કથા-સપ્તાહ : રિશ્તે-નાતે (સંબંધોની દુનિયા 1)

18 February, 2019 12:19 PM IST  |  | સમીત (પૂર્વેશ) શ્રોફ

કથા-સપ્તાહ : રિશ્તે-નાતે (સંબંધોની દુનિયા 1)

પ્રતીકાત્મક તસવીર

સંબંધોની દુનિયા

ઓમ નમ: શિવાય...

દૂર ક્યાંક લતાના કંઠમાં ગુંજતી શિવસ્તુતિએ પરોઢના વાતાવરણમાં ચેતનાનો સંચાર પ્રસરાવી દીધો. વલસાડ નજીક વઘઈના જંગલમાં ઊભા કરેલા તંબુમાંથી નીકળીને તાનિયાએ આભમાં દૃષ્ટિ દોડાવી. ઘટાટોપ જંગલની જમીન પરથી જોવા મળતા આસમાનમાં આછો-આછો ઉજાગર ઊઘડી રહ્યો છે, કેસરિયાં કિરણોના પાથરણામાં વાદળાંની ભાત અને એમાં ભળી જતો પંખીઓનો મીઠો કલરવ... અદ્ભુત!

‘કહેવું પડે તાનિયા. તારામાં કૅમેરા ક્લિક કરવાની સૂઝ છે.’ પપ્પા કહેતા. વહેલી પરોઢનો નજારો માણતી તાનિયા વાગોળી રહી.

તાનિયાના પિતા દિવાકરભાઈ ફોટોગ્રાફર હતા. વરલીના ઘર નજીક તેમનો સ્ટુડિયો હતો.

‘અમે નાના હતા ત્યારે સ્ટુડિયોમાં જઈને ફોટો પડાવાનો રોમાંચ અનેરો હતો.’ ઘણી વાર તે કહેતા, ‘વરસે માંડ એકાદ વાર ફોટો પડાવવાનું થાય. એમાં તો એવા સજીધજીને તૈયાર થઈએ. બે-ચાર દહાડે નેગેટિવ ધોઈને સ્ટુડિયોવાળો બ્લૅક ઍન્ડ વાઇટ પૉઝિટિવ આપે ત્યારે સ્કૂલમાં ફર્સ્ટ રૅન્ક આવી હોય એવો રોમાંચ જાગતો... કદાચ એણે જ મને ફોટોગ્રાફર બનવા પણ પ્રેર્યો.’ દિવાકરભાઈ સાંભરતા. ‘ભણવામાં હું હોશિયાર. ધાર્યું હોત તો એન્જિનિયર થઈ શક્યો હોત, પણ મારી ઇચ્છા-શોખ જોઈને તારા દાદાએ મને ટેન્થના વેકેશનમાં કૅમેરા ગિફ્ટ કરી પડકાર આપેલો : સ્કૂલ ખૂલે ત્યાં સુધીમાં એક ફોટોગ્રાફ મને ગમતો પાડી બતાવ, તો તારું ફોટોગ્રાફર બનવાનું પાકું, નહીં તો પછી એન્જિનિયરિંગની લાઇન લઈ લેવાની.’

ગ્રેટ. તાનિયા અભિભૂત થતી.

‘બંદા તો મચી પડ્યા. દસ દિવસ પછી બત્રીસના રોલમાંથી છત્રીસ ફોટોનું આલબમ બન્યું ત્યારે ખરેખર તો એમાં એક પણ ફોટો એવો નહોતો જે તારા દાદાને નહીં ગમ્યો હોય! બસ, પછી શું, ગ્રૅજ્યુએશન સાથે ફોટોગ્રાફીનો ર્કોસ કરીને બે-ચાર ઠેકાણે ચાર-છ મહિના સ્ટુડિયો ચલાવવાનો અનુભવ લીધો. પછી તો તારા દાદાએ એકના એક દીકરાને દુકાન પણ કરાવી દીધી. ધીરે-ધીરે ધંધો જામી ગયો...’ દિવાકરભાઈ ઇશારો કરતા, ‘ને તારી મમ્મીને પણ તાણી લાવ્યો.’

તાનિયા માને નિહાળતી. સંભારણામાં સાદ પુરાવતાં ઝંખનાબહેન રતાશભર્યા બને, ‘મારી સખીનાં લગ્નમાં તારા પપ્પા ફોટોગ્રાફર તરીકે આવેલા. દુલ્હન કરતાં મારા ફોટો વધુ પડ્યા હશે. જ્યાં જાઉં એ દિશામાં તેમનો કૅમેરા ફર્યા કરે. હું ખિજાણી તો કહે, મારો કૅમેરા ઇમ્ર્પોટેડ છે, સૌથી સુંદર ચહેરો હોય ત્યાં આપમેળે ઘૂમે છે, એમાં હું કંઈ ન કરી શકું! વિશ્વાસ ન આવતો હોય તો કૅમેરા હાથમાં લઈને અજમાવી જુઓ... તેમણે ધરાર કૅમેરા થમાવ્યો ને લેન્સમાંથી તેમનું સોહામણું મુખડું જોતી હું હૈયું હારી!’

હાઉ રોમૅન્ટિક. તાનિયાએ પપ્પા-મમ્મીને કેમિસ્ટ્રી અદ્ભુત લાગતી. જીવન પ્રત્યે એકદમ તંદુરસ્ત અભિગમ. મમ્મી પોતે પણ અચ્છી ફોટોગ્રાફી કરી જાણતી. તાનિયા મોટી થતી ગઈ એમ સમજાતું ગયું કે જમાનો બદલાઈ ચૂકેલો. ડિજિટલ કૅમેરાના આગમનથી નેગેટિવ ઇતિહાસ બની ચૂકેલી. સેલ્ફી લેવાઈ શકતી હોય તો કોઈ સ્ટુડિયોમાં ફોટો પડાવવા તો કેમ આવે!

ઘણા સ્ટુડિયો એથી બંધ થઈ ગયા હશે, પણ દૂરંદેશી દિવાકરભાઈએ ડિજિટલાઇઝેશનમાં અપડેટ થઈને ધંધો ડૂબવા ન દીધો. તાનિયાને એમાં વધુ રસ પડ્યો. ટેક્નૉસૅવી જનરેશનની પ્રતિનિધિ જેવી તાનિયાને સૉફ્ટવેર ઍપ્લિકેશન્સની ફાવટ હતી. પપ્પા સાથે કોઈ મૅરેજ ફંક્શનમાં ફોટોશૂટ માટે ગઈ હોય એના ફુટેજમાંથી મિક્સિંગ કરી, એમાં કૉમેન્ટરી ઉમેરી એટલા ફની વિડિયોઝ ક્રીએટ કરતી કે ગ્રાહકો સામેથી એ માગતા – મૅરેજની -આલબમ સાથે તાનિયાવાળા વિડિયો મોકલવાનું ચૂકતા નહીં!

‘તારી એક્સપર્ટાઇઝને તારી કમાણીનું સાધન કેમ નથી બનાવતી તાનિયા?’

કમાણી. તાનિયા કરીઅર ઓરિયેન્ટેડ નહોતી, પણ ક્રીએટિવિટી તેનું પૅશન હતું. એમાંથી આવક ઊભી કરવાનો પપ્પાનો આઇડિયા જચી ગયો. ફુરસદના સમયમાં કૅમેરા લઈને તે શહેરમાં નીકળી પડતી. ક્યાંક ચાલીનાં બૈરાંઓનો કકળાટ કેદ કરતી, ક્યાંક બગીચામાં બાળકોની ચહલપહલ, ક્યારેક મુંબઈનો ટ્રાફિક - પોતાની કૉમેન્ટરી યા સૉન્ગ ઉમેરી સરસ મજાનો વિડિયો બનાવી યુટ્યુબ પર અપલોડ કરે એને ખૂબ લાઇક્સ મળતી થઈ.

‘લોકોને તારું કામ ગમે છે તાનિયા, પણ એથી કેવળ કૉમેડી યા સુંદર દૃશ્યો પર જ તારું ફોકસ મર્યાદિત ન રાખ.’ મા વિશ્લેષણ કરતી, ‘ફિલ્મ બનાવના૨ને દરેક સબ્જેક્ટની હથોટી હોવી જોઈએ. બીજા કેવા-કેવા વિડિયો મૂકે છે એ જો, જુદા-જુદા પ્રદેશ એક્સપ્લોર કર અને મજા આવે તો એક સ્ટેપ આગળ વધી આ ફીલ્ડને ડેવલપ કરવાનું વિઝન કેળવ.’

એકની એક દીકરીને આવું આકાશ કેટલા પેરન્ટ્્સ આપતા હશે? તાનિયા ખૂબ ઉત્સાહભેર ખૂંપતી ગઈ. કૉલેજ પતતાં સુધીમાં તો એ પોતાની યુટ્યુબ ચૅનલ ધરાવતી હતી જેના વિડિયોઝ લાખો વ્યુઅર્સ નિહાળતા.

કૉલેજ પત્યા પછી તે ફુલટાઇમ પોતાની ચૅનલના કામમાં પરોવાઈ. પપ્પાના સ્ટુડિયોમાં અલાયદું સેક્શન ઊભું કર્યું. જરૂર પડી એમ સ્ટાફની ભરતી કરી. નવી થીમ, નવા વિડિયોઝ તૈયાર કરવા લાગે એટલું સરળ યા સહેલું નહોતું, પણ તાનિયાને તો ગમતું કામ હતું એટલે થાક યા કંટાળો ક્યાંય વર્તાતા નહીં. લોકોને બહુ ગમતી કૉમેડી લખવા કે ઍક્ટ કરવામાં તે માહેર હતી જ. તાનિયા વિષયોની વિવિધતા પણ જાળવતી. જેમ કે કન્યાવિદાય પરના તેના વિડિયોએ જોનારાની પાંપણ ભીંજાવી દીધેલી તો સુરતના જમણ પર તેણે બનાવેલો વિડિયો દુનિયાભરના ગુજરાતીઓએ વધાવ્યો. દુબઈને નવી નજરથી તેણે બતાવ્યું.

‘તમારી દીકરી એકલી-એકલી ટ્રાવેલ કરે છે, વિડિયો બનાવે છે - નવા જમાનાની વધુપડતી હવા લાગશે તો છોકરી હાથમાંથી જશે.’

ન્યાતીલા, સગાંસંબંધી ક્યારેક મમ્મી-પપ્પાને કહી જાય ત્યારે તેમનો જવાબ એટલો જ હોય : અમને અમારા સંસ્કારમાં શ્રદ્ધા છે. તાનિયા વિકસે છે એનો અમને તો આનંદ છે.’

વિકાસ એટલે માત્ર આવકનો નહીં... કાર્યનો નિખાર તાનિયાના આત્મવિશ્વાસને તેજોમય બનાવતો ગયેલો. રૂપાળી તો તે હતી જ, કામનું એક્સપોઝર તેનામાં સૂઝ પ્રેરતું ગયું. અણધારી ઘટનાઓના વિડિયો લેતી વખતે ગમે એવી આપત્તિને પહોંચી વળવાની આવડત કેળવાતી ગઈ. જોકે અકસ્માત થયો હોય ને મદદ માટે દોડી જવાને બદલે વિડિયો ઉતારવા જેવી નિષ્ઠુરતા તાનિયામાં હોય જ નહીં. બલકે આવા લોકો પર ડમી ઍક્સિડન્ટનું દૃશ્ય ઊભું કરી વરસાવેલી ફિટકારનો વિડિયો આજેય બહુ પૉપ્યુલર છે.

યંગસ્ટર્સ માટે તો તાનિયા યુટ્યુબ સેલિબ્રિટી છે. છતાં સફળતાનું ગુમાન પોસવાનો તેનો સ્વભાવ નથી. બે મહિના અગાઉ તે ચોવીસની થઈ. માએ હવે મુરતિયા જોવાનું શરૂ કર્યું છે. શમણાંના રાજકુમારનો તાનિયાને પણ ઇન્તેજાર છે!

‘લાગે છે આખી રાત મીઠાં સ્વપ્ન જોયાં છે તે.’

સામી દિશામાંથી આવતા સાદે તાનિયા ઝબકી, વર્તમાનમાં આવી.

‘એની મધુરતા તારા વદન પર વર્તાય છે.’

નજીક આવતા ફૉરેસ્ટ ઑફિસર અતીતના નિરીક્ષણે તાનિયાની મુગ્ધતા ગહેરી બની.

‘આઇ હો૫, તને આ ત્રણ દિવસ અમારી સરભરામાં કોઈ કમી નહીં વર્તાણી હોય.’

‘ડેફિનેટલી નૉટ, બલકે તમે તો મને VVIP બનાવી દીધી.’

તાનિયાના કથનમાં ભારોભાર સચ્ચાઈ હતી.

પાછલા થોડાક વખતથી તાનિયાના દિમાગમાં વાઇલ્ડ-લાઇફ પર વિડિયો બનાવવાની ઇચ્છા સળવળતી હતી. આફ્રિકાની જંગલ સફારી કે પછી આપણે ત્યાંની લાયન-ટાઇગર સફારી પર તો ઘણા વિડિયો બની ચૂક્યા, એમાં કંઈક નવીન આપવું હોય તો ડાંગના જંગલમાં લેપર્ડ સફારી યોજવાનો પ્રસ્તાવ છે. એના પર વિડિયો બનાવ્યો હોય તો?

તેણે તપાસ આદરી તો વઘઈના ફૉરેસ્ટ ઓફિસર અતીત વસાણી ખુદ તેના ફૅન નીકળ્યા.

‘આઇ મીન, ખરેખર તમે યુટ્યુબ ચૅનલવાળાં તાનિયા છો! વઘઈ આવવા માગો છો? યુ આર મોસ્ટ વેલકમ.’

ક્યારેક કોઈ પ્રશંસક આવું હૂંફાળું નિમંત્રણ પાઠવે એ કેમ ન ગમે?

અને ખરેખર અતીતે કોઈ તકલીફ વર્તાવા નથી દીધી... અહીં આવવા પહેલાં તેમની સાથે ત્રણ-ચાર ટેલિટૉક થયેલી. ત્રણ દિવસ અગાઉ બપોરની વેળાએ પોતે કારમાં વઘઈ પહોંચી ત્યારે અત્યંત સોહામણા દેખાતા અઠ્ઠાવીસ વર્ષના ફૉરેસ્ટ ઑેફિસર આવકારવા દોડી આવેલા. વર્દીમાં તેમની કસાયેલી કાયા શોભતી હતી. અવાજનો રણકો પૌરુષસભર હતો એટલી જ આવકારમાં મીઠાશ હતી.

‘આમ તો મેં તમને મારા ક્વૉર્ટરમાં જ રાખ્યા હોત, પણ વાઇફ તેના પિયર ગઈ છે એટલે તમારી ઇચ્છા અનુસાર ફૉરેસ્ટના ગેસ્ટહાઉસના પરિસરમાં તંબુ ઊભો કરાવ્યો છે.’

હાઉ નાઇસ. અતીત પરિણીત હોવાનું અનુમાન તો તેમના વૉટ્સઍપ નંબરના DP પરથી સહજ હતું. સજોડે તસવીરની ટૅગલાઇન હતી - મેડ ફૉર ઈચઅધ૨. તેમની વાઇફ પણ નિતાંત ખૂબસૂ૨ત હતી.

‘થૅન્ક્સ. રોમા તમને મળીને રાજી જ થઈ હોત, ધો તે રેગ્યુલર વિડિયોઝ નથી જોતી.’

રોમા નામ પણ અતીત જોડે શોભી ઊઠે એવું લાગ્યું.

‘ચલો, પહેલાં લંચ કરીએ.’

કૅન્ટીનનું ખાવાનું સ્વાદિક્ટ હતું. ઑફિસમાં અતીતની ધાક વર્તાઈ. પોતે વિઝિટની રૂપરેખા વર્ણવેલી એ મુજબ સઘળી વ્યવસ્થા તૈયાર હતી. ખાતાની પૂર્વમંજૂરી પણ અતીતે મેળવી લીધેલી. બાદમાં અતીતે ગામ દેખાડ્યું. લોકોમાં તેના પ્રત્યેનો આદર દેખીતો હતો.

‘છ વર્ષની નોકરીમાં આ મારું બીજું પોસ્ટિંગ છે. મૂળ અમે ગીરના. સિંહ સાથે ઊછર્યા હોઈએ એટલે જંગલનો લગાવ જરા વધુ. ધીકતી ખેતી મૂકીને હું ફૉરેસ્ટની નોકરી કરું એ માબાપને પહેલાં તો નહોતું ગમ્યું, પણ મારું પૅશન જોઈને આશીર્વાદ આપવા પડ્યા-’

‘મને જોકે મારા પેરન્ટ્સે પ્રેરી....’ તાનિયા અનાયાસ ઘડતી ગઈ. અતીત જોડે જરાય અજાણ્યું લાગ્યું જ નહીં. અદબથી વર્તતો ઑફિસર મિત્ર જેવો વધુ લાગ્યો.

‘મારાં લગ્નને પણ બે વરસ થયાં. જોકે રોમાને જંગલમાં રહેવાનું બહુ ફાવ્યું નહીં. તેના પિયરમાં હવે જોકે માબાપ નથી, મોટી બહેનછે જે અમદાવાદ પરણી છે એટલે મૅડમનો ત્યાંનો આવરોજાવરો જરા વધુ.’

પત્નીને જોઈતી છૂટ આપનારો પતિ બડભાગીને જ મળે. અતીત પોતાની પ્રતિષ્ઠા જમાવવા કે વિડિયોમાં ઝળકવાના આશયથી નહોતા બોલતા એટલું તો ચોક્કસ. કેટલાક માણસોને દંભ ફાવતો જ નથી, અતીત એમાંના જ એક જણાય છે મને તો.

‘ઇચ્છા તો છે કે હું તમારી સાથે બધે ફરું, પણ વર્કિંગ ડેઝમાં એટલી ફુરસદ નહીં હોય...’ અતીતે આસપાસનાં ગામડાંઓમાં ઘૂમવા જીપની વ્યવસ્થા કરી આપી. જોડે તેમના પટાવાળાને ગાઇડ તરીકે મોકલ્યો. સવારે અને રાત્રે અતીત સાથે તેમની જીપમાં અમે જંગલમાં અંતરિયાળ ઘૂમ્યા. દીપડાને જોવાનો દિલધડક અનુભવ પણ મળ્યો. કૅમેરામાં એ ક્ષણને મઢતા પોતે કાપી નહોતી, પણ પછી રાની પશુથી દૂર સરક્યા બાદ થરથર ધ્રૂજતી અતીતની લગોલગ થઈ ગયેલી : બાપ રે, આ જંગલમાં તમને ડર નથી લાગતો! જનાવરે હુમલો કર્યો‍ હોત તો?

‘તો માર્યો‍ જાત. સ્વરક્ષા માટે અમને બંદૂક અપાય છે તાનિયા અને હું નિશાનબાજીમાં એક્સપર્ટ છું એટલે ધરપત રાખજો.’

અતીતના સ્વરમાં અહમ્ નહીં, ખુમારી ટપકતી હતી. જોતજોતામાં ત્રણ દિવસનો પ્રોગ્રામ પૂરો થયો. એમાંથી અલગ-અલગ વિડિયો તૈયાર કરવામાં બીજા ૧૦-૧૨ દહાડા તો નીકળશે.

‘આઇ હોપ, તમને એ ગમે.’ અત્યારે અતીતને કહેતાં તાનિયા મલકી.

‘તારું મૅજિક મને હંમેશાં ગમ્યું જ છે.’ ત્રણ દિવસના સહેવાસમાં જામેલી તાજી-તાજી મૈત્રીમાં અતીતનો તુંકારો સ્વાભાવિક લાગતો, ‘તારી મહેનત જરૂર રંગ લાવવાની! ’

અતીતથી છૂટા પડ્યા પછી પણ ક્યાંય સુધી તેના શબ્દોની અસ૨રહી.

***

રોમાએ અંગડાઈ લીધી. અતીતે પાછળથી પત્નીને બાથ ભીડી, ‘આજ તો આપ કયામત ઢા રહી હૈ.’

રાત્રિના બાથ પછી ડ્રેસિંગમિરર સામે ઊભી રોમાએ પ્રતિબિંબમાં પતિ સાથે નજરો મેળવી. એમાં છલકતો નિતાંત સ્નેહ જીરવાતો ન હોય એમ ઊલટી ફરીને તેણે અતીતની પહોળી છાતીમાં મુક્કો વીંઝ્યો. ‘હટો, હું જાણે સ્વર્ગની અપ્સરા હોઉં એવાં વખાણ રહેવા દો.’

‘સ્વર્ગની અપ્સરા તો મેં જોઈ નથી, પણ ધરતી પર તારા જેવું સુંદર કોઈ નહીં હોય.’

કોઈને આમાં અતિશયોક્તિ લાગે, અતીતની લઢણમાં પત્નીની આંતરિક ખૂબસૂરતીને વધાવવાની વૃત્તિ વધુ હતી. રોમા એની ગૂંગળામણ અનુભવતી હોય એમ પતિથી અળગી થવા ગઈ એમાં બાથ-ગાઉન સરકી ગયું ને તેનું મદમસ્ત જોબન ખુલ્લું થઈ ગયું!

અતીતમાં રહેલો પુરુષ હવે પૂરેપૂરો જાગી ઊઠuો. તાનિયાના ગયાની આજની સાંજે જ અમદાવાદથી પાછી ફરેલી પત્નીને બે હાથે ઊંચકી પલંગ પર લેટાવી. પૂરા દસ દિવસ પછી માણવા મળતા રસથાળ પર તે ખાબક્યો. રોમા હાંફી ગઈ.

‘મારે રેણુદીદીને પૂછવું પડશે.’

રોમાનાં પુષ્ટ અંગો સાથે મસ્તી આદરતા અતીતના વાક્યે રોમા ભડકી : મારી મોટી બહેનને તમે શું પૂછવા માગો છો અતીત?

‘આમાં આટલી ભડકે છે કેમ!’ અતીતને પત્નીનો ગભરાટ સમજાયો નહીં, ‘એટલું જ પૂછવું છે દીદીને કે અમદાવાદમાં તમે મારી પત્નીની એવી કેવી કાળજી રાખો છો કે તે પાછી ફરે ત્યારે વધુ ને વધુ નિખરેલી લાગે છે!’

આ પણ વાંચો : કથા-સપ્તાહ : રંગરસિયા (મહોબતભર્યું મનડું 5)

રોમાએ ભીતરનો કંપ દેખાવા ન દીધો. અમદાવાદમાં કોણ મારી કેટલી કાળજી રાખે છે એ તો તમને દીદી પણ કહી નહીં શકે! આવું જોકે પતિને કહેવાનું ન હોય એટલે તેણે ઉત્તેજનાનો આફરો ચડ્યો હોય એમ અતીતનાં વસ્ત્રો સરકાવવા માંડ્યાં.

પછી શબ્દોનો અવકાશ રહ્યો નહીં. (ક્રમશ:)

columnists