સાજન-સજની: સૂરજ સાયબો, હું સૂરજમુખી (પ્રકરણ-૫)

19 April, 2024 05:55 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

રિયા જમવાનો સાદ પાડે એ પહેલાં રૂમમાં પુરાઈને વિશ્વનાથે પોતાનો મૂવ વિચારી લીધો

ઇલસ્ટ્રેશન

વિક્રાન્તભાઈ લેણદારના ૫૦ કરોડ રૂપિયા ચાઉં કરી ગયેલા એ જાણીને સગુણાબહેન ડઘાયાં, સંયુક્તાબહેન તરફ કતરાયાં.

‘આન્ટીને દોષ દેવો નિરર્થક છે મા, તેઓ તો બિચારાં એ પણ જાણતાં નથી કે દીકરી હજીયે આતિફના સંપર્કમાં છે.’

‘આ...તિ...ફ...!’ સંયુક્તાબહેનની કીકી પહોળી થઈ. હાંફતા હૈયે દીકરીને નિહાળીઃ ‘તારી અસ્કયામત લૂંટી તને બ્લૅકમેઇલ કરનારા એ દુષ્ટથી માંડ તારો પીછો છોડાવ્યો, તને થાળે પાડવા હું આટલું મથું ને તું હજીયે તેના મોહમાં ભાન ભૂલી છે?’

‘ખરેખર તો માના શિસ્તબદ્ધ સંસ્કાર-સિંચનથી સોનલ કંટાળી હતી. આખરે એ તેનું મૂળભૂત લક્ષણ જ નહોતું. આ બાજુ આતિફનાંય ગજવાં ખાલી થયાં હશે એટલે માફીના નામે દાણો નાખી જોયો અને પંખી ફરી ફસાઈ ગયું. તે ક્યારેય આશ્લેષને પરણવાની જ નહોતી.’

સોનલનું સત્ય સગુણાબહેનને ડઘાવી ગયું.

‘વાહ રે બહેન!’ તેજસની જીભ સળવળી, ‘વેપારમાં મહેનત હું કરું ને તારે તારા યાર સાથે મળી બ્લૅકમેઇલના નામે મને લૂંટવો છે?’

ભાઈને સામું સંભળાવવા સોનલની જીભ સળવળી ત્યાં આશ્લેષે જ તેજસને સાણસામાં લીધો,

‘લૂંટફાટમાં તો તમેય ક્યાં ઊણા ઊતરો એમ છો તેજસભાઈ? તમારું તાંબળે સાથેનું કનેક્શન મારાથી છૂપું નથી.’

તેજસ ધ્રૂજ્યો. સંયુક્તાબહેનની પાંપણ ફરફરી, ‘આ તાંબળે કોણ છે ભાઈ?’

‘તેજસ અને કૉન્ટ્રૅક્ટ-કિલર વચ્ચેની કડી જેવો મિડલમૅન.’

‘કૉન્ટ્રૅક્ટ-કિલર!’

ડ્રગ-જુગારના બંધાણથી મુક્ત કરાવનાર માનો ગણ માનવાને બદલે દીકરો ઘર-વેપાર પર હક ધરાવનારી માને મારગમાંથી હટાવી ફરી એ જ રસ્તે જવા માગે છે જાણી સંયુક્તાબહેન પૂતળા જેવાં થઈ ગયાં. તેજસની નજર ઝૂકી ગઈ.

‘માને મારવા ભાડૂતી હત્યારાની ક્યારેય જરૂર નથી હોતી, પોતાના જણ્યાનું આ રૂપ જ તેને જીવતેજીવ મારવા માટે પૂરતું છે.’ સગુણાબહેને ડોક ધુણાવી, ‘હું તમારો વાંક નથી જોતી બહેન, તમે જે કર્યું મા તરીકે સંતાનના સુખ ખાતર કર્યું... પણ આસુ, આ બધું તેં કેમ જાણ્યું?’

‘મા, હું કોઈ સાથે પ્રણયબદ્ધ હોવા છતાં સોનલને એનો વાંધો નહોતો એ મને જરાતરા ખટક્યું હતું. આ તેનો ગુણ હશે કે પછી કોઈ મજબૂરી? આ સવાલે મને ઊંડા ઊતરવા પ્રેર્યો, ઝાઝા દિવસો નહોતા એટલે પછી પ્રાઇવેટ ડિટેક્ટિવને કામ સોંપતાં પરિણામ સામે છે.’

અને સંયુક્તાબહેનની ક્ષમા યાચી ગજવામાંથી ડિટેક્ટિવનું ડિટેઇલ્ડ રિપોર્ટનું કવર થમાવીને આશ્લેષે મા સાથે વિદાય લીધી.

સોનલ-તેજસ થથર્યાં ઃ ‘અમારો બદલાવ આભાસી હોવાનો પાકો પુરાવો પામીને મા અમને દરવાજો જ દેખાડશે કે બીજું કંઈ!’

આશ્લેષ-સગુણાબહેન નીકળ્યા બાદ ક્યાંય સુધી ઘરમાં સ્તબ્ધતા રહી અને પછી...

‘આ શું થઈ ગયું? આસુએ અગમચેતી વાપરીને ડિટેક્ટિવ પાસે તપાસ ન કરાવી હોત તો...’

ઘરે પરત થતાં સગુણાબહેનનો આઘાત ઓસર્યો નથી.

‘મા...’ આસુએ માને ઝબકાવ્યાં, ‘ખરેખર તો એક બાબત એવી છે જે આ રિપોર્ટમાં નથી...’ સોનલના પિતાએ જે લેણદારના રૂપિયા ખાધા એ મનોહરભાઈ ઊર્જાના પિતાજી.’

‘હેં!’

‘ઑલ સેટ ડાર્લિંગ...’

શનિની રાતે ઑફિસથી પરત થયેલા વિશ્વનાથ ફ્રેશ થઈને હૉલમાં આવ્યા એટલે રિયાએ ઉમળકાભેર પોતાની તૈયારી બતાવી ઃ ‘જુઓ આ ઑરેન્જ જૂસમાં તમે કહ્યા મુજબ ૧૫ પૅરાસિટામૉલ મિક્સ કરી રાખી છે (ખરેખર તો ૧૫ નહીં, ૩૦ નાખી છે. વિશ્વનાથ બચે એવો ચાન્સ શું કામ લેવો?) વૈભવને પણ કહી રાખ્યું છે કે આજે કદાચ લેટ શો જોવા જઈએ, તો તારે આવવું પડશે, કોઈ બીજું અસાઇનમેન્ટ રાખીશ નહીં.’

પત્નીને ધ્યાનથી સાંભળતા વિશ્વનાથે ડોક ધુણાવી ઃ ‘પોતે આત્મહત્યાનો કેવળ ડ્રામા કરવાનો હતો. પૅરાસિટામૉલની ગોળીનો ઓવરડોઝ લઈ લઉં છું એ પત્ની જોઈ જતાં રઘવાટભેર તે મને હૉસ્પિટલ પહોંચાડે એ મતલબના પ્લાનમાં હૉસ્પિટલ પહોંચાડવા ડ્રાઇવરની જરૂર હતી અને રિયા વૈભવને તેડાવશે એ પણ નક્કી હતું, પણ આજે ધૅટ ઊર્જાના પત્રથી જાણ્યું કે રિયા-વૈભવ વચ્ચે અનૈતિક સંબંધ છે અને આત્મહત્યાના પ્રયાસને મર્ડરમાં ફેરવવાના તેમના પ્લાનનો અર્થ જ એ કે ગોળી લીધા પછી મને ઉગારવાને બદલે બેઉ અહીં જ મારા મરવાની રાહ જોવાનાં હોય...’

‘અલબત્ત, ઊર્જાના કહેવાથી હું રિયાને ગુનેગાર માની લઉં એટલો બેવકૂફ નથી અને રિયાનો થનગનાટ જોયા પછી ચેતું નહીં એટલો નાદાન પણ નથી...’ વિશ્વાથનાં જડબાં તંગ થયાં, ‘ડ્રૉપ ઇટ.’

‘હેં...’ રિયા એવી તો ભડકી.

પત્નીની પ્રતિક્રિયાએ વિશ્વનાથનો ઇરાદો મક્કમ બન્યો, ‘આજે આત્મહત્યાનો પ્રોગ્રામ કૅન્સલ રાખીએ... કાલે જોઈશું.’

જૂસને કિચનની સિંકમાં ઢોળતા પતિને રિયા ફાટી આંખે નિહાળી રહી.

‘નો, નો, મારે વિશ્વનાથને મારવામાં આજની કાલ નથી કરવી. અણી ચૂક્યો ૧૦૦ વર્ષ જીવે. વૈભવ, એવું તો થવા જ કેમ દેવાય? બીજી ૩૦ ગોળી મેં તેની સબ્ઝીમાં ભેળવી દીધી છે... ’

રિયાના સ્વરમાં ધારેલું પાર પાડવાની જીદ હતી, ‘વિશ્વનાથ બેહોશ બનતાં તેના ફોન પરથી મને એ મતલબનો મેસેજ કરી રાખીશ કે આર્થિક રીતે ખુવાર થતાં હું મારી મરજીથી આત્મહત્યા કરું છું... પત્યું!’

રિયાને જાણ નહોતી કે ઊર્જાની ચિઠ્ઠીથી ચેતીને આંખ-કાન ખુલ્લાં રાખીને બેઠેલા પતિદેવ બધું સાંભળી ચૂક્યા છે! વિશ્વનાથના હૈયે તોફાન મચ્યું છે ઃ ‘જેના પર આંધળો વિશ્વાસ રાખ્યો એ પત્ની છિનાળ નીકળી! ઊર્જાએ મને ચેતવ્યો ન હોત તો?’

અને રિયા જમવાનો સાદ પાડે એ પહેલાં રૂમમાં પુરાઈને વિશ્વનાથે પોતાનો મૂવ વિચારી લીધો.

‘આ શું! મને આંખે અંધારાં કેમ આવે છે?’

ડિનરના કલાકેક પછી વિશ્વનાથ બેહોશ થવાની રાહ જોતી રિયાને અસ્વસ્થતા વર્તાઈ. જીવ જાણે ચૂંથાતો હતો.

‘ઓએમજી, રિયા તને ફૂડ-પૉઇઝનિંગ જેવું તો નથી લાગતુંને?’ વિશ્વનાથે તેનો પહોંચો પસવાર્યો. ‘તેં મને સબ્ઝી વધારે પીરસી એટલે તારી જાણ બહાર મેં આપણાં બાઉલ બદલી કાઢેલાં, એમાં તો...’

‘હેં! તમે સબ્ઝીનાં બાઉલની અદલાબદલી કરી?’ રિયાના ડોળા ચકળવકળ થયા, ‘એમાં તો... એમાં તો....’ રિયાને નજર સામે મોત તાંડવ કરતું લાગ્યું, પણ પતિને કહેવું કઈ રીતે કે તારી સબ્ઝીમાં મેં દવા ભેળવી હતી! એટલે દયામણી થઈ, ‘ગાડી કાઢો વિશ્વનાથ, મને કંઈક થાય છે. મને હૉસ્પિટલ...’

‘જરા થમ રિયા, પહેલાં તારા ફોનમાંથી મને મેસેજ તો કરી દઉં કે વૈભવના બ્લૅકમેઇલિંગથી ત્રાસી હું આપઘાત કરું છું...’

પતિના શબ્દો ધ્રુજાવી ગયા, ‘એટલે...!’

‘કમ ઑન હની, તારા આ સુંદર શરીરથી મોહિત થઈને વૈભવે જ તને ભોળવી, અંગત ક્ષણો માણવા ઉશ્કેરી, એનું રેકૉર્ડિંગ કરી તને વારંવાર ભોગવતો રહ્યો, ત્યાં સુધી કે આત્મહત્યાના મારા આઇડિયાને મર્ડરમાં ફેરવવા તેણે જ દબાણ કર્યું...’

‘હેં. સમ હાઉ વિશ્વનાથ અમારું રિલેશન જાણી ગયા, પણ મારા પર પ્યાર-વિશ્વાસવશ એમ જ માને છે કે હું વૈભવની બદનિયતનો ભોગ બની... એમ તો એમ, અત્યારે તો તું તારો જીવ બચાવ, બાઈ!’

‘બિલકુલ સાચું વિસુ, વૈભવે મને મજબૂર કરી, બદમાશ...’

એવો જ દરવાજો ખોલીને વૈભવ ધસી આવ્યો ઃ ‘દગાબાજ, બધું આળ મારા પર નાખીને તું સતી સાવિત્રી બને છે?’

રિયા બઘવાઈ. વૈભવના હાથની હાથકડી ભોંકાઈ ત્યાં તો પાછળ પોલીસને પ્રવેશતી જોઈ ગભરાટ વ્યાપી ગયો ઃ ‘આ બધું થઈ શું રહ્યું છે?’

‘ઇન્સ્પેક્ટરસાહેબ, વિશ્વનાથના

મર્ડર-પ્લાનમાં હું એકલો નથી, મુખ્ય ભેજું આ કુલટાનું છે.’

રિયાના કૉલની રાહ જોતો વૈભવ આંગણે પોલીસને જોઈ ભડકેલો.

‘વિશ્વનાથના મર્ડરનો ભાંડો ફૂટી ચૂક્યો છે. રિયાની કબૂલાતે તારી ધરપકડ થાય છે...’ આવું કહી પોલીસ તેને પકડીને થાણામાં લઈ જવાને બદલે બંગલે લાવી એમાં જ તેને ટ્રૅપ ગંધાયો, પણ ભીતર રિયા પોતાને બલિનો બકરો બનાવતી હોવાનું કાને પડ્યા પછી ધસી જવું સ્વાભાવિક હતું.

વૈભવની કબૂલાતે રિયા છટપટી ઃ ‘અરે ભાઈ હું ગુનેગાર છું, પણ પહેલાં કોઈ મારો જીવ તો બચાવો, મારે મરવું નથી...’

અને હોશ ગુમાવતાં પહેલાં રિયાના કાને વિશ્વનાથના શબ્દો પડ્યા ઃ તેની સબ્ઝીમાં થોડી માત્રામાં જ ઘેન ભેળવેલું છે ઇન્સ્પેક્ટર, બાકી તેણે મારા માટે તૈયાર કરેલો બાઉલ કિચનની રૅકમાં છુપાવેલો છે.’

બેભાન થતી રિયામાં જીવ બચ્યાની ધરપત પ્રસરી. વૈભવને હવે ટ્રૅપ સમજાયો, ‘...પણ સવાલ એ છે કે વિશ્વનાથે કાવતરાની રાતે જ અમારા વિશે જાણ્યું કઈ રીતે?’

પણ પોતાને ચેતવનારને ગુનેગારની આંખે ચડવા દે એવા કાચા નહોતા વિશ્વનાથ.

‘ઈશ્વર જેને ઉગારવા ધારે તેનાં આંખ-કાન વેળાસર ખોલી જ દેતો હોય છે.’

મોઘમ જવાબ વાળીને તેમણે ઊર્જાને નેપથ્યમાં જ રાખી.

પોલીસ ગુનેગારોને લઈ ગઈ, વિશ્વનાથે ઊર્જાના પત્રના શબ્દો સાંભર્યા ઃ ‘હું માની લઉં કે રિયા-વૈભવના અફેરનું સત્ય ચકાસી તમે આત્મહત્યા તો નહીં જ વહોરો, એમ તમેય કાયદો હાથમાં નહીં લો. તમારા અપરાધીઓને કાનૂનના હવાલે કર્યા પછી જરા એ લેણદારોના પરિવારજનો વિશે વિચારજો, જેમની રોટી જ ધિરાણના ધંધા પર નિર્ભર છે. જાણું છું, તમે પણ ઇન્વેસ્ટરથી દાઝ્‍યા છો, અધરવાઇઝ તમારી નિયતમાં ખોટ નથી, એટલે જ વીનવું છું કે બીજાને છેતરવાની વૃત્તિ નહીં રાખો તો તમને છેતરનારને કુદરત નહીં ફાવવા દે... દેણદારોના ફરી જવાના મામલે હું પોતે દાઝી છું એટલે આટલું લખ્યું, બાકી તો ઈશ્વર સુઝાડે એ ખરું.’

અને ઘરમંદિર તરફ નજર નાખતા વિશ્વનાથે ભાવિનો પથ નિર્ધારિત કરી લીધો.

‘વિશ્વનાથને ત્યાં શું થયું હશે?’

આ એકના એક વિચારોથી થાકી હોય એમ ઊર્જા આસુને કૉલ જોડે છે ઃ ‘જાણું તો ખરી, તેમણે સોનલને હા તો પાડીને!’

‘ઊર્જાનો ફોન...’ આશ્લેષે કહેતાં સગુણાબહેન ટટ્ટાર થયાં, ‘સોનલ માટીપગી નીકળી અને જેનો વિરોધ જ કર્યે રાખ્યો તેના સંઘર્ષ વિશે જાણીને ભીતર ઘમ્મરવલોણું ઘૂમે છે ઃ ‘મોટા ઉપાડે કન્યા પસંદ કરી દીકરો પરણાવવા નીકળી’તી, ખાધીને થાપ! આના કરતાં આસુની પસંદ પર ભરોસો રાખ્યો હોત તો...’

આમાં હવે એ ઊર્જાનો જ ફોન. તેમના કાન આપોઆપ સરવા થયા.

‘સોનલ સાથે સગપણ પાકું થયું એની વધાઈ આપવા ફોન કર્યો, ઊર્જા?’ આસુએ દાઢમાં પૂછતાં ઊર્જાએ તો ઉમળકો જ દાખવ્યો ઃ ‘ખૂબ અભિનંદન. માની પસંદમાં કહેવાપણું ન જ હોય, મને ખાતરી હતી...’

‘હં, સોનલ પેલા વિક્રાન્તની દીકરી નીકળી... મેં તો પછી જાણ્યું. તને ખબર હતીને? મને કહ્યું કેમ નહીં?’

‘એટલા માટે ન કહ્યું કે પિતાના ગુનાની સજા દીરીને શું કામ મળે? તમેય આ બધું મનમાં ન રાખશો. સોનલને સઘળાં સુખ આપજો, માને સુખી કરજો.’

‘આમાં દંભ નથી... આ છોકરીને મેં કપટી ધારી? કાદવમાંય કમળની જેમ ખીલવાના ગુણવાળી કન્યાના કોઈ પણ કામનો વાંધો નિરર્થક ગણાય...’ ઊર્જાને સાંભળતાં ગયાં એમ સગુણાબહેનના સઘળા સંશય સમતા ગયા.

આસુને સોનલ બાબતે ફોડ ન પાડવાનો ઇશારો કરીને તેમણે ફોન પતતાં જ કહ્યું, ‘ગાડી કાઢ આસુ, આપણે ઊર્જાને ત્યાં જઈએ છીએ!’

દરવાજે આસુ-માને જોઈ ઊર્જા અવાચક થઈ ગઈ.

‘આવકાર આપે તો કહું ઊર્જા કે મારી પસંદ હવે બદલાઈ ચૂકી છે. રામ-સીતા જેવા સાજન-સજનીને એક કરવામાં મારે આજની કાલ નથી કરવી!’

‘હેં!’ માનો મર્મ સમજાતાં ઊર્જા એવી તો લજ્જાઈ!

ચૈત્રી નવરાત્રિના શુભ મુરતમાં ઊર્જા-આશ્લેષના વિવાહ સંપન્ન થયા. સગુણાબહેન-બીનાબહેનનો હરખ માતો નથી. પ્રસંગનો ભાર વિશ્વનાથે ઉપાડી લીધો છે. તેમને ઉગારવામાં ઊર્જાએ ભજવેલો ભાગ ઘરનાથી છૂપો નથી અને આનો ગર્વ જ હોય. પોતે લીધેલું ધિરાણ ચૂકવવા વિશ્વનાથ કટિબદ્ધ છે, ઊર્જાને એનો વિશેષ આનંદ.

મહેમાનોમાં બીજાં આત્મીય છે સંયુક્તાબહેન! આશ્લેષે થમાવેલા ડિટેક્ટિવના રિપોર્ટ પછી સંયુક્તાબહેને જુદો જ નિર્ણય લઈ દાખલો બેસાડ્યો ઃ ‘સોનલ-તેજસને ઘરમાંથી હાંકવા કરતાં હું જ ઉંબરો ઓળંગી ગઈ. ન દીકરાએ રોકી, ન દીકરીએ સાદ દીધો. હશે. અનીતિની લંકા તેમને મુબારક. ભગવાન મારાં સંતાનોને સદ્બુદ્ધિ સુઝાડે. પછી તો જેવાં તેમનાં કર્મ.’

માતાના નિઃસ્પૃહ ભાવને સગુણાબહેનનો ટેકો હતો. કન્યા છાત્રાલયમાં નોકરી-છત મેળવી સ્વમાનભેર જીવતાં સંયુક્તાબહેને પતિની કરણી બદલ ઊર્જા-બીનાબહેનની માફી પણ માગેલી, પછી આત્મીયતા કેમ ન જાગે!

વૈભવને મર્ડર-પ્લાનમાં ઝડપાયેલો જાણીને ટ્રેઇનિંગ સ્કૂલમાં ભારે કૂથલી જામેલી. જેલમાં પુરાયેલાં રિયા-વૈભવ એકબીજા પર દોષનો ટોપલો ઢોળે છે. એથી જોકે ઘટતી સજામાંથી તેઓ ઉગરવાનાં નહીં! વળી ડ્રગ્સ-જુગારના રસ્તે વળેલા તેજસ અને આતિફ પાછળ અંધ બનેલી સોનલ પાસે ભાવિમાં પસ્તાવો જ રહેવાનો છે. જેવી જેની કરણી!

છેવટમાં એટલું જ કે આશ્લેષ-ઊર્જાના ઐક્યનું સુખ સદા મઘમઘતું જ રહેવાનું!

(સમાપ્ત)

columnists life and style Sameet Purvesh Shroff