ધ લીડ (પ્રકરણ ૪)

25 May, 2023 12:29 PM IST  |  Mumbai | Rashmin Shah

‘નહીં સાહેબ નહીં... બધેબધું કહી દઉં. મેં જ મારી છે મારી છોકરીને...’ આગળની વાત સાંભળીને ત્યાં હાજર રહેલા સૌકોઈ ધ્રૂજી ગયા, ‘આ તો તમે આવી ગ્યા. નહીં તો આવતા અઠવાડિયે હું મારી વાઇફને પણ મારવાનો હતો...’

ધ લીડ (પ્રકરણ ૪)

‘હજી સુધી બહાર આવ્યો નથી... પણ છે ઘરમાં, ગૅરન્ટી.’ જયદેવને કહી પણ દીધું, ‘તેની વાઇફ બહાર આવીને ક્યાંક ગઈ, પણ નારાયણ અંદર જ છે...’
‘બીજું કોણ છે ઘરમાં?’
‘નારાયણ અને તેની સાળી...’ જયદેવે કહ્યું, ‘બીજા જે કોઈ હતા તે બધા તો રાતે જ નીકળી ગયા અને એ સમયે તો તું પણ હતો...’
‘હં...’ સોમચંદે દાંત ભીંસ્યા, ‘કદાચ બીજું પ્રાણી પણ હાથમાં આવ્યું...’
‘સમજાયું નહીં...’
જવાબ આપ્યા વિના જ સોમચંદે ફોન કટ કરી નાખ્યો. હવે તેના મનમાં આખી ઘટના આકાર લેવા માંડી હતી અને સોમચંદના સદનસીબે બે કલાકમાં એ આખી ઘટના સામે પણ આવી ગઈ.
lll

‘મારો નહીં સાહેબ...’
‘તો ફાટ મોઢામાંથી જલદી...’ સોમચંદે વધુ એક તમાચો નારાયણના ગાલ પર જડ્યો, ‘શું બન્યું હતું?’
‘ખરેખર, એવું કંઈ...’
સટાક...
નારાયણના ગાલ પર પડેલો આ સાતમો તમાચો હતો. દશકાથી વર્કઆઉટ કરતા સોમચંદના હાથની હથેળી હાથીની ચામડી જેવી ભારેખમ થઈ ગઈ હતી. સાતમી થપ્પડ સાથે નારાયણનો ડાબી બાજુનો હોઠ ફાટી ગયો.

‘જોઈ લે અહીં... બધાને જોઈ લે.’
નારાયણે નજર ફેરવી. પોલીસ સ્ટેશનના એ ડાર્કરૂમમાં નારાયણ બરાબર મધ્યમાં હતો અને તેની એક્ઝૅક્ટ સામે ભીંતભર એક ટેબલ પડ્યું હતું. એ ટેબલ પર ગઈ કાલે ઘરે આવેલા મ્યુનિસિપાલટીના વૉટર વર્ક્સ ડિપાર્ટમેન્ટના અધિકારી અને તેમની સાથે અન્ય બે જણ બેઠા હતા. તેમનું લંચ ચાલતું હતું અને પોતાની રાડો કે ચીસોથી એ કોઈને ફરક નહોતો પડતો. નારાયણની ડાબી બાજુએ પાંચેક ફુટના અંતરે એક ચૅર હતી, જેના પર પણ કોઈ બેઠું હતું. તેનો હાથ મોબાઇલની સ્ક્રીન પર ફરતો હતો. થોડી-થોડી વારે તેના મોબાઇલમાંથી વિડિયોનો અવાજ આવતો હતો. વચ્ચે એક વખત નારાયણના મોઢામાંથી ઊંચા અવાજની ચીસ નીકળી ગઈ ત્યારે તે માણસે ઊભા થઈને નારાયણને લાત મારી હતી... ‘અવાજ ધીમો... મને ડિસ્ટર્બ થાય છે.’
‘આ કોઈ એટલે કોઈ...’ નારાયણની હડપચી પકડીને સોમચંદે તેનો ચહેરો પોતાની તરફ કર્યો, ‘મદદમાં નહીં આવે અને સ્મશાને લઈ જવામાં પણ કામ નહીં લાગે. જે કંઈ બોલવું હોય એ ફટાફટ બોલ, નહીં તો હવે...’
સોમચંદે પીઠ પાછળ બેલ્ટમાં ખોસી રાખેલી રિવૉલ્વર બહાર કાઢીને નારાયણ સામે તાકી કે તરત જ નારાયણ ઊછળ્યો... ‘નહીં સાહેબ નહીં... બધેબધું કહી દઉં. મેં જ મારી છે મારી છોકરીને...’ આગળની વાત સાંભળીને ત્યાં હાજર રહેલા સૌકોઈ ધ્રૂજી ગયા, ‘આ તો તમે આવી ગ્યા. નહીં તો આવતા અઠવાડિયે હું મારી વાઇફને પણ મારવાનો હતો...’ નારાયણ કરગરવા માંડ્યો હતો...
‘મારી ભૂલ થઈ ગઈ સાહેબ. ક્યારેય આવી ભૂલ નહીં કરું...’

‘બહાર રાખું તો ભૂલ કરેને તું...’ સોમચંદનો ગુસ્સો હજી શાંત નહોતો પડ્યો, ‘હવે તો તારે સીધા ઉપર જવાનું છે...’ ‘રહેવા દયો સાહેબ, ભૂલ થઈ ગઈ...’ ‘શું કામ મારી દીકરીને?’ જયદેવે આવીને નારાયણના ગાલ પર પોતાનાં આંગળાંની છાપ છોડી, ‘શું કામ મારવાનો હતો તારી બૈરીને?’
‘પ્રેમ સાહેબ, પ્રેમ...’
એ પછીની જે વાત હતી એ ત્યાં હાજર હતા એ સૌકોઈની માટે ચિંતાજનક હતી.
lll

નારાયણ અને પાર્વતીનાં મૅરેજને પાંચ વર્ષ થયાં હતાં. આ પાંચ વર્ષની મૅરેજ લાઇફ પછી બન્નેને એક દીકરી હતી. નારાયણને હેલ્પફુલ થઈ શકાય એટલે પાર્વતી પણ કામ કરતી. ઘરની પાસે આવેલી અગરબત્તીની એક ફૅક્ટરીના પૅકિંગ વિભાગમાં તે સુપરવાઇઝર હતી. નારાયણ પણ આ જ કંપનીમાં હતો અને મુંબઈમાં તે અગરબત્તીનું માર્કેટિંગ કરતો.
આ મુંબઈ જ નારાયણને ખોટી દિશામાં ખેંચી જવાનું કામ કરી ગયું.
પાર્વતી મુંબઈની હતી. તેનાં મમ્મી-પપ્પા અને નાની બહેન સુનંદા મુંબઈમાં જ રહેતાં. દાદરમાં તેમનું સરસ ઘર હતું. સુનંદા નાની હતી, દેખાવડી હતી અને ફૅમિલીનું કોઈ રિસ્ટ્રિકશન હતું નહીં એટલે તે થોડી વધારે પડતી છેલબટાઉ થઈને ફરતી.

નારાયણ મુંબઈ આવ્યો હોય એવા સમયે પોતાના સાસરે જ રોકાતો. એને લીધે પાર્વતી પણ ખુશ રહેતી તો પાર્વતીનાં માબાપ પણ જમાઈ ઘરે રહેતા એ વાતથી રાજી હતાં. જોકે આ બધામાં સૌથી વધારે રાજી કોઈ હોય તો તે સુનંદા હતી. જીજુ સાથે સુનંદા છૂટછાટો લેતી અને એ છૂટછાટો નારાયણને પણ ગમતી.
પ્રામાણિક વિચારધારા ધરાવતાં માબાપ નારાયણ અને સુનંદાના આ સંબંધોમાં કોઈ જાતની અપવિત્રતા જોતાં નહીં. આ જ તો કારણ હતું કે સુનંદા પણ વારતહેવારે નારાયણને ત્યાં જવાનું કહેતી અને તેનાં પપ્પા-મમ્મી પ્રેમથી નાની દીકરીને મોટી દીકરીને ત્યાં મોકલી દેતાં. તે બન્ને રાજી થતાં કે નાની દીકરીને મોટી બહેન સાથે આટલું બને છે, પણ હકીકત જુદી હતી. હકીકત એ હતી કે સુનંદાને પાર્વતી કરતાં નારાયણ સાથે વધારે બનતું હતું અને એ જે વધારે બનતું હતું એમાં હવે મર્યાદાઓ પણ બન્ને ઓળંગવા માંડ્યાં હતાં. નાની ઉંમરે મળનારા સેક્સનો આનંદ અને મોટી ઉંમરે નાની વયની વ્યક્તિ સાથેનું સહશયન નારાયણ અને સુનંદાને બેલગામ બનાવવાનું કામ કરવા માંડ્યાં.
lll

‘તેણે જ મને કહ્યું કે આપણે લગ્ન કરી લઈએ...’ નારાયણે સોમચંદે સામે જોયું, ‘તે મારા વિના રહી શકતી નહોતી અને હું પણ... સાહેબ, તે પથારીમાં રીતસર ઉર્વશી બની જાય. એવું જ લાગે કે મને આખેઆખો ઓગળાવી દેશે.’
આજુબાજુમાં ઊભેલા પોલીસસ્ટાફને ભૂલીને નારાયણે આ વાત કરી અને એ વાત કરતી વખતે તેની આંખોમાં ફરી એક વાર હવસનાં સાપોલિયાં ફૂંફાડા મારવા માંડ્યા હતાં.
‘મારવાનો વિચાર કેમ કર્યો તેં?!’
‘મને મનમાં નહોતું કે હું મારી દીકરીને મારું. જોકે સુનંદા એવું કહેતી કે જો તારી વાઇફ બીજી કોઈ હોત તો હું તારી દીકરીને સાચવી લઉં, પણ તે મારી જ બહેનની દીકરી છે એટલે જ્યારે પણ તેને જોઈશ ત્યારે મને બહેન યાદ આવશે અને મારે એવું નહોતું થવા દેવું એટલે મેં જ તેની પાસે વાત મૂકી કે આપણે દીકરીને રસ્તામાંથી...’ આગળના શબ્દો નારાયણે પડતા મૂક્યા, ‘તે માની ગઈ...’
lll

વેકેશનનો સમય હતો. નારાયણે રજાનો લાભ લીધો અને દીકરીને નાના-નાનીને ત્યાં મૂકી આવવાની વાત કરી. પાર્વતી ગભરુ બાઈ. પતિ અને બહેનના આડા સંબંધોથી અજાણ એવી તે બિચારી શું વિચારવાની કે પતિના મનમાં જબરો ખેલ ચાલે છે.
પાર્વતી માની ગઈ એટલે ટિકિટ-બુકિંગનું કામ નક્કી થયું. પોતે સેલ્સમૅન હતો. એ પછી પણ નારાયણે રેલવે સ્ટેશન પર જઈને એવો જ દેખાવ કર્યો કે જાણે તે અભણ છે. આવું કરવાનો હેતુ તેનો એક જ હતો કે રિઝર્વેશન ફૉર્મમાં તેના હસ્તાક્ષર ન આવે.
ટિકિટ બુક થઈ ગઈ એટલે પાર્વતીએ સવારે જ મમ્મી-પપ્પાને ભાવતા બેસનના લાડુ અને દીકરીને રાતે સૂતી વખતે જે ઢીંગલીની જરૂર પડતી એ બન્ને બૅગમાં મૂકી દીધાં અને પછી પોતે જૉબ પર ચાલી ગઈ.

ઘરમાં એકલો રહેલો નારાયણ સાંજે ચાર વાગ્યા સુધી દીકરી સાથે રમ્યો અને એ પછી તેણે કોઈ પણ જાતના ખચકાટ વિના દીકરીનું ગળું દબાવીને તેનું ડેડ-બૉડી બૅગમાં ભરી દીધું. લાશ વાસ ન મારે એ માટે તેણે દીકરીના બૉડીની ફરતે કાંદા પણ ગોઠવી દીધા. પત્ની ઘરે પાછી આવે એ પહેલાં તેણે ઘરેથી નીકળી જવું હતું એટલે તે બૅગ લઈને રવાના થઈ ગયો અને પોતાના કાયમી પાનના ગલ્લાવાળાને ત્યાં બૅગ મૂકી દીધી, જે બૅગ તેણે રાતે આઠ વાગ્યે લઈ લીધી. બૅગ સાથે તેણે બીડીનાં બે પૅકેટ અને માચીસ પણ લઈ લીધાં, જેણે સોમચંદ શાહને લીડ અપાવવાનું કામ કર્યું.
બૅગ લઈને ટ્રેનમાં ગોઠવાયેલા નારાયણનો હાથ સતત ચાલતો હતો. તે એકધારી બીડી પીતો રહ્યો, જેને લીધે બાજુમાં બેઠેલા પૅસેન્જરને તકલીફ પણ પડી અને તેણે એ કહ્યું પણ ખરું. 
lll

નારાયણની બાજુમાં જેનો નંબર આવ્યો હતો એ પૅસેન્જરે પણ સોમચંદ અને જયદેવને સ્ટેટમેન્ટ આપ્યું કે નારાયણનું ધ્યાન સતત બૅગ તરફ હતું અને થોડી-થોડી વારે તે ઊંડા શ્વાસ લઈને વાસ ચેક કરતો હતો. શરૂઆતમાં તો બધાને આ વિચિત્ર લાગ્યું, પણ એ પછી બધાએ એવું ધારી લીધું કે આ નારાયણની આદત હશે જે સાઇનસને કારણે પડી હોઈ શકે છે.
કમ્પાર્ટમેન્ટમાંથી નારાયણ એવી રીતે બહાર નીકળ્યો જાણે તે કોઈની રાહ જોતો હોય. રાહ જોવાની ઍક્ટિંગ નારાયણ ઑલમોસ્ટ પાંચેક મિનિટ કરતો રહ્યો અને એવું કરતાં-કરતાં જ તે ધીમે-ધીમે બૅગ મૂકીને બહાર નીકળી ગયો. બહાર આવીને તે સીધો પોતાના સાસરે ગયો અને ત્યાં તેણે એ જ સ્ટોરી સંભળાવી જે સ્ટોરી સોમચંદને સંભળાવી હતી. જોકે નાના-નાનીને ટેન્શન ન થાય એ વાતની તેણે તકેદારી પણ રાખી હતી અને પોલીસ સ્ટેશને નહીં જવાની સૂચના આપીને તે સુનંદા સાથે વડોદરા પાછા આવવા માટે રવાના થઈ ગયો અને બીજા દિવસે સવારે સોમચંદ અને જયદેવ ત્યાં પહોંચી ગયા.

વેકેશનનો સમય હતો. નારાયણે રજાનો લાભ લીધો અને દીકરીને નાના-નાનીને ત્યાં મૂકી આવવાની વાત કરી. પાર્વતી ગભરુ બાઈ. પતિ અને બહેનના આડા સંબંધોથી અજાણ એવી તે બિચારી શું વિચારવાની કે પતિના મનમાં જબરો ખેલ ચાલે છે.

lll

નારાયણની ઓળખ સૌકોઈની પાસે કરાવવામાં આવી. વડોદરાની જોષી ફૅમિલીએ પણ નારાયણને ઓળખી બતાવ્યો તો સાથોસાથ ટિકિટ ક્લાર્કે પણ નારાયણને ઓળખી દેખાડ્યો.
‘હવે લઈને નીકળીએ...’
‘ના, હજી એક વ્યક્તિને લેવાની બાકી છે...’ સોમચંદે કહ્યું, ‘સુનંદાને લઈ લે...’
જોકે એ સોમચંદની મોટી ભૂલ હતી.
lll

‘બિલકુલ ખોટી વાત, આ માણસ ખોટું બોલે છે.’ સુનંદાએ નારાયણની હાજરીમાં જ કહી દીધું, ‘તે મારા પર લટ્ટુ હતો એની મને ખબર છે, પણ મેં દરેક વખતે મારી જાતને એનાથી બચાવી છે.’ 
‘તો તું અહીં શું કામ આવતી? વડોદરા તારા બાપનું શું દાટ્યું છે?’
‘મારી બહેનને હેલ્પ કરવા માટે. નાની દીકરી અને એમાં તેની જૉબ...’ સુનંદાએ પ્રૅક્ટિકલ વાત કરી, ‘તે ખેંચાઈ રહેતી એટલે મને પોતે જ કહેતી કે તું ફ્રી હો ત્યારે અહીં આવતી રહેજે...’
‘સાહેબ, આ ખોટું બોલે છે...’ નારાયણ ઊછળી પડ્યો, ‘તેણે જ મને કહ્યું હતું કે દીકરીનું કામ પૂરું થાય એટલે તું પાર્વતીને લઈને વિશ્વામિત્રી નદી ફરવા જજે અને ત્યાં પાછળથી ધક્કો મારી દેજે. તમને ખબર હોય તો વિશ્વામિત્રીમાં અઢળક મગર છે, એમાં પડનારો બચતો નથી...’

‘સાહેબ, આ વધારે પડતું ખોટું બોલે છે...’ સુનંદાએ દાંત કચકચાવ્યા, ‘મને... મને થાય છે કે આને એક ફડાકો...’
‘ગો અહેડ...’ સુનંદા સોમચંદ સામે જોઈ રહી એટલે સોમચંદે રિપીટ કર્યું, ‘જા, જઈને મારી લે... છૂટ છે.’
સુનંદાએ સહેજ વિચાર કર્યો 
અને પછી ધીમી અને દબાયેલી ચાલે આગળ વધી.
સટાક.
નારાયણની આંખો ફાટી ગઈ. સુનંદાએ મારેલી થપ્પડથી તેના ડાબા જડબાના બે દાંત હલી ગયા હતા.
lll

છ મહિના પછી...
‘પ્રત્યક્ષ કોઈ પુરાવો ન હોવાથી સુનંદા સામેના આરોપો સાબિત નથી થતા અને એ પુરવાર થાય છે કે નારાયણ તેને ખોટી ફસાવી રહ્યો છે.... નારાયણને આવી નિર્દય હત્યા માટે ૧૪ વર્ષની સજા ફરમાવવામાં આવે છે.’
‘સાચું શું સોમચંદ...’ ચુકાદા પછી જયદેવે સોમચંદને પૂછ્યું, ‘સુનંદા સાચી કે...’
‘ખોટી... તેને નારાયણ સાથે અફેર હતું જ, પણ તે માત્ર મજા કરતી. તે નારાયણ જેવા સાથે લાઇફટાઇમ રહેવા રાજી નહોતી...’ સોમચંદની આંખ સામે સુનંદાએ નારાયણને ફડાકો માર્યો હતો એ દૃશ્ય આવી ગયું, ‘સુનંદાએ મારેલી થપ્પડમાં ક્યાંય ભત્રીજીની મોતનો ગુસ્સો નહોતો, પણ એ થપ્પડમાં નારાયણ પોતાનું નામ બોલ્યો એ વાતની ખીજ વધારે હતી. બાકી સગી ભત્રીજી મરી હોય તે માસી દાખલ થતાંની સાથે બનેવીની ધોલાઈ કરી નાખે, મુરતની રાહ ન જુએ.’
સોમચંદે સંભાજી બીડી અને કપાસ માચીસનું બૉક્સ કોર્ટના પરિસરમાં રહેલી ડસ્ટબિનમાં ફેંક્યાં. હવે આ લીડની કોઈ જરૂર નહોતી.

સમાપ્ત

columnists Rashmin Shah