નામ-બદનામ (પ્રકરણ ૩)

29 March, 2023 10:39 AM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

‘આવી સહુલિયત તો કંપનીના એચઆર મૅનેજરથી માંડી યુનિટ હેડથી લઈ શેઠસાહેબ સુધીના આઠ-દસ જણને હોવાની... અનુરાગ શેઠે આવું કરવાની જરૂર ન હોય, તેમને બાકાત રાખીએ તો પણ આઠેક જણ તો લિસ્ટમાં રહ્યા’

નામ-બદનામ (પ્રકરણ ૩)

ગૅસ ગીઝરને કારણે દંપતી બેહોશ!
ગુરુની સવારના અખબારમાં છપાયેલા ખબરે અનુરાગ-કાવેરીને સહેજ અસ્વસ્થ કરી મૂક્યાં. 
‘રિપોર્ટમાં લખ્યું છે કે દેવલાલીના ‘કિરણછાયા’ અપાર્ટમેન્ટના ચોથા માળે ભાડે રહેતાં મિસ્ટર ઍન્ડ મિસિસ અતુલ્ય દવે વર્કિંગ કપલ છે અને અતુલ્ય દવે વાપીની કંપનીમાં મૅનેજર છે...’ કાવેરી અહેવાલ પર નજર ફેરવતી બોલી પડી.

‘જરૂર આ દોઢડાહ્યા સુદર્શનનું જ કામ. અતુલ્ય ક્યાં નોકરી કરે છે એ બધું તેણે કહેવાની શી જરૂર હતી!’ અનુરાગનું દિમાગ દોડવા લાગ્યું : ‘છાપામાં આવેલી માહિતીને અવગણી ન શકાય. આમ તો લોકલ કવરેજની વિગતો મુંબઈ-વાપી સુધી જવાના ચાન્સિસ નહીંવત્ ગણાય, પણ સોશ્યલ મીડિયાના જમાનામાં ખબર વાઇરલ થયા તો દુનિયાના ખૂણેખૂણે પહોંચી શકે! 
નંદિની જાણે તો તરત કહેવાની: ‘અતુલ્ય પરણ્યો ક્યારે? આપણને ઇન્વાઇટ પણ ન કર્યાં! 

અતુલ્યની છાપ મહેનતુ ઑફિસરની છે. નંદિની માંડ બે-ચાર વાર મળી હશે તેને તોય તેનાથી ઇમ્પ્રેસ્ડ છે. મને તો અતુલ્ય કેટલું માને છે! 
હવે, આ ખબર જો તેના સુધી પહોંચે તો તે ચૂપ નહીં રહે. અતુલ્ય પોલીસમાં તેના નામે થયેલી છેતરપિંડીની ફરિયાદ નોંધાવે તો અમારી બાજુ ખૂલતાં કેટલી વાર લાગે! 
નહીં, અતુલ્યને મૂળ સુધી પહોંચવા ન દેવાય!
‘કાવેરી, યુ ટેક કૅર ઑફ હીમ. અતુલ્ય સમક્ષ હું ખૂલી ન શકું.’ 

કાવેરીને અનુરાગની કન્સર્ન સમજાતી હતી. પોતાનું લફરું પત્ની સમક્ષ ઉઘાડું પડે એ કોઈ પતિ ક્યારેય ઇચ્છતો નથી. મને અનુરાગ તરફથી મળતી પ્લેઝર્સ ખપતી હોય તો એ માટે પણ આ અનુરાગને સાથ આપવાનો સમય છે. 
‘ડોન્ટ વરી, હું અતુલ્યને સંભાળી લઈશ.’
કાવેરીએ કહ્યું તો ખરું, પણ અતુલ્ય સાથેનો મેળાપ શું રંગ દેખાડશે એની કોને ખબર હતી?
lll

‘મા, હું આવી ગયો!’ 
શુક્રની બપોરે આંગણે રિક્ષા અટકી, માને સાદ દઈ અતુલ્યને રિક્ષામાંથી ઊતરતો ભાળી તારિકાનું મુખડું મલકાઈ ઊઠ્યું, પગ સામા ઘરે દોડી જવા આતુર બન્યા, પણ છેલ્લી ઘડીએ બ્રેક લાગી ગઈ, ‘પહેલાં જાણું તો, આખરે રાસ ક્યાં રમી આવ્યા?’
તારિકાએ હોઠ કરડ્યો.

ગઈ સાંજે વૉટ્સઍપ પર ફરતી-ફરતી ખબર આવી હતી : ‘વાપીની ફલાણી કંપનીના મૅનેજર અતુલ્ય દવે પત્ની સાથે બાથરૂમમાં નહાતા હતા ત્યાં ગૅસ ગીઝરમાં ગૅસ લીક થતાં બેહોશ બન્યા, વધુ સારવાર અર્થે નર્સિંગહોમમાં ખસેડાયા!’ 
ખબર વાંચીને સમસમી જવાયું. કંપનીના નામ સાથે, મૅનેજરની પોસ્ટ સાથેના ઉલ્લેખ પછી આમાં ઓળખની ગેરસમજનો અવકાશ જ નથી... છોગામાં અતુલ્યએ સ્ટે લંબાવ્યો એનું કારણ પણ બંધ બેસતું થાય છે : ‘નર્સિંગહોમમાં સારવાર લેતો માણસ કઈ રીતે ઘરે આવી શકે?’

અલબત્ત, અતુલ્ય પરણ્યા ન જ હોય, પણ મિસિસ તરીકે કોઈ પણ યુવતીને લઈ જઈને દેવલાલીમાં રંગલીલા આચરવાનું ઠેકાણું રાખ્યું એ તો પાકુંને! ને અમને તીરથ જવાના નામે ભોળતાં રહ્યાં! હાય રે બેદર્દી બાલમા. 
‘મા તો તેમના આવવાની જ વાટ જુએ છે. અતુલ્યમાં આવો ગંભીર દોષ હોય એવું હું માનતી નથી, પણ વાત ખરી નીકળી તો મારો ધોકો ને અતુલ્યનો બરડો છે!’ 
અને જાણે પોતાના બરડે સોટી પડી હોય એવી સહેમી ગઈ તારિકા. ઈશ્વરને પ્રાથર્ના થઈ ગઈ : ‘માની તપાસમાં મારો હક અતુલ્યએ બોટ્યો નથી એ જ સત્ય પુરવાર થજો, પ્રભુ!’ 
lll

વૉટ! 
માના પ્રશ્નોએ અતુલ્ય મૂંઝાયો, અકળાયો. સોશ્યલ મીડિયામાં ગૅસ ગીઝરની ચેતવણીના બહાને ફરતા થયેલા સમાચાર જાણી ડઘાયો: : ‘આ કઈ રીતે શક્ય છે મા! દેવલાલીમાં મેં પગ પણ મૂક્યો નથી. છેલ્લા બે દિવસ હું સ્વામી રામાનંદના આશ્રમમાં મૌનવ્રતમાં બેઠો હતો. જો મારા મોબાઇલમાં ત્યાંના ફોટો પણ છે.’
‘તું શું માને છે, તારા મોબાઇલમાં ફોટો જોઈને હું ભોળવાઈ જઈશ?’ મા હાંફી ગયાં, ‘મારા પોતીકાના હાથે ઘણું છેતરાઈ હું... તને એવો મોકો નહીં આપું.’
‘મા, આ તું શું બોલે છે! કોણે તને છેતરી?’

દીકરાના આવેશ સામે બેચાર પળ મૌન ધરી માએ જાતને સન્યત કરી. પોતે ભૂતકાળને ભેદવાની અણી પર આવી ઊભાં છે, ખરેખર તો ગઈ કાલે અતુલ્યના ઉલ્લેખ સાથે ફરતા થયેલા ખબર જાણ્યા ત્યારની હૈયે લાય ઊઠી છે... પણ અત્યારે એના ઉઘાડનો અવકાશ નથી. 
‘મારો કહેવાનો મતલબ એ જ અત્તુ કે મોબાઇલના ફોટો દેખાડીને કે પછી મારા સોગંદ ખાઈને તું જે છપાયું એ ખોટું છે એવું જતાવીશ તો હું માનવાની નથી. આ અતુલ્ય તું નથી તો તારું નામ વાપરવાનો ગુનો જેણે કર્યો તેને મારી સમક્ષ હાજર કર, તો જ માનું કે તું સાચો.’

માના શબ્દોમાં વજ્રનો રણકાર હતો. અતુલ્યને સમજ હતી કે હવે કોઈ દલીલને સ્થાન નહીં હોય. ‘માને મારામાં વિશ્વાસ નથી એનું ઓછું આણવાને બદલે માનો વિશ્વાસ દૃઢ બને એવું કંઈક કરી દેખાડવાનો અવસર મળ્યો એમ માની પડકાર ઝીલી લે, અત્તુ!’ 
‘ભલે મા, મારું નામ બદનામ કરનાર ગુનેગારને હવે તો છતો કર્યા વિના નહીં રહું!’
દીકરાના જુસ્સામાં માને ખરાઈ લાગી. 
આમાં આગળ શું થવાનું હતું એની ક્યાં ખબર હતી?
lll

‘મારું મન નથી માનતું. દેવલાલીમાં ફ્લૅટ ભાડે રાખવા જેટલી જહેમત આપણો અતુલ્ય શું કામ ઉઠાવે?’
ગુરુની સાંજે ઘરે પહોંચેલા અનુરાગે નંદિનીને જરાય વર્તાવા ન દીધું કે વીત્યા થોડા કલાકોમાં પોતે બેહોશ થઈ નર્સિંગહોમની સારવાર લઈને આવ્યો છે! શુક્રવારની બપોરે સોશ્યલ મીડિયામાં ગૅસ ગીઝરનું જ્ઞાન ફરતું-ફરતું નંદિનીને મળ્યું ને સ્વાભાવિકપણે તે આવેશમાં આવી : ‘અનુરાગ, આ જુઓ તો, આ તો આપણી ફૅક્ટરીના મૅનેજર અતુલ્યને લગતા ન્યુઝ છે! તે ક્યારે પરણ્યો?’
અનુરાગે છાતીમાં તિરાડ અનુભવી: ‘હે ભગવાન, નંદિની આમાં ઊંડી ન ઊતરે!’

આ પણ વાંચો: નામ-બદનામ (પ્રકરણ ૧)

‘અચ્છા!’ પહેલી વાર ન્યુઝ વાંચતો હોય એમ નજર નાખી તેણે ખભા ઉલાળ્યા, ‘મે બી ખાનગીમાં પરણ્યો પણ હોય! જોકે આમ કંપનીનું નામ આવે એ ખરાબ કહેવાય.’
‘અરે! મને તો આ સમાચારમાં જ ફ્રૉડ જણાય છે...’ કહી નંદિનીએ ફટાફટ કારણ ગણાવવા માંડ્યાં : ‘મને ખ્યાલ છે ત્યાં સુધી અતુલ્ય ભાવનગરનો છે, તે ગુપચુપ પરણ્યો હોય અને સેકન્ડ હોમ રાખવું જ હોય તો વાપીથી દૂર, વતનથી સાવ વિરુદ્ધ છેડે ઠેઠ દેવલાલીમાં શું કામ રાખે! વાપીમાં તેણે ઘર લીધું એના બૅન્ક-લોનના હપ્તા જતા હશે, નવો પરણેલો માણસ ફ્યુચર પ્લાનમાં ઇન્વેસ્ટ કરવાને બદલે ખોટું ભાડું શું કામ ભરે! અતુલ્યની ગ્રોસ સૅલેરીમાં આનો મેળ જ કેમ બેસે!’

‘તેના બાપદાદાની પૂંજી હોયને... આપણે તેની પર્સનલ મૅટરમાં શીદ પડવું!’
અનુરાગ બ્રેક મારતો હતો ને નંદિની ઍક્સિલરેટર દબાવતી હતી, 
‘વ્હાય નૉટ! અતુલ્યના નામે કોઈએ બનાવટ કરી છે એવું હું કહું છું અનુરાગ. આ સમયે આપણે આપણા કર્મચારીના પડખે રહેવું જોઈએ...’ તેણે એચઆર હેડને ફોન જોડ્યો. અતુલ્ય આ દિવસોમાં રજા પર હતો ને રજા ફર્ધર લંબાવી છે જાણીને નંદિની બૅકફુટ પર આવી એ રાહતરૂપ લાગ્યું. ના, પોતે કાંઈ અતુલ્યની રજા જોઈ કાવેરી સાથે મિલન નહોતો યોજતો, નસીબજોગ આ વખતે અતુલ્ય પણ આ દિવસોમાં રજા પર હતો એની માહિતી પોતે તો નર્સિંગહોમમાં હતો ત્યારની મેળવી રાખેલી.

‘કમાલ છે, અતુલ્ય પરણ્યો હોય તો ઑફિસ-રેકૉર્ડમાં મૅરિટલ સ્ટેટસ અપડેટ કેમ નથી કરાવ્યું... કોઈ તેની વાઇફ વિશે જાણતું નથી.’ નંદિનીને મૂંઝાતી જોઈ અનુરાગે છેલ્લી સોગઠી ફેંકી : ‘આનો મતલબ એ થયો મૅડમ કે બંદો મિસિસના નામે નિતનવી તિતલીઓને ફેરવતો હશે. ગામ કે વતનથી દૂર ઠેકાણુ રાખવાનું કારણ જ એ કે માને ભનક ન આવે. હશે બાપાનો વારસો, ઉડાડવા દો!’
નંદિનીના દરેક ડાઉટનો આમાં જવાબ હતો. તેનાથી વધુ દલીલ ન થઈ. એટલું જ બોલી : ‘મને તો અતુલ્ય મન પરથી ઊતરી ગયો. ચારિત્રહીન. આવો માણસ આપણી કંપનીમાં ન શોભે! કાઢો તેને.’ 
અનુરાગે ડોક ધુણાવી. હા કે ના બોલાય એવું તો હતું જ ક્યાં! 
lll

‘કોણ હશે એ આદમી જેણે મારું નામ વાપર્યું?’  
શુક્રની સાંજે અગાશીની પાળે બેસી અતુલ્ય-તારિકા મનોમંથન કરી રહ્યાં છે. માએ આપેલો પડકાર અતુલ્યએ ઝીલ્યો એ જાણી તારિકાએ સાથ પુરાવેલો : ‘મને તમારી સાથે જાણજો, અતુલ્ય.’ 
જીવનની દરેક કસોટીમાં પડખે રહેવાના કૉલની જાણે એ શરૂઆત હતી. બન્ને માતાઓના એમાં આશિષ હતા. અતુલ્ય કેવો ખીલી ઊઠેલો. અત્યારે પણ આ જ બાબતે આગળ કેમ વધવું એની ચર્ચા કરવા બેઉ અતુલ્યના ઘરે અગાશી પર ભેગાં થયાં છે. મહોલ્લામાં તો માએ ‘ખબરવાળો અતુલ્ય જુદો’ કહીને  કૂથલી ફેલાતી અટકાવી, એમ હવે સત્ય સામે લાવવું જરૂરી પણ બન્યું છે! એટલે તો નોકરીમાં રજા પણ લંબાવી છે.

‘એ કોઈ એવો આદમી હોય અત્તુ જે તમે ક્યાં કામ કરો છો એ જાણતો હોય, જેને તમારા આધારકાર્ડ જેવા ડૉક્યુમેન્ટ્સ હસ્તક કરવા પણ સરળ હોય - ભાડાકરાર માટે તેણે ડૉક્યુમેન્ટ તો આપવા જ પડેને. પછી ભલે તમારી તસવીર સાથે ચેડાં કરી તેણે પોતાનો ફોટો મૂકી દીધો હોય.’ 
‘યા... તારિકાના તર્કમાં દમ છે.’ 
‘આવી સહુલિયત તો કંપનીના એચઆર મૅનેજરથી માંડી યુનિટ હેડથી લઈ શેઠસાહેબ સુધીના આઠ-દસ જણને હોવાની... અનુરાગ શેઠે આવું કરવાની જરૂર ન હોય, તેમને બાકાત રાખીએ તો પણ આઠેક જણ તો લિસ્ટમાં રહ્યા.’ 

તારિકા કહેવા જતી હતી કે ‘અનુરાગ શેઠને પણ બાકાત શું કામ રાખવા? બની શકે તેમનું જ એક્સ્ટ્રામૅરિટલ અફેર હોય, જે છુપાવવા તેમણે એમ્પ્લૉઈની આડ લીધી હોય!’ 
તેના શબ્દો ગળામાં જ અટકી ગયા, કેમ કે નીચે ઘરના આંગણે રિક્ષા અટકી હતી. એમાંથી ઊતરતી અત્યંત રૂપવતી સ્ત્રીને અતુલ્ય-તારિકા તાકી રહ્યાં. ‘અરે, તે તો આપણા જ ઘરમાં પ્રવેશી રહી છે!’  
‘કોણ હશે?’ અતુલ્યને અંદાજ સુધ્ધાં નહોતો કે આ સ્ત્રીનું આગમન માના હૈયે દટાયેલા પિતાનો ભૂતકાળ ઉજાગર કરી શકે એમ છે! 
lll

‘કોનું કામ છે, બેન?’ 
દરવાજો ખોલી મા સામે ઊભેલી સ્ત્રીને પૂછી રહ્યાં. ‘પાંત્રીસ-સાડત્રીસની સ્ત્રી મને આમ ધારી-ધારીને શું જુએ છે!’ 
‘મેં તને ઓળખી નહીં બેન!’ માના અવાજમાં થડકો ભળ્યો. 
‘પણ હું તમને ઓળખી ગઈ, દમયંતીમાસી!’ 

‘દમયંતીમાસી!’ અતુલ્યના દમયંતીમા ચમકી ગયાં : ‘મને માસી તો અનાથાશ્રમની બાળાઓ કહેતી!’ 
‘હું એમાંની જ એક બાળા. કાવેરી. એ જ બહાદુર બચ્ચી જેણે તમારા પતિને...’
એવો જ દમયંતીમાંએ એનો હાથ પકડી દબાવ્યો, ‘હવે તને ઓળખી ગઈ!’

કાવેરી તેમની સતર્કતા પર ઓવારી ગઈ. માજીએ હાથ દાબી મને ચૂપ રહેવાનો ઇશારો કરી દીધો! બીજી પળે ટેરેસના દાદરેથી અતુલ્ય-તારિકાનો પગરવ સંભળાયો એટલે માએ સ્વસ્થતાનું મહોરું ઓઢી લીધું, ‘જૂની ઓળખાણે તો તારે અહીં આવવું ન થયું હોય કાવેરી, પછી એને ઉખેળવાનો અર્થ શું!’
ત્યાં અતુલ્ય-તારિકા નજીક આવી ઊભાં એટલે રણકો બદલ્યો, ‘આવો કાવેરીબહેન, તમારે કોનું શું કામ છે?’
 ‘કેટલી સૂઝથી માજી મને ગતખંડ ન ખોલવાનું દર્શાવી ગયાં... પણ હવે તો એ જ મારું હુકમનું પત્તું બનવાનું!’ 

કાવેરીના હોઠ વંકાયા : પોતે અતુલ્યને વીનવવા આવી હતી: ‘તમારા નામે ફ્લૅટ ભાડે મેં લીધેલો... આયૅમ ઍન એસ્કોર્ટ. તમને ખબર હશે, મોટી, સારી હોટેલ્સ આ મામલે કેટલી રિજિડ છે. ધે ડોન્ટ અલાઉ સચ બિઝનેસ. એટલે ફ્લૅટ ભાડે રાખવાનનો ઑપ્શન ગ્રાહકને પણ સલામત લાગે છે... ઘણી સોસાયટી સિંગલ લેડીને ફ્લૅટ નથી આપતી, સો આઇ હેડ ટુ પ્લાન ધિસ. તમારા સિનિયર એકબે વાર મારી કંપની માણી ગયા, તેમના થ્રૂ તમારા ડૉક્યુમેન્ટ્સ મળ્યા. આઇ નો, તમે હર્ટ થયા હશો, બટ મેં ફ્લૅટ રિટર્ન કરી દીધો છે. તમે પણ આને અહીં જ વિસારે પાડો એટલી જ વિનવણી કરવી છે. અને હા, તમારી કંપનીવાળા મારા ક્લાયન્ટ હવે તો દિલ્હી મૂવ થઈ ગયા છે...’ 

આટલું કહ્યા પછી, સાચાખોટાં આંસુ સાર્યા પછી અતુલ્ય આ દિશામાં આગળ વધતો અટકી જાય એ સાવ સંભવ હતું. ‘અનુરાગ માટે એસ્કોર્ટ તરીકે જાહેર થવાનો પણ છોછ નહોતો. થોડા દહાડામાં મામલો ટાઢો પડે કે નવી જગ્યાએ ફરીથી મારો-અનુરાગનો મેળ શરૂ...’ 
-પણ અતુલ્ય જો ત્રિલોકનાથનો દીકરો હોય તો મારે વિનવણી નહીં હુકમ કરવાનો રહે છે! 
કાવેરીને ખડખડાટ હસવાની ઇચ્છા થઈ. 

આવતી કાલે સમાપ્ત

columnists Sameet Purvesh Shroff