યમદેવ

26 May, 2023 11:37 AM IST  |  Mumbai | Rashmin Shah

‘પણ આમ તમે ક્યાં સુધી બહાર ઊભા રહેશો?!’ રમણીકભાઈને બસની પણ ખબર હતી, ‘હવે તમને સવાર સુધી બસ પણ મળવાની નથી. છેલ્લી જે બસ હતી એમાં તો હું પાછો આવ્યો. એ પણ ચાલી ગઈ...’

યમદેવ

‘નાનીના હાથમાં કેવી કરચલી પડી ગઈ છે...’ મમ્મી સાથે થોડો સમય વેકેશન પર તેના ઘરે જઈને પાછા આવ્યા પછી ઢબ્બુએ ત્યાંનું રિપોર્ટિંગ આપવાનું પપ્પાને શરૂ કર્યું હતું, ‘આપણને એમ જ લાગે કે જાણે સ્કિનનું પૅકિંગ બરાબર નથી થયું...’
‘એ હોય. એજ થાય એટલે એવું બને...’
‘પપ્પા, નાની હેરમાં કેમ વાઇટ કલર કરે છે?’ અચાનક ઢબ્બુને યાદ આવ્યું, ‘તેના બધા હેર વાઇટ થઈ ગયા છે તો એ પણ કેવું ખરાબ લાગે છે...’
‘તે વાઇટ હેરકલર નથી કરતાં. નાનીના બધા હેર એજને કારણે વાઇટ થઈ ગયા છે...’ પપ્પાએ ઢબ્બુને ખોળામાં લીધો, ‘ઉંમર થાય એટલે બધાના વાળ વાઇટ થઈ જાય. મારા પણ થશે...’
‘અને સ્કિન...’

‘હા, એ પણ નાની જેવી થઈ જશે...’ 
‘પછી શું થાય?’ ઢબ્બુએ ચોખવટ કરી, ‘એનાથી વધારે એજ થઈ જાય એટલે...’
‘પછી જવાનું ઉપર... ભગવાન પાસે.’
‘એવું થોડું હોય...’ 
ઢબ્બુનું મોઢું સહેજ ઊતરી ગયું હતું.
‘એ તો એવું જ હોય બેટા... આપણી અર્થ પર જે કંઈ એવું છે જેમાં જીવ હોય એ બધાએ એક દિવસ જવાનું જ હોય...’ પપ્પાએ સમજાવ્યું, ‘માણસે પણ જવાનું અને ઝાડ-પાન હોય તો એમની પણ એજ થાય એટલે એમણે પણ જવાનું... મન્કી, લાયન, ટાઇગર, સ્પૅરો, પીજન બધેબધાં. અરે, પેલી નાની કીડી હોયને એણે પણ જવાનું હોય અને માખી હોય તો એની પણ એજ થઈ જાય એટલે એણે પણ જવાનું... બધાએ એક્ઝિટ લેવાની.’
એક્ઝિટની વાત પર ઢબ્બુનો મૂડ વધારે ઊતરી ગયો. 

‘એક મસ્ત સ્ટોરી કહું?’ ઢબ્બુના મૂડને ફરી પ્રૉપર કરવા માટે પપ્પાએ ઢબ્બુનો ફેવરિટ રસ્તો વાપર્યો, ‘જેમાં આ મોટી એજની જ વાત છે અને એ એજ પર પહોંચ્યા પછી શું કરવાનું હોય એ પણ દેખાય છે...’
‘સ્ટોરીમાં રડવાનું કશું નથીને?!’ 
ઢબ્બુએ પૂછ્યું અને પપ્પાએ જેવી ના પાડી કે તરત જ ઢબ્બુ ઊછળ્યો...
‘હા, તો સ્ટાર્ટ...’ પપ્પા સ્ટોરી શરૂ કરે એ પહેલાં ઢબ્બુએ કહ્યું, ‘એક મિનિટ...’
પપ્પાના ખોળામાં માથું મૂકીને ઢબ્બુએ કહ્યું, ‘હવે સ્ટાર્ટ કરો...’

‘એક નાનકડું ગામ હતું. એ ગામમાં રમણીકભાઈ નામના એક ભાઈ રહેતા હતા. માણસ એવો પૈસાવાળો નહીં, પણ સેવાભાવી બહુ. લોકોનાં કામ બહુ કરે...’ ઢબ્બુના વાળમાં હાથ ફેરવતાં-ફેરવતાં પપ્પાએ સ્ટોરી શરૂ કરી, ‘મહેનત પણ બહુ કરે અને મહેનત કરીને જે ઇન્કમ કરે એમાંથી મોટા ભાગના પૈસા બચાવીને રમણીકભાઈ સારા કામમાં એ પૈસા વાપરે. રમણીકભાઈએ ગામમાં બહુબધી જગ્યાએ પ્લાન્ટેશન કર્યું હતું, જેથી લોકો એની છાયા નીચે બેસી શકે. તેમણે ગામમાં બહુબધી જગ્યાએ વૉટરકૂલર પણ મુકાવ્યાં હતાં, જેથી બધાને પાણી પીવા મળે. હવે તે ગામમાં એક એવી ધર્મશાળા બનાવવા માગતા હતા જેમાં લોકો આવીને રહી શકે, આરામ કરી શકે અને શાંતિથી જમી શકે.’
lll

‘મારી એક વાત નક્કી છે...’ રમણીકભાઈએ ધર્મશાળાનું ઉદ્ઘાટન કર્યું ત્યારે ત્યાં આવ્યા હતા એ સૌને કહ્યું, ‘અહીં નિઃશુલ્ક રહેવા મળશે, જમવા મળશે; પણ આ ધર્મશાળાનો ગેરલાભ કોઈ લે નહીં એ માટે હું એક નિયમ રાખવા માગું છું. અહીં બે દિવસથી વધારે જો કોઈને રહેવું હશે તો તેણે રહેવા અને જમવાનો એક-એક રૂપિયો આપવો પડશે. વધારે રહેનારા માટે આ ધર્મશાળા નિઃશુલ્ક નહીં રહે...’
‘આ ખોટું કહેવાય રમણીકભાઈ, પૈસા લેવા એ તો...’
‘મારી વાત તો સાંભળો...’ આર્ગ્યુમેન્ટ કરનારા ભાઈની સામે જોઈને રમણીકભાઈએ તરત જ કહ્યું, ‘આ રીતે જે રૂપિયા એકઠા થશે એ બધા રૂપિયા મહિનાના અંતે આપણા ગામની ગૌશાળામાં જમા કરાવી દેવામાં આવશે. ધર્મશાળામાં આવેલા દરેક રૂપિયા સામે હું મારા સો રૂપિયા જમા કરાવીશ અને એ બધા પૈસા આપણા ગામના વડીલો જ જઈને ગૌશાળામાં જમા કરાવી આવશે...’
રમણીકભાઈની જાહેરાતથી આખા ગામના મોઢેથી વાહ-વાહ નીકળી ગયું.
lll

ધર્મશાળા શરૂ થઈ ગઈ અને બહુ સરસ રીતે એમાં વહીવટ પણ ચાલવા માંડ્યો. ધર્મશાળામાં ટૂંકા સમય માટે રહેનારાઓને તો નિઃશુલ્ક જ બધું મળતું હતું અને એ પછી પણ લોકો ત્યાં આવીને યથાશક્તિ દાન આપીને જતા. જેટલું પણ દાન આવે એ રૂપિયાની સામે રમણીકભાઈએ સોગણું દાન કરવાનું હતું, જેનો તેમને વાંધો કે વિરોધ પણ નહોતો. તે તો ઊલટાના વધારે રાજી થતા કે ચાલો, આ રીતે પણ પોતે સેવા કરી શકે છે. જોકે રમણીકભાઈ આ જે કામ કરતા હતા એ માટે તેણે ઇન્કમ પણ વધારવાની હતી અને એ માટે રમણીકભાઈએ ખૂબ કામ પણ કરવું પડતું.
હવે રમણીકભાઈનું બહારગામ રહેવાનું વધવા માંડ્યું. તે દૂર-દૂર સુધી પોતાના કામ માટે જાય અને પછી થાક્યા-પાક્યા ઘરે પાછા આવે. જોકે પાછા આવે ત્યારે પોતાની ધર્મશાળાને જોઈને, ધર્મશાળામાં શાંતિથી આરામ કરતા લોકોને જોઈને ખુશ-ખુશ થઈ જાય. જોકે એક રાતે તેમને એટલી ખુશી ન થઈ જેટલી ખુશી તેમને નિયમિત થતી.
lll

‘બહાર કેમ ઊભા છો ભાઈ?’
ચાર-પાંચ દિવસ બહારગામની ટૂર કરીને ઘરે પાછા આવેલા રમણીકભાઈએ ધર્મશાળાની બહાર એક માણસને ઊભેલો જોયો. તે થાક્યો-પાક્યો ધર્મશાળામાં નજર કરતો બહાર ઊભો હતો.
‘જાવ, અંદર જઈને આરામ કરો...’ રમણીકભાઈને યાદ આવ્યું, ‘તમે જમ્યા પણ નથી લાગતા...’
‘હા... અને અંદર મારાથી નહીં જવાય...’ પેલા ભાઈએ ચોખવટ કરી, ‘બે દિવસથી હું અંદર ધર્મશાળામાં જ રહું છું, પણ હવે મારે અહીંના નિયમ મુજબ વધારે રહેવું હોય તો પૈસા ચૂકવવાના છે અને મારી પાસે પૈસા નથી...’
‘ઓહ...’

નિયમ તો રમણીકભાઈએ જ બનાવ્યો હતો એટલે પોતે જ નિયમ તોડે તો એ યોગ્ય ન કહેવાય, એટલે રમણીકભાઈએ વિચાર્યું કે તે આ માણસને પૈસા આપી દે, પણ પૈસા લેવાની તે માણસે ના પાડી દીધી.
‘હું કોઈ પાસેથી પૈસા લેતો નથી...’
‘પણ આમ તમે ક્યાં સુધી બહાર ઊભા રહેશો?!’ રમણીકભાઈને બસની પણ ખબર હતી, ‘હવે તમને સવાર સુધી બસ પણ મળવાની નથી. છેલ્લી જે બસ હતી એમાં  તો હું પાછો આવ્યો. એ પણ ચાલી ગઈ...’
‘બસ, અહીં ઓટલા પર બેસી રહીશ...’


‘અરે ના... ના...’ રમણીકભાઈએ પેલા ભાઈનો હાથ પકડ્યો, ‘તમે એક કામ કરો. મારી સાથે મારા ઘરે આવો. હું પણ જમ્યો નથી. આપણે સાથે જમીશું અને પછી આરામ પણ સાથે કરી લઈશું. સવારે તમે આરામથી નીકળી જજો.’

‘અરે ના... ના...’ રમણીકભાઈએ પેલા ભાઈનો હાથ પકડ્યો, ‘તમે એક કામ કરો. મારી સાથે મારા ઘરે આવો. હું પણ જમ્યો નથી. આપણે સાથે જમીશું અને પછી આરામ પણ સાથે કરી લઈશું. સવારે તમે આરામથી નીકળી જજો.’
પેલાએ આનાકાની કરી, પણ રમણીકભાઈ માન્યા નહીં અને તે એ ભાઈને પોતાની ઘરે લઈ આવ્યા. ઘરે લઈ જઈને તેમણે તેને જમાડ્યો અને પછી સરસ મજાની પથારી કરીને સૂવાની વ્યવસ્થા પણ કરી આપી.

એ મહાશયે એટલું ખાધું હતું કે તેને ઘડીભરમાં તો ઊંઘ ચડી ગઈ અને પડી સીધી સવાર. સવારે તે જાગ્યા ત્યારે રમણીકભાઈએ મસ્તમજાનો નાસ્તો તૈયાર કરી રાખ્યો હતો. 
ગરમાગરમ પૂરી, ગાંઠિયા અને સરસ મજાની મસાલાવાળી ચા.
‘ચાલો, બ્રશ કરી લો એટલે આપણે નાસ્તો કરવા બેસીએ.’
‘તમે નાસ્તો નથી કર્યો હજી?’
‘ના...’ રમણીકભાઈએ સ્માઇલ સાથે કહ્યું, ‘મહેમાન પહેલાં હોય. ચાલો, આવો એટલે નાસ્તો કરીએ.’

પેલા ભાઈએ તો સરસ મજાનું બ્રશ કર્યું, સરસ મજાનો શાવર લીધો અને પછી બેઠા તે નાસ્તો કરવા. રાતે પેટ ભરીને જમ્યા હતા તો પણ સવારના કોણ જાણે તેને એવી તે ભૂખ લાગી ગઈ કે તે તો રીતસર નાસ્તા પર તૂટી પડ્યા અને થોડી વારમાં તો બધો નાસ્તો ઝાપટી ગયા. માત્ર થોડી ચા વધી.
નાસ્તો કર્યા પછી તે મહાશયને અચાનક યાદ આવ્યું...
‘અરે, તમારો નાસ્તો બાકી હતો... અને હું તો બધો નાસ્તો?’
‘તમને જમતા જોઈને મારું પેટ ભરાઈ ગયું...’ રમણીકભાઈના ચહેરા પર ખરેખર ખુશી હતી, ‘તમે મારી ચિંતા ન કરો... આમ પણ મારે બહાર જવાનું છે તો પછી ભારે પેટે બહાર જવા કરતાં સારું છે કે હું ચા પીને જઉં એટલે બહાર વધારે થાક ન લાગે...’

‘હું રજા લઉં?’ પેલા ભાઈએ કહ્યું, ‘હવે તો મને બસ મળશે?’
‘બસ તો મળશે, પણ એમ કંઈ અત્યારે થોડું જવાનું હોય?!’ રમણીકભાઈએ તેમને સમજાવ્યા, ‘બહાર બહુ તડકો છે. ટાઢા પહોરે નીકળશો તો મુસાફરીમાં તમને રાહત રહેશે અને આમ પણ થાકેલા છો તો આરામ કરો. બપોરે સરસ મજાનું જમો અને પછી સાંજે બરાબર નાસ્તો કરો. છેલ્લી બસમાં હું તમને મૂકી જઈશ...’
lll

પેલા ભાઈએ પણ કંઈ વધારે વિરોધ કર્યો નહીં અને તેણે આખો દિવસ ત્રણ જ કામ કર્યાં : સૂવું, જાગવું અને ખાવું. જમ્યા પછી તે ફરી સૂઈ જાય. એ આખો દિવસે તેણે આ બધું કરવામાં જ પસાર કર્યો. રમણીકભાઈનાં વાઇફ પણ સારી વ્યક્તિ. તેમને પણ મહેમાનોની આગતા-સ્વાગતા કરવી ગમે એટલે તે પણ આ ભાઈની હરકતથી સહેજ પણ અકળાયાં નહીં અને રમણીકભાઈની ગેરહાજરીમાં મહેમાનની પૂરતી સેવા કરી.
સાંજના સાત વાગ્યા અને રમણીકભાઈ ઘરે આવ્યા કે તરત જ મહેમાન ઊભા થઈને સામે આવ્યા...
‘તમારી મહેમાનગતિ એટલે તો કહેવું પડે...’ મહેમાન બહુ ખુશ હતા, ‘એવી-એવી વાનગીઓ મને તમારાં પત્નીએ ખવડાવી છે કે વાત ન પૂછો...’

‘મેં પૂછ્યું પણ ક્યાં?’ રમણીકભાઈએ હસતાં-હસતાં જ કહ્યું, ‘હજી પણ જો એ બધી વરાઇટીઓથી પેટ ન ભરાયું હોય તો એક કામ કરો. એકાદ દિવસ રોકાઈ જાઓ. મજા આવશે સાથે રહેવાની.’
‘ના રમણીકભાઈ, હવે મારે નીકળવું પડશે...’ ભાઈએ કહ્યું, ‘કામે પણ લાગવાનું છે અને ત્યાં મારી રાહ જોવાય છે.’
રમણીકભાઈએ તેમને ફરીથી જમવા બેસાડ્યા. બન્ને સાથે જમ્યા અને પછી રમણીકભાઈ તેમને લઈને રવાના થયા બસ-સ્ટૉપ પર મૂકવા માટે.
બસ-સ્ટૉપમાં રમણીકભાઈ જેવા દાખલ થયા કે તરત તે ભાઈએ તેમને રોક્યા.
‘સહેજ પાછળ જઈ આવીએ... મારું વાહન ત્યાં છે.’

‘તમે વાહન લઈને આવ્યા છો અને હજી સુધી બોલ્યા પણ નહીં...’ રમણીકભાઈને નવાઈ લાગી, ‘હશે વાંધો નહીં... ચાલો, ત્યાં જઈએ.’
પેલા ભાઈ હવે આગળ ચાલતા હતા અને રમણીકભાઈ તેમની પાછળ.
તે ભાઈ એક બંધ ગલીમાં દાખલ થયા. ગલીમાં એક પણ ટ્યુબલાઇટ નહોતી એટલે આખી ગલી એકદમ અંધકારમય હતી.
થોડા આગળ ચાલ્યા પછી એ ભાઈ ધીમેકથી પાછળ ફર્યા અને રમણીકભાઈની સામે સ્મિત કરતા ઊભા રહ્યા.
‘રમણીક, તને જે વાત કરીશ એ તારે કોઈને કરવાની નથી...’
રમણીકભાઈ કંઈ જવાબ આપે એ પહેલાં તો તેણે તાળી પાડી. જેવી તાળી પડી કે બંધ ગલીના ખૂણામાંથી કાળા રંગનો એક પાડો દોડતો આવીને તે ભાઈની બાજુમાં ઊભો રહી ગયો.
‘આ મારું વાહન છે...’

‘આ?!’ ઘોડા પર માણસને સવાર થતા રમણીકભાઈએ જોયા હતા, પણ કોઈ પાડા પર બેસીને સવારી કરે એવું કેમ બને, ‘તમે આના પર...’
‘હા, કારણ કે હું યમદેવ છું...’
પેલા ભાઈએ ફરીથી બે તાળી પાડી અને પોતાના ઓરિજિનલ રૂપમાં તે આવી ગયા. એકદમ કાળાચટ્ટાન જેવા અને મસ્તક પર બે શિંગડાં સાથેના મુગટવાળા.
‘રમણીક, હું તારાથી બહુ ઇમ્પ્રેસ થયો છું... તેં મારી જે રીતે સેવા કરી છે એ જોતાં હું બસ એટલું જ તને કહીશ કે તને હું કંઈ પણ આપવા તૈયાર છું. તું માગ, તું જે માગશે એ હું તને આપવા તૈયાર છું...’

‘તમારી પાસે હું શું માગું?!’ અચાનક રમણીકભાઈને યાદ આવ્યું એટલે તરત જ તેણે કહ્યું, ‘હું ક્યારેય મરું નહીં એવું વચન તમે આપો...’
‘અશક્ય, ઇમ્પૉસિબલ...’ યમદેવે કહી દીધું, ‘જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે એટલે હું તને અમર કરી ન શકું; પણ હા, તને એક પ્રૉમિસ કરું... તને લઈ જતાં પહેલાં હું અણસાર આપીશ કે હવે તારો જવાનો સમય થઈ ગયો છે.’
‘ચાલશે...’ 
રમણીકભાઈ ખુશ થઈ ગયા. મોત આવે એ પહેલાં જ જો ખબર પડી જવાની હોય તો કોણ રાજી ન થાય?!
lll
‘આગળની સ્ટોરી હવે આવતી કાલે હં...’ પરાણે આંખો ખુલ્લી રાખીને સ્ટોરી સાંભળતા ઢબ્બુને ધીમેકથી પપ્પાએ કહ્યું, ‘અત્યારે સૂઈ જવાનું...’

વધુ આવતા શુક્રવારે

columnists Rashmin Shah