કથા સપ્તાહ : અગ્નિપરીક્ષા (1)

17 June, 2019 10:01 AM IST  |  | વર્ષા અડાલજા - કથા સપ્તાહ

કથા સપ્તાહ : અગ્નિપરીક્ષા (1)

અગ્નિપરીક્ષા

કથા-સપ્તાહ

હંસા ટ્રેનમાંથી મુંબઈના રેલવે-સ્ટેશન પર પગ મૂકતાં જ ગભરાઈ ગઈ. ફિલ્મોમાં જોયેલા સ્ટેશન કરતાં એ કાંઈ જુદું નહોતું તો પણ જોવું અને ત્યાંના અવાજો અને ગિરદીથી ઘેરાઈ જવું એ જુદી વાત હતી. નવીન સમજતો હતો કે જેણે આજુબાજુનાં નાનાં ગામ સિવાય કાંઈ જોયું ન હોય તેને માટે મુંબઈના સ્ટેશનનું પ્રથમ દર્શન ગભરાવી દે એવું જ હોય. તેણે કુલી કર્યો અને હંસાનો હાથ પકડીને બહાર આવ્યો. સામાન ટૅક્સીમાં મુકાવ્યો.

હંસા વિસ્ફારિત આંખે આ અજાયબ નગરીને જોતી રહી. મોટો રસ્તો છોડીને નાની, એકમેકમાં ગૂંથાતી ગલીઓમાં થઈને ટૅક્સી ઊભી રહી ગઈ. નવીને સામાન ઉતાર્યો અને ટૅક્સી ચાલી ગઈ. હાથમાંની થેલી બે હાથે કસીને પકડી તે ચોતરફ જોતી ઊભી રહી ગઈ. આ તેનું ઘર હતું! અહીં હવે રહેવાનું હતું!

તે સહેજ કંપી ઊઠી.

કમ્પાઉન્ડ મોટું હતું, પણ ભરચક હતું. એક દરવાજો તૂટી ગયો હતો અને બીજો જિજીવિષાથી લટકી રહ્યો હતો. એના પર વાંકું વળી ગયેલું ઝાંખુંધબ્બ બોર્ડ હતું, કસ્તુરબા નગર. નીચે હારબંધ નાની-મોટી દુકાનો. એમાંનો ઘણો સામાન તો બહાર જ ખડકાયેલો. લાદીઓ તૂટી ગઈ હતી અને એના પથ્થર હજી આમતેમ પડ્યા હતા. કશેકથી પાણી વહી આવતું હતું. એની ગંદી વાસથી ઊબકો આવી ગયો.

વજર ફરતી ઉપર ગઈ, અટકી. એક પર એક ખડકાયેલાં ઘરો. પતિએ કહેલું એને માળો કહેવાય.

માળો? તેણે નવાઈ પામી પૂછેલું. પતિના જવાબથી ઓર આશ્ચર્ય થયેલું. હા માળો, પણ પક્ષીઓનો વૃક્ષમાં હોય એવો એકલવાયો નહીં. તો?

પતિએ હસીને તરત કહેલું, અહીં તો તું જુએ છેને લાઇનબંધ ઓરડીઓ! તારે તો રોજ તરણેતરનો મેળો.

શું આ તરણેતરનો મેળો! ના રે. અહીં તો ખીચોખીચ વસ્તી અને આ ગંધ, અવાજો...

નવીને પાછળ જોયું,

‘કેમ ઊભી રહી ગઈ? થાકી ગઈને! સૉરી બીજે માળે જવાનું છે, બિટ્ટુ...’

એક યુવાન દોડી આવ્યો,

‘આવી ગ્યા? ભાભી ક્યાં? લ્યો આ રહ્યાં ભાભી હેંને!

તેણે પાસે આવી પગે લાગવા જેવું કર્યું. હંસા જોઈ રહી, મેલખાયું ગંજી, કાળા રંગનું હાફપૅન્ટ અને ઉઘાડા ધૂળિયા પગ. હસું હસું ચહેરો. તેણે બૅગ લઈ લીધી, હું બિટ્ટુ કહી ચાલવા લાગ્યો. હંસા પતિ અને બિટ્ટુની પાછળ દાદર ચડી. અહીં પણ કચરો હતો, કઠેડો ઢીલો થઈ ગયો હતો. બીજા માળની એક ઓરડી પાસે બિટ્ટુ બૅગ મૂકી ઊભો રહી ગયો. નવીને તાળું ખોલી બારણાને ધક્કો માર્યો. અંદર પુરાયેલો અંધકાર હિંસક જાનવરની જેમ હુમલો કરવાનો હોય એમ હંસા ડરીને ઉંબર પર જ ઊભી રહી ગઈ.

નવીન અંદર ગયો અને હંસાની સામે ઊભો રહી ભાવથી કહ્યું,

‘વેલકમ હોમ ડિયર...’

હંસા શરમાઈ ગઈ, બિટ્ટુએ તાળીઓ પાડી.

‘સૉરી તને વધાવે કે ગૃહપ્રવેશ કરાવે એવું તો ઘરમાં કોઈ નથી. આવ, આ આપણું ઘર. માળામાં માળો, આપણો પોતાનો. તું અને હું. હુતોહુતી.’

નવીને હાથ પકડ્યો અને તેણે ઘરમાં પગ મૂક્યો. ટીવી પરની સિરિયલોમાં તેણે જોયું હતું કે નવવધૂ ઘરેણાંના વજનથી લચી પડતી, ચોખાના કુંભને પગથી ઠેલીને ગૃહપ્રવેશ કરતી, પછી કંકુ પગલાં....

અહીં એમાંનું કશું નહોતું, ન ઘરેણાં, વિશાળ ઘર કે પછી ચોખાનો નાનોસરખો કુંભ પણ. ગળામાં પિતાએ આપેલો માનો નેકલેસ, હાથમાં લાલ પ્લાસ્ટિકની બંગડી સાથે બે કડાં, પતિએ આપેલી કાનની બુટ્ટી, એક પાતળી સોનાની ગળામાં સેર અને નાકની ચૂંક. હા, હાથની મેંદી તો અસ્સલ સિરિયલની વહુ જેવી.

ઘરમાં તો ધોળે દિવસે પણ મોંસૂઝણું નહોતું.

છાતીમાં અંધારું ઘૂંટાતું હતું. નવીને

બત્તી કરી,

‘તું આવી અને મારું ઘર, ના આપણું ઘર ઝગમગી ઊઠ્યું. એય બિટ્ટુ તું કેમ બાઘાની જેમ ઊભો છે! જા ભાઈ...’

બિટ્ટુ બૅગ અંદર મૂકીને લશ્કરી ઢબે સલામ કરીને દોડી ગયો. નવીને બારણું બંધ કર્યું. પતિને જોઈ રહેલી હંસા સંકોચથી નીચું જોઈ ગઈ. ભીનેવાન ચહેરામાં તગતગી રહેલી લાગણીસભર આંખો, કપાળ પરથી થોડા ઘસાયેલા વાળ, ઊંચો પાતળો બાંધો...

આ ક્ષણની કેટલી પ્રતીક્ષા હતી!

દસમા ધોરણનું પરિણામ આવ્યું ત્યારે તે દાદીમાને પગે લાગી હતી. રાજી થઈ પપ્પાને કહ્યું હતું, ચંદ્રકાન્તભઈલા, જો દીકરી કેવી હાડેતી થઈ છે. ભણી લીધું બસ. ને પપ્પાએ જવાબ આપેલો, હા બા, મારે તેને શહેરમાં જ વરાવવી છે, પણ ગામનો છોકરો શહેરમાં રહેતો હોય, આમ ઠીકઠાક હોય એવો શોધતાં ઝટ મળે છે!

શહેરમાં?

હા બા, કો’ક વાર કામે શહેરમાં ગયો છું. ઓહો શું ઘર, ગાડીઓ, હોટલું, સિનેમા... હંસા રાજ કરશે.

તે શરમાઈને અંદર દોડી ગયેલી અને એ રામે જ સપનું જોયેલું. શહેરના એક સુંદર ઘરમાંતે ગૃહપ્રવેશ કરી રહી છે...

‘ઘર ન ગમ્યુંને હંસા?’

પતિ પૂછી રહ્યો હતો.

‘ના એવું નથી, જેવું છે આપણું છેને!’

નવીને ઉમળકાથી પત્નીનો હાથ પકડ્યો,

‘બસ, એ જ વાત છે. શહેરમાં પોતાનું અને એય આલીશાન ઘર વસાવતા માણસને એક જિંદગીયે ઓછી પડે...’

તેણે પતિના મુખે હાથ દીધો,

‘એવું ન બોલો. તમે જેમ રાખશો એમ ખુશ રહીશ. જાણું છું શહેરમાં કાઠું કાઢવું કેટલું અઘરું છે.’

‘હું ખૂબ મહેનત કરીશ હંસા તારા માટે, આપણા માટે અને આપણા સંતાન માટે. એક સમય એવો આવશે કે એક આલીશાન ફ્લૅટમાં તારો ગૃહપ્રવેશ કરાવીશ. વચન છે મારું.’

નવીને તેને આશ્લેષમાં લઈ લીધી. સ્નેહની છોળથી એ તાર તાર ભીંજાઈ ગઈ. પતિનું ઘર હતું એના ઘરની પાછલી પીપળાવાળી શેરીમાં બા અને નાના ભાઈને મળવા મુંબઈથી વર્ષમાં બે-ત્રણ વાર આવે ત્યારે અલપઝલપ તેને જોયેલા. પપ્પાએ એ જ ઘરે માગું નાખ્યું ત્યારે તે કેટલી હરખાઈ હતી! બાએ વિદાય વેળાએ શીખ ગાંઠે બંધાવી હતી, ‘જો બેટા સંસાર તો અગ્નિપરીક્ષા છે, સીતામા જેવી. આપણે એમાંથી પાર ઊતરવાનું છે. સુખદુઃખમાં પતિપત્ની જોડાજોડ ઊભાં રહે એ સાચું સુખ.’

અને અત્યારે તે પતિના ગાઢ આશ્લેષમાં હતી. પતિનો પ્રથમ સ્પર્શ અને પહેલા વરસાદથી ભીની માટીની જેમ તે મહેકી ઊઠી હતી. એનો છાક ચડે એ પહેલાં તે અળગી થઈ,

‘મોડું થઈ ગયું છે, નાહીને જમી લઈશું?’

‘બાત તો સચ હૈ રાની, પણ રસોડામાં કંઈ નથી, આપણે હોટેલમાં જવાનું છે.’

‘ના, સાથે લાવી છુંને! પહેલાં ઘર તો બતાવો.’

નવીન હસી પડ્યો,

‘સૉરી મૅમ, પણ તું સામે હોય ત્યારે મને કંઈ સૂઝતું જ નથી. ઓકે. ઘર બતાવું. જોકે બહુ

જોવાલાયક તો નથી, પણ...’

‘હુતોહુતીનો માળો તો છેને!’

બન્ને હસી પડ્યાં. હંસાને થયું જે અપરિચિતનો હાથ પકડી‍ને તે ચાલી નીકળી હતી તેને કદાચ તે પહેલેથી ઓળખતી હતી એવું કેમ લાગી રહ્યું છે!

નવીન હોંશથી ઘર બતાવવા માંડ્યો,

‘જો આ બહારની રૂમ, મુંબઈની ભાષામાં ડ્રૉઇંગરૂમ...’ હંસાનો હાથ પકડીને તે ચાલવા લાગ્યો અને ‘આ છે બેડરૂમ. નાનો છે પણ હવા-ઉજાસ છે. સામે કિચન અને બાજુમાં બાથરૂમ. બસ, આ આપણું સામ્રાજ્ય..’

હંસા ચાલતી રહી, સ્પર્શતી રહી દીવાલોને, ચીજવસ્તુઓને. પોતાપણાના ભાવથી. હા, આ માળો હતો. ખોબા જેવડું ઘર, પણ તે પ્રેમના રંગોથી આ દીવાલોને ધોળશે, બારી પાસેની પાળી પર નાના કુંડામાં વાવશે મોગરો અને રાતરાણીની વેલ. એની સુગંધથી મહેકી ઊઠશે એની રાત્રિઓ.

ઘર શબ્દ બોલતાં જ કેટકેટલી સ્મૃતિઓ સંજીવની છાંટી હોય એમ સજીવ થઈ ઊઠતી હતી! તેનું ગામ... તળાવપાળીએ વટવૃક્ષ નીચે શિવપાર્વતીનું થાનક... ડેલીએ મહોરતો આંબો... વહેલી સવારે ગુંજતો બાનો મીઠો સ્વર...

‘તારી માફી માગવી છે હંસા.’

પોતાની અંદર પાછી ફરતી હોય એમ તેણે ઊંડો શ્વાસ ભર્યો,

‘માફી? મારી? સમજાયું નહીં.’

મનમાં દ્વિધા ચાલતી હોય એમ આજુબાજુ જોતો તે થોડી વાર ચૂપ રહ્યો. પત્નીના ચહેરાને બે હાથમાં સાહી લીધો, પછી એકાએક બોલવા લાગ્યો,

‘કેવડા મોટા ઘરમાં તું લાડથી ઊછરેલી અને હું તને કેવા પીંજરા જેવા ઘરમાં લઈ આવ્યો! તારા પપ્પાને તો મેં જુઠ્ઠું કહી દીધું હતું સરસ ઘર છે મારું. તેમણે મારો વિશ્વાસ કર્યો હતો અને હું ખોટું બોલ્યો હતો, સૉરી હંસા.’

હંસા ચમકી ગઈ, આ તે કેવી વાત! તે તારસ્વરે બોલી પડી,

‘આ શું બોલો છો? આપણા નવા જીવનની શરૂઆત જૂઠથી? પણ મેં તો મારા પૂરા જીવનનો તમારા પર વિશ્વાસ કર્યો!’

‘જાણું છું એટલે જ તો સૉરી. માફી માગું છું, દિલથી હંસા.’

‘પણ શું કામ ખોટું બોલ્યા? શું કામ?’

‘બસ, તને પામવા. તારે માટે.’

‘એટલે?’

કેટલી હિંમત એકઠી કરી હૃદયને સમજાવ્યું હતું! નવીન પત્નીની આંખોમાં ઝાંકી રહ્યો. કેવું ગજબનું આકર્ષણ હતું એમાં! ઘેરી કથ્થઈ રંગની આંખોમાં સહેજ લીલાશભરી અંગૂરી છાંટ... સવળોટ શરીર... ઊઘડતા વાનનો નિર્દોષ ચહેરો... પહેલી વાર જોઈ હતી ત્યારે જ આંખોથી હૃદયમાં વસી ગયેલી. બાને મળવા ગામ ગયો હતો ત્યારે જોયેલી. બહેનપણી સાથે વાત કરતાં તે હસી પડેલી. એ હાસ્ય ખંજરીની જેમ મનમાં રણઝણતું હતું. યોગાનુયોગ બાએ લગ્નની વાત કરી, બેટા, તું ઘર માંડી દે. આમ હોટેલનું કાચુંપાકું ખાય... તેણે તરત કહેલું, બા મારે રસોયણ સાથે થોડાં લગ્ન કરવાં છે! રહેવા દે, તું નહીં સમજે. હંસાના પિતા જ સામે ચાલીને માગું લાવ્યા અને બધું ગોઠવાતું ચાલ્યું. ‘તમે જવાબ ન આપ્યો, મને પામવા એટલે?’

એક ઝીણી ફાંસ હંસાના હૃદયમાં ખૂંપી ગઈ. નવીને સ્નેહથી પત્નીના વિખેરાયેલા વાળ પર હાથ ફેરવ્યો, ‘આઇ લવ યુ હંસા. તને જોઈ ત્યારથી. તારા પપ્પા તારાં લગ્ન શહેરમાં કરવા માગતા હતા એટલે ગામનાં માગાં પાછાં ઠેલતા હતા. તેમને તને શહેરની સુખસાહ્યબીમાં જોવી હતી એટલે હું થોડું જુઠ્ઠું બોલ્યો કે મારી પાસે સારું ઘર છે, ઠીક કમાઉં છું... પ્લીઝ મેં જે કર્યું એ તને પામવા માટે.’

કાન પકડી નવીન ઊભો રહ્યો. ઉત્સાહમાં બધું અત્યારે જ કહી દઈ કેવડી મોટી ભૂલ કરી નાખી હતી! પણ હવે શું થઈ શકે?

તરત શું જવાબ આપવો એ તેને સૂઝ્યું નહીં. પતિ ખોટું બોલ્યો હતો, પિતા સાથે છેતરપિંડી કરી હતી. શું કરે તે! આ જ પગલે ગામ પાછી જાય! અજાણતાં જ તે થોડી પાછળ ખસી ગઈ,

નવીનનો સ્વર ભીનો થઈ ગયો.

‘બસ, આ એક જ વાર, પછી કદી જુઠ્ઠું નહીં બોલું. તારા પપ્પાનું સપનું હું સાચું પાડીશ હંસા, મારો વિશ્વાસ કર.’

ના, આ તેનું ઘર હતું, તેનો સંસાર. એ છોડીને તે કેમ જઈ શકે! બાએ વિદાય ટાણે શું કહ્યું હતું! તારી શીખ સાચી બા, આ જ તો છે સંસારની અગ્નિપરીક્ષા. એ એક સપનું લઈને આવી હતી આ શહેરમાં. પ્રેમાળ પતિ, પોતાનું એક ઘર. તેનું સપનું તે સાચું કરશે.

આ પણ વાંચો : કથા સપ્તાહ : હમારી અધૂરી કહાની (5)

એ કોમળતાથી પતિના બાહુપાશમાં સમાઈ ગઈ. તૃપ્તિના ઊંડા શ્વાસથી તે છલોછલ થઈ ગયો. એક સપનું તેનું પણ હતું, સુંદર સમજુ પત્ની સાથે આ નિર્મમ શહેરની છાતી પર પગ મૂકી આલીશાન જીવન જીવશે.

તેણે પત્નીને પ્રેમથી ચૂમી લીધી. (ક્રમશઃ)

columnists