પેરેન્ટિંગ ગાઇડન્સ (પ્રકરણ-૪)

29 March, 2024 06:12 AM IST  |  Mumbai | Rashmin Shah

‘ડિપાર્ટમેન્ટ મનના આધારે ન ચાલે, પ્રૂફ જોઈએ અને એક પણ પ્રૂફ તને હજી સુધી મળ્યું નથી...’ પાંડેની દલીલ વાજબી હતી, ‘શું કહ્યું સાહિલે તને?’

ઇલસ્ટ્રેશન

મિસ્ટર શાહ, ક્યાંક મને તારી ભૂલ લાગે છે...’

સાહિલને પકડ્યાને ત્રણ દિવસ થઈ ગયા પછી પણ સાહિલ પાસેથી કશું જાણવા મળ્યું ન હોવાથી ડેપ્યુટી પોલીસ કમિશનર પાંડેને હવે લાગવા માંડ્યું હતું કે ડિટેક્ટિવ સોમચંદ શાહને સપોર્ટ કરીને તેણે ભૂલ કરી છે.

‘લુક, આજની રાત તું જોઈ લે... આ ગ્રેસ ટાઇમ આપું છું. બાકી કાલે સવારે તેને રવાના કરવાનો છે એ નક્કી છે.’

‘મારું મન કહે છે કે...’

‘ડિપાર્ટમેન્ટ મનના આધારે ન ચાલે, પ્રૂફ જોઈએ અને એક પણ પ્રૂફ તને હજી સુધી મળ્યું નથી...’ પાંડેની દલીલ વાજબી હતી, ‘શું કહ્યું સાહિલે તને?’

‘એ જ કે...’

lll

‘સર, ગૉડ પ્રૉમિસ. મને નથી ખબર કે અત્યારે શ્રદ્ધા ક્યાં છે?’ પાંચ થપ્પડ પછી સાહિલનું પૅન્ટ ભીનું થયું હતું, પણ તેનો જવાબ એ જ રહ્યો હતો, ‘દિલ્હી આવ્યાના ત્રીજા જ મહિને તે મારી સાથે ઝઘડો કરીને નીકળી ગઈ. મેં પણ ઍટિટ્યુડમાં આવીને તેને રોકી નહીં. અગાઉ પણ તે એવું બહુ કરતી. કંઈ થાય એટલે સીધું લગેજ ઉપાડે, પણ પછી કલાકમાં પાછી પણ આવી જાય. મને એમ હતું કે આ વખતે પણ તે એવું જ કરશે...’

‘તેં કૉન્ટૅક્ટ પણ કર્યો નહીં?’

‘કર્યાને, મેં તેને બહુ ફોન કર્યા, પણ તેણે મારો મોબાઇલ બ્લૉક કરી દીધો હતો.’ સાહિલે તરત પ્રૂફ પણ આપ્યું, ‘તમે ઑપરેટર પાસેથી ડેટા કઢાવી લો. શ્રદ્ધાએ મને બ્લૉક કર્યો હતો તો પણ મારા ફોન તેને જતા. હું રોજ તેને ફોન કરતો... અને પછી વન ફાઇન ડે મને મેસેજ આવ્યો કે એ નંબર હવે અસ્તિત્વમાં નથી એટલે નૅચરલી મારે કંઈ કરવાનું રહેતું નથી.’

‘તેં શ્રદ્ધાનાં ફાધર-મધરનો કૉન્ટૅક્ટ કેમ કર્યો નહીં?’

‘ટુ બી વેરી ઑનેસ્ટ વિથ યુ, મારી પાસે એ લોકોનો નંબર નથી... ઍન્ડ સેકન્ડ થિંગ, શ્રદ્ધા કંઈ એવી નાની બચ્ચી છે નહીં કે મારે બધી વાતમાં તેના પેરન્ટ્સ પાસે જવું પડે. સિમ્પલ છે, અમે મૅચ્યોરિટી સાથે મળ્યાં હતાં અને મૅચ્યોરિટી સાથે છૂટાં પડ્યાં. સાથે ન ફાવે તો છૂટાં તો પડી શકાયને? કમ્પલ્સરી ન હોય કે આખી લાઇફ સાથે રહેવું પડે?’

lll

‘એ પછી તેં તેનું ઘર પણ ચેક કરી લીધું. તેને પણ તું સાથે લઈને ઘરે જઈ આવ્યો. તને એક પણ જાતનું પ્રૂફ મળ્યું નથી તો પછી હવે કેસને ખેંચવાનો કોઈ અર્થ નથી.’ પાંડેએ હ્યુમન સાઇકોલૉજી સમજાવતાં કહ્યું, ‘જો સોમચંદ, છોકરીઓના મૂડ-સ્વિંગ્સ ગજબનાક હોય છે અને એમાં પણ પિરિયડ્સ સમયના મૂડ-સ્વિંગ્સ તો ખતરનાક હોય છે. એ સમયે તે જે નિર્ણય લે એને પછી તે જડની જેમ પકડી રાખે છે. બને કે શ્રદ્ધાએ પણ એવા જ સમયે નિર્ણય લીધો હોય અને પછી હવે તે ક્યાંક એકલી રહેતી હોય.’

‘ઍગ્રી, પણ પાંડે, જો તે એકલી રહેતી હોય તો તેનું આધાર કાર્ડ ક્યાંક તો ​રિફ્લેક્ટ થાયને?’ સોમચંદે લૉજિકલ આર્ગ્યુમેન્ટ કરી, ‘તેનું નવું આધાર કાર્ડ બન્યું નથી અને એ બનાવવા માટે જે ડૉક્યુમેન્ટ્સની જરૂર પડે એ શ્રદ્ધા સાથે હતા નહીં. બીજી વાત, જો તે બીજે ક્યાંય રહેતી હોય તો બ્રેડ-બટર માટે પણ અર્નિંગ કરવું પડે અને એના માટે તેણે જૉબ કરવી પડે અને જો તે જૉબ કરે તો સૅલેરી બૅન્ક-અકાઉન્ટમાં આવે, જ્યાં હવે આધાર કાર્ડ કમ્પલ્સરી છે. શ્રદ્ધાના આધાર કાર્ડની છેલ્લી એન્ટ્રી દિલ્હીમાં ખોલાવેલા બૅન્ક-અકાઉન્ટ સાથે છે જે અકાઉન્ટનો ઉપયોગ છેલ્લા આઠ મહિનાથી થયો જ નથી.’

‘બને કે છોકરીએ હવે કૉર્પોરેટને બદલે કોઈ સામાન્ય જૉબ લઈ લીધી હોય.’ પાંડેએ પોતાના વિચારોનો વ્યાપ વધાર્યો, ‘બને કે ઉત્તરાખંડમાં ચાલી ગઈ હોય અને ત્યાં સાધ્વી બની ગઈ હોય. કોણ જાણે?’

‘કોઈ નથી જાણતું એ જ વાત તો મને ખટકે છે.’

‘અને મને એ વાત ખટકે છે કે તેં સાહિલને કારણ વિના, પેપર પર લીધા વિના કસ્ટડીમાં રાખ્યો છે.’ પાંડેએ પૉલિટિકલ સિના​​રિયો સમજાવતાં કહ્યું, ‘દિલ્હીની તો તને ખબર છેને. અત્યારે આમ આદમી પાર્ટી સેક્યુલર બનીને બેઠી છે અને BJPની તને ખબર છે... જો વાત બહાર જશે તો બહુ મોટો હોબાળો થશે. આજની રાત, છેલ્લી રાત... સવારે તારે જ સાહિલને

મૂકવા જવાનો છે અને વાત આગળ

વધે નહીં એ રીતે સાહિલને સમજાવવાનો પણ છે...’

‘હં...’

સોમચંદ ઊભો થઈ ગયો. નીકળીને જવાની ઇચ્છા તો ગાઝિયાબાદ પોલીસ-સ્ટેશને હતી, પણ હવેના આઠથી દસ કલાક તેના હાથમાં અંતિમ હતા અને એટલે જ સોમચંદને થયું કે તે ફરી એક વાર સનફ્લાવર સોસાયટીના સાહિલના ફ્લૅટમાં નજર કરી લે. મળવાનું કશું નથી એ તો તેને ખબર પડી ગઈ હતી, પણ એમ છતાં આશા છોડ્યા વિના સોમચંદે પાંડેના ડ્રાઇવરને સૂચના આપી.

‘સનફ્લાવર લે લો...’

‘સર, લગતા નહીં કી લડકે ને કુછ કિયા હૈ...’

‘તેનો ઍટિટ્યુડ બહુ ખરાબ છે...’

‘હું આ કમ્યુનિટીને નજીકથી ઓળખું છું. એ લોકોએ કંઈ કર્યું ન હોય તો પણ તેઓ બિહેવ એવું જ કરે કે આપણને શક જાય...’

પછીના આખા રસ્તે ડ્રાઇવર સાથે કોઈ વાત થઈ નહીં.

lll

ખટાક...

ફ્લૅટ-નંબર ૯૦૪નો દરવાજો ખૂલ્યો અને ફ્લૅટમાં ભરાઈ રહેલી ખુશ્બૂ સોમચંદના નાકમાં દાખલ થઈ.

ફ્લૅટની લાઇટ ચાલુ કરીને સોમચંદ હૉલમાં આગળ વધ્યો. અગાઉ આખું ઘર તેણે બે વખત ફેંદી નાખ્યું હતું એટલે ઘરના ઇન્ટીરિયરથી પણ હવે તે વાકેફ હતો. વન રૂમ કિચનના ફ્લૅટના હૉલને જ બેડરૂમ બનાવવામાં આવ્યો હતો. બેડના સાઇડ ડ્રૉઅરમાંથી સોમચંદને કૉન્ડોમ મળ્યાં હતાં જેના વપરાશનો સાહિલે કોઈ જાતના સંકોચ વિના સ્વીકાર પણ કર્યો હતો.

lll

‘હા સર, મારી હવે બીજી ગર્લફ્રેન્ડ છે... સો વૉટ?’ સાહિલે કહ્યું હતું, ‘તે રેગ્યુલરલી મારા ઘરે આવે છે. અમે સાથે પણ રહીએ છીએ. તેના પેરન્ટ્સ પણ મને ઓળખે છે અને મે બી, અમે કદાચ મૅરેજ પણ કરીએ.’

‘શ્રદ્ધા સાથેના ​રિલેશનનું શું?’

‘નથિંગ... તે ગઈ. મેં તેને શોધવાની ટ્રાય કરી, તેને એક મહિનો આપ્યો. બસ, બહુ થયું.’ સાહિલની વાતમાં આજના યંગસ્ટર્સની માનસિકતા સતત ઝળકતી હતી, ‘જો તે સાથે હોત તો મેં ક્યારેય બીજી છોકરી તરફ જોયું ન હોત, પણ હવે તે મારી સાથે નથી તો હું શું કામ મારી લાઇફ બરબાદ કરું... અને મને લાગે છે કે શ્રદ્ધા પણ હવે મૂવ-ઑન થઈ ગઈ છે.’

lll

આખા ઘરમાં જો કોઈ વાત અજૂગતી હોય તો એક.

ઘરમાં ઇલે​​ક્ટ્રિક કરવતથી માંડીને દેશી કરવત, હથોડી જેવો સામાન મળ્યો હતો અને આ સામાન માટે પણ સાહિલે જવાબ આપી દીધો હતો...

‘શરૂઆતમાં મારી ઇચ્છા એવી હતી કે નાનું ફર્નિચર હું જાતે જ બનાવી લઉં. મારા ફાધર કાર્પેન્ટર છે અને મને પણ નાનુંમોટું કામ આવડે છે.’ પછી સાહિલને સ્ટ્રાઇક થયું હતું એટલે તેણે સામેથી કહી દીધું હતું, ‘તમે મારા ફ્લૅટમાં ગયા છો તો તમે કદાચ બેડની બાજુનું સાઇડ ટેબલ જોયું હશે... જેમાંથી તમને પેલાં કૉન્ડોમ મળ્યાં.’

‘હં...’

‘એ ટેબલ મેં જ બનાવ્યું છે. જોઈ લેજો એ ધ્યાનથી. એમાં નીચેની સાઇડ પર લૅમિનેટ્સ લગાડ્યા પછી ​ફિનિશિંગ બાકી રહી ગયું છે એટલે એની ધાર લાગે એવી છે.’

lll

માથું પકડીને સોમચંદ બેડ પર

બેસી ગયા.

સાવ જ નજીક આવી ગયા પછી હવે કેસ હાથમાંથી સરકી રહ્યો હોય એવો તેને ભાસ થતો હતો, પણ હાથમાં એક પણ પ્રકારનું પ્રૂફ નહોતું અને હવે કેસ છોડવા સિવાય બીજો કોઈ રસ્તો પણ રહ્યો નહોતો.

સોમચંદે ઊંડો શ્વાસ લઈને શરીરમાં તાજગી ભરવાની કોશિશ કરી અને પછી ફરીથી આખું ઘર ચેક કરવાનું શરૂ કર્યું. આ વખતે તેણે બાથરૂમમાં ઉપરની સાઇડ પર ​ફિટ કરવામાં આવેલી વૉટર-ટૅન્ક પણ ચેક કરી લીધી અને એકેએક ટાઇલ્સ ઠપકારીને પણ ચેક કરી લીધી. એક તો ફ્લૅટ અને એ પણ નવમા માળનો, કોઈ આ ટાઇલ્સ ઉખાડીને કશું કરી શકે નહીં એવું પ્રૅક્ટિકલ નૉલેજ સોમચંદમાં હતું એ પછી પણ તે ક્યાંય કોઈ છટકબારી રહેવા દેવા માગતા નહોતા.

નિષ્ફળતા.

ક્યાંય કશું મળ્યું નહીં એટલે મનોમન નક્કી કરીને સોમચંદે ફ્લૅટનો દરવાજો હાથમાં લીધો કે સવારે તે જ આવીને સાહિલને ઘરે મૂકી જશે.

ખટાક.

ફ્લૅટની સ્વિચ ઑફ કરી દરવાજો બહારની સાઇડ ખેંચ્યો ત્યાં જ સોમચંદની આંખો મેઇન ડોરની બરાબર સામે રહેલા ફ્રિજ પર પડી. ફ્રિજ પર સ્ટેબિલાઇઝર રાખ્યું હતું.

જો સાહિલ હમણાં જ દિલ્હી આવ્યો હોય તો તેણે આ ફ્રિજ નવું લીધું હોય અને નવા ફ્રિજમાં તો સ્ટેબિલાઇઝરની કોઈ જરૂર પડતી નથી તો પછી આ ફ્રિજ પર કેમ...

લાઇટ ચાલુ કરીને સોમચંદ ફરી ફ્લૅટમાં આવ્યા.

હા, ફ્રિજ નવું જ છે. હૅન્ડલ પરથી હજી પ્લાસ્ટિકનું કવર પણ ઉખાડવામાં નથી આવ્યું તો પછી આ સ્ટેબિલાઇઝર... બને કે પાવર સપ્લાયમાં ફ્લક્ચ્યુએશન બહુ આવતું હોય. અનાયાસ જ હૅન્ડલ પર હાથ ફેરવતાં સોમચંદથી ફ્રિજનો દરવાજો સહેજ ખેંચાયો, પણ દરવાજો ખૂલ્યો નહીં.

ફ્રિજ લૉક છે.

ફ્રિજ ચાલુ છે પણ દરવાજો લૉક છે. આવું કેમ? ઘરમાં કોઈ નાનું બાળક પણ નથી કે જે વારંવાર ફ્રિજ ખોલી નાખતું હોય. તો પછી...

સોમચંદે ફ્રિજના દરવાજાની ચાવી શોધવા માટે આજુબાજુમાં નજર કરી, પણ ક્યાંય ચાવી દેખાઈ નહીં અને સોમચંદને ચમકારો થયો.

નક્કી આ ફ્રિજમાં કંઈક...

ફ્રિજની ચાવી ન મળે તો હવે એનું ડોર તોડવું છે, પણ ફ્રિજ ખોલવું છે એ નક્કી.

શરૂઆત ચાવી શોધવાથી થઈ અને બેડના ગાદલાની નીચેથી સોમચંદને ફ્રિજની ચાવી મળી. તેણે તરત ચાવી ડોરમાં લગાડી, ડોર ખોલ્યું અને સોમચંદના આખા શરીરમાં કમકમાં પ્રસરી ગયાં.

બરાબર એ જ સમયે સોમચંદના મોબાઇલની રિંગ વાગી. સોમચંદે સ્ક્રીન સામે જોયું. ફોન મુંબઈથી મનોહર મહેતાનો હતો.

‘શ્રદ્ધા અહીં જ છે... મારી સામે.’

સોમચંદની વાત ખોટી નહોતી. ફ્રિજના બધા ડ્રૉઅરમાં પ્લાસ્ટિકની થેલીઓ હતી અને એ ટ્રાન્સપરન્ટ થેલીમાંથી શ્રદ્ધાના ટુકડા થયેલું શરીર દેખાતું હતું.

lll

‘તેની પઝે​સિવનેસ વધતી જતી હતી... મારે તેનાથી છૂટવું હતું, પણ તે મને છૂટવા પણ નહોતી દેતી. એક વાર ઝઘડા વખતે મેં ગુસ્સામાં તેને ધક્કો મારી દીધો અને બેડની કૉર્નર વાગતાં શ્રદ્ધાને હૅમરેજ થયું અને તેનો જીવ ગયો. પાછા આવ્યા પછી મેં જોયું ત્યારે મને ખબર પડી કે હવે શ્રદ્ધા...’ ગુનો સ્વીકારતાં સાહિલે કબૂલાત કરી, ‘ડેડ-બૉડીના નિકાલનો મારી પાસે કોઈ રસ્તો નહોતો એટલે એક વેબ-સિરીઝમાં મેં જોયો હતો એ રસ્તો વાપરીને મેં ડેડ-બૉડીના ટુકડા કરીને ફ્રિજમાં ભરી દીધા. પછી રોજ રાતે વૉક પર જઉં ત્યારે પ્લાસ્ટિકની બે-ત્રણ બૅગ સાથે લેતો જઉં અને ગાઝિયાબાદથી પાંચેક કિલોમીટર દૂર આવેલા જંગલમાં ફેંકી દઉં. બધા બૉડી-પાર્ટ્સના નિકાલ માટે મને હજી વીસ દિવસ લાગવાના હતા.’

lll

‘સાહિલ જ નહીં, શ્રદ્ધાના મોત માટે તમે પણ એટલા જ જવાબદાર છો. સોસાયટી અને સધાર્મિક લોકોની તમને ચિંતા હતી, પણ તમને તમારી દીકરીની ફિકર નહોતી... દુનિયાદારીનું તમને ટેન્શન હતું પણ સગી દીકરીની પરવા નહોતી. જો તમે શ્રદ્ધા સાથે સંબંધો ટકાવી રાખ્યા હોત, પાછા આવવા માટે જો તમે તમારા ઘરના અને દિલના દરવાજા ખુલ્લા રાખ્યા હોત તો સાહિલની હરકતોથી કંટાળીને શ્રદ્ધાએ ઘરે પાછા આવવાની કદાચ હિંમત કરી હોત. પણ ના, તમને તો તમારા...’ સોમચંદના મોઢામાં ગાળ આવી ગઈ હતી, ‘પેરન્ટિંગ ​રિસ્પૉન્સિબિલિટી નહીં ​નિભાવવાના નાસૂર સાથે હવે તમે આખી જિંદગી આમ જ તડપતા રહો, રોજ રડી-રડીને શ્રદ્ધાને શ્રદ્ધાંજ​લિ આપતા રહો.’

 

સંપૂર્ણ

columnists life and style Rashmin Shah