કથા સપ્તાહ : હું શીલા જિતેન્દ્ર દવે (શૉર્ટકટની સજા લાંબી હોય છે... - 4)

27 June, 2019 02:18 PM IST  |  મુંબઈ | રશ્મિન શાહ - કથા સપ્તાહ

કથા સપ્તાહ : હું શીલા જિતેન્દ્ર દવે (શૉર્ટકટની સજા લાંબી હોય છે... - 4)

પ્રતીકાત્મક તસવીર

અબોર્શનને હું સહેજ પણ ખોટી કે ખરાબ રીતે લેતી નથી. બાળક ન જોઈતું હોય તો ઍબોર્શન કરાવવાનું જ હોય. આ અગાઉ પણ મેં બે વખત ઍબોર્શન કરાવ્યાં હતાં. એ સમયે મને રહેલી પ્રેગ્નન્સી અમારી રાતોની મજાઓની બાયપ્રોડક્ટ હતી. આ બાયપ્રોડક્ટને હું મારી સાથે ઊંચકવા તૈયાર નહોતી અને એ જ કારણે મેં બન્ને વખતે ઍબોર્શન કરાવ્યાં હતાં અને એટલે જ ત્રીજી વખત ઍબોર્શન કરાવવામાં પણ મને કોઈ વાંધો નહોતો, પણ નારાયણ કૃષ્‍ણ મેહરા અને સ્વાતિના નવા સંબંધો વિશે જાણ્યા પછી મને અનેક વિચારો આવી રહ્યા હતા. આ વિચારો આડા સંબંધોને લઈને હતા. અત્યારે તો મારા અને નારાયણના જે સંબંધો હતા એ સીધા સંબંધો તો નહોતા જ અને આ સંબંધોના દાવે હું નારાયણની રખાત હતી. જે વ્યક્તિ પોતાની પત્નીનો નથી થયો એ વ્યક્તિ તેની રખાતનો કેવી રીતે થઈને રહે.

હા, આ હકીકત હતી.

મેં સ્વાતિ અને નારાયણના સંબંધો વિશે જેમ-જેમ વધુ જાણવાની કોશિશ કરી એમ-એમ મને નારાયણના બીજા સંબંધો વિશે પણ ખબર પડવા લાગી. દરેક જગ્યાએ એક જ મોડસ ઑપરેન્ડી નારાયણ વાપરતો હતો. સ્ટ્રગ્લરને કે ફ્રેશરને પકડો, મદદ કરો, ઉપકાર તળે દબાવી દો અને તેને દબાવ્યા પછી જિંદગીભર બાકીનું બધું દબાવવા માટેનું હાથવગું સાધન બનાવી દો. તમને ખબર છે, પ્રાણીઓમાં પોતાનો ખોરાક શોધવાની અલગ-અલગ સ્ટાઇલ હોય છે. શિયાળ ક્યારેય જાતે શિકાર નથી કરતો અને બીજાના એઠા શિકારને ખાઈને પેટ ભરે છે, જ્યારે સિંહ ક્યારેય કોઈના શિકાર પર નજર નથી નાખતો. એ જાતે જ શિકાર કરીને પોતાનું પેટ ભરે છે. માણસો પણ અલગ-અલગ પ્રકારના હોય છે. કેટલાક થાઇલૅન્ડ - પટાયા જઈને બૉડીમસાજના નામે શરીરની અને મનની વિકૃતિ બહાર કાઢે છે તો કેટલાક ગ્રાન્ટરોડ પર જઈને મજા કરી આવે છે. પૈસા આપો, શરીર ઘસો, ચાલતી પકડોની જેમ. જ્યારે કેટલાક એવા હોય છે કે તે ‍ડાયરેક્ટલી પૈસા ખર્ચીને બૉડીમસાજ કરાવવાને બદલે જાતે અને પોતાના હાથે શિકાર કરતા હોય છે. મને નારાયણ કૃષ્‍ણ મેહરા આ પ્રકારની વ્યક્તિ લાગવા લાગી હતી. પહેલાં શિકારને પાળવાનો પછી તેને ધીમે-ધીમે પંપાળવાનો. ધીરે-ધીરે પોતાનો કરવાનો અને પછી દરરોજ રાતે પથારી પર શિકાર કરવાનો...

મને હવે નારાયણ કૃષ્‍ણ મેહરાના નામથી નફરત થવા લાગી હતી. મેં ઉત્તર પ્રદેશ નારાયણના ઘરે તપાસ કરાવી લીધી હતી. નારાયણ કહેતો હતો એવું કશું જ નહોતું. નારાયણને તેની પત્ની સાથે સારા સંબંધો જ હતા. તેની પત્ની ફૅશન ડિઝાઇનર હતી અને બન્નેને બે બાળકો હતાં. આ બાળકો કોડાઈકેનાલની સ્‍કૂલમાં ભણતાં હતાં. મેં ધીમે-ધીમે નારાયણને મળવાનું ઓછું કરવા માંડ્યું અને જેટલી વખત ફોન પર વાત થઈ એટલી વખત મેં તેની પાસે તેનાં કરતૂતોનો જવાબ માગ્યો. જવાબની સાથોસાથ ઇરાદાપૂર્વક હું દરેક વખતે મારી પ્રેગ્નન્સી તેને યાદ કરાવતી. ઍબોર્શન માટેનો તેનો આ વખતે દુરાગ્રહ મને આ બાળક રાખવા માટે વધુ મક્કમ બનાવી રહ્યો હતો.

‘નારાયણ, મને એ નથી સમજાતું કે તું શા માટે ડિવૉર્સ માટે ઉતાવળ નથી કરતો...’

‘મેં તને એક વાર નહીં, પણ હજાર વખત કહ્યું છે કે...’

‘ઓકે... ઍગ્રી. ચાલ આ વખતે હું તારી પત્ની સાથે વાત કરું. બને કે એક ફીમેલ બીજી ફીમેલને જરા વ્ય‍વસ્થિત રીતે સમજાવી શકે.’

‘મને લાગે છે કે હવે તું વધુ પડતી...’

‘તને હજુ લાગે છે?’ મને નારાયણને તડપાવવાની મજા આવી રહી હતી, ‘શેઇમ ઑન યુ મિસ્‍ટર નારાયણ કૃષ્‍ણ મેહરા. હજુ તમને લાગી રહ્યું છે. હકીકત તો એ છે કે હવે હું તમને પજવી રહી છું અને આ મારી પજવણી એ દિવસે બંધ થશે જે દિવસે આપે છૂટાછેડાની ઊભી કરેલી સ્‍ટોરી સાચી પુરવાર થશે.’

‘વૉટ ડુ યુ મીન...’

‘એ જ કે નારાયણ, તારાં અને મારાં લગ્ન થાય કે ન થાય એની મને પરવા નથી, પણ હવે તો હું તારા ડિવૉર્સ કરાવીને જ રહીશ... બહુ રમાડી લીધી તેં મને.’

‘કોણ કોને રમાડતું હતું એ વિશે મારા કરતાં તને વધુ જાણ છે. નોકરી, સ્‍ટેટસ, હાઈ સ્‍ટાન્ડર્ડ લાઇફ...’

‘બદલામાં આનાથી પણ ઘણું વધુ મેં તને આપ્‍યું છે, હરામી...’

એ રાતે નારાયણે પહેલી વખત તમાચો માર્યો હતો અને પછી તરત જ મારા પગ પાસે બેસીને મારી માફી માગવા લાગ્યો હતો. નારાયણની આંખમાં આંસુ આવી ગયાં હતાં.

નારાયણની આંખમાં આંસુ, મહારાષ્‍ટ્ર ગવર્નમેન્ટના ચીફ સેક્રેટરીની આંખમાં આંસુ. જાણે કે હું આતંકવાદી હોઉં અને આ માણસ આખા રાજ્ય વતી મને કહી રહ્યો હોય કે મારી મોટી બહેન અમને છોડી દે...

મારા આ જ વિચારો પર હું હસી પડી હતી.

નારાયણ જેવા માણસો છોકરીઓના પગ પહોળા કરાવવા માટે દોડતાં આવી જતા હોય છે, પણ એ જ લોકોને ભાન નથી હોતું કે જો છોકરી ચાલુ કામકાજે પગ બંધ કરી દેશે તો તે ફસાઈ જશે. નારાયણ ફસાયો હતો. બરાબરનો ફસાયો હતો. મારા બે પગ વચ્ચે તેનું બાળક જો હતું. નારાયણ ચૂં કે ચાં ન કરી શકે એવી હાલત તેની મેં કરી નાખી હતી. એ રાતે મેં તેને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું હતું કે આજ પછી તારે આ ઘરમાં ત્યારે જ આવવાનું છે જ્યારે તારા હાથમાં ડિવૉર્સના પેપર્સ આવી ગયા હોય. નારાયણે જતી વખતે મને બાળક વિશે પૂછ્યુ હતું. મેં જવાબ આપી દીધો હતો કે આ બાળક તો હવે જન્મ લેશે જ અને જે દિવસે મને એવું લાગ્યું કે તું મારી સાથેની લગ્નની કોઈ તૈયારીઓ નથી કરી રહ્યો એ દિવસે હું પ્રેસ કૉન્ફરન્સ કરીને બધા વચ્ચે જાહેર કરીશ કે મારા પેટમાં જે બાળક છે તેનો બાપ મહારાષ્‍ટ્ર સરકારનો આ બની બેઠેલો રંડીબાજ છે.

નારાયણ ચાલ્યો ગયો.

મને નહોતી ખબર કે હું જે કંઈ કરી રહી હતી એ સાચું હતું કે ખોટું, પણ મને એટલી ખબર હતી કે નારાયણને મારા જેવી કોઈ ઔરત હજુ સુધી મળી નહીં હોય. નારાયણે દૂધ પાઈને નાગણ એટલે કે મને ઉછેરી હતી. આ જ નાગણ હવે તેને ડંશવાની હતી અને મેં નક્કી કર્યું હતું કે નારાયણને સીધોદોર કરી દઈશ.

અઠવાડિયા પછી મારી સ્‍ટોરીનો વૉઇસઑવર પૂરો કરીને હું બહાર આવી ત્યારે મેં મારા મોબાઇલમાં નારાયણનો મિસકૉલ જોયો. મેં ફોન નહોતો કર્યો, પણ બીજી પંદર મિનિટમાં જ ફરીથી તેનો ફોન આવ્યો. તે મને મળવા માગતો હતો. મેં ના પાડી દીધી અને સાથોસાથ પૂછી પણ લીધું કે ડિવૉર્સ ફાઈલ કરવાના કામનું શું થયું.

‘હો રહા હૈ... શાયદ અગલે હફ્તે હો જાએગા... ઍડવોકેટ સે ભી બાત હો ગઈ...’

‘જો નારાયણ, મને રમત નથી જોઈતી. મને તૈયાર કરવામાં તારો મોટો હાથ છે. જો હું ધારીશ તો તું કેટલું સાચું બોલે છે અને કેટલું ખોટું બોલે છે એ હું જાણી શકીશ એટલે...’

‘તારે જોઈએ છે શું? મને કંઈ ખબર પડે તો...’

‘અત્યારે તો કશું નહીં... અત્યારે તો મને તને આમ રિબાવવામાં મજા આવે છે...’

મેં મોબાઇલ કટ કરી નાખ્યો હતો.

એ સમયે મને નારાયણનો ઊતરી ગયેલો ચહેરો જોવાની બહુ ઇચ્છા હતી, પણ આપણે ત્યાં હજુ વિડિયો ફોન ક્યાં આવ્યા છે?

જો વિડિયો ફોન આવ્યા હોત તો મને પણ ખબર પડી હોત કે મેં કેવા જંગલી જેવા

માણસની સાથે દુશ્મની આદરી દીધી છે.

‘આ સાલ્લી શીલાનું કંઈ કરવું પડશે હવે... (ગાળ) બહુ નડી રહી છે. આડી ચાલવા લાગી છે....’

નારાયણે મોબાઇલનો સોફા પર ઘા કરીને રાઘવ ચૌધરી સામે જોયું.

રાઘવ ચૌધરી. ઉંમર અંદાજે ઓગણત્રીસ વર્ષની. બહુ ઓછું બોલનારો અને માત્ર નારાયણનો આદેશ માનનારો. રાઘવ મોટા ભાગે નારાયણની આસપાસ રહેતો. નારાયણ જ્યારે ઑફિસમાં પોતાની ચેમ્બરમાં હોય ત્યારે રાઘવ વિધાનભવનની બહાર ચક્કર લગાવ્યા કરતો હોય. રાઘવને હું પણ ઓળખતી હતી. જોકે નારાયણ અને રાઘવ વચ્ચે કયા સંબંધો હતા એ મને ખબર નહોતી. તમે હિન્દી ફિલ્મોના વિલનનો રાઇટ હૅન્ડ જોયો છેને. બસ, આ રાઘવ પણ નારાયણના રાઇટ હૅન્ડ જેવો જ હતો.

રાઘવ તરફથી કોઈ પ્રત્યાઘાત ન આવ્યા એટલે નારાયણ ઊભો થઈને રાઘવ પાસે આવ્યો.

‘દેખ રાઘવ, ઇસ બાર જો કામ કરના હૈ વો ઇતના આસાન નહીં હૈ, સાલ્લી નાગીન હૈ નાગીન... કિસી કો ભી દંશ દે સકતી હૈ.’

‘વો પરેશાની આપ છોડ દો...’

‘મૈં પરેશાન નહીં હૂં, રાઘવ. મૈં તો બસ ઇતના ચાહતા હૂં કિ ઇસ મામલે મૈં તેરા નામ ભી ના આએ.’

‘હો જાએગા... વૈસે ભી કુછ લડકે ઐસે હૈ કિ જો અભી-અભી એક્ઝામ સે ફ્રી હૂએ હૈ ઔર કામ કે લીએ કહે રહે થે.’

આ પણ વાંચો : કથા સપ્તાહ : હું શીલા જિતેન્દ્ર દવે (શૉર્ટકટની સજા લાંબી હોય છે...)3

ડાયરીનું પાનું પૂરું થયું એટલે અનુરાગે પેજ ઊથલાવ્યું. આગળનાં બન્ને પાનાંઓ પર કોઈ લખાણ નહોતું, પણ ન્યુઝપેપરનું કટિંગ ચોટાડવામાં આવ્યું હતું અને આ કટિંગમાં મોટા અક્ષરોએ લખ્યું હતું, ટીવી જર્નલિસ્‍ટ શીલા જિતેન્દ્ર દવેની હત્યા...

હેડિંગની નીચે સબ-ટાઇટલ હતું, પોસ્ટમૉર્ટમ રિપોર્ટ મુજબ પત્રકાર શીલા દવે પ્રેગ્નન્ટ હતી અને તેને ચોથો મહિનો ચાલી રહ્યો હતો...

(વધુ આવતી કાલે)

columnists Rashmin Shah