બાત નિકલેગી તો ફિર...સાપોલિયાથી વિકરાળ હોય છે શંકા (પ્રકરણ- ૨)

23 April, 2024 05:41 AM IST  |  Mumbai | Rashmin Shah

અનુષાની નજર ઝૂકી ગઈ, સંધ્યાને પણ સમજાઈ ગયું કે તેણે મોટી ભૂલ કરી નાખી

ઇલસ્ટ્રેશન

‘રવિ, આવું કેમ બને?’ સંધ્યાએ સહેજ સંકોચ સાથે પૂછ્યું, ‘પહેલાં તું ૧૦,૦૦૦ ઓછા આપતો, હવે ૧૫,૦૦૦... મને થોડી...’

‘ખેંચ પડે છે?’ સંધ્યા જવાબ આપે એ પહેલાં જ રવિએ કહ્યું, ‘એવું હોય તો હું પાર્ટટાઇમમાં કંઈક શોધીશ... તું ટેન્શન નહીં કર.’

‘અરે ના... એવું નથી. બધું મૅનેજ થઈ જાય છે.’

વાત સાચી પણ હતી. સંધ્યા બધું મૅનેજ કરી જ લેતી હતી અને ૧૫,૦૦૦ ઓછા આવવાથી લાઇફસ્ટાઇલમાં પણ કોઈ ફરક નહોતો પડવાનો. જોકે મનમાં જે વિચાર હતો એના માટે તેને શબ્દો નહોતા મળતા.

‘હું તને કેવી રીતે સમજાવું?’ સંધ્યાએ પ્રયાસ કર્યો, ‘મને પૈસાનું ટેન્શન નથી. મને તારું... તારું

ટેન્શન છે.’

‘અરે, એમાં મારું શું ટેન્શન કરવાનું?’ રવિએ હસતાં-હસતાં કહ્યું, ‘મસ્ત મૂડ છે અને અલમસ્ત શરીર છે. ​રિલૅક્સ.’

‘તું ક્યાંક કોઈ સટ્ટામાં... આઇ મીન, સ્ટૉકમાર્કેટમાં તો કંઈ નથી કરતોને?’

‘બિલકુલ નહીં...’ રવિએ સંધ્યાના માથા પર હાથ મૂક્યો, ‘તને ખબર છે કે લાઇફમાં એક જ વાર ટ્રાય કરી અને એ સમયે તેં આપેલા ૧૦,૦૦૦માંથી બહુબધા પૈસા કમાઈ લીધા અને પછી એ ગુમાવી પણ દીધા... છેલ્લે ૧૦,૦૦૦ વધ્યા અને તને એ પાછા આપી દીધા. એ પછી શૅરબજાર તરફ ક્યારેય જોયું પણ નથી.’

‘તો પછી આ દર મહિને ૧૦,૦૦૦ અને ૧૫,૦૦૦ રૂપિયા સૅલેરીમાં ઓછા...’ સંધ્યાને ખરેખર પૈસાની આવી વાત કરતાં ખચકાટ થતો હતો, ‘જો મને બહુ શરમ આવે છે કે હું તારી પાસે પૈસાનો હિસાબ લઉં છું, પણ મારે મનમાં કંઈ નથી રાખવું એટલે પૂછું છું. એવું કંઈ હોય અને તારે ન કહેવું

હોય તો...’

‘તું છેને નાહકનું આગળનું વિચારીને ટેન્શન કરે છે.’ રવિ ઊભો થઈને સંધ્યાની પાસે આવ્યો, ‘તને ખબર છે કે કોવિડ પછીના લૉકડાઉનમાં બધી ઇન્ડસ્ટ્રીની શું હાલત હતી?’

‘હં...’

‘તને એ પણ ખબર છે કે વર્ક

ફ્રૉમ હોમમાં એ સમયે પંદર ટકા

સૅલેરી ઓછી આપવાનો પણ ઑર્ડર થયો હતો...’

‘હા, યાદ છે...’ સંધ્યાએ તર્ક લડાવ્યો, ‘એ પછી હવે તો બધું નૉર્મલ છે.’

‘બે વાત છે. કાં તો ખરેખર નૉર્મલ છે અને કાં તો કંપનીને એ સમયે રડવાની જે આદત પડી છે એ હજી સુધી એ કન્ટિન્યુ રાખવા માગે છે. આફ્ટરઑલ, સેવિંગ્સ એ પણ એક પ્રકારનો પ્રૉફિટ જ છે.’ રવિએ ચોખવટ કરી, ‘મૅનેજમેન્ટનું કહેવું છે કે હજી કંપની પ્રૉપર ટ્રૅક પર નથી આવી એટલે થોડો સમય દરેકની સૅલેરીમાંથી આ રીતે પૈસા કપાશે. બધાએ સાથે મળીને HR ડિપાર્ટમેન્ટ સાથે વાત પણ કરી, પણ... યુ બેટર નો, HR નામ પૂરતું જ એમ્પ્લૉઈઝનું વિચારતો હોય છે. અલ્ટિમેટલી તો એને મૅનેજમેન્ટનું જ હિત જોવાનું હોય એટલે એણે પણ એ જ વાત કરી કે કંપની લૉસમાં છે એટલે સૅલેરી તો કટ થશે.’

‘ઓહ...’ સંધ્યાને રાહત થઈ, ‘પહેલાં કહ્યું હોત તો હું વિચારવાનું બંધ કરી દેત.’

‘મને થોડી

ખબર કે તું વિચારે પણ છે...’

સંધ્યાએ હસતાં-હસતાં જ રવિના ગાલ પર ટપલી મારી અને એ દિવસે ચૅપ્ટર ક્લોઝ થઈ ગયું.

‘એ પછી મારા મનમાં તો આ જ વાત હતી; પણ અનુષા, રવિની કંપનીની ઍન્યુઅલ મીટિંગની તને સ્ટાઇલ ખબર છે. મેં તને વાત કરી છે.’

‘હા... ફૅમિલી મેમ્બર્સે ઍન્યુઅલ મીટિંગમાં કમ્પલ્સરી હાજર રહેવાનું...’

‘યસ, ઍન્યુઅલ મીટિંગમાં હું ગઈ ત્યારે શૉક્ડ થઈ ગઈ.’ સંધ્યાએ એ સાંજ યાદ કરતાં કહ્યું, ‘હોટેલ લીલામાં એ ઍન્યુઅલ મીટ હતી અને મારા મનમાં એ જ વાત હતી કે કંપની જો લૉસ કરે છે તો પછી શું કામ આ પ્રકારના ખર્ચા કરે છે. મેં રવિ સાથે વાત પણ કરી તો રવિએ મને સમજાવ્યું કે મે બી એવું હોય કે બધા ફૅમિલી મેમ્બર્સ આવવાના હોય તો એ લોકોને મજા આવે એટલે આવું પ્લાનિંગ કરતા હશે...’

‘માર્કેટ ફરીથી ઊભા થવાની ટ્રાય કરે છે, લૉકડાઉનની અસર હજી પણ દેખાય છે એવા સમયે પણ આપણી કંપની ગ્રો કરે છે જેની ક્રેડિટ કંપનીના એકેએક એમ્પ્લૉઈને જાય છે. તેમનું હાર્ડ વર્ક જ કંપનીની સ્ટ્રેન્થ છે અને કંપની હંમેશાં હાર્ડ વર્કને ધ્યાનમાં લેતી રહી છે. આ જ કારણ છે કે લૉકડાઉનના ​પિરિયડને બાદ કરતાં આપણે ક્યારેય કંપનીના એક પણ કર્મચારીની સૅલેરી કટ નથી કરી.’

સ્ટેજ પરથી મૅનેજિંગ ડિરેક્ટરે ઑડિયન્સમાં રહેલા સ્ટાફ પર નજર ફેરવી. સંધ્યાને આ સ્પીચમાં કોઈ ઇન્ટરેસ્ટ નહોતો. તે રવિના બીજા કલીગની વાઇફ સાથે વાતો કરતી હતી, પણ અચાનક કાનમાં આ શબ્દો જતાં તેના કાન સરવા થયા અને વાતો અટકાવીને તેણે સ્ટેજ તરફ નજર કરી.

‘ઇન્ડસ્ટ્રીની ઑલમોસ્ટ નેવું ટકા કંપનીઓ સૅલેરી કટ કરતી હતી ત્યારે પણ આપણી કંપની પૂરી સૅલેરી કરતી રહી. કંપનીએ બન્ને વર્ષ ૨૦ પર્સન્ટ બોનસ પણ આપ્યું અને ઍવરેજ આઠ પર્સન્ટ ઇન્ક્રીમેન્ટ પણ બન્ને વર્ષે આપ્યું...’

અહીં, સ્ટેજ પરથી જે સંભળાય છે એના કરતાં તો રવિ સાવ જુદી

જ વાત...

સંધ્યાનું દિમાગ ચકરાવે ચડ્યું. જોકે તે વધારે કંઈ વાત કરે એ પહેલાં તો તેની ફ્રેન્ડ બની ગયેલી રવિના કલીગની વાઇફ તેને લઈને ત્યાંથી રવાના થઈ ગઈ. જોકે સંધ્યાના મનમાં તો એ વાત ફેવિક્વિકની બૂંદની જેમ ચોંટી ગઈ હતી.

‘પછી તેં રવિ સાથે વાત કરી?’

માથું ધુણાવીને સંધ્યાએ ના પાડી અને પછી તરત જ સ્પષ્ટતા પણ કરી દીધી...

‘ફ્રૅન્ક્લી સ્પીકિંગ, હું તેને શરમજનક અવસ્થામાં મૂકવા નહોતી માગતી.’

‘સારું કર્યું... પૈસાની બાબતમાં પુરુષો જેટલા સામેથી ખૂલે એ જ સારું. બાકી આ એક બાબત એવી છે જેમાં મેલ-ઈગો બહુ સ્ટ્રૉન્ગ હોય છે.’ અનુષાએ જવાબ આપીને તરત મૂળ વાતનું અનુસંધાન પણ જોડ્યું, ‘આ આખી વાતમાં ક્યાં એવું કંઈ આવે છે કે તારે રવિ પર શક કરવો પડે? બને કે પૈસા તેને પોતાને જોઈતા હોય, બને કે તેને કહેવામાં સંકોચ થતો હોય કે પછી ન પણ કહેવું હોય... તું કારણ વિના...’

‘ના, કારણ છે...’ સંધ્યાએ ધીમેકથી કહ્યું, ‘કારણ વિના નહીં, કારણ સાથે મેં તને કહ્યું કે રવિને કોઈની સાથે એક્સ્ટ્રા-મૅરિટલ રિલેશન છે.’

‘તું પણ છેને... આ ડેઇલી સોપ્સ જોવાની બંધ કર. તારા મનમાં ટીવી-સિરિયલને કારણે જ આવી વાતો ભરાઈ છે.’

‘એવું નથી અનુષા... ખરેખર કહું છું. રવિને કોઈની સાથે અફેર છે.’

‘એવું ન બને. તું સમજ તો ખરી. તે મૅરિડ છે...’

અનુષાએ તર્ક લડાવ્યો કે તરત સંધ્યાએ તેની સામે જોયું...

‘રાજીવ પણ મૅરિડ છેને?!’

અનુષાની નજર ઝૂકી ગઈ. ઝૂકેલી એ નજર સાથે જ સંધ્યાને પણ સમજાઈ ગયું કે તેણે મોટી ભૂલ કરી નાખી. સંધ્યા કશું કહે, બોલે કે માફી માગે એ પહેલાં જ અનુષાએ મૅચ્યોરિટી દેખાડી...

‘સાચી વાત છે... મારે એવો બાયસ ન રાખવો જોઈએ. આપણે રવિની વાત કરીએ, પણ એ વાત પહેલાં હું તને એટલું તો કહીશ જ કે હું પુરાવા વિના તારી વાત નહીં માનું.’

‘છે પુરાવા...’

બાજુમાં પડેલી ડાયરી હાથમાં લઈ સંધ્યાએ એમાંથી પેપર્સ કાઢીને અનુષા તરફ લંબાવ્યા. પેપર હાથમાં લીધા પહેલાં જ એના પર રહેલું કોટક બૅન્કનું નામ અનુષાએ વાંચી લીધું અને એટલે અનુમાન પણ લગાડી લીધું કે એ રવિના અકાઉન્ટનું સ્ટેટમેન્ટ હશે.

અનુષાએ પેપર હાથમાં લીધા અને એના પર નજર ફેરવી. આંખો પેપર પર હતી પણ તેના કાન સંધ્યાના શબ્દો પર હતા.

‘જો તું, જેટલી લાઇન મેં હાઇલાઇટ કરી છે એ બધી લાઇનનો ફિગર તું વાંચી લે.’

‘હં...’

‘એ બધેબધામાં એક જ ફિગર છે અને એ બધા એક જ અકાઉન્ટમાં રવિએ ટ્રાન્સફર કર્યા છે.’ સંધ્યા બોલતી જતી હતી, ‘એ જ લાઇનમાં તું જો. મેં રેડ હાઇલાઇટરથી જે માર્ક કર્યું છે એ નામ વાંચ...’

‘નેહા જોષી...’ નામ વાંચીને અનુષાએ સંધ્યાની સામે જોયું,

‘કોણ છે?’

‘શું તુંય ગાંડા જેવા સવાલ કરે છે...’ સંધ્યાની જીભ પર કડવાશ આવી ગઈ, ‘તે જેની સાથે રવિનું અફેર ચાલે છે.’

‘તું નથી ઓળખતી આ નામની કોઈ વ્યક્તિને?’

‘ક્યારેય નહીં...’

‘મને લાગે છે કે તારે સીધું જ વિચારી લેવાને બદલે બહેતર છે કે તું રવિને પૉઇન્ટ બ્લૅન્ક રીતે પૂછી જ લે કે કોણ છે આ નેહા?’ જવાબ આપ્યા પછી અનુષાએ ફરી એક વાર મૅચ્યોરિટી દેખાડી, ‘હું હજી પણ કહીશ કે તારે સીધો આક્ષેપ તો ન જ કરવો જોઈએ. વાત વિના, પુરાવા વિના આ પ્રકારના બ્લેમ ભવિષ્યમાં ​રિલેશન પર ખરાબ અસર ઊભી કરી શકે છે... સો બેટર છે કે તું...’

‘જો અનુષા, મને અત્યારે એક પણ પ્રકારના જ્ઞાનની જરૂર નથી...’ સંધ્યાની હવે ધીરજ ખૂટતી હતી, ‘કાં તો તું પૂરી વાત સાંભળ અને કાં તો તું પહેલાં તારા બનાવેલા ભાઈનો પક્ષ લઈ લે.’

‘હું પક્ષ નથી લેતી... જે કહું છું એ સાચું કહું છું અને...’ અનુષાએ સહજ રીતે જ કહ્યું, ‘રાજીવના અનુભવ પરથી કહું છું.’

‘આમાં રાજીવ ક્યાંય વચ્ચે

આવતો નથી...’

‘આવે છે અને કદાચ આ જ કારણોસર આવે છે.’ અનુષાએ ફ્લૅશબૅકમાં જઈને વાત શરૂ કરી, ‘તને યાદ છેને, એક સમયે હું અને રાજીવ માત્ર ફ્રેન્ડ્સ હતાં.’

‘તારે તેની સાથે શું છે એ બધી મને ખબર છે...’ પાડોશી સાંભળે એ સૂરમાં જ રાજીવની વાઇફે વાત ચાલુ રાખી, ‘મને ધીમું બોલવાનું કહીને તું તારાં પાપ છુપાવવાનું બંધ નહીં કર...’

‘જો વંદના, હું હજી પણ કહું છું કે અમે જસ્ટ ફ્રેન્ડ્સ છીએ.’

‘ઓહ, જસ્ટ ફ્રેન્ડ્સ?!’ વંદનાએ રાજીવને ધક્કો માર્યો, ‘આપણે જોવા ગયા હતા એ ફિલ્મમાં તો શાહરુખ કહેતો હતોને, એક લડકા ઔર એક લડકી કભી દોસ્ત નહીં હો સકતે...’

‘એ ફિલ્મ હતી... આ

રિયલિટી છે.’

‘​રિયલિટી પરથી જ ફિલ્મ બને...’ વંદનાએ અનુષાનું નામ લીધા વિના જ કહી દીધું, ‘તે છોકરી તો ગણતરીબાજ છે. તારા જેવા મોટી પોઝિશનવાળાને ફસાવીને તે પોતાની કરીઅર સુધારવા માગે છે. ઓળખું છું હું આવી છોકરીઓને...’

સટાક...

રાજીવથી હાથ ઊપડી ગયો,

પહેલી વાર.

‘રાજીવની વાઇફનું બિહેવિયર જ અમને નજીક લઈ આવવાનું કામ કરતું હતું... જે મેં અને રાજીવ બન્નેએ જોયું છે અને એટલે જ તને કહું છું કે તું સીધી શંકાઓ કરવાને બદલે તારા દિમાગની સ્લેટ બ્લૅન્ક કરીને રવિ સાથે વાત કર.’

‘વાત પછી, પહેલાં તું બધાં પ્રૂફ

તો જોઈ લે.’

સંધ્યાએ વધુ એક પ્રૂફ સામે ધર્યું અને અનુષાની આંખો પહોળી થઈ ગઈ.

 

(ક્રમશ:)

columnists life and style Rashmin Shah