જંગ (પ્રકરણ - ૩)

04 January, 2023 10:58 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

‘હજી બે દિવસ પહેલાંની જ વાત. સમી સાંજે ઉપસરપંચ ઠાકોરકાકા ઘરે આવ્યા. આધેડ વયના ઠાકોરકાકા નિષ્ઠાવાન કર્મશીલ હતા. તેમણે અણધાર્યો પ્રસ્તાવ મૂક્યો - ‘રેવા, સરપંચ માટે મિતાલીનું નામ પડતું મૂકીએ તો?’

જંગ (પ્રકરણ - ૩)

નેહાલીને થયું છે શું!
રેવા મૂંઝાય છે.
હજી બે મહિના અગાઉ કેટલા હોશભેર ઘરમાં વહુનાં કંકુપગલાં થયાં. કુળદેવીને પગે લાગી વરવધૂ યુરોપના હનીમૂને જઈ આવ્યાં, ઉદયપુરમાં અંશુએ મીડિયા-ફિલ્મી દુનિયાના સર્કલ માટે થ્રો કરેલી પાર્ટી પણ કેવી ઝાકમઝોળ રહી! મારા સમજાવવા છતાં નેહાલી અંશુ સાથે અમદાવાદ રહેવાને બદલે ધરાર મારી સાથે રહી, એ બહાને અંશનેય ગામ આવવાનું બહાનું રહેશેને દી!
વહુની કોઠાસૂઝે મલકી પડાયેલું... પણ નેહાલી અહીં રહ્યાના આ મહિના-દોઢ મહિનામાં ક્યારેય કંઈક એવુંય બનતું રહ્યું કે ચિત્ત ચકરાવે ચડી જાય!
‘દીદી, આ જુઓને...’
ગામના ઘરે થાળે પડ્યાના ત્રીજા જ દહાડે મેડીની તેની રૂમમાંથી નાનકડું બૉક્સ લાવી નેહાલીએ રેવાને દેખાડ્યું હતું, ‘સ્વિટ્ઝરલૅન્ડથી મોંઘું પરફ્યુમ અંશુએ લીધું, પણ હવે કહે છે સ્મેલ નથી ગમતી... એમ જ પડ્યું છે. આપણે આશ્રયભાઈને પધરાવી દઈએ?’
આશ્રય માટે ‘પધરાવી’ દેવાનું વલણ! એવું તો સમસમી જવાયું. 

‘એ લોકો આપણા સગામાં નથી દી, તોય અંશુને ચેઇન આપી, મને બુટ્ટી. આપણે પણ સામું એટલું રાખવું પડેને. તેમનાં મમ્મીને ગરમ મોજાંનો એક સેટ આપી દઈશું. આમેય વધ્યાં છે.’
બસ કર નેહાલી! આશ્રય-મમ્મી કંઈ વધારાનાં નથી કે તેમને વધ્યું-ઘટ્યું અપાય! હોઠે આવેલા શબ્દોને ગળી જઈ એટલું જ કહ્યું કે કોઈને કંઈ દેવાની જરૂર નથી, જે છે એ હમણાં તારી પાસે જ રાખને બહેન!
ના, વાત ત્યાં પતી નહોતી. પછીના વીક-એન્ડમાં ઘરે આવેલા અંશુને તે ખોટું લાગ્યાની ઢબે બોલી હતી - ‘મેં તો તમારું સારું દેખાય એ માટે આશ્રય-આન્ટીને ગિફ્ટ આપવાનું કહ્યું, પણ દીદી મારું શાનાં માને?’ 

નેહાલી અંશુની ભંભેરણી કરે છે? મારી હાજરીની તેને ભનક, છતાં મારા કાને પડે એમ અંશુને ભડકાવવાનો અર્થ શું? 
અંશુએ જોકે ‘જેવી દીદીની મરજી!’ કહીને વાત હસવામાં કાઢી નાખી, એટલે પોતે વચ્ચે પડવાનું રહ્યું નહીં. 
આનો અજંપોય ન રહે એ માટે રેવા જાતને કામકાજમાં પરોવી દેતી. સરપંચનું ઇલેક્શન નજીક હતું ને પોતે આ વખતે ઉમેદવારી નહીં જ કરે એની જાહેરાત રેવાએ કરવા માંડી, પોતાની જગ્યાએ ભીમજીની પુત્રવધૂ મિતાલીને પ્રમોટ કરવાનું ન ચૂકતી : ‘આપણા સૌનો સપોર્ટ હશે તો મિતાલી મારાથી વધુ સારાં કામ કરી દેખાડશે...’
‘દીદી, તું આ વખતે સરપંચ માટે ઉમેદવારી નથી નોંધાવવાની?’
હજી ગયા અઠવાડિયે ત્રણ દિવસ માટે ગામ આવેલા અંશુમાને રોકાણના છેલ્લા દિવસે જમતી વેળા પૂછપરછ માંડતાં રેવાએ ડોક ધુણાવી - ‘હા, મારે તને કહેવું જ હતું. બે ટર્મ મેં પદ ભોગવ્યું, હવે કોઈ નવા ચહેરાને તક આપવી જોઈએને.’

‘તેં તો ઘણું કર્યું દીદી, મારા માટે તો કરતી જ આવી છે.’
‘ઓહો, હવે દીદીપુરાણ બંધ કરી મૂળ મુદ્દે આવોને...’ નેહાલી બહુ મીઠાશથી બોલી, પણ રેવા માટે એ સચેત થવાની ક્ષણ હતી. 
‘દીદી, નેહાલી તને આદર્શ માને છે ને તારા જ પંથે ચાલવા માગે છે.’
રેવાની આંખો ઝીણી થઈ, ‘મતલબ?’
‘મતલબ એ દીદી કે સરપંચ તરીકે તું ઉમેદવારી નોંધાવવાની ન હોય તો ભલે નેહાલીને તક મળતી.’

‘હેં!’ ધારણા બહારનું સાંભળી રેવા ચમકી. નવા સરપંચ માટે કમિટીની બે-ત્રણ મીટિંગ ઘરે થઈ એમાં ભારપૂર્વક હું મિતાલીને પ્રમોટ કરી ચૂકી છું, નેહાલી એની સાક્ષી છે. તોય ત્યારે કે પછી તે મને કંઈ નથી કહેતી ને અંશુના મોઢે પ્રસ્તાવ મુકાવે છે, જેથી હું ઇનકાર ન કરી શકું? રાધર હું ઇનકાર કરું તો ભાઈ-બહેનમાં ફૂટ પડાવવાનું તેને મેદાન મળે? રેવા અંદરખાને કાંપી, પણ ઉપરથી મોં મલકાવ્યું, ‘તેં કદી જણાવ્યું નહીં નેહાલી કે તારી પૉલિટિક્સમાંય માસ્ટરી છે.’
દાઢમાં બોલાયેલું વાક્ય નેહાલીને ચચર્યું, પણ અંશુને ક્યાં એમાં કશું ગંધાય એમ હતું!

આ પણ વાંચો : જંગ (પ્રકરણ - ૨)

‘રાજકારણની તમારા જેટલી મને શું ગતાગમ દીદી.’ નેહાલીએ ભોળા ભાવે પ્રત્યુત્તર આપ્યો, ‘હું તો કેવળ તમારા પગલે ચાલવા માગું છું. આમ પણ વિકાસનાં કેટલાંય કાર્યો થયાં અંશુની કમાણીમાંથી. એને કારણે તમારી વાહવાહ થાય એમ સત્તાપદે તમારી નહીં તો મારી પહોંચ પણ રહેવી જોઈએને.’
‘અંશુની કમાણીથી મારી વાહવાહ!’ રેવા ટટ્ટાર થઈ. નેહાલીનો મર્મ તેને તો બરાબર પરખાયો. ‘આજ સુધી અંશુએ કદી તેના રૂપિયાપૈસાનું હું શું કરું છું એ પૂછ્યું નથી. એક પળ તો એવુંય થયું કે કબાટમાંથી હિસાબની ડાયરી લાવી તેને બતાવી દઉં કે મારા નામે મેં કંઈ રાખ્યું નથી, જે છે એ પણ અંશુના નામે કરી દીધું છે, પણ ના, ઘરની વડીલ તરીકે આની ચોખવટ મારે નેહાલીને પણ શું કામ કરવી? અરે, હાથખર્ચી માટે તેણે મને પૂછવું ન પડે એ માટે મેં ખુદ તેના ખાતામાં દર મહિને અમુક રકમ જમા થતી રહે એવું ગોઠવ્યું છે. એમ છતાં નેહાલીનો આવો ભાવ? નેહાલીની પાત્રતા હવે શંકા ઊપજાવે છે. નહીં, તેની સામે ઉશ્કેરાટથી નહીં, કળથી કામ લેવું પડશે.’ રેવાએ દમ ભીડ્યો.
‘તારી વાત સાચી નેહાલી, પણ મુજ મૂરખીને આવું ધ્યાન રહ્યું નહીં ને હું તો મિતાલીનું નામ મૂકી ચૂકી...’
‘નેહાલી ક્યાં નહોતી જાણતી? ના, તેને સરપંચ બનવામાં રસ નહીં, તેને તો કેવળ મોરચા માટે મુદ્દો ખપતો હતો. આશ્રય બાબત દીદીએ પેટ ન આપ્યું, પણ અહીં તેમને ભેરવી એકડો કાઢી શકાય એમ છે!’ 

‘એ તો હજી કાચુંપાકું. હજી ઉમેદવારીનાં ફૉર્મ્સ ક્યાં ભરાયાં છે? તમે હજી પણ મારું નામ મૂકી જ શકો છો. કોઈ તમારું વેણ નહીં ઉથાપે.’
‘કેટલી સિફતથી તેણે મને ફિક્સમાં મૂકી દીધી. હું હા પાડું તો નેહાલીને સરપંચ થવાનો ફાયદો ને ના કહું તો અંશને પિન મારવાની થાય કે જોયું, તમારી દીદીને વહુ આગળ આવે એ પસંદ જ નથી!’ 
‘ચૂંટણી આમ નણંદ-ભોજાઈને સામસામા પક્ષમાં મૂકી દે એવું બીજે બનતું હશે. હું મારા ઘરમાં, મારા ગામમાં તો ન જ બનવા દઉં! તું આજકાલની આવેલી અંશુને પઢાવી શકતી હોય તો હું તો તેના જનમથી સાથે છું!’

‘ઠીક છે.’ રેવાએ મણમણનો નિ:સાસો નાખ્યો, ‘નેહાલીએ તારા પહેલાં મને કહ્યું હોત અંશુ તો હું મિતાલીનું નામ મૂકત જ નહીં, પણ ખેર હવે ભલે મારું વેણ ફોક થતું, ગામવાળા બહુ-બહુ તો બે-ચાર કૂથલી કરશે, હું પરિવારવાદને પ્રોત્સાહન આપું છું એવું કહેશે, મને મારા જ વચનની કિંમત નથી કહી બદનામ કરશે, પણ ભલે, નેહાલીની ખુશી માટે મને બદનામી પણ મંજૂર છે.’
‘અરે, હોતું હશે!’
રેવાએ ધાર્યું’તું એમ જ અંશુ ઊછળ્યો, ‘તારી બદનામીમાં નેહાલી નિમિત્ત બને? અસંભવ!’
નેહાલીને કપાળ કૂટવાની ઇચ્છા થઈ. રેવાને અર્થપૂર્ણ નજરે નિહાળી : ‘તમે પાક્કાં ખેલાડી નીકળ્યાં. મારા જ પ્યાદાને મારી વિરુદ્ધ વાપરો એવાં!’
‘દીદીની રેપ્યુટેશનના ભોગે સરપંચપદ નહીં હોય એ તો નેહાલી પણ સમજેને.’
‘અફકોર્સ!’ નેહાલી બીજું શું કહે?

- ‘ત્યારે તો મને હતું કે સરપંચવાળી વાત ત્યાં જ પતી ગઈ, પણ મારી સામે જંગે ચડી હોય એમ તંત છોડે એ નેહાલી શાની?’
હળવો નિ:સાસો નાખી રેવાએ કડી સાંધી -
‘હજી બે દિવસ પહેલાંની જ વાત. સમી સાંજે ઉપસરપંચ ઠાકોરકાકા ઘરે આવ્યા. આધેડ વયના ઠાકોરકાકા નિષ્ઠાવાન કર્મશીલ હતા. તેમણે અણધાર્યો પ્રસ્તાવ મૂક્યો - ‘રેવા, સરપંચ માટે મિતાલીનું નામ પડતું મૂકીએ તો?’
રેવા ચમકી. તીરછી નજરે રસોડામાંથી ઠાકોરકાકા માટે ચા-નાસ્તો લાવતી નેહાલીને નિહાળી લીધી : ‘તેનો મલકાટ કહે છે કે આમાં તેનો જ હાથ છે!’
‘શું છે કે મુંબઈના એક અજાણ દાતા તરફથી દસ લાખનું માતબર દાન મળે એમ છે... શરત એટલી જ કે સરપંચપદનો ઉમેદવાર તેમના દ્વારા સૂચિત થયેલી સન્નારી હોય.’
‘અચ્છા. ના, નેહાલીના પેરન્ટ્સ સાલસ છે, દીકરીની રમતમાં સામેલ થાય એવા નથી. આ તો નેહાલી જ પતિનો પૈસો પિતાના નામે વાપરી પોતાનો માર્ગ મોકળો કરવા માગે છે! અત્યારે તો ઠાકોરકાકાને આનો અંદાજ નથી, પણ દાતા તરીકે નેહાલીના પિતાનું નામ આવશે ને તેઓ દીકરીને સરપંચપદે જોવા માગે છે એ જાહેર થતાં એવું જ માનશેને કે રેવાના ઘરની વહુ યા વેવાઈ સોદેબાજ નીકળ્યાં!’ 

‘અહં, નેહાલી પોતાનું કે પિતાનું નામ બગડવા દે એવી કાચી નથી. આ આખો કારસો છે! એક વાર મિતાલીનું નામ પાછું લેવાય કે નેહાલી ફરી અંશુને આગળ કરી તેનું નામ મુકાવવા અડી બેસે અને હું મારા જ ઘરની વહુનું નામ મૂકું તો ઠાકોરકાકા દાન-બાન ન ગણકારે એટલે ૧૦ લાખ દેવાના પણ ન થાય ને મને માત આપ્યાનુ બહાનું મળે એ જ આશય હશેને નેહાલીનો?’  
- ‘નહીં, હવે નેહાલીની નિયતના વિચારોમાં અટવાતા રહી ગૂંચવણ-મૂંઝવણ વધારવી નથી, આમાંથી માર્ગ એક જ વ્યક્તિ સુઝાડી શકે... આશ્રય!‘
- અને રેવાએ વિચારમેળો સમેટીને આશ્રયને ફોન જોડ્યો : ‘તમને મળવું છે... ના ઘરે નહીં. વાત જ એવી છે કે મા જાણશે તો ચિંતા કરવા માંડશે. આપણે મન ખોલીને વાત કરી શકીએ એવી કોઈ એકાંત જગ્યાએ મળીએ? આપણી સ્કૂલના પાછલા હિસ્સામાં - નદીકાંઠે મળીએ?’

રેવાની રૂમ આગળથી પસાર થતી નેહાલીને જૅકપૉટ લાગ્યો : ‘હું આ શું સાંભળું છું! દીદી આશ્રયને એકાંતમાં મળવા માગે છે? મતલબ, આશ્રય સાથે તેમનું લફરું હશે? એવું જ હોય, તો જ તો અંશુને ઍક્ટર બનતો રોકવા દીદી આશ્રય પાસે દોડી જાય, અમારાં લગ્નમાં આશ્રય તરફથી મોટો વહેવાર હોય... બન્ને પાછાં વાંઢાં, તેમની શારીરિક જરૂરિયાતો આમ ચોરીછૂપી સંતોષાતી હોય... ઓહોહો, આજે આવો જ કોઈ રંગીન નઝારો સર્જાવાનો હોય તો-તો તું રેવા સામેનો જંગ જીતી જ ગઈ એમ માની લે, નેહાલી!’ 

lll આ પણ વાંચો :  દર્દ-બેદર્દ (પ્રકરણ - ૩)

‘હવે તમે જ કહો આશ્રય, અંશુ સાથે આ બધું ચર્ચવાનું હું ટાળતી રહી છું એ મારી ભૂલ નથીને? સમજાતું નથી, નેહાલીને મારી સાથે દુશ્મની શું છે?’
રેવાએ આશ્રયના ખભે માથું ઢાળ્યું. તેને હળવી ભીંસ આપીને આશ્રયે રેવાનું કપાળ ચૂમ્યું. ‘અમને તો રેવા તરફથી કહેણ લઈને આવવાના ઇશારાની ઇન્તેજારી હતી. હવે સમજાય છે કે રેવા ક્યાં મૂંઝાણી-અટવાણી છે! નેહાલી આમ તો ડાહી છે અંશુ, પણ પાત્રપસંદગીમાં થાપ ખાય એવો નથી, પોતાને માટે દીદી શું છે એ તો અંશુએ નેહાલીને ભલીભાંતિ સમજાવ્યું જ હશે...’
અને આશ્રયના ચિત્તમાં પ્રકાશ પથરાયો, ‘તારી સાથે નેહાલીની દુશ્મનીનું એક કારણ છે - અંશુ!’
‘હેં!’ 

‘નેહાલી કોઈ પણ હિસાબે અંશુની નજરમાં તને ભૂંડી ઠેરવી, અંશુ માટે તારી જે લાર્જર ધૅન લાઇફ ઇમેજ છે એને તોડવા માગે છે. કેમ કે તે ચાહે છે અંશુને, ને એટલે જ પોતાનો પતિ પોતાના સિવાય કોઈ અન્યને - ભલેને પોતાની દીદીને જ - પોતાનાથી ઊંચું સ્થાન આપે એ ખમાતું નહીં હોય તેનાથી.’
‘ઓહ...’ 
‘સમસ્યાનું મૂળ પકડાયું એટલે એનો ઇલાજ પણ હોવાનો... બસ તું ત્યાં સુધી ધીરજ ન ગુમાવતી.’
આશ્રયના સધિયારાએ રેવા નચિંત થઈ.
ત્યારે જાણ નહોતી કે સામેની ઝાડીમાં છુપાઈ નેહાલી તેમના સ્નૅપ્સ લઈ રહી છે! શ્રવણમર્યાદા બહાર હોવાને કારણે નેહાલીને તેમની વાતો ન સંભળાઈ, તેમની ચેષ્ટામાં ક્યાંય કશું અશ્લીલ કે અરુચિકર નહોતું, પણ નેહાલી માટે તો આટલુંય પૂરતું હતું!

- અને બીજી સવારે રેવાને આશ્લેષમાં લઈ આશ્રય તેનું કપાળ ચૂમતો હોય એ ફોટો પર ‘નીતિવાન સરપંચનાં છાનગપતિયાં, એકાંતમાં ભડકે બળતાં બે બદન!’નું મથાળું બાંધી પ્રિન્ટ કાઢી. ખાખી પરબીડિયા પર ‘શુભચિંતક તરફથી રવાનગી’ના હેડિંગ નીચે અંશુનું અમદાવાદનું સરનામું પણ ટાઇપ કરી કવર બીડ્યું. કુરિયરમાં કવર લેનારો ગવાહી દઈ શકે, પોસ્ટના ડબલામાં ક્યારે કોણે ટપાલ નાખી એ કોણ જોવા ગયું? 
‘ત્રણ-ચાર દિવસમાં કવર અંશુના હાથમાં આવશે એ પછી જુઓ ધમાકો!’ 
અને નેહાલીએ વિજયના ખુમાર સાથે પત્ર વલસાડની મુખ્ય પોસ્ટ-ઑફિસના લાલ ડબ્બામાં સરકાવી દીધો.

વધુ આવતી કાલે

columnists Sameet Purvesh Shroff