કંકુના સૂરજ આથમ્યા! (પ્રકરણ – 12)

17 February, 2019 11:41 AM IST  |  | રામ મોરી

કંકુના સૂરજ આથમ્યા! (પ્રકરણ – 12)

પ્રતીકાત્મક તસવીર

‘બસ મમ્મીજી, હેમખેમ આ નવનો મહિનો પસાર થઈ જાય... બહુ થાક લાગે છે, એકલા-એકલા બેસી રહેવાનો સખત કંટાળો આવે છે!’ નમ્રતા લાઉડસ્પીકર મોડ રાખીને ફોનમાં પોતાની સાસુ હસુમતીબહેન સાથે વાત કરી રહી હતી. બેડ પર નવમા મહિનાનું વિકસિત પેટ પકડીને તે તકિયાનો ટેકો લઈ લાંબા પગ કરીને બેઠી હતી. તેની મમ્મી જશોદાબહેન તેને સફરજન સમારીને આપતાં હતાં. નમ્રતાના બેડની ડાબી બાજુ ટેબલ પર ઘણાંબધાં ફ્રુટ્સ અને દવાઓ હતી. બપોરના બે વાગ્યા આસપાસનો સમય હતો. ચિરાગે નમ્રતાને સમજાવી-ફોસલાવીને અહીં અમદાવાદ પિયરમાં આરામ કરવા મોકલી દીધી એ વાતને છ મહિનાથી પણ વધારે સમય થવા આવ્યો હતો.

‘નમ્રતા બેટા, તું શું કામ ખોટી ચિંતા કરે છે. અહીં મુંબઈમાં બધું સુખરૂપ છે. કોઈ સમસ્યા જ નથી. મને સતત તારી ચિંતા રહે છે. તારા દુખાવાનું પછી શું થયું? રાહત થઈ?’ હસુમતીબહેનનો હૂંફાળો અવાજ નમ્રતા પર વહાલ વરસાવતો હતો.

‘મમ્મીજી, ખોટું નહીં બોલું, પણ ક્યારેક-ક્યારેક રડી પડાય છે એટલો દુખાવો થાય છે, પણ અમારા ફૅમિલી ડૉ. હિના મશ્કારિયાએ કહ્યું છે કે નમ્રતા, જો આપણે લોકો નૉર્મલ ડિલિવરીની આશા રાખતા હોઈએ તો પેઇનકિલર કે બીજી કોઈ ગોળી લીધા વિના પણ આ દુખાવો સહેવો તો પડે જ.’

‘જો બેટા, તને ત્યાં ફાવતું ન હોય કે ડૉક્ટર બદલવા હોય તો પણ બેધડક કહી દેજે. આપણે અહીં મુંબઈમાં બીજા ઘણા સારા ડૉક્ટર્સ છે તેમની પાસે જઈશું.’

નમ્રતાના ફોનમાંથી પડઘાતો હસુમતીબહેનનો અવાજ જશોદાબોનને ખૂબ વ્હાલો લાગ્યો. તેમણે હસુમતીબહેનને થોડા મોટા અવાજે જવાબ દીધો, ‘જય શ્રી કૃષ્ણ હસુમતીબહેન. તમે નમ્રતાની ચિંતા ન કરો. તમારી તબિયત સાચવજો. ડૉ. હિના મશ્કારિયા સાથે અમારે ઘર જેવો સંબંધ છે. આપણી દિત્યાનો જન્મ પણ તેમની હૉસ્પિટલમાં જ થયો હતો.’ હસુમતીબહેનને વેવાણ જશોદાબહેનની ખાતરીથી સારું લાગ્યું.

‘મમ્મીજી, ચિરાગ કેમ છે... તે સમયસર...’ નમ્રતાની વાત પૂરી થાય એ પહેલાં હસુમતીબહેન બોલવા લાગ્યાં.

‘અરે બહેન, ચિરાગ એકદમ મજામાં છે... સમયસર જમી લે છે, ટિફિન લઈ જવાનુંય ભૂલતો નથી, રાત્રે મોડે સુધી ટીવી જોતો નથી, મોબાઇલમાં ગેમ રમતો નથી ને સમયસર રાત્રે ઘરે પાછોય પણ આવી જાય છે.’ નમ્રતા સાસુ હસુમતીબહેનની વાત સાંભળીને શરમાઈ ગઈ અને જશોદાબહેન ખડખડાટ હસી પડ્યા. હસુમતીબહેનને જશોદાબહેનનો હસવાનો અવાજ સંભળાયો તો તેમના ચહેરા પર પણ સ્મિત ફરી વળ્યું.

‘હાસ્તો જશોદાબહેન, બેય જણ આખ્ખા દિવસમાં ઓછામાં ઓછું ત્રણ-ચાર વખત વાત કરે છે તો પણ આપણને ખબરઅંતર તો એવી રીતે પૂછશે જાણે તેમની વચ્ચે વર્ષોથી વાત નથી થઈ.’

‘ઓકે મમ્મીજી, ફાઈન થૅન્ક યુ!’ નમ્રતાએ શરમાઈને વાત ટૂંકાવી.

‘જશોદાબહેન, તમે અમારી નમ્રતાનું ધ્યાન રાખજો અને તેને કહેજો કે મુંબઈની કોઈ ચિંતા ન કરે. એનું આખું ઘર અને વર બન્ને મારાથી સચવાય એટલી શક્તિ તો હજુ મારામાં છે જ... એ ચલો આવજો. જય શ્રી કૃષ્ણ.’ હસુમતીબહેન સાથે વાત પૂરી થઈ એટલે નમ્રતાએ દિત્યાને શોધવા આમતેમ નજર કરી.

‘મમ્મી, દિત્યા ક્યાં છે?’

‘નીચે સોફા પર બેસીને શાંતિથી કાર્ટૂન જુએ છે.’

‘દિત્યા નીચે એકલી છે અને આપણે લોકો ઉપરના માળે શાંતિથી બેઠા છીએ... ’ નમ્રતા ઝડપથી ઊભી થવા ગઈ કે તેને પેટમાં એક સબાકો આવ્યો અને તે બેસી પડી. જશોદાબહેન નમ્રતા પર સહેજ અકળાયાં.

‘અરે પણ શું જરૂર છે આટલી બધી દોડધામની... શાંતિ રાખને બહેન.. દરવાજો અંદરથી મેં લૉક કરી રાખ્યો છે એટલે એ બહાર નહીં જઈ શકે. ટીવી ચાલું છે... નાસ્તો અને જૂસ તેની બાજુમાં છે...’

‘મમ્મી, દરવાજો લૉક કરવાની જરૂર નથી. મારી દીકરી ઇચ્છે તો પણ ક્યાંય રમવા જઈ શકે એમ નથી. તેના પગ...’ નમ્રતાનો અવાજ ભરાઈ આવ્યો. જશોદાબહેન તેની નજીક આવ્યાં અને નમ્રતાએ પોતાના બન્ને હાથ તેની મમ્મીની કમરમાં પરોવી દીધા.

‘જો નમ્રતા, ડૉ. હીનાબેને તને સંપૂર્ણ આરામ કરવાનું કહ્યું છે... તું દિત્યાની ચિંતા ન કર. તેને ચાલવામાં તકલીફ પડે છે એટલું જ... તેના પગ નથી જતા રહ્યા!’

‘મમ્મી, તને પણ ખબર છે કે અત્યારે મારી દીકરીના પગ હોવા ન હોવા જેવા થઈ ગયા છે. કોઈના સહારા વિના ત્રણ ડગલાં નથી ચાલી શકતી તો પછી મને ખોટું સાંત્વન કેમ તું કેમ આપે છે.’

‘નમ્રતા, આ સમય પણ વીતી જશે બેટા! કોઈ પણ અવસ્થા સ્થાયી નથી. ઈશ્વર આપણા કરતાં હંમેશાં ત્રણ ડગલાં આગળ વિચારે છે.’

‘ક્યારેક-ક્યારેક મને એવું લાગે જાણે મારે મુંબઈ છોડીને અહીં આવવાની જરૂર જ નહોતી. હું મારી દીકરી પર બિલકુલ ધ્યાન નથી આપી શકતી. દિત્યા ગમ્મે ત્યારે રડવા લાગે છે, તે જે કંઈ બોલે છે એમાંથી તમને બધું નથી સમજાતું, વારંવાર ચિડાઈ જાય છે. મને ડૉક્ટરે દોડાદોડીની ના પાડી છે તો મારે ફરજિયાતપણે બેડ પર બેસી રહેવું પડે છે... મારી દીકરી સાવ એકલી પડી ગઈ છે... મમ્મી, ક્યાંક તેને એવું તો નહીં લાગતું હોયને કે મારી મમ્મી મને અત્યારે ટેકન ફૉર ગ્રાન્ટેડ લઈ રહી છે. દિકુના મનમાં અત્યારે ભગવાન જાણે શું ચાલતું હશે?’

જશોદાબહેને નમ્રતાને કોઈ જવાબ ન આપ્યો. આંખો બંધ કરીને નમ્રતાના કપાળ પર હાથ મૂકીને થોડી વાર સુધી ગાયત્રીમંત્ર બોલતાં રહ્યાં. નમ્રતાને લાગ્યું કે અંદર હાલકડોલક થતો દરિયો શાંત થયો. છાતીમાં ચચરાટ થોડો ઓછો થયો. તેણે પોતાની મમ્મીનો હાથ કસકસાવીને પકડી રાખ્યો. થોડી વાર સુધી ત્યાં ચૂપચાપ ઊભા રહ્યા પછી જશોદાબહેન રૂમની બહાર જવા ગયા, પણ નમ્રતાએ તેમનો હાથ છોડ્યો નહીં.

‘મમ્મી, એક વાત પૂછું?’

થોડી વાર સુધી વાતનો તાગ મેળવવાનો પ્રયત્ન કરી નમ્રતાની આંખમાં આંખ નાખી જશોદાબહેને દૃઢતાથી કહ્યું, ‘હા, પૂછ!’

‘તારામાં આટલી બધી શ્રદ્ધા અને આત્મવિશ્વાસ ક્યાંથી આવે છે? તને ભાંગી પડવાનું મન ક્યારેય નહીં થતું?’ નમ્રતાને થયું કે આ જ સમય છે એ બધી વાતો પૂછી લેવાનો જે નાનપણથી મનમાં ભંડારાયેલી હતી. થોડું થૂંક ગળીને હિંમત કરીને તેણે પૂછી લીધું.

‘મમ્મી, તેં એકલા હાથે અમને બન્ને ભાઈ-બહેનને મોટાં કર્યા, ભણાવ્યાં ને પરણાવ્યાં. પપ્પાએ જે-તે સમયે કોઈ જવાબદારી સ્વીકારી નહોતી. પોતાની ધૂનમાં અલગારી જિંદગી જીવતા પપ્પા સાથે તેં જિંદગી કાઢી... તને કોઈ ફરિયાદ કેમ નથી થતી?’ નમ્રતાને લાગ્યું કે એકસાથે તેણે ઘણું બધું પૂછી લીધું. સંકેલીને સંકોરીને મુકાયેલી પીડાની દરેક ગડ એકસાથે આજે ખુલ્લી પડી ગઈ. પોતાની મમ્મીની આંખોમાં સ્થિર નજરે એ જોવા લાગી. એને લાગ્યું કે ક્યાંક કોઈ ખૂણે વર્ષોથી ગોરંભાઈને આથમી ગયેલાં હીબકાં કદાચ ઊગી નીકળે. રૂમમાં નીરવ શાંતિ અત્યારે જ્યારે કનડગત ઊભી કરતી હતી. સન્નાટાની એ ક્ષણો જાણે કે યુગો યુગોના ખંડેર જેવી સ્થિર ઊભી હતી. જશોદાબહેનના ચહેરાની કોઈ રેખા ન બદલાઈ. ન તો તેમની આંખોમાં રહેલી ઉષ્મા બદલાઈ. તેમણે નમ્રતાના ગાલ પર હાથ મૂક્યો, ‘મારી દીકરી, હું ટકી ગઈ કેમ કે હું મા છું. ભાંગી પડવાની ક્ષણે મને તારો અને જલ્પેશનો વિચાર આવતો. મારાં સંતાનો જો મારા છાંયડે ઊભાં હોય તો પછી સમયનો આ તડકો તો ખુલ્લી છાતીએ ઝીલવો રહ્યો. આપણે બધા ઈશ્વરની એક રચનાનો એક ભાગ છીએ, જો સુખ આપણું પોત્તાનું એકલાનું હોય તો દુ:ખ આપણા પોત્તાનું એકલાનું કેમ ન હોય શકે? મને તારા પપ્પા માટે કોઈ ફરિયાદ નથી, કેમ કે મેં તેમને સ્વીકાર્યા છે. જ્યારે તમે કોઈને સ્વીકારી લો પછી તેમની સાથે જોડાયેલી દરેક સારીનરસી બાબતો પણ તમારે સ્વીકારવી જોઈએ. બાંધછોડ પ્રકૃતિમાં ન હોય તો સ્વીકૃતિમાં કેવી રીતે રાખી શકાય? મારાં સંતાનો મારી હિંમત છે... જો મારાં સંતાનો આટલાં બધાં સક્ષમ હોય તો મારી હિંમત નબળી કઈ રીતે હોઈ શકે?’ નમ્રતાની આંખો ભરાઈ આર્વીï, પણ ચિરાગને આપેલા પ્રૉમિસને યાદ કરીને એણે ફટાફટ આંસુ લૂંછી લીધાં. જશોદાબહેન રૂમની બહાર નીકળી ગયાં અને નમ્રતા પેટ પર હાથ ફેરવતી આંખ બંધ કરીને ઊંડા ષ્વાસ લઈ ચિરાગ વિશે

વિચારવા લાગી.

***

ચિરાગે હિંમત કરી અને ઉંબરથી આગળ વધ્યો ને અંદર ડ્રૉઇંગરૂમમાં આવ્યો. નમ્રતા ટૂંટિયુ વાળીને જમીન પર રડી રહી હતી. તે હીબકા ભરી રહી હતી અને મોટા અવાજે દિત્યાના નામનું રડી રહી હતી. તેના મોઢામાંથી ને નાકમાંથી ધ્રુસકા સાથે લાળ ટપકી રહી હતી. તેના રડવાનો અવાજ વારંવાર પીંસાઈ જતો હતો. બન્ને હાથે પોતાની પીઠને કસકસાવીને પકડી રાખી તે જાણે કે હાંફી રહી હતી. ઘરની બહાર સફેદ કપડાં પહેરીને ઊભેલું ઉદાસીનું ટોળું કંપી રહ્યું હતું. ઘરમાંથી ગૂગળની સુગંધ આવતી હતી. ચિરાગ જાણે કે ઘૂંટણિયે પડ્યો હોય એમ ઝૂકીને તેણે જમીન પરથી નમ્રતાએ બેઠી કરી. નમ્રતાનું મોઢું રડી-રડીને લાલ થઈ ગયું હતું. તે રડી રહી હતી પણ એનો અવાજ જાણે કે છાતીમાં ક્યાંય ફસાઈ ગયો હતો ને ગળામાં અટવાયેલી ચીસો ઉધરસ બનીને ધમણ હંફાવતી હોય એમ નમ્રતાને એકધારી હંફાવતી હતી. ચિરાગે નમ્રતાના મોઢામાંથી નીકળતી લાળને સાફ કરી અને માથા પર હાથ મૂક્યો. ચિરાગનો હાથ ધ્રૂજી રહ્યો હતો, પણ ખબર નહીં અત્યારે તેનામાં ક્યાંથી હિંમત આવી કે એ નમ્રતાને સંભાળવા અધીરો થઈ ગયો. નમ્રતાની આંખમાં ચોધાર આંસુ હતાં તો તેને આંખ સામે બાઝી ગયેલી ધૂંધળાશમાં ચિરાગનો અવાજ તેને સંભળાતો હતો.

‘નમ્રતા... શાંત થા... નમ્રતા... દિત્યાને આ નહીં ગમે... શાંત થા.’

‘ચિરાગ... ચિરાગ... આપણી દીકરી... મારી દિત્યા, આપણને છોડીને જતી રહી... એ પાછી નહીં આવે ચિરાગ, એના વગર હું કેવી રીતે જીવી શકીશ... મને મારી દીકરી જોઈએ છે... મારી દીકરી આપી દો મને પ્લીઝ!’ તે હાથ જોડીને ફરી રડવા લાગી. ચિરાગે તેના જોડાયેલા હાથને પકડી લીધા. નમ્રતા ચિરાગને ભેટીને મોટે-મોટેથી હીબકાં ભરવા લાગી. કોઈ નાનું બાળક તેની મમ્મીને ભેટે એમ તે ચિરાગને વળગી પડી. ચિરાગની આંખમાંથી આંસુ વહી રહ્યાં હતાં, પણ હિંમત રાખીને તે સ્થિર રહ્યો. પોતાના રડવાને, પોતાની પીડાને સંભાળીને એ નમ્રતાને સાંત્વન આપવાના શબ્દો ગોઠવવા લાગ્યો પણ, તેની છાતી પર માથું મૂકીને તેના પર અડધી ઝળૂંબી રહેલી નમ્રતાનાં હીબકાં ચિરાગના શબ્દોને પાંગળાં કરી નાખતાં હતાં. જાણે પીડાના કાળમીંઢ પથ્થરની ધારને પંપાળીને એને સુંવાળી બનાવવા દરિયાનાં મોજાં હિંમત કરીને આવે તો છે, પણ પીડાની નક્કરતાની સાથે અથડાઈને ફીણ-ફીણ થઈ જાય છે. નમ્રતાએ પોતાના બન્ને હાથ ચિરાગના ગળામાં પરોવી દીધા અને એકધારું રડી રહી હતી. બહાર ઊભેલા સૌ કોઈ આ દૃશ્ય જોઈને અંદરથી હચમચી ગયા હતા, પણ કોઈનામાં હિંમત નહોતી કે નમ્રતાના કણ-કણ બનીને વિખરાયેલા અસ્તિત્વને વીણવા બેસે. ચિરાગે એક નજર ખાલી ઘર તરફ કરી. જાણે આખું ઘર હાથ લંબાવીને નમ્રતાને અને ચિરાગને ભેટીને રડી રહ્યું છે. ચિરાગે નમ્રતાની પીઠ પર સાંત્વન આપતી પોતાની હથેળી ઉષ્માથી ધીરે ધીરે ફેરવી. ચિરાગે ઊંડો શ્વાસ લીધો ને હિંમત એકઠી કરીને ધીરેથી બોલ્યો,

‘નમ્રતા... તારી તબિયત બગડશે... તને કંઈક થઈ જશે તો હું શું કરીશ? તારા છાંયડે તો હું ઊભો છું. તું છે તો હું ટકી ગયો છું. તું મારી હિંમત છે નમ્રતા... મારી હિંમતને આમ ભાંગી પડતી જોવી એ મારા માટે સહી શકાય એમ નથી.’ નમ્રતાનું રડવું અચાનકથી બંધ થઈ ગયું. તે ચિરાગની સામે જોઈ રહી. મમ્મી જશોદાબહેનના શબ્દો યાદ આવ્યા. તેને લાગ્યું કે આ ક્ષણે ચિરાગ અને જશોદાબહેન બન્નેના ચહેરા એકબીજામાં પીગળી રહ્યા છે. તે એકદમથી બેઠી થઈ ગઈ ને ચિરાગના બન્ને હાથ તેણે પકડી લીધા. તે ચિરાગની હથેળીઓને ચૂમવા લાગી ને તેની આંખોમાંથી આંસુ વરસી રહ્યાં હતાં. ચિરાગે નમ્રતાનાં આંસુ લૂંછ્યા ને નમ્રતાના માથા પર ધીરે-ધીરે હાથ ફેરવવા લાગ્યો. નમ્રતાનું શરીર કંપી રહ્યું હતું. એ હીબકાં ભરી રહી હતી.

‘ચિરાગ... દિત્યા તો જતી રહી... આપણે હવે શું કરીશું?’ નમ્રતાનો આ પ્રશ્ન આંસુ બની ચિરાગના ગાલ પર રેળાઈ ગયો.

***

મોડી સાંજે જલ્પેશ અને અરુણા બજારમાંથી ખરીદી કરીને ઘરે આવ્યાં. આવતી કાલે દિત્યાનો બર્થ-ડે છે એટલે જલ્પેશ અને અરુણાએ નક્કી કરેલું કે ઘરમાં નાની બર્થડે પાર્ટી અરેન્જ કરી ભાણકી દિત્યાને ખુશ કરી દઈએ. અરુણા ઉપરના માળે નમ્રતાના રૂમમાં આંટો મારવા ગઈ તો નમ્રતા રડી રહી હતી.

‘નમ્રતા, શું થયું?’

‘ભાભી, આ પેઇન સહન નથી થતું... બહુ જ દુ:ખે છે!’

‘એક કામ કરીએ. ડૉ. હીના મશ્કારીઆને એક વાર મળી લઈએ. તારી પ્રેગ્નન્સીનો નવમો મહિનો તો ચાલી જ રહ્યો છે. તેને કહીએ કે ચેકઅપ તો કરી લે કે આ પેઇન આટલી માત્રામાં કેમ વધી રહ્યું છે.’

‘પણ ભાભી, કાલે દિત્યાનો બર્થ-ડે છે, ઘરમાં કેટકેટલું કામ બાકી છે!’

‘નમ્રતા, તરત પાછા આવી જઈશું આપણે રાત નથી રોકાવવાના. આવતી કાલે કેક કટ કરીશું ત્યારે પણ તને પેઇન થતું હશે તો તું દિત્યાનો બર્થ-ડે સેલિબ્રેટ કેવી રીતે કરીશ... ચલ હમણાં પાછા આવી જઈશું.’

અરુણા અને નમ્રતા બન્ને અમદાવાદના મલાવ તળાવ પાસે ચિંતન હૉસ્પિટલ પહોંચ્યાં. રિક્ષામાંથી ઊતરીને અરુણાએ ટેકો આપીને મહામહેનતે નમ્રતાને હૉસ્પિટલ સુધી પહોંચાડી. થોડી વારમાં બન્ને ડૉ. હીના મશ્કારીયાની કૅબિનમાં ગોઠવાઈ ગયાં હતાં. નમ્રતાને સિંગલ બેડ પર સૂવડાવી ડૉ. હીના મશ્કારીયા તેનું ચેકઅપ કરી રહ્યાં હતાં. અરુણા નમ્રતાનો હાથ પકડીને તેની બાજુમાં ઊભી હતી.

‘હીનાબહેન, તમને યાદ જ હશે કે દિત્યાનો જન્મ થવાનો હતો એ દિવસોમાં પણ અમારી નમ્રતાને પેટમાં ખૂબ પેઇન થતું... આ વખતે પણ પેઇન એટલું જ થાય છે. તમે જરા મગનું નામ મરી પાડો તો અમને લોકોને શાંતિ થાય.’

નમ્રતાની પલ્સ ચકાસી ડો. હીના મશ્કારીયા બોલ્યા, ‘અરુણાબેન, લો તમને મગનું નામ મરી પાડી દઉં... આપણે લોકો અત્યારે નમ્રતાની ડિલિંવરી કરાવી લઈએ છીએ. બાળકના આવવાનો યોગ્ય સમય થઈ ગયો છે.’

નમ્રતા અને અરુણા આર્યથી એકબીજાની સામે જોઈ રહ્યા.

‘હીનાબહેન, અમે તો માત્ર ચેકઅપ માટે જ આવેલા... ડિલિવરી માટેની કોઈ તૈયારી... ’ નમ્રતાને કશું સૂઝ્યું નહીં કે આગળ શું બોલવું

‘ડિલિવરી માટે બે લોકોની સૌથી વધુ જરૂર છે. એક તો મા ને બીજી ડૉક્ટર. મા તો તું છે જ અને ડૉક્ટર તો તું મને માનતી જ હોઈશને?’ નમ્રતા પેઇનને દબાવી હસી પડી. એ પછીના કલાકો નમ્રતા માટે એક મોટા સપના જેવી રહ્યા. તેને ઑપરેશનરૂમમાં લઈ જવાઈ. જશોદાબહેન અને જલ્પેશભાઈ હૉસ્પિટલ દોડી આવ્યાં. ચિરાગને ફોન કરી દેવામાં આવ્યો ને નમ્રતાની આંખોની આસપાસ પ્રકાશ પ્રકાશ થઈ ગયો ને ઊર્જા‍નો એક પીંડ ધીરે-ધીરે તેના શરીરમાંથી બહાર આવતો હતો. તેની આંખો સહેજ સહેજ ઘેરાવા લાગી ને આંખો બંધ થાય એ પહેલાં બાળકના રડવાનો અવાજ સંભળાયો! નમ્રતાની આંખના ખૂણેથી આંસુ છલકાયાં. ચિરાગ યાદ આવી ગયો. સુકાઈ ગયેલા હોઠ ધીરેથી ફફડ્યા. ડૉ. હીના મશ્કારીયાએ નવજાત શિશુને સફેદ સુંવાળા કાપડમાં સૂવડાવી નમ્રતાની બાજુમાં મૂક્યું ને કહ્યું, ‘નમ્રતા, દિત્યાની પાસે તેનો ભાઈ આવ્યો છે!’ નમ્રતાએ આંખો સજ્જડ બંધ કરી દીધી. ક્યાંય સુધી તે ડૉ. હીના મશ્કારીયાના શબ્દોને પીતી રહી. જાત સાથે ચંદનની જેમ તે શબ્દોને લેપતી રહી. કાનમાં ઘૂધરીઓ રણકી, કિલકારી સંભળાઈ, દિત્યા તાળી પાડીને જોરજોરથી હસી રહી હતી ને બોલી રહી હતી,

‘મમ્મીતા... ભઈલું... મારો બબુ... ’ નમ્રતાની આંખો વરસી પડી.

આ પણ વાંચો : કંકુના સૂરજ આથમ્યા! (પ્રકરણ – 11)

‘એક વાર આંખ ખોલીને તારા દીકરાને જો તો ખરી!’ ડૉ. હીના મશ્કારીયાએ નમ્રતાના માથા પર હાથ ફેરવ્યો. નમ્રતાએ ધીરેથી આંખ ખોલી. ના, આ સપનું નથી, આ વાસ્તવિકતા છે એની ખાતરી થઈ. મારી બાજુમાં મારું બાળક છે. મારો અંશ છે. તેણે નીચે પોતાની છાતીની બાજુમાં સુંવાળા સફેદ કપડામાં સૂતેલા બાળક તરફ નજર કરી જે ધીમા અવાજે રડી રહ્યું હતું. નમ્રતાએ હળવા હાથે એ બાળકના માથા પર અને શરીર પર હાથ મૂક્યો. પેલા નવજાત શિશુએ નમ્રતાની આંગળી પકડી લીધી. નમ્રતાએ એ બાળકને પોતાની છાતીએ લગાવી દીધુંને હરખાઈને બોલી ઉઠી, ‘આદિત્ય, મારી દિત્યાનો ભાઈ આવ્યો... દિત્યાનો સથવારો. આદિત્ય!’ (ક્રમશ:)

columnists weekend guide