બાત નિકલેગી તો ફિર...સાપોલિયાથી વિકરાળ હોય છે શંકા (પ્રકરણ- ૩)

24 April, 2024 05:30 AM IST  |  Mumbai | Rashmin Shah

તું ડિવૉર્સ લેવા માગે છે કે પછી તારે એ સંબંધ પૂરો કરાવીને નવી શરૂઆત કરવી છે?

ઇલસ્ટ્રેશન

‘રાજીવની વાઇફનું બિહેવિયર જ અમને નજીક લઈ આવવાનું કામ કરતું હતું જે મેં અને રાજીવ બન્નેએ જોયું છે અને એટલે જ તને કહું છું કે તું સીધી શંકાઓ કરવાને બદલે તારા દિમાગની સ્લેટ બ્લૅન્ક કરીને રવિ સાથે વાત કર.’

‘વાત પછી, પહેલાં તું બધાં પ્રૂફ તો જોઈ લે...’ પાસે પડેલી ફાઇલમાંથી સંધ્યાએ બીજાં પેપર્સ હાથમાં લઈને અનુષાની સામે મૂક્યાં, ‘આ જોયા પછી તું વધારે આર્ગ્યુમેન્ટ નહીં કરે...’

અનુષાએ પેપર્સ હાથમાં લીધાં અને એના પર નજર કરતાં જ તેની આંખો પહોળી થઈ ગઈ...

‘આ... આ તો...’

‘હું એ જ કહું છું.’ સંધ્યાએ ચોખવટ કરી, ‘આ નેહા સાથેની રાજીવની ચૅટ છે, વાંચ...’

જે પેપર્સ આપવામાં આવ્યાં હતાં એમાં સામાન્ય ટેક્સ્ટ-ફૉર્મેટમાં પણ ચૅટ લખાયેલી હતી તો સાથે ચૅટના સ્ક્રીનશૉટ પણ લીધા હતા. ચૅટમાં આમ તો કંઈ લાંબી વાતો નહોતી, પણ થયેલી એ વાતોમાં કેટલીક જગ્યાએ જે સંબોધન કરવામાં આવ્યું હતું એ ખચકાટ આપી જાય એવું હતું.

‘ડોન્ટ વરી બેટા, આઇ ઍમ ધેર...’ રવિએ એક જગ્યાએ લખ્યું હતું, ‘પૈસાનું ટેન્શન કરવાની જરૂર નથી. બસ, દીકરાની તબિયત સચવાયેલી રહે એ જોવાનું છે.’

સામેથી પુછાયેલી વાતના જવાબમાં એક જગ્યાએ રવિએ હદ કરી નાખી હતી. રવિએ લખ્યું હતું, ‘જરૂર પડ્યે કિડની આપી દઈશ, પણ દીકરાને કંઈ થવા નહીં દઉં. આઇ પ્રૉમિસ.’

‘હવે છે તારી પાસે કોઈ આર્ગ્યુમેન્ટ?’ સંધ્યાએ દાંત કચકચાવીને પૂછ્યું, ‘ક્યારની તું એક જ વાત કરે છે કે રવિ એવો નથી, પણ વાત અહીં સુધી પહોંચી છે અને હું આજ સુધી અંધારામાં રહી અને એ પણ માત્ર તેના પર ટ્રસ્ટ રાખીને.’

‘હા, પણ મને એક વાત કહીશ...’ અનુષાના હાથમાં હજી પણ પેપર્સ હતાં, ‘આ ચૅટ તને કેવી રીતે મળી?’

ચૅટ સાથે રાખવામાં આવેલા સ્ક્રીનશૉટની જે સાઇઝ હતી એના પરથી ખબર પડતી હતી કે એ મોબાઇલ પરથી લેવામાં આવ્યા હશે અને એટલે જ અનુષાને આ વિચાર આવ્યો હતો. જો લૅપટૉપમાં વેબ વૉટ્સઍપ ચાલુ હોય અને રવિ આઘોપાછો થયો હોય તો કોઈ પણ એ ચૅટ જોઈ શકે, પણ મોબાઇલ કેવી રીતે સંધ્યાના હાથમાં આવ્યો હશે?

‘મોબાઇલમાંથી જ લીધી બધી ચૅટ... તે શાવર લેવા ગયો હતો ત્યારે.’

‘રવિનો મોબાઇલ લૉક નથી હોતો?’

‘ના, ક્યારેય નહીં... તે મોબાઇલ હંમેશાં ઓપન જ રાખે છે.’ સંધ્યાએ જવાબ આપી દીધો, ‘હું તેના ફોનને ક્યારેય ટચ કરતી નથી એની તેને ખબર છે એટલે ઓવર-કૉન્ફિડન્સમાં એ રહી ગયો હશે.’

‘જો હું પુરુષોને ઓળખું છું... જે પુરુષો મોબાઇલને લૉક નથી રાખતા એ પુરુષોની લાઇફમાં કશું છુપાવવા જેવું હોતું નથી.’

‘કૉન્ફિડન્સ અને

ઓવર-કૉન્ફિડન્સ વચ્ચે બહુ પાતળી ભેદરેખા હોય છે.’ સંધ્યાની વાતમાં વાજબી તર્ક હતો, ‘રવિને આજ સુધીમાં એવો કૉન્ફ‌િડન્સ આવી ગયો હતો કે હું તેના મોબાઇલને ટચ નથી કરતી એટલે તે સિમ્પલ રીતે જ પોતાનો મોબાઇલ પડ્યો રહેવા દે છે... આ બધું ચાલતું હતું એ વખતે તેને મનમાં આવ્યું હશે કે જો હવે તે લૉક કરશે તો મને શક જશે એટલે તેણે મારો કૉન્ફિડન્સ અકબંધ રાખ્યો અને એમાં આ ચૅટ મારા હાથમાં આવી ગઈ.’

‘તેં તેનો મોબાઇલ ચેક શું

કામ કર્યો?’

‘બસ, એ જ જોવા માટે કે એમાંથી કંઈક મળી જાય છે કે નહીં?’

‘જો હજી પણ હું રવિની સાઇડ લઈને વાત કરું તો તને ખરાબ ન લાગવું જોઈએ, પણ મારી વાત એટલી છે કે આપણે રવિને બચાવનો એક પણ ચાન્સ ન આપીએ અને જ્યારે સામેવાળાને બચાવનો ચાન્સ ન આપવો હોય ત્યારે તમારે દરેક ડાઉટફુલ મૅટર સૌથી પહેલાં ચેક કરી લેવી જોઈએ.’ લૉનું એજ્યુકેશન અનુષાને યાદ આવ્યું, ‘તું હજી પણ રવિને એક વખત પૂછી લે. આ બધાં પ્રૂફ તારી પાસે સંતાડી રાખ, પણ એક વખત રવિ સાથે વાત કર... બને કે આ વખતે રવિ તને બધી વાત સાચે જ કરી દે અને જો એ વાત સાચી કરે તો તું બધું સમજવાની કોશિશ કરજે કે આવું થયું શું કામ?’

‘ધાર કે એવું ન થયું તો...’

‘હં...’ જવાબ નહોતો એટલે અનુષાએ સહજ રીતે જ કહી દીધું, ‘તો આપણે ફરીથી વાત કરીશું અને જરૂર લાગશે તો આપણે રાજીવને પણ ઇન્વૉલ્વ કરીશું. મે બી આપણને કોઈ સ્ટ્રૉન્ગ પ્રૂફ મળી જાય.’

‘આનાથી વધારે કેટલાં સ્ટ્રૉન્ગ પ્રૂફ આપણને જોઈએ હવે?’ સંધ્યાની વાત ખોટી પણ નહોતી, ‘તે કોઈ બીજી છોકરીને સતત પૈસા મોકલે છે, તેની સાથેની ચૅટ પણ આપણને પકડાય છે... અરે, તે ચૅટમાં બાળકની વાત કરે છે એ પછી પણ તું હજી સ્ટ્રૉન્ગ પ્રૂફની વાત કરે છે?!’

‘જો સંધ્યા, તને મારા પર વિશ્વાસ હોય તો મારું કહ્યું માન...’ અનુષાએ કહ્યું, ‘એક વખત રાજીવ સાથે વાત કરી જો, પછી આપણે ફરી મળીએ...’

નાછૂટકે સંધ્યાએ અનુષાની વાત સ્વીકારી લીધી.

જતી વખતે અનુષાએ તાકીદ

પણ કરી.

‘આજ સુધી તેં જે રીતે વાત મનમાં રાખી છે એમ જ તારે વાતને મનમાં રાખવાની છે... સહેજ પણ એવું લાગવું ન જોઈએ કે તું ઇન્ક્વાયરી કોઈ જુદા કારણે કરે છે.’

નીરસ મન સાથે સંધ્યાએ હા પાડી અને એ જ રાતે તેણે અનુષાએ સૂચવેલો રસ્તો પણ અપનાવી લીધો.

‘રવિ, હજી કેટલો વખત સૅલેરી ઓછી આવવાની છે?’

‘એ તો કેવી રીતે ખબર પડે?!’ રવિએ ન્યુઝપેપરમાંથી નજર હટાવી, ‘કંપનીની ફાઇનૅન્શિયલ કૅપેસિટી પર બધું ​ડિપેન્ડ છે... પણ બને કે કદાચ છ-આઠ મહિનામાં બધું રાબેતા મુજબ થઈ જાય, પણ આપણે તૈયારી તો આ જ સૅલેરીની રાખવાની.’

‘તું મને ઍન્યુઅલ મીટિંગમાં લઈ ગયો એ સમયે યાદ છે તારા કંપનીના MD બોલ્યા હતા કે...’

‘એ જને, કંપની પ્રૉફિટ કરે છે અને બોનસ પણ આપવાની છે...’ રવિના ચહેરા પર કૉન્ફિડન્સ હતો, ‘એ

સમયે અમે બધા પણ એ જ વિચારતા હતા કે જો એવું જ હોય તો સૅલેરીમાં ​રિફ્લેક્ટ કેમ નથી થતું. અમે HRને પણ મળી આવ્યા.’

‘પછી શું થયું?’

રવિ ચૂપ થયો એટલે સંધ્યાએ પ્રશ્ન પૂછ્યો.

‘કંઈ નહીં... કહી દીધું કે મીડિયાની પ્રેઝન્સ હતી એટલે એવાં સ્ટેટમેન્ટ્સ કંપનીએ કરવાં પડે... બાકી કંપની અત્યારે લૉસમાં જ છે, ટર્નઓવર પણ ઘટ્યું છે...’

‘આવું ખોટું?!’

સંધ્યાને બન્ને બાબતોથી રવિનો વિશ્વાસ નહોતો આવ્યો. એક તો તેને કારનામાની ખબર હતી એટલે પણ અને બીજું એ કે

કૉર્પોરેટ સેક્ટરમાં આ સ્તર પર હળાહળ જૂઠું બોલવામાં આવે.

‘મને તો માનવામાં નથી આવતું.’

‘અમને પણ વિશ્વાસ નહોતો આવ્યો, પણ પછી અમને કહ્યું કે ફૉરેન કોલૅબરેશનમાં મોટું ફન્ડ આવવાનું છે એટલે અકાઉન્ટમાં જગલરી ચાલતી હોય, જેમાં આ પ્રકારનાં સ્ટેટમેન્ટ્સ પણ કરવાં પડે...’

પતિ રવિમાં પહેલી વાર સંધ્યાને સ્ટોરીટેલર જોવા મળ્યો અને એ સ્ટોરીટેલરે સંધ્યાના મનમાંથી રવિને વધારે નીચે ઉતારી નાખ્યો.

‘તું રાજીવને લઈને હવે ક્યારે આવે છે?’ બીજી સવારે સંધ્યાએ અકળામણ સાથે અનુષાને ફોન કર્યો, ‘હું... હું આ માણસ સાથે હવે રહેવા નથી માગતી... હળાહળ જૂઠું બોલે છે અને જૂઠું બોલવામાં તેને શરમ પણ નથી આવતી.’

‘તું શાંત થા... હું રાજીવ સાથે વાત કરીને તને કહું, આપણે ક્યારે મળીએ છીએ.’

થોડી જ મિનિટોમાં સંધ્યાનો ફોન આવી ગયો.

‘આપણે સાંજે ચાર વાગ્યે મળીએ... રાજીવ સીધો આવે છે, હું ઑફિસથી તારે ત્યાં પહોંચીશ...’

‘જુઓ તમે બન્ને... મને પર્સનલી લાગે છે કે રવિ ક્યાંક તો અટવાયો છે.’

બધાં પ્રૂફ અને સંધ્યા-અનુષા પાસેથી આખી વાત સાંભળીને રાજીવ તારણ પર આવ્યો.

‘મને એવું પણ લાગે છે કે તે પોતાની ઇચ્છાથી જ અટવાયેલો છે. એ વિના તેણે ચૅટમાં જે પ્રકારના ડાયલૉગ્સ લખ્યા છે એવા ડાયલૉગ્સ ન હોય. મને લાગે છે કે હવે સંધ્યા તારે...’ રાજીવે સહેજ ઊંડો શ્વાસ લીધો, ‘તારે નક્કી કરવાનું છે કે તું શું સ્ટૅન્ડ લેવા માગે છે, તારે કઈ દિશામાં આગળ વધવું છે?’

સંધ્યાની આંખો સહેજ ભીની થઈ, પણ એમ છતાં રાજીવે વાત ચાલુ રાખી.

‘તું ડિવૉર્સ તરફ જવા માગે છે કે પછી તારે એ રિલેશન પૂરા કરાવીને નવેસરથી શરૂઆત કરવી છે? જો તું નવી શરૂઆત કરવા માગતી હોય તો એ પણ વિચારવાનું છે કે રવિ એના માટે કેટલો તૈયાર છે? બને કે તે તૈયાર ન હોય...’

‘હું એવું નથી માનતી...’ અનુષાએ પહેલી વાર ખુલ્લા મને પોતાનો ઓપિનિયન આપ્યો, ‘પર્સનલી મને લાગે છે કે રવિ બન્ને દિશામાં પગ રાખવા માગે છે. તે સંધ્યાને છોડવા નથી માગતો અને પેલી કોણ છે...’

‘નેહા...’

રાજીવે નામ યાદ દેવડાવ્યું એટલે અનુષા તેના પર ગુસ્સે થઈ.

‘તને બહુ ઝડપથી નામ યાદ

રહી ગયુંને?’

‘આપણે ટૉપિક પર ડિસ્કસ કરીએ, નહીં તો વાત ખોટી બગડી જશે.’ કડક શબ્દોમાં રાજીવે કહી દીધું અને સાથોસાથ તેણે વાતની કન્ટિન્યુટી પણ યાદ દેવડાવી, ‘રવિ સંધ્યાને છોડવા નથી માગતો અને...’

‘નેહાને પણ છોડવા નથી માગતો.’

‘પૉસિબલ છે, જે પ્રકારે અત્યાર સુધી બધું ચાલતું રહ્યું છે એ જોતાં મને લાગે છે કે રવિ નથી સંધ્યાથી દૂર થઈ શકતો કે નથી તે પેલી નેહાથી દૂર જવા માગતો.’ રાજીવે ચોખવટ પણ કરી લીધી, ‘એવું થવા પાછળનું કારણ મને લાગે છે ત્યાં સુધી એક જ હોય. બન્ને જગ્યાએ તે બાપ છે અને એટલે જ તે બેમાંથી એક પણ જગ્યા છોડવા માટે મનથી તૈયાર નહીં થતો હોય.’

‘તો હવે કરવું શું?’

‘કહ્યું એમ સંધ્યાએ પહેલાં નક્કી કરવાનું છે કે તે શું કરવા માગે છે? બધું ભૂલીને રવિ સાથે રહી શકશે કે પછી રવિને છોડીને એકલી રહેવા તે તૈયાર છે.’

અનુષાએ સંધ્યાની સામે જોયું અને સંધ્યા ધ્રુસકે-ધ્રુસકે રડી પડી.

આવી સિચુએશન આવે એવું તેણે કલ્પનામાં પણ નહોતું વિચાર્યું. આંખમાંથી વરસતાં એ આંસુ રવિ અને પોતાની ​રિલેશનશિપની મજબૂતીને ધોવાનું કામ કરતાં રહ્યાં અને રાજીવ-અનુષાએ તેને રડવા દીધી. ઘણી વખત આંસુ અસ્પષ્ટ માનસિકતાને ચોખ્ખી કરવાનું કામ કરી જાય છે.

‘જો તારે અત્યારે કોઈ નિર્ણય નથી લેવાનો, તું શાંતિથી વિચારવાનો સમય લે.’ છૂટા પડતી વખતે રાજીવે સંધ્યાને કહ્યું, ‘જરૂર પડે તો બે-ચાર દિવસ તું તારા પેરન્ટ્સને ત્યાં જા અને ત્યાં જઈને શાંતિથી વિચાર કર...’

‘હું બહુ જલદી નિર્ણય લઈ લઈશ...’

‘લાશ અને બગડેલા સંબંધો બન્ને સરખા...’ રાજીવે સંધ્યાના માથા પર હાથ મૂક્યો, ‘એમાંથી દુર્ગંધ આવતાં વાર ન લાગે... જેટલો ઝડપથી એનો નિકાલ થાય એ બધાના બેનિફિટમાં રહેશે... તારા અને કિયાના પણ અને રવિના પણ...’

હોઠ ભીડીને સંધ્યાએ વાત સમજી ગયાના ભાવ સાથે હકારમાં માથું નમાવ્યું, પણ તેની આંખો ફરી ભીની થઈ ગઈ હતી.

(ક્રમશ:)

columnists life and style Rashmin Shah