Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કથા-સપ્તાહ: સંગમતીર્થ (સંસાર-સંન્યાસ 2)

કથા-સપ્તાહ: સંગમતીર્થ (સંસાર-સંન્યાસ 2)

05 February, 2019 12:27 PM IST |
સમિત પૂર્વેશ શ્રોફ

કથા-સપ્તાહ: સંગમતીર્થ (સંસાર-સંન્યાસ 2)

લધુકથા સંગમતીર્થ

લધુકથા સંગમતીર્થ


સંસાર-સંન્યાસ

ચંદા હૈ તૂ મેરા સૂરજ હૈ તૂ...



લતાના કંઠે ચિરંજીવ બનેલી લોરી ગણગણતી નીરજાની પાંપણે ભીનાશ છવાઈ. અંશ બેટા, તું ક્યાં ગયો?


કેમ ગયો!

‘અક્ષ૨, જૂની હિન્દી ફિલ્મોનો સૌથી ચવાયેલો ડાયલૉગ કયો?’


આંખોનાં ઝળઝળિયાંની પેલે પાર ગતખંડ તરવરી રહ્યો. એ સાંજે કૉલેજથી ઘરે આવેલા અક્ષુને આવકારવા નીરજા કેટલી થનગનતી હતી. સીધેસીધું કહેવું નહોતું એટલે ફિલ્મી ડાયલૉગનો પ્રશ્ન પૂછીને તેને ગૂંચવી મૂક્યો. મૂંઝાતો અક્ષર વધુ આકર્ષક લાગતો.

‘કેટલું વિચારો છો?’ ટકોરીને પોતે આંગળીમાં દુપટ્ટો રમાડતાં સાચે જ લજાઈ, ‘હિન્દી ફિલ્મનો સૌથી ચવાયેલો ડાયલૉગ એટલે - મૈં તુમ્હારે બચ્ચે કી માં બનનેવાલી હૂં.’

એવો જ અક્ષર ઊછળ્યો, ‘હેં! નીરજા, ખરેખર તું...’

તેણે નીરજાને ઊંચકીને ગોળ-ગોળ ફેરવી એનો વળ અત્યારે ચડતો હોય એમ નીરજા હાંફી ગઈ.

કેવા એ દિવસો-મહિનાઓ હતા! અક્ષર તો ઘેલા-ઘેલા થઈ ગયેલા. અરે, હું ચાની તપેલી ઊંચકું એમાંય બૂમાબૂમ કરી મૂકે. પોતાનાં માબાપના દેહાંતથી એકલવાયા બનેલા અક્ષરે મારા આગમને વસંત અનુભવી, હવે ફૂલવાડી સજાવવાનો રોમાંચ હતો. રાત્રે એકમેકને વળગીને અમે કેટકેટલાં શમણાં ગૂંથતાં. બાળક માટે રમકડાંની ખરીદી, તેની રૂમની સજાવટ, તેના ફ્યુચરની આર્થિક સિક્યૉરિટી... અક્ષરમાં આયોજનની સૂઝ હતી, હોંશ હતી. પછી તો તેમણે માને અમારા ઘરે તેડાવી લીધી, પ્રસૂતિ હેમખેમ પાર પડી. દીકરાના નામ બાબત મને દ્વિધા નહોતી. અક્ષરના અંશનું નામ જ અંશ હોય!

અંશના પ્રવેશે અમારું ઘર નંદનવન બની ગયું. અંશ મારાથી વધુ તેના બાપાનો હેવાયો. અક્ષરને જોઈને હાથ-પગ હલાવવા માંડે. અક્ષર અંશુને બાથમાં લે એ દૃશ્ય મારા માટે તો મિ૨ત જેવું હતું. અક્ષરનાં દિવસ-રાત અંશુ ફરતે વીંટળાઈ ગયેલાં. તેને જરા શરદી-ઉધરસ થાય તો અક્ષર ડૉક્ટરને હેરાનપરેશાન કરી મૂકે. અંશ પાછળ મહત્તમ ઉજાગરા તેમણે કર્યા. અરે, તેની વાચા ફૂટવાની હતી એ સમયે કામે જવા મન ન થતું : તેનો પહેલો અક્ષર ફૂટે ને હું હાજર ન હોઉં એ કેવું!

જોકે અંશુ પણ બાપથી ક્યાં ઓછો ઊતરે એમ હતો! તે પહેલો શબ્દ ‘પા... પા...’ જ બોલ્યો, એય બાપના ખોળામાં હતો ત્યારે! અક્ષર લાગણીભીના થઈ ગયેલા : જો નીરજા આપણા અંશુએ મને બોલાવ્યો!

પછી તો અંશ ચાલતો થયો, દોડતો થયો, પહેલાં પ્લેગ્રુપમાં અને પછી સ્કૂલમાં જતો પણ થયો... એ દરેક તબક્કો બાપ-દીકરાના બૉન્ડિંગને મજબૂત કરતો ગયેલો. પત્ની અને પુત્ર - આ જ અક્ષરનું વિશ્વ. અંશુ પણ ભલે સોસાયટીમાં ક્યાંય રમવા ગયો હોય, પપ્પાના આગમન ટાણે અચૂક ઘરે આવી જાય : મા, પપ્પા હમણાં આવશેને?

બાપ આવે એટલે બેઉ ભેગા થઈને ઘરમાં ધમાધમ મચાવી દે. લૉબીમાં ક્રિકેટ રમવા જાય, અક્ષર દીકરા માટે ઘોડો બને... અમારા સુખને જાણે કોની નજર લાગી?

અંશુની પાંચમી વર્ષગાંઠે જ તેને તાવ ભરાણો. બે વાર હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવો પડ્યો. કેવો નંખાઈ ગયેલો છોકરો મારો! છેવટે એ કાળમુખી ઘડી પણ આવી પહોંચી. ડૉક્ટરે વજ્રાઘાત વીંઝ્યો : અંશુને બ્લડ-કૅન્સર છે. લાસ્ટ સ્ટેજ.

સાંભળીને અક્ષર બેભાન બની ગયેલા. ભાનમાં આવીને હૈયાફાટ રડ્યા હતા. તેમને જાળવવા મારે કઠણ રહેવું પડ્યું, ‘આ વિધાતાનો ફેંસલો છે અક્ષુ. તમે અંશુ સાથે ફક્ત હસ્યા છો, હવેય રડવાનું નથી. અંશુ છે ત્યાં સુધી તો નહીં જ.’

છાતીએ પથ્થર મૂકીને એ દિવસો કાઢ્યા હતા અમે... છેલ્લે-છેલ્લે અંશુનું બોલવાનુંય ઓછું થઈ ગયું. કદાચ તેને પણ અણસાર આવી ગયો હતો. હૉસ્પિટલની રૂમના પલંગની ડાબે-જમણે અમને બેસાડી અમારો હાથ મુઠ્ઠીમાં પકડીને પડ્યો રહે. ઇશારાથી મને તેને ગમતી લોરી ગાવા કહે, પણ પપ્પાને સ્ટોરી કહેવાનું ન કહે; જાણે સમજતો હોય કે પપ્પા હવે હસી-હસાવી શકવાના જ નહીં!

‘મા...’

બ્રાહ્મમુહૂર્તની વેળા છે. અંશના પાતળા સાદે તેની બાજુમાં જ બેઠેલી હું ઝબકી જાઉં છું. સામે અક્ષર નથી. ચોક્કસ રડતા હશે, આંસુ છુપાવવા બહાર લૉબીમાં ભાગ્યા હશે.

‘બોલ બેટા, કંઈ થાય છે?’ મારા અવાજમાં ધ્રાસકો છે. ડૉક્ટરે અમને કહી દીધું છે કે હવે ગમે ત્યારે તમારો કુળદીપક બુઝાઈ જવાનો! ‘મને જે-જે બોલાવે છે મા, હું જાઉં છું..’

‘અં...શ!’ હું ચિત્કારી ઊઠું છું. હાંફળા અક્ષર ઉંબરે દોડી આવે છે.

‘તું રડતી નહીં.’ તેની ગતિ મંદ પડે છે, ‘મારા પપ્પાને સાચવજે.’ કહેતાં અંશની નજર સામે ઊભેલા પિતા પર પડી. હળવી મુસ્કાન ફેલાઈ, હાથ હલાવીને ‘આવજો’ કર્યું ને પછી એ હાથ હંમેશ માટે ઢળી પડ્યો!

દીકરાને છાતીએ ચાંપીને મેં તો રડી લીધું, પણ અક્ષર...

નીરજાએ નિ:શ્વાસ નાખ્યો.

દીકરાની વિદાય સાથે અક્ષરમાં પણ કશું હંમેશ માટે તૂટયું - લાગણીતંત્ર. વીતતા સમય સાથે ઘા ગહેરો થતો ગયો. કોઈ પ્રવૃત્તિમાં તેનું ચિત્ત ન ચોંટે. ન નોકરીમાં, ન ઘરે. નીરજા ઘણું મથે : અંશુ ગયો અક્ષર, પણ હું છુંને. તમે આમ નારાજ રહેશો તો અંશને નહીં ગમે.

પણ વ્યર્થ. નીરજાને યાદ નથી કે અક્ષર છેલ્લો ક્યારે હસ્યા હોય, બેથી વધુ વાક્યો સાથે બોલ્યાં હોય...

મૂવી-મૉલ ક્યાંય જવાને બદલે અંશુનાં રમકડાં વચ્ચે ઘેરાઈને બેસી રહે. તેને ધબકાવવાના પ્રયાસોમાં નીરજા શોક વિસારે પાડી શકી, પણ અક્ષરને તો સાઇકિયાટ્રિસ્ટની ટ્રીટમેન્ટથી પણ ઝાઝો ફેર ન વર્તાયો. નીરજા ગૂંગળાતી : આમ તો તમે મને અંશને ભૂલવા નથી દેતા અક્ષર. જિંદગી આખી આ રીતે નહીં નીકળે.

દરેક સમજાવટ જાણે પથ્થર પર પાણી. એક દહાડો નીરજાએ કાળજું કઠણ કરીને અંશની તમામ યાદો - તેના ફોટો, વjાો, રમકડાં, સ્કૂલબૅગથી માંડીને વૉટર-બૉેટલ બધુંય દાનધરમમાં કાઢી નાખ્યું. કૉલેજથી આવેલો અક્ષર આઘાત પામ્યો, વીફર્યો : અંશની ચીજો ક્યાં?

‘જે વ્યક્તિ રહી જ નથી તેની યાદોમાં રમમાણ રહેવાનો અર્થ નથી અક્ષર, લેટ્સ મૂવ ઑન.’

અક્ષરે એને પણ ઊંધા અર્થમાં લીધું.

‘એક મા આમ બોલે છે? અરે, દીકરાની ચીજો કાઢતાં તારી મમતા ફાટી કેમ ન પડી? શું બળ્યું છે આ જીવનમાં કે તને હજીયે હરવા-ફરવાના, સાજશણગારના શોખ છે? સંસાર આટલો નિષ્ઠુર જ હોય તો નથી રહેવું આ સંસારમાં...’

અક્ષરના રૌદ્રરૂપે નીરજાને ડઘાવી દીધી. સંસારત્યાગને આત્મહત્યા સાથે સાંકળીને ખૂબ રિબાઈ. બીજી સવારે ખ્યાલ આવ્યો કે એ સંન્યાસ માટે બોલાયું હતું!

સવારે તે ઊઠી ત્યારે અક્ષર ઘરમાં નહોતો. નાનકડી ચિઠ્ઠી છોડી ગયેલો:

નીરજા,

અંશુની વિદાય પછી મને જીવવાનો મોહ રહ્યો નથી. સાચું કહું તો તારી સ્વસ્થતા પણ મને દઝાડતી. એક મા દીકરાને ગુમાવીને કઈ રીતે નૉર્મલ લાઇફ માણી શકે? પાછી તું મને પણ તારા જેવો બનાવવા ચાહે! નો. અંશુને ભૂલીને હું સંસારમાં રમમાણ થઈ જ ન શકું. અરે, અંશુના આખરી શ્વાસ સાથે મારું હૃદય બંધ ન થઈ ગયું એનેય હું મારા હેતની ઓછપ ગણું છું.

હું મૃત્યુથી ડરતો નહોતો, પરંતુ આપણાં શાસ્ત્રો પ્રમાણે આત્મહત્યા પાપ હોય તો એમાં મારા અંશુને શીદ નિમિત્ત ઠેરવવો કેવળ એ વિચારે આપઘાતમાંથી મન વાળેલું.

શ્વાસ બોજરૂપ બની જાય એવી જિંદગી તેં કેમ આપી? ઈશ્વર સાથે ઝઘડવા કૉલેજને બદલે હવેલીએ જતો. ત્યાં એકાદ બાપુની કથા ચાલતી હતી. સંસારની મોહમાયા વ્યર્થ છે ને સંન્યાસ થકી મનુષ્યજીવનનો ઉદ્ધાર છે એવા તેમનાં વચનોમાં રસ પડ્યો, વિકલ્પ જડ્યો - સંન્યાસ!

અંશુ વિનાના સંસારમાં મારે રહેવું નથી. આ જન્મની અમારી આટલી જ લેણદેણ હશે, પણ આવતા જન્મે કોઈ ઊણપ નહીં રહે. હા, બધું ત્યાગીને મહાત્મા બનવા કે પછી મોક્ષ માટે નહીં પણ આવતા જન્મે અંશ જ મને દીકરા તરીકે મળે ને હું ર્દીઘકાળ માટે પિતૃસુખ પામું એની આકરી તપસ્યા કાજે સાધુ બની જવાની ઇચ્છા થોડા દિવસોથી સળવળતી હતી. અંશની નિશાનીઓ ફગાવીને તેં એક ઝાટકે સંસારની છેલ્લી કડી તોડી ખરેખર તો મારો સંન્યાસ તરફનો માર્ગ ખુલ્લો કરી આપ્યો...

પુત્રને ગુમાવનારી પતિ વિનાય મૂવ ઑન કરી શકશે એટલે મને તારી ખાસ ચિંતા નથી. છતાં છેવટની ફરજરૂપે મારું સર્વકંઈ તારા નામે કરતો જાઉં છું. તને નિર્વાહની તકલીફ નહીં પડે. અને હા, ફરી લગ્ન કરવામાં સુગમતા રહે એ માટે ડિવૉર્સ પેપર પણ સહી કરીને મૂક્યાં છે. હું અને અંશુ બેઉ તારા જીવનમાંથી જઈ રહ્યા છીએ. તને તારો સંસાર મુબારક.

- હવે સંસારમાં કોઈનો નહીં એવો,

અક્ષર!

નીરજા હતપ્રભ બનેલી. સાવિત્રીમા ડઘાયેલાં.

‘મા, મા... અક્ષુએ મને આટલી નફ્ફટ, નગુણી સમજી? હું મા નથી? મારે તો તેમને ધબકતા કરવા હતા મા. એમાં તે મારા માતૃત્વને મહેણું મારીને ગયા?’ નીરજા છટપટી હતી. સાત વરસના દામ્પત્યની આ જ કિંમત? એક વાર અક્ષર મળે તો એવી ઝઘડું કે...

‘હશે દીકરી. તે પોતાના કારણે ગયો. તું પણ હવે લાઇફમાં ધ્યાન પરોવ.’

સમાજે પણ સહાનુભૂતિ દાખવી, પણ નીરજા માટે એ આસાન ક્યાં હતું? કદી બજારમાં નાનું બાળક જોઈને અંશુની યાદ તીવ્રપણે આવતી. સૂની પથારી અક્ષરનો ખાલીપો દર્શાવતી. સાવિત્રીમા ચોંક્યાં : દીકરી એકલી તેના ઘરે રહેશે તો આમ જ જાતને રહેંસી મૂકશે.... તેઓ નીરજાને મલાડના ઘરે લઈ આવ્યા. તેમના પ્રયાસે નીરજા ટકી તો ગઈ, પણ જેવી એકલી પડતી કે અક્ષર-અંશ ઘેરી વળતા. તે મૂંગા અશ્રુ સારતી : તમે ગલમ સમજ્યા અક્ષુ. અંશ માટે મારી મમતા તસુય ઊતરતી નહોતી. બેટા અંશ, તું તો જાણે છેને?

આમ જ વરસો વીત્યાં. ક્યાંક અક્ષર ભટકાઈ જાય એવી આશાએ મુંબઈ-ગુજરાતના બેચાર આશ્રમોમાં પોતે ફરી વળેલી, પણ પત્તો ન મળ્યો એ ન જ મળ્યો.

‘મારીયે હવે અવસ્થા થઈ દીકરી. અક્ષર-અંશ તેમના માર્ગે ગયા, જતાં પહેલાં તને થાળે પાડી જવી છે.’

થોડાક મહિનાઓથી સાવિત્રીમાએ જીદ પકડી છે. અરે, મૅરેજ બ્યુરોમાં ડિવૉર્સી તરીકે નીરજાનું નામ લખાવી આવ્યા. નીરજાની મરજી વિરુદ્ધ મુરતિયા તરાસવા માંડ્યા. એમાં પાંત્રીસેક વરસનો નિ:સંતાન વિધુર મુરતિયો ગમતાં સોગંદ દઈને તેને પરાણે લગ્ન માટે રાજી કરી છે. આવતા મહિનાનું મુરત છે. ઝાઝી હો-હા નથી થવાની. ઘરમેળે દીકરી પરણાવીને બોરીવલીના સાસરે વિદાય આપવાની છે.

‘અનામિક ઉમદા પુરુષ છે. સંસારમાં એકલો છે. તેની બૈરી બિચારી અકસ્માતે નદીમાં ડૂબીને મરી ગઈ. તુંય દાઝેલી છે. બેઉ સમદુખિયા એકબીજાને જરૂર સુખી કરી શકવાનાં.’ સાવિત્રીમા રોજ નીરજાને ઠસાવે છે.

ત્રણેક વરસ અગાઉ માતા-પિતાનું શ્રાદ્ધ સરાવવા પતિ-પત્ની ચાણોદ ગયેલાં ત્યારે નદીમાં નાહવા જતી રાગિણી ચીકણા પથ્થર પરથી લપસી પડતાં પાણીમાં એવી ખાબકી કે ઉપર આવી જ નહીં! મગરે ફાડી ખાધેલી લાશ જ બે દહાડા પછી બીજા કિનારેથી સાંપડી હતી. એની ઓળખ કરતાં અનામિક ભાંગી પડેલો. માંડ બે વરસ રહેલા લગ્નજીવનના કરુણ અંત વિશે જાણીને નીરજાએ પણ અરેરાટી અનુભવી હતી. અનામિક રૂપાળો છે, બૅન્કની જૉબ છે. બહુ શાલીનતાથી વર્તતા પુરુષમાં કશું કહેવાપણું જણાતું નથી, પણ એથી તેને અંધારામાં પણ કેમ રખાય?

‘આ સંબંધમાં મારી મરજી નથી એમ તો નહીં કહ્યું અનામિક, પણ હું અવઢવમાં ચોક્કસ છું. અંતરમનથી હું આજે પણ અક્ષરની જ હોવાનું અનુભવું છું. તમને ક્યારે-કેટલા અપનાવી શકીશ કહી નથી શકતી.’ નીરજા લગભગ રોજ મળવા આવતા અનામિકને નિખાલસપણે કહેતી. નીરજાની ખેલદિલી તે હળવા સ્મિતથી વધાવતો,

‘ટેક યૉર ઑન ટાઇમ નીરજા. રાગિણીનાં સ્મરણોથી હું પણ ક્યાં મુક્ત થયો છું? મારા ખ્યાલથી આપણે એક થઈને વધુ ઝડપથી જૂના ઘા ભરી શકીશું.’

અત્યારે તેના શબ્દો સાંભરતી નીરજા ચમકી. ટીવી પર પ્રયાગરાજના કુંભમેળાનું લાઇવ ટેલિકાસ્ટ નિહાળતાં સાવિત્રીમાના સાદે બહાર દોડી જોયું તો સ્થિર થઈ જવાયું.

કુંભમેળાના સ્થળે ચહેરા આગળ માઇક રાખીને બોલતી યંગ ટીવી જર્નલિસ્ટના ને૫થ્યમાં દેખાતો સાધુ બીજું કોઈ નહીં અ...ક્ષ...ર છે!

‘મિતાલી શર્મા રિપોર્ટિંગ લાઇવ ફ્રૉમ કુંભમેલા. કૅમેરાની આંખે આપ ત્રિવેણી સંગમતટે જામેલા મેળાની ભવ્યતા નિહાળી રહ્યા છો. લાખોના આ માનવમહેરામણમાં ભિન્ન પ્રકારના સાધુઓ જોવા મળ્યા. પાછલા બે દિવસથી મેળામાં ફરીને હું આપને તેમનો સત્સંગ કરાવી રહી છું... આવા જ એક ઇન્ટરેસ્ટિંગ સાધુને આજે આપણે મળવાના છીએ.’

મિતાલી તેની ચૅનલ થ્રૂ દેશ-વિદેશમાં લાઇવ દેખાઈ રહી છે.

આ પણ વાંચો : કથા-સપ્તાહ: સંગમતીર્થ (સંસાર-સંન્યાસ 1)

‘નામ છે તેમનું ઓમકારનાથ. સવાર-સાંજ બબ્બે કલાક માટે નદીતટે પ્રવચન આપે છે. તેમની વાણીમાં જાદુ છે. કેવળ સંસારીઓ જ નહીં, સાધુ-સાધ્વીઓ પણ નિયમિતપણે તેમને સાંભળવા આવી જાય છે. મોહમાયાની નિરર્થકતાથી ગૂઢ આત્મજ્ઞાન સુધીના વિષયો પર તેમની હથોટી છે. તમે પણ તેમને સાંભળો. તેઓ થોડા ફ્રી થાય એટલે આપણે તેમની પૂછપરછ કરીએ...’

મિતાલી હટી. કૅમેરા ઓમકારનાથ પર ફોક્સ થયો.

અ...ક્ષ...ર...!

નીરજાની આંખો વરસી પડી. હાંફતી છાતીએ હાથ દાબી દેવો પડ્યો તેણે. (ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

05 February, 2019 12:27 PM IST | | સમિત પૂર્વેશ શ્રોફ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK