ડાકુ – વટ, વચન અને વેર - પ્રકરણ 302

12 January, 2019 12:26 PM IST  |  | Rashmin Shah

ડાકુ – વટ, વચન અને વેર - પ્રકરણ 302


‘એ’લા, છોકરા રહેવા દે... મરી જશે. રહેવા દે કહું છું... આઘો રહે એનાથી.’

સિરાજુદ્દીન બોલતો દરવાજા તરફ ભાગ્યો અને ભૂપત અફઘાની પર લગામ નાખ્યા વિના ઘોડારમાંથી અફઘાની સાથે બહાર નીકળ્યો. ભૂપતને ખબર નહોતી કે અફઘાની પર આ રીતે સવારી કરવાની ઘટનાથી નવાબ મહોબ્બતઅલી ખાનના મહેલમાં તેનાં માનપાન કઈ હદે વધી જવાના છે.

***

‘પહેલા પ્યાર ઔર પહેલા ખૂન... જિંદગી મેં કભી ભૂલા નહીં જાતા. તેરે દદ્દુ કે સાથ ભી વહી હુઆ થા. વો કભી યે દોનોં નહીં ભૂલા.’

કુતુબની આંખોમાં થાક વર્તાવા લાગ્યો હતો હવે, જોકે તે પરાણે એ થાકને પાછળ ઠેલી રહ્યા હતા. જીવનનો અંત આવે ત્યારે જિજીવિષામાં ઉમેરો થવા માંડે. એવી જ રીતે ઊંઘ આવે ત્યારે જાગવાની તીવþતામાં ઉમેરો થતો જાય. કોઈ અજબની બેચેનીનો અનુભવ પણ થતો હતો અને એ અનુભવ વચ્ચે એ પણ સમજાય રહ્યું હતું કે જીવ ચૂંથાઇ રહ્યો છે. શરીરમાં એક આછી સરખી ઝણઝણાટી પણ આવી રહી હતી, જેનો અનુભવ અગાઉ ક્યારેય નહોતો થયો.

આ ડર છે કે પછી આવી રહેલા અંતના ભણકારા?

કુતુબે આંખો મીંચી રાખી અને પાંપણો પર ભાર મૂક્યો. મુકાયેલા ભારે જાણે કે આંખ ખાલી કરવાની હોય એમ એ બંધ આંખોમાંથી આંસુનું એક ટીપું બહાર ખેંચી લીધું. ગાલ પર આવી ગયેલા એ આંસુનો ગરમાવો જાણે કે કુતુબની નસોમાં ઊતર્યો હોય એમ તેણે આંખો ખોલી, આંખો ખોલવામાં ભાર લાગતો હતો, જે હવે તેના શબ્દોમાં પણ વર્તાવા માંડ્યો હતો.

‘અબ થકાન લગ રહી હૈ.’

‘ચાચુ કુછ હોતા હૈ, ડૉક્ટર કો બુલાઉં?’

ઇબ્રાહિમના સ્વરમાં ચિંતા હતી, જે વાજબી હતી.

‘આપ કો સોના હૈ?’

‘હાં, વક્ત તો હો ગયા હૈ.’

કુતુબની જીભ સુકાતી હતી, કોઈ અજબ અનુભવ હતો એ. અગાઉ ક્યારેય ન થયો હોય એવો અજબ અનુભવ. શરીર કૃષ પણ નખમાં પણ રોગ નહીં એટલે અત્યારે જે અનુભવ તેને થઈ રહ્યો હતો એના માટે બીજા કોઈને દોષ આપવાનું કામ પણ થઈ શકે એમ નહોતું.

‘બાત ખતમ કરેં, ફિર શાયદ...’ સામાન્ય રીતે થૂંક ગળે ઉતારવાનું હોય પણ કુતુબે ગળામાંથી સહેજ થૂંક ખેંચીને જીભ ભીની કરવાની કોશિશ કરી, ‘ફિર શાયદ... વક્ત ના રહે.’

***

કોઈનાથી કાબૂમાં નહીં આવતો અફઘાની દસ વર્ષના ટેણિયા ભૂપતથી કાબૂમાં આવી ગયાના સમાચાર આખા મહેલમાં પ્રસરી ગયા. અફઘાની જ્યારે મહેલમાં આવ્યો ત્યારે એને જોવા માટે જે રીતે મહેલના તમામ લોકો એકઠા થયા હતા એવી જ રીતે હવે ભૂપતને જોવા માટે બધા મહેલના ચોગાનમાં એકત્રિત થયા હતા. નવાબ પોતે પણ અફઘાની પર સવારી કરતા ભૂપતને જોવા માટે રાણીવાસમાંથી બહાર આવ્યા હતા. ભૂપતને અફઘાનીની કમરે લટકતો જોઈને બધાના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા પણ એ પછી અફઘાની જે રીતે ભૂપતની સાથે લાડ કરતો હતો એ જોઈને બધાને અચરજ થતું હતું. નવાબ સુધી અવાજ અને શબ્દો પહોંચે નહીં એમ છાનાખૂણે એવી વાતો પણ થવા લાગી હતી કે નવાબ કરતાં તો ઘોડેસવારીમાં ભૂપત વધુ હોશિયાર છે.

‘સિરાજુદ્દીન, અફઘાની આ છોકરાને શું કામ સવારી કરવા દે છે એ તને સમજાયું.’ સિરાજુદ્દીને નીચી મૂંડી રાખીને ના પાડી દીધી એટલે નવાબે આ જ સવાલ ત્યાં ઊભેલા સૌની સામે જોયું અને દોહરાવ્યો. ‘અફઘાની શું કામ આ છોકરાને સવારી કરવા દે છે એ તમને કોઈને સમજાયું.’

નવાબની સામે જોઈ રહેલા બાકી સૌનાં મસ્તક પણ નીચાં થઈ ગયાં.

‘તમે બધાને સવાલ પૂછો છો પણ તમને ખબર છે, મને અને અફઘાનીને શું કામ બનવા માંડ્યું?’ ભૂપતે સવાલ પૂછ્યો કે તરત જ બધાની ગરદન તેની દિશામાં મરડાય. જોકે ભૂપતનું ધ્યાન હજી પણ નવાબની સામે જ હતું. નવાબે નકાર ભાવથી મસ્તક હલાવ્યું એટલે ભૂપત અફઘાનીની નજીક ગયો, ‘એકલો હોય એ પોતાના જેવાનો સંગાથ શોધતો હોય. પછી એ માણસ હોય કે જાનવર...’

જાણે કે ભૂપતે સત્યવચન કહ્યું હોય એમ અફઘાનીએ પણ ગળું ખંખેરીને હણહણાટી કરી.

***

એક સમયે ભૂપતને કોઈ નામથી ઓળખતું નહોતું અને અફઘાની તાબે કર્યા પછી મહેલ સાથે સંકળાયેલી એક પણ વ્યક્તિ એવી નહોતી કે જે ભૂપતને નામથી ઓળખતી ન હોય. મહેલમાં ભૂપત ઇચ્છતો ત્યાં તેને પ્રવેશ મળવા લાગ્યો હતો. એક સમયે નવાબે ભૂપતના રહેવાની વ્યવસ્થા સરાઈમાં કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ પછી ભૂપત સામેથી નવાબને મળવા ગયો હતો.

‘નવાબસાહેબ, એક વિનંતી છે.’ નવાબે પરમિશન આપી એટલે ભૂપતે વિનંતી જણાવી દીધી, ‘આપે મારી રહેવાની વ્યવસ્થા સરાઈમાં કરાવી દીધી છે પણ મારી ઇચ્છા ઘોડારમાં ઘોડાઓ સાથે રહેવાની છે.’

‘ઘોડારમાં! એ ગંદકી વચ્ચે શું કામ હેરાન થવું છે તારે.’

‘કારણ કે એ બધાના કારણે જ હું અહીં ટકી શક્યો છું... જો એ લોકો ન હોત તો હું ક્યારનો અહીંથી ભાગી ગયો હોત.’

‘એ બધા તો હજીયે તારી સાથે જ છે. રાતે તું સરાઈમાં રોકાઈ લેજે અને પછી સવારથી તારા ઘોડાઓ પાસે આવી જજે.’ નવાબે લાગણી પણ દેખાડી, ‘એ જગ્યાએ રહેવાથી બીમાર પડશે તું.’

‘તો આપણે જગ્યા સુધારીએને... મને તો ફાયદો થશે, ઘોડાઓને પણ મજા આવશે.’

ઘોડાઓ જ્યાં રાખવામાં આવતા હતા એ ઘોડારમાં સમારકામ શરૂ થઈ ગયું. ઘોડાઓને પાણી પીવાની જગ્યા નવી બની અને ઘોડારમાં રંગરોગાન પણ કરવામાં આવ્યું. આ બધા કામ માટે સિરાજુદ્દીન અનેક વખત વાઘજી ઠાકોરને રજૂઆત કરી ચૂક્યો હતો, પણ કંજૂસ વાઘજી સિરાજુદ્દીનની વાત સાંભળતો નહોતો. ઘોડારમાં થયેલા આ સુધારાવધારાને કારણે સિરાજુદ્દીન અને ભૂપત વધુ નજીક આવ્યા. સિરાજુદ્દીનને બે દીકરીઓ હતી, પણ દીકરો કોઈ નહોતો. સિરાજુદ્દીનની બન્ïને દીકરીઓ ભૂપતથી મોટી હતી. વાર-તહેવારે સિરાજુદ્દીન ભૂપતને તેના ઘરે જમવા લઈ આવતો. ભૂપત આવે એ સિરાજુદ્દીન અને તેની બન્ïને દીકરીઓને તો ગમતું જ પણ સાથોસાથ સિરાજુદ્દીનની ઘરવાળી હુમાતાઈને પણ ગમતું. શરૂઆતમાં તહેવારોના દિવસોમાં ઘરે જમવા આવતો. વધુ વાર ઘરે આવે એ માટે હુમાતાઈએ ઘરે વગર કારણે અને વગર પ્રસંગે ભૂપતને ભાવતી વાનગીઓ બનાવવાનું શરૂ કરી દીધું.

‘એ સાંભળો, આજે આવો ત્યારે ભૂપતને ઘરે લેતા આવજો. તેને ભાવતા કબાબ બનાવ્યા છે.’

‘બેગમ, તમને આજકાલ ભૂપતને ભાવતી વાનગીઓ બહુ યાદ રહેવા માંડી છેને?’ સિરાજુદ્દીનનો ચહેરો સહેજ મલકાઈ ગયો હતો. ભૂપતને લઈ આવવાની વાત તેમને પણ ગમી હતી પણ એમ છતાં તેણે ચહેરાને ચાડી ખાવા દીધી નહોતી, ‘ક્યારેક દીકરીઓને ભાવતી વાનગીઓ પણ ઘરે બનાવો.’

‘એ તો આમ જ હવે.’ હુમાતાઈએ બચાવ કર્યો હતો, ‘એ લોકોને હું બપોરે ભાવતું બનાવી દઉં છું... તમે ભૂપતને લઈ આવવાનું ભૂલતા નહીં.’

‘ભાઈ, લેતો આવીશ... તમે અને દીકરીઓ રાજી રહેતાં હો તો હું નવાબસાહેબના પગ પકડીને તેને પણ ઘરે મિજબાની માટે બોલાવતો આવું.’

‘જો અમારું એટલું જ ધ્યાન હોય તો આજે છોકરાને કહી જ દે. જોકે હવે કપડાંની થેલી લઈને આપણે ત્યાં જ આવી જાય...’

સિરાજુદ્દીને પગમાં મોજડી ચડાવી. દીકરા માટે વર્ષો સુધી મન્નત રાખ્યા પછી પણ દીકરાથી વંચિત રહી ગયેલી ઘરવાળીને ભૂપતમાં દીકરાના અંશો દેખાઈ રહ્યા છે એ જોઈને હરખાતાં ઘરની બહાર નીકળ્યા પછી સિરાજુદ્દીને પહેલી વાર પાછળ ફરીને ઘર તરફ જોયું નહીં. જો તેણે જોયું હોત તો તેને કાલી ડફેર દેખાયો હોત. અગાઉ બે વખત સિરાજુદ્દીનની દીકરીઓને છેડવા માટે સિરાજુદ્દીનનો માર ખાઈ ચૂકેલો કાલી આ વખતે સિરાજુદ્દીનને રસ્તામાંથી કાયમ માટે હટાવી દેવાના મનસૂબા સાથે તેના ઘરની આસપાસ મંડરાતો હતો.

***

‘નવાબસાહેબ, તમારે ત્યાં નોકરી કરતો માણસ જો આ રીતે મારું બજારમાં અપમાન કરે તો એ હું નહીં ચલાવી લઉં...’ એક અઠવાડિયા પહેલાં કાલીએ નવાબની ફરિયાદ કરી હતી, ‘જે કામ તમે જાહેરમાં નથી કરી શકતા એ બધાં કામો હું તમને કરી આપું છું અને જ્યારે જાહેરમાં છત્રછાયા આપવાની વાત આવે ત્યારે તમે મારા બદલે સિરાજુદ્દીનનો પક્ષ લો... આ ન્યાય નથી.’

એ સાંજે હુમાતાઈ અને તેની બન્ïને દીકરીઓ જૂનાગઢના કાળવા ચોકમાં ભરાયેલી બંગડીઓની બજારમાં ખરીદી કરવા ગયાં હતાં. બજારમાં ઊભેલા કાલી ડફેરે સિરાજુદ્દીનની સત્તર વર્ષની મોટી દીકરીનો હાથ પકડી લીધો અને બજાર આખું ભેગું થઈ ગયું. અઝાન ચોધાર આંસુએ રડે, હુમાતાઈ કાલીના પગ પકડે અને કાલીને કરગરે. ગાંજો પીને તોફાને ચડેલા કાલીને જાણે કે આ કાલાવાલાંથી શૂરાતન ચડતું હોય એમ તે વધુ ને વધુ અઝાનને પજવે. બજારના એક વેપારીએ સમયસૂચકતા વાપરીને પોતાના દીકરાને સિરાજુદ્દીન પાસે દોડાવ્યો. એ સમયે સિરાજુદ્દીન ઘોડાઓની તાલીમ આપવાનું કામ કરતો હતો. બજારમાં ચાલી રહેલા તમાશા વિશે સાંભળીને સિરાજુદ્દીન ઉઘાડા પગે હાથમાં હન્ટર સાથે દોડ્યો. તે જ્યારે બજારમાં પહોંચ્યો ત્યારે પણ કાલીના ખેલ ચાલુ હતા. અઝાનના બુરખાનાં ચીંથરાં ઊડી ગયાં હતાં, હુમાતાઈ અને નાની દીકરી રાબિયા જમીન પર પડ્યાં રડી રહ્યાં હતાં. કાલી અઝાનના હોઠ તરફ ઝૂકતો હતો અને તેના હાથ અઝાનની છાતી પર હતા.

‘આંબા પર મોર આવી ગયા છે. બસ, થોડાક દિવસ આપી દે મને. કેરી બનાવી દેવાની જવાબદારી મારી...’

‘કાલી, અલ્લાહને ખાતર તેને છોડી દે.’

‘અલ્લાહને ખાતર આને છોડીશ તો મારા માટે કોણ?’ કાલીએ રાબિયા તરફ જોયું, રાબિયાના શરીર પર નજર પસાર કરી અને પછી હુમાતાઈ તરફ જોયું, ‘આને તો હજી પાકતાં બેચાર વર્ષ નીકળી જશે. ત્યાં સુધી ભલે આ આંબો મારી પાસે રહે.’

પહોળાં-ચૌડાં બાવડાં વચ્ચે ભીંસાઈ રહેલી અઝાન પાસે હવે પ્રતિકારની તાકાત પણ નહોતી રહી. આંખો સામે કાલીનો કાળોભમ્મર ચહેરો હતો અને કાલીએ પીધેલા ગાંજાની વાસ નાકમાં ભરાતી જતી હતી. બરાબર એ જ સમયે સિરાજુદ્દીન ત્યાં પહોંચ્યો. ભરબજારે બીવી-બેટીઓની આ હાલત જોઈને સિરાજુદ્દીનની આંખોમાં લોહી ઊભરાઈ આવ્યું અને માથા પર ભૂત સવાર થઈ ગયું. તેણે કોઈનો પણ વિચાર કર્યા વિના હાથમાં રહેલું હન્ટર કાલી ડફેરની કમર પર ચીટકાવી દીધું.

સટાક...

મીઠાનું પાણી પાઈને બનાવેલું ગેંડાની પૂંછડીનું એ હન્ટર કાલીની પીઠ પર લાલ સોળ ઊભા કરી ગયું. કાલી કંઈ સમજે કે પોતાનો બચાવ કરે એ પહેલાં તો સિરાજુદ્દીનના હાથમાં રહેલા હન્ટરનો બીજો સોળ તેની પીઠ પર ચીટકી ગયો. આ બીજા ફટકા સાથે કાલી ડફેરના હાથની પકડ ઢીલી થઈ અને અઝાનનો છુટકારો થયો. એ સાંજે કાલીએ સિરાજુદ્દીનના હાથનો ખૂબ માર ખાધો. સિરાજુદ્દીન તો તેને મારી નાખવા માગતો હતો, પણ અધમુઆ કાલીને બચાવવા માટે સૈનિકો વચ્ચે પડ્યા એટલે કાલી બચી શક્યો. આખી ઘટના જ્યારે નવાબ પાસે પહોંચી ત્યારે નવાબે કાલીને ઠપકો આપવા માટે બોલાવ્યો. એ સમયે કાલીએ પણ નવાબ સામે લાડ કયાર઼્ હતાં.

‘નવાબસાહેબ, તમારે ત્યાં નોકરી કરતો માણસ જો આ રીતે મારું બજારમાં અપમાન કરે તો એ હું નહીં ચલાવી લઉં... જે કામ તમે જાહેરમાં નથી કરી શકતા એ બધાં કામો હું તમને કરી આપું છું અને જ્યારે જાહેરમાં છત્રછાયા આપવાની વાત આવે ત્યારે તમે મારા બદલે સિરાજુદ્દીનનો પક્ષ લો... આ ન્યાય નથી.’

નવાબને કાલીના શબ્દો ગમ્યા નહોતા, પણ આ હકીકત પણ હતી. અંગ્રેજ સરકાર દ્વારા ચાલતા પ્રપંચનો જવાબ તાકાતથી આપવામાં કાલીનો ઉપયોગ થતો હતો તો સાથોસાથ અંદરખાને આઝાદીની ચળવળના વિરોધી એવા નવાબના રાજ્યમાં ચાલતી લડતની ખબર પણ કાલી અને તેના માણસો રાખતા હતા. માત્ર એટલું જ નહીં, જરૂર પડ્યે અને નવાબના આદેશ પછી કાલી લડતમાં આગેવાની લેનારાઓની કતલ એવી સિફતથી કરતો હતો કે માર્યા ગયેલાની લાશ પણ ક્યારેય મળતી નહીં.

‘તમે પોતે જ કહો, હું વધારે કામ આવું છું કે પછી તમારો એ બે કોડીનો નોકર?’

‘વાત નોકરની કે તારી નથી, વાત સુરક્ષા અને શાંતિ જળવાય રહે એ માટેની છે.’

‘તો-તો મારા કરતાં તમારે વધારે વિચારવું જોઈએ...’ કાલીએ મૂછને તાવ દીધો, ‘આપના રાજમાં મારા કારણે સુરક્ષા અને શાંતિ જળવાય રહે છે કે પછી એ બે કોડીના નોકરને કારણે.’

‘તું ઇચ્છે છે શું?’ નવાબ અકળાયા, ‘તેં કરેલા કારનામાને કારણે તારો જાહેરમાં પક્ષ ન લઈ શકાય એ તું પણ જાણે છે...’

‘મંજૂર... પણ ખાનગીમાં તો મારો પક્ષ લો.’

‘હું તારા જ પક્ષે છું ગાંડા...’ નવાબ સહેજ મલકી ગયા, ‘મારી પાસે ફરિયાદ ન આવે એમ તારે જે કરવું હોય એ કર... તને બધી છૂટ. બસ?’

‘સિરાજુદ્દીન ન હોય તો ચાલેને?’ કાલી ડફેરનો હાથ પીઠ પર પડેલા સોળ પર અનાયાસે ચાલ્યો ગયો. સિરાજુદ્દીને મારેલા ચાબખામાંથી હજી પણ પીડા થતી હતી, ‘તેનું કામ કોઈ કરી લેશેને?’

‘હા, કરી લેશે... ભૂપત નામનો એક સરસ છોકરો મળ્યો છે.’

‘તો પત્યું... આવતા મહિને સિરાજુદ્દીનનો પગાર બચ્યો તમારે.’

***

‘તાઈ, મેં બહુ ખાઈ લીધું છે હવે.’

‘શું હવે બહુ ખાઈ લીધું છે.’ તાઈએ ભૂપત પર મીઠો ગુસ્સો કર્યો અને હાથમાં રહેલા તપેલામાંથી ભૂપતની થાળીમાં કબાબના બે મોટા ટુકડા મૂકી દીધા, ‘આ ઉંમરે આટલું તો ખાવું પડેને. તારી સગી મા હોત તો હજી બે ટુકડા વધુ ખવડાવ્યા હોત.’

‘આવું નહીં બોલો તાઈ.’ ભૂપતે હુમાતાઈના હાથમાંથી તપેલું ખેંચી લીધું અને જાતે જ પોતાની થાળીમાં કબાબ ભરી લીધું, ‘બસ, હવે રાજી?’

‘બહુ રાજી દીકરા...’ હુમાતાઈ ખાવિંદ સિરાજુદ્દીનની બાજુમાં જઈને બેઠાં અને દબાયેલા અવાજે કહ્યું, ‘પેલી વાત કરોને...’

‘પછી... પછી વાત કરું.’

‘પણ અત્યારે મુરત સારું જ છે... કરી દોને.’

‘રસ્તામાં વાત કરી લઈશ... મૂકવા જાઉં ત્યારે.’

હુમાતાઈના ચહેરા પર સહેજ ઉદાસી છવાઈ ગઈ.

- હજી તો રસ્તામાં વાત થશે, પછી છોકરો માનશે એટલે છેક ચોવીસ કલાક પછી તે ઘરે રોકાવા આવશે. જો સરખી રીતે વાત નહીં કરે તો કદાચ ભૂપત ઘરે રોકાવા આવવા તૈયાર પણ નહીં થાય. આવું કરવા કરતાં લાવ હું જ દીકરાને સમજાવી-ફોસલાવીને વાત કરું.

‘તમે એક કામ કરો. છોકરાએ આટલું તીખું ખાધું છે તો જાઓ, કાળવા ચોકમાંથી મટકા કુલ્ફી લેતા આવો. બધા સાથે બેસીને ખાશું. રાબિયાને પણ બે દિવસથી ખાવાનું મન થયું છે.’

‘જેવો આપનો આદેશ બેગમસાહિબા.’

સિરાજુદ્દીન ઊભો થયો અને મોજડી પહેરી ઘરની બહાર નીકળ્યો.

કુલ્ફી લાવવા માટે સિરાજુદ્દીન ઘરેથી નીકળ્યો કે તરત જ હુમાતાઈએ ભૂપતને ઘરે રોકાઈ જવા માટે સમજાવવો શરૂ કરી દીધો હતો. લાંબી સમજાવટ પછી પણ ભૂપત માન્યો નહીં એટલે હુમાતાઈએ હુકમ પણ કરી દીધો હતો.

‘એ હું કંઈ ન જાણું... તારે મારે ત્યાં રોકાવા આવી જવાનું છે.’ હુમાતાઈએ દીકરીઓનો પણ આશરો લઈ લીધો હતો, ‘મને નહીં દીકરા, અઝાન અને રાબિયા પણ તું અહીં રોકાઈ જાય એવું ઇચ્છે છે. બેય બિચારીઓને ભાઈ નથી.’

‘તાઈ, સંબંધો હોવા જરૂરી છે, નહીં કે એ સંબંધો આંખ સામે હોય એ... આંખ સામેના સંબંધોમાં પણ દગાબાજી થતી જ હોય છેને.’

ભૂપત હાથ ધોવા માટે ઊભો થયો એટલે તાઈ પણ તેની પાછળ ગયાં.

‘તું આવી અઘરી-અઘરી ભાષા બોલીને મને ઉલઝાવવાનું બંધ કર અને અહીં રોકાવા માટે મોઢામાંથી હા પાડી દે એટલે મારું કામ પૂરું થાય.’

‘અબ્બા મટકા કુલ્ફી લાવે એટલે અમારું ખાવાનું કામ પૂરું થાય.’ રૂમમાંથી બહાર આવેલી અઝાને બગાસું ખાધું, ‘મારે સવારે મદરેસા પણ વહેલું જવાનું છે. મોડું થાય છે પછી મૌલવીસાહેબ ગુસ્સો કરે છે.’

‘ચોક સુધી ગયા છે તો વાર તો લાગેને હવે.’

ડાકુ : વટ, વચન અને વેર - પ્રકરણ 301

હુમાતાઈએ નજર ફરીથી ભૂપત પર ઠેરવી અને તેને રોકાવાનો આગ્રહ નવેસરથી શરૂ કર્યો. આ વખતે આ આગ્રહમાં અઝાન પણ જોડાઈ. જોકે ભૂપત કોઈ કાળે માનવા તૈયાર નહોતો થતો. થોડી ખેંચતાણ ચાલી પણ આ ખેંચતાણ વચ્ચે એક પણ વાર ઘરના દરવાજાની સાંકળ ખખડી નહીં એટલે હુમાતાઈને પણ સિરાજુદ્દીનની ફિકર થવા લાગી.

‘અઝાન, તારા અબ્બાને આવતાં-આવતાં બહુ વાર લાગી હોં...’ હુમાતાઈએ આકાશ તરફ જોયું, ‘ક્યાંક આ અંધારામાં રસ્તામાં પડ્યા ન હોય.’

‘એક કામ કરો, તમે બધા બેસો. હું જોતો આવું.’

‘ના હવે... તું આવડો અંગૂઠા જેવડો ક્યાં એમને શોધવા જઈશ.’

‘અમ્મી, એવું નહીં બોલ. આ અંગૂઠાએ તો અફઘાનને પણ સીધો દોર કરી નાખ્યો છે.’ અઝાને ભૂપતનો પક્ષ લીધો, ‘ચાલ, ભૂપત હુંય તારી સાથે આવું.’

‘ના, ઊભા રહો તમે બન્ïને. હું પણ તમારી સાથે આવું છું.’

હુમાતાઈ રૂમમાં ગયાં અને રાબિયાને અડધી ઊંઘમાંથી જગાડીને બહાર આવ્યાં. બે ફાનસ પેટાવી એક ફાનસ અઝાનને આપ્યું અને બીજું ફાનસ પોતાના હાથમાં રાખી પગમાં પગરખાં ચડાવ્યાં.

‘વધારે કંઈ લાગ્યું ન હોય તો સારું.’

બધા ઘરની બહાર નીકળ્યાં અને કાળવા ચોકની દિશામાં આગળ વધ્યાં. હુમાતાઈના ફફડતા હોઠમાં કુરાનની આયતનું પઠન ચાલુ હતું તો નાની દીકરી રાબિયા આગળ રહેલા ભયને ભૂલીને મોટી બહેન અઝાનની પાસે બબડાટ કરી રહી હતી.

‘મને શું કામ જગાડી, તારે તાઈને ના પાડવી હતીને.’

‘આપણે હમણાં પાછાં આવી જઈશું... હમણાં જ પાછાં આવી જઈશું.’ અઝાને રાબિયાને લાડ લડાવ્યાં, ‘તને તેડી લઉં હું?’

રાબિયાએ હા પાડી એટલે અઝાને રાબિયાને તેડવા માટે હાથમાં રહેલું ફાનસ ધૂળિયા રસ્તા પર મૂક્યું. પાછળ આવતા ફાનસના અજવાળા વચ્ચે સૌથી આગળ ચાલતો ભૂપત પણ પ્રકાશ રોકાયો એટલે અટક્યો. તેણે પાછળ ફરીને જોયું. તેનાથી દસ ફુટ પાછળ અઝાન રાબિયાને તેડી રહી હતી અને અઝાનનું ફાનસ જમીન પર હતું. જમીન પર રહેલા ફાનસના અજવાશને કારણે રસ્તાની દસથી બાર ફુટ જગ્યા ચોખ્ખી દેખાતી હતી. જે વાત પર સિરાજુદ્દીનના ઘરનાઓનું ધ્યાન ન ગયું એના પર ભૂપતનું ધ્યાન ગયું. તે પાછો ફર્યો અને ઉતાવળા પગલે ફાનસ પાસે આવી તેણે ફાનસ હાથમાં લીધું અને જમીન ચકાસવા માંડ્યો.

‘શું થ્યું ભૂપતા?’

‘તાઈ, એક મિનિટ...’ ભૂપતે જમીન જોવાનું કામ ચાલુ રાખ્યું અને જમીન ચકાસતો તે કાળવા ચોકથી વિરુધની દિશામાં પોતાના હાથની ડાબી દિશામાં આગળ વધ્યો. એ સમયનું જૂનાગઢ આજના જૂનાગઢ જેટલું ગીચ અને વસ્તીવાળું નહોતું. જૂનાગઢ શહેરમાં રહેતા લોકો છૂટાછવાયા અને નવાબે આપેલી જમીન પર મકાન બનાવીને રહેતા હતા. સિરાજુદ્દીનથી કાળવા ચોક સુધીના વિસ્તાર વચ્ચે અનેક જગ્યાએ મોટાં મેદાન આવતાં હતાં, જેની જાળવણી થતી ન હોવાને કારણે આ મેદાનમાં ઝાડીઝાંખરાં ઊગી નીકળતાં. આ ઝાડીઓમાં અનેક વખત જંગલી પ્રાણીઓ પણ ઘૂસી આવતાં, જે શહેરમાં રહેતા લોકોને શિકાર પણ બનાવતાં. ભૂપતે રસ્તાની ધૂળમાં ભળી ગયેલાં લોહીનાં ટીપાં જોયાં હતાં, જે લોહી ઝાડી તરફ જતું હતું. લોહીનાં ટીપાં જોયા પછી ભૂપતે આજુબાજુની જમીન ધ્યાનથી જોઈ હતી. લાશને ઢસડીને લઈ જવામાં આવી હોય એ પ્રકારે એક લાંબો પટ્ટો જમીન પર રહેલી ધૂળમાં બની ગયો હતો. આ પટ્ટા પર લોહીના ડાઘ પણ હતા. ધૂળમાં બનેલો એ પટ્ટો રસ્તાની ડાબી બાજુએ આવેલી ઝાડીમાં જતો હતો.

‘તાઈ, ગામમાં દીપડો ઘૂસ્યો હોય એવું લાગે છે.’

આ દીપડો હકીકતમાં કોણ હતો અને તેને કેવો પરચો ભૂપત આપવાનો હતો એ વાત તો સમયના ગર્ભમાં જ સમાયેલી હતી.

(વધુ આવતા શનિવારે)

columnists