કથા-સપ્તાહ : રંગરસિયા (મહોબતભર્યું મનડું 2)

12 February, 2019 10:39 AM IST  |  | સમિત પૂર્વેશ શ્રોફ

કથા-સપ્તાહ : રંગરસિયા (મહોબતભર્યું મનડું 2)

પ્રતીકાત્મક તસવીર

મહોબતભર્યું મનડું

‘આમ તો બધું બરાબર છે નિકિતા, બટ...’

ડૉ. રુચિ બ્રહ્મભટ્ટના અધ્યાહારે નિકિતા ટટ્ટાર થઈ.

શનિ-રવિ નિહારને નખશિખ માણ્યા બાદ મુંબઈ પરત થઈને નેહાલી રૂટીનમાં પરોવાઈ ગયેલી. ગઈ કાલે મંગળની સવારે સેક્રેટરી તસલીમે યાદ અપાવ્યું કે વરસે બે વાર થતું તમારું મેડિકલ ચેકઅપ ડ્યુ છે. નિકિતા આમાં ચૂકતી નહીં. ખાસ્સાં વરસોથી કન્સલ્ટ કરતી તે પ્રૌઢ વયનાં લેડી ફિઝિશિયન ફૅમિલી ડૉષ્ટર જેવાં બની ગયેલાં. સ્ટ્રેસ-લેવલ ઘટાડવા તેમની ટિપ્સ બહુ ઉપયોગી નીવડતી. નિકિતાને કોઈ શારીરિક તકલીફ નહોતી એટલે પણ ડૉષ્ટરના અધ્યાહારે સચેત થઈ જવાયું.

‘ઍઝ યુ નો, મેં તને લાસ્ટ ટાઇમ કહેલું પણ કે તને મેનોપૉઝનો તબક્કો અર્લી એજમાં શરૂ થઈ ગયો છે.’

ઓહ. નિકિતા માટે આ સાવ નવું નહોતું. ગયા વખતની તપાસમાં રુચિબહેને આ મુદ્દો પૉઇન્ટ આઉટ કર્યો‍ હતો. એમાં નવું કંઈક છે?

‘નૉટ ન્યુ નિકિતા...’ ડૉષ્ટરે ફોડ પાડ્યો. ‘મેનોપૉઝનો અર્થ એ કે...’

‘માસિક બંધ થઈ જાય. મારાં મધરને પણ વહેલી ઉંમરે આ થયેલું. હેરિડિટી હશે.’

તું કેમ નથી સમજતી!ના ભાવ સાથે પેશન્ટ્સને નિહાળીને રુચિબહેને ખુલ્લા શબ્દોમાં કહેવું પડ્યું, ‘માસિક બંધ થવા સાથે તારી માતા બનવાની શક્યતા પર સદા માટે પૂર્ણવિરામ મુકાઈ જવાનું નિકિતા. યુ ગેટ ઇટ? વધુ મોડું થાય એ પહેલાં પરણીને બચ્ચું પ્લાન કરી દે. તારા એમ્પાયરનો વારસ!’

વા...ર...સ!

નિકિતાએ ધક્કો જેવો અનુભવ્યો. લગ્ન માટે પોતાનાથી ચડિયાતું શું, સમકક્ષ પણ નિકિતાને કોઈ લાગતું નહીં. એના વિના જીવનમાં શું અટક્યું? વહુ બનવા જાઉં તો બિઝનેસ પરથી ફોકસ હટી જાય. એવું તો થવા જ કેમ દેવાય!

નિકિતાના ફ્યુચર પ્લાનિંગમાં જેનો સ્કોપ જ નહોતો એ બાળક આજે જુદા રૂપે ચૂભ્યું - વારસદાર!

ઓહ, હું ભલે આયુષ્યના છેલ્લા શ્વાસ સુધી સર્વ કંઈ મારા કાબૂમાં રાખવા માગું; મારા પછી કંપની નોંધારી ન બને એ માટે મારે મારો વારસ તો છોડી જવો પડે, યસ! ધીરજલાલ મહેતાની પેઢી કંઈ લાવારિસ આછી રહે? જે કંઈ રળ્યું એ ઓછું ધર્માદામાં દેવા? હું આટલી ચતુર છતાં મને આટલુંય ધ્યાન ન રહ્યું? જાત પર ગુસ્સો ચડ્યો.

‘સ્ટીલ યુ હૅવ ટાઇમ.’ રુચિબહેને ધરપત પાઠવીને ઉમેર્યું, ‘બટ ઇન મન્થ્સ તારે ચટ મંગની ૫ટ બ્યાહ જેવું કંઈક ગોઠવી કાઢવું રહ્યું...’

ત્યારે તો ડોક ધુણાવીને નિકિતા નીકળી આવી, પણ હવે વંશનો વારસ તેના ચિત્તમાં છવાઈ ગયો.

કંપનીને નધણિયાતી તો ન જ છોડાય. બટ મૅરેજ? વિચાર જ ઍબ્સર્ડ લાગતો હતો. આઇ કાન્ટ શૅર માય સ્પેસ. બાળક માટે પરણવું જરૂરી છે? અરે, પરણેલી કેટલીયે સેલિબ્રિટી સન્નારીઓ પોતે મા બનવાને બદલે સરોગસીનો સહારો લેતી હોય છે!

સરોગસી. નિકિતાને નિસરણી મળી - ધીસ ઇઝ ધ બેસ્ટ સૉલ્યુશન. આમાં પ્રેગ્નન્સી પહેલાં-પછીના સમયગાળાથી મુક્તિ. અધરવાઇઝ હું શરીરથી ફુલાઈ જાઉં એને માટે એક્સ્ટ્રા વર્કઆઉટ કરવું પડે એ તો ઠીક; બાળક ભૂખ્યું થાય, રડે - બાપ રે, ક્યાં સુધી તેને સાચવવા મારે વ્યાપારમાંથી સમય કાઢવો! એના કરતાં જેની કૂખ લઉં તે જ મને બાળક પાંચ વરસનું કરીને આપે એ સોદામાં સમજદારી છે! આમાં વારસદારની ખાલી ખુરસી પણ ભરાશે ને હું છુટ્ટીની છુટ્ટી!

નિકિતાને દ્વિધા ન રહી. હવે એવાં સ્ત્રી-પુરુષ ખોળવા રહ્યાં જે અનુક્રમે પોતાનો ગર્ભ અને બીજ આપી શકે!

નિકિતાનાં એવાં અંગત સ્વજનો તો કોઈ હતાં નહીં કે કૂખ ભાડે દેવા તૈયાર થાય. ઊંધો એવો કાયદો છે, પણ એના તો ઉકેલ નીકળી આવે. દેશમાં ક્યાં સઘળા કાયદા પળાતા હોય છે! ખાસ કરીને અમે શ્રીમંતો તો પૈસો વેરીને ધાર્યું સુખ મેળવી શકીએ.

આ મામલે નાણાંની કોથળી છૂટી મૂકવા નિકિતા તૈયાર હતી. કૂખ એવી સ્ત્રીની જોઈએ જે ખરેખર તો મારી આસપાસના પરિસરમાં જ રહેતી હોય. તો જ મારી તેના પર ચોપ પણ રહે. નૅચરલી, મારી નિશાની ઉછેરતી સ્ત્રી મારા કાબૂમાં તો હોવી જ જોઈએ. આવા ચાર-છ વિકલ્પ વિચાર્યા બાદ નિકિતાનું મન બંગલાના રસોઈવાળા મહારાજની બૈરી પર બેઠું.

અઠ્ઠાવીસેક વરસની જુવાન બાઈ શ્યામલી જાતની ઊંચી. સર્વન્ટ ક્વૉર્ટર્સમાં ધણી સાથે રહેનારી શ્યામલીએ બંગલાની દેખરેખનું કામ ઉપાડી લીધેલું. તેને ખુદનો ત્રણ વરસનો દીકરો છે એટલે એ દૃષ્ટિએ ૫ણ બાઈ અનુભવી ગણાય. તેની તંદુરસ્તી પણ દેખીતી છે. મહારાજને ગામમાં જમીન-ઘર કરાવી આપવાનું કહીશ તો બેઉ હોંશે-હોંશે કૂખ દેવા રાજી થઈ જવાનાં.

પછી સવાલ રહે છે પુરુષબીજનો.

આમ તો સ્પર્મ-બૅન્કમાંથી બીજ મળી રહે, પણ જેના વિશે હું કંઈ જ જાણતી ન હોઉં એવાને મારા અંશનો ભાગીદાર કેમ બનાવું? એટલું જ નહીં, મારા વારસનો પિતા કમ્પ્લીટ્લી હેલ્ધી હોવો જોઈએ. ઈવન જિનેટિકલ ડિસઑર્ડર નથીને એની સઘન તપાસ બાદ જ બીજ લેવાનું વિચારાય. કોઈ પણ ઐરાગૈરાનું બીજ ઓછું હું લેતી હોઈશ! એ પુરુષ મારા જેવો સ્ટેટસવાળો ભલે ન હોય, એક્સ્ટ્રીમલી હૅન્ડસમ તો હોવો ઘટે. વર્ણનો ઉજળિયાત અને બુદ્ધિઆંક ઊંચો જોઈએ. આ બધું વારસાઈમાં ઊતરતું હોય છે. આમાં ઉતાવળ કરવા જેવી નથી. બહુ કાળજીથી ડોનર પસંદ કરવો પડશે.

પરિણીત પુરુષ કામ નહીં લાગે. તેઓ ભાગ્યે જ પરસ્ત્રીને પોતાનું બીજ આપવા તૈયાર થાય. તેની પત્ની એવું કરવા જ નહીં દેને! નિકિતાની નજર પોતાના પરિઘના કુંવારા જુવાનો પર ફરવા માંડી. એસ્કોર્ટ તરીકે રીઝવનાર નિહાર જેવાનોય વિચાર કરી જોયો, પણ મન પાછું પડ્યું. મારે ‘ધંધે બેઠેલા’ પુરુષની સહાય લેવાની? નો વે!

‘મૅમ, આપણે ફાઇનૅન્સ ઑડિટનો નેક્સ્ટ રાઉન્ડ ક્યારે રાખવો છે?’

એક બપોરે અર્ણવ કૅબિનમાં ડોકાયો ને આ જ વિચારોમાં ખોવાયેલી નિકિતાની કીકી ચમકી ઊઠી - અહા!

અર્ણવ શાહ! અત્યંત આકર્ષક જુવાન કસાયેલા બાંધાનો છે, સિંગલ છે, હોશિયાર છે. આબરુદાર ગણાય એવા ઘરનો છે...

બીજ બાબત અર્ણવના પ્લસ પૉઇન્ટ્સ સામે માઇનસમાં કંઈ મળ્યું નહીં અને નિકિતાએ નક્કી કરી લીધું - મહેતા એમ્પાયરનો વારસ અર્ણવના બીજથી ફલિત થશે!

નક્કી કર્યા પછી બેસી રહેવાનું નિકિતાના સ્વભાવમાં નહોતું. જોકે પ્રસ્તાવ મૂકતાં પહેલાં અર્ણવ-શ્યામલીનું મેડિકલ ચેક-અપ થઈ જવું ઘટે... રિપોર્ટ્સ ઓકે હોય તો જ આગળ વધવું.

બંગલાના તમામ નોકરની સઘન દાક્તરી તપાસ કરવાનો પ્રોગ્રામ ઘડીને તેણે શ્યામલીની જરૂરી ટેસ્ટ્સ કરાવી લીધી. કંપનીમાં કર્મચારીઓના હેલ્થ ચેક-અપનો રાઉન્ડ પ્રિપોન્ડ કરીને અર્ણવનાં સૅમ્પલ્સ ડીટેલ ઍનૅલિસીસ માટે મોકલાવાયાં એની સ્ટાફમાં બીજાને શું, અર્ણવને ખુદને ભનક નહોતી!

***

ઍન્ડ ધ ડે અરાઇવ્ડ!

૧૪ ફેબ્રુઆરી વૅલેન્ટાઇન્સ ડેની વહેલી સવારે જૉગર્સ પાર્કનો રાઉન્ડ પતાવીને અર્ણવે કૉલ જોડીને સિમરનને ઊંઘમાંથી જગાડી : આજે પ્રણયદિવસનો સૂરજ ઊગ્યો તોય પ્રીતની દેવી હજી નીંદર માણે છે? તૈયાર રહેજો મૅડમ, આજે સાંજે એક જબરદસ્ત સરપ્રાઇઝ દેવાનો છું!

સામા છેડે સિમરનનું હૈયું શરમથી ધડકી ગયું. પાછલા થોડા દિવસથી અર્ણવના થનગનાટમાં બેમાંથી એક થવાની અધીરાઈ છલકાઈ જતી. વેલ, એનો વાંધો પણ ક્યાં છે?

‘મને તમારી સરપ્રાઇઝનો બેતાબીથી ઇન્તેજાર રહેશે. ’

અર્ણવના હૈયે મુગ્ધતા ઘૂંટાઈ.

ઑફિસમાં પણ મન ન લાગ્યું. વારે-વારે ખિસ્સામાં મૂકેલી ડાયમન્ડની રિંગની ડબ્બી પસવારી લેતો. પ્રેયસીને પ્રપોઝ કરવા વૅલેન્ટાઇન્સ ડેથી શુભ મુરત કયું હોય? સિમરનને રોમૅન્ટિક ડેટ પર લઈ જઈને રિંગ પહેરાવી દેવી છે! તેને બહુ ગમતી રેસ્ટોરાંમાં કૉર્નર ટેબલ પણ બુક કરાવી રાખ્યું છે... આનો કેફ જંપવા દે એમ નહોતો. કલાક વહેલા નીકળી જવાનું વિચાર્યું ત્યાં મૅડમનો ફોન રણક્યો : અર્ણવ, આજે ઘરે જવાની ઉતાવળ ન કરતા. થોડું કામ છે!

લો, મૅમને કામકાજ માટે વૅલેન્ટાઇન્સ ડેની જ સાંજ મળી? અર્ણવનો જીવ કોચવાયો. રોમૅન્ટિક ઈવની કલ્પના કડડડભૂસ થતી લાગી, પણ અણધાર્યું બનવાની એ તો હજી શરૂઆત હતી!

***

‘શું થયું? અર્ણવ આવે તો છેને?’ દેવયાનીબહેન થોડાં અથરાં થઈ ગયાં.

તેમનું ચાલે તો દિકરી સિમરનને ક્યારની પરણાવી દીધી હોત, પણ તેણે વળી કરીઅર જમાવવી હતી. જોકે પછી ફાઇનૅન્સ કંપનીમાં કામ કરતો અર્ણવ જેવો મિત્ર બન્યો એમાં તે પોતાનો ભાવિ જમાઈ જોતા થઈ ગયેલાં. તેનાં મધર વિનીતાબહેનનો સ્વભાવ પણ કેવો રૂડો હતો.

અહીં પણ સિમરન જ આડી ફાટી. વેલસેટલ્ડ થયા પછી જ પરણવાની તેની જીદ પોતાની સમજ બહાર હતી : તમે બે જણ કમાનારા હો પછી શી ફિકર! સંસાર અને કારકર્દિી સમાંતરે દૃઢ થઈ જ શકે... પણ દીકરી નમતું જોખે એવી ક્યાં હતી? પાછો રમણીક (પિતા)નો તેને ટેકો. આમાં ને આમાં વિનીતાબહેન બિચારાં દીકરાનાં લગ્નનો લહાવો લીધા વિના ઊકલી ગયાં એનો મને તો આજેય વસવસો છે. અર્ણવ-સિમરનની દોસ્તી હવે સાવ છૂપી નથી. ઘણી વાર ઘરે આવતો-જતો અર્ણવ પાડોશી-સગાંઓની આંખે ચડ્યો જ હોય. બધાને ભલે સિમરનના મિત્ર તરીકેની ઓળખ આપીએ, તે બેઉ આજે નહીં તો કાલે પરણવાના એવી ધારણા સાચી પડવાની હોય એમ આજે વૅલેન્ટાઇન્સ ડેની સવારે અર્ણવનો ફોન આવ્યો ત્યારની સિમરન ખુશમિજાજમાં આવી ગયેલી. અર્ણવની સરપ્રાઇઝ લગ્ન માટેની જ હોય! દીકરીના થનગનાટે રોમાંચ દોડી ગયેલો : હાશ હવે મારી સિમરન ઠેકાણે પડવાની! રમણીકે આનો આનંદ જતાવ્યો. સાંજે બેઉ બહાર જ જવાનાં હોય, છતાં પોતે નાસ્તામાં કંઈકેટલું બનાવી કાઢ્યું અને અત્યારે, ઑફિસથી આવેલી સિમરન કહે છે કે અર્ણવને મોડું થશે. મતલબ? દીકરીનાં લગ્નમાં મુદત જ કેમ પડ્યા કરે છે! મોડો તો મોડો, અર્ણવ આવશે તો ખરોને?

‘અફકોર્સ મા...’ સિમનરે ધરપત આપી, ‘તેની નિકિતા મૅડમે અચાનક જ કશું કામ ખોળી કાઢ્યું છે. તેને ફોસલાવીને જલદી આવવાની ઉતાવળ અર્ણવને ઓછી નથી! ’

દેવયાનીબહેનને આ સાંભળવું ગમ્યું.

***

‘બેસો અર્ણવ...’

સાંજે સાત વાગ્યે ઑફિસ ખાલી થયા સુધી નિકિતાએ અર્ણવને એક યા બીજા કામમાં વ્યસ્ત રાખ્યો અને પછી કૅબિનમાં તેડાવીને તેણે બેઠક લેતાં શરૂઆત માંડી.

‘તમારા રિપોર્ટ્સ મેં જોયા, એકદમ ફિટ છો તમે. તમારા ફૅમિલી, પેરન્ટ્સમાં કોઈ આનુવંશિક રોગ તો નથીને?’

‘નો...’ ડોક ધુણાવતા અર્ણવને જોકે ધડ-માથું સમજાયાં નહીં.

‘શું છે કે એક જૉબ માટે મેં તમારું નામ ફાઇનલ કર્યું છે.’ નિકિતાએ આંગળીમાં પેન રમાડી, ‘પૂરા એક કરોડનું રિટર્ન છે. ’

એ....ક કરોડ! અર્ણવ જરા હેબતાયો.

‘આટલું એક કામ થાય એટલે તમને કંપનીમાંથી છુટ્ટી. આપણે ફરી ક્યારેય આમનેસામને નહીં થઈએ. ’

અર્ણવનું ચિત્ત ચકરાવે ચડ્યું. મૅડમે એવો કયો નવો ધંધો શોધી કાઢ્યો?

‘મારે એક્ઝૅક્ટ્લી કરવાનું શું થશે મૅડમ?’ પછી પોતાની કન્સર્ન જતાવી, ‘ઇફ યુ ડોન્ટ માઇન્ડ, આપણે કાલે સવારે આના માટે બેસીએ? આજે વૅલેન્ટાઇન્સ ઈવ છે. સો આઇ હૅવ ટુ વિલ ફૉર માય ડેટ.’

ડેટ! નિકિતા હોઠના ખૂણે મલકી, ‘ગ્લેડ ટુ નો કે તમારે ગર્લફ્રેન્ડ પણ છે. આઇ મીન, તમારા જેવો આદર્શવાદી જુવાન અને ઇશ્કબાજી...’

અર્ણવના ચહેરાએ રતાશ પકડી, ઘેલું હૈયું ચૂપ ન રહ્યું, પ્રણયગાથા કહીને ઉર્મેર્યું, ‘આજે સિમરનને પ્રપોઝ કરવાનો છું.’

ત્યારે તેને જાણે છૂટો કરવો હોય એમ નિકિતાએ ડ્રૉઅરમાંથી ચેકબુક કાઢીને ચેકમાં વિગત ભરવા માંડી, ‘અંગૂઠી સાથે તેને દસ લાખનો આ ચેક પણ આપજે. આપણી ડીલની સાઇનિંગ અમાઉન્ટ.’

આ પણ વાંચો : કથા-સપ્તાહ : રંગરસિયા (મહોબતભર્યું મનડું 1)

હવે અર્ણવ ગંભીર બન્યો, ‘ચેક લેતાં પહેલાં હું એટલું જાણવા માગીશ કે મારે કરવાનું શું છે? ’

જવાબમાં નિકિતા રિવૉલ્વિંગ ચૅરને અઢેલીના બેસી, ‘આવતો મંગળવાર શુભ દિન છે. સવારે તમારે વરલીના ડૉ. ત્રિપાઠીના નર્સિંગ હોમ જવાનું છે. ત્યાં તમારું સ્પર્મ ડોનેટ કરી દો પછી તમે છૂટા.’

‘શું?’ અર્ણવને થયું કે પોતે સ્પર્મ શબ્દ ખોટો સાંભળ્યો.

‘તમે બરાબર સાંભળ્યું.’ નિકિતાનો સુપ્રીમો ભાવ ઊછળ્યો, ‘તમને ગર્વ થવો જોઈએ. મહેતા કુટુંબના ભાવિ વારસ માટે, મારા સરોગેટ સંતાન માટે તમારું બીજ લેવાનું મેં નક્કી કર્યું છે.’

વૉટ! ધારણા બહારનું સાંભળી અર્ણવ ડઘાયો. (ક્રમશ:)

columnists