કથા સપ્તાહ : હમારી અધૂરી કહાની (5)

રશ્મિન શાહ - કથા સપ્તાહ | Jun 14, 2019, 13:25 IST

‘ઇસ વક્ત કી સબ સે બડી ખબર...

કથા સપ્તાહ : હમારી અધૂરી કહાની (5)
હમારી અધૂરી કહાની

‘ઇસ વક્ત કી સબ સે બડી ખબર... ફિલ્મસ્ટાર ઝીનત ખાન કી પર્સનલ ડાયરી ખોલ શકતે હૈં કંઈ સારે રાઝ. પુલીસને અબ તક ડાયરી કે બારે મેં કોઈ ઝીક્ર નહીં કિયા થા... પુલીસ કા પલટવાર. ગ્લૅમર વર્લ્ડ કે ચમકીલે ચહેરે કા ખૂલેગા રાઝ.’

ઘરમાં આવીને પહેલું કામ ઇન્સ્પેક્ટર અતુલે ટીવી બંધ કરવાનું કર્યું. ટીવી બંધ કર્યા પછી તેણે મોબાઇલ સ્વિચ્ડ-ઑફ કર્યો. ગાયતોંડેને ખબર હતી કે તે ઘરે છે એટલે આવનારી કોઈ પણ ઇમર્જન્સીની ખબર તેને પડી જવાની હતી. જોકે ઇમર્જન્સી આવશે નહીં એવી ધારણા પણ તેણે મૂકી રાખી હતી.

પગ ‌ટિપૉઇ પર લંબાવીને અતુલે ડાયરી હાથમાં લીધી. ડાયરીનું મુખપૃષ્ઠ જોવાની તેને ઇચ્છા થઈ આવી, પણ તેણે એ ઇચ્છા દબાવી દીધી હતી.

મુખપૃષ્ઠ કરતાં પણ વધારે અગત્યનું કામ હતું RS કોણ છે એ જાણવાનું?

RS ઘણી રીતે તેને ઉપયોગી થઈ શકે એમ હતો. જોકે એ ઉપયોગી થશે કે નહીં એ પણ એક પ્રશ્ન હતો, કારણ કે ઝીનત ખાનનો કેસ શરૂ થયો એ વાતની આ માણસને ખબર તો ચોક્કસ પડી હોય અને એ પછી પણ તે હજી સુધી સામે નહોતો આવ્યો. બને કે એ સ્વેચ્છાએ સામે ન આવ્યો હોય અને બને પણ ખરું કે તે સામે આવવાને લાયક પણ ન હોય. રામ જાણે કારણ શું, પણ એટલું નક્કી હતું કે આ સંબંધોનો ખુલાસો ઝીનતની ડાયરીનાં બાકીનાં પાનાંઓમાં થવાનો હતો.

અતુલ દેશમુખે ડાયરીનાં પાનાં ફેરવ્યાં.

બે જ પાનાં બાકી રહ્યાં હતાં.

અતુલે બાકી રહેલાં બે પાનાં પૈકીના બીજા પાના પર નજર કરી.

એ જ સંબોધન હતું.

પ્રિય ડાયરી...

******

પ્રિય ડાયરી,

મારીને કરવામાં આવેલો ઘા રુઝાઈ તો ઝડપથી જતો હોય છે, પણ એ ઘાને કારણે તૂટેલું મન જિંદગીભર એ જ અવસ્થામાં રહી જતું હોય છે. હવે સહન નથી થતું. થોડી વાર માટે RS સાથે વાત થતી તો રાહતનો અનુભવ થતો. એવું લાગતું કે કોઈ છે જે સમજી શકે છે. આ પ્રકારની ફીલિંગ્સ મનમાં જાગવી પણ જરૂરી હોય છે અને આ મારી જરૂરિયાત છે પણ એ પણ હકીકત છે કે મારે મારી જરૂરિયાતને ક્યાંય પ્રાધાન્ય નથી આપવાનું. આ વાત હવે મારે સમજી લેવાની છે, મગજમાં સ્ટોર કરી લેવાની છે. આજે RS સાથે બધી વાત થઈ, મન ખોલીને વાત કરી. બધી જ વાત કહી દીધી તેને. હળવાશનો અનુભવ થયો. અત્યાર સુધીમાં RSને મળવાનું માંડ દસ વાર બન્યું છે, પણ એની સાથે વાતો લગભગ એક હજાર કલાકની કરી લીધી છે. વાત કરવાથી પણ ખુશી મળી જાય એવો અનુભવ પહેલી વખત થઈ રહ્યો છે, પણ આ અનુભવને હવે લાંબો સમય સુધી હું મારી સાથે રાખવાની નથી. લાગી રહ્યું છે કે હું મારી જાતને જ્યાં પણ ખુશી આપી શકું એ તમામ જગ્યાએથી મારે હટી જવાનું એવું ખુદાએ ગોઠવી રાખ્યું છે.

જાઉં છું અત્યારે, કામ માગવા માટે. એક સમય હતો કે કામ માટે હું લોકોને ના પાડતી, આજે લોકો મને કામ માટે ના પાડે છે. કામ પણ હવે હાથમાં નથી અને AS પણ મારાથી બહુ દૂર નીકળી ગયો છે.

મને પણ મારાથી દૂર લઈ જા, પ્લીઝ.

******

ઇન્સ્પેક્ટર અતુલ દેશમુખને આ RS વિશે જાણવું હતું, જાણી શકાય એમ હતું, પણ એને માટે આરોપીની પૂછપરછ નહોતી કરવી. એ માટે નહોતી કરવી જેથી કેસની સાચી વિગત સામે આવતી અટકી જાય,

પણ જે માણસની શોધ હતી એ માણસનો કોઈ પત્તો નહોતો.

કરવું શું હવે?

ઇન્સ્પેક્ટર અતુલ દેશમુખના દિમાગમાં ઘમસાણ મચી ગયું અને એકાએક તેના દિમાગમાં સ્પાર્ક થયો,

એક હજાર કલાક વાત!

અતુલે તરત જ પોતાના ઘરના લૅન્ડલાઇન ફોનથી ગાયતોંડેને ફોન લગાડ્યો. ગાયતોંડેનો ફોન વેઇટિંગમાં હતો.

‘સાલા, અભી હપ્તા લે રહા હોગા...’

બીજી વાર ટ્રાય, ફરી કૉલ વેઇટિંગ, ત્રીજી વાર ટ્રાય અને એકઝાટકે ગાયતોંડેએ ફોન રિસીવ કર્યો.

‘જી સા’બ... આપકો હી લગા...’

‘ઠીક હૈ, સૂન મેરી બાત...’

અતુલે ગાયતોંડેની વાત કાપી, અત્યારે તેને કોઈ જાતની ફૉર્માલિટીમાં રસ નહોતો.

‘ઝીનત લખે છે કે તેણે એ માણસ સાથે એક હજાર કલાક વાત કરી છે અને તું કહે છે કે ઍરટેલ એવો કોઈ નંબર આપતું નથી, કેવી રીતે એ શક્ય બને?’

‘સર, ઝીનત મિસ્ડકૉલ કરતી હોય...’

ગાયતોંડેની દલીલ સાચી હતી, પણ એ દલીલ પાયાવિહોણી હતી.

‘ઝીનતના મિસ્ડકૉલની ડિટેલમાં પણ એવો કોઈ નંબર નથી જે પછી ઝીનતનો ફોન લાંબો ચાલ્યો હોય.’

‘તો કેવી રીતે શક્ય બને સર...’

વાત તો સાચી હતી ગાયતોંડેની.

કેવી રીતે શક્ય બને કે માણસ વાત પણ કરે છે અને એની કોઈ નોંધ મોબાઇલ નેટવર્ક પાસે નથી, કેવી રીતે શક્ય...?

ઇન્સ્પેક્ટર અતુલ દેશમુખને અચાનક સ્ટ્રાઇક થઈ.

તેના શરીરમાં વીજળીનો કરન્ટ પ્રસરી ગયો.

એ લગભગ ઊછળી જ પડ્યા હતા.

‘બીજો નંબર, ગાયતોંડે... ઝીનત પાસે બીજો નંબર હોવો જોઈએ. એ બન્ને એ બીજા નંબરથી કૉન્ટૅક્ટમાં હશે.’

‘ઝીનતના નામે બીજો કોઈ નંબર પણ નથી સર...’

ગાયતોંડેએ રાબેતા મુજબ જ પંક્ચર પાડ્યું.

‘નેક્સ્ટ ટુ ઇમ્પૉસિબલ ગાયતોંડે. બને જ નહીં. ચેક કર બરાબર. બને એ બીજો નંબર આ RSના નામે હોય કે પછી બીજા કોઈના નામે હોય, પણ નંબર બીજો હતો એ નક્કી છે...’ અતુલ દેશમુખે કહ્યું, ‘જો ગાયતોંડે, આપણી પાસે એ માણસનું નામ નથી અને તેનું નામ આપણી પાસે આવે એ જરૂરી છે, બહુ જરૂરી છે.’

‘સાહેબ, એવું બને કે એ માણસનો પણ હાથ હોય, ઝીનતના સુસાઇડમાં...’

ઇન્સ્પેક્ટર અતુલ દેશમુખે ઊંડો શ્વાસ લીધો.

‘હા, એના દૂર થયા પછી ઝીનતે આ સ્ટેપ લીધું છે... ગાયતોંડે, ઝીનત અને એના સુસાઇડ વચ્ચે જો કોઈ ઊભો હતો તોતે આ માણસ... RS.’

અતુલ દેશમુખે ડાયરીના છેલ્લા પાના પર નજર કરતાં પહેલાં ટીવી ઑન કર્યું અને ન્યુઝ-ચૅનલ પર શરૂ થયેલા બ્રેકિંગ ન્યુઝ પર ધ્યાન આપ્યું.

******

 ‘ઇસ વક્ત કી બડી ખબર... કોર્ટ ને ખારીઝ કર દી પુલીસ કી અરજી... પુરાવાઓમાં ક્યાંય ઝીનતની ડાયરીનો ઉલ્લેખ થયો ન હોવાથી કોર્ટ હવે ઝીનતની ડાયરી કોર્ટમાં રજૂ કરવા તૈયાર નથી.’

ઍન્કર પછી તરત જ મુંબઈ પોલીસ કમિશનરની સાઉન્ડ બાઇટ આવી.

‘ર્કોટમાં મૂકવામાં આવેલા પુરાવાઓની યાદીમાં ક્યાંય ડાયરી વિશે કહેવામાં આવ્યું નહોતું એટલે આજે કોર્ટે ઑર્ડર કરી દીધો છે કે જુડિશ્યલ બંધારણ મુજબ આવતી કાલે કોર્ટ એ ડાયરી નહીં સાંભળે... આદિત્ય સૂરજના ઍડ્વોકેટના ઑબ્જેક્શનને કોર્ટે માન્ય રાખ્યું અને કોર્ટે આદિત્ય સૂરજના જામીન પણ મંજૂર કર્યા છે.’

‘મગર સર...’

‘નો મોર ક્વેશ્ચન્સ...’

ફરીથી ઍન્કર આવી ગઈ અને અતુલ દેશમુખે રિમોટનો ઘા કર્યો.

******

પ્રિય ડાયરી,

ગુડબાય. બધાનું ધ્યાન રાખજે. જે પેજ ફાડવાનાં હતાં એ ફાડી નહોતાં શકાયાં એટલે હવે જિંદગી ફાડવાનો સમય આવી ગયો છે. જેણે તકલીફ આપી છે તેને તકલીફ આપવી હોય તો આપજે, પણ જેણે તકલીફ ઓછી કરવાની કોશિશ કરી છે તેને પ્લીઝ તકલીફ ન આપતા. RS થૅન્કસ અ લૉટ. મળ્યા પછી ખબર પડી કે કોઈ વ્યક્તિ તારા જેવી પણ હોય. મળ્યા પછી ખબર પડી કે કોઈ તારી જેમ રહી પણ શકે. તારી સાથે થયેલી વાતોને અત્યારે મનમાં ભરી રાખી છે. કાનમાં હજી પણ એ બધી વાતો અકબંધ છે જે તારી સાથે કરી હતી, એ જ વાતોને લઈને જવાની છું. કહેવાય છે કે જતી વખતે ખરાબ યાદોને સાથે લઈને ન જવું જોઈએ અને એટલે જ અત્યારે, આ સેકન્ડે, આ ક્ષણે બીજા કોઈની નહીં પણ તારી વાતો સાથે ફરી રહી છું. એ ખુશ્બૂ પણ મારી આસપાસ છે જેણે મને તૂટવા નહોતી દીધી. તૂટી રહી છું ત્યારે પણ તારી વાતોથી નવું ઝનૂન આવી રહ્યું છે.

બાય...

જતાં-જતાં એક વાત કહેવાનું મન થાય છે,

તને પહેલાં મળવાની જરૂર હતી, પણ વાંધો નહીં. અધૂરી કહાની ફરી ક્યારેક આગળ વધારીશું, ફૉર સ્યૉર...

******

ખટાક...

અતુલ દેશમુખે ડાયરીનો ઘા કર્યો અને ડાયરીમાંથી કોઈ ચીજ પડ્યાનો પાતળો અવાજ આવ્યો.

ધાડ...

દેશમુખે એ અવાજ તરફ ધ્યાન આપ્યું ન હોત, પણ અત્યારે, આ ક્ષણે, મગજ પર છવાઈ ગયેલી વાતોને કારણે સ્વાભાવિક રીતે તેણે તરત જ ડાયરી પડી હતી એ તરફ જોયું. આછી ગુલાબી કાર્પેટ પર પડેલી નાનકડી કાળી ચીજ નરી આંખે પણ દેખાઈ રહી હતી. ઊભા થઈને દેશમુખે એ ચીજ ઉપાડી. જમીન પર પડેલી ડાયરી ઊંચકી અને સાથે ત્યાં જ પડેલી પેલી ચીજ પણ ઉપાડી.

અતુલ દેશમુખે હાથ લંબાવ્યો.

સિમકાર્ડ.

ધારણા સાચી હતી. ઝીનત પાસે બીજું સિમકાર્ડ હતું, જે તેણે ડાયરીના કવર પર ચડાવવામાં આવેલા પ્લાસ્ટિકના જૅકેટમાં છુપાવી રાખ્યું હતું.

RS.

આ સિમકાર્ડમાંથી એ બધી વિગતો મળવાની હતી, જે વિગતો માટે અતુલ દેશમુખ આટલા સમયથી મથી રહ્યા હતા.

આંખોમાં ચમક આવી ગઈ હતી દેશમુખની, પણ એ ચમક વચ્ચે આંખોમાં ક્યાંક માયૂષી પણ હતી, જે આંસુ બનીને કીકી પર બાઝી પડી હતી. કાનમાં

ઝીનતની ડાયરીના અંતિમ દિવસના શબ્દો ગુંજતા હતા.

તને પહેલાં મળવાની જરૂર હતી, પણ વાંધો નહીં.

હાથમાં રહેલું સિમકાર્ડ દેશમુખે હોઠ વચ્ચે મૂકીને એના પર દાંતનું વજન બેસાડ્યું.

વિચારાધારા વ્યાકૂળ બનીને કિનારાઓ તોડતી નદી જેવી બેફામ બની ગઈ હતી. RSને મળવાની ઇચ્છા હતી, પણ વાતાવરણ, સંજોગો અને પરિસ્થિતિ ઇશારો કરતી હતી કે એ ઇચ્છા RS માટે જોખમી બનશે. ગ્લૅમર વર્લ્ડના માફિયાઓ ઝીનતના મોતના પ્રકરણમાં આ માણસને અટવાવી દેશે, જ્યારે આ જ માણસ હતો જેણે ઝીનતને ટકાવી રાખવાનું, અટકાવી રાખવાનું કામ કર્યું હતું.

દાંત પરનું વજન વધ્યું અને આછોસરખો અવાજ આવ્યો.

ખટાક.

આ પણ વાંચો : કથા સપ્તાહ : હમારી અધૂરી કહાની (4)

સિમકાર્ડ તૂટ્યું અને અધૂરી કહાનીનો અંત અધૂરો રહી ગયો.

કાયમ માટે.

(સમાપ્ત)

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK