ડાકુ : વટ, વચન અને વેર - પ્રકરણ 301

Published: Jan 05, 2019, 11:53 IST

ભૂપતની રહેવાની વ્યવસ્થા નવાબે વાઘજી ઠાકોર પર છોડી હતી. વાઘજી ઠાકોર માટે ભૂપત કંઈ નવીનવાઈનો નહોતો. ભૂપત જેવા કેટલાય આશ્રિતો જૂનાગઢના નવાબ મહોબ્બત ખાનના આશરે જીવતા હતા


‘કુછ ઐસે હી તેરે દાદુ કી યાત્રા શુરૂ હુયી, જો મરતે દમ તક રુકી નહીં.’

કુતુબે પાણીનો ગ્લાસ મોઢે માંડ્યો. આમ તો આ વાત ઇબ્રાહિમે બીજી વખત સાંભળી હતી; પણ છેલ્લા થોડા સમયમાં તે જે કંઈ સાંભળી રહ્યો હતો, સાંભળી ચૂક્યો હતો એ બધું પચાવવું, એ બધું સમજવું અને સમજ્યા પછી એને વાસ્તવિક માનીને સ્વીકારવાનું કામ સહેજ પણ સહેલું નહોતું. જે માણસને આંખ સામે તેણે જોયો હતો, જે માણસ ઈદના દિવસોમાં કુરબાની આપવાનું ટાળી દેતો અને બહુ આગ્રહ કરવામાં આવે તો હલાલ સમયે આંખો બંધ કરી દેતો તે માણસ ઑલરેડી લાશોના ઢગલા પર બેઠો હતો.

‘ચાચુ, દાદુ કે નામ પે કુલ કિતને કતલ લિખે ગએ હૈં?’

‘ઇસકા જવાબ ના તો અંગ્રેજ સરકાર દે સકતી હૈ ઔર ના હી ભારત સરકાર.’ કુતુબે શાંતિથી જવાબ આપ્યો, ‘એ સમયનાં રજવાડાંઓ વચ્ચે પણ આ બાબતમાં વિખવાદ ચાલતો હતો અને ભૂપત પોતે પણ એક સમય પછી હિસાબ રાખવાનું છોડી ચૂક્યો હતો.’
‘મતલબ? મૈં કુછ સમઝા નહીં.’

‘અમે જ્યાં રહેતા ત્યાં એક દીવાલ પર ભૂપત કોલસાથી આંકડા લખતો, જેથી તેને ખબર પડે કે તેણે કેટલાં મોતનું પ્રાયિત્ત કરવાનું છે; પણ જૂનાગઢના નવાબે તેના પર બે ખોટાં ખૂનના આરોપ મૂક્યા પછી તેણે એ હિસાબ રાખવાનું છોડી દીધું અને પછી તો શિરસ્તો થઈ ગયો. રસ્તામાંથી લાશ મળે કે કોઈ પોતાની જૂની અદાવતને કારણે ગીરના જંગલમાં કોઈનું ખૂન કરે તો પણ એ હત્યા ભૂપતના નામે ચડી જતી. ભૂપતે કંઈ ન કર્યું હોય તો પણ એનો કેસ ભૂપત પર દાખલ કરી દેવામાં આવતો. થોડા સમય સુધી તો ભૂપતે ઉધામા લીધા; પણ પછી તેણે એય પડતું મૂકી દીધું, પડતું મૂકવાનું શરૂ કરી દીધું. જોકે પોલીસે ખોટા કેસ ચડાવવાનું બંધ નહોતું કર્યું.’
‘તો પણ... કદાચ તમને યાદ હોય, કદાચ તમને યાદ આવી જાય...’

‘હં...’

‘આમ નક્કી તો ન કહેવાય, પણ ભૂપત પછીયે હું મારી રીતે જ્યાં સુધી ગણતો ત્યાં સુધી તો ભૂપતે ૯૯...’

કુતુબના હોઠ એવી રીતે ફફડતા હતા જાણે તે હિસાબ કરી રહ્યો હોય.

‘માણાવદરમાં ચાર અને એના પછી કુતિયાણામાં ત્રણ એટલે... કુલ થયા...’

કુતુબે ઇબ્રાહિમની સામે જોયું. કુતુબનો હાથ વેઢા ગણતો હતો.

‘હું ગણતો ત્યાં સુધી ભૂપત ૧૦૬એ પહોંચ્યો હતો... એ પછી તો અમે આઠેક મહિના વધારે કામ કયુર્, જેમાં ઘણી વખત તે એકલો પણ ગયો હોય અને કામ કરીને આવ્યો હોય તો અમુક વખતે હું બીજી બાજુએ જતો. ટૂંકમાં, એ રાતે અમે બેઉ બહાર હોઈએ એટલે એમ ગણતરી ન થઈ હોય.’

ઇબ્રાહિમ અચાનક જ પોતાની ખુરસી પર સામે આવ્યો.

‘અચ્છા ચાચુ, આપ કી ગૅન્ગને... મતલબ ગિરોહને કિંતને લોગોં કો મારા હોગા?’
કુતુબ માટે આ પ્રશ્ન અનપેક્ષિત હતો.

તેની આંખો મોટી થઈ ગઈ અને એ મોટી થઈ ગયેલી આંખોમાં તાજ્જુબ ડોકાવા માંડ્યું.
‘ક્યૂં, ક્યા હુઆ ચાચુ? કુછ ગલત...’
‘નહીં, કુછ ભી ગલત નહીં બેટે...’

કુતુબની આંખોમાં આવી ગયેલી ભીનાશ રાતના એ અંધકારમાં પણ તગતગતી દેખાય આવી.

‘આજ પહેલી બાર યે સવાલ કિસીને પૂછા આૈર ઇસી સવાલ કે કારન, આજ પહલી બાર યે ખયાલ ભી આયા કિ ન જાને કિતને લોગોં કો હમ મૌત કી આગોશ મેં લેટા કર યહાં બૈઠે હૈ, ન જાને કિતને લોગોં કો...’

પાકિસ્તાનના જે ફાર્મહાઉસમાં ઇબ્રાહિમ અને કુતુબ બેઠા હતા એ ફાર્મહાઉસના બહારના પ્રાંગણમાં એક ઘટના ઘટી ગઈ હતી, જેનો અણસાર સુધ્ધાં તેમને નહોતો આવ્યો. ફાર્મહાઉસમાં સૌથી પહેલાં દાખલ થયેલા દિલીપસિંહે ચોકીદારની કોટડીની પાછળના ભાગમાં ઓથ લીધી હતી અને પહેલાં એક પછી એક પોતાના સાથીઓને અંદર લીધા હતા. અંદર બધા સાથીઓ આવી ગયા એટલે દિલીપસિંહે ધાબળો માથા પરથી નીચે ફેંકી દીધો અને પછી બે હાથ પહોળા કરીને આળસ મરડી. મરડાયેલી આળસે શરીરના સાંધામાં ઘર કરી ગયેલી સુસ્તીને કાઢવાનું કામ કર્યું. સુસ્તી જેવી શરીરમાંથી ગઈ કે તરત જ દિલીપે પહેરેલા પગના મોજામાંથી જમૈયો ખેંચી કાઢ્યો. ખેંચાયેલા જમૈયાની અણીદાર ધાર ચંદ્રના અજવાશમાં ચમકી ઊઠી અને એ ચમકે દિલીપના ચહેરા પર રોનક પાથરી દીધી.

વષોર્થી વેરનો જે વલોપાત તે પોતાના હૈયામાં ભરીને બેઠો હતો એ વલોપાત આજે ઓસરવાનો શરૂ થતો હતો અને એ દિશામાં હવે તે પહેલું પગલું માંડવાનો હતો.

***
બીજલ જ્યારે ગામની બહાર નીકળી ત્યારે પરોઢના પાંચ વાગી ગયા હતા અને આસમાન વહેલી સવારનો કેસરી રંગ ઓઢવાની રાહ જોઈ રહ્યું હતું. ગામડાની રોજિંદી જિંદગી ધીમે-ધીમે શરૂ થવા માંડી હતી. કેટલીક કેડીઓ પર છૂટાછવાયા ખેતમજૂરોની અવરજવર દેખાવા લાગી હતી. અલબત્ત, એ અવરજવરમાં કોઈ રોમાંચ નહોતો. આંખો અધખુલ્લી હતી અને પગમાં હજી પણ અર્ધજાગૃત અવસ્થા જોડાયેલી હતી. કેટલાકના મોઢામાં બાવળનું દાતણ હતું તો કેટલાક વળી ગંગા સતીનાં ભજનો લલકારતા ખેતર તરફ આગળ વધી રહ્યા હતા. એવામાં કોઈ ઘોડેસવાર ગામની બહાર નીકળતો હોય તે તેના પર શું કામ કોઈનું ધ્યાન જાય. આમ પણ આજુબાજુનાં ગામોમાં ખરીદી કરવા જનારા સામાન્ય રીતે આ જ સમયે ગામમાંથી બહાર નીકળતા એટલે સ્વાભાવિક રીતે અમરસિંહ કે ભૂપતને આમ બહાર નીકળતા જે કોઈએ જોયા હતા તેમને એમાં કંઈ અજુગતું લાગ્યું નહોતું. ગામની બહાર નીકળ્યા પછી મુખ્ય સડક વાપરવાને બદલે અમરસિંહે ગીરના જંગલનો ઉપયોગ કર્યો અને તાલાળા, તુલસીશ્યામ, મેંદરડા થઈને જૂનાગઢ પહોંચવાનું પસંદ કર્યું. આ રસ્તે જવામાં દોઢેક કલાક જેટલો સમય વધુ જવાનો હતો, પણ એની સામે ફાયદો સૌથી મોટો એ હતો કે રસ્તામાં કોઈ જોખમ ઊભું થવાની સંભાવના નહીંવત્ થઈ જતી હતી. મેંદરડા સુધી પહોંચ્યા પછી અમરસિંહે બીજલને એક જગ્યાએ ઊભી રાખી. પછી પોતે ઘોડા પરથી નીચે ઊતર્યા અને ભૂપતને નીચે ઉતાર્યો. બીજલ એકધારું ચાર કલાકથી દોડી રહી હતી. એને આરામ આપવો જરૂરી હતો અને આમ પણ હવે જૂનાગઢની હદ શરૂ થઈ ગઈ હતી એટલે નિયમ મુજબ અંગ્રેજ પોલીસે આ વિસ્તારમાંથી ધરપકડ કરતાં પહેલાં નવાબની પરવાનગી લેવી જરૂરી હતી.

‘બેટા, અડધો કલાક આરામ કરી લે... પછી એકશ્વાસે જૂનાગઢ નીકળી જઈશું.’

અમરસિંહે ભૂપતને કહ્યું હતું એ બીજલે આંખથી નોંધી લીધું હતું એટલે એણે પગ માંડીને બેસવાને બદલે પોતાનો ડાબો પગ ઊંચો કરીને આંખો ઝીણી કરી ઊભા-ઊભા જ થાક ઉતારવાનું શરૂ કરી દીધું.

‘બાપુ, જૂનાગઢમાં હું ક્યાં રહીશ?’
‘પહોંચીએ પછી નક્કી કરીએ...’

અમરસિંહે માથા પરની પાઘડી નીચે ઉતારીને તકિયો બનાવ્યો અને ઝાડના છાંયામાં લંબાવ્યું, રાતનો ઉજાગરો હતો, પણ આંખમાં હજીયે ઊંઘની કોઈ અસર વર્તાતી નહોતી. ભૂપતે કરેલા સવાલ વિશે તે છેલ્લા દોઢ કલાકથી વિચાર્યા કરતા હતા. જૂનાગઢમાં ભૂપતની ભાભી એટલે કે કર્ણવીરસિંહના દીકરાની વિધવા વહુ રૂપા રહેતી હતી, પણ વહુના ઘરે આફતનું આ પોટલું મૂકવાનો અર્થ એક જ હતો કે જે-તે દિવસે ચિંતાની ચક્કી છેક રૂપાના ઘરમાં પણ પિસાવાની શરૂ થાય. જો રૂપાને ત્યાં ભૂપતને ન મૂકવો હોય તો એક જ રસ્તો ખુલ્લો રહેતો હતો અને એ હતો કે ભૂપતને રાખવાની જવાબદારી જો નવાબ સંભાળે તો તેમને જ એ જવાબદારી આપવી.

- હા, એ જ સાચું છે.

અમરસિંહથી સ્વગતપણે બોલાયેલો આ સંવાદ એટલો મોટા સ્વરમાં હતો કે એ ભૂપતે તો ઠીક, બીજલે પણ સાંભળ્યો. બીજલે તો ગળામાંથી આછોસરખો અવાજ કાઢીને અમરસિંહની વાતમાં હોંકારો પણ ભણ્યો. માણસ જ્યારે હકારાત્મકતાની આશામાં જીવતો હોય ત્યારે તેને હવામાંથી પણ હકારાત્મકતાનો ભાસ થતો હોય છે. અમરસિંહને પણ ઘોડીની હણહણાટીમાં અત્યારે એવી જ હકારાત્મકતાનો ભાસ થયો હતો. તેમણે આ હકારાત્મકતાથી રાજી થઈને આંખો બંધ કરી. આંબા પર આવી ગયેલી કેસર કેરીના મોરની સુગંધ વચ્ચે તેમની આંખોને કલાકો પછી પહેલી વાર આરામ મળ્યો હતો.

***
બાપુની આંગળી પકડીને નવાબની આલીશાન હવેલીમાં દાખલ થયેલા ભૂપતની નજર હવેલીની દીવાલો પર ફર્યા કરતી હતી. આ દીવાલો પર જાત-જાતનાં પ્રાણીઓનાં મસ્તક ટીંગાડીને રાખવામાં આવ્યાં હતાં. શિકાર દરમ્યાન માર્યા ગયેલાં એ પ્રાણીઓનાં શરીરોને સાચવી રાખવા માટે એમાં આયુર્વેદના મસાલાઓ ભરવામાં આવ્યા હતા. વાઘ, ચિત્તો, સિંહ, વરુ અને આખલાની સાથોસાથ આ દીવાલ પર ગેંડા, હાથી અને હિપોપૉટેમસનાં માથાંઓ પણ ટીંગાઈ રહ્યાં હતાં. એ પ્રાણીઓની આંખો પોતાને તાકી રહી હોય એવું ભૂપતને લાગ્યા કરતું હતું. જો અહીં તે એકલો આવ્યો હોત તો ચોક્કસ તેને ડર લાગ્યો હોત, પણ અત્યારે બાપુ તેની સાથે હતા અને હાથમાં બાપુની આંગળી હતી એટલે ભૂપતની હિંમત તૂટી નહોતી.

‘આપ બિરાજો, નવાબસાહેબ હમણાં આવે છે...’

નવાબના એક સૈનિકે બેઠક તરફ ઇશારો કર્યો એટલે અમરસિંહે તેનો આભાર વ્યક્ત કરીને બેઠક પર જગ્યા લીધી. ભૂપતે અગાઉ વાઘણિયાની હવેલી જોઈ હતી, પણ એ હવેલી સામે જૂનાગઢના નવાબની હવેલી અનેકગણી ચડિયાતી હતી. વાઘણિયા દરબારમાં જોટાળી બંદૂક ટીંગાડીને પોતાના ઐશ્વર્યાનો પરિચય આપવામાં આવતો, જ્યારે જૂનાગઢના નવાબની હવેલીની શોભા વધારવા માટે ચાંદીની તોપ અને સોનાની બૅરેટા બંદૂક રાખવામાં આવી હતી. વાઘણિયામાં લાકડાની ખુરસીને લાલ, લીલાં અને પીળાં ફૂમતાં બાંધીને એને રંગબેરંગી બનાવવામાં આવી હતી, જ્યારે જૂનાગઢમાં વિદેશમાં જોવા મળે એવાં આહ્લાદક દીવાન પાથરવામાં આવ્યાં હતાં. આ દીવાનની બાદશાહી વધારવા માટે એમાં રંગબેરંગી કાચના ટુકડાઓ ટાંગવામાં આવ્યા હતા. કાચના આ ટુકડાઓ અમૂલ્ય એવાં હીરા, મોતી, માણેક અને પન્ના છે એ તો ભૂપતને વષોર્ પછી છેક ખબર પડી હતી.

‘બા અદબ, બા મુલાયજા, હોશિયાર... જૂનાગઢ નવાબ મહોબ્બતઅલી ખાન પધાર રહે હૈ...’
નવાબ હવેલીમાં દાખલ થાય એ પહેલાં તેમના નામે બજાવવામાં આવતી કુર્નિશ ભૂપત અને અમરસિંહ સુધી પહોંચી ગઈ. આ કુર્નિશની સાથે જ દરબારગઢમાં ઊભેલા નોકરચાકરનાં શરીર અચાનક કડક થઈ ગયાં અને તેમના હાથોમાં સલામીની મુદ્રા આવી ગઈ. તેમના શરીરમાં આવેલા આ દોરીસંચારને જોઈને દીવાન પર અધ્ધરજીવે બેઠેલા અમરસિંહ પણ ઊભા થઈ ગયા. બાપુ ઊભા થયા એટલે ભૂપત પણ ઊભો થયો અને બાજુમાં મૂકેલી કપડાંની થેલી ફરીથી બગલમાં ભરાવીને પોતાનું અડધું શરીર બાપુની પાછળ સંતાયેલું રહે એમ ગોઠવાયો.

દરબારમાં ઊભેલા નોકરચાકરની નજર જે દિશામાં હતી એ દિશામાં અમરસિંહે આંખો માંડી. એ દિશામાં આલીશાન આઠ ફુટનો દરવાજો હતો. પંદરથી વીસ સેકન્ડ પછી એ દરવાજો ધીમે-ધીમે ખૂલ્યો અને દરવાજામાંથી નવાબ મહોબ્બતઅલી ખાન દાખલ થયા. ઘેરા લીલા રંગના મખમલના ઝભ્ભા પર અગણિત હીરા-મોતી ટાંકવામાં આવ્યાં હતાં. ઝભ્ભા જેવા જ રંગની ટોપી નવાબના માથે શોભતી હતી. નવાબની મોજડીનો અવાજ ધીમે-ધીમે સિંહાસન તરફ આગળ વધ્યો અને કોઈની પણ સામે આંખ માંડ્યા વિના નવાબે સિંહાસન પર પોતાનું સ્થાન લીધું.

‘ફરમાઇયે... જૂનાગઢ રાજ આપ કી ક્યા સેવા કરે?’
અમરસિંહે નવાબ સામે હાથ જોડ્યા.

‘આપ કર્ણવીરસિંહને ઓળખો છો. હું તેનો નાનો ભાઈ અમરસિંહ ચૌહાણ...’

‘હા, મને સચિવે વાત કરી એટલે જ તમને અંગત રીતે મળવા માટે રાણીવાસમાંથી બહાર આવ્યો. બાકી આ સમયે કોઈને મળવા મળતું નથી.’ નવાબે ચોખવટ કરી લીધી અને સાથોસાથ પૃચ્છા પણ કરી, ‘કર્ણવીરસિંહ નથી પધાર્યા?’

‘ના નવાબસાહેબ... અને તે તમને ક્યારેય હવે મળી પણ નહીં શકે.’

અમરસિંહની આંખોમાં આંસુ આવી ગયાં. ભૂપતે બાપુને પહેલી વખત રડતા જોયા હતા. જ્યારે મોટા બાપુની લાશ ઘરે આવી ત્યારે પણ બાપુની આંખમાં તેણે આંસુનું એક ટીપું જોયું નહોતું.

‘શું થયું કર્ણવીરસિંહને...’
નવાબે તાળી પાડી એટલે એક સેવક બે ડગલાં ચાલીને આગળ આવ્યો. નવાબે તેને પાણી લઈ આવવાનો આદેશ આપ્યો અને પછી અમરસિંહની સામે જોયું. અમરસિંહ ઊભા હતા. તેની પાછળ ભૂપત લપાઈને ઊભો હતો.

‘આપ બિરાજો અને મને માંડીને વાત કરો...’

અમરસિંહે જંગલમાં બનેલી આખી ઘટના વર્ણવી. આ ઘટનાની સાથોસાથ કુલદીપસિંહ સાથેની પેઢીઓ જૂની દુશ્મનીની વાત પણ કહી અને કર્ણવીરસિંહની હત્યાનો આરોપ પોલીસે કઈ રીતે ભૂપત પર મૂક્યો છે એની વાત પણ કહી. નવાબે કોઈ જ જાતના પ્રત્યાઘાત વિના વાઘણિયા સ્ટેટનો વર્તાવ પણ પૂછી લીધો એટલે અમરસિંહે અંગ્રેજથી દબાયેલા વાઘણિયા સ્ટેટની વાત કહી દીધી અને શબ્દો ર્ચોયા કે બચાવ્યા વિના ચોખવટ પણ કરી લીધી.

‘મને જૂનાગઢ સ્ટેટ પાસેથી બીજી કોઈ અપેક્ષા નથી. માત્ર એટલી આશા રાખું છું કે મારા આ દીકરાને આપની પનાહ મળે અને તે આપને ત્યાં મોટો થાય.’

‘મોટા ભાઈએ કરેલા ઉપકારનો બદલો ચૂકવવા જતાં નાનો ભાઈ બીજા સાથે દુશ્મની કરાવવાનું કામ કરી રહ્યો છે. આ તો સ્વાર્થનું કામ છે.’

આ પણ વાંચોઃ ડાકુ : વટ, વચન અને વેર - પ્રકરણ ૩૦૦

‘ના નવાબસાહેબ... મોટા ભાઈએ બચાવેલા જીવના બદલામાં જો મારું રક્ષણ માગું તો સ્વાર્થ કહેવાય. હું તો અત્યારે આ ઘડીએ પાછો મારા ગામ જવાનો છું. હું તો આ છોકરાને તમારી પાસે સાચવો એવી અપેક્ષા રાખું છું...’ અમરસિંહે પીઠ પાછળ સંતાયેલા ભૂપતનો હાથ પકડીને તેને આગળ ધર્યો અને નવાબને ફરી હાથ જોડ્યા, ‘નવાબસાહેબ, છોકરો એક દિવસ તમારું નામ એવું રોશન કરશે કે તમે પોતે મને શોધતા આવશો અને મારી પીઠ થાબડશો. આ મારું વચન છે...’
***

. નવાબના આ આશ્રિતો કેટલો સમય જૂનાગઢમાં રહેવાના છે એ મુજબ તેમને રહેવાની સગવડ કરી આપવામાં આવતી. બે-ચાર મહિના રોકાનારાઓને સરાઈમાં એટલે કે ધર્મશાળામાં ઉતારો મળતો તો એનાથી વધુ લાંબો સમય રહેનારાઓને નવાબના આદેશથી ઘર ખોલી આપવામાં આવતાં હતા. જોકે ભૂપતને આ બેમાંથી કોઈ વાત લાગુ પડતી નહોતી. ભૂપત હવે કાયમ માટે જૂનાગઢમાં રહેવાનો હતો અને તેના પરિવારમાં પણ એવું કોઈ હતું નહીં જેને ઘર આપવાથી ભૂપત ત્યાં સચવાઈ રહેવાનો હોય. આ જ કારણે વાઘજી ઠાકોરે ભૂપતને નવાબના મહેલના ઘોડા જ્યાં રાખવામાં આવતા હતા એ ઘોડારની એક ઓરડી ખોલી આપી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK