કથા સપ્તાહ - રાખ-અંગાર (યે મેરી કહાની-2)

14 May, 2019 05:31 PM IST  |  મુંબઈ

કથા સપ્તાહ - રાખ-અંગાર (યે મેરી કહાની-2)

રાખ-અંગાર

અનાહત વાગોળી રહ્યો.

જૂહુના દરિયાકાંઠે આવેલી વિલામાં એકંદરે લાઇફ મજાની હતી. ઘર નજીકની મૉર્નિંગ સ્કૂલમાં જવાનું અનાહતને તો ગમતું. સ્કૂલબસથી જ તેની ધીંગામસ્તી શરૂ થઈ જાય. બપોરે એટલી જ એનર્જીથી ઘરે પહોંચે ત્યારે મા મોટા ભાગે કોર્ટમાં ગઈ હોય. માથી ચારેક વર્ષ મોટાં કૅરટેકર છાયાબહેન બિચારાં થાકી જાય, પણ ધરાર જો અનાહત તેમને ગાંઠે - મને ભીંડાની સબ્જી બનાવી આપો તો જ હું ખાઉં!

‘અનાહતબાબા, ગઈ કાલે તો તમે કહેલું કે આવતી કાલે ફલાવરનું શાક બનાવજો માસી.’

‘હા, પણ એ તો ‘આવતી કાલ’ માટે કહેલું ને, ‘આજે’ તો મારે ભીંડી જ ખાવી છે.’ છોકરો આંખ નચાવે, ‘યુ નો, ટુડે નૉટ ટુમોરો.’

થાકીહારી માસી બિચારાં મેઇડને મોકલી ભીંડી મગાવે, પછી જ અનાહત ભાણે બેસે.      

સાંજે તેની માને રાવ કરો તો તે હસી નાખે, ‘વાહ, મારો દીકરો આજકાલનો ભેદ કરતો થઈ ગયો! આ વાત પર તો પાર્ટી થવી જોઈએ.’

દૂર ઊભો અનાહત આ સાંભળી માસી તરફ જીભડો કાઢે. તેના તરફ હસી લઈ છાયાબહેન ગંભીર બની દેવયાનીને કહેવાનું ન ચૂકે - તમે મા છો, બહેન, મમતા લૂંટાવી તમે અનાહતને ઉછેર્યો છે, પણ કાલે જ્યારે એ સમજતો થશે, પોતાના અસ્તિત્વ વિશે જાણશે ત્યારે...’

અમંગળ બોલવું ન હોય એમ માસી ચૂપ થઈ જતાં. મા ખળભળી ઊઠતી - છાયા, તારી મર્યાદામાં રહે!

માસીનાં વેણ, માનો ગુસ્સો અનાહતની સમજ બહાર હતો. વિલા પછવાડેને સર્વન્ટ ક્વૉર્ટર્સમાં રહેતાં માસી વરસોના વિશ્વાસુ હશે એટલે માને શબ્દો ચોર્યા વિના કહી શકતાં, માની વઢ પણ ખમી ખાતાં.

બાકી મા ભાગ્યે જ ગુસ્સે થાય. અનાહત પર તો ક્યારેય નહીં. અનાહત માનો હેવાયો.

હા, મા-દીકરાની દુનિયામાં ક્વચિત ટપકી પડતા ‘અંકલ’ થોડા રહસ્યમય લાગતા. અલબત્ત, તે પણ ખૂબ વહાલ કરતા, ગિફ્ટ્સ-ચૉકલેટ્સ લાવતા. તેમના આગમને ઘરની રોનક બદલાઈ જતી. મા કોર્ટમાં ન જાય, અનાહતને સ્કૂલે ન મોકલે - થોડું તું વિશ્વ‌જિત સાથે પણ રહે તો તેમને સારું લાગે!

અનાહતને વાંધો ક્યાં હતો? ઊલટું તે કહેતો - અંકલ વરસે માંડ બેત્રણ વાર આવે. વારંવાર આવતા હોય તો! મા તું મને વેકેશનમાં તેમને ત્યાં કેમ નથી મોકલતી? મા હસતી, ‘વિશ્વ‌જિત અંકલ બહુ બિઝી માણસ છે. દિલ્હીની સરકારમાં છે. આટલા દહાડા કોઈ પળોજણ વગર આવે એય બહુ!’

જોકે દસ વર્ષની ઉંમરે અનાહતને એવુંય થતું કે વિશ્વ‌જિતઅંકલ આવ્યા હોય ત્યારે મા મનેય ભૂલી જાય છે! સૌથી વધુ એ ખટકતું કે અંકલ આવે ત્યારે મા રોજની જેમ મને તેની સાથે સુવાડવાને બદલે છાયામાસી સાથે નાનાજીની રૂમમાં સૂવા મૂકી જાય.

એક રાતે તેણેય જીદ કરી. પોતે સૂવાનો ડોળ કર્યો ને છાયામાસીના સૂતાં બાદ ચુપકેથી રૂમમાંથી નીકળી સીડીનાં પગથિયાં ચડી પહેલે માળે આવેલા માના રૂમનો દરવાજો ઠોક્યો - મા, મારે તારી સાથે સૂવું છે!

મા, મા!

તેની બૂમો સાંભળી નીચે રૂમમાંથી છાયામાસી દોડતાં આવ્યાં - અનાહતબાબા, નીચે આવો. તમે તો ગજબ!

‘ના, હું મા સાથે જ સૂવાનો, મા.’

અને દરવાજો ખૂલ્યો એવો જ અનાહત પૂતળા જેવો થયો - અંદર મા નહીં, અંકલ ઊભા હતા, એય ટુવાલભેર!

‘શું માંડ્યું છે આટલી રાતે!’ અંકલ એવા તો કાળઝાળ હતા, ‘છાયા લઈ જા આને.’

છાયાબહેન ઉપર દોડી આવ્યાં ત્યાં માએ દેખા દીધી. ગાઉન સરખો

કરતી દેવયાનીએ અનાહતનો હાથ પકડ્યો, ‘તમે તેને વઢો નહીં. છાયાબહેન, તમેય જાવ. હું અનાહતને સુવડાવું છું.’

માની આંગળી પકડી ચાલતા અનાહતે ધીરેથી પૂછી લીધેલું, ‘મા, અંકલ તો મોટા છે, તોય તેમને

બીક લાગે?’

અનાહતની બાળસમજ એવી કે મમ્મી સાથે હોય એને બીક ન લાગે.

‘અંકલને ભૂલી જા, ચલ, હું તને છકોમકોની સ્ટોરી કહું...’

વાર્તામાં ખોવાઈ અનાહત ઊંઘી જતો, બધું ભૂલીયે જતો.

ફરી આવેલા અંકલ નવી સરપ્રાઇઝ લાવ્યા - દિવાળી વેકેશનમાં આપણે યુરોપ ફરવા જઈએ છીએ! હું, તું ને તારી મમ્મી.

વાઉ! એ સમયે ફૉરેન ટૂર શ્રીમંતો માટેય રૅર ગણાતી.

પંદર દિવસના પ્રવાસમાં ખૂબ મજા કરી. દરેક ઠેકાણે બે લક્ઝુરિયસ સ્વીટ બુક્ડ રહેતા અને અંકલ અડધી રાત્રે મને એકલો મૂકી મમ્મી પાસે જતા રહે છે એ વાતથી અનાહત ટેવાઈ ગયેલો.

‘મા, અંકલને તો અહીં પણ બીક લાગે છે.’ એ કહેતો ને મા હસી પડતી. બેચાર વાર અંકલને માને કિસ કરતાં જોઈ અનાહતને રમૂજ થતી- અંકલ સાવ મારા જેવા છે!

અનાહતની સમજ આગળનો પડદો ઇન્ડિયા આવ્યા બાદ ઊઘડ્યો....

આઠમામાં ભણતો અનાહત સ્કૂલ ઊઘડતાં જ મિત્રોમાં કહી વળ્યો કે અમે યુરોપમાં ખૂબ એન્જૉય કર્યું.

‘અમે એટલે કોણ – તું, તારી મા ને તેનો યાર?’ તોફાની તરીકે પંકાયેલા શ્રીનાથે રિસેસમાં બધાની વચ્ચે પૂછ્યું એનો મર્મ તો અનાહતને ન પકડાયો, પણ શ્રીનાથના હાવભાવ બહુ વીયર્ડ લાગ્યા.

‘અંકલ મારા પણ ફ્રેન્ડ છે.’ અનાહતે બચાવ કર્યો.

‘રિયલી!’ શ્રીનાથ વધુ ભૂંડું હસ્યો. ‘એટલે તારી સાથે પણ ગંદુંગંદું કરે છે?’

ગંદું-ગંદું. પોતાની વયના બીજા બૉય્ઝ કરતાં અનાહત આ મામલે થોડો પાછળ હતો, જાતીય જ્ઞાનની બારી હજી ખૂલી જ નહોતી. પપ્પા-મમ્મી બંધ રૂમમાં ભેગાં થઈ ‘ગંદું’ કામ કરે એમાંથી પછી બચ્ચું થાય એવી વાતો તેને સમજાતી નહીં. મારે ક્યાં પપ્પા છે એટલે સમજવી પણ શું કામ! જોકે પપ્પા સાથે થાય એવું કામ મમ્મી અંકલ સાથે કરતી હોય એવો આડકતરો આરોપ ખમાયો નહીં, ‘અંકલ કંઈ મારા પપ્પા નથી કે મમ્મી એમની સાથે ગંદું ગંદું કરે.’

‘અચ્છા! તો તારા પપ્પા કોણ છે? તારી પાછળ તો તારા નાનાનું નામ લાગે છે.’

અનાહત સમસમી ગયો. આજ સુધી આ વિષયમાં કદી વિચારવાનું બન્યું જ નહોતું. આજ સુધી શ્રીનાથેય આવી વાતો કરી નહોતી, પણ હું યુરોપ શું ફરી આવ્યો, બધા

ઈર્ષાથી બળી ઊઠ્યા એટલે આવો બળાપો કાઢે છે!

‘મૂરખ છે, તું અનાહત, ભણ્યો પણ ગણ્યો નહીં. તારી મા વિધવા થયાનાં વરસો બાદ તું જન્મ્યો, એટલે એનો વર તો તારો બાપ હોય નહીં. બાળક ભગવાનને ત્યાંથી નથી ટપકતું. જા, જઈને પૂછ તારી માને કે કોની સાથે ગંદું કામ કરી તારું બીજ લીધું?’

શ્રીનાથના હાસ્યમાં બાકીના વિદ્યાર્થીઓનું હાસ્ય ભળતાં અટ્ટહાસ્યના એ પડખાં ખમાતાં ન હોય એમ કાને હાથ દાબી અનાહતે દોટ મૂકી. અંતરમનમાં ઘમસાણ મચ્યું હતું - કોણ છે મારો બાપ?

‘તારા જન્મ સમયે નાના હયાત. તેમને તું બહુ વહાલો એટલે તને લીગલી અડૉપ્ટ કર્યો…’ દેવયાનીમા ક્યારેક આવું કંઈક બોલી જતી, એના પર ઝાઝું કશું વિચારવાનું બન્યું જ નહીં. માના સ્નેહમાં પિતાની ખોટ કદી અનુભવી જ નહોતી.

- પણ સ્કૂલમાં હાંસી ઊડ્યા બાદ દટાયેલાં હાડપિંજર જાણે તાંડવ કરી રહ્યાં છે:

‘અનાહતે તેના અસ્તિત્વ બાબત જાણ્યું તો...’ છાયાબહેનના શબ્દો પડઘાયા. સામે મા કેવું તાડૂકી હતી-શું કામ?

નાનાને દીકરાની હોંશ હોત તો માના નાનપણમાં તેમને માટે ભાઈ અડૉપ્ટ કર્યો હોત, જીવનની ઢળતી સંધ્યાએ મને દત્તક લેવામાં ખરેખર તો દીકરીનું પાપ છાવરવાની ગણતરી હોવી જોઈએ એટલું તો સ્પષ્ટ છે. તો પછી મારો પિતા કોણ?

- અને આંખ સમક્ષ કમરે ટુવાલ વીંટાલી ઊભેલા અંકલ દેખાયા. લંડન-પૅરિસમાં પોતાના સ્વીટમાં અંકલની ગેરહાજરી સાંભરી. માને ચુંબન ભરતા અંકલના છેલ્લા દૃશ્યે અનાહત સળગી ઊઠ્યો. ઘરમાં પ્રવેશી, ઑફિસમાં કશીક ફાઈલ ફંફોળતી દેવયાનીને પાધરકું પૂછ્યું - મા, મારો બાપ વિશ્વ‌જિત છે?

આવેશમાં ધ્રૂજતા અનાહતના પ્રશ્ને દેવયાનીને ડઘાવી દીધી.

‘સ્કૂલમાં મને સૌ ચીડવે છે મા. કહે છે તું વિશ્વ‌જિતઅંકલ જોડે ગંદુંગંદું કરે છે.’

સટાક. પહેલી વાર દેવયાનીનો હાથ દીકરા પર ઊઠ્યો. એથી જોકે અનાહત ડગ્યો નહીં. રડ્યો નહીં. સવારે ઘરેથી નીકળેલા ને અત્યારે સ્કૂલ બંક કરી પરત થયેલા અનાહતમાં આભજમીનનો ભેદ વર્તાયો. જાણે તેર વર્ષનો અનાહત રાતોરાત પુખ્ત થઈ ગયો.

દેવયાનીએ એની થથરાટી અનુભવી.

(એના સંબંધોની દુનિયા સાચે જ અટપટી થઈ ગઈ હતી. બાવીસમે વરસે માબાપે મોભાદાર ખોરડે પરણાવી, પણ છ જ માસમાં ધીરેન ટ્યુમરથી મૃત્યુ પામતાં દેવયાની વિધવા થઈ. સાસરિયાં સારાં એટલે ઘણું કંઈ દઈ તેને પિયર મોકલી આપી - દેવયાનીએ ખાસ કંઈ સુખ જોયું નથી, ટૂંકા સહજીવનમાં સ્મરણોની પૂંજીયે શું હોય! તમે તેને ફરી પરણાવજો...

દેવયાની એ આઘાતમાંથી તો ઊભરી, પણ ફરી પરણવાનું મન ન જ થયું - મારા નસીબમાં લગ્નસુખ હોત તો હું વિધવા બનત જ શું કામ! પિતા ઉદયશંકર જાણીતા ધારાશાસ્ત્રી હતા. તેણે પણ લૉ જૉઇન કર્યું. ભણીને પ્રૅક્ટિસ કરતી થઈ, સમાજસેવાનાં કાર્યો કરતા એનજીઓ સાથે જોડાઈ. 

થોડાં વધુ વરસો વીત્યાં. દરમ્યાન મા મૃત્યુ પામી. થોડા સમય બાદ વિશ્વ‌જિતનો પ્રવેશ થયો.

ખરેખર તો એનજીઓનાં અમુક ‌ક્લિયરન્સ માટે ઇન્ચાર્જ વાસંતીબહેન સાથે દિલ્હી જવાનું બન્યું, ત્યાં મુંબઈના પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા સાંસદ વિશ્વ‌જિત સાથે તેમને ઓળખ હશે એટલે હેલ્પ માટે તેમની ઑફિસે પહોંચતાં સુધીમાં વાસંતીબહેને જ તેને બ્રીફ કરેલી - વિશ્વ‌જિત મહત્ત્વાકાંક્ષી પૉલિટિશ્યન છે. રૂ‌લિંગ પાર્ટીના હાઈકમાન્ડ સાથે એવો ઘરોબો કેળવી લીધો છે કે દિલ્હીમાં નહીં, દેશમાં તેનું વજન પડે છે. રાજકારણમાં ડૂબેલો પતિ મુંબઈના સંસારજીવનથી અલિપ્ત જેવો થઈ ગયેલો એટલે વાઇફ રોહિણી વિશ્વ‌જિતથી ડિવૉર્સ લઈ ફૉરેન મૂવ થઈ ગઈ. છોકરાં હતાં નહીં, એટલે વિશ્વ‌જિતને તો ભલું થયું ભાંગી જંજાળ જેવું થયું...

દેવયાનીને પૉલિટિક્સમાં જરાય રસ નહીં. છતાં વિશ્વ‌જિતની ઑફિસમાં પ્રવેશતાં, તેને જોતાં જ પ્રભાવિત થઈ જવાયું. ચાલીસેક વરસનો વિશ્વ‌જિત ખાદીધારી નેતાઓની ટિપિકલ ઇમેજથી સાવ વિપરીત, સ્માર્ટ, સ્ટાઇ‌લિશ લાગ્યો. મંત્રાલયમાં તેના એક ફોનથી કામ થઈ ગયું એવો એનો પ્રભાવ પણ છૂપો ન રહ્યો.

વાસંતીબહેન કામ પતાવી મુંબઈ નીકળી ગયાં, પણ દેવયાની દિલ્હીદર્શન માટે ત્રણ દિવસ રોકાવાની છે એ જાણી વિશ્વ‌જિતે તક ઝડપેલી - તો તો તમે મારાં મહેમાન. મારા જેવો ગાઇડ દિલ્હીમાં બીજો નહીં મળે!

એની લઢણ પાંત્રીસીમાં પ્રવેશેલી દેવયાનીને ગુદગુદી કરાવી ગઈ. દેવયાની ખૂબસૂરત હતી, બુદ્ધિમત્તાની ચમક સામાને આંજી જતી એવો અનુભવ તો હતો, પણ વિશ્વ‌જિતને અંજાતો જોવાનું ગમ્યું.

ના, વિશ્વ‌જિત ચારિત્ર્યનો ઢીલો નહોતો, અત્યંત મહત્ત્વાકાંક્ષી રાજકારણી સેક્સકાંડમાં ન ફસાવા પણ સાવધ રહી દૂરી રાખતો. ગમે તેમ પણ, દેવયાનીની સંગતમાં સ્પાર્ક થતો હોય એમ તેણે તેને દિલ્હી દેખાડવાનું બીડું ઝડપ્યું ને બે દિવસના સહેવાસમાં બેઉ તમામ મર્યાદા ઓળંગી બેઠાં એનો દોષ કોઈ એકને દેવાય એમ નહોતો. વિશ્વ‌જિત પથારીમાં માણવો ગમે એવો પુરુષ હતો અને વરસોની પ્યાસી ધરતી જેવી દેવયાનીએ બધી શરમ નેવે મૂકી એવો રંગ જમાવ્યો કે ફરી મળ્યાં વિના ન રહેવાય!

એટલે મુલાકાતો થતી રહી, મેળાપ રચાતો રહ્યો. દેવયાનીને પોતાના પૈસા યા પોઝિશનનો ફાયદો ઉઠાવવાની મનસા નહોતી એ પારખ્યા પછી જ વિશ્વ‌જિત આગળ વધ્યો હોય. અલબત્ત, અત્યંત ગુપ્તપણે અને એ શરતે કે:

‘આપણા સંબંધમાં લગ્નનું, બાળકનું સ્થાન નહીં હોય.’

વિશ્વ‌જિત સ્પષ્ટ હતો. પરણીને દેવયાની પણ રોહિણી જેવી બની જાય એ ન પરવડે. અને વગર લગ્ને બાળક પેદા કરવાની કૉન્ટ્રોવર્સીમાં પડવું જ કેમ? દેવયાનીને આનો વાંધો નહોતો. દેવયાનીની અપેક્ષારહિત લાગણી વિશ્વ‌જિતને બાંધી રાખતી. વિશ્વ‌જિત દિલ્હીમાં રહ્યે પણ તેને વફાદાર હતો અને દેવયાનીને માટે તો વિશ્વ‌જિત દિવસ કહે તો દિવસ ને રાત કહે તો રાત. વિશ્વ‌જિત સંસારમાં એકલો હતો, દેવયાનીના પિતાએ દીકરીના નામ વગરના સંબંધ સામે આંખ આડા કાન કરવા પડ્યા.

ત્રણેક વર્ષ સમુંસૂતરું ચાલ્યું, પણ પછી દેવયાનીને ગર્ભ રહ્યો. ઉત્તેજનાના આવેગમાં પ્રોટેક્શન ચુકાયું હશે એનું ફળ ઉદરમાં પોષાવા માંડ્યું. મોટી ઉંમરની પ્રેગ્નન્સી કે પછી વગર લગ્ને મા બનવાની તાણને બદલે દેવયાની તો જોકે ઘેલી જ થઈ હતી - મારા વિશ્વ‌જિતનું બીજ મારા ગર્ભમાં પાંગર્યું! હું ધન્ય થઈ.

વિશ્વ‌જિત જોકે ભડકેલો - અનૌરસ સંતાનનું હથિયાર વિરોધીઓના હાથમાં આવે તો મારી કારકિર્દીનું બૅન્ડ વાગી જાય.

દેવયાનીએ આનું પણ માઠું ન લગાડ્યું. પુરુષને મા જેવી ઊર્મિ ઓછી હોય. એ એની રીતે વિચારે. તેણે ખાતરી આપી કે આપણું સંતાન તેના નાનાના નામે ઊછરશે, તેને ક્યારેય પિતાની અસલિયતની જાણ ન થાય.)

હવે એ જ બાળક પૂછી રહ્યો છે - મારો બાપ વિશ્વ‌જિત છે? દેવયાની સહેમી ઊઠી.

આ પણ વાંચો: કથા સપ્તાહ - રાખ-અંગાર (યે મેરી કહાની-1)

અનાહત વર્તમાનમાં સિસકારી ઊઠ્યો. પૂરી થવા આવેલી સિગારેટ આંગળીએ દાઝી હતી.

જોકે સ્કૂલના એ દિવસ પછી જિંદગી જાણે અંગાર જેવી બની ગઈ હતી, એની રાખ કદાચ આજેય ઠંડી નથી પડી!

columnists Sameet Purvesh Shroff