ કેન્દ્ર સરકાર પાસે છે, પરંતુ એકમાત્ર કૉન્ગ્રેસ જ છે જે ગમે એવા આરોપ છતાં બીજેપી સાથે બંધબારણે હાથ નહીં મિલાવે અને સતત સરકારને સવાલ પૂછતી રહેશે. મોદી સરકારને આ બહુ સારી રીતે ખબર છે અને એટલે એને કૉન્ગ્રેસ તરફથી હંમેશાં ખતરો રહેવાનો.

એ જ કારણ છે કે ચાહે નીતિઓની વાત હોય, ઇતિહાસની વાત હોય કે રાજ્યોમાં કૉન્ગ્રેસની સરકારોની વાત હોય, બીજેપીની બંદૂક કૉન્ગ્રેસ પર તકાયેલી જ રહે છે. સામે કૉન્ગ્રેસની છાતી પણ એટલી બોદી થઈ રહી છે કે એ બંદૂકનું નાળચું વાગે તોય એ બેસી જાય. કૉન્ગ્રેસના મોવડીઓની ધૃતરાષ્ટ્ર જેવી ભૂમિકા છે. મધ્ય પ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ જ્યારે બાવીસ ધારાસભ્યોના જોરે અને બીજેપીના ખીલે કમલનાથ સામે બગાવત કરી ત્યારે મોવડીમંડળે એ જાણવાની કોશિશ કરી નહોતી કે મધ્ય પ્રદેશના ખાટલામાં ક્યાં ખોડ છે.

રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ જો સિંધિયા, કમલનાથ અને દિગ્વિજય સિંહને સાથે બેસાડીને દર્દને ઓળખવાની કોશિશ કરી હોત તો ખબર પડી હોત કે ત્રણેયને ક્યાં અને શું દુખે છે અને એની મલમપટ્ટી શું છે. ગાંધી સાથે સિંધિયાનો સંવાદ ન થયો એટલે જ નીચે ટાંપીને બેઠેલા બીજેપીએ ખાટલો ઊથલાવ્યો. રાજસ્થાનમાં પણ મધ્ય પ્રદેશનું જ પુનરાવર્તન થયું. સિંધિયાની જેમ જ સચિન કૉન્ગ્રેસની આગામી પેઢીનો યુવા સિતારો છે, તેને પણ સ્વતંત્ર રીતે ચમકવાની મહત્ત્વાકાંક્ષા હોય.

એ વાત સાચી કે મોદી-શાહ જેવા ચતુર શાસકો સામે ચડતા લોહીવાળા મુખ્ય પ્રધાનો એટલા ન ફાવે જેટલા કૉન્ગ્રેસના જૂના અને અનુભવી જોગીઓ ફાવે. રાજસ્થાનમાં પહેલા રાઉન્ડમાં અશોક ગેહલોટે કડક કાનૂની કાર્યવાહી કરીને સચિનનો જ નહીં, પણ બીજેપીના દિલ્હીસ્થિત રાજસ્થાનના કદાવર નેતા-મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતનો પણ શિકાર કર્યો. મહારાષ્ટ્રમાં પણ કૉન્ગ્રેસના ઘાટનું પાણી પીને મોટા થયેલા રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના સુપ્રીમો શરદ પાવરની કુનેહને કારણે જ ગઠબંધન સરકાર સત્તામાં આવી અને બીજેપીના ઘોંચપરોણા વચ્ચે પણ ચાલતી રહી છે, પરંતુ યુવા પેઢીના નેતાઓ મહત્ત્વાકાંક્ષાના માર્યા ઉતાવળા થાય એ પણ એટલું જ સહજ છે.

એટલે જ કૉન્ગ્રેસમાં શિસ્તનું પુસ્તક ઊંધું થઈ ગયું છે અને યુવા નેતાઓ તેમની ઉતાવળમાં એના લીરેલીરા ઉડાડી રહ્યા છે. આ બધું અધ્યક્ષ સોનિયા અને રાહુલની નજર સામે થઈ રહ્યું છે. બન્ને વિવશતા સાથે પક્ષને વિસર્જનના ખાડામાં ઊતરતો જોઈ રહ્યાં છે. શિસ્તની જે ઈંટો કૉન્ગ્રેસની આ ઐતિહાસિક ઇમારતમાંથી ઉખેડવામાં આવી રહી છે એની જવાબદારી ટોચની નેતાગીરીના માથે છે. નહીં તો યુવા નેતાઓની એવી કેવી હિંમત કે દેશની આ સૌથી જૂની પાર્ટીનો એક કાંકરો સુધ્ધાં હલાવી શકે. સત્તાની બેચેની એટલી હદ સુધી વધી ગઈ છે કે શિસ્ત અને સન્માનની સરેઆમ ઐસીતૈસી કરવામાં આવે છે.

આ સમસ્યા કૉન્ગ્રેસનું જ સર્જન છે. કૉન્ગ્રેસમાં ઘણી ગરબડ છે. નરેન્દ્ર મોદીના સ્ટીમ-રોલરે કૉન્ગ્રેસમાં નેતૃત્વની અને નીતિની કટોકટી ઊભી કરી છે. ૨૧મી સદીના ભારતના લોકોને અને ખાસ કરીને એના વિશાળ યુવા મતદારોને કેવી રીતે સાથે રાખવા એ કૉન્ગ્રેસની સૌથી મોટી ચૅલેન્જ છે. યુવા નેતાઓની ઉતાવળ અને અસલામતીનું કારણ એ છે કે કૉન્ગ્રેસના શીર્ષ નેતાઓને એ ખબર નથી પડતી કે કયા મુદ્દાઓ પર રાજીનીતિ કરવી અને કયા મુદ્દાઓની ઉપેક્ષા કરવી. કૉન્ગ્રેસ જે રીતે સામાન્ય જનતાની નજરમાં અવિશ્વસનીય થઈ રહી છે એનાથી વાકેફ યુવા નેતાઓને તેમનું ખુદનું ભવિષ્ય અંધકારમય દેખાઈ રહ્યું છે. સિંધિયાએ ઠેકડો માર્યો અને પાઇલટે સ્પ્રિંગ-બોર્ડ તૈયાર કર્યું. એની પાછળ આ અનિશ્ચિતતા કારણભૂત છે. એ બેની સાથે-સાથે સોશ્યલ મીડિયા મુંબઈના મિલિંદ દેવરાના હાલચાલ પણ વચ્ચે-વચ્ચે પૂછતું રહે છે.

કૉન્ગ્રેસ બે મોરચે માર ખાઈ રહી છે. ૨૦૧૪થી તેણે સત્તાનો સાથ ગુમાવ્યો છે અને ૨૦૧૯થી મજબૂત નેતૃત્વની ગેરહાજરી સામે અસંતોષ બહાર આવવા લાગ્યો છે. લોકસભાની છેલ્લી બે ચૂંટણીઓમાં કૉન્ગ્રેસની બેઠકોમાં મામૂલી વધારો થયો છે. ૨૦૧૪માં ૪૪ બેઠકો હતી એ ૨૦૧૯માં બાવન થઈ છે, પણ રાજ્યોમાં એનું કદ સંકોચાતું ગયું છે. ૨૦૧૪માં કૉન્ગ્રેસ પાસે ૧૩ રાજ્યો હતાં એ ૨૦૧૯માં ઘટીને પાંચ થઈ ગયાં; પંજાબ, રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડ, મહારાષ્ટ્ર અને કેન્દ્રશાસિત પૉન્ડિચેરી. રાહુલ ગાંધીના ખાસ મનાતા સિંધિયાને કારણે મધ્ય પ્રદેશ હજી હમણાં જ ગયું અને ત્યાં રાજસ્થાનમાં બખેડો થયો છે. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પણ ઘણુંબધું હાલકડોલક છે.

૨૦૧૯માં લોકસભામાં ધબડકો થયો એની જવાબદારી લઈને કૉન્ગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ હોદ્દા પરથી રાજીનામું આપતાં કહ્યું હતું કે ‘પક્ષની ભાવિ પ્રગતિ માટે ઉત્તરદાયિત્વ નિર્ણાયક બાબત છે.’ રાહુલે એવું પણ સૂચન કર્યું હતું કે શાસક પક્ષ સામે લડાયક મોરચો માંડવા અને કૉન્ગ્રેસના ખોવાયેલા સ્થાનને પાછું મેળવવા માટે પક્ષને અંદરથી નવા જોશથી ભરવો અનિવાર્ય છે. રાહુલની વાતથી એવી આશા જાગી હતી કે પક્ષમાં ધરખમ ફેરફાર આવી રહ્યા છે અને યુવા પેઢીના હાથમાં સુકાન આપવામાં આવશે, પણ એ આશા ઠગારી નીવડી અને અખિલ ભારતીય કૉન્ગ્રેસ કમિટીએ સોનિયામાં વિશ્વાસ પ્રગટ કરીને તેમને નવાં અધ્યક્ષ તરીકે ચૂંટ્યાં હતાં. એક વર્ષ થઈ ગયું, કૉન્ગ્રેસને નવજીવન બક્ષવા માટેની દિશામાં કોઈ કાર્યવાહી થતી દેખાતી નથી. રાજસ્થાનમાં આવેલી કટોકટી કદાચ ફરીથી રાહુલને મોરચા પર લાવે એવું લાગે છે.

 

 

 

એમાં કૉન્ગ્રેસનો પણ વાંક નથી. હકીકતમાં ભારતની રાજનીતિ વ્યક્તિકેન્દ્રિત રહી છે અને પક્ષનું સંગઠન એની આસપાસ મજબૂત થતું રહ્યું છે. ચાહે જવાહરલાલ નેહરુ હોય, ઇન્દિરા ગાંધી હોય, વાજપેયી અને અડવાણી હોય કે નરેન્દ્ર મોદી હોય, મતદારો અને કાર્યકરો કદાવર નેતાઓની આસપાસ જ વર્તુળ રચે છે. છેલ્લાં ૭૦ વર્ષથી કૉન્ગ્રેસનું તકદીર નેહરુ-ગાંધી અટક સાથે જોડાયેલું રહ્યું છે. અત્યાર સુધી એ તાકાત હતી અને હવે એ અવરોધ બની ગયું છે. ભાંગ્યું-ભાંગ્યું તોય ભરૂચ છે એનું કારણ ગાંધીપરિવાર છે. તેમના સિવાય બીજા કોઈના હાથમાં કમાન જાય તો રહ્યા-સહ્યા કાંકરા પણ ખરી પડે. બીજેપી ભલે અત્યારે ઊગતા સૂરજમાં થનગનતો હોય, પણ તેણેય નરેન્દ્ર મોદીના નામે એટલું મોટું સ્ટૅચ્યુ ઊભું કરી દીધું છે કે એના પડછાયામાં બીજા બધા વામણા થઈ ગયા છે. બીજેપીને પણ આ વ્યક્તિપૂજક પક્ષનો ભાર નડવાનો છે, પણ એ તો ભવિષ્યની વાત છે, અત્યારે તો એનો ઘોડો બરાબર હણહણે છે એટલે બધું બરાબર જ છે.

કૉન્ગ્રેસમાં હવે એ બાબત સપાટી પર આવી ગઈ છે કે એના યુવા નેતાઓ બેચેની અનુભવી રહ્યા છે અને રાજસ્થાનની કટોકટી હવે નેતાગીરીને ફરજ પાડશે કે યુવાઓને આગળ કરવામાં આવે. ગુજરાતમાં પટેલ અનામતના નેતા હાર્દિક પટેલની કાર્યકારી પ્રદેશ અધ્યક્ષપદે નિમણૂક એ દિશાનો સંકેત છે. રાજસ્થાનમાં સચિન પાઇલટને વાડામાં બાંધી રાખવામાં જો કૉન્ગ્રેસ સફળ થાય તો પાઇલટને તો મહત્ત્વનું વિમાન સોંપવામાં આવશે એ તો નિશ્ચિત છે, પણ સાથે-સાથે રાહુલનું પુનરાગમન પણ અનિવાર્ય છે.

columnists raj goswami congress