પરફ્યુમ (પ્રકરણ ૨)

10 January, 2023 10:33 AM IST  |  Mumbai | Rashmin Shah

‘હું પંડિતજીની ડૉટર છું... મારે થોડી એવી વાત કરવી છે જે હું જાહેરમાં કોઈને કહી શકું એમ નથી... મને થયું કે અત્યારે તમને મળીને વાત કરી દઉં.’ દીવાન સુનયના સામે જોતો રહ્યો. ‘પ્લીઝ, હું તમને મળવા આવી છું એ તમે કોઈને કહેતા નહીં...’

પરફ્યુમ (પ્રકરણ ૨)

ચોવીસ કલાકમાં પોસ્ટમૉર્ટમનો રિપોર્ટ આવી ગયો, પણ રિપોર્ટ પ્રિન્ટ થાય એ પહેલાં એ ઇન્સ્પેક્ટર દીવાનને મોકલવામાં આવ્યો.
રિપોર્ટમાં સ્પષ્ટ લખ્યું હતું કે હાર્ટ બંધ થવાના કારણે ડેથ થયું છે, જે દેખીતી રીતે જ લોકોની નજર સામે હતું. એટલે તરત જ ઇન્સ્પેક્ટર દીવાને પોસ્ટમૉર્ટમ ડિપાર્ટમેન્ટના ઇન્ચાર્જ ડૉક્ટર સોલવાણેને ફોન કર્યો...
‘બૉડી પર કોઈ જગ્યાએ ઘા...’

‘હા... હેડ પર. સ્પેસિફિક કહું તો કપાળની બરાબર ઉપરના ભાગમાં...’ ડૉક્ટરે સમજાવ્યું, ‘એ નૉર્મલ ઘા છે. અટૅક પછી બૅલૅન્સ નહીં રહેવાને કારણે જમીન પર માથું અથડાયું હોવાથી એ ઘા થયો છે. એ ઘા જીવલેણ નથી અને એમાં ઇન્ટરનલ બ્લીડિંગ પણ નથી એટલે એ શંકાસ્પદ નથી.’ ‘આ સિવાય કોઈ બીજા ચાન્સિસ...’
‘હાર્ટ ફેલનું તો કારણ...’ અચાનક ડૉક્ટરને યાદ આવ્યું, ‘હા, અમુક ડ્રગ્સ એવાં હોય છે જે હાર્ટ પર પ્રેશર ઊભું કરીને એને ફેલ કરવાનું કામ કરી શકે, પણ આ કેસમાં...’
‘આપણે એ પણ ચકાસી લઈએ ડૉક્ટર...’ દીવાને ચોખવટ સાથે કહ્યું, ‘ભલે કોઈ કારણ શંકાસ્પદ ન હોય, પણ તેઓ બધા વર્તી બહુ ભેદી રીતે રહ્યા છે... આઇ થિન્ક આપણે ડ્રગ્સ માટે વિસેરા ચેક કરી લઈએ. બેનિફિટ રહેશે...’ ‘ઍઝ યુ સે ઇન્સ્પેક્ટર...’
lll

‘પાટીલ, પંડિતને ત્યાં આવતી હતી તે લેડીને શોધવી બહુ જરૂરી છે.’
‘હા, પણ સર, સીસીટીવી કૅમેરા બિલ્ડિંગમાં જ નથી તો પછી હવે શોધીશું કેવી રીતે?’ પાટીલની વાત ખોટી નહોતી, ‘તે લેડીનો ફેસ નથી પેલા શંકરે જોયો કે નથી આપણી પાસે તેનો કોઈ ફોટો કે આપણે આજુબાજુમાં ઇન્ક્વાયરી પણ કરીએ.’

‘સુન...’ દીવાન ઝટકા સાથે ઊછળ્યા, ‘શંકરનું કહેવું છે કે તે માસ્ક પહેરી રાખતી અને આંખે સનગ્લાસિસ હોય. અત્યારે કોરોનાનો માહોલ નથી એટલે માસ્ક આપણને હેલ્પફુલ બનશે. ધ હોમ અપાર્ટમેન્ટની આજુબાજુની માર્કેટ અને શૉપ્સમાં પૂછ કે માસ્ક પહેરેલી લેડી છેલ્લે ક્યારેય ત્યાં આવી હતી...’
પાટીલ જતો હતો કે તરત જ દીવાને તેને રોક્યો... ‘એક કામ કર. ગઈ કાલે તે લેડીએ કેવાં કપડાં પહેર્યાં હતાં એ શંકરને પૂછીને માત્ર કાલની ઇન્ક્વાયરી કર...’ દીવાને અનુમાન લગાવ્યું, ‘શંકર કહે છે એમ તે લેડી પંડિતની સાથે જ ત્યાં આવી, પણ શંકર ઉપર ગયો ત્યાં સુધીમાં તે નીકળી ગઈ હતી. બને કે તે નીચે આવી ગઈ હશે અને જેવો શંકર લિફ્ટમાં ઉપર જવા રવાના થયો કે તરત ગેટની બહાર નીકળી રિક્ષા પકડીને રવાના થઈ ગઈ હોય... એ એરિયાના રિક્ષાવાળાઓને પણ પૂછ કે માસ્કવાળી મહિલા કોઈએ જોઈ છે કે નહીં...’
પાટીલ રવાના થયો એટલે દીવાનનું દિમાગ ફરી કામે લાગ્યું.

આ પણ વાંચો : પરફ્યુમ (પ્રકરણ ૧)

- પંડિતની ઉંમર પચાસ-પંચાવન જેવી હશે. સ્વાભાવિક છે કે તેને મળવા લેડી આવે છે એ વાતની તો તેની વાઇફને ખબર નહીં હોય અને એ પછી પણ કેમ ગઈ કાલે વાઇફના ચહેરા પર નામ પૂરતો પણ અફસોસ દેખાયો નહીં? શોક પણ દેખાતો નહોતો અને આંખમાં આંસુ પણ નહોતાં. કેમ?
દીવાનની શંકા ખોટી નહોતી. આ જ શંકાને તેણે મનમાં ને મનમાં આગળ ધપાવી.

‘બને કે હસબન્ડ કૅરૅક્ટરલેસ હોય એટલે વાઇફને પતિના મોત પર કોઈ અફસોસ થયો ન હોય.’ વિચારતાં-વિચારતાં ક્યારે પોતે બોલવા માંડ્યા એનું ભાન ખુદ દીવાનને નહોતું રહ્યું, ‘કૅરૅક્ટરલેસ કોને કહેવાય? જેને માત્ર ફિઝિક્સમાં જ રસ હોય અને પાત્રો બદલાતાં રહેતાં હોય. પણ શંકર તો એવું બોલ્યો કે એક લેડી આવતી હતી. એક લેડી આવતી હોય તો એનો અર્થ સીધો એટલો થાય કે પંડિત કૅરૅક્ટરલેસ ન હોય અને તેને પેલી લેડી સાથે પ્રેમ હોય... શંકરને પૂછવું પડે કે એક જ મહિલા કે પછી...’
દીવાને શંકરને ફોન કર્યો અને શંકરે એટલી જ ત્વરા સાથે ફોન રિસીવ કર્યો.
‘જી સા’બ...’

‘શંકર, પંડિતજી કો મિલને કિતની લેડી આતી થી?’
‘એક હી... જો મૈંને આપકો બતાઈ વો...’ શંકરે અફસોસ વ્યક્ત કર્યો, ‘સૉરી સા’બ, મૈં ઉસકા ચહેરા કભી ભી દેખ નહીં પાયા...’
‘વો તો ઠીક હૈ પર શંકર...’ દીવાન શબ્દો શોધતા હતા, ‘પંડિતને મળવા જે લેડી આવતી હતી તે મૉડર્ન હતી?’
‘વો તો સા’બ, હમેં કૈસે પતા?’
‘અરે ડફોળ... એમ પૂછું છું કે સેક્સી હતી તે?’
‘અરે નહીં, નહીં સા’બ, ભલે ઘરવાલે પહનતે હૈં વૈસે હી કપડે પહનતી થી વો...’ શંકરે પોતાનું ડહાપણ દેખાડ્યું, ‘ઉપર જાકર કપડે બદલ લેતી હો તો મુઝે પતા નહીં, પર આતી થી ભલે ઘરવાલે કપડે મેં...’

‘તને ઉપર બોલાવે ત્યારે પણ તે તેને ફ્લૅટમાં નથી જોઈ, ખુલ્લા ચહેરા સાથે?’
‘ના સાહેબ, તે હોય અને મને બોલાવ્યો હોય તો હું તો બહાર ઊભો હોઉં અને મને સૂચના આપવાનું કામ પંડિતજી જ કરે...’ શંકરે સહજ રીતે કહ્યું, ‘બને કે ડૉરબેલ વાગતી હશે ત્યારે તે રૂમમાં કે બાથરૂમમાં ચાલી જતી હોય...’
‘હં..’ 

ચેમ્બરમાં કૉન્સ્ટેબલ દાખલ થયો એટલે ઇન્સ્પેક્ટર દીવાને ફોન પૂરો કર્યો.
‘સર, સુનયના પંડિત મિલને આયી હૈ...’
‘કૌન હૈ વો...’
‘પંડિતજી મર ગયે ના, ઉસકી બેટી...’
‘વો ક્યૂં આયી હૈ?!’ 
સ્વગતપણે દીવાનના મોઢામાંથી નીકળ્યું અને પછી તેણે હાથના ઇશારે સુનયનાને અંદર મોકલવાનું કહીને ટેબલની ડાબી બાજુએ પડેલી પંડિતના કેસની ફાઇલ પોતાની સામે મૂકી અને ત્યાં જ ઑફિસમાં ખુશ્બૂ પ્રસરી ગઈ.
એ જ ખુશ્બૂ જે ગઈ કાલે ધ હોમ અપાર્ટમેન્ટના પંડિતના ફ્લૅટમાંથી આવતી હતી.
ખુશ્બૂથી અલર્ટ થયેલા દીવાને મહામહેનતે જાત પર કાબૂ કરવો પડ્યો હતો. તેને ખબર નહોતી કે આ જ ખુશ્બૂ તેને પંડિતનો કેસ સૉલ્વ કરવામાં હેલ્પફુલ બનવાની હતી.
lll

‘હાય...’ ચેમ્બરમાં આવનારી યુવતીએ સહજ રીતે જ પોતાનો પરિચય આપવાનો પ્રયાસ કર્યો, ‘આઇ ઍમ સુનયના...’
દીવાને આગંતુક સામે જોવાની તસ્દી લીધા વિના હાથનો ઇશારો કરીને સામે બેસવા કહ્યું અને સુનયનાએ જગ્યા લીધી.
‘યસ, વૉટ કૅન આઇ ડૂ ફૉર યુ?’
‘તમે ઉતાવળમાં હો તો હું પછી...’

‘કેસ માટેની વાત છેને?’ દીવાને પહેલી વાર સુનયના સામે જોયું, ‘જો એ વાત હોય તો હું ફ્રી જ છું... બોલો, શું કહેવું છે તમારે?’
‘હું પંડિતજીની ડૉટર છું... મારે થોડી એવી વાત કરવી છે જે હું જાહેરમાં કોઈને કહી શકું એમ નથી... મને થયું કે અત્યારે તમને મળીને વાત કરી દઉં.’ દીવાન સુનયના સામે જોતો રહ્યો. ‘પ્લીઝ, હું તમને મળવા આવી છું એ તમે કોઈને કહેતા નહીં...’
સુનયનાની આંખમાં આંસુ આવ્યાં.

‘પપ્પા તો હવે છે નહીં એટલે મમ્મીને તમે પ્લીઝ...’
‘આપણી વાત આપણી વચ્ચે રહેશે. સો ડોન્ટ વરી.’
‘સર, પપ્પાના ડેથનું દુઃખ મમ્મી કરતાં પણ મને વધારે છે.’
‘એ તો કાલે દેખાયું...’ દીવાને પૂછ્યું, ‘કાલે હું ઘરે આવ્યો ત્યારે તમે ઘરે નહોતાં...’

‘હા, ટાઉન ગઈ હતી. તમારા ગયા પછી વીસેક મિનિટમાં પહોંચી. પપ્પાની સેલ્ફ-ડ્રાઇવની ના છે. ડ્રાઇવર હાજર નહોતો એટલે મારે કૅબમાં જ આવવું પડે એમ હતું.’
‘હં...’ દીવાને ફરી વાત આગળ વધારી, ‘મમ્મીને કેમ એવું ખાસ કંઈ દુઃખ થયું હોય એવું લાગતું નથી?’
‘તે પપ્પાને કૅરૅક્ટરલેસ માને છે... બટ ઇન ઍક્ચ્યુઅલ, પપ્પા એવા છે નહીં.’ સુનયનાએ કાળમાં સુધારો કર્યો, ‘એવા હતા નહીં. પપ્પા ફિલ્મ-ફાઇનૅન્સમાં પણ હતા એટલે બનતું એવું કે તેમને મળવા માટે જે કોઈ આવે તેની સાથે ફીમેલ મેમ્બર હોય જ હોય. ડિરેક્ટર કાં તો ગર્લફ્રેન્ડ સાથે આવે, કાં તો હિરોઇનને સાથે લઈ આવે. એવું કરવાનું કારણ એ કે વાતમાં વિશ્વાસ આવે. બાકી પપ્પા એવા હતા નહીં એ હું, તેમની ડૉટર કહું છું એના પરથી તમે સમજી શકો કે...’

‘હં...’ દીવાનને સુનયનાની ફ્રૅન્કનેસ ટચ કરી ગઈ, ‘કૅરૅક્ટરલેસ તો હું પણ નહીં કહું, કારણ કે પપ્પાને નિયમિત મળવા માટે એક જ લેડી આવતી અને તે પણ દોઢેક વર્ષથી એકધારી આવતી...’
‘સર, એક વાત કહું?’ સુનયનાએ કહ્યું, ‘તે લેડી જે કોઈ હોય, તેની સાથે જરા પણ ખોટું પ્રેશર નહીં કરતા. આઇ મસ્ટ સે કે તે જે લેડી હશે તેની સાથે પપ્પાના ઇમોશનલ રિલેશન જ હશે. ગૅરન્ટી. હું મારા પપ્પાને ઓળખું છું. પપ્પા-મમ્મીના રિલેશન મેં જોયા છે. બન્ને લિટરલી કૂતરા-બિલાડાની જેમ ઝઘડતાં. ખાસ તો મમ્મી... નાની-નાની વાતમાં એટલી ટકટક કરે કે મને પણ ઘણી વાર થતું કે શું કામ પપ્પાએ આખી લાઇફ આ લેડી સાથે કાઢી? હું નાની હતી ત્યારે જ તેમણે ડિવૉર્સ લઈ લેવાની જરૂર હતી.’ ઇન્સ્પેક્ટર દીવાન સુનયનાને જોઈ રહ્યો.

આ પણ વાંચો : (Un) limited લવ (પ્રકરણ - ૨)

નવી જનરેશન માત્ર પોતાના પૂરતા જ બોલ્ડ નિર્ણયો લઈ શકે છે એવું તે ધારતો હતો, પણ અત્યારે સુનયનાને સાંભળતી વખતે ખરેખર તેને આ નવી જનરેશન પર માન થવા માંડ્યું હતું. સુનયનાની વાતથી તે પંડિતના ઘરનું વાતાવરણ સમજી શકતો હતો તો સાથોસાથ પંડિતની મનોદશા પણ સમજી શકાતી હતી.

‘મારા પપ્પા બધાને સાથે રાખીને આનંદ કરે એવા હતા, પણ મમ્મી... મમ્મીનો નેચર એવો હતો કે તેને બધું પોતાને જ કરવા જોઈએ. એટલું જ નહીં, તે પપ્પાનાં ભાઈ-બહેન સાથે પણ સારી રીતે રહે નહીં. અરે, એ લોકો ડિરેક્ટ્લી પપ્પાને ફોન કરે તો પણ એમાં મમ્મીને ગુસ્સો આવે. પપ્પા ફૅમિલીમાં સૌથી મોટા એટલે નૅચરલી તેમને પોતાનાં ભાઈ-બહેન માટે ફીલિંગ્સ તો હોય જ, પણ મમ્મીના નેચરને કારણે તેમણે બધું છોડી દીધું હતું. હું તો કહીશ કે પપ્પા ઇન્ટરનલી સતત મરતા જતા હતા. તેમનું નામ અમારી કમ્યુનિટીમાં એટલું મોટું થઈ ગયું હતું કે તે કંઈ કરી પણ શકતા નહોતા. ધારો કે... ધારો કે...’ સુનયનાએ સંભાવના બમણી કરી હતી, ‘તમે કહો છો એમ કોઈ લેડી પપ્પાના કૉન્ટૅક્ટમાં હતી તો તે લેડીના મનમાં પણ કોઈ પાપ નહીં હોય, ગૅરન્ટી સાથે કહું છું. પપ્પાને જે ઇમોશન્સની જરૂર હતી એ ઇમોશન્સ તે લેડી પાસેથી મળતાં હશે એટલું જ... બસ. મારે એ જ કહેવું છે તમને કે ભૂલથી પણ એવું નહીં માનતા કે મારા પપ્પા ખરાબ હતા. મે બી મમ્મી એવું તમને કહે તો પણ તમને સાચી વાત ખબર હોવી જોઈએ એટલે હું અત્યારે, અહીં તમારી પાસે...’

‘તે લેડી જો મને મળે તો હું બે હાથ જોડું અને કહું કે તમે મારા પપ્પાને સાચે જ સાથ આપ્યો એ બદલ લાઇફટાઇમ માટે થૅન્ક્સ...’ સુનયના ઊભી થઈ, ‘તમે તેમને પણ હેરાન નહીં કરો એવી અપેક્ષા રાખું છું. પણ હા, તેને પૂછજો કે પપ્પાને અટૅક આવ્યો એ સમયે તે ત્યાં હાજર રહેવાને બદલે નીકળી કેમ ગયાં? બસ, આ એક સવાલ મારા વતી પૂછજો... જો તે ડરને લીધે નીકળી ગયાં હોય તો પણ વાંધો નહીં, કારણ કે તેમણે પપ્પાને સાથ આપીને મારા પર સુધ્ધાં ઉપકાર કર્યો છે.’
ચેમ્બરની બહાર નીકળવા માટે સુનયનાએ વિરુદ્ધ દિશામાં પગ ઉપાડ્યા કે તરત તેની પીઠ પાછળ અવાજ સંભળાયો...
‘તમે આ જે પરફ્યુમ કર્યું છે એ બહુ જાણીતી ફ્રૅગ્રન્સ છે...’

વધુ આવતી કાલે

columnists Rashmin Shah