કથા-સપ્તાહ : રંગ દે ચુનરિયા (હોલી કે દિન... - 2)

19 March, 2019 10:47 AM IST  |  | સમિત પૂર્વેશ શ્રોફ

કથા-સપ્તાહ : રંગ દે ચુનરિયા (હોલી કે દિન... - 2)

રંગ દે ચુનરિયા

હોલી કે દિન...

‘કેવો રહ્યો આજનો દિવસ?’ રાત્રે રૂમમાં એકલાં પડતાં અહર્નિશે પલંગ પર પત્નીની પડખે ગોઠવાતાં પૂછ્યું.

પિયરની સરખામણીએ અહીં જગ્યાની મોકળાશ વર્તાતી. ઋત્વી હૉલમાં સૂતી, સાસુ-સસરા કિચનમાં સૂએ ને પોતે બેડરૂમમાં એ વ્યવસ્થાથી તારિકાને શરૂઆતમાં સંકોચ થયેલો - મારા આગમને મમ્મી-પપ્પાજી રૂમને બદલે રસોઈમાં સૂએ એ મને તો ન ગમે. આપણે તેમની કમ્ફર્ટ પહેલાં જોવાની. કિચનમાં આપણે સૂઈ રહીશું.

આમાં દેખાડો કે આયાસ નહોતા. અહર્નિશને તારિકાનું આ રૂપ વધુ ગમતું - તું મારી ફૅમિલી માટે કેટલી કન્સર્ન કરે છે!

‘હવે એ મારી પણ ફૅમિલી છે, જનાબ.’ તારિકા કહેતી ને અહર્નિશ તેને પ્રણયપાશમાં ગૂંગળાવી મૂકતો.

વેવિશાળથી લગ્ન સુધીમાં તારિકાએ સાસરિયાંનાં હૈયાં જીતી લીધેલાં. દાદ૨ની આર્ટ્સ કૉલેજમાં છેલ્લા વર્ષમાં ભણતી ઋત્વી સાથે બહેનપણાં ગંઠાઈ ગયેલાં. શનિ-રવિ અહર્નિશ જોડે આઉટિંગનો પ્રોગ્રામ બને એમાં તે ઋત્વીને પણ ઘણી વાર તેડાવતી.

‘મારા ભાઈ કરતાં તમે વધારે ડાહ્યાં છે, ભાભી,’ ઋત્વી તારિકાને વખાણી મોટા ભાઈને ચીડવવાનો લુત્ફ માણતી, ‘નાટક-સિનેમા જોવા જાવ ત્યારે મને યાદ તો કરો છો. બાકી મારા ભઈલાને તો હું અત્યારે કબાબમાં હડ્ડી જેવી લાગતી હોઈશ!’

તારિકા સમજતી કે નાની બહેન અહર્નિશ માટે શ્વાસપ્રાણ સમાન છે. પોતાનાં લગ્નમાં ખોટો ખર્ચો‍ ન કરવા માગતા અહર્નિશે બહેનને ધામધૂમથી પરણાવવી છે એ જાણી બીજી કોઈ હોત તો વાંધો ઉઠાવત, તારિકાએ ઊલટો સાદ પુરાવેલો- તમે કહેશો એવી ધૂમધામ કરીશું, અહર્નિશ, તમારી ઇચ્છા મારા માટે સર્વોપરી. ઋત્વી મનેય ઓછી લાડલી નથી!

તારિકાનો ભાવ અહર્નિશને સ્પર્શી જતો. કહો કે બે હૈયાં એક થઈ ચૂકેલાં. જોકે મૅરેજ પછી બેડરૂમને બદલે કિચનમાં સૂવાના તારિકાના પ્રસ્તાવને અહર્નિશે જ ફગાવી દીધેલો - તું શું માને છે, મેં મમ્મી-પપ્પાને ન કહ્યું હોય! પણ એ લોકો આપણને સ્પેસ આપવા માગે છે તારિકા, તેમની લાગણીને માથે ચડાવીએ.

પરિવારના સુખ માટે કટિબદ્ધ અહર્નિશ તેના ઘરનાનો એટલો જ લાડકો હોવાનો આ દેખીતો પુરાવો હતો.

‘મેં કહેલું ને-’ વિદ્યાબહેન દીકરીની ખુશીથી પોરસાતાં, ‘આવાં વર-ઘર છોડાય નહીં!’

એ તો સાચું, પણ ખટકો એક જ હતો. લગ્નના થોડા દિવસ અગાઉ પોતાની કામચલાઉ નોકરી પણ છૂટી ગઈ છે એવું અહર્નિશને કહેવાયું નહોતું. આમાં તેમને છેતરવાનો ભાવ નથી, નોકરી બાબત જૂઠ બોલવામાં ક્યારેક મારો સ્વાર્થ રહ્યો હશે, પણ અહર્નિશ સાથે હૈયાગાંઠ બંધાઈ પછી મારું એક સત્ય તેમને મારાથી દૂર કરી દેશેનો ભય મને ચૂપ રહેવા મજબૂર કરે છે!

નવી નોકરી ખોળવામાં પણ જોખમ હતું. અહર્નિશ જરૂર પૂછે કે ઘાટકોપરની કાયમી નોકરી છોડતાં પહેલાં તેં મને જાણ પણ ન કરી? પર્મનન્ટ જૉબ છોડી બીજે પ્રોબેશન પર જવામાં કયું શાણપણ છે?

તેમના વાજબી સવાલો કે તારણોનો કોઈ જવાબ મારી પાસે નહીં હોય... બેટર છે કે આ વિષયમાં ચુપકી જ રાખવી! હા, પોતાને ફરીથી કામ પર લઈ લેવાની વિનવણી મહેતા સ્કૂલના સિનિયર સ્ટાફથી માંડી પ્રિન્સિપાલ મૅડમને તે કરતી રહેતી, જોકે વાત બનવી મુશ્કેલ હતી. છટણી કરાયેલી તારિકા એકલી નહોતી. તેની સાથેના બીજા ત્રણનો કૉન્ટ્રૅક્ટ પૂરો થતાં તેમનેય રુખસદ અપાયેલી.

નોકરીમાંથી છૂટી કરાયા પછી તરત દિવાળી વેકેશન હતું, પછી લગ્ન લેવાયાં. બધું ભૂલી તારિકાએ જીવનનો મહામૂલો પ્રસંગ માણ્યો. માથેરાનનું હનીમૂન એક્ઝૉટિક રહ્યું. મુંબઈ પરત થઈ અહર્નિશે ત્રીજા દિવસથી નોકરી પર જવા માંડ્યું. તારિકા ઘર સંભાળવામાં મગ્ન થઈ. છેવટે અહર્નિશથી ન રહેવાયું. અઠવાડિયાના અંતે તેણે પૂછી લીધું - તારિ, સ્કૂલમાં ક્યાં સુધીની છુટ્ટી મૂકી છે?

સ્કૂલ. સુખસ્વર્ગમાં વિહરતી તારિકા જાણે ધરતી પર પટકાઈ.

‘હા વહુ,’ દમયંતીબહેને ટહુકો પૂર્યો, ‘તું ઘરની ફિકર ન કર, તમે તમારા ભવિષ્યનું વિચારો. અને જો, લગ્ન સાદાઈથી થયાં એટલે તું કોઈને બોલાવી શકી નહીં હોય, પણ તારે ત્યાંની સખીઓને ઘરે ભોજન માટે નિમંત્રવી હોય તો બેધડક કહેજે.’

બીજા સંજોગામાં તેમનો આગ્રહ ગદ્ગદ કરી ગયો હોત, એને બદલે કમકમી જવાયેલું - સારું છે, મારી સ્કૂલની દુનિયાથી અહર્નિશ વગેરે અજાણ જ છે. નહીંતર સ્ટાફમાંનું કોઈ ક્યાંક ભટકાઈ જતાં મારો ભાંડો ફૂટી જાત! અંહ, સ્કૂલને તો ઘરથી અળગી જ રાખો.

‘હજી એક વીકની રજા રાખી છે, અહર્નિશ, વિચારું છું સ્કૂલ રિઝ્યુમ કરતાં પહેલાં બેચાર દહાડા મમ્મીને ત્યાં જઈ આવું.’

‘જરૂર વહુબેટા.’ સાસુએ તરત મંજૂરી પણ આપી દીધી. ત્રીજે દહાડે અહર્નિશ તેને પિયર મૂકી ગયો. દીકરીનું સુખ નિહાળી માબાપે ધન્યતા અનુભવી.

‘સુખના દહાડા આ રવિવાર સુધી જ છે મમ્મી...’ છેવટે રાત્રે સૂતી વેળા તારિકાએ તોળાઈ રહેલા દુ:ખને વાચા આપી, ‘સોમવારે સ્કૂલે નહીં જવાનું કોઈ કારણ નહીં હોય મારી પાસે.’

ધીરજલાલ-વિદ્યાબહેન પણ મૂંઝાયાં. ક્યારેક તો આ તબક્કો આવવાનો જ હતો, પણ એનો સામનો કરવાની વેળાએ થાય છે કે હજી થોડી મુદત પડે તો કેવું! કમસે કમ ક્યાંક બીજે નોકરી મળી જાય ત્યાં સુધી આ ભ્રમ ટકી રહે એવું કંઈ થાય કે નહીં?

‘આવું તો એક જ રીતે શક્ય છે’ છેવટે ધીરજભાઈને જ સૂઝ્યું, ‘તું તારી નોકરીએ જ જાય છે એવો ડોળ તારે ચાલુ રાખવો પડે. સ્કૂલને બદલે સ્કૂલના મેદાનમાં બેસીને આવી જવાનું. ત્યાં તારા ઘરવાળા ઓછા જોવા આવવાના!’

‘એથી મહિના આ બાકી દહાડા નીકળશે, પણ પહેલી તારીખે પગાર જમા નહીં થાય એનું શું?’ તારિકાએ મુદ્દો ઉઠાવ્યો. કાયમી નોકરીમાં પીએફ કપાતાં સહેજે ૧૭-૧૮ હજાર રૂપિયાનો પગાર થાય. અહર્નિશ કે ઘરનું કોઈ મારો પગાર માગશે નહીં, પણ વહુ તરીકે, મારે તો મારી કમાણી શ્વશુરજીને હાથમાં મૂકવાનીને. એવું ન થતાં મારા ઘરનાને એટલું તો જરૂર લાગે કે મેં ભેદ કર્યો‍! અંહ, ખાલી-ખાલી ઘર બહાર ભટકવાનો તો અર્થ નથી.

‘છ-સાત મહિનાનો જોગ તો હું પાર પાડી શકીશ, બેટા.’ સત્ય છુપાવવાની ખિલાફ પિતામાં દીકરીનું સુખ સાચવવાની તત્પરતા તો હોય જ ને, ‘તારાં લગ્ન સાદાઈથી કર્યાં, એનો ખર્ચો બચ્યો છે જે તને જ કામ લાગશે. પહેલી તારીખે હું તારા ખાતામાં પગાર પેટે રકમ જમા કરાવતો રહીશ.’

‘ઓહ પપ્પા!’ તારિકા હળવી થઈ, ‘તો-તો કોઈ સમસ્યા જ નથી. ત્યાં સુધીમાં હું નવી નોકરીની વ્યવસ્થા પણ પાર પાડી દઈશ.’

અને બસ, એક જૂઠને છુપાવવા બીજાં જૂઠ બોલવાં પડે એમ જ થતું ગયું.

‘ચલ, તારિ, આજે હું તને સ્કૂલે ડ્રૉપ કરી દઉં.’ પહેલે દહાડે અહર્નિશે કહેતાં તારિકાએ લાડથી મનાઈ ફરમાવેલી - ના હં, મારી સ્કૂલે તમારે આવવું નહીં. હું નથી ઇચ્છતી સ્ટાફની કુંવારી કન્યાઓ તમને નિહાળીને આહ ભરતી થઈ જાય!

સવારે આઠથી બપોરે એક સુધીની સ્કૂલ હતી. સાસુમા તેને ટિફિન બાંધી આપતાં, નણંદ મોપેડ પર સ્ટેશન મૂકી જતી... બેચાર દહાડા તો પોતે ખરેખર સ્કૂલે ગઈ, ત્યાંના ગ્રાઉન્ડની આસપાસ ઘૂમતી રહેલી. એ જોકે સ્ટાફના ધ્યાનમાં આવતાં તેઓ પૂછપરછ માંડતા. રોજ કેટલાં બહાનાં બનાવવાં? એટલે તે ક્યારેક શિવાજી પાર્કના ઉદ્યાનમાં બેસતી, ક્યારેક વરલીના મૉલમાં વિન્ડોશૉપિંગ કરતી. પિયર જવામાં જોખમ હતું, ન કરે નારાયણ ને સ્કૂલ ટાઇમે પિયરમાં હોવાની ચાડી પાડોશીઓએ અજાણતાં અહર્નિશ સમક્ષ ખાધી તો ગરબડ થઈ જાય!

નિરુદ્દેશ્ય ભટકવું તેની દિનચર્યા બની ગઈ છે. ક્યારેક છાપું ખરીદી ક્રૉસવર્ડ ભરે, ક્યારેક મોબાઇલમાં કૅન્ડીક્રશ રમે યા લતાજીનાં ગીતો સાંભળે... નોકરી માટેની અરજીઓ મોકલે અને સૌથી વિશેષ, ઘરે જઈ આજના દિવસનો શું હેવાલ આપવો એ વિચારી રાખે.

આજે પણ અહર્નિશે પૂછ્યું ને તારિકા ગોખી રાખેલું કહેતી ગઈ,

‘આજે તો બહુ કામ રહ્યું. મિસિસ જોબનપુત્રા રજા પર હતાં એટલે તેમના ક્લાસ પણ મારે લેવા પડ્યા...’

કહાણી કહેવા-દોહરાવવામાં તે માહેર થઈ ગયેલી. ઘરનાને યા અહર્નિશને કહેતી વેળા છેતરવાનો ડંખ ઊપસવા દેતી નહીં. અત્યારે પણ વાત કરતાં સિફતથી એકાદ બે બગાસાં ખાધાં એટલે અહર્નિશ સચેત બન્યો.

‘મૅડમ, અત્યારથી ઊંઘવાનું ક્યાં! હજી તો...’ એ નટખટ બન્યો પછી શબ્દોનો અવકાશ રહ્યો નહીં!

………

‘આવું ક્યાં સુધી ચાલશે, જીત?’

નામ તો તેનું અજિત, પણ ઋત્વીને તો અ વિનાનું જીત જ વધુ ગમતું.

‘આવતા મહિને મારી થર્ડ યરની ફાઇનલ પરીક્ષા પતશે પછી કૉલેજના બહાને નીકળાશે નહીં, કલાસ બંક કરી આમ મળાશે નહીં...’

સવારે સાડાદસ-અગિયારનો સુમાર છે. દાદરની કૉલેજમાં ભણતી ઋત્વી ક્લાસ છોડી તેના પ્રેમી સાથે જૉગર્સ પાર્કના ખૂણે બાંકડો શોધી ગોઠવાઈ છે. આજકાલ કરતાં ત્રણ-ચા૨ મહિનાથી તેમનું લવ અફેર ચાલે છે.

એક બાજુ ઋત્વી મોટા ભાઈનાં લગ્નની તૈયારીમાં મગ્ન હતી, એ જ અરસામાં અજિતનો તેના જીવનમાં પ્રવેશ થયો.

ના, ઓળખાણ તો જૂની હતી. કૉલેજ સામે આવેલા શૉપિંગ મૉલમાં ભોંયતળિયે ઝેરૉક્સની દુકાન હતી. અજિત ત્યાંનો જુવાન ઑપરેટર. ઝેરૉક્સ સાથે સ્ટેશનરી આઇટમ્સ પણ ખરી એટલે કૉલેજિયનોનો અડ્ડો ત્યાં જામ્યો જ હોય. ઋત્વી પણ ઘણી વાર સખીઓ જોડે નોટ-પેન લેવા કે પછી ઝેરૉક્સના કામે આવતી-જતી એટલે અજિતને ઓળખતી.

‘તને ખબર છે, તેની પાસે ગંદી ફિલ્મોનો સ્ટૉક છે ને આપણી કૉલેજના બૉય્ઝ હોંશે-હોંશે એ ડાઉનલોડ કરતા હોય છે - પૈસા ચૂકવીને હોં’ સખી કામિનીએ એકાદ વાર અજિત બાબત કહેલું પણ. બૉય્ઝ આર બૉય્ઝ! ઋત્વીને આમાં કંઈ ખોટું નહોતું લાગ્યું એમ ‘આવો’ સાઇડ બિઝનેસ કરનારા સાથે પ્રણયમાં આગળ વધવાનો વિચાર પણ કેમ હોય?

બધું અનાયાસે બન્યું.

ઊતરતા વરસાદના દિવસો હતા. ભાઈના રિશ્તા દરમ્યાન ઘણી રજા પડેલી એટલે એ દહાડે વળી એક્સ્ટ્રા ટ્યુટોરિયલ માટે ઋત્વી મોડે સુધી રોકાઈ. તેના ગ્રુપના બીજા બધા નીકળી ગયેલા. ઋત્વી છૂટી ત્યારે મેઘ જળબંબાકાર હતો ને મોપૅડમાં પંક્ચર. બીજા કોઈની લિફ્ટ લેવી અજુગતી લાગી - આના કરતાં મેઇન રોડ પરથી ટૅક્સી પકડી લઉં...

હજી તો માંડ બપોરના બે થયા હતા, પણ આભે જાણે અંધારું ઓઢી લીધું હતું. મોપેડની ડિકીમાંથી રેઇનસૂટ કાઢી, પહેરી તે ટૅક્સી પકડવા સામી બાજુ આવી. પાંચેક મિનિટ ઊભી રહી, પણ જો કોઈ ટૅક્સી ખાલી નીકળે.

‘મિસ’ પાછળથી કોઈએ સાદ પાડ્યો, ‘વાંધો ન હોય તો દુકાનના ઓટલે ઊભાં રહો.’

ઝેરૉક્સનો કારીગર પોતાને આમ બોલાવે એ ઋત્વીને થોડું અજીબ લાગ્યું, પણ અમારા બે સિવાય ત્રીજું કોઈ આસપાસ છે નહીં એ જોયા પછી ઋત્વી દુકાન તરફ વળી, ‘થૅન્ક્સ અજિતભાઈ. જુઓને આજે ટૅક્સી નથી મળતી.’

‘આજે તમારે મોડું થયું? કામિની-ધારિણી વગેરે તો ક્યારનાં જતાં રહ્યાં.’

તેણે કહેતાં ઋત્વીને અહેસાસ થયો કે દુકાને બેઠો અજિત અમારું કેવું ધ્યાન રાખે છે! ગમ્યું, અને ન પણ ગમ્યું.

‘થરમૉસમાં ચા છે. લેશો?’

વરસાદી ઋતુમાં ચાની કોણ ના પાડે? ગરમ ચાના ઘૂંટે તાજગી આણી દીધી. ટૅક્સીનો મેળ જોકે ન પડ્યો, ત્યાં અજિતે સૂચવ્યું, ‘આ દુકાનના - મારા માલિકની કાર આજે મારી પાસે જ છે, ચાલો તમને ઘરે મૂકી દઉં.’

‘ના હોં’ ઋત્વી જરા ભડકી ગઈ, ‘ભાઈ જાણે તો મને ધિબેડી નાખે.’

‘એટલા બેરહેમ છે તમારા ભાઈ?’

‘ના-ના, આમ તો મને બહુ વહાલ કરે, પણ તમે મૂકવા આવો તો જાણે શું ધારી લે-’

‘ઓહ!’ અજિત હસ્યો. પહેલી વાર ઋત્વીને લાગ્યું કે ૨૭-૨૮નો જણાતો પરપ્રાંતીય જુવાન ખડતલ અને મારકણો છે.

‘આપણે તમારા ભાઈને ખોટું ધારવા નહીં દઈએ - હું તમને ઘરથી થોડું પહેલાં ઉતારી દઈશ, હૅપી?’

ઋત્વીથી ઇનકાર ન થયો. ખાસ પોતાના માટે દુકાનનું શટર પાડી માલિકની કારમાં લિફ્ટ દેવાની અજિતની ચેષ્ટા સ્પર્શી ગઈ ને કૉલેજથી ઘર સુધીની અડધો કલાકની ડ્રાઇવમાં તેના હૈયે અજિતનું નામ કોતરાઈ ગયું! હવે તો એ આલમ છે કે ક્લાસ બંક કરી બેઉ આસપાસના ખૂણાખાંચરા શોધી મહોબતની ગુફતેગૂ કરી લેતાં હોય છે!

ઋત્વીએ ત્રીજા કોઈને ગંધ આવવા દીધી નથી, પણ હવે જ્યારે ભણતર પૂરું થવા પર છે ત્યારે બીજી કોઈ પણ પ્રીતઘેલી કન્યાની જેમ તે ઇચ્છતી કે પોતાનો પ્રેમી ઘરે આવી વિધિવત્ પોતાનો હાથ માગે... ક્યાં સુધી મારે મારાં ઘરનાંને અંધારામાં રાખવાં?

આ પણ વાંચો : કથા-સપ્તાહ : રંગ દે ચુનરિયા (હોલી કે દિન... - 1)

‘તને મારી કરવા હું ઓછો વ્યાકુળ નથી ડાર્લિંગ... તું જાણે છે, મારી ફૅમિલી યુપી રહે છે. માએ તને પસંદ કરી લીધી છે, તેરી ફોટો મોબાઇલ પે ભેજી થી મૈંને. પગાર ભી અચ્છી હૈ. બસ, અત્યારે શૅરિંગમાં રહું છું એના બદલે એક રૂમનો પ્રબંધ થઈ જાય પછી તારા ઘરે આવું તો આપણા સંબંધમાં ઇનકારની ગુંજાઈશ ન રહે.’

ઋત્વી તેની સોડમાં ભરાઈ, ચુંબનનો બુચકારો સંભળાયો ને તેમના બાંકડા પાછળના વૃક્ષની બીજી બાજુ બેઠેલી તારિકા સમસમી ગઈ!

નણંદની પ્રણયચોરી આજે અનાયાસે પકડાઈ ગઈ, હવે શું? (ક્રમશ:)

columnists Sameet Purvesh Shroff