ધ ગૉડ

16 December, 2022 10:19 AM IST  |  Mumbai | Rashmin Shah

‘તમે તો એ ગણપતિદાદાને ચડાવ્યો હતોને?’ પપ્પાએ જેવી હા પાડી કે તરત જ બાળ દયાનંદે કહ્યું, ‘તો તો હવે પાક્કું, ઉંદરનો વારો નીકળી જશે. ગણપતિદાદા એને સીધોદોર કરી નાખશે’

ધ ગૉડ

‘મને કંતારા દેખાડજો હોં...’ 
હાથમાં સ્કૂલ બુક લઈને ભણતાં-ભણતાં જ ઢબ્બુએ પપ્પાને કહ્યું અને પપ્પાની આંખો પહોળી થઈ. એવું તે સ્કૂલ બુકમાં શું હોય કે ઢબ્બુને મલયાલમ ફિલ્મ ‘કાંતારા’ યાદ આવી? સામાન્ય રીતે માત્ર સુપરહીરો અને ઍનિમેશન ફિલ્મ જોતા ઢબ્બુએ ક્યારેય કોઈ નૉર્મલ કે મસાલા હિન્દી ફિલ્મ જોવાની ડિમાન્ડ કરી હોય એવું બન્યું નહોતું. હા, રોહિત શેટ્ટીની ફિલ્મ આવે ત્યારે પપ્પા-મમ્મી સાથે તે જોવા જાય. પોલીસ ફોર્સ આધારિત એ ફિલ્મોમાં ઢબ્બુને બહુ મજા આવતી પણ ‘કંતારા...’
‘કેમ, તારે કંતારા જોઈને શું કરવું છે?’
‘હા, કંતારા...’ ઢબ્બુએ ચોખવટ કરી, ‘ત્યાં દયાનંદ સરસ્વતીનો બર્થ થયો છે એટલે...’
અને પપ્પાની સાથોસાથ મમ્મીને પણ હસવું આવી ગયું.
‘કંતારા નહીં, ટંકારા... એ ટંકારા નામનું એક નાનકડું વિલેજ છે.’
‘હા તો એ... મારે એ જોવું છે.’ ઢબ્બુએ સ્કૂલ બુકમાં જ વાંચ્યું હતું કે ટંકારા રાજકોટની નજીક આવ્યું, ‘રાજકોટ જઈએ ત્યારે આપણે કંતારા...’
‘ટંકારા...’

‘હા, ત્યાં જઈશું.’
‘પ્રૉમિસ... જઈશું આપણે ટંકારા. ત્યાં દયાનંદ સરસ્વતીનું ઘર પણ છે અને દયાનંદ સરસ્વતી જ્યાં ભણ્યા એ સ્કૂલ પણ છે.’
‘તમે જોયું છે ટંકારા?’ 
ઢબ્બુની જિજ્ઞાસા વધી ગઈ હતી.
‘હા, નાનો હતો ત્યારે જોયું છે, પણ પછી બહુ જવાનું બન્યું નથી.’
‘એ પપ્પા...’ સ્કૂલ બુક પડતી મૂકીને ઢબ્બુ પપ્પા પાસે આવી ગયો, ‘આ દયાનંદજી ભગવાનની પૂજા શું કામ નહોતા કરતા?’
‘એની પાછળ તેમની લાઇફનો એક કિસ્સો બહુ ઇન્ટરેસ્ટિંગ છે...’
‘ખબર છે તમને?’ પપ્પાએ હા પાડી કે તરત ઢબ્બુ પપ્પાની બાજુમાં ગોઠવાઈ ગયો, ‘મને કરોને એ વાત...’
‘એય, પહેલાં એક્ઝામની તૈયાર કરો... જાઓ.’
મમ્મીએ ઢબ્બુને ટોક્યો એટલે ઢબ્બુએ તરત જ સ્કૂલને સ્ટોરી સાથે જોડી દીધી.
‘મારે આ દયાનંદ સરસ્વતીનો એસે જ તૈયાર કરવાનો છે. પપ્પાની સ્ટોરીમાંથી હું એ વાત વધારે સારી રીતે સમજીશ...’ જાણે કે પપ્પા સ્ટોરી કહેવા માટે રાજી જ હોય એમ ઢબ્બુ પપ્પા સામે ફર્યો, ‘સ્ટાર્ટ કરો...’
‘હંમ...’ 

જે કારણસર ઢબ્બુએ સ્ટોરી સાંભળવાનું કહ્યું હતું એ કારણ વધારે ઇમ્પોર્ટન્ટ હતું એટલે પપ્પાએ વધારે રકઝક કરી નહીં. આમ પણ તે માનતા કે ભણતર કરતાં ગણતર વધારે મહત્ત્વનું છે એવા સમયે સ્કૂલે પોતાની એજ્યુકેશન સિસ્ટમમાં ચેન્જ લાવવો જોઈએ.
‘દયાનંદ સરસ્વતી ટંકારા ગામમાં જન્મ્યા હતા.’ પપ્પાએ પૂછ્યું, ‘કયા ગામમાં જન્મ્યા હતા?’
‘કંતારા...’ ખોટું બોલ્યો છે એ જાણીને ઢબ્બુની જીભ બહાર નીકળી ગઈ અને તેણે તરત સુધારો કર્યો, ‘તંકારા...’
‘ટંકારા... ટપાલીનો ટ. ટીથનો ટ...’
‘હા, ટં... કા... રા...’
એકેક શબ્દ છૂટા પાડી ગામનું નામ ઢબ્બુ સાચું બોલ્યો એટલે પપ્પાએ સ્ટોરી આગળ વધારી.
‘દયાનંદ સરસ્વતીના પપ્પા મહાદેવ શંકરના બહુ મોટા ભક્ત. તેમના દિવસની શરૂઆત દરરોજ મંદિરે જઈને જ થાય.’
‘પપ્પા ભક્ત અને દીકરો ભગવાનમાં માને નહીં...’
‘ના, એવું નથી.’ પપ્પાએ ચોખવટ કરી, ‘દયાનંદ સરસ્વતી ભગવાનમાં માનતા પણ તે મૂર્તિપૂજામાં માનતા નહીં અને તે શું કામ માનતા નહીં એ જ વાત અત્યારે તને કહેવાનો છું.’
‘ઓકે...’
‘દયાનંદ દરરોજ જુએ કે પપ્પા રોજ સવારે મંદિર જાય છે. એક દિવસ તેણે પણ પપ્પાને કહ્યું કે મને પણ સાથે લઈ જાઓ...’
lll

દયાનંદ સરસ્વતીના પપ્પા ખુશ થઈ ગયા કે આઠ વર્ષનો દીકરો આજે સામેથી મંદિર આવવાનું કહે છે. તેણે તરત જ દયાનંદને સરસ મજાનો નવડાવી દીધો અને પછી તૈયાર કરીને મંદિરે સાથે લીધો. બાળ દયાનંદ તો રાજી-રાજી થઈ ગયા કે આજે તે મંદિરે જાય છે, તેને ત્યાં દર્શન કરવા મળશે અને પછી સરસ મજાનો પ્રસાદ ખાવા મળશે.
દયાનંદને લઈને તેના પપ્પા રસ્તા પરથી પસાર થતા જાય. ગામના લોકો તેમને મળતા જાય અને બધાની સામે તે ‘મહાદેવ હર’નો નાદ આપતા જાય.
દીકરાને લઈને સૌથી પહેલાં તે ઊભા રહ્યા એક દૂધની દુકાને. ત્યાંથી તેમણે દૂધ લીધું એટલે દીકરાએ પૂછ્યું,
‘દૂધ કેમ? આપણા ઘરે તો આવી ગયું છે દૂધ...’
‘મહાદેવને ચડાવવા માટે...’
‘કેમ મહાદેવને ચડાવવાનું?’
‘મહાદેવ રાજી થાય એટલે?’
દીકરાના મનમાં બીજા અનેક પ્રશ્નો હતા પણ તે ચૂપ રહ્યો અને પપ્પા સાથે આગળ વધતો ગયો. તેનું મન તો બસ એક જ વાતમાં અટકેલું હતું,
આજે પ્રસાદ ખાવા મળશે.

પપ્પા થોડા આગળ વધ્યા કે એક સરસ મજાની કંદોઈની દુકાન આવી એટલે તે ફરી ઊભા રહ્યા અને ત્યાંથી તેમણે લાડુ ખરીદ્યા.
દીકરાને એમ કે હમણાં લાડુ તેને આપશે પણ ના, પપ્પાએ લાડુનું પૅકેટ પોતાની પાસે રાખ્યું અને દીકરાની આંગળી પકડીને તે મંદિર તરફ આગળ વધવા માંડ્યા.
‘લાડુ કોના માટે?’ દીકરાએ અનુમાન બાંધીને જવાબ પણ આપી દીધો, ‘મારા માટે છેને...’
‘હા પણ પહેલાં ગણેશજીને...’ દીકરાના નૉલેજમાં વૃદ્ધિ કરતાં પપ્પાએ કહ્યું, ‘ગણેશજીને લાડુ બહુ ભાવે.’
‘મને પણ બહુ ભાવે.’
દયાનંદે જે લાડ સાથે પપ્પાને કહ્યું એ જોઈને તેમના પપ્પાને દીકરાને લાડુ આપવાનું મન તો થઈ આવ્યું પણ પછી તરત જ મનોમન નક્કી કર્યું કે પાંચ મિનિટમાં તો આમ પણ મંદિર આવી જવાનું છે તો પછી ભગવાન સામે પહેલાં ધરવાનો ભાવ મનમાંથી કાઢવો એ ગેરવાજબી કહેવાય.
‘થોડીક રાહ જોવાની છે બેટા. હમણાં ગણપતિદાદાને લાડુની પ્રસાદી આપી દઈએ પછી બીજો લાડુ તને આપીશ હં...’
બાળ દયાનંદ તો રાજી થતાં પપ્પાની આંગળી પકડીને આગળ વધતા રહ્યા અને પપ્પા પણ દીકરાને લઈને મંદિરની દિશામાં આગળ ધપતા ગયા. 
lll

બાળ દયાનંદ અને તેના પપ્પા થોડું ચાલ્યા અને મંદિર આવ્યું. 
દયાનંદ એ જ રીતે બધું કરતા ગયા જે રીતે પપ્પા કરતા જતા હતા.
પપ્પાએ મંદિરમાં દાખલ થતાં પહેલાં પગથિયા પર મસ્તક નમાવ્યું એટલે દયાનંદે પણ એમ જ કર્યું.
મંદિર શિવજીનું હતું. ગર્ભદ્વારમાં મોટું શિવલિંગ હતું તો આ જ મંદિરની જમણી બાજુએ ગણેશજીનું પણ મંદિર હતું. 
પપ્પા પહેલાં શિવલિંગ પાસે ગયા અને ત્યાં જઈને પગે લાગીને તેમણે શિવજીને સહેજ દૂધ ચડાવ્યું અને પછી બાકી બચેલા દૂધનો લોટો દયાનંદને હાથમાં આપ્યો અને તેના હાથે પણ શિવજીને દૂધ ચડાવ્યું. બીલીપત્ર દયાનંદના હાથમાં આપ્યું અને તેને એ કેવી રીતે ચડાવવાનું હોય એ પણ શીખવ્યું.
દયાનંદે એ બધું કર્યું પણ તેનું ધ્યાન તો પેલા લાડુમાં જ હતું.
શિવજીની પૂજા કરતાં પપ્પાને દયાનંદે ધીમેકથી પૂછ્યું,
‘લાડુનો વારો ક્યારે...’
‘હમણાં અહીં પૂજા પૂરી થઈ જાય પછી.’
શિવજીની પૂજા જેવી પૂરી થઈ કે દયાનંદ પપ્પાની આંગળી પકડીને આગળ ચાલવા માંડ્યો, તેમને ખબર હતી કે હવે ગણેશજીના મંદિરે જવાનું છે.

બાપ-દીકરો બન્ને ગણેશજી પાસે પહોંચ્યા એટલે દયાનંદ સરસ્વતીના પપ્પાએ સાથે લીધેલા લાડુમાંથી એક લાડુ કાઢીને ગણેશજીના પગ પાસે મૂક્યો અને ગણેશજીની સામે આંખ બંધ કરી હાથ જોડીને ઊભા રહ્યા, પણ બાળ દયાનંદની આંખો ખુલ્લી હતી. એ તો પેલા લાડુ સામે જ જોતા હતા.
શુદ્ધ ઘીના એ લાડુમાં કાજુ, બદામ, પિસ્તાં અને કિસમિસ નાખ્યાં હતાં, જે લાડુની ઉપરની સપાટી પર પણ દેખાતાં હતાં. લાડુમાંથી ઘીની સુગંધ પણ ભરપૂર છૂટતી હતી અને એ સુગંધ જ દયાનંદને એ લાડુ તરફ લલચાવતી હતી.

lll આ પણ વાંચો પેશન્સ

લાડુ તરફ એકધારું જોતા દયાનંદનું ધ્યાન અચાનક જ બહાર ચક્કર મારતા ઉંદર તરફ ગયું અને તેને મજા આવી ગઈ. ઉંદર તેની સામે જોતો હતો અને પછી નજર ફેરવીને લાડુને જોતો હતો. બાળ દયાનંદ એમ જ સ્થિર ઊભા રહ્યા એટલે જાણે કે ઉંદરમાં હિંમત આવી ગઈ હોય એમ એ સડસડાટ દોડતો મંદિરમાં દાખલ થઈ ગયો.
મંદિરમાં દાખલ થઈને ઉંદર પહેલાં તો મૂર્તિની પાછળની બાજુએ જઈને સંતાઈ ગયો. થોડી વાર સુધી બહારની બાજુએ કોઈ હિલચાલ થઈ નહીં એટલે ઉંદરે ધીમેકથી મોઢું બહાર કાઢ્યું અને પછી ફટાફટ એ લાડુ પાસે પહોંચી ગયો અને લાડુ ખાવા લાગ્યો.

ઉંદરને લાડુ ખાતો જોઈને બાળ દયાનંદને બહુ નવાઈ લાગી. તેને પપ્પાના શબ્દો યાદ આવી ગયા. હજી હમણાં રસ્તામાં જ પપ્પાએ કહ્યું હતું,
‘થોડીક રાહ જોવાની છે... હમણાં ગણપતિદાદાને લાડુની પ્રસાદી આપી દઈએ પછી બીજો લાડુ તને આપીશ...’
રાહ જોવાનું તો ઠીક, ઉંદરે તો ગણપતિદાદાને પૂછ્યું પણ નહીં અને તેમને ધરાવ્યો હતો એ પ્રસાદ એ સીધો જ ખાવા માંડ્યો.
બાળ દયાનંદે ભગવાન સામે જોયું. ભગવાનના ચહેરા પર કોઈ ભાવ નહોતા એટલે હવે તેમણે પપ્પાની સામે જોયું.
પપ્પા હજી પણ આંખ બંધ કરીને પ્રાર્થના કરતા હતા. 
પપ્પાની પ્રાર્થના પૂરી થાય ત્યાં સુધી રાહ જોવાની હતી પણ નસીબજોગે એ પ્રાર્થના અડધી જ મિનિટમાં પૂરી થઈ. જેવી પપ્પાએ આંખ ખોલી કે તરત જ બાળ દયાનંદે તેમને પેલો ઉંદર દેખાડ્યો.

‘આ જુઓ બાપુજી...’ તેમનો હાથ ઉંદર તરફ હતો, ‘ઉંદર ગણપતિદાદાનો પ્રસાદ ખાય છે.’
પપ્પાએ એ તરફ જોયું અને ફક્ત સ્માઇલ કર્યું.
‘તમે તો એ ગણપતિદાદાને ચડાવ્યો હતોને?’ પપ્પાએ જેવી હા પાડી કે તરત જ બાળ દયાનંદે કહ્યું, ‘તો તો હવે પાક્કું, ઉંદરનો વારો નીકળી જશે. ગણપતિદાદા એને સીધોદોર કરી નાખશે.’
‘ના, એવું ન હોય...’
‘હોય જને, તમે તો લાડુ દાદાને ચડાવ્યો છે તો પછી એ દાદાથી એવું તો ન ચલાવી લેવાયને...’ બાળ દયાનંદ જબરદસ્ત ઉત્સાહમાં હતા, ‘ગણપતિદાદા ઉંદરને પૂંછડીથી પકડાવીને ઊંધો લટકાવશે.’
‘ના, એવું એ ન કરી શકે...’
‘કેમ?’
આ ‘કેમ?’નો જવાબ તો દયાનંદના પપ્પા પાસે નહોતો એટલે તે ચૂપ રહ્યા અને પછી એનો જવાબ દયાનંદના બાળ માનસે શોધ્યો.

lll આ પણ વાંચો : શિકારી ખુદ યહાં... (પ્રકરણ ૩)

‘શું હતો એ જવાબ?’ 
‘એ જ કે મંદિરમાં જે હતા એ ભગવાન નહોતા. એ બીજા પથ્થર જેવો પથ્થર જ હતો, એનાથી કોઈને સજા કે આશીર્વાદ આપી શકાય નહીં. થોડાક મોટા થયા પછી દયાનંદજીએ આ સવાલનો જવાબ શોધવા માટે બીજાની હેલ્પ લીધી અને એ હેલ્પ પછી તેમણે મૂર્તિપૂજાનો વિરોધ કર્યો એટલું જ નહીં, તેમણે લાઇફમાં ક્યારેય કોઈ જાતની મૂર્તિપૂજા કરી નહીં.’
પપ્પા પોતાના શબ્દોમાં બહુ સાવચેત હતા. ઢબ્બુ પોતાની જાતે કોઈ અર્થનો અનર્થ ન કરી બેસે એની સાવચેતી તેણે રાખવાની હતી.
‘એનો અર્થ બિલકુલ એવો નહીં કે તે ભગવાનમાં નહોતા માનતા. ભગવાન માટે તેમને શ્રદ્ધા હતી પણ તે પ્રકૃતિમાં ભગવાનને જોતા, નેચરમાં તે ઈશ્વરને શોધતા અને માણસમાં રહેલી સારપને તે ભગવાન તરીકે જોતા.’
‘હંમ...’

‘મૉરલ ઑફ ધ સ્ટોરી...’ પપ્પાએ કહ્યું, ‘ભગવાનમાં માનો; પણ જે ઈશ્વર તમને જુએ છે, જે ભગવાનને તમે અનુભવી શકો છો એ ભગવાન, એ ઈશ્વરમાં માનો. જો તમે મૂર્તિની પૂજા ન કરી શકતા હો તો વાંધો નહીં, પણ માણસમાં રહેલા ભગવાનનો અનાદર ક્યારેય કરો નહીં.’

lll આ પણ વાંચો : શિકારી ખુદ યહાં... (પ્રકરણ ૪)

‘હેલો...’ વીક પછી એક દિવસ બપોરે મમ્મીએ પપ્પાને ફોન કર્યો, ‘કૅન યુ ઇમૅજિન, ઢબ્બુને ગુજરાતી એસેમાં કેટલા માર્ક્સ આવ્યા? ટેન આઉટ ઑફ ટેન. તેં કરી હતી એ દયાનંદ સરસ્વતીની આખી સ્ટોરી ઢબ્બુએ પેપરમાં લખી અને ટીચર બહુ ઇમ્પ્રેસ થયા. ટીચરે મને પણ ફોન કરીને કહ્યું કે દયાનંદ સરસ્વતીની લાઇફની આ વાત તો અમને પણ ખબર નહોતી. અમારે પણ હવેથી ઘરે સ્ટોરી સાંભળવા આવવું પડશે.’
‘ઘરે શું કામ?’ પપ્પાએ સ્માઇલ સાથે કહ્યું, ‘ટીચર સારી હોય તો તેને ઑફિસનું ઍડ્રેસ જ આપી દે...’
‘તારે ઘરે નથી આવવું લાગતું!’ 
મમ્મીએ દાંત કચકચાવ્યા અને પપ્પા હસી પડ્યા.

સંપૂર્ણ

columnists Rashmin Shah