કથા-સપ્તાહ: સંગમતીર્થ (સંસાર-સંન્યાસ 3)

06 February, 2019 11:48 AM IST  |  | સમિત પૂર્વેશ શ્રોફ

કથા-સપ્તાહ: સંગમતીર્થ (સંસાર-સંન્યાસ 3)

લધુકથા સંગમતીર્થ

સંસાર-સંન્યાસ

અ...ક્ષ...ર...!

નીરજાની આંખો વરસી પડી. સાત-સવાસાત વરસના અંતરાલે દેખાતા પતિના વદન પર ઝળકતું તેજ વંદનીય લાગ્યું. માથે બાંધેલી જટાને કારણે તેમનું મુખડું વધુ સોહામણું લાગે છે. શરીર પણ ભરાયું છે. તેમનો પૌરુષસભર રણકો આજે પણ મારા હૈયે હલચલ સર્જી રહ્યો છે! ઓહ, કોઈ મને પાંખ આપો તો હું હમણાં ઊડીને મારા અક્ષુ પાસે પહોંચી જાઉં!

‘અક્ષર નહીં, ઓમકારનાથ...’ જરૂર કરતાં મોટા અવાજે બોલીને સાવિત્રીમાએ ભેદ દર્શાવ્યો, ‘સાધુને સંસારીની નજરે નિહાળવાનું પાપ ન કરીશ.’

ત્યારે નીરજાએ નેત્રો વાળી લેવા પડ્યાં : અક્ષર માટે મને પ્યાર જ જાગે, સાધુને ખપતો પૂજ્યભાવ ક્યાંથી લાઉં?

‘મારી જ ભૂલ. સાધુને જોઈને તને બોલાવવાની જ નહોતી...’ સાવિત્રીમા થોડાં અસ્વસ્થ થયાં, ‘મને થયું કે આપણે જાણતાં તો હતાં જ કે અક્ષર સાધુ થયો છે; આજે કેવળ જોવા મળ્યો એટલું જને, ભલે તુંય જોતી. જોકે ભૂતપૂર્વ ધણીને હજીયે તું પત્નીની નજરે જોવાની હોય તો મારા ઉછેરમાં જ વાંધો!’

નીરજાએ વિવશતા અનુભવી. ઓમકાર મારા માટે તો અક્ષર જ છે. તેને બીજી કોઈ નજરે જોઈ પણ કેમ શકું હું?

‘ન ભૂલ કે તું હવે અનામિકની અમાનત છે. આવતા મહિને તારાં લગ્ન છે.’

લ...ગ્ન! નીરજા આંખો મીંચી ગઈ.

‘તું જેના મોહમાં તણાઈ રહી છે તે તને ત્યજી ચૂક્યો છે, તારા માતૃત્વને મહેણું મારીને ગયો છે... તું પણ તેનાથી મુક્ત થઈ જા બેટા.’

‘મુક્ત થવું મારા વશમાં નથી મા...’ નીરજાએ આંખો ખોલી એમાં ક્યાંય દ્વિધા નહોતી, ‘કુદરત પણ એવું નહીં ઇચ્છતી હોય. અન્યથા મારાં બીજાં લગ્નના મહિના પહેલાં જ કેમ અક્ષરનો પત્તો આપણને સાંપડે?’

દીકરીનું વિધાન ગૂઢ લાગ્યું.

‘તેં કરવા શું ધાર્યું છે છોકરી?’

માને નિહાળી લઈને નીરજાએ હોઠ કરડ્યો, ‘મારે પ્રયાગ જવું છે મા. મારા અક્ષર અને બીજા સૌના ઓમકાર પાસે.’

હેં. માજી ખળભળી ઊઠuાં.

***

‘મહારાજ, આપે સંન્યાસ લેવાનું કારણ?’ મિતાલીને ઓમકારનાથનો ઇન્ટરવ્યુ કરવાની મજા આવતી હતી. બહુ ટૂંકા છતાં સ્પષ્ટ જવાબ દેનાર સાધુમાં જ્ઞાનનું ઊંડાણ અનુભવાયું.

‘અમને સાધુઓને પૂર્વાશ્રમનો નિષેધ હોય છે. કા૨ણ હું કરી ન શકું.’

‘એટલું તો કહો કે સંસારના દુ:ખે પ્રેયા કે ઈશ્વરની આસ્થાએ?’

‘તમારા સવાલમાં જ વિરોધાભાસ છે બહેન. જેને સંસારમાં દુ:ખ હોય તેને ઈશ્વર પ્રત્યે અનુરાગ તો કેમ રહે? ક્યારેક આ બે પરિબળો સિવાયનું તkવ પણ તમને પ્રેરતું હોય...’

સાવ સાચું!

સાધુની સામે ગોઠવાયેલા શ્રોતાગણમાં છેલ્લી રોમાં છેવાડે બેઠેલી ૩૦-૩૨ વર્ષની સાધ્વીના ચિત્તમાં પડઘો પડ્યો. સંસારમાં ધોકો મળ્યા પછી ઈશ્વરમાં મને ક્યાં શ્રદ્ધા રહી હતી? જીવનમાં કેટલીક ઘટના એવી બને કે ઈશ્વર પ્રત્યે વૈરાગ્ય આવી જાય... ત્યારે તો આ ઓમકારનાથના કિસ્સામાંય એવું જ કંઈક બન્યું હશે?

બાકી ઓમકારનાથનાં પ્રવચનો મનનીય હોય છે. ત્રણેક દિવસ અગાઉ અમસ્તા જ પોતે સાધ્વી ઋતુરાણીદેવી સાથે લટાર મારતાં હતાં ત્યાં ભાવિકોને ટોળે વળેલા જોઈને પગ એ તરફ ફંટાયા. ઓમકારનાથ ત્યારે ગીતા પર બોલી રહ્યા હતા. તેના વાણીપ્રવાહમાં તણાતાં અમે સાવ છેવાડે બેસી ગયાં. પછી તો સવાર-સાંજ તેમના કથાશ્રવણમાં આવવાનો નિત્યક્રમ થઈ ગયો છે. છૂટા પડતાં પહેલાં થોડીઘણી ચર્ચા પણ કરી લઈએ. એમાં જોકે પૂર્વાશ્રમ ઉખેળવાનો ન જ હોય. તેમના ગુરુ દયાનંદજીને તો હરિદ્વારનાં અમારાં ગુરુમા આનંદમયી પણ સારી રીતે જાણે છે, માને છે. અહીં અમારા ઉતારા પણ નજીકમાં છે...

ત્યાં તો વાર્તાલાપ પૂરો થયો હોય એમ કૅમેરા શ્રોતાસમૂહ તરફ ફરતાં સાધ્વીએ ઝડપથી ભગવા સાડીનો છેડો માથે ઢાળી દીધો. સાધુને ટીવી પર આવવામાં સંકોચ ન હોય, મને આમ પ્રગટવું પરવડે નહીં! મારી હત્યાની કોશિશ કરનારા પતિને મારા જીવતા હોવાની ભાળ મળી જાય તો...

થથરી ઊઠતાં સાધ્વી યોગિનીદેવીએ વિચારબારી જ બંધ કરી દીધી!

***

અનામિકે ટીવી બંધ કર્યું. સાંજના કુંભના લાઇવ ટેલિકાસ્ટનું પુન: પ્રસારણ હમણાં જ પૂરું થયું.

‘લેટ્સ ટૉક નીરજા. તારા ભૂતપૂર્વ પતિને ભાળીને તું પ્રયાગ જવા માગે છે.’

‘અને મને તેની એ જીદ ગલત લાગે છે.’ સાવિત્રીબહેન કૂદ્યાં, ‘એટલે તો મેં તમને તેડાવ્યા. હવે તમે જ સમજાવો તમારી વાગ્દત્તાને.’

મા વારંવાર વેવિશાળની યાદ અપાવી પ્રયાગ જવાની નિરર્થકતા પુરવાર કરવા માગે છે, એટલી જ હું ત્યાં જવા મક્કમ બનતી જાઉં છું...

‘ટેલ મી ફ્રૅન્ક્લી, ત્યાં જઈને તારે કરવું છે શું? ઓમ યા અક્ષરને સંસારમાં પાછો લાવવા માગે છે?’

‘હું નથી જાણતી...’ નીરજાએ જીદપૂર્વક કહ્યું, ‘આ વરસો મેં કેમ કાઢ્યાં એ મારું મન જાણે છે. મા, તારાથી છાની હું અક્ષરની તલાશમાં ભટકી પણ છું... આજે તેમને જોયા પછી સ્પષ્ટ થઈ ગયું કે આ પળે પણ હું તેમની છું. હા, તેમણે મારી મમતાને મહેણું માર્યું, પણ છેવટે એ અમારો અંગત મામલો છે. આઇ ઍમ સૉરી અનામિક, પણ અક્ષરને મળ્યા વિના હું આગળ નહીં વધી શકું.’

બાકીનું મનમાં બોલી - એમ એમને મળીને પાછી નહીં વળું... ઓમ સંસારમાં પાછા નહીં વળે તો હું સંન્યાસિની બની જઈશ; પણ હવે તેમનાથી દૂર, અળગા નથી રહેવું એટલું તો ચોક્કસ. જોકે આવું માને કહેવામાં જોખમ છે એટલે નરો વા કુંજરો વા રાખવામાં જ હિત છે.

‘મને આની જ ભીતિ હતી.’ સાવિત્રીબહેનનો માતૃજીવ કમકમી ઊઠયો. અનામિક માટેય સ્થિતપ્રજ્ઞ રહેવું મુશ્કેલ બન્યું.

રાગિણીના કરુણ અંતે સમાજમાં અરેરાટી ફેલાઈ હતી. ત્રણેક વરસના ગૅપ પછી પોતે ફરી એવું જ પાત્ર શોધવા ખોજ આરંભી. એમાં નીરજાનો ભૂતપૂર્વ પતિ ક્યાં ફૂટી નીકળ્યો! હા, નીરજાએ તેની અવઢવ છુપાવી નહોતી, તોય... ના, ના, નીરજા જેવા પાત્રને કેમ જવા દેવાય?

‘નીરજા ભલે ફોડ ન પાડે, તેની મક્કમતા જુદું જ સૂચવે છે. મને કેમ એમ લાગે છે કે ઓમને મળ્યા

પછી પાછી નહીં ફરે?’ નીરજા કિચનમાં જતાં અનામિકે માજી સમક્ષ આશંકા દર્શાવી.

‘તેનું ભલું પૂછવું. જોકે આપણે એવું થવા નહીં દઈએ. આપણેય તેના ભેગા પ્રયાગ જવાના જ છીએ. તો હું શું કહું છું નીરજા, પહેલાં હું ઓમને મળીશ... તેને આમેય નીરજાની મમતા પ્રત્યે ખટકો છે જે મને હંમેશાં ખટક્યો છે, પણ એને જ આધાર બનાવીને હું ઓમને સમજાવીશ તો તે ઉષ્માહીન રહીને નીરજાની ભાવનાને જમીનદોસ્ત કરશે. બસ, નબળી પડતી નીરજાને તમે સંભાળી લેશો તો તે ઓમના મોહથી કાયમ માટે મુક્ત થઈ જવાની!’

તેમની સરળ યોજનામાં અનામિકને ઘણાં છીંડાં દેખાયાં. સાધુ બનેલા ઓમની દૃષ્ટિ એટલી સંકુચિત ન પણ રહી હોય કે તે હજીયે નીરજાનો દોષ જોતો હોય... પોતાની સાધુતા જાળવવા તે નીરજાને અવગણે જ એવું પણ કેમ માનવું? ઊલટું તે માજીને સમજાવી પાડે તો મારે નીરજાને ગુમાવવાની થાય!

એવું ન બને એ માટે મારો પ્લાન પણ તૈયાર હોવો જોઈએ, યસ!

***

મહારાજ, આપે સંન્યાસ લેવાનું કારણ?

રાત્રિનો સમય છે. પોતાના ટેન્ટની ચટાઈ પર આડો પડેલો ઓમ સાંભરી રહ્યો. પેલી પત્રકાર કેવું પૂછી બેઠેલી! ના, પોતાને પ્રચાર-પ્રસારનો મોહ નહોતો, પણ બે-ત્રણ દિવસથી મેળામાં ફરીને પોતાનું કામ નિષ્ઠાથી કરતી યુવતીને ઇનકાર ન થયો. પ્રવચનમાંથી છૂટયા પછી ગુરુજીની માફી અવશ્ય માગી હતી : આપની અનુમતિ વિના મારાથી આ પગલું લેવાઈ ગયું.

‘મહાનમાં મહાન માણસ પણ ક્યારેક તો વિધાતાની કઠપૂતળી બની જ જતો હોય છે વત્સ...’ માઠું લગાડવાને બદલે ગુરુજીએ ગૂઢવાણી ઉચ્ચારી હતી, ‘બહુ પ્રચારમાં રહેવાથી પ્રસિદ્ધિની લત લાગે એ તો ઠીક, ક્યારેક એ સંસારના છેડાને પણ જોડી આપે એ તારા જેવા સંન્યાસીએ યાદ રાખવું ઘટે.’

ગુરુજી ફોડ પાડી કહેતા નથી, પણ શું આ ઇન્ટરવ્યુથી હું નીરજાની આંખે ચડી જઈશ?

નીરજા. પત્નીના સ્મરણે હળવો નિ:શ્વાસ સરી ગયો.

અંશના અવસાને મને લાગણીશૂન્ય બનાવી દીધો... મારા માટે સર્વકંઈ મિથ્યા હતું. આવામાં જીવનમાં આગળ વધવાની હાકલ કરતી ભાર્યા પ્રત્યે અરુચિ થતી : આ તે કેવી મા? દીકરો ગુમાવીનેય તે સંસારનાં સુખ માણવા માગે છે? પરિણામે હું મારા દુ:ખમાં વધુ ઘેરાતો ગયો. ઈશ્વર સાથે ખૂબ ઝઘડવું હતું. હવેલીએ ગયો ત્યાં કથા-પ્રવચનના પ્રોગ્રામ થકી સંન્યાસની રાહ જડી. નીરજાએ અંશુની નિશાનીઓ ફગાવી દેતાં એકઝાટકે સંસારનાં બંધનો ત્યજીને પોતે સંન્યાસના માર્ગે દોડી ગયો.

અનેક ર્તીથસ્થળે ફર્યો, ઘણા સાધુ-મહાત્માઓના સંત્સર્ગમાં રહ્યો; પણ શિષ્ય બનવા જેટલી ઉત્કઠા દયાનંદજીને મળ્યા બાદ જ જાગી. છ વરસ અગાઉ અહીંના જ કુંભમેળામાં તેમના સહેવાસમાં રહેવાનું બન્યું. પોતાની વીતક જણાવીને શરણું માગ્યું ત્યારે તેમણે ટકોર કરેલી, ‘હું તો બાળસંન્યાસી રહ્યો છું. સંસારજીવનનો મને અનુભવ તો નથી વત્સ, પણ ભાવનાઓનું ગણિત એટલું તો સૂચવે છે કે તેં તારી પત્નીને પારખવામાં થાપ ખાધી. તું જ કહે, અંશ હયાત હતો ત્યારે ક્યારેય તેણે તેને અતિક્રમી પોતાના શોખ-સુખ વિચારેલાં?’

આમાં હકાર ભણાય એમ નહોતો. અંશ જેટલો મારા માટે પ્રથમ રહ્યો એટલો જ નીરજા માટે, એ તો સાચું.

‘તો પછી સ્પષ્ટ છે કે તે કેવળ તારામાં ધબકાર પ્રેરવા માગતી હતી. ત્યાં સુધી કે એ માટે તેણે અંશની યાદોને વિમુખ કરીને માતૃત્વ સુધ્ધાંને કચડાવા દીધું.’

આ નજરિયો સમજતો ગયો એમ ગરદન ઝૂકતી ગઈ.

‘તેની મમતાને તેં મહેણું માર્યું વત્સ? જાણે એ ઘા તેણે કેમ જીરવ્યો હશે!’

‘મારો અપરાધ હું સ્વીકારું છું ગુરુદેવ, પણ એની ક્ષમા કે સજા માગવા નીરજાને મળવાનું ન કહેશો. મારે સંસારમાં પાછા ફરવું નથી. નીરજા સાથે આવવા માગે તો તેને રોકવાનું સામર્થ્ય નથી.’

ત્યારે તેમણે છ માસની ટ્રાયલની શરતે સાથે લીધો હતો... એ વખતે પોતે મોક્ષની વિરુદ્ધ હતો. મેં તો બીજા જન્મમાં અંશને જ દીકરારૂપે પામનેી દીર્ઘકાળ સુધી પિતૃત્વ ભોગવવાની મનસાથી તપસ્યા આરંભી હતી; પણ સાધનાનો રંગ ચડતો ગયો એમ અંશના આત્માના કલ્યાણની, તેના મોક્ષની ભાવના દૃઢ થતી ગઈ. વૈરાગ્ય એના મૂળ રૂપમાં ઘૂંટાતો ગયો. છતાં દીકરાની યાદ હજી ક્યારેક સતાવી જાય કે નીરજાનું સ્મરણ ઝબકી જાય એ સંન્યાસીની સાધનાની કચાશ ગણાય કે સંસારના સ્નેહની પરાકાષ્ઠા?

ઓમકારનાથ પાસે આજેય આનો જવાબ નહોતો!

***

બ્રાહ્મમુહૂર્તમાં ઊઠી ગયેલા ઓમકારનાથ કમરે ગમછો વીંટાળી તંબુની સામે આવેલા ઘાટનાં પગથિયાં ઊતરી ઠંડાગાર જળમાં ડૂબકી મારી ગયા. નીરવ વાતાવરણમાં પરવારી સાધનામાં બેસી જવાની આદત થઈ ગયેલી.

અચાનક ઓમ ચમક્યો, ભડક્યો. એવું લાગ્યું જાણે પાણીમાં કોઈ પોતાને ચીપકી રહ્યું છે! શરીરને ઝાટકો દઈને તે થોડા દૂર હટયા - કોણ છે?

કોઈ જવાબ નહીં. ઓમે હવે પૂરી ડૂબકી મારી. પાણીની અંદર એક આકૃતિ ઝડપભેર સામી દિશામાં જતી દેખાઈ. જોઉં તો ખરો તે કોણ છે? આમ મારા બદનને સ્પર્શવાનો શું મતલબ? જોકે અંધારાને કારણે ઝાઝું કંઈક કળવું મુશ્કેલ હતું. ઓમના એ પણ ધ્યાનબહાર રહ્યું કે પોતે તરતો-તરતો જનાના વિભાગ તરફ જઈ રહ્યો છે!

ત્યાં કશી હલનચલન દેખાઈ. ઓમ એ તરફ વળ્યો. તરાપ મારી. બીજી પળે એ તરવૈયાના પગ ઓમની પકડમાં હતા. ઓમે ઝાટકો મારતાં સાધ્વી યોગિનીદેવી ચીખી ઊઠયાં.

તેમને તો એવું જ લાગ્યું જાણે અગાઉ પોતાને આમ જ ડુબાડનાર પતિ જ પાછો આવી ચડ્યો કે શું!

‘છોડ મને!’ છટપટતાં યોગિનીદેવી હવાતિયાં મારતાં સપાટી પર આવીને ચીસ નાખે છે : બચાવો... પોલીસ...!

સ્ત્રીનો સાદ સાંભળીને ઓમકારે પણ પકડ છોડી. તેય હવે ઉપર દેખાયો.

‘કોઈ આવો... આ અનામિક મને મારી નાખશે!’ હજીયે હાંફળાંફાંફળાં યોગિનીદેવી જાણે જુદા જ વિશ્વમાં હતાં.

આ પણ વાંચો : કથા-સપ્તાહ: સંગમતીર્થ (સંસાર-સંન્યાસ 2)

ઓમકાર ગૂંચવાયો. પોતાનું પ્રવચન સાંભળવા નિયમિત આવતાં યોગિનીદેવી સાથે ચર્ચા પણ થતી. હરિદ્વારના મા આનંદમયીના આશ્રમવાસી યોગિનીદેવી પોતાની જેમ ગુજરાતી હોવાની જાણ. સંસારની ગહેરી ચોટ લઈને સંન્યાસ તરફ વળેલાં હોવાનું અનુમાન ખોટું નહીં જ હોય. તેમના વિચારોમાં ઊંડાણ વર્તાતું. નીરજાની જ વયની સન્નારી પ્રત્યે સન્માન જાગ્યું હતું એ આજની તેમની ચેષ્ટાથી કડડડભૂસ થતું લાગ્યું. એક તો દેવીજી ચુપકેથી આવીને મારા અંગ સાથે અડપલાં કરી જાય છે કે પકડાયા તો બૂમાબૂમ કરીને મને ગુનેગાર ઠેરવવાની પેરવી કરે છે? પણ તે આ કોનું નામ બોલ્યાં? કોણ છે આ અનામિક? (ક્રમશ:)

columnists