સાજન-સજની: સૂરજ સાયબો, હું સૂરજમુખી (પ્રકરણ-૨)

16 April, 2024 05:54 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

આસુના હોઠ પર ઊર્જાએ આંગળી મૂકી દીધી ઃ માની પસંદને ન પરણો તો તમને મારા સોગંદ!

ઇલસ્ટ્રેશન

‘મા, હું જાઉ છું.’

આમ તો ડ્રાઇવિંગ-સ્કૂલની નોકરીમાં સમયની પાબંદી નહોતી, ઘણા ટ્રેઇનર્સ સાઇડ પર બીજાં અસાઇનમેન્ટ પણ લઈ રાખતા, ઊર્જાને જોકે એવી ટેવ નહોતી. ગમતા કામમાં આખો દિવસ ક્યાં નીકળી જાય એની ગતાગમ ન રહેતી.

ડ્રાઇવિંગની ટ્રેઇનિંગના રસ્તે કોઈ હૈયે ઘર કરી જશે એવું ક્યાં ધાર્યું હતું!

આશ્લેષના સ્મરણે મુગ્ધ મલકતી ઊર્જાએ વાગોળ્યું ઃ

ધનરાજ મહેતા ડ્રાઇવિંગ લાઇસન્સના બિઝનેસના જૂના ખેલાડી હતા. ધંધામાં કમાઈ ચૂકેલા એટલે પણ મહારાષ્ટ્રની સર્વપ્રથમ ફીમેલ ટ્રેઇનરને હાયર કર્યાનો જશ લેવાનું તેમને ગમતું.

પુરુષોની ઇજારાશાહીવાળા ક્ષેત્રમાં પગ મૂકનારી ઊર્જા માટે જર્ની આસાન નહોતી. જેન્ટ્સ ભાગ્યે જ તેની પાસે શીખવા તૈયાર થતા એમ સ્ટાફનેય ખાસ લાગણી નહોતી. ટ્રેઇનર તરીકે જોડાનારા ડ્રાઇવિંગ ઉપરાંત લાઇસન્સની ઑનલાઇન એક્ઝામ માટે લર્નર્સને કમ્પ્યુટર ટ્રેઇનિંગ આપવા જેટલા સક્ષમ તો હોય જ છે, છતાં તેમની માનસિકતા જુઓ તો! બપોરની વેળાના ત્રણ-ત્રણ લેડીઝ બૅચ શરૂ કર્યા પછી ઊર્જાની વ્યસ્તતા વધી હતી, છતાં લંચ-ટી ટાઇમે ઑફિસની કૅન્ટીનમાં જાય ત્યારે અચૂક કાને પડતું ઃ ‘પગાર તો તેય આપણા જેટલો જ લે છે, પણ કામ આપણાથી ઓછું.’

આમાં વૈભવ જેવાની ચડામણી વધુ હોય. બેએક વર્ષથી ટ્રેઇનર તરીકે સ્કૂલમાં જોડાયેલો વૈભવ દાદરથી આવતો. બેહદ રૂપાળો એની ના નહીં, પણ એથી તેના ફ્લર્ટિંગને તાબે થવાને બદલે ઊર્જા તેને ભાઈનું છોગું લગાવી સંબોધવા માંડી એટલે દાળ નહીં ગળે એવું લાગતાં એ નિંદારસ ઘોળવામાં અગ્રેસર રહેતો. જોકે પીઠ પાછળની કૂથલીને ઊર્જા અવગણતાં શીખી ગયેલી.

ટ્રેઇનર તરીકેની ત્રણ વર્ષની કારકિર્દીમાં એક જ જુવાન જુદો નીકળ્યો – આશ્લેષ! છએક મહિના અગાઉની સાંજે સ્કૂલમાં તેની સાથે પહેલી મુલાકાત થઈ એ પછી બહુ જલદી આત્મીયતાની ધરી રચાઈ ગઈ. ઘરે ગયા પછી પણ તેના ખ્યાલ છૂટતા નહીં. મા કહેતી, ‘તું બદલાયેલી કેમ લાગે છે!’

ઊર્જા આયનાના પ્રતિબિંબને પૂછતીઃ ‘હું સાચે જ બદલાઈ છું?’ એવો જ અરીસામાં આશ્લેષ ડોકાતો - ‘હા!’

અને ઊર્જા હથેળીમાં મોં સંતાડી દેતી!

આસુની આંખોમાં છલકી જતી પ્રીત અજાણી નહોતી, પોતેય હૈયું હારી હતી એટલે તો આસુના બે મહિનાના લર્નિંગના છેલ્લા દિવસે પુછાઈ ગયું ઃ ‘મને યાદ તો રાખશોને?’

જવાબમાં આસુએ નજરોના

તાર સાંધ્યા ઃ ‘જેને ચાહતો હોઉં એ ભુલાય કેમ!’

પ્રણયના એકરારની સુરખી બેઉના વદન પર પ્રસરી ગયેલી. પછી જાણ્યું કે પ્રેમમાર્ગ આસાન નથી.

હળવા નિઃસાસાભેર ઊર્જાએ

વાગોળ્યું ઃ

બીજા દિવસથી આશ્લેષ ડ્રાઇવિંગ શીખવા આવતા બંધ થયા. હવે મરીન ડ્રાઇવની પાળ અમારું મિલનસ્થાન બની ગઈ. ઘેલાં-ઘેલાં સમણાં સજાવતાં હું તેમના આસુના પહોળા ખભા પર માથું ઢાળી દેતીઃ ‘ચાલોને આસુ, આપણે મારાં-તમારાં મા સમક્ષ આપણો હૃદયભાવ ખોલી દઈએ.’

અને ત્યારે આસુ ભેદ ખોલે છે ઃ ‘મારાં મધરને તો જાણ છે અને માને ડ્રાઇવિંગ શીખવતી કન્યા વહુ તરીકે પસંદ નથી!’

‘હેં!’

દીકરાને ઘોડે ચડાવવાની સગુણામાને હોંશ હતી, એમાં કાર શીખવા ગયેલો આસુ આવીને તેની ટ્રેઇનરને વખાણે એથી રાજી થવાને બદલે તે છોકરીને ઉતારી પાડવા જેવું કરતાં. ના, એ સંકુચિત નહોતાં, બીજાના ચારિયને હલકું ધારી લેવાનોય સ્વભાવ નહોતો, પણ ઊર્જાની નોકરી કેમેય કરી ગળે નહોતી ઊતરી - ‘સમાનતાના નામે સ્ત્રીએ કંઈ પણ કરવાનું? કેવા લેવલના માણસો વચ્ચે તે રહેતી હશે તે તો જુઓ.’

પરિણામે આસુએ પોતે ઊર્જાને ચાહતો હોવાનું કહેતાં જ સગુણાબહેન ખળભળી ગયેલાં ઃ ‘મરદોના વ્યવસાયમાં પડેલી યુવતી ખાનદાન કુટુંબની વહુ બની શકે એવું તેં ધાર્યું પણ કેમ!’

પહેલી વાર મા-દીકરાના મત જુદા પડ્યા એ જાણીને ઊર્જા આંચકો પામી ગયેલી. ‘એટલું સમજાયું કે માના વિરોધ છતાં આસુ પ્યારના રસ્તે આગળ વધ્યા, કેમ કે તે મને સાચી રીતે મૂલવી શક્યા છે, એમ માને મનાવવાની તેમને ખાતરી પણ હોવી જોઈએ.’

ના, નોકરી છોડવાથી માનો પૂર્વગ્રહ છૂટવાનો નહોતો. અમે બન્ને મથીએ, પરંતુ એ કઈ રીતે બનશે એ સૂઝતું નહોતું. એમાં ગયા મહિને...

ઊર્જાએ સાંભર્યું...

ઘરે નવી કાર આવી ગઈ છતાં દીકરો ઑફિસથી મોડો આવે છે એથી માએ સહજભાવે પૃચ્છા કરતાં આશ્લેષે સત્ય કહી દીધું, ‘હું ઊર્જાને મળવા જતો હોઉં છું.’

‘ઊર્જા... ઊર્જા!’ સગુણાબહેન ભડકી ગયેલાં ઃ ‘મારા આટલું સમજાવવા છતાં તારા માથેથી એ છોકરીનું ભૂત ઊતર્યું નથી! હવે તો લાગે છે કે ચોક્કસ તેણે તને ચુંગાલમાં ફસાવ્યો છે!’

‘મા?’ પહેલી વાર આશ્લેષનો અવાજ ઊંચો થયેલો. પછી સ્વરને સંયત કરી હાથ જોડ્યા, ‘પ્લીઝ મા, ઊર્જાને જોયા-મળ્યા-મૂલવ્યા વિના તેના વિશે હલકો વેણ ન ઉચ્ચાર. તને મારી પસંદમાં ભરોસો નથી?’

‘અને આ જ સવાલ હું તને કરું તો આસુ?’ સગુણાબહેને મુદ્દો પકડી લીધો, ‘આજે કહું છું, હવે તો તું મારી પસંદ સાથે પરણે તો જ મારો દીકરો!’

બીજી સાંજે દરિયાની પાળે ગોઠવાઈ આસુએ આનો હેવાલ આપતાં ઊર્જાની પાંપણે બૂંદ જામી, ને બીજી પળે તેણે સાદ ખંખેર્યો, ‘સિધાવો આસુ, માની પસંદને પરણી તેમની આંતરડી ઠારો. તમારી મુરત હૈયે છે, મારા જીવવા માટે આટલું પૂરતું.’

કંઈ કહેવા જતા આસુના હોઠ પર ઊર્જાએ આંગળી મૂકી દીધી ઃ ‘માની પસંદને ન પરણો આસુ તો તમને મારા સોગંદ!’

અત્યારે પણ આની ટીસ ઊઠતી હોય એમ ઊર્જાની આંખો છલકાઈ.

‘બસ, ત્યાર પછી અમે મળ્યાં નથી, વૉટ્સઍપ પર મેસેજ સુધ્ધાં નહીં! એવું લાગે છે જાણે વીત્યા આ દિવસો હું જીવી જ નથી... અને છતાં આસુ માનું હૈયું ઠારે એ માટે હું કટિબદ્ધ છું.’

અશ્રુ લૂછીને ઊર્જાએ જુસ્સો ઘૂંટ્યો અને કામે જવા નીકળી.

lll

‘બાય...’

પતિને હળવું વળગીને તરત અળગી થઈ રિયાએ મુખ મલકાવ્યું, ‘ટેક કૅર.’

આમ તો આ રોજની ક્રિયા હતી. પત્નીને ચૂમી ભરી વિશ્વનાથ તેની ગોરેગામની ફૅક્ટરીએ જવા નીકળે, પણ હવે આ ક્રમ ક્યાં સુધી!

ધગધગતો નિ:શ્વાસ વિશ્વનાથના ગળે અટકી ગયો. હજી આજે જ વહેલી સવારમાં ઊઠીને પોતે પત્નીને કહ્યું હતું કે હવે આપઘાત સિવાય બીજો કોઈ માર્ગ નથી!

‘તમને મોડું નથી થતું? અરે બાબા, મુઝે બાથ લેના હૈ...’

કેવા પ્રેમથી રિયાએ મને બહાર ધકેલ્યો!

પ્રેમ. યસ આ રિયાનો પ્યાર જ તો છે, જેણે મને આભ સમાણી મુસીબતમાં ટકાવી રાખ્યો છે... એ મુસીબતને દૂર કરવાનો પ્લાન પણ પોતે ઘડી રાખ્યો છે એમાં હવે મનમેખ નહીં થાય!

lll

પતિની કાર નીકળી એટલે રિયા રૂમના પહેલા માળના તેમના વિશાળ બાથરૂમમાં દાખલ થઈ. હળવે-હળવે વસ્ત્રો ઊતરતાં ગયાં એમ તેની રૂપાળી કાયાના અંગમરોડ સામા અરીસામાં ઊઘડતા ગયા. પોતાનું જ પ્રતિબિંબ નિહાળતાં કીકીમાં મગરૂરી છવાઈ.

‘તારી પાસે રૂપની એવી દોલત છે રિયા કે તને પરણનારો આપોઆપ દુનિયાનો સૌથી શ્રીમંત આદમી થઈ જવાનો!’

સખીઓ કહેતી એમાં રિયાને ક્યારેય અતિશયોક્તિ લાગી નહોતી. જાતને પાણીમાં સરકાવી રિયાએ છબછબિયાં કરતાં વાગોળ્યું ઃ

‘જોકે પતિ કેવળ મારા રૂપદૌલતથી અમીર બને એટલું મારા માટે પૂરતું નહોતું. મને તો લિટરલી શ્રીમંત પુરુષ પતિ તરીકે જોઈતો હતો... એટલે તો હું ઉંમરમાં મારાથી દાયકો મોટા, દેખાવમાં ઠીકઠાક પણ ગાડી-બંગલાવાળા પુરુષને પરણી!’

‘રિયા, આ તો કાગડો દહીંથરું

લઈ ગયો.’

માંડવામાં બિરાજેલા વરરાજાને જોઈ સખીઓ કાનમાં ગણગણી ગયેલી.

‘વિશ્વનાથ ભલે કાગડા જેવો કાળો હોય, પણ એ કાગડો બહુ અમીર છે અને આ હંસણીને એટલું પૂરતું છે!’ રિયા મનમાં જ બોલેલી.

ખરેખર તો કૉલેજ પતતાં માબાપ તેમની કક્ષાના કોઈ સાધારણ જુવાન સાથે હથેવાળો કરી દે એ પહેલાં પોતાને ખપતો અમીર આદમી રિયાએ ડેટિંગ સાઇટ પરથી ખોળી કાઢ્યો. ‘એટલું કહેવું પડે કે વિશ્વનાથ ડેટિંગ સાઇટ પર બહુ ટ્રાન્સપરન્ટ હતો.’

પોતે કંઈ એવો દેખાવડો નથી એવું કબૂલતાં તેને સંકોચ નહોતો થયો. ‘સૂરત નહીં, સીરત જોનારું પાત્ર મને ગમશે’ એવી હિન્ટ મળ્યા પછી રિયા ચૂકે!

ગોરેગામમાં કેમિકલની ફૅક્ટરી ધરાવતો વિશ્વનાથ તે કહે છે એનાથીયે વધુ અમીર છે એની ખાતરી તેણે તેની કંપનીનો વાર્ષિક હેવાલ વાંચીને કરી રાખેલી. પહેલી વાર વરલીની રેસ્ટોરાંમાં મળ્યાં ત્યારે વયભેદ કે ઓછા દેખાવડાપણાની અણખટ રિયાએ ક્યાંય ઊપસવા નહોતી દીધી. ‘ખરી અમીરી માણસના સ્વભાવ-સંસ્કાર છે...’

આવું-આવું કહી તેણે વિશ્વનાથને ભુલાવામાં રાખ્યો. પછી શરણાઈ ગુંજતાં વાર ન લાગી.

શિવાજી પાર્કના શ્વશુરગૃહે ઊજવાયેલી સુહાગરાત અપેક્ષા મુજબની નહોતી છતાં પતિએ અપાર સુખ વરસાવ્યું હોય એવો ભાવ દાખવી રિયાએ વિશ્વનાથને આંગળીના ઇશારે રમતો કરી દીધો.

દરિયાકાંઠે આવેલા બંગલાની તે રાજરાણી હતી. નોકરોની ફોજ તેનો પડ્યો બોલ ઝીલવા ખડેપગે રહેતી. માબાપના નિધન બાદ વિશ્વનાથ સંસારમાં એકલો હતો અને ચાર ભાઈ-બહેનોમાં વહેંચાયેલા માવતરના પ્યારની રિયાને બહુ દરકાર નહોતી. પરણ્યા પછી ખારના ગરીબ મહિયરની માયા રિયાએ રાખી નહોતી.

સાસરે સુખનો હિંડોળો હતો, પત્નીનું ચુંબન લઈને સવારે સાડાઆઠનો ફૅક્ટરીએ જવા નીકળતો વિશ્વનાથ સીધો રાતે સાત-આઠ વાગ્યે પાછો આવે ત્યાં સુધી રિયા આઝાદ પંછી જેવી. મૉલમાં જાય, મૂવી જોવા ઊપડી જાય, લંચ માટે તાજ પહોંચી જાય. ક્યારેક તો આખો દિવસ શૉપિંગમાં વિતાવે - ક્લોથ્સ, જ્વેલરીઝ, ગૅજેટ્સ, ઍન્ડ વૉટ નૉટ!

રાતે તે રૂપનો ખજાનો ખોલી દે પછી વિશ્વનાથ તેને કોઈ બાબતમાં રોકેટોકે પણ શાનો!

પણ એક તબક્કે તો પૈસા ઉડાડવાનોય થાક લાગતો હોય છે. લગ્નનાં અઢી-ત્રણ વર્ષમાં રિયા પણ કંટાળી. આ શું બીબાઢાળ જિંદગી! દેશ-વિદેશ ફરવાનોય રોમાંચ રહ્યો નહીં. રાતે વિશ્વનાથ અડપલાં આદરે કે તે છણકો દાખવીને દૂર સરકી જાય - ‘મને નિરાંતે સૂવા દો!’

‘હશે... રિયાનું મન નહીં હોય...’ વિશ્વનાથ જતું કરે. બીજું કંઈ નહીં તો તેના આવા સમજુ સ્વભાવે પતિ પર સાચુકલો સ્નેહ જાગવો જોઈએ, પણ રિયાનું એવું બંધારણ જ નહોતું. ઊલટું તેના પરત્વે અભાવ વધતો : ‘આટલા વખતના સહવાસ પછી પણ જે મારી મૂળભૂત મનસા ન પામી શક્યો એ

પુરુષ કેવો!’

ધીરે-ધીરે આ અભાવ વાણીવ્યવહારમાં ઝબકી જતા થયા તો પણ રિયાને હવે ખાસ પરવાહ નહોતી. ‘વિશ્વનાથ બહુ-બહુ તો ડિવૉર્સની ધમકી આપશે, તો ભલે, ઍલિમનીને બદલે હું તેને બરાબરનો ખંખેરી લઈશ!’

‘રિયા આઇ અન્ડરસ્ટૅન્ડ...’

એક રાતે પત્નીના પડખે બેસતા વિશ્વનાથે પ્રેમથી તેનો પહોંચો પસવાર્યો હતો, ‘તારાં મૂડ-સ્વિંગ્સ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે, એનું એક જ કારણ મને જણાય છે...’

‘અચ્છા? હું તને ચાહતી નથી, તારી દોલત જોઈને પરણી છું એટલું સત્ય નહીં સમજનારાએ જાણે નવું શું જાણ્યું!’

‘બાળકનો અભાવ!’

અણધાર્યું સાંભળીને રિયા સ્તબ્ધ થઈ, પછી શંકા જાગી ઃ ‘ક્યાંક વિશ્વનાથ મારી કાળજી દાખવવાના બહાને વંશના વારસની તેની ઇચ્છા તો નથી જતાવી રહ્યોને!’

‘આપણે ત્રણ-ચાર મહિના રાહ જોઈએ, નહીં તો પછી ડૉક્ટરને કન્સલ્ટ કરીશું...’

‘હે રામ! આ માણસ જાણતો જ નથી કે છોકરું ન થવા માટે હું ગોળીઓ ગળતી હોઉં છું! ના રે, મને કોઈ છોકરાછૈયાં નથી જોઈતાં...’

‘તો પછી મને શું જોઈએ છે?’

પહેલી વાર રિયાએ મનોમંથન આદર્યું, ‘મને અમીરીની ચાહ હતી એ પૂરી થઈ. પતિને કઠપૂતળી જેવો બનાવી રાખ્યો છે. તનમનની કોઈ બીમારી નથી, તોય હું કંટાળી કેમ જાઉં છું? શાનો અભાવ મને પજવી રહ્યો છે?’

અને રાતે પોતાના પર છવાતા પતિને નિહાળીને આંખ મીંચતાં જવાબનો ઝબકારો થયો...

‘કમ્પૅન્યન! જે જુવાન હોય, રોમરોમથી રૂપાળો હોય, જે મારી પ્રશસ્તિમાં અડધોઅડધો થઈ જાય ને કામક્રીડામાં એવું વરસે કે સાત ભવની તરસ છિપાઈ જાય!’

રિયાની આંખો ખૂલી ગઈ ઃ ‘મારી અતૃપ્ત જવાનીને પરિતૃપ્તિ આપનારું કોઈ જોઈએ છે! ભૌતિક સુખ ભેગું સુંદર શરીરને ઉપભોગનું સુખ પણ જોઈએ એ હવે સમજાય છે! વિશ્વનાથમાં એવા વેતા હોત તો વાંધો જ ક્યાં હતો, પણ શ્રાવણના સરવડા જેવુંય વરસી ન શકતા આદમી પાસે અપેક્ષા રાખવી જ વ્યર્થ છે.’

‘તો પછી?’

- આનો જવાબ લગ્નના ચોથા વર્ષે, હજી ૧૦ મહિના અગાઉની પોતાની વરસગાંઠે વિશ્વનાથે આપેલી ગિફ્ટમાંથી સાંપડ્યો હતો!

(ક્રમશ:)

columnists life and style Sameet Purvesh Shroff