Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કથા-સપ્તાહ : રંગરસિયા (મહોબતભર્યું મનડું 1)

કથા-સપ્તાહ : રંગરસિયા (મહોબતભર્યું મનડું 1)

11 February, 2019 12:30 PM IST |
સમિત પૂર્વેશ શ્રોફ

કથા-સપ્તાહ : રંગરસિયા (મહોબતભર્યું મનડું 1)

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મહોબતભર્યું મનડું

તે હાંફી રહ્યો. બાંદરાના ઘર નજીકના જૉગર્સ પાર્કમાં વીસથી પચીસ મિનિટનું રનિંગ તેની ફેવરિટ એક્સરસાઇઝ હતી. સૂર્યોદય પહેલાંનો તે પાર્કમાં પહોંચી જાય ત્યારે જોકે થોડાઘણા દોડવીરો આવી ચૂક્યા હોય ખરા. કોઈ ગ્રુપમાં હોય તો કોઈ પોતાની જેમ એકલવાયું. રોજેરોજ એકના એક લોકો ભેળા થતા હોય ત્યાં જાણ-પિછાણ થવી સ્વાભાવિક છે. જોકે ગુડ મૉર્નિંગ કે હાય-હલોથી વિશેષ વાતોની ફુરસદ નથી હોતી. અર્ણવ પણ કાને હેડફોન લગાવીને મોબાઇલમાં પોતાને બહુ ગમતાં લતાનાં ગીતો ચાલુ કરી દે. પછી વીસ મિનિટના રાઉન્ડમાં કોઈ વિરામ નહીં.



‘તમારામાંના કેટલા જણ નિયમિત કસરત કરે છે?’


ગયા મહિને કંપની દ્વારા આયોજિત ફિટનેસ ટ્રેઇનિંગમાં ટ્રેઇનરે પૂછેલું. એના જવાબમાં પોતે જૉગિંગનું કહેતાં તેનાથી જાણે મનાયું નહોતું : આઇ થૉટ તમે રેગ્યુલર જિમ જતા હશો. કહેવું પડે, તમે બૉડી એકદમ કસાયેલી રાખી છે!

‘ઈવન આઇ થૉટ ઑફ ધૅટ...’


લંચ-બ્રેકમાં નિકિતામૅમે પણ કહેલું.

પાર્કના બાંકડે ગોઠવાઈને શ્વાસોચ્છ્વાસ નિયંત્રણમાં કરતો અર્ણવ વાગોળી રહ્યો.

સંસારમાં પોતે એકલો. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ થઈને કામે લાગ્યો. બે ઠેકાણે જૉબ બદલી ત્યાં સુધીમાં વારાફરથી પિતા-માતા સાથ છોડી ચૂકેલાં. દોઢેક વરસ અગાઉ મહેતા ગ્રુપ ઑફ કંપનીઝના ફાઇનૅન્સ મૅનેજર તરીકે જોડાયો.

ચારેક હજાર કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી પબ્લિક લિમિટેડ કંપનીનાં સર્વે‍સર્વા છે નિકિતા મહેતા. પિતાના હાથ નીચે વ્યાપારમાં ઘડાયેલી દીકરી માબાપના સ્વર્ગવાસ પછી મલબાર હિલના મહેલ જેવા નિવાસસ્થાનમાં એકલી રહે છે, સિંગલ છે. અપાર બુદ્ધિમત્તા અને એવું જ અમાપ સૌંદર્ય! પાંત્રીસેક વરસની નિકિતાનો ઠસ્સો નિરાળો છે. કંપનીના ડિરેક્ટર્સ અને ટૉપ મૅનેજમેન્ટ પર તેનો કડપ વર્તાતો. નરીમાન પૉઇન્ટની કૉર્પો‍રેટ ઑફિસમાં તેની હાજરી હોય ત્યારે સ્ટાફ અલર્ટ થઈ જતો. વ્યાપારમાં આગળ વધવાનું વિઝન એકદમ ક્લિયર. સમયની એટલી જ ચુસ્ત. નિર્ણયની સૂઝ, ગ્રોથની મહત્વાકાંક્ષા.

જોકે બૉસની કૂથલી કરનારો સ્ટાફ દરેક જગ્યાએ હોય છે. નિકિતા પણ અપવાદ નહોતી.

‘રજાના દહાડે પણ મીટિંગ ગોઠવી કાઢી મૅડમ હાર્ટલેસે! બાઈ પોતે પરણી નથી એટલે ફૅમિલી હૉલિડેની વૅલ્યુ પણ શું હોય?’ કોઈ આમ બોલતું ને બીજાને મોકો મળી જતો : બાઈ પરણી નથી એ સાચું, પણ તે વર્જિન હશે ખરી?

‘એ તો તેની સાથે સૂઈએ તો ખબર પડે...’

ભદ્દું હાસ્ય પ્રસરી જતું. અર્ણવને અરુચિ થતી : મૅડમની પર્સનલ લાઇફ જોડે આપણને શી લેવાદેવા? આપણે આપણા કામ જોડે નિસબત હોવી જોઈએ. જોકે પછી ગંદી મજાક કરનારાઓને મૅડમની જીહજૂરી કરતા જોઈને રમૂજ થતી. ક્યારેક નિકિતા તેમને ફાયરિંગ આપે એ જોવાની મોજ પડતી.

બીજું કોઈ હોત તો કૂથલી કરનારાઓની ચાડી ખાઈને નિકિતાને વહાલું થાત. અર્ણવની એ ફિતરત નહોતી, એવા સંસ્કાર નહોતા. જાતમહેનતે પ્રગતિ કરવામાં માનતા અર્ણવને શૉર્ટકટની જરૂર પણ ન વર્તાતી, બલ્કે પોતાના ક્ષેત્રમાં તે અપડેટ રહેતો. બુદ્ધિગમ્ય તો હતો જ એટલે તેનું કામ જ બોલતું. ફાઇનૅન્સની અટપટી મૅટરમાં નિકિતા પણ તેનો ઓપિનિયન પૂછે એનાથી વધુ સન્માન શું હોય? ઇન્ક્રીમેન્ટરૂપે રિવૉર્ડ તો હૅન્ડસમ રહેતું જ.

‘મૅડમના તમારા પર ચાર હાથ છે.’ વિવાન વ્યંગમાં કહેતો.

ઑફિસ પૉલિટિક્સ ક્યાં નથી હોતું? કંપનીની કૉર્પોરેટ ઑફિસના ૭૦થી ૮૦ જણનો મહદંશે સ્ટાફ નિરુપદ્રવી હતો, પણ અંદરોઅંદરની ખેંચતાણમાં માનનારા થોડાઘણા નમૂના અહીં પણ હતા. વિવાન એમાંનો એક.

વયમાં લગભગ અર્ણવ જેવડો - ૨૭-૨૮નો હશે. કંપનીમાં જોકે સિનિયર. નિકિતાની ચાપલૂસી કરવાનું ચૂકે નહીં. પરચેઝમાં કામ કરનારો વિવાન નાની-નાની બાબતોનો અહેવાલ મૅડમને પહોંચાડતો હોય છે એવું કહેવાતું. અર્ણવને જોકે કૉર્પોરેટ કલ્ચરની ફાવટ હતી. કોણ કેવું છે એનો અંદાજ પામ્યા પછી વિવાન જેવાથી તે સલામત અંતર રાખતો. ટૂંકા સમયગાળામાં અર્ણવે નિકિતા પર જમાવેલી ઇમ્પ્રેશન ખટકતી હોય એમ વિવાન રિસેસ-ટાઇમમાં આવીને વ્યંગ કરી જતો, એથી અકળાવાને બદલે અર્ણવ હસી નાખતો - જેવું તમે માનો!

અર્ણવને સમજ હતી કે વિવાન જેવા ભલે ગમે એ ફીફાં ખાંડે, નિકિતા કેવળ તેમના આધારે બેસી રહેનારી નહોતી. કંપનીની ઇવેન્ટ્સમાં હાજર રહીને તે જાણે બધાને તોલી-માપી લેતી. કૉર્પોરેટમાં કર્મચારીઓને અપડેટ રાખવા વિવિધ ટ્રેઇનિંગ યોજવામાં આવતી હોય છે. એમાંય ક્યારેક પાર્ટિસિપન્ટ તરીકે હાજરી પુરાવીને તે તારવવાજોગ તારવી લે.

ગયા મહિને થયેલી ફિટનેસની ટ્રેઇનિંગમાં ત્રીસ જણના બૅચમાં તે પણ એક હતી અને પોતે જિમ જતો હોવાના ટ્રેઇનરના અનુમાનમાં તેણેય ટી-બ્રેકમાં ટાપશી પુરાવતાં અર્ણવ મંદ મલકેલો, ‘નો મૅમ. મે બી હું થોડો ડાયટ કૉન્શ્યસ છું, આહારવિહારમાં નિયમિત છું એટલે કદાચ એવો ફિટ જણાતો હોઉં.’

‘ઓહ, ધૅટ્સ ગુડ. મારે તો જોકે ઘરમાં જ હેલ્થ-ક્લબ છે. ઍન્ડ આઇ ડૂ રેગ્યુલર વર્કઆઉટ.’

એટલે જ તો ૩૫ વરસેય તેની કાયા કેવી સપ્રમાણ છે! આવું જોકે બૉસને કહેવાય નહીં, એટલે અર્ણવે સ્મિતથી કામ ચલાવેલું.

‘તમને તો તમારી નિકિતા જ વહાલી લાગવાની.’ સિમરન મીઠો છણકો કરતી.

પ્રેયસીની યાદે અત્યારે બાંકડે બેઠેલા અર્ણવના હોઠ મલકી પડ્યા.

ઑફિસ-કલ્ચરથી સાવ ભિન્ન અર્ણવનું અંગત વિશ્વ હતું. થોડા અંતમુર્ખી સ્વભાવના અર્ણવનું મિત્રવર્તુળ ઝાઝું ન મળે. પર્સનલ ફ્રેન્ડ તો કોઈ જ નહીં. તેનાં મધર વિનીતાબહેન મેંશના ટપકા જેવું બબડીયે લેતાં : મારો અર્ણવ એકલગંધો. તેના માટે વહુ પણ મારે જ શોધવી પડશે. તે કંઈ લવમૅરેજ કરે એવું લાગતું નથી!

એવું જોકે બન્યું નહીં. મહેતા ગ્રુપ ઑફ કંપનીઝ પહેલાં અર્ણવ એક ફાઇનૅન્સ ફર્મમાં કામ કરતો. ત્યાંની અકાઉન્ટન્ટ ગર્લ સિમરન સાથે અનાયાસ હૈયું મળી ગયેલું.

ફર્મની ઑફિસ ચર્ની રોડ ખાતે. બેઉએ ફર્મ લગભગ સાથે જ જૉઇન કરી. અર્ણવ બાંદરાથી બેસ્ટની જે બસ પકડતો, વરલીથી સિમરન એમાં જ ચડતી. સાથે કામ કરતી બે વ્યક્તિ વચ્ચે સ્મિતની આપ-લેનો સંબંધ સંધાયો. ક્યારેક બસમાં બહુ ભીડ હોય ને સિમરન પોતાની સીટને અઢેલીને ઊભી હોય ત્યારે અર્ણવ અદબથી ઊભો થઈ જતો : તમે બેસો, પ્લીઝ...

એક વાર સિમરને કહી દીધું, ‘તમે બાંદરાથી જ જગ્યા રાખીને આવતા હો તો...’

બસ, પછી તો સાથે આવવા-જવાનો સિલસિલો અર્ણવે જૉબ છોડી ત્યાં સુધી ચાલતો રહ્યો. અર્ણવની સરખામણીએ સિમરન ટૉકેટિવ. શરૂ-શરૂમાં કંપનીના કામને લગતી વાતો થતી. પછી આપોઆપ નવા વિષયો ઊખળતા ગયા. અર્ણવને સિમરનની કંપની ગમવા માંડી. ક્યારેક તે રજા પર હોય ત્યારે યાત્રા સૂની લાગતી, ઑફિસમાં અધૂરપ મહેસૂસ થતી.

‘છે કોણ આ સિમરન! હમણા તારા મોઢે વારંવાર આ નામ સાંભળું છું...’

ઘરે માએ બરાબર પકડ્યું. પિતા રહ્યા નહોતા. માને સિમરન બાબત કહેતાં અર્ણવનો ચહેરો રતાશ પકડી લેતો : બૅન્કર પિતા અને ગૃહિણી માતાની એકની એક દીકરી લાડકોડમાં ઊછરી છે. આપણા જેવો જ ઉચ્ચ મધ્યમવર્ગીય પરિવાર મૂળ સુરતનો છે...

પછી તો એક-બે વાર ઘરે પણ આવેલી સિમરન વિનીતાબહેનને સુશીલ-સંસ્કારી જણાઈ હતી.

‘અર્ણવ, તને છોકરી ગમતી હોય તો કરીએ કંકુના.’

તેમને ઓછી હોંશ નહોતી, પણ આયુષ્યે સાથ ન આપ્યો. હૃદયરોગના હુમલામાં તે પાછાં થયાં એ આઘાતથી ભાંગી પડેલા અર્ણવને જાળવવામાં સિમરન અગ્રેસર રહી. બલકે તેનું નવું જ પાસું અર્ણવ સમક્ષ ઊઘડ્યું.

‘બી પ્રૅક્ટિકલ ઇન લાઇફ.

માતા-પિતાની જગ્યા કોઈ લઈ શકે નહીં, પણ છેવટે તો તેઓ પણ તેમના પેરન્ટ્સનું દુ:ખ વિસારે પાડીને સંસારમાં મસ્ત રહ્યા જને.’

‘કેમ કે તેમને આપણું અનુસંધાન હતું, સિમરન... હું તો સાવ એકલો થઈ ગયો.’

‘કેમ - હું નથી?’

આમાં પ્રણયનો સ્વીકાર હતો, સંબંધનો ચિતાર હતો. અર્ણવની આંખો એટલે પણ ઊભરાયેલી, ‘કાશ, મા આપણાં લગ્ન જોઈને ગઈ હોત...’

‘ઓહ અર્ણવ...’ સિમરન સહેજ ઠપકાભેર કહેતી, ‘આમ રડતા રહેવાથી પાર નહીં આવે. પુરુષને વળી શોભતું હશે? અને લગ્નમાં હજી સમય છે.’

અર્ણવે અશ્રુ લૂછ્યાં - મતલબ?

‘પહેલાં કરીઅરમાં તો સેટ થઈએ અર્ણવ? લાઇફમાં ગ્રોથ તો જોઈએ કે નહીં! આપણાં શમણાંને સ્મૉલ કાર સુધી સીમિત શું કામ રાખવાં? થિન્ક બિગ.’

આનો ઇનકાર પણ કેમ હોય? નોકરી બદલવાથી માનો શોક વિસારવાનો અવકાશ પણ મળી રહેશે... અર્ણવે ફરી ઇન્ટરવ્યુ આપવા માંડ્યા. ‘મહેતા’માં નંબર લાગ્યો ને વ્યસ્તતા તેને સ્વસ્થ કરતી ગઈ... દરમ્યાન સિમરન સાથે સંપર્ક સતત રહ્યો. અવારનવાર બેઉ મળતાં રહેતાં. તેના ઘરનાને સંબંધનો વાંધો નથી. બલકે તેમના આશીર્વાદ છે. કંપનીમાં સિમરન વિશે કોઈ જાણતું નથી, પણ સિમરન સમક્ષ પોતે ખુલ્લી કિતાબ જેવો રહે છે એટલે તે બધું જાણે. અને નિકિતાની વાત નીકળતાં ટીખળ પણ કરી લે...

એની યાદે અર્ણવ અત્યારે પણ મહોરી ઊઠ્યો. પાર્કમાંથી ઘરે જતાં ફૂલોની દુકાન પર નજર ગઈ અને સાંભરી આવ્યું કે વૅલેન્ટાઇન્સ ડે ઢૂંકડો છે! આમ તો બે વરસથી આ રોમૅન્ટિક ડે નિમિત્તે સિમરનને ફ્લાવર્સ-ચૉકલેટ્સ ગિફ્ટ કરતો હોઉં છું. આ વખતે રિંગ ધરીને વૅલેન્ટાઇન્સ ડેને યાદગાર બનાવી દેવો છે!

અર્ણવે નક્કી તો કર્યું, પણ શું થવાનું હતું એની કોને ખબર હતી?

***

આહ! નિકિતા ચિત્કારી ઊઠી. ગજબનો સ્ટૅમિના છે આ જુવાનમાં! ગયા અઠવાડિયે લેડીઝ ક્લબમાં તેના સ્ટિપ ડાન્સનાં વખાણ સાંભળ્યાં ત્યારે જ તેને માણવાનું નક્કી કરી લીધેલું...

‘મારી નિકી નિર્ણય લેવામાં બહુ ઝડપી.’ પિતા ધીરજલાલ મહેતા ગર્વથી કહેતા.

અને આમાં અતિશયોક્તિ નહોતી... ગર્ભશ્રીમંત પરિવારની એકની એક દીકરી તરીકે લાડકોડમાં ઊછરેલી નિકિતા બહુ નાની વયે માતા-પિતાના જીવનમાં પોતાનું સ્થાન, સમાજમાં પિતાનો રુત્બો અને અમીરીનું અગત્ય સમજી ચૂકેલી. પરિણામે ધાર્યું કરવાની, મેળવવાની આદત તેનો સ્વભાવ બનતી ગયેલી. આત્મવિશ્વાસુ તો તે હતી જ. એમાંથી ઍટિટ્યુડ ગંઠાતો ગયો. પોતાનો જ કક્કો ખરો કરવાની રીત બહારના વિશ્વમાં બેધડક તે અજમાવતી જે લીડરશિપનો ગુણ પાકો કરી ગઈ. મોટી થતાં યૌવન પાંગર્યું ને સૌંદર્યની મૂડી તેના તેજને નિખારતી ગઈ. પ્રતિષ્ઠિત કુટુંબોમાંથી તેના માટે કહેણ આવવા માંડ્યાં, પણ નિકિતાના પ્લાન્સ જુદા હતા : પહેલાં તો મારે બિઝનેસમાં ઘડાવું છે. કોઈએ એમ ન કહેવું જોઈએ કે ધીરજલાલને દીકરો નહોતો એટલે તેમના પછી તેમનો વ્યાપાર ખાડે ગયો!

આનો ઇનકાર પણ કેમ હોય? ધીરજલાલે હોંશભેર નિકિતાને કેળવવા માંડી. બુદ્ધિમત્તાને કારણે થોડામાં ઘણાની જેમ સમજી જતી નિકિતાને પિતા વખાણતા એમાં બનાવટ નહોતી. કંપનીનો ગ્રોથ એનો પુરાવો હતો. હવે તો કહેણ સાથે આગ્રહ-દબાણ વધવા માંડ્યાં.

ખાસ તો માના આગ્રહને કારણે નિકિતા મુરતિયા જોડે બેઠક ગોઠવતી, પણ છેવટે તો પોતાના તેજ આગળ તેને સૌ ઝાંખા જ લાગતા. દીકરીને પરણાવવાની માવતરની ઇચ્છા મનમાં રહી! અકાળે માબાપ જવાનું દુ:ખ હતું, પણ દીકરીનાં લગ્નની તેમની હોંશ અધૂરી રહ્યાનો શોક નહોતો. સંસારમાં એકલા પડ્યા પછી તે જાતને બિઝનેસમાં વધ ુને વધુ વ્યસ્ત કરતી ગઈ.

કંપનીની ઘ્ચ્બ્ની ખુરસી નિકિતા માટે રાજાનું સિંહાસન હતું. એક્ઝિક્યુટિવ્સને કટ-ટુ-સાઇઝ રાખવા તેને ગમતા. સ્ટાફમાં પોતાની ચોંપ વર્તાય એ માટે તે ખબરદાર રહેતી. માણસ પારખવાની તેને સૂઝ. વિવાન જેવા ખુશામતખોરને બાતમીદાર તરીકે વાપરતી એમ અર્ણવ જેવા પ્રતિભાશાળી જુવાનનો અભિપ્રાય માગવામાં નાનમ પણ નહીં.

નિકિતામાં પોતાનું અંગત જાળવવાની સાવધાની પણ હતી. અચ્છો વેપારી પોતાની સ્ટ્રૅટેજી છાની જ રાખે એ ચોકસાઈ સ્વભાવગત થઈ જતાં પર્સનલ લાઇફમાં પણ એનો પડઘો પડ્યા વિના કેમ રહે?

હાઈ સોસાયટીની પાર્ટીઓ પણ વ્યાપાર વિસ્તારવાના રૂટ જેવી છે. એમાં ભળતી નિકિતા હળવું ડ્રિન્ક લઈ લે, કદીક જુગાર ખેલી લે; પણ પ્રાઇવેટ લાઇફનો પટારો સાવ અકબંધ રાખે. કોઈ આ વિશે સવાલ કરે તો હસી નાખે, સિફતથી વાત બદલી કાઢે. બાકી સેલિબ્રેશનના મૂડમાં શરીરસુખની અધૂરપ સાલતી. એનો ઇલાજ પણ ક્યાં નહોતો? પાર્ટીઓમાં આંખ-કાન ખુલ્લાં રાખીને તે એસ્ર્કોટ્સના રેફરન્સ મેળવતી ને પછી તો એકમાંથી બીજી કડી મળતી જતી. અલબત્ત, કોઈ તેને પૂછનાર-કહેનાર નહોતું, તોય પૂરેપૂરું ઊઘડી જવામાં નિકિતા માનતી નહીં. ગુપ્તતા જાળવવા મુંબઈને બદલ લોનાવલાના ફાર્મહાઉસમાં તે નર્બિંધપણે કામસુખનો લહાવો લેતી. જોકે મહિને માંડ એકાદ વીક-એન્ડ એટલી ફુરસદ મળતી. ન મળે તો પણ નિકિતાને ઊલટી વેપારની વ્યસ્તતા ગમતી.

કોઈ પુરુષ પથારીમાં બહુ ગમી જાય તો ફરી વાર તેડાવે ખરી, પણ શય્યાસાથી જોડે ઇમોશનલી ઇન્વૉલ્વ થવાનું નિકિતા માટે સંભવ નહોતું. તેની લાગણીઓ હંમેશાં દિમાગના નિયંત્રણમાં રહેતી. એસ્ર્કોટના સંગાથમાં તેનું લક્ષ્ય કેવળ પૈસાવસૂલીનું રહેતું, સેફ સેક્સનો નિયમ વિના અપવાદે પાળતી.

અને ફિટ રહેવામાં માનતી. શારીરિક તંદુરસ્તી માનસિક જુસ્સામાં મહત્વનો ભાગ ભજવે છે એવું નિકિતાને શીખવવાનું ઓછું હોય!

એટલે તો આજે પાંત્રીસમા વરસેય મારી કાયાનાં અંગઉપાંગ જોઈને નિહાર જેવા ૨૪-૨૬ના જુવાનિયાઓ ભાન ભૂલીને રસથાળ માણવા તૂટી પડે છે!

આના ગુરૂરભેર નિકિતાએ નિહારને ભીંસી દીધો!

***

આ પણ વાંચો : કથા-સપ્તાહ: સંગમતીર્થ (સંસાર-સંન્યાસ 5)

‘આમ તો બધું બરાબર છે

નિકિતા, બટ...’

ડૉ. રુચિ બ્રહ્મભટ્ટના અધ્યાહારે નિકિતા ટટ્ટાર થઈ. (ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

11 February, 2019 12:30 PM IST | | સમિત પૂર્વેશ શ્રોફ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK